ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રાવજી પટેલ/ચંપી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
રાવજી પટેલ
Ravji Patel 1.png

ચંપી

રાવજી પટેલ




ચંપી • રાવજી પટેલ • ઑડિયો પઠન: દિપ્તી વચ્છરાજાની


ચંપીને ફરીવાર એણે પિયર મોકલી, છેક આંબલી નીચે જઈને એ પત્નીને વળાવવા ગયો અને ત્યાંય આંબલીના ખરબચડા થડ પર હાથ ફેરવતાં ફેરવતાં છેવટનો બોલ ચંપીના કાનમાં ગોઠવ્યો.

‘આ વખતે હમ્મ કંઈ વાંધો નૈ જા. સત્યનારાયણના સમ.’

ચંપી સ્મશાન ભણીથી દોડી આવતી બસની ઊડતી ધૂળની ડમરી જેવી સહેજ ધૂંધવાઈને ધણીની આંખ જોઈને એમાં બેસી ગઈ. એ મરવાનું કહેતો હોત તોય સારું પણ એ એમ થોડો મૂર્ખ હતો. ગામમાં કોઈ પોતાને બૂડથલ ન કહે એટલે તો ચંપી જેવી સ્ત્રીને તે પળસી કરી રહ્યો હતો ને!

‘ના ના, હું અબઘડી મરી જઉં, પણ તમે મને એમ ન કહેશો.’ એ છૂંદાયેલા સાપની જેમ ઢીલી પડતાં બોલી.

‘તે તો…’ અને એ સહેજ પાસે આવ્યો. ચંપી ખસે તે પહેલાં એના હાથને ડાળી જેવા ખરબચડા હાથથી પકડ્યો.

ને બસ આવી.

બસનું પગથિયું ચડતાં ચડતાં એણે પાછું સંભાળ્યું. ‘એમ ને એમ હાથપગ લઈ આવીશ તો આ વખત હું લગીરે વિચાર નૈ કરું આ કીધું તને.’

અને તોતિંગ વૃક્ષ પોતાના પર પડ્યું હોય એમ તે સીટ પર ફસડાઈ. પતિના નામ જેવા થોરિયા ચપોચપ ચહેરા સામેથી પાછળ હઠવા લાગ્યા અને સહેજ પડતા પડતામાં એ પિયરના ખોળામાં જઈ પડી.

ચંપીને ત્રીજી વખતે પિયર મોકલી હતી. એ ઘેર આવ્યો. પરસાળમાં કાચાં કાલાં ભાંગતી મા ઘડપણને ગાળો ભાંડતી હતી. વચ્ચે વચ્ચે એના કાન પર દોષના ટોપલા ફેંકાતા હતા. એ શહેરની હાઈસ્કૂલમાં ચડ્ડી પહેરીને ભણવા જતો હતો. એ દિવસો ખાટલામાં પડ્યા પડ્યા પાછા આવ્યા. પાંગોથ પર પડેલા પગમાં શહેરની સડક અટવાઈ. ગરીબ, ગામડિયા મા-બાપનો એકનો એક એ છોકરો. ચંપા એના જ શિક્ષકની પુત્રી. એ અને નિશાળની રિસેસો સિવાય ચોકમાં કશું નહોતું. ઘરડી માની જીભ દરિદ્રના રોટલા જેવી ટપટપ થયા કરતી હતી અને એને કશી પડી નહોતી. એની આંખોમાં બેચાર કેસૂડા ઊગ્યા. સિનેમાના ગીત જેટલી વાર થઈ એટલામાં તો તે પરણી પણ ગયો.

ઘરડી મા બબડતી હતી :

‘મોટો સઈધો ઘરમાં લાયો છે પણ પેટની તો ઊણી છે!’

એ બળદના ખંધેલા જેવું ધ્રૂજ્યો.

‘મા, ખબરદાર એની આવી વાત કરી છે તો. એમાં માણસ બિચારો શું કરે? એનો – મારો ઈશ્વર જ રાજી નથી ત્યાં.’ અને એને ભૂવો યાદ આવ્યો. ભૂવે પાંચસાત વાર દાણા નાખી જોયા પણ એકેય વખત વચન નહોતું પડતું. ભદ્રકાળીને આંગણે પણ દાણા નાખ્યા ત્યાંય અક્કરમીના તેખડ ને તેખડ જ પડ્યા. ભાગ્યમાં નામ લઈ આવનારો લખ્યો હોત તો પછી મહેણાં ખાત જ શું બાપડી? એ કંટાળ્યો. ઘરડીમાના બોલને બાંધીને ખેતરમાં ગયો. ટાઢ વાવા લાગી. છાણું-પાંદડું એકઠું કર્યું ને દેવતા ચાંપ્યો. રતૂમડી ઝાળ ઊંચી થઈ થઈને છોકરો આલતી હોય એમ ચહેરા ભણી વળવા લાગી.

ચંપાનો હાથ હોત તો ઝાલત પણ ખરો. આ બળીજળી ઝાળને તે કેમની ઝાલવી? તાપણી ઠરે નહીં એવું રડ્યો. જુવારના થડિયા પર એક તીતીઘોડો ચડ્યો અને એને રાત યાદ આવે એવું બે-ચાર-પાંચ-છ વખત એની એ જગ્યાએ કૂદીકૂદીને ચોંટ્યો… તોય જુવારનું ડૂંડું ન હલ્યું. ચંપી ભરાતી જ નહોતી. મહિના પર તે મોસાળ ગયો ત્યારે મામીએ ચંપાના સારા દિવસ વિશે પૂછ્યું હતું. એ વખત એ દાદાની મૂછ જેવો ધોળો રંગ થઈ ગયો હતો.

ઓચિંતો ‘પેલો વિચાર’ એને વાઘરીવાડમાંથી આવ્યો. છનો વાઘરી પાડો લઈને પરગામ જતો હતો અને એને થઈ ગયું. એમાં શું વાંધો છે? માણસ જેવું માણસ પાડા જેવું કરે કે? પશુથીય આપણે – અને તેણે આગળપાછળનો વિચાર ન કર્યો. ચાર વર્ષથી પોતે પથરા મારે છે અને તોય ડાળ પરનું ફળ પડતું નથી. પછી (એ) કહેય શું? ઘરડીમાએ આશાપુરીને નાળિયેરનું પચાસી તોરણ માન્યું. બાધા લીધી અને ચંપી પિયરથી આવી.

પહેલે મહિને એ છેટી ન બેઠી અને ઘરડી સાસુ તેર વર્ષની એની સહિયરની જેમ ગોળધાણાની કથરોટ લઈને ગામ આખું ઘૂમી વળી.

ત્રીજે મહિને એણે સત્યનારાયણની કથા કહેવડાવી. આગલી પરસાળમાં પેટમાં કોળિયા પડે એમ માણસો ભરાવા લાગ્યા. સીમંત એમ ઊજવાયું, ચંપાના પિયરની ઇચ્છાઓને અવગણીને પણ એને અહીં રાખવામાં આવી… ચંપીના ચહેરા પર કેમે કર્યો વિષાદ ઓસરતો નહોતો. એ એને સમજાવતો હોય તેમ કહેતો :

‘હવે તો તને પિયરમાં જવા જ ન દઉં ને; તું હિંમત રાખ. આમાં વળી મનદુઃખ શું?’

ચંપીને એના પિતા આવી સમજાવી ગયા તોય તેણે ત્યાં જવાની નામરજી જણાવી, જોકે એમનું કહેવું પણ કશું ખોટું નહોતું. શહેરમાં દવાખાનું નજીક રહ્યું એટલે કશી ફિકર તો નહીં. ચંપીને છેવટે અહીં જ રાખી તે ગયા.

એક સવારે ચંપીને પિયરથી એક દેખાવડો છોકરો આવ્યો. ચંપી એ વખતે દળતી હતી. એ પણ એને ઓળખતી ન હોય એમ બેસી જ રહી.

‘ચંપીબેન મજામાં ને?’ આગંતુક ખાટલાની પાંગોથ પર બેઠો અને નિરાંતે આડે પડખે થયેલા અન્નાને પગ ખસેડવા વિનંતી કરી. ‘જરા પગ લેજો.’ અન્નાને પાડે ગોથું માર્યું હોય એવું થયું અને બેઠો થઈ ગયો. પેલે સ્મિત કર્યું. ખિસ્સામાંથી રૂમાલ કાઢી કપાળ લૂછ્યું અને અન્નાના ઢીંચણ પર હાથ અડાડી કહ્યું :

‘તમારે ઘેરથી છે, એમનો હું માસીનો છોકરો છું.’ અને ચંપી સામે આંખ ઉલાળતો હોય એમ જોઈ લીધું. ચંપી દળણાની ટોપલીમાં લપાઈ જવાની હોય એવું મોં કરીને બેસી જ રહી.

‘એમ!’ અન્નાએ ખૂંખારો કર્યો, ‘ત્યારે બોલતા શું નથી. તમે તો મારા હાળા થાવ.’

આગંતુક અન્ના ભણી ક્ષણિક જોઈ રહ્યો. પછી મનમાં ગોઠવીને બોલતો હોય તેમ બોલ્યો :

‘હા, માસીનો છોકરો. એટલે તમારો એ થયો ખરો.’ અને ફફાક દેતો હસી પડ્યો.

અન્નાની ઘરડી મા ભેંસને નીરતી નીરતી બોલી : ‘અલી વહુ, કોણ છે એ?’ તોય ચંપી ન ઊઠી એથી અન્ના વિચારમાં પડ્યો.

ચંપીના ચહેરા પર ફરી વળેલી ઝાંખ પર અથડાઈને પાછી પડતી અન્નાની દૃષ્ટિ આગંતુકની દેખાવડી માંજરી આંખોમાં ઝૂઝી, બે ચહેરાઓ પર અથડાતી-કુટાતી એ નજર કોસની વરત જેવી અમળાવા લાગી.

‘તમારું નામ?’ અન્નાએ પ્રશ્ન કર્યો.

‘રૂપલ, તમે તો ક્યાંથી ઓળખો મને? ચંપીનાં લગ્ન પછી તરત જ હું મુંબઈ જતો રહેલો. છ માસથી ડાકોરમાં છું.’ એ વિચિત્ર, મુંબઈ ગયો કે બેયરી એની અન્નાને ક્યાં પડી હતી? એને તો માત્ર એ નામ જ પકડવું હતું. એ રૂપલ છ માસથી ડાકોરમાં છે.

કલાક બે કલાક જ એ રોકાઈ શક્યો અને પછી ચાલ્યો ગયો. અન્ના એની પાછળ પાછળ ગયો પણ કંઈ કહી શક્યો નહીં. એ ક્યાં સુધી ડાકોર રોકાવાનો છે એ પણ નહીં.

એ દેખાવડો રૂપલ આવ્યો, ગયો અને એની પાછળ એના ચહેરાની છાપ મૂકી ગયો.

વડીલોની વાત માની બન્ને જણાં દવાખાને ગયાં.

ચંપીને બતાવી. બધું જ બરાબર હતું. એકાએક ચંપીને શુંય સૂઝ્યું કે અન્નાને સલાહ આપી બેઠી :

‘તમેય તપાસ કરાવી જુઓ ને.’ સલાહ આપતાં તો આપી બેઠી પણ અન્નાને કાપો તો લોહી ન નીકળે. ડૉક્ટરની હાજરીમાં તે હતપ્રભ થયો. ડૉક્ટર ભણી જોયું. ‘હા.’ એણે અચકાતાં અચકાતાં વાક્ય પૂરું કર્યું : ‘ખરી વાત તારી. બતાવી જોવામાં શું બગડી જવાનું છે?’

વાત થઈ જ, પછી એને દબાવવાની કળ બેમાંથી કોઈની પાસે નહોતી. અન્નાના શબ્દો ગળામાંથી જ બહાર ન આવે એમ ડૉક્ટરને કહ્યું :

‘સાહેબ, મારેય જરા બતાવવું છે.’ એને સંકોચ નહોતો પણ શરમ હતી. સત્ય પ્રકટ થઈ જશે તો શું થશે એવો ખ્યાલ એને આવતો જ નહોતો. ‘મને જરા કશીક તકલીફ જેવું લાગે છે.’ ડૉક્ટરે એને તપાસ્યો. વિસ્મય અને મનુષ્યમનની ગતિવિધિ વચ્ચે એમણે અન્નાને તપાસ્યો. વચ્ચેના સહેજ અવરોધને દૂર કર્યા પછી ડૉક્ટરે સલાહ આપી :

‘જુઓ ભાઈ, બધું જ બરાબર છે હવે. ચિંતા કરશો નહીં અને આ વાત અહીં જ દાટી દો. મેં તમને તપાસ્યા જ નથી એમ સમજીને વર્તો. કશાય વિચાર આગળપાછળ કરશો નહીં. બધુંય બરાબર છે; થાય એમાં કંઈ… જાવ તમારા બન્ને માટે સારું રહે એવી સલાહ હું તો આપું છું.’ અન્ના બહાર આવ્યો. બાંકડા પર બેઠેલી ચંપીને ‘ચાલ’ પણ કહી શક્યો નહીં. એ બન્ને જણ દવાખાનાના કમ્પાઉન્ડમાંથી સડક પર આવ્યાં.

‘ડૉક્ટરે શું કહ્યું?’ ચંપી પાછળ આવતી હતી.

એ મૌન સ્થિતિમાં ચાલ્યો.

‘ઊભા તો રહો, ડૉક્ટરે તમને શું કહ્યું?’

ભારે પગ લઈને એ અન્ના પાછળ લગભગ દોડતી હતી. એ એ જેમ જેમ પૂછવા માંડી તેમ તેમ ડૉક્ટરની કૅબિનમાં વવાયેલો ધિક્કાર ફણગાતો હતો.

‘અરે, તમે ગાંડાની જેમ શું દોડ્યા જાવ છો?’

‘બોલો તો ખરા’ છેવટે ચંપીએ ચાલતાં ચાલતાં પતિનો કોટ પકડ્યો અને તરત જ અન્નાએ ચંપીના હાથને વૃક્ષથી ડાળી કપાય એમ કોટથી અલગ કર્યો.