ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રઘુવીર ચૌધરી/સાંજનો છાયો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સાંજનો છાયો

રઘુવીર ચૌધરી

આજે ઉમાબા ખેતરમાં ચા લઈને કંઈક મોડાં આવ્યાં. આસોની વાદળીની જેમ, ધીરે ધીરે. ખેતરમાં જવાનું હોય તો એ કદાપિ મોડાં ન પડે, સિવાય કે પિયરનું કોઈ સગુંવહાલું આવી પહોંચ્યું હોય, એની આગતાસ્વાગતા માટે રોકાવાનું બન્યું હોય… આજે છેક પાંચેક વાગ્યે આવ્યાં. ચાનું થર્મોસ મહેશભાઈને સોંપીને શેઢે બેઠાં. થાકેલાં લાગ્યાં, કંઈક ઉદાસ.

ઉમાબા મંદિરમાં જતાં હોય એવા જ ઉમંગથી દર વખત ખેતરમાં જાય પગમાં સ્કૃર્તિ, આંખમાં ચમક. સાઠની ઉંમરની સહેજે અસર નહીં. મંદિર કે ખેતર બેમાંથી એકેય જગ્યાએ એ ખાલી હાથે જતાં નથી. ખેતરમાં જતી વખતે તો માથે ટોકર પણ હોય. સાદું-સીધું લોખંડનું ટોકર. ચાંદીનું ટોકર રાખે તોય એમને પાલવે એમ પડોશી કહેતાં હોય છે. પણ કશો દેખાડો નહીં. સાદગી અને શ્રમ એમના સ્વભાવમાં છે. એ જ રીતે સહુને માટે સમભાવ છે. મોંઘેરા મહેમાન હોય કે ખેતમજૂર; ખાવાનું સહુને માટે સરખું. ચા સાથે નાસ્તો હોય જ. અડોશપડોશી કહેવાનાં: ‘મજૂરોને ખોટી ટેવો પાડે છે. ‘ઉમાબાને દરેકમાં પહેલાં માણસ દેખાય, પછી મજૂર.

આ ગઈ દિવાળીના દિવસોની જ વાત છે. જીવો મોડે સુધી ખેતરમાં કામ કરતો રહ્યો. બે વાગી ગયા. ઉમાબા રાહ જોતાં રહ્યાં. બધાંએ જમી લીધું હતું. ઉમાબાની ટેવ છેલ્લે જમવાની. દીકરો કાર્તિક એના કુટુંબ સાથે એક દિવસ માટે ગામ આવ્યો હતો. એણે ખેતમજૂરનાં માનપાન જોયાં. ઉમાબા બોલ્યે જતાં હતાં. એને આ ન ગમ્યું: ‘બા, તું મજૂરો સાથે આ રીતે કેમ ઓશિંગણ થઈને વાત કરે છે? એણે ખાવું હોય તો ખાય, વેળાસર આવીને!’

જીવાના સાંભળતાં કાર્તિકે આ રીતે બોલવા માંડ્યું એ મહેશભાઈને પણ ન ગમ્યું. એમણે કાર્તિકની સામે જોયું. આંખમાં ઠપકો છે, વિનંતી છે કે લાચારી – એની એમને જ ખબર ન હતી, છતાં આશા હતી કે આંખ મળતાં કાર્તિક સમજી જશે. બોલતો બંધ નહીં થાય તોય વાતનો વિષય બદલી એની બાને ખોટું ન લાગે. એ રીતે ભાવ બદલી, વાત વાળી લેશે વાત… પણ એણે મહેશભાઈની સામે જોયું જ નહીં. પાણી પીવા નિમિત્તે એ ઊભા થયા. છોકરાં રમતાં રમતાં ક્યાં સરકી ગયાં? પૂછીને ઉમાબાને ચિંતામાં મૂકી, સક્રિય કર્યાં. દરવાજા બહાર જઈ આવ્યાં. વહુ પણ દેખાતી ન હતી. કાર્તિકને ખબર હતી – એ બધાં એક જગ્યાએ તો નહીં જ હોય. અહીં ગામમાં બધાંને સામેથી આવકાર મળતો રહે છે. એના અસલ કારણ વિશે વિચારવાને બદલે એમાં એ પોતાના પદનો મહિમા સમજે છે. એક મોટી કંપનીના વહીવટી વડાને ગામલોકો ધારાસભ્ય કરતાં વધુ મહત્ત્વ આપે એમાં એને નવાઈ લાગતી નથી. જોકે કાર્તિકે હજી ગામમાંથી કોઈને નોકરી આપી નથી. એ ઉમેદવારની ‘યોગ્યતા’માં માને છે. યોગ્યતા મુજબ પદ મળે. મજૂર અને મૅનેજર વચ્ચે એને અલંધ્ય અંતર દેખાય છે. જૂની પેઢીનાં માબાપ આ મૅનેજમેન્ટમાં શું સમજે? એ ક્યાં એમ.બી.એ. થયાં છે? એક વાર બાબાએ રંગ ઢોળી નાખ્યો એ જોઈને કાર્તિકે એને લાફો લગાવી દીધો હતો. કેટલા પૈસાની વસ્તુ બગાડી એ ગુસ્સાથી ગણી બતાવ્યું હતું. એ શાંત પડ્યો પણ બાબો રડતો રહ્યો. વહુ કંઈ બોલી નહીં. નહીં બોલે એની ખાતરી થતાં ઉમાબાએ બાબાને સોડમાં લઈ આંસુ લૂછ્યાં. કાર્તિકે એમને ઠપકો આપ્યો: ‘એમ ખોટું ખોટું વહાલ કરી મારે છોકરાં બગાડવાં નથી.’ ઉમાબાની ભમર ખેંચાઈ ગઈઃ ‘ભાઈ, તું ઘણું ભણ્યો એ સારું થયું, પણ અમે આપેલી કેળવણી ભૂલ્યો ન હોત તો આમ લાફો મારી છોકરાને રડાવત નહીં.’

‘એ તો રડાવવાં પણ પડે!’ – કાર્તિક ધીમે પણ મક્કમતાથી બોલ્યો.

કેમ, તું જ કહેતો હતો કે અમેરિકામાં શિક્ષકો કે માબાપ પણ બાળકોને મારપીટ કરી શકતાં નથી. કરે તો ગુનો ગણાય.’

‘તેથી તો ડેડી અમેરિકા ન રહ્યા!’ – બેબી બોલી. બધાં હસી પડ્યાં, બાબા સિવાય. એનું સ્વમાન આજે કંઈક વધુ ઘવાયું હતું. બેબી કરતાં એ ઓછું રમતો હતો, વધુ સમય ભણવા પાછળ આપતો હતો. જે ટી. વી. શ્રેણીઓ બેબી અને એની મમ્મી જુએ છે એ ડેડીને ગમતી નથી તેથી પોતે પણ જોતો નથી અને કમ્પ્યૂટર પર બેસે છે. એકથી પાંચમાં નંબર લાવે છે. ડેડીને રાજી કરવા આટઆટલું કરે છે છતાં ફટ દઈને લાફો લગાવી દીધો… દાદા-દાદીને ભારે ધક્કો લાગ્યો. પગતળેની જમીન ખસતી લાગી.

ઉમાબાને યાદ આવ્યુંઃ એક વાર વહુ પણ બાબાને આડેધડ મારતી એના રૂમમાં ખેંચી ગઈ હતી. ધડામ દઈને બારણું બંધ કરી દીધું હતું. છોકરાનો રડવાનો અવાજ ઉમાબાનું કાળજું કોરી રહ્યો હતો. પણ કરે શું? પળવાર વેઠતાં રહ્યાં.

વડવાનલનો ઉકળાટ આંખનું અજવાળું બનવાને બદલે આંસુ બન્યો. રમવા ગયેલી બેબી પાણી પીવા ઘરમાં ધમાધમ ધસી આવી. પાછા જતાં એણે બાને રડતાં જોયાં. પાસે આવી કોટે વળગી. ‘શું થયું બા?’ ઉમાબાએ બારણું ચીંધ્યું. બેબી સમજી ગઈ. ભાઈને થયેલી સજા પોતે પણ ભોગવી ચૂકી હતી. એણે બારણું ખખડાવવા માંડ્યું. છેવટે વેલણ લઈ આવી. ડંકો દીધો ને બારણું ખૂલ્યું. મમ્મી બારણું ખોલી એના હાથનું વેલણ પડાવી લેવા ગઈ. બેબી દોડીને ઉમાબાના ખોળામાં. અભયવચન. બાબો ધીમે ધીમે આવીને બાની સોડમાં લપાયો. ઊડવાનું શીખતું પંખીનું બચ્ચું થાકીને જાણે માળાવાળી ડાળે પાછું પહોંચી ગયું હતું. ઘટના પૂરી થઈ હોવા છતાં વહુ કારણ સાથે ખુલાસો કરવા ગઈ. ઉમાબાની આંખો લાલ થઈ. કોની આગળ તું દલીલો કરે છે? એટલુંય સમજતી નથી કે છોકરાં સ્નેહથી સુધરે, દલીલોથી નહીં. અને આ છોકરાંમાં તો મને એકેય એબ દેખાતી નથી. મેં તમને બંનેને કેટલીયે વાર કહ્યું છે કે મારી હાજરીમાં છોકરાંને મારવાં નહીં. આડેધડ લડવું નહીં.

‘તમારી હાજરીમાં બેમાંથી એકેય અમને ગાંઠતાં નથી.’

‘અમને શું કામ ગાંઠે છે?’

‘તમે ખોટાં લાડ લડાવો છો.’

‘ખોટાં? શું આ લાડ અમે ઉછીનું લઈ આવીએ છીએ? આ તો પ્રભુની દેણ છે. આવાં રતન જેવાં છોકરાંને કુદરતી લાડ કરીએ એ ખોટાં? અમે તો રાજી થતાં. કાર્તિક અને રેવતી નાનાં હતાં ત્યારે એમનાં કોઈ અમથાં વખાણ કરે તોય અમે રાજીનાં રેડ થઈ જતાં. જ્યારે તમે તો – ભગવાને તમને બધું આપ્યું, એક માયા-મમતા ન આપી.’

‘પૂછો, આ બેય બેઠાં છે તમને વળગીને એમને. ગયા રવિવારે અમે એમની પાછળ કેટલું ખર્ચ કર્યું? ફરવા લઈ ગયાં, બહાર જમાડ્યાં, જે માગ્યું એ લઈ આપ્યું.’

‘વગર માગ્યે જે આપવાનું હોય એની વાત કરું છું હું તો.’

‘કદાચ અમારામાં નહીં હોય એ–’

‘એમ આડું ન બોલ ધૃતિ. શું તારા ગુણ અમે નથી જાણતાં? તું લાગણી વગરની હોત તો આ બારણે પોંખાઈ ન હોત.’

‘બાળકોની હાજરીમાં ઉતારી પાડો છો તમે તો–’ વહુએ નિરુપાય થઈ મોં ફેરવી લીધું. રસોડામાં જઈ પાણી પીતાં પીતાં કહ્યું: ‘આ કેવું? બાળકો ગમે, બાળકોનાં માબાપ ન ગમે.’

ઉમાબાના મોં પર ઊપસી આવેલો મલકાટ ફીકો પડી ગયો. બેબી સામે જોયું. પછી બાબાના માથે હાથ મૂકી કહે: ‘તમને એવું લાગે છે કે તમારી મમ્મી મને કે દાદાને અળખામણી હોય?’

‘અળખામણી એટલે?’ – અંગ્રેજી માધ્યમમાં ભણતા બાબાએ પૂછ્યું. વાતાવરણ કંઈક હળવું બન્યું. ‘લાઇક-ડિસલાઇક?’ જવાબ પણ એણે પોતે આપ્યો. આપણા ઘરમાં બધાં બધાંને ગમે છે.’ બેબી બોલતાં બોલતાં રમવા નીકળી ગઈ. બાબો કમ્પ્યૂટર પર બેઠો. બોલ્યો: ‘મમ્મી, યુ વોન્ટ રિસ્પેક્ટ, નૉટ લવ કરેક્ટ?

‘મમ્મી તારે માન જોઈએ છે, પ્રેમ નહીં. ખરું ને?’

કામે વળેલી ધૃતિ સાંભળે એ રીતે ઉમાબા બોલ્યાં: ‘અમે આ કે તે વસ્તુ ખરીદી આપીને, લલચાવીને છોકરાંને રાજી રાખ્યાં ન હતાં. અમારો પ્રેમ પૂરતો હતો એમને માટે પૂછજે કાર્તિકને. એના બાપાએ એને કદી લાફો માર્યો છે? આ. મને જરા બોલવાની ટેવ. મારવાની ધમકી આપું પણ સપનેય હાથ ન ઉપાડું.’

‘રેવતીબેન કહેતાં હતાં કે એ નાનાં હતાં ત્યારે તમે એમને જમણા ગાલ પર એક ટપલી મારેલી. ધૃતિએ કહ્યું.

ઉમાબા હસી પડ્યાં.

‘ખરું. દિવાળી પર અમે ગામ ગયેલાં. વાડકામાં દૂધ મૂકીને હું કામે વળી હતી. થોડી વાર પછી જોયું તોપણ એ પાટલા પર બેસી રહી હતી. વાડકા સામે જોયા કરે પણ હાથ ન અડકાડે. મારાથી રહેવાયું નહીં. ટપલી મારી બેઠી. મૂઈ હજીયે યાદ કરે છે. મને મહેણું મારીને કહેતી હોય છે: ‘કહ્યું નહીં કરે તો તમારા આ ભાણાને જરૂર મારીશ. એક નહીં પણ બે ટપલી મારીશ. એક મારા વતી, એક તમારા વતી. આ વખત હું એને ત્યાં ગઈ તો કહેતી રહી કે અહીં બે મહિના રોકાઓ. મારા બાપાને ભાઈ-ભાભી બરાબર સાચવશે ને છોકરાં એમને નવરા પડવા નહીં દે.’

‘પણ તમારે ખેતર સુકાઈ જતાં હતાં–’

‘ખેતરનું ખરું પણ મૂળ કારણ તો તારાં આ તોફાની બારકસ. અમેરિકાથી ફોન કરું એટલી વાર પૂછે – ‘બા, ક્યારે આવો છો?’

અવાજ કંઈક ધીમો, ભાવભીનો થયો: ‘અમે કમાયાં, કમાણીનો કેળવણીમાં સદુપયોગ કર્યો. તમે અમારાથી સવાયું કમાયાં. ભગવાનની મહેરબાની છે. ખેતરની વાત તો પછી, ખરી લીલી વાડી તો આ છે.’

*

મહેશભાઈએ પહેલાં જીવાને ચા આપી. પછી આંખમાં બાળનજર ઉમેરાઈ હતી. એમણે ખેતર ભણી જોયું. પોતાના માટે થર્મોસ પરના પ્યાલામાં ચા કાઢી તોય અંદર બે કપ જેટલી ચા રહી. નક્કી એ પીધા વિના આવ્યાં હશે. ખરાખરી કરવા એમની સામે જોયું. એમનું ધ્યાન આ બાજુ ન હતું. થોડી વાર પહેલાં જે છાંયડો હતો એ ખસ્યો હતો. એથી એમનું અડધું અંગ તડકામાં આવી ગયું હતું. કારતક માસની સમી સાંજનો તડકો એમને વસમો ન લાગે, પણ એ બેઠાં તો હતાં છાંયડે. માની લીધું હતું કે આ છાંયડો ખસવાનો નથી…

મહેશભાઈને અણસાર આવી ગયો. કશુંક ગુમાવ્યાની ગમગીની છે. શહેરમાં સ્થાયી થયાં ત્યારે ગામથી કે એમના પિયરથી આવવાનું થાય ત્યારે કોઈ કોઈ સાંજે આમ એકલાં થઈ ગૅલેરીમાં બેસી રહેતાં… એમને કશા સાથે લેવાદેવા ન હોય એમ…

એ પછી તો એમની જવાબદારીઓ શરૂ થઈ. કાર્તિક, પછી રેવતી. એમનો ઉછેર. બાલમંદિર અને પ્રાથમિક શાળાનાં શિક્ષક-શિક્ષિકાઓને સલાહસૂચન. રડતા બાળકને શાન્ત રાખવાનું એમને જ્ઞાન હતું એમ કહેવા કરતાં કહેવું જોઈએ કે પરમાત્માએ એમની આંખોમાં અમીનું અજવાળું મૂક્યું હતું. એમની હથેળીઓમાં માતાનો સ્પર્શ મૂક્યો હતો. એમને હાલરડાં આવડતાં. ગાતાં, શીખવતાં, પણ બાળકને છાનું રાખવા કે ઊંઘાડવા એમને એની જરૂર ન પડતી. એમના કઠના રણકામાં જ માયાની મૃદુતા હતી. બસમાં એની સગી માને ન ગાંઠતું, ધમપછાડા કરી રડતું, બસનાં બધાં મુસાફરોનું ધ્યાન ખેંચતું બાળક એમના ખોળામાં જાય એની સાથે ચૂપ. એકાદ વળાંક કે બસને આંચકો આવે એની સાથે બાળકને હસતું કરી મૂકે. કોમી રમખાણોના દિવસમાં ભરચક બસમાં કોઈ મુસ્લિમ યુવતી બાળકને તેડીને ઊભી હોય તો કહે: ‘બેન, કાં તો તું મારી જગાએ બેસ, કાં તો છોકરું મને આપ.’ જવાબ મળે – ‘તમારી પાસે નહીં આવે.’ ઉમાબા કશું બોલે નહીં, હસી લે. હાથ લંબાવે. ગમે તે કારણ હોય. ભીડમાં દબાતું-ચંપાતું બાળક એ અકળામણથી છૂટવા કે વહાલભર્યું ઇજન જોઈને નમે. વાત શરૂ… શહેરનાં પડોશીઓમાંથી કોઈએ બજારમાં ખરીદી કરવા જવું હોય, નાટક જોવા જવું હોય કે બાળકોનો અવાજ સહી ન શકતા કોઈ વક્તાનું ભાષણ સાંભળવા જવું હોય તો બાળક ઉમાબાને હવાલે. હા, કોઈએ લગ્નમાં જવું હોય અને બાળક સોંપવા આવે તો વરસી પડે. ‘તારાં કપડાં ચોળાશે એટલું જ ને! ભલે ચોળાય. રૂડી ને શુકનિયાળ લાગીશ સહુને. અલી, બાળક માટે તો લગ્ન છે. રમે, તોફાન કરે, આનંદથી કિલકારીઓ કરે. મીઠા કોલાહલમાં ઉમેરો કરે… લગ્નમાં જનારનો ઉમંગ વધે. ટપાલમાં કંકોતરી આવી હોય તો ચાંલ્લો મોકલે. અંગત સંબંધ હોય, તો બેઉને આમંત્રણ હોય તો જાય. ‘એક વ્યક્તિ માટે’ એમ લખ્યું હોય તો હસી પડે. ‘આવા લોકોએ કોર્ટમાં લગ્ન નોંધાવી બધું ખર્ચ બચાવવું જોઈએ. રેવતીના લગ્નમાં અગિયારસો કંકોતરી લખાઈ હતી, પંદરસો માણસ જમી ગયું. એ યાદ આવતાં અંતરમાં હરખ જાગે છે. માણસ આપણે આંગણે જમે એથી રૂડું શું? પિયરની બે વાતનું એમને અભિમાન. ખેતી અને પશુપાલનનો હિસાબ સ્ત્રીઓ રાખે, એમાંથી દાનધરમ કરે. પુરુષની આમન્યા રાખે. પંચમાં ડોકિયું પણ ન કરે. પંચ પરમેશ્વર. જે ઠરાવે તે માથે. મોટાંને માન, નાનાંને નેહ. બાઈ માણસ ભલે ભણેગણે પણ એ વેપાર કે નોકરીમાં ન પડે. કુટુંબ સાચવે. કથાકીર્તનમાં જાય. બાળકોને વારતા કહે, જોડકણાં સમજાવે, વાર-તહેવારનાં ગીતો ગાય. સાચવી રાખેલો વારસો બાળકોને ગળથૂથીમાં પાય. ભલાઈ એ જ કુળધર્મ. એના પાલનની તકેદારીમાં કંઈક અંશે ‘મોટાઈ’નો ભાવ આવી જાય. આ મોટાઈ દીકરાને અને એની વહુને સદતી નથી. એમને લાગે છે કે બા ગયા જમાનાને સતયુગ માની જળોની જેમ વળગી રહે છે. બાળકોને પણ એ જુનવાણી માનસથી ઘડવા ઇચ્છે છે. આ અંતર મહેશભાઈ સમજે છે પણ એને ઓછું કરવાની કળ એમને જડતી નથી. ઉમાબાના સફાઈ અને વ્યવસ્થાને લગતા આગ્રહોને ક્યારેક વહુ-દીકરો ‘જોહુકમી’ સમજે છે. ધૃતિ કદી કોઈની આગળ ફરિયાદ કરતી નથી. ક્યારેક મોં ચઢાવી મૌન પાળે કે જમવામાં મોડું કરે એટલું જ. પણ દીકરો એક નિષ્ણાતની અદાથી બાનાં વલણોનું વિશ્લેષણ કરે, બા ‘સુધરે એવી અપેક્ષા વ્યક્ત કરે. મહેશભાઈ અસંમત ન થાય. મૌન પાળે. કયારેક કહે: હવે કશા પરિવર્તનની આશા રાખી ન શકાય. મેં કદી એવી જરૂર જોઈ નથી. એ જે છે એમાં સારું શું છે એ યાદ રાખી, બાકીનાની ઉપેક્ષા કરવી જોઈએ. એ પણ સમજવું જોઈએ કે બાબા-બેબીને દાદીમાનું કેમ કઠતું નથી?’ કાર્તિક પળવાર સંમતિનું મૌન રાખી પોતાનો બચાવ જડ્યો હોય એમ બોલે છે: ‘બાળકોની ખોટી જીદ પણ મારી બા પોષે છે. પરીક્ષાની તૈયારી કરવાની હોય ત્યારે પણ એ રમવાની રજા આપી દે છે. અમારા અભિપ્રાય સામે વીટો વાપરે છે. કેમ કે એ જાણે છે કે ગોખણપટ્ટીથી બાળકનું મગજ બગડે, એ કંટાળતું થઈ જાય. કંટાળેલું માણસ વાંકદેખું થાય. રમવાથી એનું શરીર સુધરે. દરેક મા કે દાદીમાની પહેલી નિસબત હોય છે બાળકની તબિયત, એના ચહેરા પર કુમાશ, વહેલી સવારની સુરખી….’

‘શું હું એ નથી સમજતો?’

‘સમજતો હોય તોપણ એ રીતે વર્તતો નથી. સત્રાત પરીક્ષા વખતે બાબાને શરદી હતી છતાં મેં એને ધમકાવીને વાંચવા બેસાડ્યો! મને તારા પર ગુસ્સો આવ્યો હતો. છતાં હું મૂગો રહ્યો. બાળકોની હાજરીમાં હું તમને કોઈને ઠપકો આપતો નથી. પણ તારી બા તારામાં અને તારા બાબામાં ઝાઝો ભેદ કરી શકતી નથી. તું મોટો માણસ થયો એથી એને જીવતરની સાર્થકતા લાગે છે પણ તારી સાથેના વ્યવહારમાં તારી અપેક્ષા મુજબ એ વર્તી શકતી નથી. મા માટે તો ધાવણું બાળક બેસતાં, ચાલતાં, બોલતાં શીખે, નિશાળમાં નામ કાઢે એ જ સર્વોચ્ચ સુખ હોય છે. બાળકની એ છબિઓ એના ચિત્તમાં જડાઈ જાય છે. તમે લોકો બાળક પહેલો નંબર લાવે એ માટે ભય અને લાલચ દ્વારા જે ત્રાસ આપો છો એ તારી બાને ઝેર જેવું લાગે છે. અસહ્ય થતાં એ ઊભરો ઠાલવે છે, હું વેઠી લઉં છું..’

કાર્તિક વિચારમાં પડી જાય છે, પણ સંમત થઈ બે શબ્દ કહેવાનો એની પાસે સમય નથી. એ ફોન હાથમાં લે છે. ઘેર બેઠાં બેઠાં એ ઑફિસનું કામ શરૂ કરી દે છે. વહુ મહેશભાઈ માટે ચા-નાસ્તો મૂકી જાય છે. બેબી જાગી છે. એનું દૂધ પ્યાલામાં ઠંડું થાય છે. પીતી નથી. મમ્મીનું સાંભળતી નથી. બા આવે છે. ભગવાનનો દીવો કરી છાપું હાથમાં લે છે. બેબી દૂધનો પ્યાલો લઈ બાના ખોળામાં બેસે છે. બાના હાથ પર ટેરવાં ફેરવે છે.

બાના આ સ્નેહાસનને કોઈ ડોલાવી શકતું નથી.

વર્ગશિક્ષકની સૂચના મુજબ બાબાએ એક સૂત્ર ગુજરાતીમાં મોટા અક્ષરે લખીને લઈ જવાનું છે. એક અંગ્રેજીમાં. પૂછે છે: ‘બા, તમને અંગ્રેજી આવડે છે?’

‘આવડે; પણ તારી મમ્મી જેટલું નહીં. શું હતું? કહે.’

સૂત્રની વાત કરીને એ મમ્મી પાસે જાય છે. એ અવતરણની ચોપડી લઈને શોધવા બેસે છે. ત્યાં બેબી બા પાસે અંગ્રેજી સૂત્ર લખાવી લે છે. એક ચીની કાવ્યપંક્તિ છેઃ ‘ઇફ યુ હૅવ લવ, યુ હૅવ એવરીથિંગ.

ત્યાં બાબો બા પાસે આવી લાચાર નજરે ઊભો રહે છે. બા એને નરસિંહ મહેતાની પંક્તિ લખી આપે છેઃ ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે.’ – જા, તારી મમ્મી સમજાવશે. એણે મહિલામંડળમાં આ પંક્તિ પર ભાષણ કરેલું.’

ધૃતિને ખોટું લાગતું નથી છતાં એ કાર્તિકને સંભળાવે છે: ‘જોયું? બા મારી કેવી મજાક કરે છે?’

‘તું પણ એમની મજાક કર!’ કાર્તિક તોછડાઈથી કહે છે.

ફરિયાદી પર ગુસ્સે થવાની એને નવાઈ નથી. આ ગુસ્સાનો એના કાર્યભાર સાથે પણ સંબંધ હશે. મિત્રોમાં એ મળતાવડો ગણાય છે.

દરરોજ પોણો કલાક કાર દોડાવીને ઑફિસે જાય છે. પાછા આવતાં ક્યારેક રાતના દસ પણ વાગે. તોફાનોની પરિસ્થિતિ ન હોય ત્યારે પણ સડક પર ઢોરની કયાં ખોટ હોય છે? બધાંના જીવ અધ્ધર રહે. કેમ હજી ન આવ્યા? ઉમાબા ગૅલેરીમાં બેસી રહે. વહુને કે બાબાને ફોન કરવા કહે. કાર્તિક કાર ચલાવતો હોય ત્યારે સેલફોન બંધ રાખે છે. ભૂલથી ચાલુ રહી ગયો હોય અને ઘેરથી ફોન આવ્યો હોય તો વગર કામે ફોન કરવા બદલ ગુસ્સે થાય. પણ એનો એ ગુસ્સો કદી ઉમાબાને યાદ રહ્યો નથી. ચિંતા થાય એટલી વાર ફોન હાથમાં લે.

એક શક્યતા ઊભી થઈ હતી. કાર્તિકની કંપની ઑફિસની નજીકના શાંત વિસ્તારમાં સ્વતંત્ર મકાન ફાળવવાની હતી. એ યોજના બદલાઈ ગઈ. દસ હજાર સુધી ભાડું મળે એવો વિકલ્પ ઊભો થયો. મકાન જોવા કાર્તિક પત્ની સાથે ગયો હતો. મુશ્કેલી એટલી જ હતી. અગિયાર મહિને મકાન ખાલી કરવાનું. બાળકોએ શાળા બદલવી પડે. ઉમાબા કહે: ‘શાળા બદલવાની શી જરૂર છે? બાળકો અમારી સાથે રહેશે.’

‘એ ન રહે.’

કેમ ન રહે? તમે પરદેશ જાઓ છો ત્યારે બાળકો અમારી સાથે જ રહે છે ને? અમે એમનો ખ્યાલ રાખીએ એ કરતાં એ અમારો વધુ ખ્યાલ રાખે છે. પૂછો એમને. એ અમારી સાથે અહીં રહેવા માગે છે કે તમારી સાથે બંગલામાં આવવા ઇચ્છે છે.’

અહીં મહેશભાઈ વચ્ચે પડે છેઃ ‘એમ ખરાખરી ન થાય. જે યોગ્ય હશે એ આપોઆપ થશે. અમારા-તમારા જેવું શું છે? સવાલ અગવડો ઓછી કરવાનો છે.’

ત્યાં કાર્તિકના પગારધોરણમાં ફેરફાર થયો. મકાનભાડું પણ પંચોતેર હજાર પગારની અંદર આવી ગયું. વળી, ભાડે રાખેલું મકાન અગિયાર મહિને ખાલી કરવાનું. એ વિસ્તાર શાંત ખરો, પણ પ્રવૃત્તિ જેવું કશું નહીં. જે રહેવા ગયા છે એય પસ્તાય છે. કાર્તિક જુદા જવાનો વિચાર તત્ક્ષણ બદલે છે. ઓફિસથી જ એ મહેશભાઈને ફોન કરે છે: ‘મમ્મીને કહેજો કે–’

‘એ ખૂબ રાજી થશે. તમે સાથે રહો એમ જ એ હૃદયના ઊંડાણથી ઇચ્છે પણ તમારાં સુખશાંતિ વધતાં હોય તો એ વગર બોલ્યે જુદાઈ વેઠી લે. તમને રોકવામાં એ અપશુકન સમજે.’

‘એ ખરું પણ બા કયારેક બિનજરૂરી બોલી નાખે છે.’

એ બધું તું જ કહેજે ને એને, એ તારી જનેતા છે – મારા કરતાં તારી સાથેનો એનો સંબંધ વધુ આત્મીય છે.’

કાર્તિક ફોન મૂકી દે છે. મહેશભાઈને નવાઈ લાગે છે. આ તોછડાઈ એમને અજાણી હતી.

બે દિવસ વીતી જાય છે. વહુ સાથે એને કઈ બાબતે વાંકું પડ્યું છે એની કોઈને ખબર નથી. ઑફિસ જવા તૈયાર થઈ રહ્યો છે. ભળતી ટાઈ શોધે છે. જડતી નથી. ત્યાં ગરજે છે, ‘આ જુઓ ને! બે દિવસથી આનો તોબડો ચઢી ગયો છે તે! જુદા જવાનું બંધ રહ્યું છે ત્યારથી–’

ધૃતિ પોપચાં ઊંચકી વિરોધ કરે છે. ‘મને શેના વગોવો છો? તમે મને મકાન બતાવવા લઈ ગયા હતા. જાહેરનામું બહાર પાડી ચૂકયા હતા. મેં ક્યારે એ વનવાસ માગ્યો હતો?’ અને પછી બંને જણાં અંગ્રેજીમાં ઉગ્રતાથી ગરજે છે. બેબી બાને કહે છે: ‘મારાં ટીચર કરતાં મારી મમ્મીનું અંગ્રેજી વધુ સારું છે.’

‘જોકે માર્ક્સ ડેડીને વધુ મળતા હતા.’ – બાબો કમ્પ્યૂટર પર બેઠાં બેઠાં બોલે છે.

‘કારણ કે ડેડી માટે દાદાજીએ કોઈનું ટ્યૂશન રાખ્યું ન હતું.’ ‘ડેડી કયાં આપણા જેવા ઠોઠ હતા તે–’ છોકરાં મજાક કરે છે એ જોઈ કાર્તિકનો ગુસ્સો ઊતરી જાય છે. જાતે મોજાં શોધી પહેરે છે. વહુ બાની આગળથી પસાર થઈ રસોડામાં જતાં આંસુ લૂછે છે. એની આંચ કાર્તિકને લાગી જાય છે.

મહેશભાઈ ગણગણે છે: સાથે રહેવાથી સંકડાશ પડતી હોય તો એ કારણે જુદાં રહેવાથી સ્નેહમાં ઓટ ન આવે.

‘કોને ઉપદેશ આપો છો? છે તાકાત એકલા રહેવાની? કદી મારા વિના ગામ જઈ એક દિવસ પણ એકલા રહ્યા છો? ગયા હો તો કયારે પાછા આવો છો એ પૂછવા ફોન કરીએ એ પહેલાં તો પાછા આવી પહોંચો છો… શું થશે તમારું, હું વહેલી મરી જઈશ તો?’

‘હવે વહેલું શેનું? આપણે બંને સાઠ પર પહોંચી ગયાં છીએ. એ જુદી વાત છે કે તમે જરા નાનાં લાગો છો.’

બાળકો સંમત થાય છે. દાદાદાદી બંને સશક્ત છે. મહેશભાઈ નિવૃત્ત થયા પછી સમાજસેવા કરે છે. શનિરવિ ખેતી સંભાળે છે. ધરતીકંપ અને કોમી રમખાણો વખતે પણ દિવસો સુધી અગવડો વેઠી, જોખમ ખેડી માણસાઈના દીવા પેટાવી આવ્યા હતા. ઉમાબાથી ઘરની માયા છૂટતી નથી, તોપણ ભૂખ્યાંની વહારે ધાવા એ ક્યારેક એમની સાથે જાય છે. વિકટ સંજોગોમાં એમની હિંમત વધે છે.

તાજેતરમાં કાર્તિકે ઘરખર્ચની વ્યવસ્થામાં ફેરફાર કર્યો છે. દર મહિને એ બાને ખર્ચ પેટે સાત હજાર આપતો. ગયા મહિને એણે આ રકમ ઉમાબાને આપવાનું બંધ કર્યું. એ અંગે કશી ચર્ચા પણ ન કરી. આપોઆપ સૂચવાયું કે ઘરખર્ચની સઘળી જવાબદારી હવે ધૃતિ સંભાળશે. વારેતહેવારે પગે લાગીને આશીર્વાદ લેતી વહુએ પણ આ અંગે કશો ઉલ્લેખ ન કર્યો. શું બંનેએ સંતલસ કરીને આ નક્કી કર્યું હશે? દીકરો કે વહુ કોઈ લોભી તો નથી જ. કોઈ દાન માગવા આવે છે તો એના ઉપયોગનો વિચાર કરી મા કે બાપાના નામે કાર્તિક દાન આપે છે. જન્મતારીખ જેવા પ્રસંગે વહુ એની અંગત બચતમાંથી સાસુ કે સસરા માટે ભેટ લઈ આવે છે. સાત હજાર આપવાનું બંધ કરવા પાછળ કંજૂસાઈ નહિ, કોઈક બીજું જ કારણ હશે. મહેશભાઈએ અનુમાન કર્યું, ‘આપણી હાજરીમાં બાળકો એમને ગાંઠતાં નથી. એનું કારણ તો આપણું કુદરતી વહાલ છે. પણ એમને લાગતું હશે કે આપણે એમને માગ્યું લાવી, આપીને ફટવી મારીએ છીએ.’ ‘તમે તો વણમાગ્યું લાવી લાવીને બાળકોને માથામાં. રાખો છો.’ સાંભળીને ઉમાબાના ચહેરા પર કરચલી વિનાનું છતાં ફિક્કું સ્મિત ઊપસી આવે છે. કહે છે: ‘દીકરો એનું બાળપણ ભૂલી ગયો? ત્યારે તો આપણે પૈસેટકે આટલાં સધ્ધર ન હતાં છતાં એને માટે ખર્ચ કરવામાં કદી પાછી પાની કરેલી? તમે તો કહેતા હતા કે ઘરેણાં હજી તમને શોભે એમ છે, છતાં મેં બધાં આપી દીધાં વહુને, એક આ મંગળસૂત્ર રાખ્યું છે.’ – કહેતાં એમણે મંગળસૂત્રનું માદળિયું આંગળીને ટેરવે ઊંચું કરી જોયું. એ સાતત્યનું દર્પણ હોય એમ એમાં જોઈ રહ્યાં.

ગેરસમજ માટે કોઈ કારણ નથી તો પછી સંવાદનો આ અભાવ કેમ?

મહેશભાઈને ખુલાસો જડે છેઃ કાર્તિક એની કંપનીમાં વડો વહીવટદાર છે. ત્યાંનું માનસ એ ઘેર લઈ આવતો લાગે છે. હાથ નીચેના માણસને આદેશ આપતાં પહેલાં એ એની સલાહ લેતો નહીં હોય. જે નિર્ણય કર્યો તે કર્યો. એને સ્વાભાવિક માનીને વર્તવાનું, ખુલાસો શેનો?

પછીને મહિને કાર્તિક એક કોન્ફરન્સમાં ભાગ લેવા જવાનો હતો. ટેવ મુજબ એણે મહેશભાઈ સાથે પોતાના વક્તવ્યના મુદ્દાઓ વિશે અભિપ્રાય માગ્યો. મહેશભાઈએ સંતોષ વ્યક્ત કર્યો. ઉમાબાએ એમના ઓરડામાંથી પૂછ્યુંઃ ‘વહીવટમાં માનવીય અભિગમ એટલે શું? એક બાજુ તું કર્મચારીઓની હરોળંમાં નાનામોટાનો ભેદ કરવા પર ભાર મૂકે છે. બીજી બાજુ માનવીય અભિગમની વાતો કરે છે. એમાં વિરોધાભાસ નથી?’

એ તમને નહીં સમજાય મા. આ તો ઔપચારિકતાની વાત છે. હાથ નીચેના માણસોને માન આપીએ તો શેઠ બની જાય. તમે કામવાળી બાઈને જે માન આપો છો એ અમારે ત્યાં ન ચાલે.’

‘કામવાળી બાઈને માન આપીએ છીએ એની આવડત અને ઉંમર જોઈને. જે કામ આપણે જાતે નથી કરતાં એ કરીને એ ઉપકાર કરે છે. પણ વર્તે છે આભારી હોય એમ.’

કાર્તિક પળવાર વિચારમાં પડી જાય છે. સામે આવી ઊભેલાં ઉમાબાની વહાલસોઈ આંખો જોઈ એની બધી દલીલો ઠરીને પારણાનાં રમકડાં બની જાય છે. નીચી વળેલી નજર કાંડાના ઘડિયાળ પર પડે છે. શૈશવની સ્મૃતિઓમાં ઝૂલવાનો સમય રહ્યો નથી. એ જવાની તૈયારી કરે છે.

મહેશભાઈ પેલા સાત હજાર આપવા બંધ કરવા અંગે કશું પૂછતા નથી. ન જ પુછાય. ઉમાબાના સ્વમાનનો પ્રશ્ન છે. ‘પૈસા જોઈતા હોય તો દીકરા હું આપું’ – એમ કહીને એ વ્યંગ પણ ન કરે. એ તો વાંકદેખા માણસનું કામ. દીકરો હોશિયાર છે, વિવેકી છે, એકલપેટો નથી એથી વધુ શું જોઈએ? એની કાર્યપદ્ધતિ અને રીતભાત જુદી પડતી જતી લાગે તેથી શું? સંતાનોનું સ્વાતંત્ર્ય સ્વીકારવામાં માબાપે મોડું કરવું ન જોઈએ. આપણા વહાલનો વીંટો એમને રૂંધ નહીં એ જોવું જોઈએ.

ઘણા દિવસ પછી, એ પણ કંઈ બન્યું ન હોય એ રીતે ઉમાબાએ ઉલ્લેખ કર્યો. શું કારણ હશે સાત હજાર આપવા બંધ કરવા પાછળ? વહુની સત્તા વધારવાની છૂપી ગણતરી હશે? તો તો સારું. કાર્તિક ક્યારેક થાકેલો હોય છે ત્યારે બાળકોની સાથે ધૃતિને પણ ધુતકારી કાઢે છે. આપણે એનો વિરોધ કરતાં કહીએ છીએ કે બાળકોને પણ સ્વમાન હોય છે. પણ વહુના સ્વમાનનો મુદ્દો આપણને યાદ આવતો નથી. હવે કાર્તિક પ્રાયશ્ચિત્ત કરવાની રીતે ગૃહલક્ષ્મીનો મહિમા વધારતો હોય તો એ આનંદની વાત છે. પણ એણે એ અંગે કેમ આપણને કશું કહ્યું નહીં?’

‘તમે કાર્તિકને પૂછી શકયાં હોત?’ – મહેશભાઈ બોલવા ખાતર બોલ્યા.

‘મને એ વસ્તુ મહત્ત્વની ન લાગી. તમે તો એમને સ્વતંત્ર રહેવા કહ્યું જ હતું ને? તો પછી આપ-લેનો સવાલ જ ન હોત ને?’

‘શાબાશ. તમારા વિશેની મારી ધારણા તમે કદી ખોટી પડવા દીધી નથી.’ – મહેશભાઈ ઊભા થઈને ઉમાબા પાસે બેઠા. ફોટો પડાવવાનો હોય એમ સીધા બેઠા. ઉમાબાએ એમની સામે જોયા વિના જ કહ્યું:

‘કોઈ આપણો ભાર ઓછો કરે તો ખોટું લાગે કે આભારની લાગણી જાગે?’

‘એ ખરું પણ દરેક વસ્તુનું વિશ્લેષણ કરવાની આપણને ટેવ, તેથી એની પાછળ રહેલું માનસ સમજવાનું મન થાય.’

‘ન સમજાય એ પણ સ્નેહવશ સ્વીકારી લેવાય. તમે બાપ થઈને છોકરા વિશે શંકા કરવા લાગ્યા? ઘણી વાર કહો છો કે હવે બને એટલો વધુ સમય ગામમાં રહેવું છે. અઠવાડિયે–પખવાડિયે અહીં આવી બેત્રણ દિવસ રહી જવાનું, પછી પ્રમાણ વધારતા જવાનું. પછી ‘ધૂળિયાં મૂળિયાં’ સાથે ગોઠી જાય.’

‘હા, શહેરના છત્રનો હવે ભાર લાગે છે. ત્યાંના પર્યાવરણ સાથે સમૂહમાનસ પણ પ્રદૂષિત થતું જાય છે. મનઃસ્થિતિને બગાડવામાં પરિસ્થિતિનો પણ ફાળો હશે. મહેશભાઈ ઊભા થાય છે. એમણે જે સત્ય કહેવું છે એ જાણે કે શબ્દોની મદદથી વ્યક્ત થતું નથી, ભાષાની પકડમાંથી છટકી જાય છે. થાકીને એકલા પડી ગયેલા માણસનો નિસાસો એમના શ્વાસમાં હતો, આંખોમાં કોઈ દૃશ્ય ન હતું. કોઈને વિશે કશી ફરિયાદ ન કરતાં ઉમાબા કશીક વેદના પોતાનાથી પણ છુપાવી રહ્યાં હતાં. ભલે લોકનજરે સંપૂર્ણ સુખી દેખાઈએ પણ અંદરનું આકાશ ક્યારેય પૂરેપૂરું સ્વચ્છ હોતું નથી. બધાંય નક્ષત્રોને એકસાથે ચમકતાં જોવાનું સ્વપ્ન પૂરું થતું નથી. કોઈનું પૂરું થતું નહીં હોય?

પણ ઉમાબાને કશી ફરિયાદ નથી. એમના અંતરંગમાં સંતોષની અકળ ધરી છે, જેને કારણે એ કસોટીની ક્ષણે સમતુલા જાળવી શકે છે. અમેરિકામાં બનેલો એક પ્રસંગ મહેશભાઈને યાદ આવે છે. રેવતીની એક બહેનપણી પોતાની સાસુનાં વખાણ કરી રહી હતી. એ અમેરિકામાં છ મહિના રોકાયેલાં. એ દરમિયાન નાનકડું ઘોડિયાઘર ચલાવતાં. પાંચ બાળકોને સાચવ્યાં. એમાંથી થયેલી આવકમાંથી રિટર્ન ટિકિટનું ખર્ચ કાઢી, વધુમાં પાંચ તોલાનો હાર પહેરતાં ગયાં. વાતનો મર્મ સમજી ઉમાબા બોલી ઊઠેલાં: હું પાંચનાં પચ્ચીસ બાળકો સાચવું પણ એક પૈસોય ન લઉં. બાળકો તો પ્રભુના પ્રેમરૂપી પુષ્પો. એમની વચ્ચે વૃંદાવન જાગે…

રેવતીનો આગ્રહ હતો કે ઑક્ટોબર સુધી અમેરિકા રોકાઈ જાઓ. અન્ય શહેરોમાંથી પરિચિતોનાં આમંત્રણ તો ઊભાં જ હતાં, પણ ઉમાબાને બાળકો સાંભર્યા હતાં. દિવાળી પહેલાં ભારત આવી ગયાં.

દર વર્ષે દિવાળી શહેરમાં ઊજવાતી. આ વખતે કાર્તિકને ગામ સાંભર્યું હતું. નાનપણમાં પોતે ક્યાંનો ક્યાં દોડી જતો! ગામ યાદ આવે છે ત્યારે આખો સીમાડો ઘેરાઈ આવે છે. બાળકો ભલે ગામની મોકળાશમાં મહાલે. ડેડીની દરખાસ્ત સાંભળી બાળકો નાચી ઊઠ્યાં. ધૃતિએ મૌનથી સંમતિ આપી. વડીલોને માન આપવા ઉપરાંત ત્યાં બીજી કશી જવાબદારી વધવાની ન હતી.

બાળકો માટે ગામનું પાદર રમતનું મેદાન બની ગયું. મિત્રોનું ગોકુળ ઊભું થઈ ગયું. ધૃતિએ કુટુંબીજનોનાં બાળકોને અને ધર્મસ્થાનોમાં ભેટ આપવામાં પાછી પાની ન કરી. ઉમાબાની ઉદારતાને વટાવી જવામાં એને એમની સલાહ લેવાની પણ જરૂર લાગી ન હતી. એવી અપેક્ષા રાખતાં સાસુઓમાં ઉમાબાનો સમાવેશ થતો ન હતો. કોઈ વ્યક્તિ દેખાવ ખાતર નહીં પણ સાચા દિલથી ઉદારતા દાખવે તો એ કદર કરતાં. કુટુંબીજનોમાંથી કેટલાંકે ‘વહુનો હાથ છુટ્ટો છે’ એવી ટીકા કરી તો એ ઉદ્ગારને પણ ઉમાબા તટસ્થ ભાવે જોઈ શકયાં.

કાર્તિકની રજાઓ પૂરી થઈ ગઈ. બાળકોનું વેકેશન ચાલુ હતું. એ ગામ રોકાવા માગતાં હતાં. બાની ભલામણની એમને આશા હતી. ઉમાબા પોતેય એમ ઇચ્છતાં હતાં, પણ દીકરા-વહુનું વલણ જાણ્યા વિના બોલે અને વિવાદ થાય તો બાળકોનો આનંદ ઓસરી જાય. છતાં બાળકોની જીદ જોઈ છેવટે એ બોલ્યાં:

‘એથી રૂડું શું? ખુશીથી રહો. અમે તો દેવદિવાળી સુધી અહીં રહેવાનાં છીએ.

ધૃતિ કશું બોલવાને બદલે કાર્તિક સામે જોઈ રહી. એને એકસાથે બે દલીલ સૂઝી: ‘હોમવર્ક નથી કરવાનું? અને માથે ઠરેલી ધૂળ ઓછી પડે છે? – બીજું વાકય કાર્તિક બોલવા ખાતર બોલ્યો હતો એનો ખ્યાલ આવી જવા છતાં ઉમાબાને ખોટું લાગ્યું:

‘ધૂળની ટીકા ન કરીએ દીકરા!” નારાજગી ઓછી કરી વહાલથી કહ્યું: ‘તારા બાળપણના બંધારણમાં આ ધૂળનો ફાળો ઓછો નથી. એક વાર તું જ ગામથી આંબાની મંજરી તોડી નહોતો લાવ્યો?’

‘એ ખરું પણ બાળપણનાં ચશ્માંથી આખા જીવનને જોવામાં ડહાપણ નથી. આજના સ્પર્ધાત્મક જગતમાં ટકવું હોય તો – ખેર, તમને એ નહીં સમજાય, બા!’

‘એમને નહીં સમજાય તો કોને સમજાશે કાર્તિક?’ – મહેશભાઈ સહેજ રંજ સાથે બોલે છે, મોં ફેરવીને.

ઉમાબા હસી પડે છે. ‘એમાં ખોટું શું લગાડો છો? દીકરાને સમજાય એ માબાપને સમજાયા બરાબર કહેવાય. સંતાનો પોતે વધુ સમજે છે એ આત્મવિશ્વાસ તો વખાણવાજોગ ગણાય. એક વાર તમે જ નહોતા કહેતા – ઘણાં લોકોને ઘડપણમાં પણ સંતાનોની ચિંતા રહે છે. આપણે કેવાં ભાગ્યશાળી કે બંને સંતાન તેજસ્વી પાક્યાં. રેવતી પણ કેવું નામ કમાણી છે! ત્યાં અમેરિકામાં મને કેટલાંક લોકોએ મોંકળા પરથી પૂછેલું: ‘તમે રેવતીનાં મધર?’ સાંભળતાં લાગતું કે આ સાઠની ઉમરે છાતીમાં હરખ ઊભરાય છે કે ધાવણ?…’

કારમાં સામાન મુકાવા લાગ્યો. બાળકોએ મન વાળી લીધું હતું. મહોલ્લાનાં માણસો વિદાય આપવા ભેગાં થયાં.

જેમને બધાં ભારે તોફાની માની બેઠાં હતાં એ બાળકો દાદા-દાદીને પગે લાગી રહ્યાં છે એ જોઈ થતી ગુસપુસમાં અચરજની ભાત ઊપસી આવી. નજીકનાં કુટુંબીઓએ બાબા-બેબીના હાથમાં દસ-દસની નોટો મૂકી. ઉમાબાની આંખોમાં ધન્યતાની આર્દ્રતા જાગી, જે વિદાય સાથે આંસુમાં પરિણમી.

પહોંચી ગયાનો ફોન બેબીએ કર્યો હતો. છેલ્લે પૂછ્યું હતું: ‘બા, તમે હજી રડો છો?’

સાંભળતાં ઉમાબાથી ડૂસકું નંખાઈ ગયું હતું. સામે કાર્તિકે ફોન લીધો હતો. વિષયાન્તર કરી બાને આશ્વાસન આપતો હોય એમ એણે કહ્યું: ‘આની મમ્મીને પેલું અનિલ જોશીનું ગીત આજે સમજાયું. ‘કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.’ ફળિયું એ માત્ર આંગણું નથી પણ એક સહિયારી ભાવભૂમિ છે. એમાં આખા મહોલ્લાનાં આબાલવૃદ્ધોનાં પગલાં જમા થતાં હોય છે.

પછી ફોન મહેશભાઈએ લીધો હતો. બાપ-દીકરાની વચ્ચે કામકાજની વાતો થઈ હતી. એ દરમિયાન ઉમાબા ઉદાસ થઈ ગયાં હતાં.

આજે એથી પણ વધુ ઉદાસ લાગે છે. ખેતરને શેઢે બેસીને એ સૂનમૂન તાકી રહ્યાં છે. સમજાતું નથી શું ખૂટે છે. એમ તો બધા દિવસો સંવાદિતામાં વીત્યા હતા. કોઈનો કશો વાંક વરતાતો નથી. છતાં સાથે ન હોવાનો રંજ અછતો રહેતો નથી. મહેશભાઈ વાત કાઢવા જાય છે ને અટકી જાય છે. કદાચ ઉમા રડી પડે તો – જીવો આમન્યા રાખે છે તેથી બીડી પીવા ખેતરમાં આઘો ગયો છે. મહેશભાઈ કોદાળીથી કાંટાળિયા છોડ કાઢે છે. ક્યારો ભરાઈ ગયો છે એનો ખ્યાલ આવતાં એ પાવડો હાથમાં લે છે. પહેલાં ત્રાંસા પાવડાથી ડામું પોચું કરે છે. પછી બે જ પાવડે માટી ખેંચી લઈ ડામું પૂરી દે છે. પાણી ઉમાબા બાજુ બાળકની ચાલે દોડી આવે છે રળતું-આખડતું. પાણીના સ્પર્શે એમની પાનીને ગલી થાય છે. એ શેઢા પરથી ઊભાં થાય છે. નાનકી આ જ રીતે ક્યારેક એમને ગલી કરતી હોય છે. એ વખતનું એમનું હાસ્ય છબિમાં ઝીલી લેવા જેવું હોય છે.

ક્યારો વાળતાં મહેશભાઈના લેંઘાની કોર પલળીને માટોડી થઈ ગઈ હતી. એ જોઈ અગાઉ ઉમાબા ઠપકો આપતાં. આજે રાજી થાય છે. દાતરડી સંભાળે છે. પાણી વળેલા ક્યારાના છોડ પર બગલાં બેસવા માંડ્યાં છે. વાંકુંચૂકું તોરણ રચાઈ રહ્યું છે. બગલાંને આ દંપતીની હાજરીની જરાય પડી નથી. કેટલાંક ક્યારામાં ચાલતા પાણીના રેલાને અનુસરે છે. કેટલાંક લડીને ઊડે છે કે ઊડીને લડે છે. કોઈ કોઈ વળી, એકમેકનો પીછો કરી બાજુના ખેતરના લીંબડાની ટોચ સુધી લીટી દોરે છે. આમને જોઈને જ ઇજનેરે પેલાં મીગ વિમાન બનાવ્યાં હશે. અગાઉ ઉમાબા બગલાં વિશે બે શબ્દ બોલ્યા વિના રહેતાં નહીં. ક્યારેક દરમાં પાણી ભરાતાં અંદરથી ઉંદરના બચ્ચાને બદલે સાપ નીકળે તો હાથ જોડી શેષનાગનું સ્મરણ કરતાં. એ માને છે કે આ ધરતીને ધારણ કરનારું કોઈક છે. એમણે પતિની સામે જોયું. એ કામમાં મશગૂલ હતા. એમનો મુદ્રાલેખ છેઃ કામે વળવાથી વિચારવાયુ ઘટે છે. ઉમાબા દાતરડીથી નીંદામણ કાઢવા લાગ્યાં. વળી, બે કુમળા છોડને વાયરે ઝૂમી ઊઠેલા જોઈ અવઢવમાં પડી ગયાં. શું સાચે જ આ નકામા છે? ને એ નક્કી કરનારી હું કોણ?

સેંથિયા પૂરતાં હોય એમ વાંકાં વળીને ઉમાબા ઊભાં છે એ જોઈ મહેશભાઈ બોલી ઊઠ્યા: ‘હવે શું કામ કેડ દુખાડો છો? કપાસનું આ છેલ્લું પાણ છે. ખેડ ભેગું નીંદામણ નીકળી જશે. ઘેર જાઓ. દાડો આથમવા આવ્યો.’

એમણે આથમણી બાજુ જોયું. કશો ખટકો ન જાગ્યો. જોતાં ગયાં તેમ ગમતું ગયું. સૂરજનાં કિરણો જાણે આડાં પડી વિસામો લઈ રહ્યાં હતાં. આંબાનાં પાંદડાંને સોનેરી સ્કૂલમાં બદલી રહ્યાં હતાં. બેએક મહિને અદ્દલ આવા રંગની મંજરી ફૂટશે. બધાય રંગોની ગંગોત્રી જાણે આ કિરણો ન હોય!

ઉમાબા ઊભાં છે, અવિચળ, સ્વયંપ્રભા સૃષ્ટિ સમક્ષ સ્વસ્થ. ‘સાંભળ્યું નહીં? મેં શું કહ્યું? નથી જવું ઘેર?’

‘જઈએ છીએ.’ – એમના પગ પાસેના કપાસના છોડને ફૂટેલા અસંખ્ય ફણગા જોઈ એ અચરજમાં મુકાઈ ગયાં હતાં. ગણતાં ગણાય નહિ એટલા અંકુર! પ્રકૃતિ તો જાણે સદા કુંવારી!

જીવો ટેસથી બીડી પીને હવે ક્યારાના ડામા પાસે આવી ગયો છે. મહેશભાઈના હાથમાંથી પાવડો લઈ લેતાં કહે છે: ‘સાએબ, તમેય જાઓ. કલાકમાં પી રહેશે. હું બોર બંધ કરાવીને આવું છું.’

‘પાછો તું મોડું કરશે તો? તારાં કાકી તારી રાહ જોઈને ભૂખ્યાં બેસી રહેશે. માટે હું તો તને લઈને જ જઈશ.’ – મહેશભાઈ હસતાં હસતાં બોલે છે છતાં એ સાચું પડવાનું હોય એમ ઉમાબા કોરા ક્યારાની પાળી પર બેસે છે. એમના મોં પર સૂરજનું અજવાળું છે કે એમનું પોતાનું તેજ? — મહેશભાઈ વિચારમાં પડી જાય છે. તો પછી એ ઘેર જવા કેમ પગ ઉપાડતાં નથી? શું બાળકોની ગેરહાજરીનો સામનો કરવાની હિંમત ચાલતી નથી?

હવે સૂરજે માથે ક્ષિતિજ ઓઢી લીધી છે. પણ સંધ્યાની આણ ભારોભાર વરતાય છે. નીકમાં પાણી નહીં પણ જાણે સંધ્યા વહી રહી છે. નીતર્યાં પાણી સાથે રંગોની કેવી સંવાદિતા!

બા! – સાંભળતાં ઉમાબા સફાળાં ઊભાં થઈ ગયાં. પડોશીના ખેતરમાં છોકરું બોલ્યું હતું. પોતાને ટહુકો દેવાયો હોય એમ એ તાકી રહ્યાં.

મહેશભાઈ વિચારે છેઃ ‘કાયમ સમયસર ઘેર જવા તૈયાર રહેતાં ને આજે કેમ હજી પગ ઉપાડતાં નથી? મારા સંગાથ માટે રોકાયાં છે? કે પછી મારો સંગાથ આજે પૂરતો રહ્યો નથી? મને લાગે છે કે મારે જ આગળ થવું પડશે. ખાલી આંગણે પહેલાં પગ મૂકી, ખાલીપો ખાળતાં એમને માટે રસ્તો કરવો પડશે…’

‘શું ઊઠો છો કે ટેકો કરું? – કહેતાં મહેશભાઈ હસી પડ્યા. આ રીતે હસવામાં પોતાનાથી સાથ ન અપાય એવું સમજતા જીવાએ જીદ કરી – ‘સાએબ, તમેય ઘેર જાઓ.’

ઉમાબા ઊભાં થયાં, ઊભાં રહ્યાં. કંઈક તાકાત આવી હોય એમ ચાલ્યાં. વળી, પાછળ નજર કરી. ખળખળ વહેતાં નીકનાં પાણી સાથે પલળેલાં પગરખાંનો અવાજ ભળ્યો. પાણીની કૂડી આવી. નાનકડો ચંદ્ર એમાં નહાવા પડ્યો હતો. [સાંજનો છાંયો]