ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પ્રવીણસિંહ ચાવડા/વિશાખાનો ભૂતકાળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વિશાખાનો ભૂતકાળ

પ્રવીણસિંહ ચાવડા

વિશાખાને જોઈ એ પછી થોડા જ દિવસોમાં એ સ્પષ્ટ થઈ ગયું કે આ સ્ત્રી મજબૂત ભૂતકાળ ધરાવતી હતી. આમ તો આ વાત ઘણી સૂક્ષ્મ હતી. કોઈને ઝટ દેખાય નહીં. એ સહુની સાથે હસીને વાત કરતી પણ એમાં એક જાતનું દૂરત હતું. વાત કરતી હોય ત્યારે બધાંથી ચારપાંચ ફૂટ દૂર ઊભી રહેતી અને વાત સાંભળવાનો, એમાં રસ લેવાનો પ્રયત્ન કરતી હોય એવું લાગતું. બોલવું, ચાલવું, ડોક ફેરવવી, પાણીનો પ્યાલો લઈ હોઠે અડાડવો – બધી ક્રિયાઓ ધીમેથી કરતી એટલે એની આજુબાજુની સૃષ્ટિ સાથે એનું આંતરિક ઘડિયાળ થોડીક ઘડીઓ ચૂકી ગયું હોય એવું લાગતું. આજુબાજુની ગતિ સાથે એનો તાલ મળતો નહોતો અથવા એ મેળવવા માગતી નહોતી. બધી દોડધામ એ શાંતિથી, અદબ વાળીને ઊભા ઊભા જોયા કરતી હતી. બધાં ચાલ્યાં? – તો જાઓ. આ ફાઈલ? હા, આ ફાઈલ. એનું શું હતું? જાણે ગાયોના ધણમાંથી છૂટી પડીને એક ગાય બધાંથી દૂર ક્ષિતિજ સામે તાકતી ચાલતી હતી. એને જોઈ લાગતું હતું કે આ સ્ત્રી અહીં નથી. એ સતત કોઈ બીજી જ જગ્યાએ છે.

નવું માણસ, એમાં વળી જુવાન છોકરી અને તે મુંબઈથી બદલી થઈને આવેલી એટલે શરૂઆતમાં એનામાં બહુ રસ રહ્યો. ફાવે છે ને અમારા ગામમાં? આમ તો સાવ ગામડું નથી. ગાયકવાડના વખતમાં ખૂબ જાહોજલાલી હતી – આવી વાતો ખૂણાના એના ટેબલ પાસે જઈ લોકો કરી આવતા. મકાન માટે ગોવિંદચકલું અને નીચો ભાટવાડો એવાં સૂચનો પણ થયાં પણ વ્યવસાયી મહિલાઓની એક હોસ્ટેલમાં એને જગા મળી ગઈ.

ઑફિસમાં ઘણી સ્ત્રીઓ કપડાંની અને વાળની ટાપટીપ, આની તેની સાથે બોલા અબોલા, હાસ્યની અને ઇશારાઓની આપલે અને સંબંધોનાં અસ્પષ્ટ કૂંડાળાં – આવા કારણે પોતાની આજુબાજુ રસનું એક કેન્દ્ર સતત જાગ્રત રાખ્યા કરતી. વિશાખાની બાબતમાં આવું ન બન્યું એનાં કારણો સ્પષ્ટ હતાં પહેલી નજરે ધ્યાન જાય એવું એનામાં કંઈ હતું નહીં અને જે હતું એને આકર્ષક બનાવવાનો કશો પ્રયત્ન એ કરતી નહીં. સૂકા ચહેરા ઉપર ગાલનાં ઊપસેલાં હાડકાં તરત ધ્યાન ખેંચતાં. આંખોની આજુબાજુ કુંડાળાં હતાં. માથાના વાળ આછા થઈ ગયા હતા તે કોઈ ટાપટીપ વગર રબરબેન્ડથી બંધાયેલો હતો તે પહેર્યા કરતી. હમણાં તાવમાંથી ઊઠી હોય એવી ફિક્કાશ ચામડી અને નખમાં હતી.

એક દિવસ ઑફિસેથી છૂટીને ઘેર જતાં મારી નજર પડી. ફૂટપાથ ઉપર મારાથી થોડેક આગળ એ ધીમે ધીમે ચાલતી હતી. અમારી વચ્ચેનું એ થોડાંક ડગલાંનું અંતર કાપવું સહેલું નહોતું, કદાચ એ દિવસે કે પછી ક્યારેય એ મારાથી કાપી શકાયું ન હોત, પણ અચાનક એ એક દુકાન આગળ ઊભી રહી અને મારી રાહ જોતી હોય એમ મારાં પગલાં સામે તાકી રહી.

સહેજ અચકાઈને હું એની પાસે પહોંચ્યો ત્યારે એ બોલી, ‘તમારા ગામમાં કોઈ વસ્તુ તો મળતી નથી.’

કેમ, કેમ?’ કહેતાં હો તો હાથી પણ હાજર કરી દઉં, કાનનાં કુંડળ લાવી દઉં – એવા ભાવથી મેં પૂછ્યું.

તો થોડીક મદદ કરશો? શું લેવાનું છે?’ ‘સાણસી અને ગળણી.

ગળણી, ગળણી, ચા ગાળવાની ગળણી… આવો મંત્ર મારા કાનમાં ગુંજવા લાગ્યો. મેં આજુબાજુ નજર કરી – કોઈ ફેરિયો કે સેલ્સમેન આ અપાર્થિવ પદાર્થો વેચે છે? મને એકાદ-બે ચોપડીઓની દુકાનોની ખબર હતી, ક્યારેક ઘર માટે મીઠાઈ કે ફળ ખરીદવાનાં હોય, પણ રસોડાનાં સાધનો મારા કાર્યક્ષેત્રની બહાર હતાં.

ખાસ મુશ્કેલી પડી નહીં. એકાદ-બે જગ્યાએ પૂછીને અમે એક દુકાન શોધી કાઢી. એ બે જાદુઈ વસ્તુઓ થેલામાં પુરાઈ ગઈ એટલે મેં પૂછયું, ‘હોસ્ટેલમાં રસોડું નથી?’

‘રસોડામાં ચા નથી મળતી. ગાલિબસાહેબના શરાબ જેવું છે. એની વ્યવસ્થા ઇન્સાને ખુદ કરવી પડે છે.’

‘તો પછી આટલા દિવસ–’

દરેક વસ્તુનો વિકલ્પ હોય છે. એ ન હોય તો ન ચાલે એવું નહીં. કોઈ વગર અટકી પડતું નથી.’

ફૂટપાથ ઉપર અવરજવર વધારે હતી. ખસીને એક ઝાડના થડ પાસે ઊભા રહેતાં એણે કહ્યું, ‘એક જૂના ટુવાલનો ટુકડો છે. એનાથી બે હાથે પકડીને તપેલી ઉતારવાની. એ થઈ ગઈ સાણસી.’

‘અને ગળણી?

છાપાના કાગળનો કકડો તપેલીની કિનારીએ મૂકીને ચા કપમાં કાઢવાની. સાચવીને રેડવું પડે પણ ચા લગભગ ગળાઈ જાય. થોડાક કૂચા ચામાં આવી જાય તે બેઠાં બેઠાં ધીમે ધીમે ચાવવાના.’

પછી ઉમેર્યું, ‘બોલો, એવું છે.’

અમે ઊભાં હતાં ત્યાં એની પીઠ પાછળ જ એક નાની હૉટેલ હતી. અમે એને કૉફીહાઉસ કહેતા. તે દિવસે ખૂબ ઇચ્છા છતાં હું કહી શકાયો નહીં. મેં કહ્યું હોત તો એ કદાચ આવી હોત. બીજા સંવાદો પણ સૂઝયા – તમારી ચા પીવા એક વાર હોસ્ટેલ ઉપર આવવું પડશે… પણ એનો ઉપયોગ થઈ શક્યો નહીં.

એ પછી ક્યારેક હું રિસેસમાં એની પાસે જઈને બેસતો. અનિલ ગોર અને મયૂરી ઠાકર પણ એમાં જોડાયાં અને એમ ખૂણામાં અમારી નાની ટી-કલબ બની. અમારાં મયૂરીબહેન ડબ્બામાં ઢોકળાં, ખાખરા, સાબુદાણાની ખીચડી આવું આવું લાવે. ક્યારેક અમે સેન્ડવિચ જેવું કંઈક મંગાવીએ. આ બધું જેના ટેબલે છાપાના કાગળ ઉપર પથરાતું એ તો ખાસ ખાતી નહીં. ખૂબ આગ્રહ થાય તો એકાદ ટુકડો મોંમાં મૂકતી. એને એક વસ્તુનો શોખ હતો અને એની એ સ્પષ્ટ શબ્દોમાં જાહેરાત કરતી, ‘આઈ લાઈક ટી.’

ચા થોડીક ઠંડી થવા દઈને નિરાંતે પીએ અને મયુરીબહેનની છૂટા કંઠે થતી વાતો સાંભળે. મયૂરીબહેનની વાતોમાં તો સાડીનાં સેલ અને નવાં ફિલ્મી ગીતો બધું આવે. એમની હાજરીમાં કોઈ વસ્તુની ટીકા ન થઈ શકે. ઘોંઘાટ કે નવી ફિલ્મો કે આજનું રાજકારણ કશા અંગે ઘસાતું બોલાય તો એમની એક જ દલીલ હોય, ‘એવું કેવી રીતે કહી શકાય? દરેક પોતપોતાની રીતે સાચું હોય છે. એમની સામે રાવણ કે દુર્યોધનની ટીકા ન થઈ શકે એમ યુધિષ્ઠિરનું પણ ઘસાતું ન બોલાય. એક તણખલા જેવડું તર્કનું દાતરડું લઈને આ સ્ત્રી ચારે બાજુ તલવારની જેમ એના પટા ખેલતી હતી. હાથમાં ચાનો કપ રાખીને વિશાખા એમને સાંભળતી ઓછી હોય અને જોતી વધારે હોય એમ હસ્યા કરતી.

એક વાર અનિલ ગોરે ધડાકો કર્યો. વિશાખાને સીધું જ પૂછ્યું, પ્રેમ વિશે તમે શું માનો છો?’

યુદ્ધમાં બે પગ ગુમાવી બેઠેલા સૈનિકને કોઈ બાળક યુદ્ધ વિશે પૂછતું હોય એવું મને લાગ્યું. સાથે એકદમ ચિંતા પણ થઈ. વિશાખા શું કરશે, શું જવાબ આપશે?

જોકે એને જવાબ આપવો પડ્યો નહીં મયૂરીબહેન અનિલની સામે ઘૂરક્યાં, તમે શું માનો છો એ કહો ને!’

‘હું તો માનું છું કે પ્રેમ જેવું કંઈ છે જ નહીં.’

એવું કેવી રીતે કહી શકાય? બધી બનાવટ ચાલે છે. પ્રેમના નામે માણસ પોતાની જરૂરિયાત સંતોષવા મથે

આખી દુનિયા ખોટી અને એક તમે જ સાચા?’ એવું મેં ક્યાં કહ્યું?’

‘આટઆટલાં માણસો દુનિયામાં પ્રેમ કરે છે તે ખોટાં? છાપામાં કેવું કેવું આવે છે. માણસો ઝૂરે છે, મોતને વહાલું કરે છે –

ચમાં પાછળ રાંક આંખોવાળી ભક્તાણી જેવી આ સ્ત્રી વિશ્વના પ્રેમીઓની વકીલાત કરતી હતી ત્યારે હું વિશાખાની સામે જોઈ રહ્યો હતો. પહેલાં એ કંઈક ચિંતા સાથે અનિલ સામે જોતી રહી. એક તબક્કે હસવું રોકી શકી નહીં અને મોં આડે હથેળી ધરી ખડખડાટ હસી પડી.

મેં પૂછ્યું, ‘કેમ?’

પેલાં બંનેની શાલેય પ્રવૃત્તિ અટકી. વિશાખાએ પાણીનો ગ્લાસ હાથમાં લીધો અને આંખો લૂછી.

તે સાંજે રસ્તામાં મેં પૂછ્યું, કેમ આટલું હસવું આવ્યું?’ પેલું કૉફી હાઉસ સામે જ હતું. એણે કહ્યું, ‘કૉફી પીશું?

અને એ થેલો છાતી સાથે દબાવીને મારી આગળ થઈ અને ખૂણાના એક ટેબલ ઉપર જઈને બેઠી.

અનિલ ગોરે જે વિષય છેડ્યો હતો તે આમ તો બહુ અનુકૂળ હતો. આ વિષયની ચર્ચા બે માણસોની વચ્ચે સંવાળાં જાળાં રચે છે. આજે પણ એ ચર્ચા ચાલુ રાખી શકાઈ હોત પણ વિશાખા પાસે આવી બનાવટી વાતો કરવી એ મારે માટે શક્ય નહોતું.

કૉફી પીતાં પીતાં મેં પૂછ્યું, ‘ફાવી ગયું અમારા ગામમાં

મને તો ગમે છે. થોડાક ખાલી રસ્તા, ગાયો અને પેલી નાની ટેકરી, એણે બારીના કાચની આરપાર જોઈ રહેતાં કહ્યું.

‘હોસ્ટેલમાં જમવાનું કેવું હોય છે?’

એ, આ લોકો સાંજે ખીચડી અને દૂધ આપે છે ક્યારેક! ઘેર તો આવું ખાધું નહોતું પણ અહીં બધું ભાવે છે. ભેગું કરીને પી જવાનું.

વિશાખા, હોસ્ટેલમાં ફાવે છે?

એનો જવાબ એણે તરત આપ્યો નહીં. એની પાતળી આંગળીઓ કપની કિનારી ઉપર ફર્યો ગઈ. થોડી વારે બોલી, ‘આવી જગ્યાએ જ્યાં મોટી ઉંમરની સ્ત્રીઓ એકલી રહેતી હોય ત્યાં – તમને કદાચ આ નહીં સમજાય – વાતાવરણમાં એક જાતનો તનાવ રહ્યા કરે છે. કશાકનો મોટો ઢગલો છાતી ઉપર હોય–’

‘શાનો ઢગલો?’

‘તમને નહીં સમજાય. આ સ્ત્રી હોવાની વાત છે. એને બહારની ઘટનાઓ કે કોઈ કરૂણ બનાવો સાથે સબંધ હોય એવું પણ જરૂરી નથી. સ્ત્રી હોવું, સ્ત્રીનું શરીર અને મન ધરાવવું. પણ છોડો આ વાતો. કૉફી પીઓ. એ મહત્ત્વનું છે. પેલી ટેકરી ઉપર ચાલવા જવાનું મન થાય છે.’

ઝડપથી એ વિષય બદલતી હતી. છોડો આ વાતો, તમને નહીં સમજાય – આવા શબ્દો કંઈ પ્રીતિકર નહોતા.

કેવી લાગે છે, નહીં? ક્યારની ઊભી હશે?’ કોણ?’ પેલી ટેકરી.’

મારું મન દોડીને ટેકરી ઉપર એની સાથે થઈ ગયું. કૂણાં ઘાસ ઉપર એના ઉઘાડા પગની પાની મુકાતી હતી. એક પથ્થરની ધાર ઉપર પગ આવ્યો અને મેં દોડીને ત્યાં હોઠ મૂકી દીધો.

મેં કહ્યું, ‘યુગોથી અંધારામાં એ તો એમ જ ઊભી છે.

એનું કોઈ નહીં? હજુ એ બારીની બહાર જોઈ રહી હતી. એને ક્યાં કોઈની જરૂર છે? તમે ગયા છો. કોઈ વાર?’

વિશાખા, આ ગામમાં જ જન્મીને મોટો થયો છું. નાનો હતો ત્યારે ભાઈબંધો સાથે ત્યાં ખૂબ રખડ્યો છું. ઉપર માતાજીની દેરી છે અને નાનું ભોંયરું છે. એ ભોંયરામાં હજુ મારી બાળપણની સંતાડેલી લખોટીઓ હશે. વર્ષોથી લગભગ સાંજે ચાલવા ત્યાં જ જાઉં છું.’

થોડુંક અટકીને મેં ઉમેર્યું, – ‘એકલો.’

ત્યારે ઊભા થયેલા મૌનમાં એક પ્રશ્ન અમારી બંનેની વચ્ચે ધ્રૂજતો ધ્રૂજતો લટકી રહ્યો, ‘એક વાર સાથે જઈશું? થોડીક ક્ષણો ધૂજીને એ ઓગળી ગયો.

એ પ્રશ્ન પુછાયો નહીં પણ એ વાત મેં બીજી રીતે, ઘણા વિશાળ અને સ્પષ્ટ અર્થો સાથે કરી. હથેળી ઉપર મોં ટેકવી એની સામે સ્થિર નજરે જોઈ રહેતાં મેં કહ્યું, મને એકલતાની બીક લાગે છે.’

એણે થેલો સંભાળતાં કહ્યું, ‘એનો કોઈ ઉપાય નથી. પોતાની એકલતામાં દરેકે એકલા ભટકવાનું હોય છે.’

હું ઊભો થયો નહીં. કૉફીના ખાલી કપને રકાબીમાં ફેરવતો બેસી રહ્યો. એ ખભે થેલા સાથે ઊભી ઊભી મારી સામે જોઈ રહી. પછી એકદમ હસીને બોલી, ‘તમે તો. બહુ રોમેન્ટિક માણસ લાગો છો!

આ શબ્દો લપડાક જેવા હતા. અન્ય કોઈ સ્ત્રીના મોઢે આવા સંજોગોમાં બોલાયા હોત તો સ્પષ્ટ ઉપહાસ અને અપમાન જેવા લાગ્યા હોત.

શું હતી વિશાખા? એ કોણ હતી? કંઈ સ્પષ્ટ પકડાતું નહોતું પણ આછાઆછા ઓળા મનમાં ઉપસ્યા કરતા હતા. આ સ્ત્રી નવીનકોર નહોતી. કોઈ યંત્ર, ઘડિયાળ કે રેડિયો, બંધ પડવું હોય તે સરખું કરી મૂકયું હોય તો જરૂરી કામ તો આપે. એ રીતે એ ઑફિસનું કામ કરતી હતી, હોસ્ટેલમાં રહેતી હતી, થાકેલા સ્વરે થોડીક વાતો પણ કરતી હતી. બીજી એક વાત હતી. એની સાથે સતત એક બીજી હાજરીનો અનુભવ થયા કરતો. એની આંખોમાં, ભાષામાં, મૌનમાં જાણે કોઈ બીજું હાજર હતું. ભૂતમાં માનવા જેવી હાસ્યાસ્પદ વાત હતી, પણ મને તો એક આકૃતિ પણ દેખાતી હતી – થોડીક મોટી ઉંમર, સફેદ વાળ.

મારાથી વિશાખાને કંઈ પૂછી શકાયું નહીં. એના મનમાંતો પ્રવેશ ન જ થઈ શક્યો પણ એના ઘર અને કુટુંબ વિશેની સાદી વાતો પણ થઈ શકી નહીં. માણસ રણમાં છૂટા ઊભેલા ઝાંખરા જેવું સાવ એકલુ તો હોતું નથી. જન્મ આપનાર માબાપ, એ ન રહ્યાં હોય તો ભાઈ, બહેન, ભાભી, એકાદ બહેનપણી. ભણ્યાં હોઈએ એ સ્કૂલ-કોલેજ. જીવનના રસ્તે દરેકને અલગ અલગ નામ આપનાર એક સ્પષ્ટ પગદંડી અને એ પગદંડી ઉપર થોડે થોડે અંતરે એકલાં કે નાનાં નાનાં જુથમાં ઊભેલાં માણસો હોય છે.

એમાંનું કંઈક ઓછુંવતું વિશાખાને પણ હશે, પણ મેં પૂછ્યું નહીં અને એણે કહ્યું નહીં.

મારે એનો અસબાબ જોવો હતો, એને એની ગુફામાં નિજી વસ્તુઓ વચ્ચે જોવી હતી. ત્યાં કદાચ એના બખ્તરમાં એક નાની તિરાડ હોય – માટે મેં એક વાર પૂછ્યું, ‘હોસ્ટેલમાં અવાય?’

અવાય, કેમ ન અવાય?’ ‘નિયમોનું નથી પૂછતો. મારાથી તમને મળવા અવાય? એમ પૂછું છું.’

બધાંને મળવા કેટલાંય લોકો આવે છે. એક મને જ મળવા કોઈ આવતું નથી. આવશો તો મને સારું લાગશે અને બીજાને પણ થશે કે આ ભૂત દુનિયામાં એકલું નથી.’

તે સાંજે સ્કૂટર લઈને હું શોધતો શોધતો પહોંચ્યો. ‘શ્રી મહાસુખરામ…’ એમ શરૂ થતું સંસ્થાનું લાંબું વિચિત્ર નામ યાદ નથી. કંઈક ‘શ્રમિક’, ‘મહિલા આવા શબ્દોને કારણે અનાથાશ્રમ જેવી છાપ પડતી હતી. દરવાજો તૂટેલો હતો, મેંદીની વાડ વેરણછેરણ હતી, બે-ત્રણ બાંકડા હતા તે પાછળ નમી ગયેલા હતા. બાંકડાઓ ઉપર કેટલીક સ્ત્રીઓ મુલાકાતી પુરુષો સાથે વાતો કરતી હતી. એમાંની એક સ્ત્રી સતત હકારમાં માથું હલાવ્યું જતી હતી અને હાથરૂમાલથી આંખો લૂછયે જતી હતી. હું મેનેજરનાં ખાલી ટેબલખુરશી જોઈ મૂંઝાતો ઊભો હતો ત્યાં વિશાખા દાદર ઉપર દેખાઈ.

‘આપણે અહીં નથી બેસવું. ચાલો ઉપર.‘

દાદર અને ઉપરનો પેસેજ અંધારાવાળાં હતાં. સ્ત્રીઓ અડધાં વસ્ત્રોમાં હસતી અને દોડતી લગભગ ચીસો પાડીને વાતો કરતી હતી. પેસેજના છેડે એક ઓરડો ઉઘાડતાં એણે કહ્યું, ‘તમને થતું હશે આ ઘર નથી બતાવતી. લો, આ વિશાખાનું ઘર.’

ઓરડો મોટો હતો. આવી જગ્યાએ અપેક્ષિત હોય તે બધું હતું – ખૂણામાં લોખંડનો પલંગ, એક નાનું ટેબલ અને પતરાની ફોલ્ડિંગ ખુરશી, એક ખૂણાના પ્લેટફોર્મ ઉપર સ્ટવ, તપેલી અને થોડાક નાનામોટા ડબ્બા હતા.

ખુરશી ઉપર બેસતાં મેં કહ્યું, ‘આપણી પેલી પ્રખ્યાત સાણસી’

એણે હસીને મને બંને પાત્રોનો પરિચય કરાવ્યો. પછી ચાનું પાણી મૂક્યું. ઓરડો સ્વચ્છ હતો અને વસ્તુઓ એમની જગ્યાએ ગોઠવેલી હતી. મારી પાસે ટેબલ ઉપર થોડીક ચોપડીઓ હતી. એમાં મને એક નામ વંચાયું. એરિક ફ્રોમનું ‘એસ્કેપ ફ્રોમ ફ્રીડમ.’ બીજી ચોપડીઓ ત્રણચાર મોટી થપ્પીઓમાં કબાટમાં પડી હતી.

મેં પૂછ્યું, ‘શું કરો છો આખો દિવસ?’

વિશાખાએ જવાબ આપ્યો નહીં ચા કપમાં કાઢીને એ મારી સામે આવીને બેઠી, ચા પીઓ.’

એ તો કરું જ છું.

રકાબીમાં કાઢીને પીઓ. એની મજા ઓર છે,’ કહી પોતે રકાબીમાં કાઢીને ફૂંકો મારી પીવા લાગી.

અડધી ચા પિવાઈ ગઈ ત્યારે બોલી, ‘અહીંના જીવનમાં તમને ખબર ન પડે. અહીં સમય પસાર કરવાનો સવાલ જ નથી હોતો. જુઓ, કેટલાં બધાં માણસો છે! કોઈને કોઈ આવે. બેસે. ગપ્પાં મારે. એની સાથે ગપ્પાં મારવાનાં! એ વાતો કરે તે સાંભળ્યા કરવાની. એક જાગૃતિબેન છે એ તો ખૂબ જ જાગ્રત થઈ ગયેલાં છે. એમની વાતો સાંભળવાની ખૂબ જ મજા આવે. અને કોઈ ન હોય ત્યારે એક કામ તો છે જ ભરત ભરવા કે ગૂંથવા જેવું. આ પથારી જોઈ? તમને કહું, આટલી સારી, આટલી સુંદર જગ્યા દુનિયામાં બીજી કોઈ નથી. ઊંઘી જવાનું બસ, ઊંઘ ઊંઘ કરવાનું.’

‘આખો દિવસ કેટલી ઊંઘ આવે?

મને તો ખૂબ આવે છે. આવા વિચારો તમારે બહુ નહીં કરવા. બહુ પ્રશ્નો નહીં પૂછવાના.’

પ્રશ્નો ન પૂછવાની સૂચના હતી છતાં ચા પિવાઈ ગઈ પછી મેં કહ્યું, ‘આ ચોપડીઓ – પડી છે! અહીં કોને વાંચવાનો સમય છે! કોઈએ આપી છે તે લઈને ફરું છું.’

ઊઠતાં ઊઠતાં મેં કહ્યું, ‘તમારે માટે હું સિતાર, મીરાંનાં ભજન એવી થોડીક કેસેટ લાવીશ.’

‘લાવજો! આપશો તો સાંભળીશ!’ એણે હવામાં બે હાથનો લહેકો કરતાં કહ્યું.

પણ એ ન બન્યું. એની બદલી અચાનક થઈ ગઈ અને એ તરત છૂટી થઈને રાજકોટ ચાલી ગઈ. અમારી મંડળીએ ઑફિસમાં જ નાની પાર્ટી જેવું કરી આઈસ્ક્રીમ ખવડાવી એને વિદાય આપી ત્યારે મારી આંખો એની આંખોને એક ક્ષણના અર્થપૂર્ણ મિલન માટે શોધતી હતી પણ આંખોનું એ મિલન શક્ય બન્યું નહીં. બધાંની સાથે બધાંની વચ્ચે જ એણે મને પણ ‘આવજો’ કહી દીધું.

આટલી વાત વિશાખાની; આગળ કોઈ વાત નથી. હાલ રાજકોટની અમારી ઑફિસમાં છે. રાજકોટ બહુ દૂર નથી. ફોન થઈ શકે. ઑફિસના સરનામે બે લીટીનો કાગળ પણ લખી શકાય. ગમે ત્યારે રૂબરૂ પણ જઈ એની સામે ઊભા રહી શકાય, પણ મેં આવો કોઈ પ્રયત્ન કર્યો નથી. આટલું જ અસ્તિત્વ હતું એનું મારે માટે; એ પૂરું થયું છે. રાજકોટમાં વર્કિંગ વિમેન્સ હોસ્ટેલ જેવું કંઈ છે કે નહીં એની મને ખબર નથી. કદાચ ભાડાની ઓરડી રાખીને પણ રહેતી હોય. મારા જેવું કોઈ થોડીક વાતો કરનારું મળ્યું હશે તો રસ્તામાં કોઈ નાની હોટલમાં એની સાથે ચા કે કૉફી પીવા નિઃસંકોચ બેસતી હશે. પેલો વાત કરે તે હળવા રસ સાથે ડોકી ડાબી બાજુ સહેજ નમાવી સાંભળતી હશે અને પછી હસીને કહેતી હશે, એમ?’

મને વિચાર આવે છે – વિશાખા મજબૂત ભૂતકાળવાળી સ્ત્રી છે. ભૂતકાળની એક છાયા સતત લઈને એ ફરે છે. એમાં હવે બીજી એક આછી છાયા, એકાદ લકીર જેવું કંઈક ઉમેરાયું હશે? જોકે હું જાણું છું કે આ બધી મનને મનાવવાની વાતો છે.

આ પ્રશ્નનો જવાબ નકારમાં છે એ વિશે મને કોઈ શંકા નથી.