ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મણિલાલ હ. પટેલ/પી.ટી.સી. થયેલી વહુ
મણિલાલ હ. પટેલ
અવે તો માશીની બુનને પણ તાણે… એક એટલું જ ઠેકાણું બાચી સે. સગા દીકરા કાંતિ માટે જગાભાઈ આવું બોલે એ માન્યામાં નહોતું આવતું. કાંતિ મારો દોસ્તાર.
અમે હાર્યે ભણેલા, રમેલા અને રખડેલા.
કાંતિ ભણવામાં ઘણો કાચો. પણ એના કાકા દાસભાઈ બી.એસસી,.બી.એડ. થઈને હાઈસ્કૂલમાં માસ્તર થયેલા. મેટ્રિકની પરીક્ષામાં બહારથી પેપર લખાવીને, ચોરી કરાવીને અને પૈસા પાથરી માર્ક્સ ઉમેરાવીને એમણે કાંતિનું ભાવિ પલટી નાખેલું.
સિત્તેર ટકે પાસ થયેલા કાંતિને પટ કરતું પી.ટી.સી.માં એડમિશન મળી ગયેલું. આજે ચારેક વર્ષથી કાંતિ પાસેના ગામની પ્રાથમિક શાળામાં માસ્તર છે. કાંતિને બિચારાને એકેય વિષય ના ફાવે. એને ભણવામાં હતો એથી બારગણો કંટાળો ભણાવવામાં. એનો જીવ ઘરખેતરમાં વધારે. પણ ગામ અને સમાજ ‘માસ્તર’ જેવું મોભાદાર માન આપે એનો વટ પડે એવા વિચારે આખું ઘર રાજીનું રેડ રહેતું.
સવાર-સાંજ કાંતિ ખેતરનું કામ કરે. બપોરે નોકરી માટે નિશાળે જાય અને ત્યાં આરામ કરે, કાંતિના આદેશ મુજબ, વર્ગમાં પહેલો નંબર હોય એ છોકરો લેશન જુવે તથા ભણાવેય ખરો. આથી કાંતિને નિરાંત રહેતી. બધાં હવે એને ‘માસ્તર’ કહીને બોલાવતાં એનો આનંદ પણ ખરો. તોય પોતાની સગાઈ અને પરણવા બાબતે થયેલા ઢેઢફજેતા વિશેની ચિંતાઓ કાંતિને જંપવા દેતી નથી.
‘હાળું! હગો બાપ ઊઠીને ક્યું કે માશીની બુનને પઈણો તાણે હદ કહેવાય. આ વેઠાય ચ્યમનું!’ કાંતિ સમસમી ઊઠતો. પણ એનાથી બાપ આગળ બોલાતું નથી ને ધૂળી બાપાને ગાંઠતી નથી.
બાઈ ધૂળી જગાભાઈની બીજવારકી બાયડી.
ભારે કાફ્ફર!
જગોભાઈ ઝાઝું બોલવા જાય તો કોડિયામાં બળદોને પાગોળે બાંધીને ખહલું ખાવા નાખતી. કાંતિ મૂળથી હેબતાઈ ગયેલો.
આગલા ધણીને ‘બાયલો સે આ તો, આને રઈને ઉં હું કરું?’ એમ કહીને ધૂળીએ ફારગતી લીધેલી. ભર્યા પંચમાં ધૂળી આદમી જેવું બોલેલી ત્યારથી મલક આખાને એની ઓળખાણ જગાભાઈની ગ્રહદશા બેઠેલી તે એ ગાળામાં જ ઘરભંગ થયા. પહેલી વહુને વગડે સાપ કરડ્યો, ‘ભાથી-ખતરી વા’રે ના આવ્યા’ તે બાઈ ગુજરી ગયેલી. એટલે જગાભાઈ અને ધૂળીનું નાતરું થયેલું. ધૂળીનો વાન ઊજળો, ડિલે પોસાતી, દેખાવ માફકસર. જગોભાઈ લાડ લડાવે એ વયસહજ ગણાય. ધૂળી સ્વભાવ પ્રમાણે આને છૂટ ગણીને વર્તતી. છેવટે ઘરમાં ધૂળીનું રાજકાજ થયેલું. કાંતિના જનમ પછી તો ધૂળીનો સોટો ચાલતો. જગાભાઈનો વાંકબાંક નીકળે તોય બિચારા મીંદડી મ્યાઉં ના કરે. લોક કહેતું:
‘રાંડ, જગાભાઈ પર ઘોડો નથી કરતી એટલું જ. બાચી નબળી સે. આબરૂદાર કણબીને ટકાનો કરી નાંશ્યો. ધણીને ધાકમાં રાખીને કપાતર કુન્જાંણે હું ય કરતી અશે? એનો વેલો જ થડથી વગોળાયેલો…’
પણ આજે તો જગોભાઈ વીફરેલા હતા.
‘હાહરી કૂવેચની જાત. આઈ તન્ધાડાડી વળજી સે, ફોલીને ખઈ જઈ, હખે બેહવા દેવાની વાત તો આઘી રઈ, પેટપાંણી પડવા દેતી નથી… બળ્યો આ અવતાર.’
બાઝવા આવતા ડૂમાને થુંકી કાઢી પાછા જગોભાઈ બોલતા હતાઃ
‘આ છાંણમાં કીડા જેવો એક સારો સે એને એક વહુ જોઈએ એ જ ને? મીં એક કેતાં એકાવનની વાતો આંણી. પણ ના, આ રાંણીને તો
પી.ટી.સી. થયેલી જોઈએ, મ્હેતરાંણી! પૂછી આવો જેના ઘરમાં બે બે ચોટલાળીઓ એ એમની હું વલે થાય સે.’
ધૂળી ખેતરે ગઈ હશે એટલે જગાભાઈ બોલાવે ચડ્યા હશે? તો પછી આ કકળાટ જગોભાઈ કોને, જાતને સંભળાવતા હતા? ફળિયામાં ભેંકાર તડકો છે. ડાગળીચૂક હોય એવું એમનું ઘર ફળિયાથી જરા અળગું અતડું ઊભું છે.
મારી જેમ કોઈ રડ્યુંખડ્યું મનેખ જગાભાઈનો આ વલવલાટ સાંભળતું હોય તો હોય. રોજ કાખલી કૂટનારાં અને ટીખળીઓ કરી દાંત કાઢનારાંનો તોટો ના પડે. આજે સૌ વગડે વહી ગયાં છે. ઘઉં-ચણાનાં ખેતરોમાં દાતરડાં ફરે છે.
ઢોરને ખહલું સંકોરી આલતાં જગાભાઈ બોલતા હતા–
‘આ નેંહાળ્યો પર પૂળો પડી જ્યો તને તો હખ્ખે રેવાંત…પી.ટી.સી. પી.ટી.સી. કુન્જાંણે હું બલા સે મારી હાળી પી.ટી.સી.! આ તો જે ઊઠ્યો એ પી.ટી.સી.ને પરણવા રઘવાયો. મફતના માંદેવ ને તલાવનું પાંણી. કમાતી મળે તે હૌને વાલી લાગે, પણ પી.ટી.સી.ઓ એમ કાંય ઝાડે લટકી રઈઓ સે તે તોડી લવાંય? આ તો અગાંણીને ગુનાં શમણાંવાળી વાત…’
જગાભાઈની વાત સાચી હતી. એમના કઢાપાને કારણો હતાં. કાંતિના જનમના ઓગણીસમા દા’ડે જ એની સગાઈ થઈ ગયેલી. પણ ધૂળીને એ વેંવાણ હાર્યે વાંકું પડ્યું. એ કહેતી: ‘મને એ ટેસાવડી વેવાંણ્ય ઘડી વાર ની જોઈએ. એનું અભેમાંન એની પાંહે રાખે…’
જગોભાઈ કાંતિ માટે બીજી કન્યા શોધી લાવેલા. ઘર આબરૂદાર, ખાધેપીધે સુખી ગણાય.
કુંવારે માંડવે વિવાહ ફોક કરવાનું તો આ બાવન ગોળના પાટીદારોમાં રમત વાત ગણાતી. કંકુ સાટે કન્યા મળતી એટલે ‘હા’ ‘ના’ કરતાં વાર નહીં.
કાંતિ મોટો થયો.
કાંતિને વહુ જોવાના કોડ જાગેલા. એક વાર મને એની સાસરીમાં સાથે લઈ ગયેલો. વાટમાં મને કહી રાખેલું કે ‘રતિલાલ, તારે પૂનીને બોલાઈને પૂછવાનું કે કાંતિની યાદ આવે છે કે નહીં?’ પછી શરમાઈ ગયેલો.
તે દિવસે ‘વર આયો જાંણીને’ પૂની તો લાજની મારી પતાળમાં ઊતરી પડેલી. આખો દા’ડો ઘરમાં દેખાયેલી નહીં. ઘાઘરીપોલકાળી છોરીઓ ડોકિયાં કરીકરીને ખીખી હસતીક ને ખોવાઈ જતી. કાંતિ સૂનો પડી જતો હતો. પાછા વળતાં એનું મોઢું પડી ગયેલું. મને પણ અઘરું લાગેલું.
ઘેર આવતાંવેંત ધૂળીએ કાંતિને પૂછેલુંઃ
‘તારી હાહુએ હું ખાવાનું કરેલું?’
‘લાડવો કઢી અને ભાત.’
આ સાંભળતાં સાથે ધૂળી ભડકો થઈ ઊઠેલીઃ
‘મારો હાત નવઈનો સોરો પેલ્લી વાર એણે ઘેર જ્યો ને એ શંખણીએ એના ભાંણામાં કઢી મેલી? બાપ રે બાપ! નઈ શાક નઈ પાપડ, ભૂંડી! આબરૂદાર ઓય તો મેમાંનને – એમાંય આ તો પેટના ડીરાથીય અદકો જમઈ આયો’તો–કઢી મેલલાં તારો જીવ ચ્યમનો સાલ્યો? કાહર દાળ કરવાનો તને વચારેય નીં આયો? તરસટ નબળઈ આ તો…’
ખેતરમાંથી થાક્યાપાક્યા આવેલા જગોભાઈ ક્યાંય કશું જાણે સમજે એ પહેલાં તો ધૂળીએ માથે પસ્તાળ પાડેલી, ‘લ્યો, આબરૂને બચકાં ભરો. ઉં તો કઈ કઈને થાચી, મોટા એટલા ખોટા. મારે તો મારા હરખું હગું જોઈએ. આવું અકકોળ પંચ્યાં દોઢો મને નીં પાલવે, આ કયું તમને…’
છેવટે આ સગાઈ પણ નીકળી ગયેલી.
મધવાસના મેળામાં કાંતિએ પૂનીને જોઈ ત્યારથી એના મનમાં એ ગોરી એકવડી વહુ વસી ગયેલી. એને એનાં શમણાંય આવેલાં. કઢીવાળી વાત કરવાથી બા આટલી હદે બગડશે અને વિવાહ તૂટી જશે એવી તો બિચારા કાંતિને ખબર નહીં!
એ ઉનાળે કાંતિ પરણવામાંથી રઝળી ગયેલો. સરખેસરખા ગોઠિયા પરણતા હતા. ફુલેકાં ફળિયે ફરતાં હતાં. કાંતિ અને મહેમાન આવેલી છોકરીઓ બતાવતો અને ઉદાસ થઈ જતો હતો. ત્યારે એ પી.ટી.સી.ના પહેલા વરસમાં ભણતો હતો.
બસ, આ ગાળામાં ધૂળીના મનમાં કોઈએ પલીતો ચાંપેલો; અવે તો પી.ટી.સી. થયેલી વહુ મળે તો જ કાંતિડાને પૈણાવજે. ઘરમાં જોડું ઓય, બંને કમાતાં ઓય, પસે તારે નિરાંત. ગામમાં, સમાજમાં ઉપરથી વટ પડે એ છોગામાં…
શરૂમાં તો જગોભાઈ પણ આ વાતથી પલળી ગયેલા. અને કાંતિ? અજાણ્યું જીવડું કરડતાં ધીમું ધીમું ઝેર ચડે એવું એને પી.ટી.સી. થયેલી વહુ પરણવાનું પૈણ ચડેલું:
‘સાઇકલ કે લૂના પર ડબલ સવારી, માથે ઓઢેલું ગામ બહાર્ય જઈને વઉ કાઢી નાખે. હાર્યે મેળો ને લુણાવાડાનું બજાર. શનિવારે શાળાએથી સીધાં સિનેમામાં. અંધારામાં ગલીપચી. ગરમગરમ સેવઉસળ…’
ક્યારેક સંકોચાતો કાંતિ મને કહેતોઃ
‘રતિલાલ, તું તો મોટી કૉલેજ કરે સે, તે તને તો પી.ટી.સી. એક કહેતાં એકવીસ મળી જાય, ના મળે? તને મન નથી થતું પઇણવાનું?’
‘મારે તો હજી વાર છે, કાંતિ. પી.ટી.સી. કે બી.એ.,એમ.એ. કે બી.એડ…. છોડ બધી વાતો. આપણે તો અભણ વહુ મળે તોય એને કેળવી લેવાની. માણસને ઘડીને તૈયાર કરે એનું નામ કેળવણી સમજ્યો–?’
મારો જવાબ સાંભળી કાંતિ મૂંઝવણમાં મુકાઈ જતો. પણ ઘેર જતો એટલે ધૂળી– જગાભાઈની રોજની પી.ટી.સી.ની વાતોમાં મનોમન ગળાબૂડ થઈ જતો.
‘સોરો પી.ટી.સી. કૉલેસ કરે તે ચેટલો ખરચો આવે એ તો અમે જાણીએ કે અમારું મન જાણે. મેટ્રિકમાં એના ભારોભાર રૂપિયા વેર્યા, સિત્તેર ટકા કાંય વાટમાં નથી પડ્યા. જાત ભાંગીને મજૂરી કરીએ તે સોરાના હખ્ખ હારું. સોરો પી.ટી.સી. ઓય તો વઉ પણ પી.ટી.સી. જોઈએ કનીં? લેણ મળવી જોઈએ લેણ… નઈ તો જીબ્બામાં હકાળ ચ્યાંથી આવે?’ ધૂળી વાટે, વગડે સૌને કહ્યા કરતી. પી.ટી.સી. થયેલી વહુ આવી ગઈ હોય એવાં શમણાં આવતાં, ક્યારેક તો એ પોતે જ પી.ટી.સી. ભણી આવી હોય એવું થઈ આવતું હતું.
જગોભાઈ બસમાં, કોઈના લૂના, સ્કૂટર, ટ્રૅક્ટર–જે મળ્યું તે વાહને–ચઢીને બાવન ગોળનાં ચોર્યાશી ગામો ઘમરોળતા હતા. ક્યારેક રાત માથે લેવી પડતી, વખતે કોઈક સગાંનો સાથ લેવો પડતો. કયા ગામમાં કેટલી છોકરીઓ પી.ટી.સી.માં છે. કેટલીની સગાઈ બાકી છે; કોની સગાઈ ફોક કરવાની છે. આ બધીય વિગતો મેળવવાની અને પછી પોતાના કાંતિ માટે સપાડું કરવાનું વેણ નાખવાનું.
જગાભાઈએ નબળાસબળા સૌ જોઈ નાખેલા. ઝાઝાં ઠેકાણાં હવે બચ્યાં નહોતાં. ક્યાંક હોય તો એ લોક જગાભાઈની વહુ ધૂળીના સ્વભાવની વાત જાણીને પાછા પડતા’તા. લોકો ઝીણામાં ઝીણી વિગતોનો તાગ મેળવતા થઈ ગયા હતા. ધૂળી વિશે ગામમાં આગળપાછળ કહેવાતું એ બહાર પહોંચેલું ઃ
‘એનો શભાવ ટકટક કરવાનો. હારું એની બતીં હંખાય નઈ. ધણીને ઊઠબૅશ કરાવે એ સોરા – વઉને ચ્યમની જંપવા દેવાની? ચીંકણી તો ગુંદર જેવી. પાહોડી કપ ચા પી જાય તો મનમાં માંડી રાખે એવી. મેમાંન તો એ એકલપેટીને ઘેર ચ્યાણેય પોહાંયો નથી. ભઈ, ઘવાયા વના તો ઊજળા ચ્યમનું થવાય!’
જગાભાઈને કાનેય આવી ઊડતી વાતો આવતી. એ તળેઉપર થઈને શમી જતા. ક્યારેક કાંતિ પર ચીડ ઠાલવતાં ઠાલવી જતા, તો ધૂળી એમને મણના છશેર કરી મેલતી. ઘરખૂણે બાપ-બેટા બેયને ગોઘાટતી ધૂળીએ જગાભઈનું આબરૂદાર થવાનું શમણું નંદવી મેલેલું. ક્યારેક જગોભાઈ મારા બાપને કહેતાઃ
‘ધનાકાકા, કરમમાં ડોળિયાં લશ્યાં ઑય તે જીયાં ચ્યાંથી ખાવાના અતા? આ તો કાઠાવાજ્યા કરીને અવતાર ખેંચવાનો. ઉંતો જાણતો ઓત તો આ બૈરાની માયામાં પડાત જ નઈં… પણ–
‘આ તો જગા! પેલા એનાવાળી વાત એ કે પઇણે એ પસ્તાય અને ન પઇણે એ બમણો પસ્તાય. રાતાં લૂગડાં અને સોરાંના મૂતરવાળી લીલી ગોદડીઓ વના પાટીદારનો અવતાર એળે જાય. લોકો લાકડાનીય કન્યા હું કાંમ હોધતા ઓય સે? માયાનો ખેલ સે બધો…’ બાપા કહેતા.
ધૂળીની જીદે છેવટે કાંતિ સારુ સંત તાલુકાની કહેવાય એવી પણ પી.ટી.સી. કન્યા મેળવવામાં જગોભાઈ સફળ થયેલા. સાત સપાડે કામ થયેલું. ધૂળીનો હરખ ચાના પ્યાલાઓમાંથી છલકાવા લાગેલો. કાંતિને મનમાં ઘણુંય હતું કે પોતે આવનારી વહુને એક વાર જોઈ લે. પણ વીંછણ જેવી બા પાસે બોલાતું નથી, ને બાપા આગળ શરમ આવે એ સામાન્ય ગણાય. આમેય નાતરિયા ન્યાતમાં માબાપ કરે તે સત્તર આની! છોકરો-છોકરી વધારે ભણ્યાં હોય અને એકબીજાને જોવાની જિદ્દ કરે તો લોક વાતો કરી ખાતું:
‘જેણે મેલી લાજ એનું નાનું હરખું રાજ. જાહ રે જાહ હ કળજગ આયો સે!’
કાંતિ પોરસાતો બેઠો ત્યારે માંડવામાં ખાસ્સી મોટી કન્યા ભાળીને ધૂળી આભી બની ગયેલી. જગાભાઈએ તો વિશ્વાસે વહાણ હાંકેલું. હવે થાય શું?
કાંતિના પઇણ્યા પર પાણી ફરી વળેલું. કન્યા શામળી અને દેખાવે દાધારંગી. ધૂઆંપૂંઆ થયેલી ધૂળી ઘેર આવીને જગાભાઈ પર વીફરેલીઃ
‘તમારી આંશ્યો ફૂટેલી અતી? નક્કી કરવા જ્યાં તાંણે બાપ-બેટા બેય હરખો અક્કરમી! એકેમાં વેતા ના મળે. ઉં તો અવાડામાંથી નેકળીને કૂવામાં પડી, તે કઉં કોને?’
‘અવે ટિટિયારો મેલ્ય. કાળાંય ઑય સે તો મનેખ કનીં? કાંનજી ભગવાંને કાળા ન’તા? અમથી પપડાટો કરે –’
જગાભઈને અધવચ્ચે બોલતા અટકાવીને ધૂળી સામે ચડેલીઃ
‘બેહાં અવે, ભગવાન તો રૂપાળા અતા. તમારા જેવા હુડભુડ ન’તા. આ તો બાવળીઓમાં ભૂલી પડે તો જડે નઈં એવી સે. એના આથે આલેલું બોરુંય કુણ ખાય! ના, ના. મારે આઠે અંગ આ વઉં નીં જોઈએ.’
કાંતિ બિચારો! ખાતાં દાઝ્યો તે કોને કહે?
વહુ ગઈ તે ગઈ. ધૂળીએ પહેલું આણું જ ના કરાવ્યું. જગોભાઈ ઘણુંય તરફડ્યા. આજીજીઓ કરી. પણ ધૂળી એક વેઢેથી બીજે વેઢે ના આવી તે ના જ આવી!
‘ઉં બાર વરહની બેઠી સું. ઉં કાંતિડાને ફેર પઇણાવે–અસ્સલ રૂપાળી પી.ટી.સી. થયેલી મેતરાણી આર્યે પઇણાવે. તમતમારે એક વાર આ ફંદામાંથી મારા સોરાને છૂટો કરી આલો. ને એય તમારી બતીના બણે એમ ઑય તો ઉં કરે. કમઈને રૂપિયાનો ઢગલો કરે, પણ કાંતિને બે ચોટલાળી ખેતી પઇણાવે તાણે જ મારી આંતરડી ઠરવાની. હા, મનેખનો અવતાર કાંય વાટમાં નથી પડેલો તે વારેઘડીએ માગ હકવાનો’ જગોભાઈ ઝાંખા પડી ગયેલા. થોડા દા’ડા પછી ધૂળી પણ ઓલવાયેલા અંગારા જેવી થઈ રહેલી.
આ બન્યું તે દિવસથી જગોભાઈ પી.ટી.સી.ને મણ મણની ચોપડાવતા થઈ ગયેલા. ભણવાની વાત નીકળે ને જગોભાઈ ભડકતા. કાંતિનેય સંભળાવતાઃ ‘અલ્યો, ફાટ્યાઓ! તમારી મા-ઓ ચ્યાં પી.ટી.સી. થઈ’તી? ધોળી ભાળીને ભૂરાયા થશો ને ગજા વનાની ઉફત કરશો તો કૂલે કાતાં ઘાલીને મરશાં…’
કોઈ વાટે જતું અમથું હસતું તોય ધૂળી બળી જતી. બધે એને પોતાની નગોદાઈ ગવાતી લાગતી. નવી વહુવારુઓને જોતી ને છાતીમાં ભઠ્ઠી ભડકતી. જગોભાઈ પણ રાખ વળેલા અંગારા પર ફૂંક મારવાથી ડરતા હતા.
ત્રણ-ત્રણ વરસ ભાંજગડમાં ગયાં. ટોપી ઉતારી, નાત્ય આગળ નાકલીટી તાણી. પંચ ભેગા કર્યા. બબ્બે મણના લાડવા ખવડાવ્યા. ખાંધ્યાઓનાં ગજવા ભર્યા. ઉપરથી પાંત્રીસ હજાર રૂપિયા વહુએ જીવકના માગ્યા અને ઘરેણાં લઈ ગઈ તો નફામાં. એ તોય જગાભઈના ગ્રહો પાધરા તે પાંત્રીસે પત્યું. બાકી ગામમાં બાસઠ હજાર લઈને છૂટકો કરનારાય હતા. પહેલાં છૂટાછેડા આટલા મોંઘા નહોતા. આ તો ભણતર વધ્યું એમ ગણતર વધ્યું. જગોભઈ તો સૌને કહેતા કે ‘ગાય દોઈને કૂતરીને પાવાનો ધંધો સૅ આ…
કાંતિના છૂટાછેડાને વરસ થવા આવ્યું છે, તોય સગાઈ નક્કી થતી નથી. જગોભાઈ રઘવાયા રહે છે અને કાચી કેરીને સૂડો કરકોલે એમ ધૂળીને ચિંતા ફોલી ખાય છે. કાંતિ મને કહે છે:
‘આંનાથી તો બાવા થઈ જવું હારું. ઉં તો કઈ કઈને થાચ્યો; મારે તો પી.ટી.સી. કાંય જોઈતી નથી, અવે તો લાકડામાંથી ઘડેલી કન્યા અશે તોય ચાલશે.’
હું બોલ્યા વિના સાંભળી રહું છું.
‘હગી મા વેરવણ થઈને બેઠીસૅં. મારે તો ધોળીય નથી જોઈતી તે ફૂમતાવાળીય નથી જોઈતી. આપડા જેવી નઈ ઑય તોય ચાલશે. હાચું કઉં સું, રતિલાલ! આ ડોહાડોહીનો વલોપાત નથી વેઠાતો.’ કાંતિ છેવટે બબડે છે જોવનાઈ પસેં તો બધુંય હરખું…’
બપોરે જગાભાઈનો રઘવાટ થોડો હેઠો બેઠેલો. ઓટલી પર બેઠા બેઠા એ જોઈ રહ્યા છે, સીમમાં આંબાઓ મ્હોરથી છલકાઈ રહ્યા છે. વસંત પંચમી હમણાં વીતી હતી. ન્યાતના કાયદા ઘડવા મળતી બાવન પાટીદારોની મિટિંગ મળી ચૂકી હતી. છૂટાછેડા લેવા પર મુકાયેલા દંડથી ઊહાપોહ થયેલો તે હજી તાજો જ હતો. હોળી પાસે આવતાં હવે વિવા તોડવા-ફોડવાની ઋતુ પહેલા વરસાદે ખેડૂત જેમ હળોતરુ કરે એમ, બેસી ગઈ હતી.
શિયાળો ઊતરીને બપોરી વેળામાં ઉનાળો પેસતો હતો. ઘર પાસેનો શીમળો રાતાંગલ ફૂલોથી ખળભળી ઉઠ્યો હતો. જગાભાઈની નજર એના પર ઠરેલી ધૂળીને પટાવવી કેમ કરીને એની આજે એમને ભારે મૂંઝવણ હતી. કાંતિ માટે એમણે કન્યા શોધી કાઢી હતી, પી.ટી.સી. થયેલી નહીં, આર્ટ્સ કૉલેજમાં ભણતી. જગાભઈને શીમળાનાં ફૂલો ઠેઠ ફળિયામાં વેરાયેલાં દેખાતાં હતાં.
ચાંલ્લાનો રૂપિયો ઘરમાં આવી ગયેલો. જગાભાઈને કુટુંબીઓએ કહેલું કે સોમવારે ગોળધાણા વહેંચી દેવાના છે, તારી વઉને કઈ દેજે, ટકટકારો ના કરે.’ જગોભાઈ ના પાડે તો નાક કપાય અને ધૂળી હા પાડે તો હાથ કપાય. જગોભાઈ કડક થવા મથતા હતા.
છેક રવિવારની સાંજે જગોભાઈ ધૂળીને વાત કરી શક્યા. સગાઈની વાત જાણીને એણે ભારે ઘમસાણ મચાવ્યું. માથાં કૂટ્યાં, છાતી ફૂટીઃ પી.ટી.સી. તારું નખ્ખોદ જજો. રાંડો પી.ટી.સી. થઈ થઈને ધણીને મેલીને ઢેડોને રાખતી થઈ ઓ સે. મારે એવી પી.ટી.સી. ના જોઈએ. રાંડ પી.ટી.સી. તારું નખ્ખોદ જજો.’
ધૂળીનું કલ્પાંત જોઈ જગોભાઈ અંદરથી હલી ગયેલા. કાંતિ તો સાવ ડઘાઈ ગયેલો.
સોમવારે સવારે જગાભાઈ ગામમાં ગોળ ખાવાનું નોતરું દેવા ઉત્સાહભર્યા નીકળ્યા ત્યારે ઝંખવાણી લાગતી ધૂળી પડોશણને કહી રહી હતી:
‘બુન, આ તો પી.ટી.સી.થી ય આગળનું હઘરું ભણતર કહેવાય. વઉ અંગરેચી નેંહાળમાં મ્હેતી થવાની. મારા કાંતિનું નસીબ હારું તે આવું ઠેકાણું અને ઊજળી કન્યા મળ્યાં… કનારે અમથું નથી કહ્યું કે ભગવાન તો હૌનો સે.’
હું ગોળધાણા ખાવા પહોંચ્યો ત્યારે ચોપાડમાં ઊભેલી ધૂળી મને આવકારવાને બદલે ઓયડામાં સરી ગઈ. મેં જોયું તો ચોપાડમાં અનેક ખાલી ખાટલાઓ પથરાયેલા પડ્યા હતા. જ્યારે કાંતિ એક ખાટલાના ઓશીકે રકાબીમાં મૂકેલાં કંકુચોખા અને રોકડા રૂપિયાની આરપાર એકીટસે તાકી રહ્યો હતો… [રાતવાસો]