ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સરોજ પાઠક/ન કૌંસમાં, ન કૌંસ બહાર
સરોજ પાઠક
◼
ન કૌંસમાં, ન કૌંસ બહાર • સરોજ પાઠક • ઑડિયો પઠન: અનિતા પાદરિયા
◼
‘…આવવાનો છે…!’
બધાં ખડખડાટ હસતાં હતાં. હસતાં હસતાં ઘણી વાતો થતી હતી. ઘણાં વર્ષોથી ઘણી ઘણી વાતો હસતાં હસતાં થતી રહી હતી. એમ હસતાં, ઘરમાં ગીતિ આવી, સુગીતિ આવી, નીતિ આવી ને છેલ્લે સુનીતિ પણ આવી. ખડખડાટ, ધીમું, મૂક હાસ્ય વાતાવરણમાં, સગાંસ્નેહીઓમાં, મિત્રોમાં, દિવ્યના મુખ પર અને શુચિના મુખ પર – મન પર ફેલાયેલું હતું.
આમ ઘણી વાર દિવ્ય આવીને કહેતો :
‘આફ્રિકાથી નગીનચંદ આવવાનો છે, તું ન ઓળખે. પણ…’ ‘પારુલ આવવાની છે – મારા મિત્રની પ્રેયસી છે.’ ‘સુંદર આવવાનો છે.’ ‘જિતુ આવવાનો…’ ‘સંતોકબહેન આવવાનાં, જસુમતીબહેન, કોઈ મિત્ર, કોઈ પાડોશી, કોઈ બાલમિત્ર, કોઈ ગામનું, કોઈ ઓળખીતું, કોઈ ઓળખીતાનું ઓળખીતું કોઈ આવવાનું છે…’
‘આવવાનું છે’નો પડઘો, ઘરમાં અનેક વાર ઝિલાયો છે. શુચિએ તે ઝીલ્યો છે. માત્ર જમવા? રહેવા? કેટલા દિવસ? કેટલા કલાક? કયારે? શા માટે? આ બધા પ્રશ્નો કદી કોઈ ચિંતા દર્શાવતા નહીં, પણ એ આનંદભર્યા સુખી કુટુંબની બધા દિવસોની આનંદની મહેફિલોનો એકાદ કાર્યક્રમ જ બની જતા. શુચિનું હાસ્ય કદી વિલાતું નહીં. એનું મરકતું મુખ કદી ઝાંખું પડતું નહીં, તેના અંગની સ્ફૂર્તિ કદી મોળી બનતી નહીં; તેનાં હેતપ્રીત, તેની હળવાશ, તેના સ્વાગતની અદા કદી અણછાજતાં-અપરિચિત બની જતાં નહીં. કંઈક એવુંય લાગતું – સમાચાર કાને પડતાં જ…
‘આવવાનું છે!’
‘કોણ?’
…અને નામ, માણસ, ઓળખાણ, પરિચય બધું સ્પષ્ટ થતું, ને શુચિ હાશ કરીને કામે વળગી જતી, ‘બરાબર એમ જ છે ને? ઓહ! હું તો સમજી… અરે, કંઈ નહીં, કંઈ નહીં. તો… એ લોકો આવવાનાં છે, એમ ને? શો વાંધો છે? આપણા ઘરને, કુળને યોગ્ય, ખાનદાનને યોગ્ય, સંસ્કારને યોગ્ય ભાવભીનું સ્વાગત કરવું જ જોઈએ. ભલે ને એ ગમે તે હોય!’
શુચિ એક એક મહેમાનને, આગંતુકને ખાસ વિશિષ્ટ રીતે આવકારતી, જમાડતી અને નવી નવી રીતે સ્વાગત કરીને થાકી જતી. પછી હાશ કરતી ને કંટાળોય દર્શાવતી : ‘હું શું કરું? ટેવ જ એવી પડી ગઈ છે તે! આપણે એવું કંઈ નહીં, ઘર ખુલ્લાં છે. જે આવે તે…!’
‘ગીતિ બેટા, આજે બૅડમિન્ટન રમવા વધુ ના રોકાઈશ, હોં ને! ને સુગીતિ, જો પેલી મોટી મારકેટનો આંટો લેવો જ પડશે! તમે સાંભળો છો? ટેલિફોન કરી દેજો. હા. ભારે ભુલકણા છો પાછા! ગજરા… એ ગજરીઈઈ. ક્યાં ગઈ? આજે સાંજે મોડું થવાનું જ વળી! અહીં જમી લેજે, બીજું શું? મહેમાનનું તો અમારે ત્યાં છાશવારે… ભઈ, અહીં તો એ જ એક હળવું, ઘર બેઠે નિરાંતે માણી શકીએ એવું એ મનોરંજન છે. શું છે નીતિ? બૂમો કેમ પાડે છે? બે ચોટલા બહેન ગૂંથી આપશે, હોં? અને નવાં નવાં કપડાં પહેરવાનાં.
મેલાં નહીં કરતી હોં! મારી સોનપરી જેવી, મારી બાવલી જેવી દીકરી…હં…, અજયકાકા જોશે તો શું કહેશે? કેડબરી જોઈએ ને? સુનીતિ, માથામાં તેલ નહીં નાખવાની તારી ફૅશન મને જરાય પસંદ નથી. પારુલબહેન શું કે’તાંતાં? આંખો ખરાબ થઈ જાય : શું કહ્યું? આજે તેલ નાખજે!’ સાવ લુખ્ખાં જટુરિયાં લઈ ના ફર્યા કરતી, બહારના લોકો પાસે. સાંભળો છો તમે? સિગારેટનાં પૅકેટ પહેલેથી લેતા આવજો. હા, મને એ બિલકુલ પસંદ નથી. મહેમાન હોય કે ગમે તે હોય; છોકરીઓ પાસે એવાં કામ હું નહીં કરાવવા દઉં! આ એક વાર ને સો વાર સમજી જજો. હસી નથી કાઢવાનું. યાદ નહીં રાખો તો… ખિસ્સા ફંફોળીને જોઈશ. ગીતિ યાદ કરાવજે. હા બેટા, તુંય મારી દીકરી યાદ કરાવજે, આપણે પપ્પાને સીધાદોર કરી દઈશું, હોં!’
એમ હાસ્યનો-આનંદનો ઊભરો કદી વધતો, કદી સમતોલ રહેતો. ઘરમાં કલશોર મચેલો જ હોય. આવડું મોટું કુટુંબ… રસોડું હંમેશ ધમધમી જ રહ્યું હોય. બેઠકખંડ મહેમાન ન આવવાના હોય તોય સોગઠાંબાજી, કેરમ, પત્તાં, ગપાટા, ચર્ચાઓ કે ગીતસંગીત અને ઘરની કે બહારની વ્યક્તિઓથી સભર બનીને થોડી વારે હાસ્યનો એક જોરદાર ફુવારો ઉડાડીને વાતાવરણને ડુબાડી દેતો – ભીંજવી દેતો. એ મોટા પ્રવાહમાં અનેક વિષયોની થતી વાતો અંદર સમાવી લેવામાં આવતી, આનંદપૂર્વક વધાવી લેવામાં આવતી, કંઈ પણ ન બન્યું હોય, એમ સહજ બનાવી દેવામાં આવતી.
‘હેં શું? પરણી ગયો? ચા…લો પત્યું. બિચારો બહુ હેરાન થતો હતો.’ ‘દિલ્હી બદલી થઈ ગઈ? અહીંનું ઘર કાઢી નાખ્યું? બઢતી મળી? એમ?’ ચંદુ ત્રીજી વાર એન્જિનિયરિંગમાં ફેલ થયો? એના બાપે માન્યું નહીં તે શું થાય! એ લાઇન બિચારાના વશની નહીં તે. હા, વડોદરા છે હમણાં.’ ‘લવમૅરેજ બાપા, લવમૅરેજ! બહુ સુંદર છે, તે તો એક અકસ્માત છે, બાકી રાજાને ગમી તે રાણી.’ ‘શું પેઇંગ-ગેસ્ટ તરીકે ગોઠવાયો! એની સ્ત્રી તો કહે છે કે બહુ માંદી રહે છે! ના રે, આ તો ઠીક છે. કુટુંબને પૈસાની જરૂર તો ખરીસ્તો!’
‘મૅચ જોવા ગયો! બાપને પૈસે લે’ર છે. ઇન્ટરેસ્ટિંગ તો ખરીસ્તો, પણ ખિસ્સામાં…!’ ‘મને મનુમામાએ વાત કરી હતી, આપણા તો એ મુરબ્બી. મેં વધુ પૂછ્યું નહીં, આપણે શું!’ ‘ઓહ, હાઉ લવલી! ગ્રેગરી પેકનું એક પણ પિક્ચર હું જોયા વગર ન જ છોડું.
ડિટેક્ટિવ પિક્ચર? ઓહ! આઇ ઍમ ક્રેઝી!’ ‘અમારાં બેનનાં લગ્ન છે. અમારો ક્લાસ બબ્બે રૂપિયા ઉઘરાવીને ભેટ આપવાનો છે.’ ‘આ વખતે કાશ્મીર લઈ જવાનાં છે. પપ્પા, હું જઈશ હોં! હવે હું મોટી થઈ ગઈ છું. માથું પણ જાતે હોળું છું ને? હા, ભલે ને બૉબ્ડ કરી નાખજો, પણ કાશ્મીર તો હું જવાની, જવાની ને જવાની જ.’ ‘મમ્મી, ”ફેમિના’માં પુલોવરની નવી ડિઝાઇન જોઈ? ભઈ, મને તો વાંચીને સમજ જ ન પડે.’
‘આવવાનો છે. એઈ, સાંભળે છે કે?’
એક દિવસે દિવ્યે આવા જ શોરબકોર વચ્ચે કહ્યું. શુચિ તે વખતે. ‘પેલી’ ડિઝાઇનમાં કયા કયા રંગો ભેળસેળ કરી દીધા અને કેવું જુદી જ જાતનું સ્વેટર બનાવી દીધું, અકસ્માત્ એવું બની ગયું તે હસી હસીને બહુ મોટી મજાક થઈ ગઈ હોય, એમ સમજાવતી હતી. જાણે કોઈને આબાદ બનાવ્યો હોય, ને એમ બનાવ્યો હોવાથી બધાંને ખૂબ મઝા પડી ગઈ હોય એમ બેઠકખંડમાંય તે વખતે દિવ્યની ‘…આવવાનો છે’ વાતને ડુબાડી દે તેટલા જોરથી હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
‘…અરે પાગલ, સાંભળ, પછી કહેશે, વેળાસર મને કહ્યું નહીં!’
શુચિની આંખમાં બેવડ વળીને હસી હસીને પાણી આવી ગયાં હતાં, એ લૂછતાં તે બોલી :
‘હા રે હા, રાજમાન રાજેશ્રી… સાંભળ્યું ભૈ’શાબ! કોઈ ”પ્રેત’ આવવાનો છે તમારો, બસ ને?’
શુચિ મહેમાનોને રમૂજમાં ‘પ્રેત’ કહેતી અને તેને જમાડવાની વાતના ઠઠારાને ‘પ્રેતભોજન’ એટલે આવા મહેમાનો માટે બનતું ખાસ ભોજન કહેતી. ફરી વાતના પ્રવાહમાં ઝૂકી જવા તૈયાર થયેલી શુચિને હાથ વડે ખેંચતો હોય તેમ પોતાના તરફ વાળીને દિવ્યે કહ્યું :
‘પણ આ ”પ્રેત’ ભોજન નથી કરવાનો હં કે! માત્ર ટ્રેનમાં અહીંથી પસાર થશે. એટલે આપ બાનુને મારે સ્ટેશને લઈ જવાનાં છે, સમજ્યાં દેવી? ભઈ, ઓળખીતો તારો છે. જો, હું કહું છું આપણે એને આગ્રહ કરી અહીં ઉતારી ઘેર તેડી લાવીએ. એ રહ્યો મોટો માણસ, મરવાનીય એને ફુરસદ નહીં, પણ તું કહે ને એ ન આવે…’
ખડખડાટ હસતી શુચિને ગમ્મતમાં કોઈએ પીઠ પર ધબ્બો માર્યો હતો. ગમ્મત જ છે – રોજ જેવી, એવું ધારી-વિચારી તે હસતી જ રહી હતી. પણ બીજી ક્ષણે જ્યાં ધબ્બો વાગ્યો હતો, ત્યાં ચણચણાટ કરતી ચામડી વેદના ઓકી રહી હતી! મૂઢ માર પડ્યા પછી ભાન આવતું હોય તેમ વાગેલી જગ્યા હાથ આવતી નહોતી. શુચિ દિવ્ય તરફ ઝૂકી. વાત પર ધ્યાન દેવાની ક્ષણો હતી. કાન ઝપઝપ થઈ, ચોખ્ખા થઈ, ‘હાં બોલો, શું કહ્યું?’ કહેવા તત્પર થયા હતા. હવે તેની સમજશક્તિ ઠેકાણે આવી હતી.
‘…આવવાનો છે… ટ્રેનમાં અહીંથી પસાર થવાનો છે… … આપણે સ્ટેશને મળવા જવાનું… મોટો માણસ… તારા નામે… મરવાનીય ફુરસદ નથી…’
‘કોણ?’
‘કોણ?’
‘કોણ?’
‘…આવવાનો છે…’
હાસ્ય-આનંદની દીવાલોમાં તડ પડી. ઈંટ, ચૂનો, ધૂળનો કચરો સુંદર સજાવેલા બેઠકખંડમાં ખરી ખરીને વેરાવા માંડ્યાં.
શુચિનું મગજ ફૂંફાડી ઊઠ્યું :
‘એંહ! આવવાનો છે, કહી દીધું એટલે પત્યું જાણે! કેટલી વાર કહ્યું છે કે… મને આ બધું પસંદ નથી. અડધી જિંદગી ગઈ કહું છું તમને, આ પ્રેતોને જમાડી જમાડી હું થાકી ગઈ છું.’ (આવવા તો દે એને એક વાર! સમજતો હશે…) શુચિ જાણે સ્વાગત માટે તૈયાર થઈ રહી. (આવ તો ખરો અહીં! જો, જો, જો, હરામખોર! તું એ જોવા આવે છે કે હું કેવી બરબાદ છું? કેવી દુઃખી છું? કેવી સુકાઈ ગઈ છું! એક વાર નહીં, સો વાર જોઈ લે! આ મારી કાયા – ચાર બાળકોના જન્મ પછીય, પથ્થર જેવું તારું મીઢું હૈયુંય તોડી નાખે એવી તાકાત ધરાવે છે હા! હા, હું મારા દિવ્યને ચાહું છું. એના ઘરને, એનાં સગાંસ્નેહીઓને, એનાં બાળકોને. આ બધાં બાળકોને જો! બેવકૂફ, કાન ખોલીને બધાંનાં નામ સાંભળ! રખે ભૂલેય વિચારતો તે તારા નામ પરથી કોઈનું નામ… ચલ હટ્, આ તો ચાર બાળકો છે, પણ હારબંધ બાર બાળકોય મારે હોત ને, તોય તારા નામનો એકેય અક્ષર – અરે, કાનો-માત્ર પણ ન આવે એવાં નામ હું પાડત, સમજ્યો?) ‘ને તમે શું આમ હાંફળાફાંફળા થાઓ છો, દિવ્ય? બેસો અહીં મારી પાસે. નિરાંતે સાંભળો!’ શુચિએ અત્યંત વહાલથી દિવ્ય સામે જોયું. એને ખૂબ વહાલ આવી ગયું હતું. (આવતી કાલે સવારે વાત છે ને!)
તે રાતે ખાસ દિવ્ય પાસે જઈ તેની છાતી પર બે, ચાર, પાંચ થપાટ મારી તેણે કહ્યું, ‘તમે નક્કામા ખેંચાયા કરો છો. તબિયતની સંભાળ રાખતા હો તો! જુઓને આજકાલ… બસ, હવે એક પણ વાત હું સાંભળવાની નથી. લોકો ખાતર આમ…! કેટલી દોડાદોડ કરવી પડે છે ને? હું કહું તેમજ કરવાનું વળી! કંઈ ઘરડાં નથી થઈ ગયાં આપણે. હા વળી! ચાર છોકરાં થયાં તો શું થઈ ગયું?… શું થઈ ગયું?… શું થઈ ગયું?’
કંઈ જ નહોતું થઈ ગયું, એમ દિવ્યે તે રાતે અનુભવ્યું. ઘણું જ સુખ પામ્યા પછી દિવ્યે સવારે કહ્યું, ‘શુચિ, તું કમાલ છે! તું કમાલ છે! તું કમાલ છે! શુચિ… કંઈ જ નથી થયું, શુચિ!’
કસીને છેડો કમર પર ખોસી લડવા તૈયાર થતી હોય તેમ, ‘આવી તો જા – જોઈ લઉં છું’ જેવા ભાવમાં શુચિએ તે રાતની સવાર પાડી દીધી.
(મરવાનીય ફુરસદ નથી કેમ? નાલાયક, તને એમ કે અહીં તારે ખાતર આંખમાં ઉજાગરા આંજી બેઠાં હઈશું.) ‘ગીતિ-સુગીતિ, આ શું? આ શો ઠઠારો? બ્લૂ ફ્રૉક કેમ પહેર્યું છે? ઉતાર! ઉતાર, કહું છું! કંઈ જરૂર નથી; નવાં કપડાં પહેરવાની’ (એ આવવાનો છે એથી મારા ઘરમાં કોઈ ફેર પડવો ન જોઈએ. દેખાવો ન જોઈએ,) ‘ગજરીઈઈઈ, એ ગજરી, મારો હાથ ચપ્પુથી કપાઈ ગયો છે. તારે જ લીંબુ નિચોવવું પડશે. બટાટાવડાંય હા, એ જ બનાવવાં છે.’ (આંબલીનાં પેટનાં ખાટાં છે, કહી છો મોં મચકોડતો. એને એમ કે ભાવતાં ભોજન બનાવીને હું હાથમાં પંખો લઈને એની પ્રતીક્ષા કરતી હોઈશ… પસાર થવાનો છે. મોટો માણસ છે! મજાલ શું છે કે મારું સ્થળ એમ ને એમ એ પસાર કરે? કાન પકડીને આ ઘરમાં લાવું ને બતાવું…)
શુચિ એના આવવાના વિચારે ઘરની વ્યવસ્થા જુદી જ કરી નાખતી, મોટા શ્વાસ ભરતાં દાંત કચકચાવતી હતી. ‘ફૂલદાનીમાં ફૂલોની શું જરૂર છે? તેમાંય મોગરાનું ફૂલ તો નહીં જ. નીતિના માથામાં નાખી દેવાશે… ના કાંઈ જરૂર નથી.’ તે ખુરશીને ઝાપટી નાખતા ચોક્કસ ઠેકાણે બેઠેલી વ્યક્તિને સંભળાવવાનાં વાક્યો ગોઠવવા લાગી. (જી? આવો! આ મારા પતિદેવ, મારા સ્વામી – મારા આ ઘરના, આ બાળકોના, વાતાવરણના, સર્વસ્વના અધિષ્ઠાતા. સમજાય છે, પાજી? ને તું કંઈ નથી, કંઈ નથી, કંઈ જ નથી, મૂરખ! આ ઘરના ઉંબરાનીય બહારનો માણસ છે તું! માત્ર ‘પ્રેત’ – અનેક ‘પ્રેતો’માંનો માત્ર એક પ્રેત. હા જી, છોકરાં છે. કાંઈ હું વાંઝિયણ નથી. તું પૂછનાર કોણ? એક-બે નહીં ચાર છોકરાં અને બીજાં ચાર થશે, બોલ! હું કંઈ ઘરડી નથી થઈ ગઈ. હું ફૅશનમાં માનતી નથી. પ્લાનિંગ-ફલાનિંગમાં પણ નહીં… હા જી, ફરવા ગયાં છે બધાં. આવશે સમય થશે ત્યારે, કંઈ તને સલામી આપવાની નથી કે હારબંધ તૈયાર કરી તારી આગળથી પસાર કરાવું…)
‘એ નીતિ-સુનીતિ, શું છે આ બધું? ગીતિ, તમે બધાં ચૂપચાપ કેમ બેઠાં છો? આજે જ ‘ફિલ્મફેર’ વાંચવાનું મન થયું, મૂગાં મૂગાં? ને તને લેસન આવી પડ્યું! રેડિયો નથી સાંભળવો? વૉલ્યુમ મોટું કરો. મને રસોડામાં સંભળાય તેટલું! કંઈ હોટલ-રેસ્ટોરાં જેવું નથી લાગવાનું. આનંદ કરો, હસો, ગમ્મત કરો! આમ મોઢાં ચડાવીને ફર્યા ન કરો! હા, હું રસોડામાં શું…’ (એને સીધો કરું છું હમણાં, મરચાંની ધુમાડી કરી હોય એવું, આંખમાં પાણી આવે એવું શાક કરું. ગુવારફળી ઢોરોનેય ખવડાવવા કામ લાગે છે, કેમ? હા, તું ઢોર જ છે. હવે તારો વારો કરું.) ‘તમે ક્યાં જાઓ છો? એ સિગારેટ નથી પીતા. પીતો… પીતોય હોય કદાચ… કંઈ મોંઘીદાટ લાવવાની જરૂર નથી. (એ મોટો માણસ હોય તો એના ઘરનો! આપણે શું?) ‘પનામા’ લાવજો, શું કહ્યું? અને હા, હું સ્ટેશન પર કંઈ આવતી નથી, (એનાં રાઈ-લૂણ ઉતારવાનાં હોય તેમ!) બસ, મારો સંદેશો જ કહેજો. (‘રાહ જોઉં છું’ એમ નહીં, ‘આજ્ઞા કરું છું’ એમ જ કહેજો!) આગ્રહ કરજો મારા નામે. ઊતર્યા વગર નહીં રહે.’
(આવવા તો દે એક વાર, એની ખોપરી ન ભાંગી નાખું તો… જી? રોકાવાના છો? અમુક કલાક? ઓ હો હો હો! જાણે કંઈ કલાકોના દાન કરવા નીકળ્યા છો ને! મોટા માણસ છો એની તુમાખી છે? પણ બેવકૂફ, સાંભળ! હું… હું… મને તારું દાન ન જોઈએ, ન જ જોઈએ : આજ જતો હોય તો અબઘડી જા! હમણાં ને હમણાં ઊઠ! ના, પાણી પણ નથી પાવું. કોઈ અભરખો નથી, ચલ, ઊઠ… ઊઠ… ઊઠ…! નીકળ અહીંથી! તને કોઈ ચોખા મૂકવા આવ્યું હતું કે તું અહીં આવ્યો! તું તમાશો જોવા આવ્યો, ખરું? તારે મન એમ કે ‘કેવી બનાવી!’ કેવી બનાવી! ખરું? અમુક કલાકનું દાન તે વખતે તો ન દઈ શક્યો બાયલો! બેવચની!)
(હવે ગાડી સ્ટેશન પર આવી હશે) ‘નીતિ, અહીં આવ બેટા, મારી પાસે બેસ. કવિતા ગા તો’ (કુલીય નથી મળતો – સાવ બેવકૂફ છે બધાં. ઓળખાશે કે નહીં એમને? પેલો મોટોભા થઈ ગયો છે તે). ‘ઓહ! આવો રમેશભાઈ, આ જરા ચાખો તો, સૂરણનું રાઈતું! બાફેલા સૂરણનો છૂંદો કરીને… ને એમાં મારા નામની રાઈ… શું તમેય તે! મારો દિમાગ…’ (ટૅક્સી કરતાં વાર કેટલી! પેલા વેદિયાને રકઝક કરવાની ટેવ પાછી ખરી ને! લીધી લપ મૂકશે ત્યારે ને! હા-ના-માંથી ઊંચો જ નહીં આવે…) ‘ગજરા, એઈ ગજરી, પંખો જરા સ્પીડમાં ચલાવ. આ ગરમ હવાથી ઓરડો તપી ગયો છે. ને જો ઈરાની હોટેલમાંથી ચાર આનાનો બરફ લાવજે.’ ‘નીતિ, ગીતિ, સુનીતિઈઈઈ… ક્યાં છો બધાં?
પાસે આવો! અહીં રસોડામાં બેસો બધાં. મને મદદ કરો, હું કહું તેમ કરો! અહીં રહો, અહીં… અહીં… મારી પાસે, મારી આસપાસ…! તમારા પપ્પા…’
દિવ્ય આવ્યો.
દિવ્ય ઘણી વાર આમ બોલતો. સ્ટેશનેથી પાછા આવીને તેણે અવાજ દીધો. તે આમ જ શુચિને અવાજ દેતો. અવાજ દેવાની ક્ષણ અને સાંભળવાની ક્ષણ ભેળસેળ થઈ ગઈ હતી. દિવ્ય રસોડા, સુધી પહોંચે એ પહેલાં જ તેણે ગીતિને ટપારી, ‘એય પડી જશે.
શું કરે છે?’
‘ઘડિયાળને ચાવી આપું છું. જુઓને… ઘડી… ઘડી… હજી તો કાલે…’ ગીતિએ જવાબ આપ્યો.
દિવ્ય શુચિને કહેતો હતો!
‘પછી પેલાનો કાર્યક્રમ જ કૅન્સલ થયો. એના માણસે ચિઠ્ઠી આપી. બિચારાએ ખાસ માણસ મોકલી ચિઠ્ઠી મોકલાવી અને અફસોસ વ્યક્ત કર્યો છે કે પોતે નથી આવી શકતો. નીતિ, મારા આ ઘડિયાળને જરા ટેબલ પર મૂક તો!’
‘કેટલા વાગ્યા? ટાઇમ મેળવું!’
‘અરે, પૂરી ચાવી તો આપ!’
દિવ્યે વાત ચાલુ રાખી, ‘કેટલો મોટો માણસ! પણ જરાય અભિમાન નહીં! નહીં તો એને શું? છતાં માફી માગી! તનેય યાદ લખી છે…’
(શું?
શું?
શું?
ન આવ્યો? ન આવ્યો? ન આવ્યો? ફરી મને બનાવી?) શુચિનું મન વળ ખાઈ ગયું. ભરપૂર ચાવી દીધેલ ઘડિયાળની કમાન સર્ર્ર્ છન્ન… કરીને ઝટકા સાથે છટકી ગઈ, અને કાંટા ફરતા જ ગયા, ફરતા જ ગયા…
‘પપ્પા, જુઓ તો આ…!’
‘મોતીકાકાને કહી દેજે ગીતિ, એ આવીને ઘડિયાળ લઈ જશે. બહુ જ જૂનું થઈ ગયું છે, પછી કમાન છટકે જ ને? વેચી નાખે તોય વાંધો નહીં…’
ગીતિ ટિપાઈ ઉપર ટિપાય ગોઠવીને ઉપર ચડી હતી. તે નીચે ઊતરવા લાગી. ત્રિકોણાકાર ચાવી તેના હાથમાંથી છટકી પડી, ટિપાઈ પર ઠપ દઈને પછડાઈ ને પછડાઈને ઊછળી અને શુચિના માથામાં ટકરાઈ!
શુચિ માથું દબાવતી, ‘ઓ મા રે…’ કહેતી જમીન પર બેસી ગઈ. ‘બહુ વાગ્યું… બહુ વાગ્યું?’ તેનો રૂંધાયેલો રડમસ અવાજ ધીમે ધીમે મોટો થયો. દિવ્ય જોઈ રહ્યો. નાની અમથી ચાવી વાગી તેમાં આમ ઊભરાઈ ઊભરાઈને આ રડતી તે શું હશે! ચાર છોકરાંની મા છે કે કોણ? વળી ગઈ રાત તેને યાદ આવતાં તેના હોઠ મરકી ગયા, ‘શુચિ, તું કમાલ તો છે જ!’ તેના મને ગણગણી લીધું. ગીતિ વિચારતી હતી, ‘શું માને બહુ વાગ્યું? લોહી તો નથી નીકળ્યું… કેમ આમ?’
શુચિ માથું દબાવતી ઊભી થતાં વિચારી રહી : (છે જ એવો હરામખોર! પણ… સારું થયું… નહીં તો, પછી પ્રેતો જમાડવાનો ને ‘…એ આવવાનો છે’ના સમાચારોથી કાન સરવા કરવાનો એક મોટો કાર્યક્રમ જીવનમાંથી કદાચ સદાને માટે બાદ થઈ જાત. જીવનનો – અંતરનો કેવડો મોટો ભાગ ખાલીખમ થઈ જાત!)