ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/શિરીષ પંચાલ/મજૂસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મજૂસ

શિરીષ પંચાલ

માધવને ક્યારેય સાંજે વરસ્યા કરતો વરસાદ ગમ્યો ન હતો. આખી રાત ઝીંટતો હોય તો વાંધો નહીં — સવારે પથારીમાંથી બેઠા થાઓ અને આકાશ ઉલેચાઈ ઉલેચાઈને વરસતું હોય તોપણ વાંધો નહીં. પણ આ સાંજે વરસે એ કંઈ રીત કહેવાય? એ તો સારું હતું કે અત્યારે એનું બધું જોર ખલાસ થઈ ગયું હતું. આવો ઝરમર ઝરમર પડ્યા કરતો હોય તો ખેતીવાડીમાંય બરકત ઉમેરાય. તેને થયું કે આવાં ફોરાં વરસ્યા કરતાં હોય અને પોતે ખેતરમાં કામ કર્યા કરતો હોત તો — આગલા દિવસોમાં વરસેલો હોય એટલેકામ કરતાં કરતાં પગ માટીમાં ખૂંપી જાય, પછી ઘેર આવીને બહારના ઓટલે તાંબાના ઘડામાંથી પીણીની ધાર જાય અને ઘસી ઘસીને પગની માટી સાફ કરવાની કેવી મજા આવે. એવી મજા — એવા લહાવા તોકાયમને માટે ખલાસ થઈ ગયા. ખેલ ખતમ થઈ ગયો. બાકી તો ધોધમાર વરસાદ કેટલો બધો ગમતો હતો. ઘરમાં દાખલ થાઓ અને નેવાંનાં પાણીના ધધૂડા પડતા હોય. વાડાનાં પતરાં પર દાંડીઓ પિટાતી હોય. વાડામાં પડતા રસોડાના છેડે પરનાળ નીચે મૂકેલાં ડોલ, તગારાંમાંથી પાણી છલકાઈ છલકાઈને બહાર આવતાં હોય — પણ એ બધું ખલાસ. જાણે એ બધું તો ગયા જનમમાં જોયું હતું… તેણે બીડી સળગાવીને કસ ખેંચ્યો. જરા જોરથી ખેંચ્યો પણ મજા ન પડી એટલે ઉશેટી લીધી, તમાકુ હવાઈ ગયેલી લાગી.

તેણે ઘરમાં નજર કરી. દિવાળી થોડે દૂર સોસાયટીમાં કામ કરવા ગઈ હતી. વરસાદમાં ભીંજાવા મળે એટલે નાની દીકરી રૂપા કજિયો કરીને દિવાળીની સામે ગઈ હતી. મહેશ અને શારદા નિશાળે ગયાં હતાં. અત્યારે બધી રીતે મોકળાશ હતી. બધાં હોય તોય ઘરમાં મોકળાશ હતી જ. બીજાઓનાં ઘર તો કેટલાં સાંકડાં હતાં. તેની જેમ બીજાઓ પણ વતન છોડીને શહેરમાં આવ્યા જ હતા ને! તેને તો દસ વરસ થયાં હતાં જ્યારે બીજાઓને તો પંદર વરસનાં વહાણાં વાઈ ગયાં હતાં. કેટલાના નસીબમાં અઢી ઓરડીનું મકાન મળ્યું હતું! એટલે જ તો બધા એને સુખી માનતા હતા. આવા શહેરમાં આવું મકાન મળે છે કોને અને તે પણ પોતાની માલિકીનું? ભલે ને વસતી થોડી સારી ન હોય — પણ માધવને એ સુખ કોઈ કરતાં કોઈ ખૂણેથી અડકતું જ ન હતું. ત્યારેય ગમ્યું ન હતું અન અત્યારે પણ ગમતું ન હતું. ગમાડવા જેવું હતું પણ શું?

માધવે ફરી એક નજર ઘરમાં કરી. ભાંગેલાતૂટેલા ડબ્બાઓમાં, કૂંડામાં બેચાર છોડ હતા. નાના ડબલાઓમાં ઘઉંના જ્વારા હતા. દિવાળી સોસાયટીમાંથી આવા જ્વારા ઉગાડવાનો શોખ લઈને આવી હતી. તેની આંખો સાથે જ ઘઉંના કૂણાં પાન હતાં. અને તોય એ પાનને અડકવાનું મન થતું જ ન હતું. બાકી ખેતરોમાં તો ઘઉં ઊગવા માંડે ત્યારથી તે ઊંબીઓ આવે ત્યાં સુધી એનાં પાનને, ઊંબીઓના કકરા રેસાને રમાડવામાંથી ઊંચો જ ક્યારે વળી આવતો હતોઃ ‘અહીં બધું બેસવાદ થઈ ગયું છે. સાલી તમાકુ પણ ઘાસલેટિયા લાગે છે. બીજી સળગાવો કશો ફેર નથી પડતો.’ ફરી તેની આંખે છોડવા ચઢ્યા. ખોબા જેટલી માટી લઈને ઉગાડેલા આ છોડ જોઈને ચીડ ન ચઢે માણસને? પણ તેણે ક્યારેય દિવાળી આગળ ફરિયાદ કરી ન હતી. મોટો મહેશ પણ આ જોઈને કતરાતો રહેતો હતો. એક વાર તો તેણે સવારના પહોરમાં બધા છોડ ઉખેડીને ફેંકી દીધા હતા. દિવાળીએ તેને સવારના પહોરમાં ધોઈ નાખેલો. ‘મારા રોયા, શીદ ફેંકી દે છે! આ આપણે ફેંકાઈ ગયા ચે એ ઓછું છે?’ એ વાત યાદ કરીને મનમાં ને મનમાં માધવ બબડ્યો — ‘દસ વરસ પહેલાં શું હતું અને અત્યારે શું છે?’ ત્યારે તો આંખો પહોંચે ત્યાં સુધી નકરાં ખેતરાં જ ખેતરાં. ઊંચા પહોળા લીમડા, સીમમાં બાવળિયા, ખેતરોમાં જમીનને અડું અડું થતી આંબાની ડાળખીઓ, કૂવામાંથી પાણી કીઢતા કોશ, ઢાળિયા — અને એ બધા ઉપર છાયો કરતું આભલું. એ બધાં સાથેનો છેડો ફાટી ગયો, ફાડ્યા વિના છૂટકોય ક્યાં હતો? વરસ વરસને ખાતાં જ આવ્યાં. માંડ માંડ પૂરું થતું. અધૂરામાં પૂરું દેવાનો બોજ કમ્મર તોડી નાખતો હતો. બધા સલાહો આપવામાંથી તો ઊંચા આવતા જ ન હતા કે બીજું પરચૂરણ કામ કરો. પણ કામ હતું જ કોની પાસે? મોટા ભાગના તો નવરા બેઠા બેઠા બીડીઓ જ ફૂંક્યા કરતા હતા ને? બોલ્યાચાલ્યા વિના એકબીજાની આંખોમાં સૂનકારમાં કેવા તાક્યા કરતા હતા — ખૂબ કંટાળો આવે ત્યારે ‘તારી મા સાજી થઈ ગઈ ને?’ ‘તારા છોકરાને ’લા નિશાળે નથી મૂકવો?’ જેવા પ્રશ્ન પૂછીને વળી પાછી ચૂપ થઈ જતા હતા. આમ ને આમ વરસના છ છ મહિના કોરા ધાક્કડ બેસી રહેવાની કેટલી બધી અકળામણ તેણે અનુભવી હતી. એટલે છેવટે કંટાળીને કોઈનીય સલાહ લીધા વિના ખેતર બીજાને ભળાવી, થોડું વેસીસાટીને આ મુલકમાં ઊતરી આવ્યાં. ગામની આટલી મોટી ધરતી અને ઉપર આટલો મોટો ચંદરવો મૂકીને આવતાં તો જીવ જરાય ચાલ્યો નહીં. દુકાળના દિવસોમાં વેંત વેંતના ચીરા ધરતીમાં પડી જાય એવા ચિરાડા હૈયામાં લઈને, દિવાળીનાં ધ્રૂસકાંઓની વચ્ચે અહીં આવી ચઢ્યા હતા ને! માધવ ભૂલવા માગે તોય ભૂલી ન શકે એવી આ ઘટનાની યાદ અવારનવાર આંધળી ચાકરણની જેમ ડંસી જતી. એવા સમયે તેને કશું કરવું ગમે નહીં, મન ચક્કરભમ્મર થવા માંડે અને ત્યારે કસ વિનાના સમે દિવાળીની કાયાની ભુલભુલામણીમાં ખોવાઈ જવાનું મન થતું. જોકે એવે વખતેય તે બબડી ઊઠતો હતોઃ ‘તું તો બીડીના ઓલવાઈ ગયેલા ઠૂંઠા જેવી છે. કશો સ્વાદ જ નથી તારામાં,’ ત્યારે સોડમાં લપાયેલા માધવને કેવો હડસેલો મારીને છણકા સાથે બોલતી હતી — ‘કાણિયો દીઠો ગમે નહીં અને કાણિયા વિના ચાલે નહીં.’ અત્યારે એ બધું યાદ આવી ગયું એટલે તે બબડ્યો — ‘એ બીડીના ઠૂંઠા જેવી છે તો તું કેવો છે? તને તો હમણાં જ કોઈ ઉઘલાવવાનું હશે, નહીં?’ તેણે વચ્ચે વચ્ચેથી તરડાઈ ગયેલા અરીસામાં પોતાનું ડાચું જોયું. કેવો બાઘો લાગતો હતો. દાઢી પણ ખૂંપરા જેવી હતી. વાળ શાહુડીના કાંટાની જેમ ઊભા હતા — હોઠ બીડીઓ ફૂંકી ફૂંકીને કાળા થઈ ગયા હતા.

ફરી માધવે આકાશમાંથી વરસતા વરસાદ સામે જોયું. આજે આ વરસાદમાં લારીએ જવાનો કંટાળો આવતો હતો. વરસાદના દિવસોમાં ક્યાં ઘરાકી થવાની છે એમ માનીને મોડા જવાનું નક્કી કર્યું. પણ આ કાદવ ખૂંપીને જવાનું; પેલા પુરાણમાં કાદવથી ભરેલી નદી પાર કરવાની જે વાત આવે છે તે આવી જ હશે. તેની આંખો કરડી બની ગઈ, હોઠ ભીંસાઈ ગયા. ગામમાંય કાદવ તો થતો જ હતો ને! ખેતરે જવાના રસ્તા, ખેતરો, કેડીઓ, સીમ ઘરનાં આંગણાં — ક્યાં કાદવ ન હતો? પણ એ ડખોળતાં ડખોળતાં ક્યારેય મોઢામાંથી ગાળ સરી ગઈ ન હતી, ચીઢ ચઢી ન હતી. એ કાદવ તો હાથમાં લઈ સૂરજના તડકામાં ધરો તોય શું અને એવા તગતગ થતા કાદવથી શરીર ઘસી કાઢો તોય શું? અને આ કાદવ? છી… અહીં તો ઝગદાં બહાર જ ઝાડે ફરવા બેસે છે. ગાયો, ભેંસો પણ ગમે ત્યાં મૂતરે છે, પોદળા પાડે છે. અહીંની બૈરીઓ પણ વાસણો ઊટકીને એંઠવાડ વચ્ચે જ ઉશેરટી ફરે છે. એ બધુંય કાદવ ભેગું ને એમાંથી રસ્તો કરવાનો…

આમ જ કેટલોય વખત એ બખાળા કાઢ્યા કરત પણ એટલામાં દિવાળી આવી ચઢી. નાની તો સોસાયટીમાં જ રોકાઈ ગઈ હતી. દિવાળી વરસાદમાં પલળી ગઈ હતી એટલે ફટાફટ અંદરની ઓરડીમાં ગઈ અને જરાવારમાં તો કપડાં બદલને માધવ સામે ઊભી રહી ગઈ. તે કશું બોલ્યો નહીં. એટલે જરા ખસિયાણી પડી જઈને અરીસા પાસે ગઈ અને ચાંલ્લો કરતાં કરતાં બબડી, ‘બાપ રે, હું તો ત્રાસી ગઈ. આ વરસાદ છાલ મૂકતો જ નથી.’

‘હંઅ…’ માધવ ઊંકારો કરીને અટકી ગયો. તેણે દિવાળી સામે જોયું. ઘડી પહેલાંનો તુક્કો યાદ આવી ગયો. પણ કશું બોલ્યો નહીં. બીડીમાંય ક્યાં મજા આવેલી? દિવાળીએ માધવ સામે જોયું. એના મોં પર કોઈ ભાવ દેખાયા નહીં. તે બબડીઃ ‘શું જોઈને વ્હાલામૂઈઓએ આનું નામ માધવ રાખ્યું હશે!’

‘ચાલ, જરા ગરમ ગરમ ઉકાળો કરી દે. હું જઉં’ માધવ બબડ્યો.

દિવાળી તેની પાસે આવીને ઊબી રહેવા જતી હતી. વરસાદમાં પલળીને તે ધ્રૂજી ઊઠી હતી ત્યાં જ માધવે ઉકાળાની વાત કરી એટલે છણકાછાકોટા કરતી પાછી અંદરની ઓરડીમાં વળી ગઈ. પાટિયું ફંફોસી જોયું. કાંડી સળગાવી જોઈ પણ પેટી હવાયેલી હતી. બીજી પેટી દેખાઈ નહિ એટલે ત્યાં બેઠા બેઠા જ બરાડો પાડ્યો, ‘લાવો ચાલો… પેટી બાળો… આ છે તે તો હવાયેલી છે. બધું જ હવાઈ ગયું છે અહીં તો!’ સ્ટવ પકડીને તેણે પંપ મારવા માંડ્યો.

માધવે ખુલ્લા બારણામાંથી સહેજ કંટાળો મોં પર આણીને દિવાળી સામે જોયું. શરૂઆતમાં તો જરા જરામાં રાઈની જેમ તે તતડી ઊઠતો હતો. વરુમાં આવે તો ધીબી પણ નાખતો પરંતુ પછી ધીમે ધીમે તે ટેવાતો ગયો હતો. તેના એકેએક છાશિયા વેઠી લેતો હતો, નરી ટાઢાશથી.

તેણે દીવાસળીની પેટી કાઢવા મજૂસ ઉપર મૂકેલો કોથળો નીચે મૂક્યો. મજૂસ ખોલવાને બદલે તેની સામે તાકી રહ્યો. તરત જ પેલો થાક, કંટાળો દૂર તઈ ગયો. એના આખા શરીરમાં લોહી વહેવા માંડ્યું. આંખો ખીલી ઊઠી, મજૂસ પર હાથ ફરવા માંડ્યો. આઠલા લાડથી, આટલા પ્રેમથી દિવાળીના શરીર ઉફર પણ કેટલાય વખતથી હાથ ફેરવ્યો ન હતો. લગન પછીની પહેલી રાતે દિવાળીના મોતી ભરેલા કમખાની કસ છોડીને તેના ઉઘાડા શરીર પર હાથ ફેરવ્યો અને ફાનસના આછા સોનેરી તથા ધુમાડિયા અજવાળામાં બળતા કેરોસીનની ગંધ વચ્ચે તેનો કાળો ભૂખરો વાંસો જોયો ત્યારે શરીરમાં પાંખો ફફડી ઊઠી હતી. અત્યારે મજૂસ પર હાથ ફર્યો ત્યારે પાંખોનો ફફડાટ યાદ આવ્યો. વરસાદ, દિવાળી, ચાની લારી મનમાંથી ભૂંસાઈ યાં. સાડાચાર ફૂટ લાંબી અને ત્રણેક ફૂટ ઊંચી અસ્સલ સીસમના લાકડામાંથી કોતરેલી આ મજૂસ ગામડેથી અહીં લાવવા માટે કેરલો બધો ઝઘડો વહોરી લેવો પડ્યો હતો.

‘પછી જોયા કરજો મારી શોક્યને નિરાંતે, પહેલાં પેટું ઉશેટો જરી.’

તરત માધવના હોઠ કાંપવા લાગ્યા. નસકોરાં ફૂલ્યાં. તેણે દિવાળી સામે જોયું. સ્ટવમાંથી કેરોસીન કાઢીને તે બેઠેલી. ઘૂંટણ સુધી સાડલો ઉપર ચઢાવી દીધો હતો. ઘૂંટણ સુધી ઉઘાડા થયેલા પગ જોયા ન જોયા અને મજૂસ ખોલી. બાકસમાંથી એખ પેટી કાઢીને ફેંકી. કાંડી સળગાવીને દિવાળીએ સ્ટવમાં ચાંપી. ઢાંકણી આખી ભરાઈ ગયેલી એટલે તરત જ મોટો ભડકો થયો. ‘આ તારાં જટિયાં સંભાળ, નહીં તો સળગી જઈશ.’ ગુસ્સે થઈને તે બોલ્યો, દિવાળી જરા પાછી ખસી ગઈ.

ફરી માધવની નજર ખુલ્લી મજૂસ ઉપર પડી. એના પિત્રાઈ કાકાએ કહેલું — ‘તારે તો રહેવાનાં ફાંફાં છે ત્યાં આવડો મોટો પટારો તું ક્યાં માથે મૂકવાનો છે?’ શહેરમાં રહેવાની જગા નક્કી કરી આવ્યા પછી તે દિવાળીને તેડવા ગામ ગયો ત્યારે આ મજૂસ ન લઈ જવા તેના કાકાએ ખૂબ સમજાવેલો, એકવાર તો તેનેય થયું કે મજૂસને વતનમાં જ રહેવા દઉં. પણ પછી થયેલું. ના — એ તો સાથે જ હોવી જોઈએ — ‘ના કાકા, એને તો સાથે જ લઈ જઈશ.’

‘હા-હા. લઈ લો, લઈ લો તમતમારે. એ વંતરીને ગળે લટકાવજો. એમાં જ પોચી જજો ને!’ દિવાળી વચ્ચે બોલી પડી હતી.

‘ચૂપ મરીશ તું! તને સાથે નથી લઈ જતો?’

‘એ તો લઈ જ જવી પડે ને! જખ મારવા પરણેલા… રાંડ કભારજા, મારી શોક્ય!’

માધવને ત્યારે ગુસ્સો તો એવો આવેલો કે હાથે જે કંઈ ચઢે તેનાથી એને ફટકારી હોત પણ સામે કાકા હતા એટલે ગમ ખાઈ જવી પડી. નાનપણથી જે મજૂસને રાતેય કોડિયાના, ફાનસના, લાઇટના અજવાળામાં જોતો આવ્યો હતો એ મજૂસ વિશે તેની માએ કહેલી વાતો હંમેશા તેના મનમાં ઘૂમરાયા કરતી હતી.

‘આ મેં તો જોયું નથી પણ તારો મામો કહેતો હતો. આબુના ડુંગરા પર છે તેના જેવી જ કોતરણી આ આપણી મજૂસ પણ છે. ભાઈલા — એ સાચવજે. તારી દાદી એના પિયરથી લાવેલી. એનેય ઘેર ચારેક પેઢીથી હતી.’

ત્યારથી માધવે મનમાં એ વાતને આમળો ચઢાવી ચઢાવીને રાખેલી. બે-ત્રણ વખત ગામ બદલ્યાં. મુલક બદલ્યો તોય એવી ને એવી ટકેલી. આ શહેરમાં પણ નહીં નહીં તોય ત્રણેક વાર જગ્યા બદલી હતી. છેવટે આ અઢી ઓરડીના મકાનમાં આવ્યા ત્યારે માધવને થયેલું. હાશ, હવે આ મજૂસ એક જગ્યાએ પડી રહેશે.

મજૂસમાંથી બધી વસ્તુઓ કાઢીને તે બેઠો — આસપાસ બધો પથારો કર્યો. દીવાસળીના બાકસથી માંડીને ચાનાં મોટાં પડીકાં, રેશમી ભરતવાળાં કાપડ, બનારસી સાડીના અને અમ્મરના થોડા ટુકડા હતા. તેણે મનમાં ને મનમાં ઘોડા રમાડવા માંડ્યા. આવી બનારસી કે આવું અમ્મર પહેરીને દિવાળી સામે બેઠી હોય તો!

દિવાળી ઉકાળો લઈને આવી અને બબડી — ‘આ દર વખતે શું ઉધામા મચાવો છો? કેટલી વખત બધું બહાર કાઢશો અને અંદર ઠાલવશો? અંદર છેય શું?’

‘તને કેવી રીતે સમજાવું?’ માધવે તેની સામે જોયું, ‘લે આ અડધો તું પી.’

‘ના – અંદર એક રકાબીમાં કાઢેલો છે.’

‘તો લઈ આવ ને – સાથે પીએ.’

સાથે પીવાની વાત સાંભળીને દિવાળીનો અડધો ગુસ્સો ઓગળી ગયો. બનાવટી ગુસ્સો કરીને ઊભી થઈ અને ઉકાળો રકાબીમાંથી પાછો કપમાં કાઢીને બહાર આવી. માધવે તેને પડખામાં લીધી. ઘડીકમાં તે સામે, ઘડીકમાં તે મજૂસની સામે જોતાં બોલ્યોઃ

‘ઘણી વાર મને થાય છે — આ આવડા મોટા શહેરમાં આપણું કોણ? આ બધું વેચીસાટીને પાછા જતા રહીએ તો! થોડું લૂખુંસૂખું ખાઈ લઈશું. ફાટેલુંતૂટેલું પહેરીશું. કોણ જાણે કેમ, ગામ વિના ગોઠતું જ નથી. આ ચા ઉકાળી ઉકાળીને તો હુંય તૂટેલાં કપરકાબી જેવો થઈ ગયો છું.’

દિવાળીએ માધવ સામે જોયું — એની આંખોમાં ડોકિયું કર્યું. આવી રીતે દિવસના અજવાળામાં તો તાકીતાકીને જોવાનો સમય જ ક્યારે મળતો હતો? ‘આ અત્યારે આટલો બધો કઢાપો બળાપો કરતો હોવા છતાં એવો દેખાતો નહોતો — ચા ઉકાળી ઉકાળીને એ ગરાડી જેવો બની ગયો છે એ વાત સાચી પણ હું આવી ત્યારે એની આંખો ચમક ચમક નહોતી થતી!’ દિવાળીને તરત જ યાદ આવ્યું કે એમનાં ઘડિયાં લગન લેવાયેલાં. વસંતપાંચમ અને હોળી ધુળેટીની વચ્ચેના કોઈ દહાડે હાથે પીઠી ચઢેલી; ત્યારે તેણે કેસૂડાંની વેણી પહેરી હતી. તેનું ભીનેવાન શરીર જોઈને માધવની આંખો એવી જ રીતે ચમકી ઊઠી નહોતી?

એ જ પળે તેને થયું કે માધવ જે રીતે મજૂસ ખોલીને બેઠો હતો એ જ રીતે એને પણ ઉઘાડે તો! તેની આંખો મહુડાનાં ફૂલ જેવી થઈ ગઈ. પણ અત્યારે માધવ પાસે એ મહુડાનો નશો કરવાનો સમય ન હતો. દિવાળી તેના માથા પર હાથ ફેરવતાં ફેરવતાં બોલી.

‘તમને બહુ અભાવા નડે છે નહીં?’

‘એટલે?’

‘તમારા ઓતરા મારાથી પૂરા થતા નથી.’ કહેતીક ને દિવાળી રા નજીક સરકી. માધવની સાથે તે પણ મજૂસમાં ડોકિયું કરવા લાગી.

‘ગાંડી થઈ? જા; જા; એવા બધા ઓરતા તો તું ક્યાં પૂરા નથી કરતી? જે કંઈ બીજા અભાવા હોય ચે તે બધા મારી આ મજૂસ ભુલાવી દે છે. અભાવા કંઈ એકલા શરીરના ઓછા હોય છે? આ મજૂસ ખોલું છું ત્યારે… ત્યારે તને શું એમ લાગે છે કે હું આ મજૂસ ખોલું છું?’ ખેતરમાં બી વાવીને અને જમન વરાપ મારે એટલે બી તો ફૂટી નીકળે છે પણ એકલાં બી ઓછાં ફૂટી નીકળે છે? અંદર જે કંઈ દટાયેલું હોય — જે કંઈ ભંડારાયેલું હોય એ બધ્ધું ફૂટી નીકળતું નથી? આ મજૂસ પછી મજૂસ મટી જાય છે. ક્યારેક મને એમ લાગે છે કે આ કોઈ સાત આઠ ઓરડાનું મોટું મકાન છે. એના એક પછી એક ઓરડા ઊઘડે છે. ક્યારેક એમ લાગે છે કે આ એક સાત માળનો મહેલ છે. પહેલે માળે એક પેઢી — બીજે માળે બીજી પેઢી — એમ સાતમા માળે સાતમી પેઢી…’

‘તો તો તમે મજૂસ વિના જીવી જ ન શકો.’

‘કેટકેટલું તો જતું કર્યું — આવડું મોટું આકાશ જતું કર્યું —સોના જેવી જમીન જતી કરી. સીમની આમલીઓ, કોઠીઓ જતી કરી, હવે છે શું? આ મજૂસ છે તો એમ લાગે છે કે એને કારણે બધું ખોવાયું છતાં કશુ ખોવાયું નથી…’

દિવાળીને તેની વાતો અડધી સમજાઈ અડધી ન સમજાઈ. આમેય માધવ બારમા સુધી તો ભણેલો હતો જ — પાસેના મોટા ગામની કૉલેજમાંય એક વરસ થઈ આવેલો. જ્યારે તે તો સાત જ ચોપડી ભણેલી. વળી માધવ તેન દાદા સાથે નાનપણમાં ખૂબ હરેલોફરેલો. નવ-દસની ઉંમરે તો તે હરદ્વાર, કાશી, રામેશ્વર, ઉજ્જૈન પણ જઈ આવેલો.

‘તમે બેઠા બેઠા આ બધું કાંત્યા કરો. હું રસોઈ કરું.’ કહીને દિવાળી ઊભી થઈ. તેના મનમાં હતું કે હમણાં માધવ સાડલાનો છેડો પકડીને તેને પાછી બેસાડી દેશે. પણ તે ચૂપચાપ બેસી રહ્યો. દિવાળી અંદર જતી રહી એટલે ફરી મજૂસને અને ઘરને જોવા લાગ્યો.

તેને આ ઘર ગમતું હતું. બાકી પહેલી વાર જે ખોલીમાં રહેલો એ જોઈને તો કેટલો બધો જીવ બળી ગયેલો, ગામના ઘરનાં મેડી, ચોક, પરસાળ, વાડો — એ બધું પાણિયારા જેવડી ઓરડીમાં સમાઈ ગયું હતું. આમ પડખું ફરો તો એક ભીંત અને આમ ફરો તો બીજી ભીંત, એક ખોલીમાંથી બીજી ખોલી અને બીજી ખોલીમાંથી ત્રીજી. રઝળપાટ, કણસાટ અને દિવાળીના બડબડાટ વચ્ચે વૈશાખોની ધૂળ ઘરમાં ફરી વળી. અષાઢોનાં પાણી ઘરમાં ઘૂસ્યાં ને છાપરેથી ચૂવ્યાં, માનાં નોરતાં ટાણે ઘડામાં દીવા પ્રગટ્યા. શિયાળે દિવાળીનું લૂખુંસૂકું શરીર પણ કરાંઠીઓના ઓલવાઈ ગયેલા તાપણા પછીની રાખ જેવું હૂંફાળું લાગતું હતું. ગામનાં કૂતરાં શિયાળાની રાતે કરાંઠીના તાપણાની રાખમાં આખી રાત પડી રહેતાં તેમ એ પણ દિવાળીની સોડમાં લપાઈ રહેતો. હોળી જેવા બની ગયેલા એ દિવસો તે ગાળામાં દિવાળી જેવા બની જતા હતા. સુખની એ આછીપાતલી લહેરખીઓને આધારે મુશ્કેલીઓ વેઠી શકાતી હતી. ત્રણ ત્રણ વખત શહેરમાં જગા બદલી ત્યારે માંડ આ અઢી ઓરડીનું મકાન મળ્યું હતું. ગામનું એક ખેતર ફટકારી મારી જે રૂપિયા આવ્યા તેમાંથી આ મકાન ગેરકાયદેસર રીતે, કોઈ પણ જાતની પરવાનગી વિના ઊભું કરી નાખ્યું હતું. એવું મકાન ઊભું કરનારો એ એકલો ઓછો હતો? નહીં નહીં તોયે એ જમીન ઉપર સાઠ સિત્તેર મકાન થઈ ગયાં હતાં. પછી તો બીજાઓની જેમ બે-પાંચ હજાર લાગતાવળગતાને ખવડાવીને નળ અને લાઇટ પણ લઈ લીધાં. એ વીજળીના અજવાળામાં અને નળમાંથી વહી આવતાં પાણીમાં દિવાળીના દોઢ-પોણા બે તોલાની સાંકળી ઓગળી ગઈ. મજૂરી, બદલી, ફેરી — જાતજાતના ધંધા કરી જોયા પછી ચાની લારી ખડી કરી દીધી. ખેતી કરતાં આ ધંધો વધારે બરકતવાળો લાગ્યો. પણ તેના વિસ્તારમાં તો સાંજે છ પછી સોંપો પડી જતો હતો એટલે અંધારું થાય તે પહેલાં લારી બંધ, દિવાળી આગળ રૂપિયાની બે રૂપિયાની મેલી ચીકણી નોટો અને ખણખણતા ધરી દેતો હતો. શરૂશરૂમાં તો પૈસા રમાડવાનો કેટલો આનંદ આવતો હતો. પણ ધીમે ધીમે એમાંથીય સ્વાદ ઊડવા માંડેલો; ખણખણિયા બોદા લાગવા માંડેલા, કંટાળો આવતો — મન કટાણું થઈ જતું અને ત્યારે એ મજૂસ ઉઘાડીને બેસતો. ચારેબાજુ બબ્બે ઈંટો પર મૂકેલી નજૂસની નીચેના ભાગમાં ત્રણે બાજુએ વેલ-પાંદડાની નાજુક ભાત કોતરેલી હતી. વચ્ચે મોર-પોપટ કોતરીને એની ઉપર ઝીણી ઝીણી નકશીવાળી પિત્તળની કોતરણી હતી. પિત્તળની એ કોતરણીથી થોડે ઊંચે નાનાં નાનાં ચોકઠાં કોતર્યાં હતાં. અંદર નાનાંમોટાં સાતેક ખાનાં હતાં. એ મજૂસ ખોલતો ત્યારે એમાં હોય તે અને ન હોય એ બધું બહાર આવતું હતું અને એની આંખો ચમકીલી બની જતી હતી.

તે દિવસે તો પછી વરસાદ પડતો જ રહ્યો એટલે કંટાળીને લારી પર જવાનું માંડી વાળ્યું હતું.

પણ ત્યાર પછી માધવને નવા નવા અનુભવો થવા માંડ્યા. ઘરમાં રહેવાનો જ તેને કંટાળો આવા માંડ્યો પણ જે સમયે લારી પર ઘરાકી જ ન હોય ત્યારે ત્યાં રહીને કરે પણ શું? એટલે ઘેર આવી ચઢતો અને તેનું નગજ ભમવા માંડતું. દીવાલોની તિરાડોમાંથી, બારણામાંથી, આંગણામાંથી, વહી જતા પાણીના રેલામાંથી અવાજો આવવા માંડ્યા. જાડા-પાતળા, તીણા, મીઠા, મોટા-ધીમા અવાજો એક ઠેકામેથી નહીં ચારેબાજુથી આવવા માંડ્યા. રમકડાં, સાબુ, ચા, બુટચંપલ, બિસ્કીટ, ચોકલેટ, શરબત, ટુથપેસ્ટ, કપડાં, ટીવી, વગેરે દુનિયાભરની ચીજવસ્તુઓની ઘોંઘાટિયા જાહેરાતો સંભળાવા માંડી. કાબરોનો કલબલાટ વધારે સારો એમ એને થતું. હવે માધવને ખબર પડી કે વીજળીનાં જોડાણો માટે ત્રણત્રણ ચારચાર હજારની લાંચ પાછળ ટીવી હતું. તેમનાં બાળકોમાં મોટો સાત વરસનો હતો અને નાની બે છોકરીઓ પાંચ અને ત્રણની હતી. એમના કાને આ બધા અવાજો પડતા અને કાન, નાક, જીભ, આંખ સળવળી ઊઠતાં. કાચી ઊંઘમાં હોય તો જાગી જતાં, લેસન કરવા બેઠાં હોય તો લેસન અધૂરું મૂકતાં, અંદર અંદર વાતો કરતાં હોય તો વાતો અધૂરી મૂકતાં, અને પછી તો પડોશીઓને ઘેર દોટ મૂકવા માંડતાં; એમને ઘેર પાછાં બોલાવવા માટે કકળાટ કરવો પડતો.

હવે બાળકોને દાતણ દીઠ્ઠાં ગમતાં ન હતાં. એટલે પેસ્ટ આવી. પહેલાં દૂધમાં થોડી ચા નાખીને ચાલી જતું હતું. પણ હવે તેમને દૂધમાં ચાને બદલે કોકો જોઈતો હતો, ચોકલેટ જોઈતી હતી. એની પાછળ પાછળ ક્યારેક આઇસક્રીમના કપની સવારી આવવા માંડી. બાળકોની પાછળ પાછળ દિવાળી ઘસડવા માંડી, માધવનો ઢસરડો વધી ગયો. હવે લારી કલાક બે કલાક વધુ ખુલ્લી રાખવી પડતી હતી. મજૂસ પર ધૂળ ચઢવા માંડી. આટલું કરવા છતાં બધું સમુંસૂતરું નથી એમ માધવને લાગ્યું. કારણ કે હમણાં હમણાંથી છોકરાંઓનાં અને દિવાળીનાં મોઢાં તોબરા જેવાં થતાં હતાં. દિવાળી કેટલીક વાતોનો તો સરખો જવાબ સુધ્ધાં આપી ન હતી.

માધવ સાંજે લારી બંધ કરીને આવે ત્યારે કેટલીક વાર તો ઘરમાં કોઈ મળે જ નહીં. દિવાળી છોકરાંઓને લઈને પડોશીને ઘેર જ જતી રહી હોય, છેક રાતે સાડાનવે આવે ત્યાં સુધી માધવ એકલો એકલો ઘરમાં બેસી રહેતો, ચેન ન પડે ત્યારે બીડીઓનાં ઠૂંઠાં ફૂંક્યા કરતો, ક્યારેક ઘરની બહાર આંટાફેટા કરી આવતો. આખો દિવસ ઉકાળેલી ચાની ગંધ લઈ લઈને તેનું માથું ફરી જતું હતું એટલે ઘેર આવીને તે ફરી કદી ચાનું નામ લેતો ન હતો. ઝાંખીપાંખી, વિલાયેલી દિવાળીના પાલવને, પાણીનું પવાલું ધરીને ઊભી રહેલી દિવાળીના ફગફગતા વાળને, એના શરીરમાંથી આવતી હળદર-હીંગની ગંધને માણવા અધીરો થયો હોય તે વખતે આખા ઘરમાં છવાયેલો સુનકાર તેને કચડી નાખતો હતો. એનું ઘર સાંજ પડ્યે સૂના થઈ ગયેલા ખેતર જેવું લાગતું હતું. બબ્બે કલાક એ સૂનમૂન થઈને બેસી રહેતો અને મજૂસ સામે જોયા કરતો. તેની આંખોમાં ઝાંય ફરી વળતી. તેને એવે વખતે એક નહીં બબ્બે મજૂસો દેખાતી હતી.

એક દિવસ તેની સોટમાં લપાઈને દિવાળીએ વાત ઉપાડીઃ ‘આ દરરોજ બીજાને ઘેર જવાનું ગમતું નથી. તેમાંય પાછા તમે અહીં સાવ એકલા!’

‘તને બહુ દહાડે કંઈ મારો ખ્યાલ આવ્યો?’ માધવે તને જોરથી દબાવતાં કહ્યું.

‘હું કરું શું? આ છોકરાં છાલ જ મૂકતાં નથી, તેમાંય પેલો મોટો અલાધિયો – તોબા એનાથી. બસ આખો દિવસ ટીવી-ટીવી… હેં… આપણે જ ટીવી લઈ આવીએ તો?’

દિવાળીના ચહેરા પર ફરતો માધવનો હાથ અટકી ગયો — ‘શું? ટીવી લઈ આવીએ? ક્યાંથી લાવું? લારી વેચી દઉં? બીજું ખેતર વેચું?’ તે ચિઢાઈ ગયો. પણ મનમાં અચાનક સળવળાટ થયો. પછી તો આ ઘરમાં અજવાળું અજવાળું થઈ જાય. બધાં સાથે બેસી શકે. ખાતાં ખાતાં ટીવી જોઈ શકાય. છોકરાં મોટાં થાય પછી લેસન પણ ટીવી જોતાં જોતાં કરી શકે અને… અને બધા કહે છે કે મોડી રાતે તો કદીમદી ટીવી પર ખુલ્લું ખુલ્લું દેખાડે છે તો એ જોતાં જોતાં દિવાળીને બાથમાં લેવાનીય મજા આવે. માધવને થયું – ચીવી તો જોઈએ, નાનું તો નાનું – રંગીન ન હોય તોય ચાલે.

તેને વિચારમાં પડેલો જોઈને દિવાળીની આંખો નાસવા લાગી. એમાં રંગબેરંગી સપનાં લહેરાવા માંડ્યાં.

‘શું થયું?’ માધવની આંખોની ભમર પર આંગળી ફેરવતાં તેણે પૂછ્યું. તેના કાનની બૂટ દાંત તળે દબાવી દીધી. માધવના મોઢામાંથી સિસકારો નીકળી ગયો.

‘હા – મનેય થાય છે કે આપણે લઈ આવીએ… પણ લાવીએ કેવી રીતે? જૂનું જોઈતું હોય તોય બે હજાર જોઈએ.’

‘બસ – બે જ હજાર?’ દિવાળીને ખૂબ નવાઈ લાગી.

‘સાદું લઈએ ને! રંગીન તો મોંઘું પડે.’

દિવાળી જરા દૂર સરી ગઈ. ‘બળ્યું એ સાદું. દેવતા મૂકોને એમાં. નથી જોઈતું એવું અમારે. બધાને ત્યાં રંગબેરંગી અને આપણે ત્યાં જ સાદું?’

માધવે રિસાયેલી દિવાળીને પાછી સોડમાં ખેંચી — ‘જરા સાંભળ તો ખરી – પૈસા ન હોય તો જરા ચલાવી લેવું પડે.’

‘એ નહિ બને.’ દિવાળી જીદે ચઢી. જરા ચૂપ રહી. પછી અવાજમાં લાડ આણતીકને કહેવા લાગી, ‘મારી એક વાત માનો તો રંગીન ટીવી આવી જાય. એકેય પૈસો ખરચાવતો નહીં.’

‘હેં પૈસા વિના? મફતિયા?’

‘હું જ્યાં કામ કરું છું એ બંગલાવાળને એમનું ટીવી કાઢી નાખવું છે. બે જ વરસ થયાં છે.’

‘એટલે? તારે એમને ત્યાં પછી જિંદગીભર ઢસરડો ક્યાં કરવાનો, કેમ?’

‘ના હવે. તમે સાંભળો તો ખરા! હું એક વખત બેનને અહીં લઈ આવેલી.’

‘અહીં આપણે ત્યાં? બેનને!’ માધવને ખૂબ નવાઈ લાગી.

‘મેં એમને આપણી મજૂસ બતાવી. એ તો જોઈને ખૂબ ખુશ થઈ ગયાં.’

‘એટલે?’ માધવના પેટમાં ફાળ પડી.

‘મજૂસ એમને ત્યાં અને ટીવી આપણે ત્યાં.’

માધવના હૈયામાં મોટો ચિરાડો પડી ગયો. તેની આંખો સામે જ જામે મજૂસમાં આગ લાગી ગઈ ને ચોરાઈ ગઈ. બધાએ તેની હરાજી બોલાવી દીધી.

‘તમે તો બુડથલ છો બુડથલ. એવું ટીવી દસબાર હજારનું આવે, આ તો બેનને જૂનું સંઘરવાનો શોખ છે એટલે માની ગયાં. બાકી આ તમારા પટારાના દસહજાર કોણ મારો બાપ આપવાનો છે? બેનની આગળ મારી શોક્યનાં કેટલાં બધાં વખાણ કર્યાં ત્યારે એ પલળ્યાં છે.’

માધવ ઊભો થઈ ગયો. મજૂસ પાસે ગયો. એને ધારી ધારીને જોવા લાગ્યો, એના પર હાથ ફેરવવા લાગ્યો, એની કોતરણીને આંગળીઓ વડે માપવા લાગ્યો. આવો ખરાબ વિચાર દિવાળીને આવ્યો જ કેવી રીતે?

‘ખબરદાર-જો આજ પછી આ વાત કરી છે તો. ઊભી ને ઊભી ચીરીને મીઠું ભરી લઈશ. રાંડ, સમજે છે શું? તારો બાપ કમાવા ગયેલો!’ અને માધવના મોઢામાંથી ગાળોનો વરસાદ વરસવા માંડ્યો. દિવાળીએ ડૂસકાં લીધાં અને એના દિવેલિયા મોઢા પર મણિયા ખંભાતી તીળું લગાવીને બેસી ગઈ. ચાર દિવસ અને ચાર રાત મેં રુસણાં ચાલ્યાં.

માધવની આંખો દિવાળીની એ વાતને યાદ કરી સળગી જતી હતી. કોઈએ તેના શરીરનો એક હિસ્સો જ જાણે આંચકી લીધો હતો. પણ એ વાત થયા પછી તે ઘેર વહેલો આવી જતો હતો અને મજૂસની સામે બેસી રહેતો. ક્યારેક એ મજૂસમાં એના વડવાઓ ઝાંખાપાંખા દેખાતા તો ક્યારેક મજૂસ ટીવીના ડબલામાં ફેરવાઈ જતી, અને એમાંથી સાબુ, ચા, બુટચંપલ, બિસ્કિટનાં પડીકાંઓથી માંડીે ફટફટિયાં સુધ્ધાં નીકળતાં હતાં. આવા જ કોઈ ફટફટિયા પર દિવાળીને માધવ બેસાડી દેતો, અને પાણીના રેલાની જેમ સરરર સરતાં સરતાં તે દિવાળીની ધડક ધડક થતી છાતી અનુભવતો, તેને થયું કે તે મજૂસની સામે બેઠો નથી પણ ટીવીમાં ફેરવાઈ ગયેલી મજૂસ સામે ઊભો છે. નાનપણમાં સાંભળેલી વારતામાં આવે છે તેમ માગમાગ માગે તે આપું. અને તરત મજૂસનું બારણું ખૂલી જાય છે. એમાંથી ખાવાપીવાની. ઓઢવા-પાથરવાની, પહેરવાની, નહાવા-ધોવાની અને ક્યારેક તો કશાય કામની નહીં એવી વસ્તુઓ એક પછી એક બહાર આવવા માંડે છે. એક નાનકડી મજૂસમાં તો કેટલું બધું ભર્યું છે. ચારેબાજુ ખડકલો થાય છે; એ ખડકલો એને વીંટળાઈ વલે છે, રેલાય છે, વેરાય છે. આંખો વડે એ ઢગલો ઝિલાય છે. જીભના ટેરવે એ બધું રવરવ થવા માંડે છે. અને જ્યાં ચાંપ દાબો એટલે બધું ગાયબ, ફરી બીજો દિવસ અને ફરી માગ માગ, માગે તે આપું.

માધવનું માથું ચકરાવા લાગ્યું કે અઢી ઓરડીનું ઘર એક મોટી દુકાનમાં ફેરવાઈ ગયું છે. ચારેબાજુ નરદમ અજવાળું જ અજવાળું છે. સોના, બસોના, પાંચસોના ગોળા ઝગમગ ઝગમગ થઈ રહ્યા છે, શહેરમાં મોટા બજારમાં આવી દુકાનો હતી. એ દુકાનમાં જાઓ પછી બીજે જવાનું જ નહીં, જે જોઈએ તે બધું ત્યાંથી જ લઈ લેવાનું. તે ભૂલી ગયો. આવી દુકાનને લોકો જુદા જ નામથી ળખે છેય ખરા. પાછા એવી દુકાનમાં વેચનારા કેટલા બધા — રૂપાળી, છેલબટાઉ, આંખોમાં અજવાળાં રમાડતી નખરેબાજોય ખરી…

એ દિવસોમાં માધવની ઊંઘ હરામ થઈ હતી. વાત પણ સાચી હતી. આ પટારાનું શું કરીશ? ક્યાં સુધી એમાંથી ભૂતો કાઢતો બેસીશ? બસ, એની સામે બેસીને ધૂણ્યા જ કરવાનું? એ પટારાએ આપી આપીને આપ્યું શું? એના બદલામાં આ શું ખોટું? એને જાદુઈ ઝાડ કહેવાય ને? નાનપણમાં કથાઓ સાંભળેલી તેમાં આવા ઝાડની વાત પણ આવતી હતી — દેવતાઓને ત્યાં જાદુઈ ઝાડ છે — એની પાસે જે માગો તે મળે.

બીજે જ દિવસે માધવે સવારના પહોરમાં દિવાળીને વાત કરી — સાંભળતાંવેંત તે તો તાનમાં આવી ગઈ. માધવનું મન ફરી જાય એ પહેલાં જ બંગલે મજૂસ પહોંચાડી દીધી અને એમને ઘેર ટીવી લઈ આવી. બંગલેથી જ કોઈ માણસ આવીને બધું ગોઠવી ગયો. દિવાળી તો પેંડા લઈ આવી તે સાંજે; અને તે રાતે ઘરનાં બધાં જે ખીલ્યાં જે ખીલ્યાં છે… રસોઈપાણી કર્યા વિના બેસી રહ્યાં. ખાવાનું પણ બહારથી જ મંગાવી લીધું અને રાતે દિવાળીના શરીરે માધવને જે અનુભવ કરાવ્યો તે બેનમૂન હતો, કડક અને મીઠો અનુભવ. તે સાવ ધીમેથી બબડતો હતો, ‘માગ, માગ, માગે તે આપું.’ (‘અંચઈ’માંથી)