ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પૂજા તત્સત્/એક મેઇલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
એક મેઇલ

પૂજા તત્સત્




એક મેઇલ • પૂજા તત્સત્ • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ


તારું નામ લખવાથી ડરું છું. ક્યાંક તારા નામથી તારી પ્રતીતિ એટલી ઘેરી બની જાય કે લખી જ ન શકું. ઘણા દિવસો સુધી મનમાં મેઇલ લખ્યા પછી આજે ખરેખર લૅપટૉપમાં લખી રહી છું. ગઈ કાલે લખવા ગઈ ત્યારે નીચેવાળાં પુષ્પાઆંટી આપણા બાથરૂમમાંથી એમના બાથરૂમમાં પાણી લીક થવાની ફરિયાદ સાથે આવી ગયાં. પરમ દિવસે લખવા ગઈ ત્યારે લૅપટૉપના ચાર્જરનો પ્લગ વચ્ચેથી તિરાડ પડીને છૂટો થયેલો મળ્યો. ગઈ કાલે બદલાવ્યો. મહિના પહેલાં એક વાર આમ લખવા બેઠી ત્યારે મેઇલમાં એડ્રેસમાં તારું નામ લખીને ક્યાંય સુધી એને જોતી બેસી રહી. તને, એક પતિને આવું બધું લખવું ને મેઇલમાં લખવું એ મારી તને આ બધું મૌખિક રીતે કહી શકવાની નિષ્ફળતા સૂચવી જાય છે એવું કંઈ વિચારતી રહી. વધારે પ્રયત્ન કર્યો હોત તો ગઈ કાલે પણ લખી શકી હોત અથવા પરમ દિવસે અથવા એથી આગળના દિવસે અથવા કદાચ મહિના પહેલાં અથવા એથીય પહેલાં. પણ કદાચ આ લખવાનું આજે જ બનવાનું હશે. વિચારો, લાગણીઓની પ્રવાહિતા થીજીને ઘન સ્વરૂપે શબ્દોમાં ઊતરે એના માટે આ સમયગાળો જરૂરી હશે. ઘણી વાર મનમાં લખાયા પછી આમ સાચેસાચ લખાવું એવું જરૂરી હશે. આમ જીવનને તટસ્થતાથી જોઈએ તો એક રેખા કે એક વળાંક કે એક ખૂણો કશું જ અનિયમિત કે અસંગત ન લાગે. બધું બરાબર ગોઠવાયેલું લાગે. આપણા નિર્ણયો, આપણને લેવડાવવામાં આવ્યા હોય એવા ને આપણે જાતે લીધા હોય એવું લાગતું હોય એવા પણ… પણ આટલી તટસ્થતા અફાટ રુદન બાદ જ આવતી હોય છે એવું પણ સમજાયું છે.

આમ તો શું? યાદ કરવા બેસું ત્યારે એમ.એ.માં ઍડમિશન માટેના ઇન્ટરવ્યૂની લાઇનમાં ઊભેલો સોળ વર્ષ પહેલાંનો તું દેખાય. તે વખતે તારું કપાળ અને ચહેરો અત્યારે છે એટલાં પહોળાં નહોતાં. ને પાંથી પણ આમ સાઇડમાં નહીં ને ખાસી વચ્ચે પાડતો. આંખ-નાકની સરહદો જે અત્યારે સહેજ વજન વધવાથી ભૂંસાઈ ગઈ જણાય છે એ જરા વધારે સ્પષ્ટ હતી. એ વખતે એકબીજાનું કેવું બધું સ્પર્શતું? તને મારું ક્લાસમાં હંમેશાં મોડું આવવું ને હંમેશાં પાર્કિંગની હરોળની વચ્ચે મારું વાહન મને જ ન જડવું ગમતું. ને મને તારું ક્લાસમાં હાજરી પુરાતા સહેજ ઊંઘરેટા સાદે ‘પ્રેઝન્ટ સર કહેવું ને તારું સહેજ પરસેવાથી પીઠ પર ચોંટી ગયેલ શર્ટ…

યાદોને સમેટીને લૅપટૉપના કાગળ પર પાથરવા બેસીશ તો કલાકો-દિવસો નીકળી જશે. પણ મહત્ત્વની વાત એ છે કે તને જણાવવું છે કે છ મહિના પહેલાંનો એ એસએમએસ મેં વાંચ્યો હતોઃ આઇ લવ યૂ. એ તારી સાથે તારી ઑફિસમાં છે એ તો સ્પષ્ટ છે. હું ઑફિસની પાર્ટીમાં એને મળી હતી ત્યારે મને એવું કંઈ લાગ્યું ન હતું પણ એસએમએસ બાદ એને ને અમારી એ મુલાકાતને તેં એને મોકલેલ અને મારાથી ભૂલથી વંચાઈ ગયેલ એસએમએસના સંદર્ભમાં જોવા પ્રયત્ન કર્યોઃ આઇ લવ યૂ. મારી સ્મૃતિમાં રહી ગયેલા એના ચહેરા, અવાજ અને વાતો અને તારા એને કરેલ એસએમએસ વચ્ચે અનુસંધાન શોધ્યું. એનામાં એવી વિશેષતા શોધી જોઈ જેનામાંથી આ એસએમએસ પ્રગટ્યો હોય. પહેલાં તો જુદી બરણીને જુદું ઢાંકણ વાસવાની મથામણની નિરર્થકતાની અચાનક પ્રતીતિ થાય એવું લાગ્યું. પછી બારી બહાર જોતાં અચાનક ઋતુપલટો આવી ગયો હોય એવું લાગ્યું. પછી એવું લાગ્યું કે જાણે હું ઘરને નહીં ઘર મને જોઈ રહ્યું છે તારા મોબાઇલ સ્ક્રીન પરના એસએમએસને જોતાં. હું જમીનને નહીં, જમીન મને. મારા પગના તળિયાને સ્પર્શીને કશું શોધી રહી છે મારી અંદર. મેં કોઈ કામસર કોઈનો નંબર જોવા તારો મોબાઇલ હાથમાં લીધેલો તે બંધ કરી એની જગ્યાએ મૂકી દીધો. માત્ર ‘આઇ લવ યૂ’ના એક એસએમએસથી હું આમ મેઇલ લખવા ન બેસું એ તું સમજી જ શકે. પણ એ પછી એવું ઘણું જોવા-વાંચવામાં આવ્યું જેનાથી આ બાબતને એક એકલદોકલ પ્રસંગમાત્ર તરીકે ન ગણીને આપણા બંનેના જીવનની એક ઘટના તરીકે મૂલવવી પડે. તારી બેદરકારી હોય કે મારા પરનો વિશ્વાસ કે પછી વધુ પડતો આત્મવિશ્વાસ પણ એ પછી કેટલીક વાર વૉટ્સઍપ પર તમારા બંને વચ્ચે કાવ્યો, ગીતો, અમુક પ્રકારનાં વાક્યોની આપ-લે જોઈ માત્ર ‘આઇ લવ યૂ’થી ઘણું ગાઢ. ઘણું ઘેરું, ને આ વખતે એ બધું ભૂલથી નહીં પૂરી સભાનતાથી શોધીને વાંચ્યું હતું. ઘણુંબધું એમાંથી સમજાયું ને બાકીનું તારા વ્યક્તિત્વમાં હમણાંથી પ્રવેશેલા નવા થનગનાટથી.

પ્રશ્ન એ નથી કે આપણાં લગ્ન પ્રેમલગ્ન હતાં. એ પણ નહીં કે આપણને પંદર વર્ષનું સંતાન છે. એવું નહીં કે આ વાત કોને કહેવી ને કોને ન કહેવાય. ને કોઈને ખબર પડશે તો કેવું ને કોઈ મને આવીને જણાવશે તો મારો પ્રતિભાવ શું… પ્રશ્ન એ પણ નથી કે અત્યાર સુધી હું જેને માત્ર ફિલ્મો ને સિરિયલોમાં જ બને તેવી ઘટના તરીકે જોતી હતી એ ખરેખર મારી સાથે બની છે એ સ્વીકારવું અઘરું છે. ને કદાચ એવું પણ નહીં કે હજી ગઈ ઍનિવર્સરીમાં તો તે મને ટાઇટન રાગાની ઘડિયાળ ગિફ્ટ કરી. જોકે આ બધા પ્રશ્નો તો છે જ.

મને ખબર છે અખબારોનાં પાનાંઓમાં આ પ્રશ્નોના તર્કસંગત વિગતવાર જવાબો મળી રહેશે. પુરુષોની ભ્રમરવૃત્તિ, કદાચ મારામાં કંઈ ઓછું, કદાચ એનામાં કંઈ વિશેષ… કદાચ આવા સંજોગોમાં પત્નીએ ડહાપણથી, પરિપક્વતાથી ઠંડે કલેજે કેમ વર્તવું એની ટિપ્સ પણ મળી રહે. કંઈ બન્યું જ નથી એમ વર્તવું. હું વર્તી. નિખાલતાથી પૂછી લેવું. મેં પૂછ્યું, એવું કંઈ નથી એવું તેં જણાવ્યું એ પછી મહિનાઓ વીત્યા. આપણા દીકરાની નવા વર્ષની સ્કૂલ-ફીઝ ભરાઈ. સીઝનનાં મસાલા, ઘઉં ભરાયાં, પાછળ બનતા નવા ફ્લૅટ્સમાં લોકો રહેવા પણ આવી ગયા. મારી જૉબના કલાકોમાં ઉમેરો થયો ને પગારમાં પણ.

એવું કંઈ ન હોય તો સવારે ચા પીતાં, છાપું વાંચતાં તું અચાનક વિચારોમાં ખોવાઈ જાય છે પછી ક્યારેક મલકે છે. ક્યારેક ટીવી ચાલુ કરવાનું ટાળીને બસ બેસી રહે છે એવું કેમ એવા વિચારો આવ્યા. હરેક વિચારની સાથે તારા મોબાઇલ સ્ક્રીન પર સેન્ટ મૅસેજમાં ડિલીટ કરવાનું રહી ગયેલા ‘આઇ લવ યૂ’ શબ્દો ઝબક્યા. સત્તર વર્ષ પહેલાં તેં મને પ્રપોઝ કરતાં કાર્ડમાં બ્લૂમાં સોનેરી અક્ષરોમાં લખાયેલા ‘આઇ લવ યૂ’ સાથે મનોમન એની સરખામણી થઈ. સેન્ટને બદલે રિસીવ કરેલા મૅસેજમાં આ શબ્દો મેં વાંચ્યા હોત તો? તો મારી મનઃસ્થિતિ જુદી હોત આના કરતાં? કોઈ તને પ્રેમ કરે તો વાંધો ઓછો અને તું કોઈને કરે તો વધારે એવું હશે? આ બધું શું જોખી શકાતું હશે? જોખવાથી કોઈ ફરક પડતો હશે? આમ તો અત્યારે આ મેઈલ લખીને તને મોકલવાથી પણ ફર્ક પડશે? ને ફર્ક ન પડવાથી પણ કોઈ ફર્ક પડતો હશે ખરો? તારા બદલે હું પેલા મિહિરને પરણી હોત અથવા તું મારા બદલે આ મૅસેજવાળી વ્યક્તિને પરણ્યો હોત તો? અથવા કદાચ મને પણ લગ્નનાં સોળ વર્ષ પછી કોઈએ આવીને ‘આઈ લવ યૂ’ કહ્યું હોત તો? તો મારો ચચરાટ આનાથી ઓછો હોત એવું બને? આવું બધું પણ થયું.

જાણે મારી નહીં ને છાપામાં આવતી ખબરમાંની કોઈ સ્ત્રીની વાત કરતી હોઉં એવી સ્વસ્થતાથી લખી રહી છું એવું તને લાગતું હશે. જોજે માનતો કે પીડા નથી થઈ. ઘણું રોઈ. જોકે તારી આગળ ક્યારેય નહીં. શું કારણ આપું? તેં કેમ આવો મૅસેજ કર્યો? તું કેમ મારા સિવાય બીજા કોઈને પ્રેમ કરે છે? મને એક સમયે કર્યો હતો એ પ્રેમ સાચો કે અત્યારે કોઈને કરે છે એ? ફરી જોખવાનું આવ્યું. ત્રાજવાંનો પ્રશ્ન થયો. જવાબ ન મળ્યો. વિચારો, પ્રશ્નો, શક્ય જવાબો તાજા હોય ત્યાં સુધી વિટામિનની કૅપ્સૂલ જેવા ને વાસી થયા પછી કૅપ્સૂલના નકામા થઈ જતા રેપર જેવા. ફરી આવે ત્યારે ફરી વિટામીન જેટલા મહત્ત્વના ને ફરી વાસી થઈ જાય ત્યારે રૅપરની જેમ ફેંકતાં જીવ ન બળે. ફેંકતી રહી.

તું ખોવાયેલો રહે છે એ સિવાય તારા મારા પ્રત્યેના વલણમાં કોઈ ફેર પડ્યો નથી. તારા ઑફિસે જવા-આવવાના સમયથી લઈને બધું યથાવત્ છે. એ બંનેની વચ્ચે તમે મળો છો? ક્યાં? મારી ગેરહાજરીમાં આપણા ઘરે કે પછી એના? રાત્રે ક્યારેક એવું લાગે કે તારી અંદર કોઈ બીજું તને સ્પર્શી રહ્યું હોય ને બહાર જુદું… એવું બધું પૂછવાનું, કહેવાનું અનેક વાર મન થયું. મારા માટે તમારો સંબંધ શરીરના સ્તર પર નહીં ને લાગણીના સ્તર પર હોય તો વધારે વાંધાજનક કે એનાથી ઊલટું હોય તો વધારે પીડાદાયક એવા બધા અખબારી કૉલમમાંથી રોજ ફૂટતાં, પ્રસરતાં પૃથક્કરણો લાગુ પાડી જોયાં. મને ખરેખર ક્યાં શેનો વાંધો હોવો જોઈએ એની હદરેખાઓ બાંધી જોઈ. શું વધારે મહત્ત્વનું? મન કે શરીર? કોઈ અન્ય વ્યક્તિની દિશામાં જતાં મનને નિયંત્રિત કરી શકાય? તો પછી શરીરને? તને જવાબો આપવા માટે લાચાર બનાવી દેવાનું મન થયું, પણ એમાં મને મારી લાચારી લાગી. વિગતોનું ઉઘાડાપણું વાગ્યું. મારી મથામણને કકળાટની કર્કશતાથી પ્રગટ કરવામાં શિક્ષિતતા આડી આવી. ફાસ્ટ કમ્યુનિકેશનના યુગમાં આવું તો બન્યા કરે એવું સ્વીકારવા જેટલી નિર્મમ આધુનિકતા નથી. સંપૂર્ણ સ્વીકાર જેટલી સ્થિતપ્રજ્ઞતા નથી. આ બધાંથી વચ્ચે ક્યાંક ઊભી છું.

બન્યું એવું કે આજે સવારે મેં ઑફિસે જવા નીકળતાં તને કહ્યું આજે પ્લમ્બર આવવાનો છે. તું ચા પીતો હતો. આંખો છાપામાં. નાક સુધીનો નીચેનો ચહેરો કપમાં. પ્લમ્બર સાથે વાત થઈ છે મેં વાક્ય બદલીને ફરી કહ્યું. પ્રતિભાવ ન મળતાં હું ત્રીજી વાર પ્લમ્બર બોલતી અટકી ગઈ. મને એકદમ બધું જ જાણે નિરર્થક હોય એવી લાગણી ઘેરી વળી. તું જાણે એકદમ દૂર દૂર. પ્લમ્બરવાળી વાત સિવાય જાણે આપણને જોડતી બધી જ કડીઓ એ ક્ષણે તૂટીને વિખેરાઈ ગઈ. પહેલાં આવું થતું ત્યારે હું જરા જોરથી બોલી તારું ધ્યાન ખેંચવા પ્રયત્ન કરતી. આજે એવું ન કર્યું. તારી આંખો છાપામાં નહીં પણ બાજુમાં પડેલ મોબાઇલ સ્ક્રીન પર હતી. એકીટશે તું કંઈ વાંચી રહ્યો હતો. પછી કંઈ થયું. મારી નજર સામે તારાં પાછલાં સોળ વર્ષ ઓગળી ગયાં. અચાનક તારી આંખો હસી ઊઠી. પછી એ મલકાટ તારા આખામાં પ્રસરી ગયો. તું સોળ વર્ષ પહેલાંનો તું બની ગયો જે મને કૉલેજની કૅન્ટીનમાં મળતો. જે લગ્ન પછી ઘરે પહોંચવાની તાલાવેલી સાથે બારણાંની વચ્ચે હરખાતો ચહેરો લઈ ઊભો રહેતો. એક ક્ષણ મૅસેજ કોનો હતો, શું હતો એ જાણવાની- પૂછવાની મને તીવ્ર તાલાવેલી થઈ આવી.

પણ પછી મને પણ કંઈ થયું. એ ક્ષણના પસાર થવા સાથે બધું જાણી લેવાની એ તાલાવેલી પણ જાણે પસાર થઈ ગઈ. મૅસેજ કદાચ કોઈનો પણ હોઈ શકે. કોનો ને શું હતો એ એટલું બિનમહત્ત્વનું બની ગયું, જેટલું તારા એ વખતે પહેરેલા નાઇટડ્રેસના કુરતાનું વ્હાઇટ કે સ્કાય બ્લૂ હોવું. અચાનક મને થયું કે મને શેનો વિરોધ હોવો જોઈએ? એ એસએમએસનો? એ વ્યક્તિનો? તારી પ્રન્નતાનો? એ પ્રસન્નતામાં હું સહભાગી નથી એ વાતનો? કે પછી તારા પ્રસન્ન થવાના અધિકારનો?

તને તો હજી આ વાંચીશ ત્યાં સુધી કલ્પના પણ નહીં હોય કે આજે સવારે આટલી મોટી ઘટના બની ગઈ. ઘટનામાં આપણે બેઉ એક રૂમમાં હોવા છતાં અલગ હતાં. તું ચા પીતો બેઠેલો ને હું ઊભી રહીને તને જોતી. પણ એ ક્ષણમાંથી જાણે ન્હાઈને આપણે બંને મને ફરી નવા પ્રકાશમાં દેખાયાં. તું વધારે સ્વચ્છ. હું વધારે સ્પષ્ટ.

મહત્ત્વની વાત એ છે કે તારી એ ક્ષણની અને છેલ્લા મહિનાઓની પ્રસન્નતાનું કારણ હું નહીં, બીજું કંઈ હતું. અથવા બીજું કોઈ, પ્રતીતિની માત્ર એક ક્ષણ જ હોય છે. તારી વોટ્સએપના મૅસેજ વાંચીને મલકવાની આ પહેલી ઘટના તો ન હતી પણ પરિવર્તન અને અસલામતીની લાગણીઓના આ મહિનાઓમાં એ ક્ષણે અચાનક મને સમજાયું કે ભ્રમ તૂટ્યાની વેદના સત્ય જાણવાના આનંદ કરતાં ક્યાંય વધારે હોય છે. જોકે મુક્તિ સત્ય જ આપી શકે. એ ક્ષણ મુક્તિની હતી. તને સુખી રાખવાના આયાસમાંથી મુક્તિની. તને સુખી રાખવાની જવાબદારીમાંથી મુક્તિની. તારા સુખનો આધારસ્તંભ હું છું એવા ભ્રમમાંથી મુક્તિની. ઉંમરની અત્યાર સુધીની હર ક્ષણે જુદા જુદા તબક્કામાં પ્રવેશતી પરિવર્તિત થતી મારી જાતની જુદી જુદી બધી જ આવૃત્તિઓને મેં એકસાથે એક મોટા પ્રવાહમાં ફંગોળાઈને દૂર જતી જોઈ. જે વધ્યું એ મૂળ સત્ત્વ હતું. હવા જેવું હલકું ને કિરણ જેવું પ્રકાશમાન.

આવતા મહિને મને ઓગણચાલીસ ને લગ્નને સોળ વર્ષ પૂરાં થશે. આજે જ ધ્યાન ગયું કે પાછળ નવા ફ્લૅટના પાયા નખાઈ રહ્યા છે. નવાં કુટુંબોનાં નવાં જીવનોના પાયા. ઑફિસેથી પાછા ફરતાં આપણા ફ્લૅટની વિંગ પાસે આવીને આદતવશ આકાશમાં નજર પડે ને બરાબર એ સમયે પક્ષીઓની એક લાંબી હરોળ આથમતા સૂર્યની દિશામાં પાછી ફરતી હોય. જમીન પર બાંધકામના અવાજો. માણસનો જીવન માટેનો ઘોંઘાટમય આયાસ. આકાશમાં એકએક અડોઅડ ગોઠવેલ પક્ષીઓનું સહજ સ્વસ્થ ઉડ્ડયન બંને વચ્ચેના વિરોભાબાસથી રોજ સાંજે વિચલિત થઈ જતી. આજે ન થઈ.

છેલ્લા મહિનાઓની ઊથલપાથલ પછી મને આજે સવારે જે હળવાશ અનુભવાઈ એ મારા માટે મૂલ્યવાન બની ગઈ છે. જે ઘવાય છે એ માત્ર અહંકાર હોય છે એવું મનાતું નથી. ખરેખર શું થયું છે એને પકડવા જાઉં છું ને હાથમાંથી સરકી જાય છે. ને એ હજી પૂરું સરકે એ પહેલાં કંઈ નવું પકડાય છે. હજી એને પૂરેપૂરું પકડી શકું એ પહેલાં એ સરકતું જાય છે. આટલી નાજુક સરકણી વાતને બને તેટલી સ્પષ્ટતાથી કહેવાનો પ્રયત્ન કર્યો છે. અહીં લખતાં-લખતાંય કેટલું આવી આવીને પાછું સરકી ગયું. લખતાં પહેલાં જ બટકી ગયું. પણ છેલ્લા મહિનાઓમાં જુદી જુદી ક્ષણે મારાથી પકડાયેલા એ ક્ષણોના સત્યને અહીં ઠાલવ્યું છે. ટૂંકમાં, લગ્ન હોય ને એમાં એક ઘર હોય છે કિચન હોય ને એની એક સુગંધ હોય છે. ડબલ બેડ હોય ને એમાં શ્વાસ હોય છે બે વ્યક્તિઓનાં અસ્તિત્વોના. બસ, એ શ્વાસમાં ક્યાંક ગૂંગળામણ થઈ છે.

હા, રહી વાત મારા તારા પ્રત્યેના પ્રેમની. લગ્ન પછી પ્રેમ જુદાં જુદાં પાત્રોમાં જુદાં જુદાં સ્વરૂપો ધારણ કરતો રહ્યો. ક્યારેક સેક્સ, ક્યારેક માતૃત્વ ને પિતૃત્વમાં, ક્યારેક તાવ-શરદીમાં તો ક્યારેક સારસંભાળમાં, ક્યારેક કંટાળામાં તો ક્યારેક ઝઘડામાં. પણ મુખ્યત્વે એક પરસ્પરાવલંબી સહજીવનમાં. સોળ વર્ષોના સહજીવન પછી બે પાત્રો વચ્ચેનું જોડાણ એ વ્યક્તિઓની ઉપર પણ આધારિત નથી હોતું. એ જોડાણનું પોતાનું એક આગવું અસ્તિત્વ હોય છે. વાતાવરણના એક સ્તર ઉપર પહોંચીને સ્થિર ઊડતા પતંગને જેમ પતંગધારકની ગરજ નથી રહેતી તેમ. આપણું સહઅસ્તિત્વ આપણામાંથી સરકીને અદબ વાળીને દૂર ઊભું છે આપણને જોતું. તારા માટેના પ્રેમ માટે મારે તને પકડી રાખવાની જરૂર નથી રહી.

હું નથી જાણતી કે તને ખબર છે કે હું જાણું છું. કદાચ તને બધું એટલું સહજ લાગતું હશે કે મને જણાવવાની કે હું જાણું છું એ જાણવાનો પ્રયત્ન કરવાની જરૂર નહીં લાગી હોય. જીવન આમ ને આમ ચાલી શકે છે. પણ મારે જીવનના ચલનની મધ્યમાં જઈને તને પૂછવું છે: તારા ચહેરા પર સોળ વર્ષ પહેલાંનો મલકાટ લાવનાર વ્યક્તિ તારા જીવનમાં ગોઠવાઈ શકે એમ છે? એક માર્ગ એવો છે જેના વિશે હું વિચારી શકું એવો તને કદાચ વિચાર ન આવ્યો હોય. મારી આવકના ઇન્વેસ્ટમેન્ટ માટે લીધેલ સ્ટુડિયો ઍપાર્ટમેન્ટ ગયા મહિને જ ભાડૂતે ખાલી કર્યું છે. મારા અને આપણાં સંતાન માટે પૂરતું છે. હું અમને બંનેને સંભાળી લઈશ.

હું સ્વસ્થ છું. તું મુક્ત છે.

બસ, લિ. આસ્થા.