ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/બિપિન પટેલ/બૂફે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
બૂફે

બિપિન પટેલ

મહેસાણા સોસાયટીમાં પ્રવેશો કે હારબંધ ટેનામેન્ટ્સ દેખાય. દરેક ટેનામેન્ટ પર એકસરખો ઘાટો પીળો રંગ. ઇંચ ઇંચ જગ્યા બોટી લેવી હોય તેમ વરંડો જાળીથી પુરાયેલો. અંદર ઓટલો – ઓટલો સારો એવો પહોળો. બેસાય પણ ખરું અને લાંબા થઈ સુવાય પણ. ટેનામેન્ટની દીવાલો ફરતે પાછો દોઢ-બે ફૂટનો સળંગ ઓટલો. પાયામાં પાણી ન જાય. ઓટલાનો ખર્ચ ન પોસાય તેવાં મકાનોની આસપાસ, જ્યાં હોય ત્યાંથી ખોદી લાવેલી માટી દાબી દીધી છે. જાળીવાળાં મકાનોમાં દીવાલે ખાટલા ઊભા કર્યા હોય. જાળી વગરનાં મકાનોમાં બહારની દીવાલને અડકાડીને ખાટલા ગોઠવાયા છે. મોટા ભાગના ખાટલા વાણથી ભરેલા અને જેનું ઘર કડેધડે હોય તેમણે પાટી ભરાવી છે. બે ટેનામેન્ટ વચ્ચેના રસ્તા પર ક્યાંકથી વધેલો સિમેન્ટ થપથપાવ્યો હોય, ક્યાંક માટી દબાવી હોય તો ક્યાંક વરસાદનું પાણી ન ભરાય માટે રસ્તા વચોવચ લીટા જેવી નીક કાઢી હોય.

આપણે જેની વાત કરવી છે એ ટેનામેન્ટનો વરંડો ખુલ્લો છે. ઓટલો સરસ સફેદ ચિપ્સનો બનાવેલો છે. ઓટલાને અડી બનાવેલા ચોરસ કાળા પિલર પર ‘૧૭/બી, શ્રી મગનભાઈ બાભઈદાસ પટેલ’ – એમ સફેદ રંગથી લખ્યું છે. વરંડામાં ઘાટો કૉફી ડિસ્ટેમ્પર કર્યો છે. એના કારણે રાત્રે લાઇટ હોય તોપણ અંધારો કૂવો જ લાગે. ડ્રૉઇંગરૂમમાં લાલ રંગના કપડાવાળા સોફા છે. આઠ ખુરશીનું ડાઇનિંગ ટેબલ છે. સામેની દીવાલે ત્રણ-ચાર સેટી છે. ટૂંકમાં રૂમ ભરચક છે.

આજે ભઈ ભેગા થવાના છે. અઠવાડિયા પછી નીલાનાં લગ્ન છે. લગ્નની બધી વ્યવસ્થા કઈ રીતે કરવી, જમણવારમાં શું રાખવું એની વાતો થશે. મગનભાઈ મહેસાણાથી આવ્યા ત્યારે પહેરેલે કપડે આવ્યા હતા, પણ અત્યારે બોલ-બેરિંગનો ધંધો ધમધોકાર ચાલે છે. કુટુંબના વડીલો તેમના છોકરાઓને મગનભાઈનો દાખલો આપેઃ જુઓ આ મગનભાઈ પહેર્યે લૂગડે આયો’તો. અને મોટો બિઝનેસમેન થઈ જ્યો. કોંક શીખો ઈમનામથી. પૈસાદાર થયા પછીયે કુટુંબીઓ સાથે સંબંધ જાળવી રાખ્યા છે. એમાં ખપ તો સળીનોય પડે એ ભાવ કરતાં, હોય ત્યારે શ્યુ લઈ જવાના છે, આવશે તો ચા-પાણી પીશે. નાસ્તાજોગ હશે તો નાસ્તો કરશે, અને રાજી થઈને કહેશે મગનભાઈ બહુ ગુડ માણસ છે. આમ તો મગનભાઈએ બધું નક્કી કરી દીધું છે પણ ભઈઓને પૂછીને કરવામાં શો વાંધો? મોટાભા કરીએ તો પ્રસંગમાં જાત તોડીને બરાબર કામ કરે. ભગતથી માંડી અનુભાઈ પ્રોફેસર સુધીના બધાને બોલાવ્યા છે.

નંદાબહેન બરાબર વ્યવસ્થામાં પડી ગયાં. ડાઇનિંગ ટેબલ દીવાલે ધકેલી દઈ ત્યાં આઠે આઠ ખુરશી ગોઠવી દીધી. સોફાની બાજુની દીવાલે રોયલ ખુરશીઓ મૂકી. એમનો પ્લાન એવો છે કે આવે એવાં બધાંને ઇલાયચીવાળી ચા આપવી. કલાકેક રહીને કટલેસ અને ગાજરનો હલવો અને છેલ્લે આઇસક્રીમ, આઇસક્રીમ ન ફાવે તેમને દૂધ-કોલ્ડ્રિંક કે ગરમાગરમ કેસરિયું દૂધ. એમની આ યોજના ઉડાડી મૂકતાં નીલાએ કહ્યું, આટલું બધું એકસાથે વધારે નહીં પડે? અને રાત્રે પાછું –

બેસ, બેસ તને ખબર ના પડે. એ તો મોભા પ્રમાણે – આપણે ક્યાં કોઈ સામે હાથ લાંબો કરવો પડે એમ છે? કટમીઓ શ્યુ લઈ જવાના છે? છો જમતા બચારા.

બધાંને રાતના આઠનો સમય આપ્યો છે. ફીટ આઠ વાગે ભોગીભાઈ માસ્તર આવ્યા. ટ્યૂશન વહેલાં પતાવીને સમયસર આવી ગયો મગનભાઈ. ભોગીભાઈએ કહ્યું

– આવો માસ્તર, બેહો. છોકરોં ન ફોહલાઇન આઈ જ્યા ક સુ?

– હા, બારકો પહેલોં. કેમ બધાં નથી આવ્યાં?

– આવશે ધીરે ધીરે. આપણે ક્યાં કશું લૂંટાઈ જવાનું છે? રાત આખી પડી છે.

– હા, એ તો ખરું પણ કારણ વગરના ઉજાગરા…

– તે તમેતાર જતા રહેજોને ઊંઘોણા થોવ તણ.

નંદાબહેને ડ્રૉઇંગરૂમમાં આવીને, ‘આવો ભોગીભાઈ કહીને મગનભાઈ તરફ જોતાં પૂછ્યું, આ જેંતિ કેમ હજુ સુધી ના આવ્યો?

– ગયો હશે ક્યાંક સોદો પાકો કરવા. મોટો સોદો હશે. મોડો આવશે. આપણેય ત્યારે ક્યાં નાસી જવાનું છે?

– નાસી જવાની વાત નથી. આ તો બધાં સમયસર આવી જાય તો ગરમાગરમ નાસ્તો પીરસી શકાય.

એટલામાં ભગત આવ્યા. સોફા, ખુરશી ખાલી હોવા છતાં પાટના છેડે સંકોચાઈને બેઠા.

– કેમ ભગત, આમ અધડૂકા બેઠા? બેસોને નિરાંતે. ‘હોવ’ કરતાં ભગતે ટૂથપેસ્ટની જાહેરાત કરતા હોય તેમ પીળા દાંતવાળું મોં પહોળું કર્યું. ભગત વિશે આખું કુટુંબ એકમતઃ ભગતને હોળે જોડ્યા હોય તો? મૂવો રૂંઘો છ, જેવું ખોદકામ ભગતની ગેરહાજરીમાં થયા કરે. એમના રૂંઘાપણાના પ્રસંગો સંભારે.

ભગત મિલમાં વૉટરરૂમ પર પાણી પિવડાવવાની કામગીરી કરે. કાયમ રાતપાળી એટલે સવારે અર્ધા ઊંઘમાં જ હોય. એક દિવસ દાતણ ચાવતાં ચાવતાં ઓટલા પર બેઠેલા ભગત ઊંઘી ગયેલા. દાતણ મોંમાં, મોં પહોળું અને નસકોરાં બૉઇલરની જેમ બોલે. નથુભાએ મોંમાંથી દાતણ ખેંચીને, અલ્યા ભગત શું કર છ?

ડોકો ચ્યોં જ્યો, ચ્યોં જ્યો – કરતા ભગત હાકાબાકા.

એક દિવસ ઘઉંની ગૂણ ઊંચકીને ચતુરભાઈને ઘેર નાખવા જતાં ઘરથી જરા આગળ જતા રહ્યા. ખ્યાલ આવતાં ઝડપથી આગળ જઈને મોટરની જેમ રિવર્સ ન થતાં, લાંબો ગોળ રાઉન્ડ ફરીને, ‘મારું બેટું આગર જતો રહ્યો’ – સાંભળતાં વાસનાં બધાં હસી પડેલાં. ભગતનું માન પણ ખરું. ધા મારીને કામ કરે. રસોડું સોંપો એટલે આખી રાત મટકુંય માર્યા વગર બેસે – તે વાસણો ધોવાઈને ડેકોરેટર્સને પહોંચી ન જાય ત્યાં સુધી ખડે પગે, એટલે કુટુંબના બધા પ્રસંગોએ કાં તો ભગત રસોડામાં હોય અને રસોડા માટે સારો વિકલ્પ મળે તો પછી પાણીના કાઉન્ટર પર.

અર્ધા કલાકમાં તો ડ્રૉઇંગરૂમ ભરાઈ ગયો. એંતિ દલાલ, ચંદુ છોલણ, સુરેશ બૅંકર, નટુભાઈ કન્ટાટી, સુનિલ સટ્ટો – એમ બધા આવી ગયા. બે-બેના જૂથમાં શોરબકોરઃ બજાર ઘસાતું જાય છે. કેડિલામાં સટ્ટો ગૂંથાયો છે. ‘સેબી’નો દવે તેજી લાવવા દે તેમ નથી. સરકાર આઠ કિલોમીટરની મર્યાદાનું પૂંછડું મેલે તો હારુ, વારે સો-બસો તો વધે જ. આ સરકાર મારી બેટી સો ટકા ખેડૂતવિરોધી છે. વાતો ફૂલ સ્વિંગમાં ચાલતી હતી ને મગનભાઈએ પ્રસ્તાવ મૂક્યોઃ કાશીરામ અગ્રવાલ હૉલ બુક કરાવી દીધો છે. સેન્ટ્રલી એ.સી. છે એટલે સારું ફાવશે. વેવઈને ઘર, ઑફિસ અને ગાડીમાંય એ.સી. છે એટલે મને થયું ખર્ચ કાઢીએ. વીસ-પચ્ચી વધશે, બીજું શું? પ્રસંગ લઈને બેઠાં છીએ એટલે એમ ચકલાં ચૂંથે ના ચાલે, કેમ ખરુંને ચંદુભાઈ?

બૉસ તમારામાં વાંક ના આવે, કહી ચંદુભાઈએ બધાં સામે જોયું ને ડોકાં હલ્યાં.

તો હવે આઇટમો નક્કી કરી લઈએ. શરૂઆતમાં સૂપ આપીએ. ટૉમેટો અને સ્વીટ કોર્ન રાખીએ, જેને જે ફાવે તે લે. સામેના ટેબલે હાજમાહજમ મૂકીશું. નટુભાઈએ કહ્યું, ખબર નહીં પડે તો બધાં સૂપ પીને પાછા તરત હાજમાહજમ પીશે, જમતાં પહેલાં! તો હાજમાહજમ પાણીના ટેબલની નજીક રાખીશું, જેથી બધાં છેલ્લે ત્યાં જાય. હવે આઇટેમ બોલો.

જુઓ, મારા મનમાં તો આફૂસનો રસ અને એય તે વાડીલાલનો પીરસવાની વાત હતી. આફૂસનો રસ? ભોગીભાઈ માસ્તર બોલ્યા. મગનભાઈએ નામરજીથી માથું હલાવતાં, ત્યારે દસબાર રૂપૈડીવાળી કેસરમાં શું મજા આવે? પણ તમારી ભાભી કહેતી હતી કે રસ તો આજકાલ હભીડાં ઘરવાળાંયે રાખે છે. આપણે મોભા પ્રમાણે કંઈક જુદું રાખીએ – એટલે ડ્રાય ફ્રૂટનો હલવો, ચમચમ, કાજુ-કતરી અને મગનો શીરો રાખીએ.

ચાર મીઠાઈ વધારે નહીં પડે? એમ કોઈક બોલ્યું. મગનભાઈએ સીલિંગ તરફ તાકી રહેતાં કહ્યું, પહેલાં પાંચ પકવાન રાખતાં જ હતાં ને?

પણ હવે જમાનો બદલાયો છે અને થાળીમાં જગ્યા પણ રહેવી જોઈએ ને? અનુભાઈ પ્રોફેસરે એમની હાજરી નોંધાવતાં કહ્યું. એમનું સૂચન યોગ્ય લાગવા છતાં મગનભાઈએ કહ્યું, કરવો હોય તો શીરો કૅન્સલ કરો, પણ ત્રણ મીઠાઈ તો જોઈશે જ. પછી સાવ બૂરું લાગે.

મીઠાઈની વાત પતી. બોલો ફરસાણમાં શું રાખીશું?

એકલાં ખમણ રાખીશું તો સારું પડશે, એમ કોઈક બોલ્યું ત્યાં તો નંદાબહેન રસોડામાંથી બહાર આવતાં બોલ્યાં, ના, ના. ખમણ તો દેશી લાગે. એમ કરીએ દિલ્હી ચાટ, ખમણી અને કટલેસ રાખીએ.

આઇટમનું લિસ્ટ પૂરું કરતાં મગનભાઈએ કહ્યું, બાકી તો કચુંબર, ભરેલાં મરચાં, તળેલી શીંગો, અથાણું, કાજુદ્રાક્ષવાળું કારેલાંનું શાક, દમઆલુ, ઊંધિયું, રોલ પાપડ રાખીએ. લો, ચાલો, નાસ્તો કરીને હૉલ પર જઈએ. બધી ગોઠવણ કરી દઈએ. બાજુમાં જ છે, એવું હશે તો પ્રદીપ મૂકી જશે ટાટા એસ્ટેટમાં! મગનભાઈએ કહ્યું.

બધા હૉલ પર પહોંચ્યા. પહેલાં હૉલના શણગારની વાત ચાલી. ચંદુ સટ્ટાએ પ્રસ્તાવ મૂક્યો કે હૉલની બધી દીવાલો પર ફૂલની હાર તો ખરી જ, પણ તમને ઠીક લાગે તો વરરાજા અને કન્યાનાં નામ સેન્ટરમાં ગુલાબથી સજાવીએ. આજુબાજુ મા-બાપ, વેવાઈ-વેવાણનાં નામ મોગરાથી લખીએ. ભોગીભાઈ ધીમા સૂરે બોલ્યા, ‘ફૂલને એના છોડ પર રહેવા દઈએ તો?’

માસ્તર, છોડ પર હૂકઈ જંઈ ઈના કરતોં સજાવટ કરીએ તો શ્યુ ખોટું? અન મગનભઈએ પચ્ચા પેટી ખરચવાનું નક્કી કર્યું છ તે આઇટમો તો વધારવી જ પડશે ને, જેંતિએ કહ્યું.

ત્રણ હજાર માણસ છે એટલે ઓછાંમાં ઓછાં આઠ બૂફે કાઉન્ટર તો જોઈશે જ. જગ્યા ચેક કરી લઈએ. હૉલવાળાને બોલાવી લઈએ. એક કાઉન્ટર સજાવવાના અઢીસો લઈશ, એવા કારીગરના જવાબમાં ભગત તાડૂક્યા, ઈની બૂનનો વિવો અઢીસો લઈશ. ઈમ શો જગન કરવાનો છ? આ એક હથોડી ન શીલીઓ લઈન મંડી પડું તો અડધા કલાકમ ઊંચું મેલી દઉં. કારીગરે કહ્યું, તો હાડવૈદને પણ બોલાવી રાખજો. મગનભાઈ ખડખડાટ હસી પડતાં બોલ્યા, અલ્યા ભગત, તું રસોડું સંભાળે તોય ઘણું. ત્યાં જ બધાનાં સૂચનો એક પછી એક આવતાં ગયાં:

– આપણા કુટુંબીઓને બૂફે નહીં ફાવે, એના કરતાં દલસુખભાઈની હીના વખતે કર્યું હતું – એમ બે ભાગ પાડીએ. એક બાજુ ટેબલ અને ખુરશી રાખીએ. કટમીઓ ત્યાં જમશે અને બીજી બાજુ બૂફેનું ટેબલ. ત્યોં મગનભાઈના સુધરેલા.

– બધું એકમાર્ગુ હારું. ઈમ ડબલના ડખા ના પોહાય, અન છોકરોં કોમ કરીન તૂટી જાય.

– તો પછી જ્યોતિસંઘવાળી બાઈઓ બોલાવીએ પીરસવા.

– એમાં વેવાઈ – વેવાણો આગળ બૂચું દેખાય. બઈઓ ચપૂક ચપૂક પીરસે. વેવઈ ટીકા કરે, મગનલાલે કંજૂસી કરી. એના કરતાં બૂફે બરાબર.

– એ બરાબર પણ જમાઈઓને તો પાટલે બેસાડવા પડે ને?

– હવે તો જમઈઓય એવાં પાટલૂન પહેરે છે કે ઈમનેય ઊભા ઊભા હારું ફાવ.

– એ ખરું પણ ડોહા – ડોશીઓન ઊભાં ઊભાં ના ફાવ. અન છોકરોંય ઢોરમ્‌ઢોરા કર.

– છેલ્લે ભગતે એમની સમસ્યા રજૂ કરી, અન મગનભાઈએ આખું ગોમ નૂતર્યું છે એટલ ખાશી ભીડ થવાની.

– તે તમન કોઈ કૂણીઓ મારવા નહીં આબ્બાનું, તમતમાર ખૂણે ઊભા રહીને દાબજ્યોન.

– ઈમ નઈ. ટેબલ આગળ ફેર ન ફેર જઈએ તો લોક દોંત કાઢ.

– તે ઉહેડીન હોમટુ ભરી લેજ્યો ડિશમ.

– ઈમ કરીએ તો પાછુ રબડબડ થાય.

ચર્ચા અવળી દિશાએ ફટાય તે પહેલાં મગનભાઈએ ચુકાદો સંભળાવી દીધો, એ તો જોયું જશે. બૂફે જ નક્કી. એમ ચર્ચા ચાલતાં વરરાજાનો ઉતારો, વેવાઈ-વેવાણ અને વડીલોનો ઉતારો, સ્ત્રીઓનો ઉતારો, સ્વાગતમાં કોણ ક્યાં ઊભું રહેશે – એમ બધું નક્કી કરી લીધું. બધી વિગતો ભોગીભાઈએ નોટમાં નોંધી લીધી પછી વિખેરાયાં.

કાશીરામ અગ્રવાલ હૉલના પ્રવેશદ્વાર પર ભીડ જામી છે. સેન્ટ અને પાઉડરની સુગંધ રેલાવતા સૂટેડ-બૂટેડ બિઝનેસમેનોને મગનભાઈ આવકારે છે, નંદાબહેન ગામડાંનાં સગાંને. પેસતાં જ ડાબી બાજુ સૂપનું કાઉન્ટર છે. ત્યાં સુધરેલાં, અપ ટુ ડેટ ફૅશનનાં કપડાં સજેલાં સ્ત્રીપુરુષો ઊભાં છે. હાજમાહજમના કાઉન્ટર પર હાથમાં ગ્લાસ પકડીને ‘ભઈ જમ્યા પછી, ભઈ જમ્યા પછી, ભઈ જમી યાં?’ એમ બોલતા એક ભાઈ ઊભા છે. પ્રવેશદ્વારની સહેજ અંદર ઊંચા સ્ટેજ પર દીવાલ બાજુ મોં રાખીને બે શહનાઈવાદકો સૂર છેડી રહ્યા છે.

કાઉન્ટરો પર ટોળાં ઊમટ્યાં છે. ક્યાંક લાઇનમાં ઊભા રહી રાહ જોતા ધીર-ગંભીર લોકો પણ છે તો વળી, આ નવી નવાઈનું મારું બેટું ઊભાં ઊભાં ખાવાનું અજબ લાગે છે, એમ બબડતાં, જે આઇટમ લેવી હોય ત્યાં વચ્ચેથી ઘૂસતા લોકો પણ છે. મોભા પ્રમાણે પહોળા પથરાઈને પુષ્કળ આમંત્રણ આપ્યાં હતાં અને મગનભાઈ કામનો માણસ, ના જઈએ તો એની નજરમાંથી ઊતરી જઈએ – એવું માનીને બધાં ખડકાયાં હતાં. અધૂરામાં પૂરું આજે હૉલનું એ.સી. બરાબર ચાલતું ન હતું. નાનાં-મોટાં ટોળાંમાં લોકો હાથમાં ડિશો લઈને ઊભાં હતા. પરસેવાના રેલા ઊતરતા હતા.

મગનભાઈના ધંધાકીય સંબંધોવાળા મહેમાનો ઉગ્રતાથી ચર્ચા કરતા હતા. ફ્રી ઇકૉનૉમી અને ડંકેલ દરખાસ્ત વિશે વાતો ચાલતી હતી. પ્રોફેસરની દલીલ હતી કે તમારી ફ્રી ઇકૉનૉમીથી છેવાડાનો માણસ એની યાતનામાંથી ફ્રી થયો કે નહીં એ મહત્ત્વની વાત છે. તે આપણે શું કરીએ, એને ખેંચીને મોવડ મૂકીએ? આપણી નાતેય બસ્સો વર્ષ પહેલાં છેવાડે જ હતી ને! એ તો તનતોડ મહેનત કરવી પડે, એમ ને એમ થોડા ઊંચા અવાય છે? કાનજીભાઈનો જવાબ હતો. વાડીભાઈએ કાનજીભાઈની વાત અર્ધેથી કાપતાં: એ બધી વાતો બોગસ છે. મને તો સ્વદેશીની વાત બરાબર બેસે છે. દેશમાં પકવો. દેશબાંધવો માટે પકવો. સ્વદેશી લાવો, વિદેશી હટાવો – સ્વદેશી લાવો, વિદેશી હટાવો, એમ બોલી જોસ્સામાં આવી જઈ હાથ ઊંચો કરવા જતા હતા ને હાથમાંની ડિશ યાદ આવી. સ્વદેશી એટલે આવા તાયફા નહીં, એમ બોલી ટેબલ તરફ હાથ ચીંધ્યો. હવે રહેવા દો, તમારા નેતાઓ બધા કેવી સ્વદેશી વસ્તુઓ વાપરે છે, એ ખબર છે, એમ કોઈક બબડ્યું. આ સાંભળીને ધીરેનભાઈ ‘જય યોગેશ્વર’ કરતા ત્યાં આવ્યા. આમાં સ્વદેશી-વિદેશીની વાત નથી. દાદા કહે છે તેમ ભારતીય સંસ્કૃતિ જાળવવાની છે. કેવી હતી એ ભવ્ય સંસ્કૃતિ! વનો હતાં, ઉપવનો હતાં. ઋષિઓને બ્રહ્મભોજન કરાવતા તે વખતના રાજવીઓ! મંત્રોચ્ચારથી આખું વન જીવંત જીવંત. પમરતી પવિત્રતા આપણે ભૂલી બેઠા છીએ અને તાયફા કરીએ છીએ. રમણભાઈએ આખી વાત સરળતાથી સમેટતાં કહ્યું, થોડું વિદેશી અને થોડું દેશી – એમ બેય વાત ચલાવવી પડે, જમાનો બદલાયો છે.

આખા હૉલમાં હતી એટલી ખુરશીઓ ખૂણેખાંચરે પથરાયેલી છે. ખુરશીઓમાં બેઠેલાં માજીઓની તહેનાતમાં વહુઓ ઊભી છે. છોકરાંની ડિશો લઈ નીચે બેસાડી દીધાં છે. ભીડ ધીમે ધીમે ઓછી થવા લાગી છે. જગ્યા થતાં વીડિયોગ્રાફર હવે સરળતાથી ઘૂમે છે. જે ટોળા પર હેલોઝન લાઇટ ફેંકાય ત્યાં કોળિયા હાથમાં અટકી રહે છે, ડિશો ઊંચી થાય છે. બધા ચહેરા કૅમેરા પર મંડાય છે. બીજી બાજુથી અવાજો આવે છે: અલ્યા લાલા, અમન પડતોં ના મેલ. મગનભાઈ આ સાંભળીને સૂચના આપે છે, સહેજ પણ કસર નથી કરવાની, ભલે દસબાર કેસેટ્યો થતી. કૅમેરામૅન વધારે ઉત્સાહથી ફરે છે. મહેમાનો જમીને જતા રહ્યા છે. હવે માત્ર કુટુંબીઓ જ રહ્યા છે. કુટુંબ મોટું એટલે છેલ્લા રાઉન્ડમાં સહેજેય બસો-ત્રણસો જમનારા તો ખરા જ. કાઉન્ટર પર ઊભેલા પીરસનારાઓનો ઉત્સાહ ઘટ્યો છે. ભીની ડિશોના ઢગલા પાસે ગાભા લઈને બે-ચાર છોકરા ઊભા છે. ડિશો લુછાઈને મુકાય ન મુકાય ત્યાં તો ઝડપાઈ જાય છે. પીરસનારા પીરસે એની રાહ જોવાને બદલે જેમ ફાવે તેમ જાતે ડિશો ભરાય છે. ‘ધોડી ધોડીન થાક્યાં’ બોલતાં નંદાબહેને ડિશ લઈ નીચે બેસવાની પહેલ કરી. ‘હા, મારુ હાહરું ઊભ ઊભ તો શી રીતે ફાવ’ બોલતાં બીજાં પાંચ-સાત નીચે બેઠાં. એમનો ચેપ લાગ્યો હોય તેમ જ્યાં ફાવ્યું ત્યાં બધાં બેસવા લાગ્યાં. હા… હા… હી… હી. કરતું છોકરા-છોકરીઓનું ટોળુંય ચેન્જ ખાતર નીચે બેઠું. ‘ઈસ્ટમેનકલર બાપુ’ બોલતો વીડિયોગ્રાફર જુદા જુદા ઍંગલથી ફિલ્મ ઉતારવા લાગ્યો. મારું બેટું રંગ રાખ્યો મગનભાઈ, પૈસો હોય તો અરબસ્તૉનમય ફુવારા કરોંય. મગનભાઈના સંબંધો બવ, તણખલુંય જમવામથી બાચી નહીં રહ્યું. વીડિયોગ્રાફરનો ઉત્સાહ ઓર વધ્યો. બેસીને દૃશ્યો ઝડપવા લાગ્યો. એમ કરતાંય સંતોષ ન થયો તે કૂદકો મારીને શહનાઈવાળાના સ્ટેજ પર ચડી ગયોઃ એ, મગનબાપા! તમેય બેસી જાઓ, કોઈ ઊભા ન રહેશો. સાલું જામે છે. હેલોઝન લાઇટવાળાને સૂચના આપતો ગયોઃ ત્યાં નહીં, અહીં હા, હવે જમણે, હવે ડાબે, સહેજ ઊંચી પકડ ને, ભૂખ લાગી છે? અલ્યા સ્વિચ બંધ કેમ કરે છે? ફૂલ લાઇટ નાંખ, બાપાને ખુશ કરી દઈએ.

મારું દિયોર, કટમી જોડે બેશીન્ જમીએ તો પરસંગ શોભ, ચંદુભાઈએ કહ્યું ને વાત કરતો લાલો ઊછળ્યો: સરસ વીડિયો ઊતરી હોં મગનબાપા! કહેતાં કૅમેરો બાજુએ મૂકી ડિશ લઈ નીચે બેસી ગયો.