ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/બિપિન પટેલ/સંગીતશિક્ષક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સંગીતશિક્ષક

બિપિન પટેલ
સંગીતશિક્ષક • બિપિન પટેલ • ઑડિયો પઠન: કૌરેશ વચ્છરાજાની


નિશાળના ઘંટ સામેના ત્રણ વર્ષથી ખાલી સ્ટૂલ પર બેઠેલા કોક અજાણ્યા જણને બેઠેલો જોઈને હું રાજી થયો. મને થયું; હાશ, ડબલ ડ્યૂટી ગઈ. રેંજીપેંજી નથી, હેડ પ્યૂન છું. ઘંટ સામેનું સ્ટૂલ મારાથી પચાસ ફૂટ દૂર હશે. ત્યાં પહેલાં હું બેસતો. એ પચાસ ફૂટનું અંતર કાપતાં વીસ વર્ષ લાગ્યાં છે. સ્ટૂલ પરનો નવો માણસ નસીબદાર તો ખરો. એને કેવળ દસ વર્ષ લાગશે મારી જગા પર પહોંચતાં. હું દસ વર્ષમાં રિટાયર થઈશ. વખતને જતાં ક્યાં વાર લાગે છે?

છેલ્લા એક મહિનાથી ગણગણાટ ચાલતો હતો. નવો માણસ આવે છે, નવો માણસ આવે છે. પહેલાદભાઈ સાહેબ, અમારા પ્રિન્સિપાલ સાહેબ એમ ને એમ માને એવા નથી. પૅક છે. મેં જાસૂસી કરીને જાણ્યું કે મારા વખતની જેમ રોકડા ગણવાને બદલે કાચું સોનું પાકે તેવી જમીન મફતના ભાવે ખંડી લીધી, શંભુના બાપા પશાભાઈ ફાયેથી. વિકાસ કરવો હોય તો કોકે તો ભોગ આલવો પડે ને? અને આ તો શિક્ષણ માટે, પવિત્ર કામ માટે. સાંભળ્યું છે, પશાભાઈએ રાજી થઈને નિશાળને અડીને આવેલું એમનું ‘જાહુડીવારૂ’ ખેતર આલ્યું.

શંભુનું ગામ ઉખલોડ બેતાલીસના ગોળનું. અમારા વળનું ગામ નહીં એટલે એને ના ઓળખું. ઊભા થઈને એને બધું પૂછવા જતો’તો ને ત્યાં જ પહેલાદભાઈ સાહેબ હોન્ડા સિટીમાંથી ઊતર્યા. ધોળી બખ જેવી સફારી, લાલ બૂટ અને બચ્ચન પહેરે છે તેવાં ગોગલ્સ પહેરેલા સાહેબ પહેલે પગથિયે હતા ને હું ઊભો થઈ ગયો. સાવધાનની પોઝિશનમાં સલામ આપીને સ્થિર ઊભો રહ્યો. મને જોઈને શંભુ પણ ટટ્ટાર થઈને બે હાથે સલામ આપીને ઊભો રહ્યો. હું મલક્યો. રહેતાં રહેતાં બધું કોઠે પડી જશે એટલે વધારે પડતો ઢહળો નઈં થાય. મેં સાહેબના હાથમાંથી બૅગ પકડી દરવાજો ખોલીને પકડી રાખ્યો. અંદર જતાં સાહેબની નજર શંભુ પર પડતાં એની તરફ જોઈને પરાણે મલક્યા અને અંદર ગયા. હું રોજની જેમ એમની બધી સેવા કરીને બહાર જતો હતો ત્યાં એમણે સૂચના આપી, ‘શંકર, આ નવા વછેરાને બરાબર પલોટજે.’ હું ડોકું ધુણાવીને બહાર નીકળ્યો.

બહાર આવીને બેંચ પર બેઠો. મેં શંભુ તરફ જોયું. એ વાને વ્યવસ્થિત કાળો, આખા મોં પર ઝીણી ઝીણી પરપોટીઓ જેવી ચામડી. આંખો ઝીણી, ભ્રમર સાવ આછી, નામની, હોઠ સીદીભાઈ જેવા જાડા અને દેહ કદાવર. એણે મેલા કૉલરવાળું ખમીસ અને લેંઘો પહેરેલો. મને એ મધના વેપારી જેવો લાગ્યો. અસલ નામ નથી વાપરતો, નહીં તો કોકની લાગણી દુભાશે તો પિટિશન ઠોકી દેશે.

પહેલાદભાઈ સાહેબની સૂચના પ્રમાણે એને પલોટવા હું એની પાસે ગયો. મને જોતાં એણે ઊભા થઈને સલામ કરી. મેં કહ્યું, ‘સલામની જરૂર નથી, ઊભો થાય એટલું ઘણું.’ એનાં નામ અને ગામ તો ખબર હતાં એટલે બાકીની વિગતો પૂછી:

‘બાપનું નામ?’

‘પશાભાઈ ચેહરદાસ, લાલદાસ, નારણદાસ…’

‘બસ, બસ. ચાણોદ સરાવવા આયો છે તે સાત પેઢીને યાદ કરી?’

‘મા?’

‘કંકુ.’

‘ભાઈ, બહેન કેટલાં?’

‘હું અન શારદી.’

‘પરણેલો ક છડેછડો?’

‘પરણેલો.’

‘વહુનું નામ?’

‘પાર્વતી.

‘ત્યારે તો ઈમના જેવી રૂપાળી હશે.’

એણે નીચું જોયું, શરમાયો અને હસ્યો.

‘નોકરી માટે કોનો જૅક લગાડેલો?’

‘ખેતર મેલ્યુંન?’

‘ઘરમ એ વાતે ખદબદ થયું’તું?’

એ નીચું જોઈ ચૂપ રહ્યો.

મેં વધારે પૂછવાનું માંડી વાળ્યું. આજના દિવસે આટલું ઘણું.

પહેલો દિવસ હતો એટલે નાની, મોટી રિસેસ અને શાળા છૂટતી વખતે મંદિરનો ઘંટ વગાડતો હોય એમ આંખો મીંચી કાં એનું બાવડું કે કાં ઘંટ નીકળી જાય એટલો જોરથી ઘંટ વગાડ્યો. મોટી રિસેસ વખતે તો ઘંટ વગાડવાનું લાકડું હાથમાંથી પડી પણ ગયું. મને થયું સાવધ રહેવું પડશે. નહીં તો એની લગનથી આપણા પાયા હલી જશે.

સાહેબે સોંપેલું અને હું ચેતી ગયેલો એટલે શંભુને ઑબ્ઝર્વેશનમાં રાખ્યો હતો. અમદાવાદમાં ભણ્યો છું. ભક્તવલ્લભ ધોળાનો ગ્રૅજ્યુએટ છું. એન્ટાયર ગુજરાતી. પાછો ન પડું. પણ અઠવાડિયું થયું તોય કશું હાથ ન લાગ્યું, કે ન શંભુ મારાથી ઇમ્પ્રેસ થયો. એ, એનું સ્ટૂલ અને ઘંટ. એ સિવાયની કોઈ દુનિયા જાણે છે જ નહીં. સ્ટૂલ પર આખો દિવસ ગાંધીવાદીની જેમ ટટ્ટાર બેઠો રહે. ન ઝોકું ખાય, ન વાંકો વળે. ચહેરો પણ બોચિયા જેવો ગંભીર. ઘેઘૂર લીમડા તરફ મીટ માંડીને જુએ ત્યારે એનો ચહેરો હસું હસું થાય એ માપ. એ વખતે તો તાકી તાકીને એવો ઊંડો ઊતરે કે દુનિયા ઝખ મારે છે. એક વાર તો નાની રિસેસમાં મારે ઘંટ વગાડવાનું યાદ કરાવવું પડ્યું હતું.

મોટી રિસેસમાં એ એકલો જ જમે. એક દિવસ મેં એને કહ્યું,

‘શંભુ, મારી સાથે જમતો હો તો?’

‘તારા ભાણામાંથી લઈ નઈ લઉં.’

‘ઈમ તો પાર્વતી બે રોટલી વધાર મેલ સ.’

‘તો પછી આવને યાર.’

એણે નીચું જોયું. અંગૂઠાથી ફર્શ પર ખોતર્યા કર્યું ને મૂંગોમંતર.

આમ મારા દહાડા ટૂંકા થતા હતા અને એના દહાડા પસાર થતા હતા. સાહેબ ગોઠવાઈ જાય પછી હું અને શંભુ. એ ભાગ્યે જ મારી તરફ નજર માંડે, પણ મારો કાંઈ છૂટકો હતો? આમ એક વાર એને જોતો હતો ને એ ઊભો થયો. મેં ઇશારો કરીને પૂછ્યું. એણે ટચલી આંગળી બતાવી. મેં ટૉઇલેટ તરફ નિર્દેશ કર્યો. પણ શંભુ ટૉઇલેટની વિરુદ્ધ દિશામાં સ્કૂલના પાછળના ભાગમાં ગયો. સાહેબને કંઈ જોઈતું-કારવતું હોય એ પૂછી હું પણ ઝડપથી એની પાછળ ગયો. એ હળવો થઈને પ્રસન્નચિત્ત આવતો હતો. મેં એને આંતર્યો, પૂછ્યું, ‘અલ્યા ટૉઇલેટ મૂકીને કેમ ખુલ્લામાં?’

‘ખુલાસીને થાય છ એક.’

‘પણ આમ જાહેરમાં ન જવાય. સાહેબ પત્તર ઝીંકી દેશે.’

‘ઈની બૂનનો વિવો. બેટીતલાક અમારા ખેતરમ અમન રોકનાર કુણ છ?’

મેં કહ્યું, ‘પણ એ સભ્યતા ન ગણાય.’

‘તે સભ્યતા ઓલે ચ્યોં હુધી દબાઈન બેહી રહીએ? ઈમ હશે તો પહેલાદભઈ સાહેબને પૂછી લેશ. બહુ હશે તો ઝોંપા બહાર જેશ. પછ કોંય વોંધો?’ મારી બોલતી બંધ થઈ ગઈ.

હવે શંભુ સૂનમૂન બેસી નહોતો રહેતો. જ્યારે કંઈ પૂછું તો માત્ર હા કે ના-ને બદલે એક-બે વાક્યમાં જવાબ આપતો. ક્યારેક કંટાળે તો મારી પાસે આવીને નિશાળની નાનીમોટી વાતો સમજતો. હું એના ઘરની વાતો પૂછું તો સાવ મૌન રહેવાને બદલે ગાળી, ચાળીને થોડી વાતો કરતો.

આ વર્ષે પહેલા તબક્કામાં ગાંડોતૂર વરસીને વરસાદ પણ શંભુની જેમ ચુપેન્દ્ર થઈ ગયો હતો. સવારે વાદળો મેઘાડંબર કરે અને બપોર થતાં તડકો. સાંજ પડતાં તો વાવડો કંઈ ફૂંકાય, કંઈ ફૂંકાય તે વરસાદને લઈ જાય મારા ભા જોડે. પણ પંદર દહાડાથી એના તેવર બદલાયા છે. ગાંડા કરી નાખે એવો ઘામ છે. વરસાદને છૂટવું છે, પણ કોકે બાંધી રાખ્યો હોય એમ પડતો નથી. મારે નહીં તો માંદા પાડી દે તેવું વાતાવરણ. આજે સવારથી જ મારું માથું પકડાયેલું. મને થયું શંભુ જોડે વાતો કરીને હળવો થાઉં.

મેં એને પૂછ્યું, ‘શંભુ કેવું લાગે છે, વરસાદનું? બેત્રણ દિવસમાં ત્રાટકે એવું લાગે છે?’ એણે ઉત્સાહિત થઈ જવાબ આપ્યો, ‘વાદળોમ ગરભ છ. બે-તૈણ દહાડામ ખાબકશે એ નક્કી. વખત છ ન આજે ય ટુટી પડ’ કહી એના ખેતરના ટુકડા તરફ જ્યાં ક્રીડાંગણ હતું ત્યાં તાકી રહીને કોઈ બીજી જ દુનિયામાં જતો રહ્યો. આંખો બંધ કરી. હંમેશની સાવધાનની પોઝિશન છોડી વિશ્રામમાં બેઠો. વળી પાછો કરંટ લાગ્યો હોય એમ ટટ્ટાર થયો. બે હથેળીઓનો અંકોડો ભીડી ખોળામાં મૂકી અને ચહેરા પર વેદનામિશ્રિત મૌન ફરી વળ્યું.

મેં એને વાતે વાળવા પૂછ્યું, ‘મને એ કે શંભુ, કે તારી વહુ ભાત લઈને રોજ ખેતરે આવતી કે તું ઘેર ખાવા જતો?’

‘ઘણી ફેરા આવતી. એ દહાડો લચકો વાઢવા આઈતી. હંગાથે ભાત લેતી આયેલી. રોટલા, અડદની દાળ અન ઝી ગોળ. તમન ખબર છ, અડદમ બઉ તાકાત. આજના ગોડી એ દહાડે આભલું ઘેરઈન ભૂંય અડ્યું’તું. હાલ્લાની ફોંટ વાળીન પાર્વતી લચકો વાઢત ઘડી ઘડી ઉપર જોઈ લેતી. ઈનો પાછરનો નેફો લગીર હેઠો ઊતરેલો. બૈડો અડધો ઉઘાડો. હું ચાણ ઈની પાછર ઠેઠ પોકી જ્યો ઈની ખબર નો રઈ. સંચર થતોં ત્રોંસી થઈ ન ઈણે જોઈ લીધેલું. હાલ્લો મૂઢામ દબાઈ હહત હહત લચકો વાઢતી’તી પણ દાતેડું હવામ ફરતું’તું. મી ઓંખો મેંચી દીધી. મોટા ફોરે વરહાદ ઝાપટ્યો. ડેબ્બા ન ડેબ્બા તાલકામ પડવા મોંડ્યા. મારી ઓંશ્યો ઊઘડી જઈ. પાર્વતી ઊભી થઈ જઈ. મી ઈન હજ્જડ બાથ ભરી લીધી. ઈનોં ભેનોં પારેવોં મારી છાતીમ હલ. મન વળગેલા ઈના હાથમથી દાતેડું ભૂંય પડ્યું. મારો હાથ ઈના નેફાન હેઠો ઉતારતો’તો. ફરતા ફરતા આગર જતા મારા હાથન એ પાછર ઠેલતી રઈ. અમે બે એકાબીજાન જોસજોસથી બચીઓ ભરવા મોંડયોં. હું ઈનોં કપડો ઊંચોં કરવા જ્યો ક એ જોરથી મન ધક્કો મારી ન મશીનની ઓયડીમ દોડી જઈ. અન એ દહાડો ઓયડીમય વરહાદના ધધુડા પડ્યા.’ આટલું બોલતાં શંભુ શરમાઈ ગયો.

મેં કહ્યું, ‘આટલો શરમાય છે કેમ? અલ્યા ખેતર તારું વહુ તારી અને કુદરત આગળ બહેકી ગયો તે એમાં શો અનરથ થઈ ગયો ગાંડા?’

એ બે પળ મૌન થઈ ગયો ને મને તરત હાથ પકડીને બગીચામાં ખેંચી ગયો. એક લીમડા પાસે ઊભા રહીને કહ્યું, ‘અહીં અમારી મશીનની ઓયડી હતી. જતું રયું બધું. શ્યું કરીયે તાણ?’

એટલામાં ઘડિયાળમાં મારી નજર ગઈ. મેં ઉતાવળે કહ્યું, ‘અલ્યા શંભુ! દોડ, સાડા બાર, નાની રિસેસનો ટાઇમ થઈ ગયો. બાકીની વાત મોટી રિસેસમાં.’ એ તેતરને મારવા દોડતા ઠાકોરની જેમ દોડતો ઘંટ પાસે પહોંચી ગયો અને કોઈ દિવસ ન વગાડ્યો હોય એવા પ્રચંડ અવાજે ઘંટ વગાડ્યો.

મોટી રિસેસમાં મારે વાત ન કરવી પડી. એણે જ શરૂ કર્યું, ‘જોવોન શંકરભાઈ, એ સાલ મારા બાપાએ મારોં અન શારદીનોં લગન લીધેલોં. છેલ્લોં બે વરહથી દુકાળ પડેલો તે ખેતીમ બરકત નતી આઈ. મારા બાપાન એ છો ભઈઓ. અમારા ભાગમ તૈણ ખેતર આયોં. એક આ ‘જાહુડીવારુ’ જ્યોં આપડ ઊભા છીએ, બીજું ‘રાબડિયું’ કહીને ઉગમણી તરફ હાથ કર્યો અન તીજો પેલ્લો ટેંબો.’

એ વરહોમ સરકાર પરગતિના ફારકે ચડીતી. ખૂણ ખૂણ જી. આઈ. ડી. કરવાનું નક્કી કરેલુ.’ મેં ઉમેરતાં કહ્યું, ‘હા, જી.આઈ.ડી.સી. માટે જમીન તો એક્વાયર કરવી પડે ને? એમ તમારા ઉખલોડમાંય આયા હશે. ‘એને બત્તી થઈ હોય એમ પૂછ્યું, ‘તે તમારય જમીન તો હશે ન તમારા ગોમ દેત્રોજમ?’

મેં કહ્યું, ‘શંભુ અમારે પણ તારી જેમ થયું. મારા દાદાના વખતથી અમે અમદાવાદ આવી ગયા હતા. અમારાં ખેતર ભાગિયો ખેડી ખાતો. એ ઠાકોર હતો. એની ત્રણ પેઢીએ અમારાં ખેતર ખેડ્યાં. આઝાદી પછી સમાજવાદી ગણોતધારો આવ્યો એટલે ‘ખેડે તેની જમીન’ના ધોરણે અમારી જમીન એ ઠાકોરને મળી. મારા બાપા ખૂબ અકળાયેલા. પણ મેં એમને સમજાવેલા કે મળી છે તો ગરીબ માણસને મળી છે. તમે એનું ઝૂંપડું જોયું છે? તોય કોઈ વર્ષ ભાગ આપવામાં એણે બેઈમાની કરી છે? ભલે બિચારો રાજી થતો. તમે કોઈ દિવસ ખેતર ખેડવાના છો?’

એણે વાત આગળ વધારી. ‘હા, તે શંકરભઈ, એ ફેરા કારી બંડી ન ધોતિયોં ઠઠાડીન દલાલો ગોમમ ફર્યા કર. ઈમની હારે કંપનીના સૂટબૂટવાળાય મોખીઓની જમ બણબણ થતા. મારા બાપા તાણ ભીડમ. તે પહેલું રાબડિયું વેક્યું. ત્યોં મોટું જિન થવાનુ’તું.’ હારો ભાવ આયો. એ પૈસાનું હોનું લીધું. હોનાના ભાવેય મારા દિયોર આભલ અડ્યાતા. પણ પૈસા આયેલા તે મારા બાપાએ કોથરી છુટી મેલી દીધી. પછી મી ના કીધું તમોન ક જી.આઈ.ડી. થઈ ગોમન અડીન. ઓમેય સરકાર જમીન લેવાની તો હતી જ. તે મારા બાપાન થ્યું ક એ ઘઈડા થઈ જ્યા છ એક ખેતી નઈ કરી હક. મારામ ઈમન વિશ્વા નઈ. વરી પાર્વતી નવી નવી આયેલી તે નામનનો ખેતરમ જતો. મારા બાપાન થ્યું ક શેતીમ બરાગર નઈ આવ. ઈના કરત ‘ટેંબો’ વેકીન મન નોનો-મોટો ધંધો કરી આલ. એક ‘ટેંબો’ય વેક્યો. એ પૈસામથી કરિયોણાની દુકોન કરી. પણ મારું હારું તાલ થયો. હઉના હાથમ પૈસા આયેલા. તે બધાય ફરી વરેલા દુકોનો કરવા. કોક પોનનો ગલ્લો તો કોક કરિયોણાની દુકોન તો વળી કોક કપડોની દુકોન. બધોંની દુકોનો ચ્યોંથી ચાલ? પાછો હું બોલવાનો મોરો. પછ તો ઘેર બેઠો પૈસાનો વહીવટ કરતો. મારા બાપાની દેખરેખ ખરી. પણ કીધું સ ન ક બેઠ બેઠ તો મોટા ભુપનાય ખજોના ખાલી થઈ જાય. તે અમાર પૈસાની ભીડ પડવા મોંડી. હું ન પાર્વતી આખો દહાડો મસ્તી કરતોં એ મારા બાપાન લગાર ના ગમ. એ કોંક વેતમ હતા. ત્યોં જ આ પહેલાદભઈ સાહેબ અમારા ઘેર આયા. ઈમન નિશાળના બગીચા ઓલે જમીન જોતીતી. મારા બાપાન પૂછ્યું, ‘બોલો પશાભાઈ, ‘જાહુડીવારુ’ આલશો? તમે કેશો એટલા પૈસા આપીશ.’ ‘મારા બાપા કેય, ‘એ ખરું પણ આ છેલ્લું ખેતર વેકાશે તો પછ આ શંભુડો શ્યૂ કરશે? આખો દહાડો વહુની હોડમથી ખહતો નહીં. ઈનું કોંક કરો સાહેબ.’ પહેલાદભઈ સાહેબે દરખાસ્ત કરી, ‘બોલો એ ગ્રૅજ્યુએટ હોય તો ક્લાર્ક તરીકે આપણી નિશાળમાં રાખી લઉં.’ મારા બાપા કેય, ‘ઈન ભણતર ચડ્યું જ નઈ સાયેબ.’ ‘તો પછી સંગીતશિક્ષક તરીકે રાખી લઉં.’ મારા બાપા ફક ફક કરતા હસી પડ્યા. મારા બાપા કેય, ‘તમેય તે શ્યૂ પહેલાદભઈ અમ ગરીબોની ફિરકી ઉતારો સો? હપુચો ભણ્યો નહી ઈન સંગીતશિક્ષકની નોકરી ચેવી રીતે આલો?’ પહેલાદભઈ! કેય, ‘એ તો કહેવાની રીત પશાભાઈ. એને શાળાનો ઘંટ વગાડવાનું કામ સોંપું. બસ સમયસર ઘંટ વગાડવાનો. ન ભણતરની જરૂર કે ન…’ મારા બાપાનો શ્વાસ હેઠો બેઠો. ‘તાણ ઈમ કયો ન પટાવારાની નોકરી આલશ્યો. વોંધો નઈ, એટલુંય ચ્યોંથી હોય અમારા ભાઈગમ. એટલ ઈમણે હા ભણી. પછી તો ગોમમ વાત ફેલઈ જઈ. પશાભઈએ જાહુડીવારુ વેક્યું, પૈસા હારા આયા, અન શંભુન સંગીતશિક્ષકની નોકરી મલી. હું જ્યારે પણ બહાર જતો તાણ મારી હેડીના છોકરા બોલ, અલ્યો માગ કરો. સંગીતશિક્ષક આયા. હાચું કહું શંકરભઈ, જમીન વેકાણી ઈનો વોંધો નઈ, ઢગલો રૂપિયા આયા, પટાવારાની નોકરી મળી તેય હારું થયું, બે પોંદડે થઈશ્યું. શેતીમય ભલીવાર નતો. પણ તમે જ ક્યો લોક ‘સંગીતશિક્ષક સંગીતશિક્ષક’ કઈ ઉડાડ એ હારું લાગતું હશે?’ આટલું બોલી એ મૌન થઈ ગયો. એની નજર નીચી હતી. આંખોમાંથી ટીપાં પડતાં હતાં. મારે ઘણોય જવાબ આપવો હતો. પણ શો જવાબ આપું?

હવે તો સંસ્કારધામ શાળા છે, પહેલાદભાઈ સાહેબની સેવા છે, હું છું, શંભુ છે, ઘંટ વાગ્યા કરે છે, જોશથી ઘંટ વાગ્યા કરે છે.


(એતદ્, ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૧૫)