ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મોહન પરમાર/હિરવણું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
હિરવણું

મોહન પરમાર

ઘણા સમય પછી આજે હિરવણું રેઢું મેલવાનો વખત આવ્યો હતો. ઓસરીમાં પછેડીઓ ખળતાં ખળતાં ગોવિંદ કશું બબડતો હતો. જીવીને એ ગમતું નહોતું. માથા પર બેલાં ઉપાડીને જતા ગણપતની નમી પડેલી ડોક જોઈને જીવીએ હિરવણું હડસેલી મેલ્યું. એમ કરવા જતાં પીરતીનાં પાઠાં ઉણામાંથી નીકળી ગયાં. એ પાઠાં સરખાં કરવા રોકાઈ; પણ તાલ બેસતો નહોતો. એક પાઠામાં ઊણો ભરાવીને સરખું કરવા જતાં નીચેનું પાઠું બાણની જેમ વળી ગયું ને લગ (આંટી) દમિયલ ડોસીની જેમ લબડી પડી. આ દરમિયાન અંબાડોસી ગોવિંદને કહી ગયાંઃ ‘ગણપતિયાએ ધૂળમાં બેલું પાડી નાંશ્યું.’ ગોવિંદ વીફર્યો. એણે જીવીને હાક મારી: ‘બસ, હિરવણું હાથમાં આયું છ તાણનું તો કાંય હૂજતું નથી તનઅ..’ જીવીએ સાંભળ્યું ના સાંભળ્યું કર્યું; પણ ગોવિંદ પછેડીઓ પર કોથળી મૂકીને હડી કાઢવા જેવું કર્યું એટલે જીવી ગમ ખાઈને ઊભી થઈ.

તાંસળા વડે ઘઢીમાંથી પાણ કાઢીને કોથળીમાં ભરી ગોવિંદ ઊભડક પગે ખળવા બેઠો. ગોવિંદ પર સહેજ અણગમો લાવીને જીવીએ સપાટ્યો પહેરી. ધૂળમાં પડેલા બેલાને ઊંચું કરવા મથતા ગણપતને જોઈને એ રીતે ભરાઈ. હડફભેર દોડીને એણે ગણપત સામે આંખો કાઢી. ગણપત રડું રડું થઈને બાજુ પર ઊભો રહી ગયો. થોડી વાર પહેલાં નમું નમું થયેલી ગણપતની ડોક યાદ આવતાં જીવીને ગણપત પર દયા આવી. ‘છોકરું છ બચ્ચારું! આ કાંય ઈના કાંમાન દા’ડા છ! બચારું બીકનું માર્યું આટલું કરઅ છ, તેય કાંય ઓછું છઅ…’ ધૂળમાં પડેલું બેલું માથા પર મૂકીને એણે સવાનો ખાટલો ઢાળ્યો. પથરા પરથી બેલાં થપ્પીબંધ ઉપાડી એણે ખાટલા પર ગોઠવ્યાં.

રઘવાટમાં ને રઘવાટમાં એ પાછી ફરી. ગડીબંધ ગોઠવેલાં ત્રણેક બેલાં એકીસાથે ઊંચકીને ગોવિંદે જીવીના માથા પર મૂક્યાં ને જીવી જાણે મનનું સમતોલન ગુમાવી બેઠી, ‘જોનઅ આ! કુણ જોણઅ શુંય મનમાં ભરઈ જ્યું છઅ… વેચીનઅ આયા તાણના પૂરી કર્યા કરઅ છ.’ ગાલ પર દદડી પડેલા પાણને હાથ વડે લૂછીને એણે વાળમાં આંગળી નાંખી. વાળ ચીકણા ચીકણા થઈ ગયા હતા. એનું મન ઊભડક દોડ્યું. કશાય કારણ વિના ઊભા થયેલા વિવાદનું મૂળ શોધવા જતાં આવી પડેલા અંતરાયો એકબીજા સાથે અથડાયા.

ગલબાજીની ઘોડી તે દિવસે ખોવાઈ ન હોત તો સારું થાત. ઘોડી ખોવાઈ તો ભલે ખોવાઈ, તે દિવસે પોતે લાકડાં વીણવા સીમમાં ન ગઈ હોત તો… પોતાને મન તો એમ કે આ તો માત્ર ઘોડી શોધવા નીકળ્યો છે. બીજો એનો જે ચાળો હતો; તેની ખબર તો મોડેથી પડી. ગામમાં તૂરી રમવા આવતા ત્યારના ગલબાજીના આ ચાળાનાં બીજ વવાયાં હતાં. સારું છે કે હમણાંથી ગામમાં તૂરી રમવા આવતા નથી. વારાંગના નાચતી હોય, ને ગલબાજી મૂછ પર હાથ મૂકીને ગાયન કટ કરાવતો. પછી અદાથી જીવી સામે જોઈ રહેતો. બૈરાંની વચ્ચોવચ બેઠેલી જીવીને એની મૂછ કાપી નાંખવાનો વિચાર આવેલો. બીજું તો કશું થઈ શકેલું નહિ, પણ મનમાં બબડાટ કર્યા પછી બોલેલી, ‘ચેવો વંઠેલ છ!’ જીવીને સ્વપ્નેય ખ્યાલ નહિ કે મૂઓ આંય પણ ટપકી પડશે, ‘ભાભી, તમે આંયથી ઘોડીનઅ જતી જોઈ!’

જીવી બોલી નહોતી.

‘ધોળી ઘોડી હતી – તમારા જેવો જ વાન!’ ગલબાજી જીવીની પાસે જઈને બોલેલો.

જીવીના હાથમાં કોઢી હતી, ને એ તડકામાં ચમકતી હતી. આંખો ફાડીને એ ગલબાજી સામે જોઈ રહેલી. ગલબાજી હસતો હસતો બોલેલો: ‘બોલોનઅ તમે ઘોડી જોઈ?’ જીવી આઘી જઈને ઊભેલી; પણ ગલબાજીએ તેનો પીછો છોડેલો નહિ. એ તો ‘તમે મારી ઘોડી જોઈ?’ બસ એક જ રટણ કરતો રહેલો. છેવટે હારી-થાકીને જીવીએ કોઢી દેખાડેલી.

એ પછી જીવીના વાસમાં ગલબાજીના આંટાફેરા વધી પડેલા. જીવી લીમડા નીચે હિરવણું લઈને બેઠી હોય; ને ગલબાજી ‘અલ્યા ચુનો છઅ કઅ…’ એમ બોલીને જીવી સામે ખોંખારો ખાતો ખાતો ચુનાની ઓસરીમાં જઈને બેસે. ચુનો હાંફળોફાંફળો થઈને ખાટલો ઢાળે, બીડીની ઝૂડી લઈને આવે ને પછી તો પશો, સવો, જેઠો બધાય આવીને બેસે. બીડીઓ ચૂસતા જાય અને વાતોના તડાકા મારતા જાય. બધાય ગલબાજીની વાતો હેતથી સાંભળે. એમને તો એમ કે અમારી સાથે કેવી ભાઈબંધી છે! કોઈના ઘેર નહિ ને અમારે ત્યાં ગલબાજી આવે છે. ગમે તેમ તોય ઠાકોર છ. કોક દા’ડો કાંમનો માંણહ. ઈની હારે નો બગાડાય! વાતો કરતાં કરતાં ગલબાજી જીવીની સામે આંખના ઉલાળા કરે ને જીવી કટાણું મોં કરીને ખિજાતી જાય. ચુનો ટૉળમાં પૂછે – ‘હે દરબાર! તમારી પેલી ધોળી ઘોડી પછએ મળી?’

‘મળશી જ તો. જઈ જઈનઅ ચ્યાં જવાની છે!’

ગલબાજી જીવી સામે એકીટસે તાકી રહે. જેઠો, પશો, સવો ફીફી કરે ત્યારે જીવીને થાયઃ ‘આ આપડાવાળા જ નકોમા છે, પછઅ ઈનો હું વાંક?’ એ હિરવણું લઈને ઊભી થાય. ઓસરીમાં બધું ગોઠવે. પછી અવળી ફરીને પૂંઠ પર ઠિઠિયારા ઝીલે. ઠિઠિયારા હેઠા પડે એટલે પાછી હિરવણું લઈને લીમડા નીચે આવે.

ગોવિંદ કાપડની ફેરી કરવા જાય. પંદર-પંદર દિવસ બહાર રહેવાનું થાય. ગણપતને પગે કૂતરું કરડ્યું ત્યારે એ અઠવાડિયું ઘેર રહેલો. જીવીને ઓસરીમાં હિરવણું કરતી જોયેલી ને સામે ચુનાની ઓસરીમાં ઠિઠિયારા સાંભળીને એ ખિજાયો હતોઃ

‘ઘરમાં બેહતી હોય તો!’

‘ચ્યમ આંય હું છઅ…’

‘ભારતી નથી, પેલા નેનડિયા ડિઠિયારીએ ચડ્યા છે!’

‘તીં ચડવા દ્યો નઅ. કુટેલા વડે ટાંટિયા ભાગવા પડશીં.’

પણ ગોવિંદની આંખ સામે જોઈને એ બી ગયેલી. બધી વાત પામીને હિરવણું લઈને ઘરની પછીતે છાંયડામાં બેઠેલી. ગલબાજી ચુનાના ઘેરથી નીકળીને ધીમો પડતાં કહેઃ

‘ઉતરાંણ આયી છઅ. પતંગ ચગાવવા થોડા દોરા આલવા પડશીં.’

જીવી ચમકી ગઈ હતી. એણે ગાલ ફુલાવેલા. મોઢામાંથી લાળ દદડતી હોય તેવા વેતા કરીને ઊભેલા ગલબાજીને જોઈને એને હસવું આવેલું. એને હસતી ભાળીને ગલબાજી પોરસાયેલો. કમરે હાથ ટેકવીને જીવી સામે એકીટશે જોઈને ઊભો રહેલો. જીવી ધ્રૂજી ઊઠેલી. આજુબાજુ જોઈને આ બલાને અહીંથી ટાળવા સહેજ મોં હસતું રાખીને બોલી હતી: ‘તમનઅ ઉં દોરા નંઈ આલું તો કુનઅ આલીશ! લૂમખેને ઝૂમખે લઈ જજો.’

ગલબાજી ખુશ થતો ગયેલો. જીવી હિરવણું લઈને લીમડા નીચે બેઠેલી તે દરમિયાન એક કાગડો ઓટલા પરથી ઊડીને લીમડા પર બેઠેલો. લીમડાના ડાળા પર ચાંચ ઘસીને એણે સાફ કરી હતી. પછી એ ચરક્યો હતો, ઢીંચણો વચ્ચે લગ ભરાવીને તારને છેડો શોધતી જીવીના માથા પર. ને જીવીએ ખીજમાં ને ખીજમાં ઊંચે જોયેલું. કાગડો એનો ક્રોધ સહન કરી શક્યો કે કેમ એ તો રામ જાણે; પરંતુ તરત જ ઊડીને અલોપ થઈ ગયેલો. જીવી મોટેથી બોલેલી: ‘મારા ભાના દિયરનઅ બીજઅ ચ્યાંય અઘવાનું નો મલ્યું, તીં મારા જ માથા પર…’

પણ ગોવિંદ સુસવાટા મારતો ક્યાંકથી દોડતો આવેલો. હિરવણાને લાત મારીને બધું રમણભમણ કરી નાંખેલું. વાઘ સસલા પર તરાપ મારે અને જેવી સસલાની દશા થાય તેવી દશા હિરવણાની થઈ હતી. પીરતો અને પીરતી રાંકની માફક ધૂળમાં રગદોળાયેલાં પડ્યાં હતાં ને લગ અમળાઈ ગઈ હતી. પીરતાના ઊણા પણ તૂટી ગયા હતા. હિરવણાના તાર ઊણામાં સલવાઈ ગયા હતા. તે વખતે જીવીને રડવું આવેલું. અઠવાડિયા સુધી એણે હિરવણું હાથમાં લીધું નહોતું.

ને આજે પણ હિરવણું પડતું મૂકવું પડ્યું હતું. બે કારણો જુદાં હતાં પણ જીવીને બન્ને કારણો એકબીજામાં ભળી ગયેલાં લાગ્યાં. એણે પછેડીઓનાં બબ્બે બેલાં પથરા પર મૂક્યાં. ગોવિંદ આડું શોધવા ગયો હતો. જીવી એની રાહ જોવા લાગી. પાણ સુકાઈ જવાની મનમાં ભીતિ હતી. ‘અલ્યા ભૈ રવા! જાના ચ્યાંક વાતોએ વળજ્યા હશીં. બોલાઈ લાય. આ બેલાં તો હુકાવા માંડ્યાં.’ રવો દોડીને વાસમાં અદૃશ્ય થયો. થોડી વાર પછી જાણે દિગ્વિજય કરીને પાછો આવ્યો હોય એમ બે હાથ હિલ્લોળતો હિલ્લોળતો, આડાં લઈને આવતા ગોવિંદની આગળ આગળ ચાલતો હતો. તે જોઈને જીવીને હસવું આવ્યું. એ બોલીઃ ‘લ્યો હવઅ પગ ઉપાડો! મોડું થાહઅ.’

બન્ને જણ એક એક આડું લઈને બેલાં ઝૂડવા માંડ્યાં. જીવીનું આડું સરખું વાગતું નહોતું. બેલાં પર બોદો રણકો કરતું હતું.

‘જિંદગી આખી બેલાં ઝૂડ્યાં તોય આડું અથોથરું ચ્યમ પડઅ છઅ! આમ માર…’ કહીને ગોવિંદે પોતે જે રીતે આડું પકડ્યું હતું, તે જીવીને બતાવ્યું.

જીવીએ આડું સીધું કર્યું ને પછી બેલાં પર માર્યું. વાતાવરણ ગાજી ઊઠ્યું. બન્ને કસે ભરાયાં. જેટલા જોરથી જીવી આડું મારતી હતી, તેનાથી બમણા વેગે ગોવિંદ આડું મારવા લાગ્યો. જીવીને આજે બેલાં પર આડું ફેરવતા ગોવિંદના હાથ ગોવિંદના હાથ જેવા ન લાગ્યા. બેલાં ઝૂડતાં ઝૂડતાં એ વિચારે ચઢી ગઈ. ગોવિંદના ક્રોધની એને ખબર હતી. થોડી મનથી ડરી ગઈ. બેલાં પર પડતા આડાના ઘા જાણે એ પોતાની છાતી પર ઝીલી રહી હોય તેમ એને લાગ્યું. હાથ દુઃખવા માંડ્યા હતા ને હવે તો ગોવિંદ પણ થોડો હળવો થયો હતો. બેલાંમાં પાણનો પચપચ અવાજ સાંભળીને જીવીને હસવું આવ્યું – ને એકાએક એનું આડું ગોવિંદના આડા સાથે અથડાઈ પડ્યું.

‘બૈરાંથી કામ ચ્યાં હોય તો થઈ રયું!’

ગાલમાં ખંજન પાડતી જીવી ખિલખિલાટ હસવા લાગી. આડું એક બાજુ મૂકીને સાડલા વડે આંખમાં આવેલ પાણ લૂછવા એ બેઠી. ગોવિંદે પણ બેલાં પર આડું મૂકી દીધું. જીવીને એણે હસવા દીધી. એય હસ્યો. બને હસ્યાં ને વાતાવરણ હળવું ફૂલ બની ગયું.

તાજા થઈને પૂરા મન-ઉમંગથી બેલાં ઝૂડ્યાં. બેલાં ઝૂડાઈ ગયાં. ખુલ્લામાં પછેડીઓ સૂકવી દીધી. ગણપત દેખાતો નહોતો. ગોવિંદ એને બોલાવવા ગયો. કોઈકનાં ગધાડાં ફરતાં ફરતાં આ બાજુ આવી રહ્યાં હતાં. ધોકો લઈને ઊભા રહ્યા સિવાય છૂટકો નહોતો. અહીં એ ખળેલી પછેડીઓની પળોજણમાં ફસાઈ હતી, ને મન તો હજીયે હિરવણામાં અટવાયેલું હતું. જેમતેમ લીમડા નીચે મૂકેલાં પીરતો અને પીરતી સાંભળ્યાં. પણ શું કરે? ‘મૂઓ, આ ગણપતેય દેખાતો નથી.’ માંનીના ઘેરથી ધોકો મંગાવીને એ રસ્તા સામે તાકીને બેઠી. તડકો બરાબરનો વીફર્યો હતો. જીવી તડકાના અડપલાંથી ત્રાસી ગઈ. માંનીના ખાટલાની આડશે જઈને એ બેઠી. સુથારના ખેતરની વાડ તરફથી ગધાડાં પછેડીઓ બાજુ ફંટાયાં. જીવીએ હડી કાઢીને ધોકો ફેરવ્યો. ગધાડાં સધીમાના મઢ ભણી નાઠાં. જીવી પછેડીઓ તરફ પાછી ફરી રહી હતી ત્યાં સવાની વહુ માંની દોડતી આવી ને બોલી: ‘અલી જીવલી! તારા હિરવણાનઅ કૂતરાંએ ફેંદી નાંશ્યું છ!’ જીવીને ફાળ પડી. જીવીએ માંનીના હાથમાં ધોકો પકડાવતાં કહ્યુંઃ ‘અલી! તું થોડી વાર આંય બેહજે…’ કહીને એ દોડી. રસ્તામાં લાકડીના ટેકેટેકે ચાલતા મગનડોસા દોડતી જીવીને જોઈને બોલ્યાઃ ‘ભા! અમ દોટમદોટ કરો સો! જાળવજો, નકર પડી જાહો..’ જીવીએ બે હોઠો વચ્ચે પલકારો કરીને લાજનો છેડો દાંત વચ્ચે દબાવ્યો. મગનડોસા ડાકલી પંહોળી કરીને હસવા લાગ્યા.

જીવી લીમડા નીચે આવી. પીરતી ફંદાયેલી પડી હતી ને એક કૂતરો પગ ઊંચો કરીને તેના પર મૂતરી રહ્યો હતો. જીવીને ખીજ ચઢી. હાથમાં ઢેખાળો લીધો. જોર કરીને કૂતરા પર નાંખ્યો. કૂતરો તો જીવીને પૂરી કરતી જોઈને જ ભાગવા માંડ્યો હતો. જીવીએ ફેકેલો ઢેખાળો લીમડાના થડ સાથે અથડાઈને પાછો પડ્યો. જીવીએ હિરવણાના બધા ભાગો ભેગા કર્યા. કૂતરાના પેશાબથી ભીની થયેલી લગને પીરતીના ઊણા પર સરખી કરીને પીરતી તડકામાં મૂકી આવી. મોતકણિયો ઊંધો પડ્યો હતો. તેમાં જડાવેલો સળિયો ધૂળમાં અડધો દટાયેલો હતો. મોતકણિયો ઊભો કર્યો. પીરતો નધણિયાતો થઈને પડેલો. એના પર હિરવેલું રમણભ્રમણ થયેલું જોઈને જીવીનાં છાતીનાં પાટિયાં બેસવા લાગ્યાં.

એણે પીરતા પર પ્રેમથી હાથ પસવાર્યો. ધીરે રહીને તાર શોધી એણે હિરવણા પર લપેટીને પીરતા પરથી હિરવેલું કાઢીને આંટી મારી. ઘરમાં નજર કરી. ગોવિંદ દેખાતો નહોતો. સુકાતી પછેડીઓની ચિંતા થતી હતી પણ માંની પર ભરોસો હતો. તડકામાં મૂકેલી પીરતી હાથમાં લઈ લગ ભીની છે કે નહિ તે ચકાસી જોયું. લગ સુકાઈ ગઈ હતી. એણે મોતકણિયાના સળિયામાં પીરતીના બે લગોના તાર ભેગા કરીને પરોવ્યા. પછી એ પીરતા પર હિરવવા માંડી. પીરતી અને પીરતા નીચે મૂકેલાં ડબ્બાનાં ઢાંકણામાં કિચૂડાટ થતો હતો. કર્ણમધુર આ કિચૂડાટમાં કોઈના ખિખિયાટા ભળ્યા, ‘કુણ છઅ પાસુ!’ એમ બબડીને જીવીએ ચુનાની ઓસરીમાં નજર કરી. તારું બેંટ જાય ગલબા! ઓછું હતું તીં તું પાછો ટપકી પડ્યો?’ બાજુ પર સહેજ ખસીને એણે ચુનાના ઘર તરફ પીઠ કરી. પણ તોય મનમાં તો લબક લબક થતું હતું. ગોવિંદ આવશે ને ગલબાજીના ખિખિયાટા સાંભળશે ત્યારે… તૈણ-ચાર દા’ડા પે’લાં તો એ કાપડની ફેરી પરથી આયા છે અનઅ થોડા દા’ડામાં તો પાછા જવાના છઅ. એ હોય ત્યાં હુધી ગલબાની નજર હાંમેથી હટી જા નઅ જીવલી! એ ઊભી થવા જતી હતી ત્યાં ગોવિંદ આવ્યો, ‘તુંય એવી છ! પેણઅ પછેડીઓમાં ગધાડાં આળોટવા માંડ્યા છઅ, ન તું આંય આવતી રઈ?’ ગોવિંદ નારાજ લાગતો હતો. એણે ચુનાની ઓસરીમાં જોયું. એનો ઉકળાટ વધ્યો. દોટ મૂકીને જીવીના હાથમાંથી પીરતો અને પીરતી લઈને ઓસરીમાં છૂટાં ફેંક્યાં. જીવીનો જીવ અધ્ધર થઈ ગયો. આંસુની ધાર વહેવા લાગી. ‘મેર મુઓ, આંમ ચ્યમ કરતો હશીં!’ મનમાં થઈ આવ્યું, સાડલાના પાલવ વડે આંસુ લૂછતી લૂછતી એ ઘરની ઓસરીમાં આવી. પાછી સપાટ્યો પહેરી. ચુનાની ઓસરી એકાએક શાંત થઈ ગઈ હતી. જીવીએ દાંત પીસીને એ તરફ થોડું ઘૂંકી લીધું. પછેડીઓ સૂકવી હતી ત્યાં એ આવી તો સાચે જ ગધાડાં પછેડીઓમાં આળોટતાં હતાં. ‘ઇમનોય હું વાંક કાઢવો! વાંક જ મારો છઅ, ચ્યાં જઈ માંનડી!’ માંનીએ તેની ઓસરીમાં સૂતરનું ઓઘળું લાંબું કર્યું હતું. જીવીએ દોડીને ગધાડાં હાંક્યાં ને પછેડીઓને અડી જોયું, ‘પછેડીઓ તો કડક થઈ જઈ છઅ.’

‘માંનડી!’ જીવીએ બૂમ પાડી. માંનડીએ ઓઘળું પડતું મેલ્યું. એ જીવીની પાસે આવે તે પહેલાં તો જીવીએ એને ઊધડી લેતાં કહ્યું: ‘તું આટલી પછેડીઓય હાચવી ન હકી? પેણઅ ગણપતના બાપાનો મિજાજ જ્યો છઅ!’ માંની હસવા લાગી. એ બોલીઃ ‘મૂઈ હુંય એવી ભુલકણી છું! તારી પછેડીઓ હાંમું ધ્યોન રાખીનઅ બેઠી હતી પણ આ ઓઘળું ગૂંચાયું નેકળ્યું ના હું ઈમાં ગૂંચવાઈ ગઈ.’

એ આગળ આવી. જીવી કશું ન બોલી. એના મોંની તંગ રેખાઓ જોઈને માંની બોલીઃ

‘ચ્યમ હમણાંથી ગોવિંદભૈનો પારો ઊંચો રેય છઅ…’

‘રેય જ નઅ! વેચીનએ આવઅ છએ એટલે. જાંણી મોટો દલ્લો નો લાયા હોય! લે હેંડનઅ મનમાં પછેડીઓ વળાય.’

જીવી અને માંની પછેડીઓ વાળવા લાગી ત્યાં ગોવિંદ આવ્યો. પહેલાં તો બંનેમાંથી એકેયનું ધ્યાન ગોવિંદ તરફ નહોતું. એ તો પછેડીઓ વાળવામાં મશગૂલ હતી. ખાટલા પર હાથ ફેરવતાં ફેરવતાં ગોવિંદનો ગુસ્સો ઓગળી ગયો. જીવીનું ધ્યાન એ બાજુ ગયું. ગોવિંદને નરમ પડેલો જોઈને એ મનમાં હસી. ઇશારાથી એણે માંનીનું ધ્યાન એ તરફ દોર્યું. ગોવિંદને ઊભેલો જોઈને માંની બોલીઃ ‘ચ્યમ ભૈ! હમણાંથી ઘરમાં દાદાગીરી કરો સો! બૈરાં આટઆટલું કામ કરઅ છઅ, એ તો તમારી નજરમાં જ નઈ હોય!’

ગોવિંદ હસી પડ્યો.

‘હું આ લઈનઅ જઉં છું. તું બીજી લેતી આય.’

ગોવિંદ ખાટલા પર મૂકેલી પછેડીઓ બાથમાં ઘાલીને ગયો. જીવી અને માંની એકલાં પડ્યાં.

જીવીની હાલકડોલક સ્થિતિ જોઈને માંનીને થોડી શંકા પડી.

‘અલી, પે’લાં તો ગોવિંદભૈ આવું કદી કરતા નો’તા. હમણાંથી મનમાં કાંય ભૂત ભરાણું છઅ કઅ શું?’

‘શી ખબર! વાતવાતમાં ઘુરકિયાં કર્યા કરઅ છઅ. હિરવણું લઈનઅ તો બેહવા જ દેતા નથી.’

‘પંદર દા’ડે ઘેર આયા છે… તે કંઈ આગતાસાગતા નંઈ કરી હોય!’

‘તુંય ખરી છઅ…’

જીવીનું મોં શરમથી ઝૂકી ગયું. માંની ખડખડાટ હસીને બોલીઃ ‘આ પછેડીઓ તો કડક થઈ જઈ છઅ. લાય થોડી ખેંચીય.’

સામસામે પછેડીઓના છેડા પકડીને બંને જણી ખેંચવા માંડી. ખેંચતાં ખેંચતાં એક વાર જીવીના હાથમાંથી છેડો છૂટી ગયો. એ પડતાં પડતાં માંડ બચી. માંની તાલી પાડીને નાચવા માંડી. જીવીથી રહેવાયું નહિ. બીજી પછેડીઓ જોરજોરથી બંને ખેંચવા માંડી ત્યારે જીવીએ છેડો મૂકી દીધો. માંની પછેડી સમેત નીચે પડી. જીવી ખડખડાટ હસીને આગળ આવી. પછી માનીનો હાથ પકડીને ઊભી કરતાં કરતાં બોલીઃ ‘તું. પોદળા જેવી પોચી છએ!’

કેડમાં વાગ્યું હોય એમ કેડ પર હાથ ટેકવીને માંની ઊભી રહી. જીવી સામે એક આંખ માલી કરતાં એ બોલીઃ ‘મુઅી તીં તો મારાં હો વરહ પૂરાં કર્યાં.’

પછેડીઓ વાળી રહ્યા પછી જીવી જાણે ગમ જ ભૂલી બેઠી. માંની સાથે આ રીતે દિવસમાં એકાદ વાર ગમ્મત કરવાનું જીવીને ગમતું. માંની હતીય રમતિયાળ! જીવી સાથે એને સારું ભળતું પણ હણમાંથી સવો ચુના ભેળો ભળ્યો હતો, ત્યારથી જીવીએ આ બાજુ આવવાનું ઓછું કરી નાંખ્યું હતું.

પછેડીઓ માથે મૂકીને જીવી માનીને કહેતી ગઈ, ‘ચા પીવા આવજે!’ જીવી ઘેર આવી. ગોવિંદ રાહ જોઈને જ બેઠો હતો. ગોદડાં નીચે ગડી વાળીને પછેડીઓ દાબી દીધી. થોડો માલ હવે વાસમાંથી લેવાનો હતો. હોળી પહેલાં તો એકાદ વાર વેચીને પાછા આવવાનું હતું.

જીવીએ ચા મૂકી.

ગોવિંદ ગોદડા પર પલાંઠી મારી બેઠો. જીવી ચાનો કપ ભરીને આવી ત્યારે હાથમાં બીડી પકડીને કશાક વિચારમાં એ પડી ગયો.

‘શેના વિચારમાં પડ્યા સો?’

‘અમસ્તો.’

‘વેચવાનું ના ફાવએ તો વણો.’

‘હવઅ વણવાની મજા ના આવઅ.’

‘બારનું ખાવા ટેવાયા સો, એટલઅ…’

ગોવિંદ હસ્યો. જીવી જરા મૂંઝાણી. એને ગણપત સાંભર્યો. ગણપતને બોલાવવા માટે રવલાને મોકલ્યો. રવલો થોડી વારમાં પાછો આવીને કહી ગયો:

‘બધાં છોકરાંઓ હંગરીઓ ખાવા જ્યાં છઅ.’

‘જોનઅ આ છોકરાંના હંગરીઓના હવાદ પડ્યા છે તીં.’

‘છોકરું તો આવશીં!’ કહીને ગોવિંદે ફરીથી બીડી સળગાવી. જીવી વાસણ ઊટકવા બહાર આવી. ગલબાજીને ચુનાના ઘરમાંથી બહાર નીકળતો એણે જોયો. ધ્રાસકો પડ્યો. ગલબાજીએ ખોંખારો ખાઈને જીવીનું ધ્યાન દોર્યું. જીવીએ દાંત પીસીને એની સામે જોયું. ગલબાજીની આંખોનો ઉલાળો જીવીના હૃદયમાં વાગ્યો. ઝડપથી એ ઘરમાં ઘૂસીને વાડા પાછળ ગઈ. જીવીને વાડા તરફ જતી જોઈને ગોવિંદને કશોક વહેમ પડ્યો. એણે બહાર નીકળીને ઓસરીમાં ઊભાં ઊભાં જોયું તો ફળિયાના સીધા રસ્તા પર ગલબાજી જઈ રહ્યો હતો.

જીવી વાસણ ઊટકીને પાણિયારાની પગથાર પર ગોઠવતી હતી. ગોવિંદ તેની પાસે ગયો. ઝીણી નજરે જીવી સામે જોઈ રહ્યો. કશુંક બોલવા જતો હતો પરંતુ એકાએક બોલવાનું ટાળીને કાન ઉપર ભરાવેલી બીડી હાથમાં લઈને મગનડોસાના ઘર બાજુ વળ્યો. જીવીનો ફફડાટ ઓછો થયો. ગલબાજીને જોઈને ગોવિંદ શુંનું શુંય કરી નાંખશે એવું જીવીને લાગેલું; પણ ગોવિંદ જે રીતે શાંતિ રાખીને ગયો તે રીત જીવીને વધારે વસમી લાગી.

બીજે દિવસે ગોવિંદ કંઈક બદલાયેલો લાગ્યો. જીવી હિરવણું લઈને ઓસરીમાં બેસવાનું કરતી હતી. ગોવિંદે સામેથી જ એને લીમડા નીચે બેસવાનું કહ્યું. ગઈકાલે પીરતી તૂટી ગઈ હતી. આજે જીવીએ બીજી પીતી લીધી હતી. જૂની પીરતીનું તૂટેલું પાઠું કાઢી નાંખીને નવું પાઠું નાંખવાનું કામ ગોવિંદે સવારથી જ આરંભ્યું હતું. વાડામાંથી લાંબું લાકડું લઈને એ ઓસરીમાં પાઠું બનાવવા બેઠો હતો. પાઠું બનાવતાં બનાવતાં એ વારેઘડીએ જીવી સામે જોઈ લેતો હતો. જીવીએ આજે મોતકણિયો લીધો નહોતો. પગ લાંબા કરીને પીરતીની લગના બે તાર પગના અંગૂઠામાં ભેરવ્યા હતા. જીવીના પગના અંગૂઠાના કાપામાંથી સરર સરરર પસાર થતા તારની ગતિ જોઈને ગોવિદને સારું લાગ્યું.

પીરતીની એક લગમાંથી તાર તૂટ્યો, ને અંગૂઠાના કાપામાં બે તારની જગ્યાએ એક તાર સ્થિર થઈ ગયો. જીવી લગમાં તાર શોધવા રોકાઈ તે દરમિયાન પાઠું છોલતાં છોલતાં ગોવિંદની આંગળી પર છરી વાગી. એણે સિસકારો બોલાવ્યો. જીવી પીરતીને એમનેમ મૂકીને દોડી. ગોવિંદની આંગળીમાંથી લોહીની ધાર વછૂટી. ઓસરીમાં સૂરજનો પ્રકાશ સીધો પડતો હતો. લોહીમાં જાણે કિરણો ફૂટ્યાં! જીવીએ પળનોય વિલંબ કર્યા વિના ઘરમાંથી જૂનો સાડલો ફાડીને ગોવિંદની આંગળી પર પાટો બાંધી દીધો.

‘પાઠાની શી ઉતાવળ હતી? ઘરમાં પીરતીઓનો તોટો છઅ!’

‘બે દા’ડા પછઅ વેચવા જવાનું છઅ. થ્યું કઆ બધું તિયાર કરી રાખું તો તારઅ ચિંત્યા નંઈ.’

જીવીએ આંગળી પર બાંધેલા પાટા પર હાથ ફેરવી લીધો. ગોવિંદની હેતભરી નજર જીવીના દેહ પર ફરતી હતી. ગણપત નિશાળમાં જવા તૈયાર થયો હતો. જીવીએ ગણપત સામે જોઈને કહ્યુંઃ ‘વળતી વખતે દવાખાનેથી મલમ લેતો આવજે.’ ગણપત ગયો ને થોડી વાર પછી મગનડોસા આવીને ગોવિંદના ઓટલા પર બેઠા.

‘અલ્યા ગોવલા! ચ્યમ વડાંથી દેખાતો નથી? હવઅ ચ્યાંથી દેખાય, મોટા વેપારી થઈ જ્યા લાગઅ છઅ પુતર!’

‘હવઅ બેહો છાંનામાંના મગનકાકા! તમેય વેચીનઅ આવતા’તા તાણઅ ઈમ જ કરતા’તા.’

જીવી ઘરમાં જઈને મગનડોસા માટે પાણી લઈને આવી. પાણી પીને પ્યાલું પાછું આપતાં મગનડોસા ભૂતકાળમાં ડૂબકીઓ મારવા લાગ્યા.

‘ગોવલા! તુંય મારી ભેળો એકાદ-બે વાર વેચવા આવેલો, નંઈ?’

‘હા.’ કહી ગોવિંદે મગનડોસા સામે જોયું. ડોસા કાંઈક કૌતુક થાય તેવી વાત કરવાની વેતરણમાં હતા, ત્યાં ચુનાની ઓસરીમાં ગલબાજીને જોડા કાઢતા ભાળીને એ બોલ્યાઃ

‘આ ગલબો ચ્યમ હવડાંથી વાહમાં પડ્યો રેય છ?

જીવીએ હોઠ ભીડ્યા. એ લાજનો છેડો વધારે નીચો નમાવીને ઘરમાં ગઈ. ગલબાજીને આ બાજુ જોતો જોતો ચુનાના ઘેર જતાં જીવીએ જોયેલો. એ વખતે મગનડોસાનું ધ્યાન વાતોમાં હતું. એમણે જોયેલું નહિ.

‘થોડી ચા મેલજે!’ ગોવિંદનો અવાજ આવ્યો. એ ચુલાગરમાં પેઠી પણ એના કાન તો બહાર ગોવિંદ અને મગનડોસાની વાતોમાં હતાં.

ગોવિંદે કહ્યુંઃ

‘આ દિયોરનઅ આપડાવાળએ જ પેંધાડ્યો છઅ. હવઅ વાહમાં લાજમલાજા જેવું આ દિયોરોએ ચ્યાં રાશ્યું છઅ!!

તારા ઘર હાંમું આ હારું નંઈ.’ કહીને મગનડોસા કંઈક વિચારમાં પડ્યાં. પછી બોલ્યાઃ

‘જીવીનઅ તો કાંઈ લપનછપન બોલતો નથી નઅ!’

‘બોલી, બોલી, દિયોરની જીભ જ ખેંચી લઉં.’

ગોવિંદ બોલતાં તો બોલ્યો પણ મનમાં એ ખસિયાણો પડી ગયો. વેચીનઅ આયો તાણનો હું ઇનઅ આંય જ જોઉં છું. પણ બે હરફેય બોલી હકતો નથી. માથાભારે છઅ એટલઅ શું થ્યું? અન્યોય હાંમે ઝૂકી જવું?

મગનડોસાએ ચલમ માટે દેતવા મંગાવ્યો. જીવી ચીપિયામાં અંગારો પકડીને ઓટલા પર મૂકી ગઈ. એની નજર ચુનાની ઓસરીમાં પડી. ગલબાજી આ બાજુ જ તાકીને બેઠો હતો. જીવીને થયું કે પોતે હડફડ હડફડ દોડીને ગલબાજીની છાતીમાં માથું મારે. પણ ચ્યમ ઈમ થતું નથી? ચ્યમ પોતાનાથી પાછું પડાય છઅ? ઐડ જાત છઅ નઅ કાંક કરી બેહએ તો? મનમાં તો એ શું કરવાનો છઅ? આંમનઅ કઅ ગણપતનઅ કાંક કરઅ તો… લાજ પકડી રાખેલા હાથ વડે તે આંખો દાબીને ઘરમાં ગઈ. મગનડોસા ચલમ પર અંગારો મૂકીને ચલમનો કસ ખેંચતા હતા ત્યાં એમની નજર ગોવિંદની આંગળી પર પડી.

‘ગોવલા! આંગળીએ વગાડ્યું છે. કઅ શું?’

ગોવિંદ કશું બોલ્યો નહિ.

પાઠું બનાવવામાં તાલ પડતો નહોતો.

મગનડોસા બોલ્યાઃ

‘જો વણકરોએ આવાં કાંમ કર્યાં હોત તો સુથાર બચારા દુબઈ જતા રે’ત. ડાયલા સુથારનઅ આલી આય જા!’

‘ચ્યમ સુથાર જ આ કાંમ કરઅ એવું ગીતામાં લખેલું છ? આપણેય કરી હકીએ હોં!’ કહીને ગોવિંદ ઘરમાંથી રંધો લઈને આવ્યો.

‘તું તો’ ત્યાં બધું રાખઅ છઅ.’

‘રાખવું જ પડઅ નઅ. આવાં ઝેણાં ઝેણાં કાંમ માટઅ કાંય વારેઘડીએ સુથારવાડે થોડું જવાય છઅ!’

ડોસા ચલમ પીવા રોકાયા ને ગોવિંદ પીરતીના પાઠા પર રંધો ફેરવવા લાગ્યો. રંધો ફેરવીને એ ચુનાની ઓસરીમાં જોવા લાગ્યો. જેઠો, પશો, સવો બધાય પાછા એકઠા થયા હતા. ગોવિંદને આ બધા પર દાઝ ચઢી. ચેવા દિયોરો હાંમી પાલટીએ પડી જ્યા છ! કદંબના રગડાઝગડા તો હોય – ઈમાં અવળાં કામ કરનારનઅ ટેકો આલતાં લાજતાય નથી. તમનઅ તૈણનઅ હારી પેઠે જાણું છું. દિયોરો! તમારાથી કાંય ના વળ્યું અટલઅ ઠાકેડાનઅ ઘરમાં ઘાલ્યો છ!

ગોવિંદને થયું કે મગનડોસા અહીંથી જાય તો આ ગલબાનઅ જરા ઝપટમાં લઉં!

મગનડોસા આંખની ભમ્મરો ઊંચી કરીને ચલમના કસ ખેંચવામાં મગ્ન હતા. એમની વૃદ્ધ નજર આજુબાજુના સ્થળ-કાળની તપાસ આદરી રહી હતી.

જીવી ચા લઈને આવી.

મગનડોસા રકાબી હેઠે અડાડવાનું કરતા હતા ત્યાં માંની આવીને કહેવા લાગીઃ ‘ડોહા! તમારા ઘેર મેમાંન આયા છે.’

મેમાંન’નું નામ સાંભળીને ડોસાના હાથમાં રકાબી ધ્રૂજવા લાગી. માંનીએ હસીને જીવીને તાલી આપી.

બેસનઅ માંની! ચા પીતી જા.’ જીવી બોલી.

માંની ગોવિંદની સામે પગ ફેલાવીને બેઠી. હજી એની નજર ચુનાની ઓસરીમાં ગઈ નહોતી. ગોવિંદ પાઠું બનાવવામાં કેવી કારીગરી વાપરતો હતો, તે તરફ માંની જોઈ રહી હતી.

તમેય સુથારના બાપ નેકળ્યા!’

‘છીએ જ તો!’

બીજાની દાઝ પીરતી પર હું કામ કાઢો છો? પાઠાં ઓછાં ભાગો.’

માંનીની દ્વિઅર્થી વાતથી ગોવિંદ સતર્ક બની ગયો. પાટું પૂરું થયું હતું. એણે ચા પીવા માંડી. ચા પીતાં પીતાં એની નજર ચુનાની ઓસરીમાં પડી. માંનીએ પણ એ બાજુ જોયું ને એ ભડકી ગઈ. સવો માંનીની નજરથી બચવા કુંભીની આડશે સંતાવા મથતો હતો પણ માંનીની નજરમાંથી એ બચી શક્યો નહિ.

માંની હડફભેર ઊભી થઈને ચુનાના ઘરના નેવા નીચે આવી. સવાની સામે લાંબાટૂંકા હાથ કરતાં એ બોલીઃ

‘હજુ તો હવારનાં બે ફળાંય ભર્યા નથી, નઅ ટીચાવા નેકળી પડ્યા. સેમમાંથી આયી તાણા હાળમાં જોયા નઈ. થ્યું કઅ કાંક બીજું કામ કરતા હશી. આવી રાવઠીઓ જમાવશો તો ખાશો શું?

‘તું જા, હું આવું છું.’

‘આ તો બધા નવરા ઢાંઢા છઅ. તમારઅ તો હજુ બુનોનાં મમરાં આલવાનાં બાચી છઅ. છોડીઓનઅ હજુ તો પૈણાવવાની છઅ. હું કઉ હું આગળ થાઓ!’ માંની એવી રીતે બોલી કે ગલબાજીને હાડોહાડ લાગી આવ્યું. પણ એ કશું બોલ્યો નહિ. સવો ઘેર જવાની આનાકાની કરતો હતો એટલે ગલબાજી માત્ર એટલું બોલ્યોઃ તાણઅ જાનઅ સવલા!

સવો અને માંની ગયાં ને બધું કમઠાણ વેરાયું. હવે ગલબાજીને વધારે વખત બેસવું હિતાવહ લાગ્યું નહિ. જોડા પહેરતાં પહેરતાં એ ચુના સામે જોઈને જીવીને સંભળાવતો હોય એમ બોલ્યોઃ ‘હાંજે આવું છું પાછો.’

ગલબાજી ગયો, ને જીવી અને ગોવિંદ ઘરમાં પેઠાં. માટીની દીવાલને ટેકો દેતાં એણે જીવી સામે એ રીતે જોયું કે જીવીને મરી જવાનું મન થયું. એ ગોવિંદની સામે બેસી પડતાં બોલીઃ

‘તમે તો મારી હાંમુ એવી રીતે જુઓ છો કઅ ઈમાં જાંણા મારો વાંક ના હોય!’

‘પણ એ તારી જ પાછળ ચ્યમ પેધી પડ્યો છઅ?’

‘ઈનઅ પૂછો નઅ. ચેટલા વખતથી આવું કરઅ છઅ પણ તમે એક હરફેય બોલ્યા?’

‘પણ સીધેસીધું તો તનઅ કાંઈ કે’તો નથી નઅ!’

‘હાંમું જોઈનઅ મચકારા મારા છઅ. હવઅ કાંય બાચી રાશ્યું હોય તો કો…’

‘આ બધાંય બૈરાં છ. ચ્યમ કોઈની હાંમું, ઈમ કરતો નથી?’

‘એટલે તમે શું કે’વા માંગો છો? કાંક વિચાર કરીનઅ બોલો!’

જીવીનું માથું તપી ગયું. એ થોડી કાળઝાળ થઈ ઊઠી. કદી ના જોઈ હોય એવી જીવીની મુખાકૃતિ જોઈને ગોવિંદ ડરી ગયો. જીવી ઊઠીને બહાર નીકળી. આંખો બળતી હતી ને શરીર આખું દુઃખતું હતું. મોંટી થઈનઅ આમ કેય ઈના કરતાં તો મરી જવું સારું. તુરી રમવા આવતા’તા તાણનો ભૈનો હાળો પેંધી પડ્યો છ. ઘોડી હોધવા તો સેમમાં પછઅ આયેલો. મુઅી હું જ ડફોળ સું. ગાયન કટ કરાવવા સીટીઓ મારતો’તો તાણઅ હસીનઅ ચલાઈ લીધેલું ઈનું જ આ ફળ છ. પે’લાંથી હંભળાઈ દીધું હોત તો…

એણે પાછી સપાટ્યો પહેરી. ગોવિંદ બહાર નીકળતાં બોલ્યોઃ

‘ચ્યાં જાય છે?’

તમારાથી હવઅ કશું નઈ થાય. મારા જ પાંણી પે’લાં પાર બાંધવી પડશે.’

‘પણ ફજેતો થાગઅ!’

‘શોનઅ થતો. હું સાબૂત છું પછઅ…’

‘પણ…’

‘પણબણ કશું નઈ. એ ચુનિયાનઅ કઈ દઉં કઅ આજ પછઅ જે ગલબાનઅ આંય પેહવા દીધો છ તાણ તારી વાત છઅ.’

‘હાથે કરીનઅ લોકોનઅ શું કામ જણાવઅ અ?’

‘હવઅ ચ્યાં અછાનું રેવાનું છે.’

‘જીવી…!’

ગોવિંદે જીવી કીધું ને જીવીએ સપાટ્યો કાઢી નાંખી. ઝડપભેર દોડીને એ ઘરમાં ઘૂસી ગઈ. ઘરના અંધારિયા ખૂણામાં પડતું મૂક્યું ને પછી રડવા બેઠી.

‘થોડી ધીરજ રાખ જીવી!’

ગોવિંદે જીવીના માથે હાથ મૂક્યો. જીવીએ ગોવિંદના બે પગ પર માથું મૂકી દીધું. ગોવિંદ નિઃસહાય હતો. બે દા’ડા પછી વેચવા જવાનું હતું ને પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી.

જીવીને શાંત પાડીને એ મગનડોસાના ઘેર બધા બેઠા હતા ત્યાં ગયો. વટબંધ બધાની વચ્ચે બેસીને જે રીતે વાતો કરતો તેવું આજે એનાથી બની શક્યું નહિ – જાણે બુદ્ધિ જ બહેર મારી ગઈ હતી.

ફેરીએ જવાનો દિવસ નજીક આવતો ગયો અને ગોવિંદ વધારે બેબાકળો બન્યો. હવે તો ગલબાજીના આંટાફેરા પણ વધી પડ્યા હતા. ચુના સાથે ગોવિંદને પહેલેથી ખાસ બનતું નહોતું. સામે બારણે કાંઈને કાંઈ બહાને લડવા-ઝઘડવાનું થતું. ચુનો ગોવિંદ પર વેર વાળવા બેઠો હતો.

ગોવિંદનું હમણાંથી બીજી કશી બાબતોમાં ધ્યાન રહેતું નહિ. એ ઓસરીમાં ખાટલી ઢાળીને ચુનાના ઘર તરફ તાકી રહેતો. એણે જીવીને હિરવણું લઈને લીમડા નીચે બેસવાનું કહ્યું હતું. ગલબાજી કંઈપણ અટકચાળો કરે કે તરત જ ઊપડી પડવું એવું ગોવિંદે મનોમન નક્કી કર્યું હતું. ગલબાજી પણ જાણે ગોવિંદની વાત પામી ગયો હોય તેમ ધીમે પગલે ચુનાના ઘેર આવે, ધીમે ધીમે ચુનાની સાથે વાતો કરે. ગોવિંદનું ધ્યાન બીજે હોય ત્યારે ચોરીછૂપીથી જીવીની સામે જોઈ લે. જીવી સામે જોઈને આંખના ઉલાળા કરવાનું મન થાય, પણ ગોવિંદને ખાટલીમાં બેઠેલો ભાળીને પોતાના બધા ચાળા સંકેલી લે.

જીવીએ હમણાંથી એની સામે જોવાનું જ બંધ કર્યું હતું. પહેલાં તો ગલબાજી શું કરે છે તે જોવા પૂરતું કુતૂહલ એ દાખવતી. હમણાંથી તો એણે ગલબાજીની હાજરીની નોંધ સુધ્ધાં લેવાનું બંધ કર્યું હતું. ચુનાના ઘર સામે અચાનક નજર નાંખતાં પણ હવે એ બીવા લાગી હતી. ગોવિંદ પર ભરોસો હતો, પણ આજુબાજુના લોકોનાં મોઢે તાળાં દેવાનું શક્ય નહોતું. પોતાનું ગાડું સારું ચાલે તે કોઈને ગમતું નહોતું. હારું કોઈનએ ચ્યાં હવાય છઅ.’ એણે જોવાનું બંધ કર્યું અને ગલબાજીએ એનું ધ્યાન દોરવાના અટકચાળા વધારી મૂક્યા. ગોવિંદ હજી મૌન હતો. ગલબાજી કશું ફોડ પાડીને બોલતો નહિ. ચુનાની ઘરવાળી ધની એની સાથે હળેલી છે એવું જોનાર સૌ કહેતા હતા. તેથી કદાચ ધનીને સંભળાવવા પણ એ બોલતો હોય. વાસનાં બધાં તો આ વહેમમાં જ હતાં. મગનડોસાને તે દિવસે થોડી શંકા પડેલી પણ જીવી જ ગલબાજીના આંટાફેરાનું કારણ છે તેમ એ નક્કી કરી શકેલા નહિ. પણ ગલબાજીએ હવે હદ વળોટી હતી. ગોવિંદ સામે ઓસરીમાં બેઠો હોય તોય એ જીવીનું ધ્યાન દોરવા પ્રયત્ન કરવા લાગ્યો, પણ આ વખતે જીવીએ એટલી હદે એની ઉપેક્ષા કરી હતી કે હિરવણું લઈને તો એ લીમડા નીચે જ બેસે; પણ ઊઠતાં કે બેસતાં એક ક્ષણ પણ ગલબાજી, સામે જુએ નહીં. જીવીના વર્તનથી ગલબાજીનો અહમ્ ઘવાયોઃ ‘જોના આ બે પૈસાની રાંડઈના ઉપર તો મરી જઉં છું નઅ એ તો મનમાં છેકણીના ફૈડકામાંય ગણતી નથી. તારી માની જીવલી મારું!’ એ જોડા પહેરીને ફટાક ફટાક ચાલીને જીવીના ઘર આગળ થઈને નીકળ્યો. ખોંખારો ખાધો. જીવીએ એની સામે ન જોયું. બીજો ખોંખારો ખાધો. જીવીએ નીચું જોયું ને ગલબાજીએ ધીરજ ગુમાવી; પણ જીવી સામે વાત કરવા જેટલીયે એની હિંમત ચાલી નહિ. ઓસરીમાં બેઠેલા ગોવિંદ સામે જોઈને એણે હસી લીધું.

‘ચ્યમ ગોવા ભૈ! બેઠા છો?’

છાનુંમાનું હેંડ્યું જા!’

‘ચ્યમ’લા તુંકારો કાઢઅ છ. હું તનઆ કાંય આડુંઅવળું બોલ્યો?’

‘મી કીધું કઅ હેડ્યું જા.’

ગોવિંદની આંખો લાલ થતી જતી હતી. ખાટલા નીચે પડેલી લાકડી તરફ હાથ જતો-આવતો હતો. ચુનો ઓસરીમાં ડોકું ઊંચું કરીને જોઈ રહ્યો હતો ને ધની બૉબીન ભરતાં ભરતાં પૂંઠ વાળીને જોતી હતી. ગલબાજીએ ધની સામે જોઈને ડોળા કાઢ્યા. ગોવિંદ સામે આંગળી કરીને કશુંક બોલ્યો. પછી ચાર છેડે પહેરેલું ધોતિયું સરખું કરીને ઝડપભેર એ વાસ ઓળંગી ગયો.

જીવીને ફાળ પડી. ગલબાજીના મોંના હાવભાવ જોઈને એ બી ગઈ. બે દિવસ પછી તો ગોવિંદ ફેરીએ જવાનું વિચારતો હતો. એ જશે પછી આ કાળમુખો મને નહિ જંપવા દે. ચુનિયા તારું નખ્ખોદ જાય! એ ચુનિયાની ઓસરી સામે જોવા લાગી. ચુનો અને ધની ઘરમાં ઘૂસી ગયાં હતાં. જીવી રિવણું લઈને ઓસરીમાં આવી. હવે હિરવણામાં દિલ ચોંટતું નહોતું. એણે બધાં સાધનો ઓસરીના ખૂણામાં મૂકી દીધાં. પછી ગોવિંદની સામે બેસી પડી. ગોવિંદ ગલબાજીને જે રીતે ટપાર્યો તે જોઈને જીવીની છાતી ગજગજ ફૂલતી હતી. એ બોલીઃ

‘હવઅ મનમાં સંતોષ થયો.’

‘આંયથી નેકળઅ તો ટાંટિયા જ ભાજી નાંખું.’

જીવી હસવા લાગી. એ વાતો કરતાં હતાં, ત્યાં રવલો આવ્યો. એ બોલ્યોઃ

‘ગોવાકાકા! મારા બાપાએ કે’વડાયું છઅ કઅ કાલ રાંણકપુર કાંણે જવાનું છે. બૈરાં થાય તો જીવકાચીનએ મોકલજો.’

‘જા, અમારા બેમાંથી એક જણ આવશીં.’

સવારે લોકાચાર જવા બધાં નીકળ્યાં. બહારગામ જવાનો હમણાંથી સમય મળતો નહોતો. ગોવિંદ તૈયાર થયો. જીવીને થયું કે ગોવિંદ ન જાય તો સારું; પણ ગોવિંદને ના પાડવાની હિંમત ચાલી નહિ.

ફળિયામાંથી ઘણાંબધાં લોકાચાર ગયાં હતાં એટલે ફળિયું શાંત હતું. ચુનો અને ધની ઘેર હતાં પણ ત્યાં ચકલુંય ફરકતું નહોતું. ફળિયું જાણે સૂનું સમ લાગી રહ્યું હતું. જીવીએ ચુનાના ઘર સામે દૃષ્ટિ કરી – જાણે ત્યાં ગલબાજી જિંદગીમાં ક્યારેય ન આવ્યો હોય તેવું જીવીને લાગ્યું. ‘જોયું નઅ, ચમત્કાર ત્યાં નમસ્કાર. ચેવો ઘરના ખૂણે ઘૂસી જ્યો છઅ!’ જીવી મનમાં ખાખલીઓ ફૂટવા લાગી. મગજ પરથી જાણે ભારણ ઓછું થયું હતું. હવે કદાચ ગલબાજી ચુનાના ઘેર ક્યારેય નહિ આવે. ‘સારું થયું, ભૂલી જ્યો ના વાહ, લે લેતો જા! ‘

ગોવિંદ આગળ પોતાની ખુશી વ્યક્ત કરવા માટે જીવી અધીરી થઈ ગઈ. સાંજે ગોવિંદ રાણકપુરથી ઘેર આવ્યો ત્યારે જીવી થનગન થનગન થઈ ઊઠી. જીવીના મોં પર હમણાંથી લુપ્ત થઈ ગયેલી ઝલક પાછી આવેલી ગોવિંદે જોઈ. એ ઓટલા પર બેસીને બૂટ કાઢવા લાગ્યો. જીવી પાણીનો લોટો લઈને આવી.

ગોવિંદ બોલ્યોઃ ‘પછઅ આજ આયો’તો પેલો?’

‘આવતો હશી, રાડ પાડી જ્યો.’

‘ચુનિયો કશા રમાડા કરતો’તો?’

‘એ અનઅ ઈની રાંડ ચીયા ખૂણામાં ભરાઈ જયાં છએ તીં હોંપ્યાં જડતાંય નથી.’

‘હવઅ તનઅ નિરાંત થઈનઅ..’ કહીને પગ ધોતા ધોતાં ગોવિંદે જીવીના મોં સામે પાણીના છાંટા ઉડાડ્યા. જીવીએ ચહેરા આડા હાથ ધરીને ગોવિંદ આગળ લાડ કરી લીધું. હાથપગ ધોઈને ગોવિંદ ઘરમાં આવ્યો. જીવીના માથા પર ટાપલી મારતાં બોલ્યોઃ

‘તો હવઅ બે દા’ડામાં વેચવા જવું પડશ.’

‘થોડા દા’ડા રોકાઈ જાવ નઅ.’

‘રોકાવાતું હશીં! હમણાં પછેડીઓની સિઝન હારી છઅ.’ જીવી કશું બોલી નહિ; પણ જેટલા દિવસ ગોવિંદ પોતાની પાસે વધારી રહે તેમ એ ઇચ્છતી હતી. હજી તો મનમાંથી ગલબાજીનો ડર ગયો નહોતો. ભલે આજે ન આવ્યો; કોક દા’ડો આવીને બમણા વેગથી તેનાં કરતૂતો વધારી મૂકશે તેવી જીવીને દહેશત હતી. જો કે ગલબાજી એવું કરે ત્યારે ગોવિંદ ઘેર હોય નહિ ને તેની સામે ટક્કર લેવાની પોતે હિંમત પણ ન કરી શકે. ધારો કે વાસમાં કશું ના કરે; લાગ જોઈને વગડામાં આંતરી લે તો… ‘પડશે એવા દેવાશે’ એવું કશુંક જીવીના મનમાં ઊગી નીકળ્યું. ગોવિંદ સર્જેલી સ્થિતિ સમયસરની હતી. આ ગતિવિધિ જોતાં થોડી હૈયાધારણ એને બંધાઈ હતી. એ હૈયાધારણને સહારે ત્રીજે દિવસે ગોવિંદ ફેરી પર ગયો હતો ત્યારે ખાસ અડવું લાગ્યું નહિ.

ગોવિંદ ફેરી પર ગયો, પણ જીવીએ હમણાંથી હાથમાં હિરવણું લીધું નહોતું. આ દિવસોમાં પિયરથી ભાભીઓ આવેલી. તેમની સાથે રહીને જીવી બધું ભૂલી બેઠી, હતી. ભાભીઓ સાથે ઊંઘવું, ખાવુંપીવું, વાસમાં હરવું-ફરવું આ બધી ક્રિયાઓમાં એ એટલી ગળાડૂબ થઈ ગઈ કે એ આગળપાછળના બધા સંદર્ભો વીસરી ગઈ. ભાભીઓને ઘેર જવાનો વખત આવ્યો, ને એ ઢીલી થઈ ગઈ. ભાભીઓ તો હૈયાબળાપો ઓછો કરીને ગઈ. જીવી એકલી પડી ગઈ. એને પાછું હિરવણું સાંભર્યું. ઘણા દિવસ પછી એ હિરવણું હાથમાં લેતી હતી. થોડું મનમાં ગલીપચી જેવું થતું હતું. પીરતી ને પીરતાને એણે પંપાળ્યાં. મોતકણિયા પર ચોટેલી ધૂળને કપડાં વડે ખંખેરી, લગો લઈને એ તૈયાર થઈ ગઈ. ‘ચ્યાં બેહ?’ એવા મનમાં જાગેલા પ્રશ્નથી એ મૂંઝાઈ, લીમડા નીચે બેસવાનું સાહસ કરી શકી નહિ. પછીતના છાંયડે બેસવાનું હિતાવહ ન લાગ્યું કારણ કે ત્યાંથી ગલબાજી ઘણી વાર પસાર થતો. એ ચુનાના ઘર તરફ પીઠ કરીને ઓસરીમાં બેઠી. બે લગો હિરવીને એ ઊભી થઈ.

‘હમણાંથી ચ્યમ બધું ટાટપ છઅ?’ એવું બબડીને ચુનાના ઘર સામે જોયા વિના એ ખિખિયાટા સાંભળવા મથી. ક્યાંકથી કૂતરાં દોડતાં દોડતાં આવીને લીમડા નીચે ભરાણાં. બે ફળિયાનાં કૂતરાં વચ્ચે ધમસાણ યુદ્ધ મચ્યું. ‘જોના આ કૂતરાં! કશું હાંભળવાય દેતાં નથી.’ ધોકો લઈને ધની કૂતરાને હાંકવા દોડી. કૂતરાં ગયાં ને જીવીની ધીરજ ખૂટી. એ ઊભી થઈ, ચુનાના ઘર સામે જોયું. ધની રેંટિયા આગળ બેઠી બેઠી બૉબીન ભરતી હતી. ચુનાએ ઢાળેલો ખાટલો ખાલીખમ્મ હતો. જીવીની સૂની નજર ઠાલી ઠાલી પાછી પડી.

જીવી હિરવણું લઈને લીમડા નીચે આવી. ગણપત તૈયાર થઈને નિશાળે ગયો. જીવીએ હિરવણાનો આખો ચોકો જ બદલી નાંખ્યો. એ ચુનાના ઘર સામે ફરીને બેઠી. કશું દેખાતું નહોતું. સોમો પંડ્યો ખભે ખડિયો ભરાવીને આ બાજુ આવતો હતો. જીવીને એ માથાનો દુઃખાવો લાગ્યો. મોં ગંભીર રાખીને એને કણેક આપીને વિદાય કર્યો. એ પછી બાજુ વળી. સૂનકાર વ્યાપી ગયો હતો. પવન બંધ હતો ને ક્યાંય કશો સંચાર વર્તાતો નહોતો. ‘શ્ચમ મનમાં કશું ગમતું નથી?’ પછીતથી થોડી આગળ વધીને વાસના નાકે પૂરા થતા રસ્તા પર એ ઊંચી ઊંચી થઈને જોવા લાગી. કોઈના જોડાનો અવાજ સધ્ધાં ન આવ્યો. એ લીમડા નીચે આવી, રેટિયાને જોશભેર ફેરવી રહેલી ધનીને એ કહેતી હોય તેમ મનોમન બોલીઃ કેન અલી ધની! ગલબોજી હમણાંથી ચ્યમ આવતા નથી?’ જીવીને ખુદને પોતાની ગતિમતિની ખબર ન પડી. એના પગ અણજાણપણે ચુનાના ઘર તરફ વળ્યા.

જીવીને એકાએક ધ્રાસકો પડ્યો. કૂતરાનું ટોળું દોડતું લીમડા નીચે આવ્યું ને પાછું ધમસાણ યુદ્ધ મચ્યું. હિરવણા પર કૂતરાં પડ્યાં. પીરતો અને પીરસી છૂટાંછવાયાં પડ્યાં હતાં. બન્ને વચ્ચે અંતર હવે વધી પડ્યું હતું. જીવીએ પોતાની સગી આંખે પોતાનું હિરવણું રફેદફે થતું જોયું. કૂતરાંને હાંકવાની હામ પણ રહી નહોતી. સૂનમૂન ઓટલા પર આવીને બેઠી.

હવે એ બેઠી બેઠી હિરવણાની અવદશા જોઈ રહી હતી. (‘નકલંક’)