ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રાજેન્દ્ર પટેલ/અધૂરી શોધ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અધૂરી શોધ

રાજેન્દ્ર પટેલ

સાચું કહું? અત્યાર સુધી મંદિર કરતાં હેરકટિંગ સલૂનમાં વધુ ગયો છું. મંદિરમાં વારતહેવારે ઘરડા બાપુજીને લઈ જવાનું થાય. પણ હેરકટિંગ સલૂનમાં તો એમના અને મારા વાળ કપાવવા દર માસે અચૂક જવું જ પડે. એમને સહેજ વાળ વધે, એકાદ સેમી તોય ગમે નહીં. તે કાયમ ટૂંકા અને તેલ નાખેલા વ્યવસ્થિત વાળ રાખે. એમનાં શિસ્ત અને સુઘડતા મારામાં હંમેશાં તાજગી અને ઉત્સાહ ટકાવી રાખતાં.

આ કારણસર હોય કે પછી આજ્ઞાંકિત પુત્રને નાતે હોય, હંમેશાં મારા મનમાં રહ્યાં કરે, બાપુજીને વાળ કપાવવાનો સમય થઈ ગયો નથી ને? માનો ને, હું કાયમ તે પળની રાહમાં રહેતો. ક્યારેક તે કહે, ‘ભાઈ જરા નવરા હો તો મારે વાળ કપાવવા છે.’ આમ કહેતાં એ પોતાનો કરચલીવાળો હાથ માથા ઉપર ફેરવે અને થોડા મોટા સફેદ વાળ પકડીને બતાવે. હું પણ જાણે તે ઘડીની રાહ જોતો હોઉં તેમ બધું જ કામ એક બાજુ મૂકી એમને ગાડીમાં બેસાડી વાળંદને ત્યાં લઈ જાઉં ને એમના વાળ કપાયા પછી મારા વાળ પણ કપાવી લઉં. આ દરમિયાન અમારા એ કાયમી વાળંદની નાનકડી કેબિનમાં બેસી તેની વાતો સાંભળવાની. વાતો પાછી ખૂબ રસપ્રદ. એક બાજુ તેની કૅચીનો કટ… કટ.. કટ… કટ અવાજ ને વચ્ચે-વચ્ચે તેનો ઘોઘરો અવાજ. ક્યારેક રેડિયો વાગતો હોય તો ક્યારેક ટેપરેકર્ડર. જાણે તેની નાનકડી કૅબિનમાં બધું ગતિશીલ ધમધમતું. પાછી તેની કૅબિન પણ રસ્તાના મુખ્ય ચાર રસ્તા ઉપર, એટલે તેમાં ટ્રાફિકનો ઘોંઘાટ પણ ઉમેરાતો. પણ આ બધા વચ્ચે તેનું વાળ કાપવામાં રહેતું ધ્યાન દાદ માગી લે તેવું. પાછો તેમાંય તેનો હાથ હળવો. જાણે પીંછું ફરે! બાકી આખી કૅબિનમાં ખાસ્સી ધૂળ. ક્યાંક રંગ ઊખડેલી પોપડીઓ અને બે ઝાંખા-પાંખા આયના.

અમારા એ વાળંદનું નામ જીવણલાલ. તેમનો જીવ પણ કંઈ જુદી માટીનો. હું બાપુજીને લઈને જાઉં એટલી વાર પગ કૅબિનમાં મૂકતાં જ બોલે, ‘સાહેબ, તમે દાદાની સેવા જબરી કરો છો. આનાથી મોટું એકેય પુન નહીં હોં. દાદાના વાળ એવા કાપી આપું કે ખુશ થઈ જાય.’ તે ખભા ઉપરના ગંદા નૈષ્કિનથી ખુરશી ઝાપટે, બરોબર ગોઠવે. બાપુજીનો હાથ પકડી પ્રેમથી બેસાડે ને પાછું ચલાવે, ‘સાહેબ, મારા બાપાના વાળ પણ હું કાપતો. પણ મારા બાપા એમના જમાનામાં મહારાજા દિલાવરસિંહજીના વાળ કાપતા.’ પાછો તે ખોંખારો ખાય, ગળફો બહાર થંકવા જાય ને પાછા આવી બાપુજીના માથામાં એ કરતાં કહે, ‘મહારાજા દિલાવરસિંહજી હંમેશાં બધાને કહેતાં, મરી જતાં પહેલાં હજામત તો જોઈતારામ જોડે કરાવીશ. મારા બાપુજીનું નામ જોઈતારામ હો કે સાહેબ!’

આમ જુઓ તો એ નાનકડી કૅબિનમાં જીવણલાલનું જબરું સામ્રાજ્ય. ભલે ભાંગીતૂટી દુકાન પણ જીવણલાલ દરિયાદિલ માણસ. જૂની જર્જરિત કૅબિનમાં બે જૂની ખુરશી. કાઉન્ટર પણ પ્લાયવુડ ઊખડેલું. ખુરશી પાછળ વધારાના ગ્રાહક માટે બેસવાની નાની પાટ. છતમાં જૂનો પંખો. એક દીવાલે માતાજીનો ને બીજી દીવાલે હિરોઇનનો ફોટો. આખો પરિવેશ એવો કે આખી દુકાન ગુજરીમાંથી લઈ આવ્યા હોય તેવી લાગે. એક ખૂણામાં પેપરની પસ્તી. એક કબાટ નીચે થોડાં ખાનાં. જીવણલાલની એક ટેવ કહો તો ટેવ કે કુટેવ કહો તો કુટેવ. તે વાત કરતાં-કરતાં, વાળ કાપતા-કાપતાં, ઘડીક સામેનું કબાટ તો ઘડીક ડ્રૉઅર કે થોડી-થોડી વાર પાટ નીચેનું શટર ખોલે. કંઈક જુએ ને પાછું બંધ કરે. પહેલાં મને થતું ત્યાં કંઈ વસ્તુ મૂકવા-લેવા આમ કરતા હશે. પરંતુ પછીથી મને ખ્યાલ આવ્યો કે તેમને ખાંખાંખોળા કરવાની ટેવ હતી.

એક દિવસ આમ જ બાપુજીને લઈ હું દુકાને ગયો. દુકાન ખુલ્લી હતી, તે ન હતા. બાજુમાં ઊભો રહેતો લારીવાળો પગથિયે બેઠો હતો. અમને જોતાં જ કહે, ‘સાહેબ, અંદર બેસો, જીવણલાલ થોડી વારમાં આવતા જ હશે.’ અમે ખાસ્સી રાહ જોઈ પણ તે આવ્યા નહીં. મેં પેલા ફેરિયાને જીવણલાલ વિષે પૂછ્યું તો કહે, ‘હૉસ્પિટલ ગયા છે.’

કોઈ બીમાર છે?’ તે આશ્ચર્યથી કહે, ‘ના સાહેબ ના, આજ બુધવાર નહીં?’ ‘હા છે. તેનું શું?’

‘જીવણલાલ દર બુધવારે બે-ત્રણ કલાક હોસ્પિટલમાં દર્દીઓની હજામત કરવા જાય છે, મફતમાં.’ કહી તે અમારી સામે જોઈ રહ્યો. બાપુજી કહે, ‘વાહ, જીવણલાલને શાબાશી આપવી પડશે.’ ખાસી રાહ જોઈ. અંતે તે આવ્યા. આવતાં જ માફી માગતાં જ કામે વળગ્યા, પહેલાં બાપુજીના વાળ કાપ્યા ને પછી મારી દાઢી શરૂ કરી. જીવણલાલ બ્રશ પલાળતાં બોલ્યા, ‘સાહેબ, મારા બાપાનો વટ હતો વટ.’ ‘એમ?’,

સામે દર્પણમાં હું જીવણલાલનો ચહેરો જોઈ રહ્યો. સફાચટ દાઢી, ડાઈ કરેલા વાળ અને મૂછ. ચપોચપ ઓળેલા વાળ. ઝાંખી પડેલી ચશ્માંની ફ્રેમમાં ચમકતી આંખો. જીવણલાલે બ્લેડ શોધવા ડૉઅર ખોલ્યું. ડૉઅરમાં બધું અસ્તવ્યસ્ત. રોડ ઉપરની ધૂળ પણ અંદર આરામ કરવા બેસી ગઈ હતી. જીવણલાલે બ્લેડને વચ્ચેથી તોડી અડધી અસ્ત્રામાં ભરાવી, અડધી વધી તે દર્પણની અને ભીંતની વચ્ચે દબાવીને મૂકી. પછી પગને ખુરશીના એક પાયા ઉપર ટેકવીને અસ્ત્રો ચહેરા પાસે લાવતાં બોલ્યા, ‘સાહેબ, મહારાજા દિલાવરસિંહજીના મારા બાપાની ઉપર ચાર હાથ. મહારાજા દરિયાદિલના. મરતાં પહેલાં મારા બાપાને બોલાવી ત્રણ અમૂલ્ય રત્નો ભેટ આપ્યાં હતાં. મારા સિવાય બાપાએ કોઈને કહ્યું ન હતું.’ મને રસ પડ્યો ને થયું, દાઢી જલદી પતાવે નહીં તો સારું. પાછી એક લાંબી ચુપકીદી તોડતાં મેં પૂછ્યું, ‘જીવણલાલ તો પછી તમે તેનું શું કર્યું? ઍરકન્ડિશન્ડ હેરકટિંગ સલૂન કરી નાંખો ને?” એ થોથવાયા, ‘સાહેબ તકદીર જોઈએ ને?’ બાપાએ ત્રણે રત્નો એક મજૂસના ચોરખાનામાં સંતાડી રાખેલાં. મને જગ્યા બતાવેલી ને કહ્યું હતું, ‘કોઈને કહેતો નહીં. ને કદી આ રત્નો વેચતો નહીં. આ તો મહારાજસાહેબે આપેલો પ્રેમ છે. આપણો ગર્વ છે ગર્વ. આપણે તો વાળ કાપવાના, દાઢી-મૂછ કરતાં-કરતાં સમાજની સેવા કરવાની સેવા. મહારાજાએ જે આપ્યું છે, તેનાથી દસ ગણું આપણે સમાજને પાછું આપવાનું. દીકરા આપણું જીવન સુધરી ગયું. રત્નો સાચવીને રાખજે. તેને કદી વેચતો નહીં.’ મેં કહ્યું, ‘જીવણલાલ ક્યારેક કોઈ ઝવેરીને બતાવી તેની કિંમત તો કરાવો.’ એક નિઃસાસો નાખીને બોલ્યા, ‘સાહેબ, વાત એમ નથી. તકદીર જોઈએ તકદીર. જુઓ ને, આ દુકાન મળીને અહીં આવ્યા. દીકરાને તમારા જેવા એક સાહેબે સારી નોકરીએ લગાડી દીધો. તેને મારો ધંધો નથી કરવો. સાહેબ, અમારાં નસીબ જ આકરાં! પંદર વર્ષ પહેલાં અમે જે ગામમાં રહેતાં હતાં તેની બાજુમાં ડેમ ફાટ્યો. મસમોટું પૂર આવ્યું. જોતજોતામાં આખું ગામ ને લોકો તણાવા લાગ્યાં. અમે ગામના એક પાકા મોટા મકાનની અગાસી ઉપર ચડી ગયા અને અમારી નજર સામે જ આખેઆખું અમારું ઘર તણાઈ ગયું. આંખ સામે જ પેલી મજૂસ તણાઈ ગઈ. સ્વજન તણાયું હોય તેટલું દુઃખ થયેલું, પણ શું થાય?’ તેમણે ગળું ખંખેર્યું ને ભારે અવાજે બોલ્યા, ‘સાહેબ, બાપાને લીધે કદીયે રત્નો વેચ્યાં નહીં.’ કહીને તે ચૂપ થઈ ગયા. પાછા સ્વગત બોલ્યા, ‘પછી પાંચ-પાંચ ગાઉ તપાસ કરી હતી. કેટકેટલા દિવસો શોધ્યે રાખ્યું. આસપાસ-ગામસીમ તસે-તસૂ ખૂંદી વળ્યાં. પેલી મજૂસ ન જ મળી. દુ:ખ તો અમારા ગર્વની સાબિતી ન રહી તેનું હતું.’ મેં સહાનુભૂતિમાં કહ્યું, ‘જીવણલાલ તમારા જીવનમાં જબરું થયું, નહીં?’ તેમણે મારી દાઢી પૂરી કરતાં કહ્યું, ‘પણ સાહેબ, પૂરમાં બધું તણાઈ ગયું એટલે અસરગ્રસ્તોની યાદીમાં મારું નામ. એટલે અહીં આ દુકાન મળેલી. ત્યારે આ રસ્તો બહુ વેરાન હતો. જોતજોતામાં શહેર વધ્યું ને દુકાન મોકાની થઈ ગઈ. દીકરાને બહુ સમજાવ્યો, પણ નથી માનતો.”

કૅબિનની નાનકડી બારીની બહાર ઊડી જતા એક પક્ષી તરફ તે જોઈ રહ્યા. અને બોલ્યા, ‘એ રત્નો ખોળવા ખૂબ મહેનત કરી. દોરાધાગા ને ભૂવા કર્યા. જ્યોતિષીને બતાવ્યું, પણ ન જ મળ્યાં. આટઆટલાં વર્ષ પછીય હજુય એ રત્નો ખોળું છું. દુ:ખ તો મારા બાપાની મહેનતનો પુરાવો જતો રહ્યો તેનું છે. શું બાપાનો વટ હતો! ને શું મહારાજાનું દિલ! એ સમય ગયો હવે સાહેબ.’ કહી તેણે હળવેથી ટેપરેકર્ડર ચાલુ કર્યું. તેમને પૈસા આપવા પાકીટ ખોલતાં મેં પૂછ્યું, ‘બહુ કીમતી રત્નો હશે?’ ‘બાપાએ કહેલું એટલે હશે. મેં જોયાં પણ ન હતાં. એ મજૂસના ચોરખાનામાં હતાં. બાપાએ ખોલવાની મનાઈ કરી હતી. એ તો બાપાની ઇજ્જતનો પુરાવો હતો. તેમાં શું શંકા?’ હું તેમની વિષાદવાળી આંખોમાં જોઈ રહ્યો. ગામડેથી આવ્યું કદાચ તેમને દશેક વર્ષ થયાં હશે. ભાષા સુધરી પણ જાણે ભાવ એ જ રહ્યો. સો ટકા સાચો. બાપુજીને લઈ ઘેર જવા નીકળ્યો.

કારમાં બાપુજીએ વાત કાઢી. કહે તેમના સમયમાં વાળંદનો ખાસ રોલ. સારા-ખરાબ બંને પ્રસંગે તેમની હાજરી અનિવાર્ય. એટલું જ નહિ, અનાજ ખેતરેથી આવે ત્યારે પહેલાં એનો ભાગ પડે. કારમાંથી ઊતરતાં પાછા બોલ્યા, ‘અમારા સમયમાં માણસ સમાજ જોડેથી જેટલું લેતો તેનાથી વધુ આપતો. એ સમય ગયો તે ગયો.’ કહી આંગણામાં ઊગેલા લીમડા સામે અનિમેષ જોઈ રહ્યા. જાણે ક્યાંક ખોવાઈ ગયા. મારે રીતસર એમને કહેવું પડ્યું, ‘ચાલો ઘરમાં.’ એમની ગમગીની હું જોઈ શકતો હતો.

કોણ જાણે કેમ, બસ તે જ દિવસથી એ ઉદાસ રહેવા લાગ્યા. આમ પણ અગાઉ બે ઍટેક આવી ગયેલા એટલે શરીર ખાસું લેવાઈ ગયેલું. સામાન્ય રીતે એ ખુશમિજાજ અને બધાંમાં ખૂબ રસ લેતા. એકાએક એમણે બધાંની જોડે પહેલાંની જેમ બોલવા-ચાલવાનું બંધ કર્યું. અને જ્યારે વાતો કરતા ત્યારે માત્ર એમના ભૂતકાળના જીવનની વાતો કરતા. ખેતરની, ખેતીની, એમના બાપાની, શૈશવની અને યુવાનીની વાતો વાગોળતા. એમના ચહેરા ઉપર મોટે ભાગે ઉદાસીનતા છવાયેલી રહેતી. શરીર પણ ઘસાતું જતું હતું. એમનું આવું અળગાપણું સહન ન થતાં મેં એક દિવસ તો આગ્રહપૂર્વક પૂછ્યું,

‘બાપુજી, તબિયત સારી છે ને?’

‘હા, બિલકુલ સારી છે.’

‘કોઈ કંઈ બોલ્યું છે?’

‘ના, જરાય નહીં.’ ‘કોઈ ઘેરી ચિંતા છે?’

‘ના, સહેજ પણ નહીં.’

મારાથી રહેવાયું નહીં અને જરા ઊંચા અવાજે બોલી જવાયું, ‘તો પછી તકલીફ શું છે, તે કહો ને! રાત-દિવસ સૂનમૂન બેસી રહો છો, તેનું અમારે સમજવું શું? અમને કેવું લાગે?’ એમણે ધીરેથી કહ્યું, ‘તે દિવસે છેલ્લે વાળ કપાવવા ગયા ત્યારે જીવણલાલે જે વાતો કરી ત્યારથી મને મારા બાપા યાદ આવે છે. એ જૂના સમયની વાતો મનમાંથી ખસતી નથી. ખાસ તો હું નાનો હતો અને મારા બાપા કેવું મને વહાલ કરતા તે યાદ આવ્યા કરે છે. બપોરનો સમય હોય, બાપા સાથે હું પણ ખેતરે હોઉં. ખેતરમાં એક મીઠો કૂવો. તેની પાળે મોટી રાયણ. તેની નીચે હું રમતો હોઉં. બાપા, તનતોડ મહેનત કરતાં-કરતાં થાકીને રાયણ નીચે આવે કે તરત જ હું પાણી લઈને જતો. તે ઘટક… ઘટક… પી જતા. તે અવાજ મારા કાનમાંથી ખસતો નથી. પણ એ મારો વાંસો પસરાવતા અને કહેતા, ‘બેટા, બધું ભૂલી જજે પણ ધરતીનું ઋણ ન ભૂલતો. તે છે તો બધું છે. આ માટી જ સાચું જીવન છે. તેને પ્રેમ કરતો રહેજે. ક્યારેય જીવનમાં દુઃખ નહીં પડે.’ કહી બાપુજીએ ઊંડો શ્વાસ લીધો. પછી સ્વગત બોલ્યા, જીવનમાં છેલ્લા શ્વાસેય મને ખાટલા પાસે બેસાડી હાથમાં મારો હાથ લઈ એમણે કહ્યું હતું, ‘બેટા માટીથી જગતમાં બીજું કશુંય મોટું નથી. ઝાડને પ્રેમ કરતો રહેજે. જીવન છાંયડા જેવું લાગશે. ખેતર ભર્યુંભર્યું રહેશે.’ બસ મારા મનમાંથી એ વાત જતી જ નથી. ‘એ ખેતરમાં તો હવે મોટી-મોટી ફૅક્ટરીઓ લાગી ગઈ છે. એ બધાંય વૃક્ષો કપાઈ ગયાં છે. ભર્યુંભર્યું લીલુંછમ ખેતર તો હવે સ્વપ્નમાંય નથી આવતું.’ કહી એમણે એક દુઃખભર્યું સ્મિત વેર્યું.

ધીરે-ધીરે બાપુજીનું શરીર લથડતું ગયું. એક દિવસ આઈ.સી.યુ.માં દાખલ કરવા પડ્યા.

હૉસ્પિટલમાં ત્રણ-ચાર દિવસ રહ્યા હશે. સુક્કા વૃક્ષની ચોફેર સુક્કી ડાળીઓ લટકતી હોય તેમ તે વાયર ને ટોટીઓથી ઘેરાયેલા હતા. એમણે મને દાઢી બતાવી હજામત કરવા સૂચવ્યું. મોંમાં નળી હોવાથી બોલી શકાતું ન હતું. હૉસ્પિટલમાં વાળંદની સગવડ હતી. તરત એક વાળંદ આવ્યો. તેને જોતાં જ બાપુજીએ ના પાડી. મને પાસે આવવા ઈશારો કર્યો. મારો હાથ માગ્યો. હાથ પકડી મારી હથેળીમાં તેમણે ધ્રુજતા હાથે મહાપ્રયત્ન લખ્યું, ‘જીવણ’. મેં પૂછ્યું, ‘જીવણ?’ એમણે હા પાડી દાઢી બતાવી. તાત્કાલિક જીવણલાલને બોલાવ્યા. દાઢી કરવાનું શરૂ કરે ત્યાં નર્સોએ બૂમાબૂમ કરી મૂકી, ‘ઊભા રહો, ઊભા રહો.’ તેમનો અસ્ત્રો ડિસઇન્વેક્શટન્ટથી સાફ કર્યો. હાથ ઉપર પ્લાસ્ટિકના ગ્લોઝ પહેરાવ્યા, ત્યારે તે બબડ્યા અને ગુસ્સામાં બોલ્યા, ‘આ અસ્ત્રો લોકોની સેવા કરવા છે, મારવા માટે નથી.’ જીવણલાલે દાઢી પૂરી કરી ત્યારે બાપુજીના ચહેરા ઉપર આનંદની એક સરસ લહેર ફરકી ગઈ. બાપુજીને પગે લાગી જીવણલાલ હજી આઈ.સી.યુ. છોડે તે પહેલાં બાપુજીને જોડેલાં અનેક મૉનિટરનાં ઐલાર્મ શરૂ થઈ ગયાં. નર્સો દોડાદોડ કરવા લાગી. ડૉક્ટરો ઝડપભેર કામે વળગ્યા. બાપુજીએ ઇશારાથી મને પાસે બોલાવ્યો. હું પાસે ગયો. એમણે ખૂબ મુશ્કેલીથી મારો હાથ એમના હાથમાં લીધો. ફિક્કા પડી ગયેલા અને સોજાથી ફૂલી ગયેલા હાથમાં એકેય રેખા દેખાતી ન હતી. જાણે કોઈ અજ્ઞાતનો હાથ! મારી હથેળી ઉપર ધ્રૂજતા હાથે કશુંક લખવાનો પ્રયત્ન કર્યો. હું કશું સમજું ન સમજું તે પહેલાં તે નિપ્રાણ બની એમનો હાથ મારા હાથમાં પડી રહ્યો. આ તે ક્ષણથી આ ક્ષણ સુધી એ શબ્દ કયો હતો તે ઉકેલવા મથી રહ્યો છું. અદ્દલ જીવણલાલનાં રત્નોની જેમ!