ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રાધેશ્યામ શર્મા/ચર્ચબેલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચર્ચબેલ

રાધેશ્યામ શર્મા




ચર્ચબેલ • રાધેશ્યામ શર્મા • ઑડિયો પઠન: બિજલ વ્યાસ



સવારે છ વાગ્યે ‘ઍલાર્મ’ રણઝણ્યું. ઊંઘ ઊડતી નહોતી પણ ગયા સિવાય છૂટકો નહોતો… આ ઊંઘમાં ને ઊંઘમાં તો ડાબું પડખું રહી જવા આવ્યું. મારી આળસથી વાકેફ ફૅમિલી દાક્તરે ચેતવણી આપેલી કે મોડા પડશો તો લકવો થઈ જશે. તમારે નિયમિત માલિસઘરમાં સારવાર લેવા જવું જરૂરી છે. પંદર દિવસથી જાઉં છું પણ ખરો.

ઊઠ્યો, નાહ્યો-ધોયો, આદત મુજબ બા પાસે પેપર જોવા માગ્યું પણ કહે, ‘આવ્યું નથી.’ વાટ જોઈ પણ ના આવ્યું. ‘માલિસઘરમાં આવે છે ત્યાં વાંચી લઈશ.’ કહી નીકળ્યો. સાત થયા હશે પણ સૂરજ ડોકાતો નહોતો. ફૂટપાથ સૂમસામ હતી. રસ્તો ભેજને લીધે ક્યાંક કાંચળી કાઢી આવેલા સાપ જેવો ભીનો ને સુંવાળો લાગતો હતો.

અખંડ આનંદ હૉલ આગળથી નીકળવું મને ગમે છે… ત્યાંથી તે રાણીબાગ સુધીનો ફૂટપાથ જીવંત અને રંગીન છે. હૉલની પાસેના કાંચનાર વૃક્ષ સાથે તો, કૉલેજમાં હતો ત્યારથી એક કવિમિત્રે દોસ્તી કરાવી આપી હતી. આજેય ત્યાંથી નીકળ્યો ત્યારે કાંચનાર મારી હાજરી પૂરીને મરકી રહ્યું. વૃક્ષોમાં જીવ હોવાની ખાતરી જગદીશચંદ્રે કરાવેલી તે કરતાં દાફ દ મૉરિયરની એ વાર્તા એ (જેમાં પત્ની મરી ગયા પછી તેનો મૃતાત્મા કમ્પાઉંડમાંના ‘એપલ ટ્રી’માં જ જઈ વસ્યો છે એવો આભાસ પતિના જીવનમાં આગળ ઉપર દૃઢ પ્રતીતિમાં કેવો પરિણમે છે!) સચોટ કરાવી છે.

અખંડ આનંદ હૉલની પછવાડે દુર્ગની જીર્ણ દીવાલ આગળ કાળો પડદો લટકાવી એક મેલોઘેલો ફોટોગ્રાફર તેમના કૅમેરા ઉપરની ધૂળ હાથથી અને ફૂંકથી ઉડાડતો હતો… ત્યાં મેં એને જોયો. એ ગાંડો છે. આખા શરીરે કાળાં કપડાંનો જથ્થો વીંટાળીને આ વિસ્તારમાં ઘૂમ્યા કરે છે. થોડા દહાડા પહેલાંની એક બપોરે ફોટોગ્રાફરે મને કહેલું કે, ‘સા’બ, એકે દફે વો પાગલ આયા… ઉસકે હાથ મેં ટીકડી ફોડનેકી ટૉયગન થી. વો બોલા, ‘તુમને ફોટુ લિયા?’ ‘હાં, લિયા. ખુરશી પર બિઠાકે ખાલી ખાલી સ્વિચ દબા દી. ક્યા કરે પાગલકુ! સુનતે હૈં, ઉસકે રિશ્તેવાલોંસે બડા સદમા પહુઁચા હૈ, તબસે મારા મારા ફિરતા હૈ બેચારા દર-બ-દરકી ઠોકરેં ખાતા.’

હું ‘ચર્ચ’ આગળ આવ્યો ત્યારે ટોચે ઝૂલતા ‘બેલ’ના ટકોરા વાગવા શરૂ થઈ ગયા હતા. રોજ તો વિક્ટોરિયા ગાર્ડનને દરવાજે પહોંચું ત્યારે વાગતા. એક એક ટકોરે સામેના જ લીમડા પર ભરાઈ રહેલા રંગીન પતંગનાં સ્પંદનો ઝીલવાનો ઉત્સાહ કાંઈ ઓર જ છે. (એ પતંગને, નવોદિત કવિઓની જેમ, ક્રૉસ ઉપર ચડેલા ઈસુ ખ્રિસ્ત કહેવાનો લોભ ઘણી વાર મેં ટાળ્યો છે તે ભૂલી શકાતું નથી!) આઇરિશ મુરડોકની નવલકથા ‘The Bell’માં-ચૌદમા સૈકાની દંતકથાનો સંદર્ભ છે, જેમાં ચર્ચની સાધ્વીબાઈ કોઈકના પ્રેમમાં પડતાં, ધર્મભ્રષ્ટ થતાં (?) ત્યાંના ચર્ચનો ટાવર ઉપરનો ઘંટ, અગમ્ય રીતે, સરોવરમાં જઈ પડેલો તે આ ચર્ચબેલના નિનાદમાં યાદ આવી ગયું.

રામીબાગ આવતાં, ઝાડથી ખરીને ભોંય પડેલાં પાંદડાંને સાવરણાથી એક ભંગીને ભેગાં કરતો જોયો. ત્યાંથી આગળ વૃક્ષ ઉપરથી પડીને ફૂટી ગયેલા એક ઈંડામાંથી લદબદ બહાર પડેલા પીળા પ્રવાહીને જોઈ એવી ચીતરી ચડી કે ઘેર પાછા વળી જવાનું મન થયું. આંતરે દિવસે મનોવિષાદ(depression)નો ભોગ બનનારાનો આજે વારા પ્રમાણે આનંદનો દિવસ (delightful day) હતો. તેની, સૃષ્ટિમાં કોઈનેય સ્પૃહા, દયા કે સહાનુભૂતિ હશે?

જેમતેમ કરી એલિસ પુલમાં પેઠો. હાશ… સૂર્યનો શ્વાસોચ્છ્‌વાસ ચાલુ થશે એવી આશા બંધાણી. પણ પગલે પગલે એને ખોટી પાડતી ધૂસરતા મને ઘેરી વળી. સૅન્ડલનો ખટખટ અવાજ મંકોડાના દરની અદલાબદલી કરી નાખતો લાગ્યો. નીચે ઝૂંપડાં, કાચબાની જેમ કોચલું વળી માણસોને પોતાનામાં સંતાડીને આઘાં બેઠાં હતાં. મારો પગ પુલની પગથીની એક મોટી ફાટમાં ભરાણો. બાઘા બની નીચે જોયું, સહેજ મોટી ફાટ હોય તો મારા જેવો સળેકડીની જેમ નીચે જઈ પડે. પણ પગ ખેંચી કાઢતાં વાર ના થઈ… ત્યાં જ આ લોખંડી તોતિંગ પુલના પડખામાં પીપળાનાં પાંદડાં જોયાં. વાહ! ચાલતાં આછી કળતર થવા લાગી. માલિસ ભેગી માલિસ કરી ચાલવા માંડ્યું. પુલની વચમાં આવતાં બે વસ્તુ જોવા મળી, ધોળી ધોળી રેતી, કાળાં પાણી! રજકણોની અગમ્ય ને અનંત પદલિપિમાં કેટલીક ભેંસો ઊંઘતી હતી અને એક શીંગડેથી બીજે શીંગડે એક કાગડો કૂદાકૂદ કરતો હતો. કોઈક અજાણી લઘુક દેરી ઉપરની લાલ ધજા ધ્રૂજતી હતી. સાબરમતીમાં પીળાં ફૂલો તણાતાં જોઈને એલિયટે થેમ્સને (મીઠી) કહી તેમ, મન એમ બોલી પડવાનું મન થઈ આવ્યું. કોઈ સાંભળી જશે માની મનમાં બોલ્યો. ત્યાં તો એલિયટના જ શબ્દોમાં સાબરમતી માહાત્મ્ય આગળ ચાલ્યું. The river bears no empty bottles, sandwich papers, silk handkerchiefs, cardboard boxed, cigarette-ends or other testimony of summer nights. હાલ તો નવેમ્બરનો શિયાળો છે.

ટાઉનહૉલે પહોંચતાં તો સૂર્યે પકડી પાડ્યો. તેણે છાપો માર્યો એક મોટા જાહેરખબરના પાટિયે – ન્યાયના પંથે.

વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલના નાકે કેટલાક ટોળું વળી પેપર વાંચવામાં પડ્યા હતા. આજે તો હુંય પેપરભૂખ્યો હતો, લાવ જરા જોઈ લઉં એમ થયું. પણ દિવસ ઉઘાડો ફગ થઈ ગયો’તો ને માલિસઘરે સમયસર નહિ પહોંચાય તો ખોટી થવું પડશે, વળી ત્યાં પેપરો આવે જ છે એટલે પ્રયત્નપૂર્વક નિરીક્ષણો અટકાવી પ્રીતમનગર પહોંચ્યો.

માલિસઘરના મેદાનમાં રિસેસમાં છૂટેલાં છોકરાં તોફાને ચડ્યાં’તાં. કોણ જાણે અહીં સારવાર લેવા આવવાનું શરૂ કર્યા પછી બાળકોનું આ સ્વાતંત્ર્ય ખૂંચવા લાગ્યું હતું. (ઉન્મત્તતાનેય હદ ના હોવી જોઈએ?) ઘરમાં પણ છોકરાં મારાથી, વિના કારણે, હમણાં હમણાંનાં બીતાં હતાં. ત્યાં માલિસઘરના ઓટલે ઊભેલો લખમણસિંહ મને જોઈને હેઠો ઊતર્યો અને લગભગ દોડતો આવીને કહે, ‘ભયા! ઘોઘાની બાધા ફળી. સવિતા આજે લખતી થઈ.’ મેં કહ્યું, ‘ના હોય!’ સવિતાને છ વર્ષ બાળમંદિરમાં મૂક્યા પછી બીજી ચોપડીમાં આવતાં એકાએક બાળલકવાથી તેનો જમણો હાથ ઝલાઈ ગયેલો. છ મહિનાથી એ અહીં સારવાર લે છે. મટવાની આશાએ નહિ… સવિતાએ શું લખ્યું હશે તે વાંચવાના કુતૂહલ સાથે હું અંદર ગયો ત્યારે, વાદળી સ્વેટરમાં, સાવ સમાઈ ગયેલી સવિતા આજનું તાજું પેપર સામે લઈને બેઠી હતી, અને ખૂબ ધીમેથી, મોંમાં પેનને પલાળતી, ઊભા પગે, સ્લેટમાં કંઈક લખતી હતી, મને જોઈને એ સહેજ મરકી અને કશું આગળ લખ્યા વગર તેણે સ્લેટ મારી સામે ધરી દીધી. થોડાક ધ્રૂજતા હાથે લખાયેલા તેના વાંકા અક્ષરો મેં વાંચ્યા – અમેરિકાના પસીડંટ કેનેડી.

‘હં…સરસ… આગળ લખ. જો હું લખાવું.’ કહી મેં પેપર હાથમાં લીધું ને મોટા કાળા અક્ષરમાં વાંચ્યુંઃ ‘અમેરિકાના પ્રેસિડેન્ટ કેનેડીનું ખૂન!’ તત્કાલ કશું હું વાંચી ન શક્યો. એક દુર્બળ દેહવાળા પ્રૌઢ સજ્જન કસરત માટે દાંત પીસી ગજાબહાર સ્પ્રિંગને ખેંચતા હતા ત્યાં મારી દૃષ્ટિ શૂન્યવત્ થઈ રહી. એવામાં ત્યાંના માણસે બારણું ખોલી ચેમ્બરમાં બોલાવતાં મને કહ્યું, ‘ચાલો, તમારો વારો.’

…સ્વિચ ઑન થતાં ઇન્ફ્રા-કિરણો મારી પીઠ પર કૂદી પડ્યાં ત્યારે ચિત્તના વિમૂક અવકાશમાં ઝળક્યો-ઝબક્યો રણકતો પેલો ચર્ચબેલ.