ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુમન શાહ/કાકાજીની બોધકથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કાકાજીની બોધકથા

સુમન શાહ

કર્ણાવતી નગરીના દુર્વાસાવતાર રાજા અવન્તિસેનના રાજ્યમાં બનેલી કાચા પારા જેવી નિત્યસત્ય ઘટનાવાળી કથા, હે પુરજનો, સાંભળો : અવન્તિસેનના રાજ્યમાં સેવન્તિલાલ નામનો વેપારી વાણિયો વસતો હતો. પોતાની પત્ની રમાને સેવન્તિલાલ માતા બનાવી શક્યો નહિ, અને તેથી દમ્પતીએ સુખનો લાલભૂરાં પીંછાંવાળો કાકાકૌવા પાળેલો. રમાગૌરીએ પોતાના એકાન્તને ભેળવી ભેળવીને કાકાજી (કાકાકૌવાને એ ‘કાકાજી’ કહેતી)ને મનુષ્યવાણી મધુર મધુર રીતે બોલતાં શીખવેલું. સોનાના તો નહિ પણ સેવન્તિલાલના ચમકતા કપાળ જેવા સાફ ચમકતા – માંજેલા પિત્તળના પાંજરે કાકાજી નિવસતો, ને રોજ, ઘરની વિજનતાને કિલકિલાવતો. અઠવાડિયાં અને મહિના, ચોમાસાં ને શિયાળા-ઉનાળા વીત્યા, તોયે કાકાજીની ભાષામાં ફરક ન પડ્યો. પણ, એક તડકાવાળી સવારે રમાગૌરીએ ઋતુદર્શનની ગેરહાજરી સુખના સણકા સાથે ચોક્કસતાથી ભાળી, ને તે દિવસે કાકાજી પહેલી વાર બોલ્યો, સીતારામ… સીતારામ….

ને પછી હમેશાં કાકાજી માત્ર સીતારામ સીતારામ જ બોલતો, જાણે, એ શબ્દોને જ વારે વારે ચણતો, ને ધરાયા કરતો. જેમ ચણતો તેમ રોજ રોજ એનાં લાલભૂરાં પીંછાંમાં નવી નવી ચમક ઊભરાતી. સવારે બજારમાં ભટકેલા સેવન્તિલાલના ચિત્ત જેવો સૂરજ, થાકીને સાંજે કાકાજીને સુણવા ઘડીક થોભતો, ને પછી રમાના લાંબા બગાસાની જેમ પશ્ચિમના દરિયામાં ડૂબી જતો. કાકાજી કોઈ પણ પ્રશ્નનો કે વાતનો ઉત્તર કે ઊથલો સીતારામ સીતારામથી જ પડઘાવતો.

દસેક દિવસમાં જ પતિપત્ની કાકાજીના સીતારામ સીતારામથી ત્રાસી ગયાં, એમને થયું કાકાજી આપમેળે ઊડી જાય તો સારું, સેવન્તિલાલ પાંજરું ધોયા પછી જાણીજોઈને પાંજરાનું બારણું ખુલ્લું રાખીને, આઘોપાછો થતો. પણ કાકાજી તો પાંજરાનો પ્રેમી, તે ઊડી જાય શાનો? મુક્તિના દ્વારને ભોળિયો કાકાજી મૂઢતાથી જોઈ રહેતો, એની ગોળ આંખમાં પાંજરાના સળિયા ઑગળીને ધુમ્મસ બની જતા. અકળામણનો માર્યો કાકાજી ચીખી ઊઠતો ‘સીતારામ’ ‘સીતારામ’, રમાને થતું પોતાના ઘરમાં ને પાંજરામાં પોતાના મનમાં ને ફળિયામાં કાકાજી નહિ પણ સીતારામનો યન્ત્રજડ અવાજ જીવે છે; કાકાજીને કોઈ લઈ જાય…

અને એક વૈશાખી બપોરે રમાના આંગણામાં સફેદ દાઢીવાળો સાધુ મા’રાજ આવી પૂગ્યો. સેવન્તિલાલ ત્યારે ઘરમાં નહોતો. સાધુજીનાં દર્શનથી પ્રફુલ્લિત થયેલી રમાને સાધુજીએ માણસને શોભે તેવા અચરજથી કહ્યું, કાકાકૌઆ બહુ સુન્દર છે બાઈજી. ને કાકાજીને લહેકાથી પૂછ્યું, તમારું નામ શુંઉંઉં? જવાબ મળ્યો, સીતારામ સીતારામ. સાધુજીને થયું બાઈ બહુ ધાર્મિક સ્વભાવની લાગે છે. પાંજરા પાછળ, કાંડા પર હડપચી ટેકવી મરક હસતી જરી ખિન્ન ખિન્ન લાગતી રમાને જોઈ સાધુની આંખ આકાશ લગી ઊછળી આવી. ને પૂછ્યું, તમને શું ભાવે કાકાજી? જવાબ મળ્યો ‘સીતારામ’, ‘સીતારામ’. સાધુજીની પાંપણ કંઈક વહેમથી પળેક પલકી, ને ફરી પૂછ્યું, તમને મારી સાથે આવવું ગમે કાકાજી? જવાબ મળ્યો, ‘સીતારામ’ ‘સીતારામ’… રમાએ વગરપૂછ્યે કાકાજી સાધુમા’રાજને ભળાવી દીધો.

હવે કાકાજી સાધુજીને ત્યાં ઝૂલે છે કુટીરમાં, વગડામાં સૂકી નદીને કિનારે લોખંડના તારના પાંજરામાં. સાધુજી બહુ લાડ કરે છે કાકાજીને. કુટીરને કૂવેથી પાણી કાઢી નવરાવે છે. બાજરાનો લોટ ખવરાવે છે ને લીલાંકચ મરચાં ચવાવે છે. કાકાજીને વગડાઉ પવન હવે ખૂબ ભાવે છે – અને જાણે પાણી પીતા હોય એમ ક્યારેક ચાંચ ખુલ્લી રાખી નદીતીરના પર્વત પાછળથી આવતા હલકા પવનને પીએ છે. આવી ક્ષણે સાધુજીને વગડાની ભેંકાર વિજનતા ધડકાવી દે છે – કશાક દર્દના સણકાથી સાધુજીને વિમાસણ થાય છે મનમાં, કે શું આખી જિન્દગી આમ જ વીતી જશે? ત્યાં તો કાકાજી મોટો કિલકિલાટ કરી જોરથી પાંખો ફફડાવે છે. હરે હરે બોલતા બધી ચિન્તાવિમાસણ ખંખેરતા સાધુજી પ્યારથી કાકાજીને શીખવે છે, બોલો કાકાજી, તમારું શું નામ? જવાબ મળે છે, કાકાજી. તમારાં માતાપિતાનું શું નામ? જવાબ મળે છે, સેવન્તિલાલ….રમાગૌરી….તમને મરચાં કોણ ચબાવે છે? જવાબ આવ્યો, તમે સાધુજી. આજે કયો વાર છે? રવિ. આ તે કઈ ઋતુ છે? વસન્ત… બોલો કાકાજી બધા સવાલ ને બોલો જવાબ. ને કાકાજી સવાલ-જવાબ બોલવા માંડે છે.

ગમતું ગમતું કાકાજીનું બોલવું ધીમે ધીમે સાધુમા’રાજને અણગમતું અણગમતું થાય એટલા માસ પસાર થયા, ને એક દૂબળી ઘડીએ કાકાજીને સવાલ પૂછવાનો સાધુજીને કંટાળો આવ્યો. કંટાળાની ટશર ફૂટી તે પહેલાં સાધુજી પોતે જે બેદરકારીથી દાતણ કરતો તે બેદરકારીથી કાકાજીસંગે વાતો કરતો, પછી એને એમાં, લગીર ખુશામત પણ લાગેલી…. કંટાળાની ટશરમાંથી અત્તે અપ્રેમની કૂંપળ ફૂટી. ને એક સવારે પાંજરું ખુલ્લું રાખી સાધુજી શહેરમાં ભીખ માગવા હાલી નીકળ્યો. પણ કાકાજીને પાંજરાના બારણાના માપનું ભૂરું આકાશ આકર્ષી શક્યું નહિ. સાંજે પાછા ફરેલા સાધુજીના ચિત્તમાં મીંડું દોરાયું, કાકાજીને કોઈ લઈ જાય….ને તુરત, કશા અકળ બળે કાકાજી કળી ગયો એ મીંડાને, ને બોલવા મંડ્યો બસ સીતારામ ‘સીતારામ’… સવારે કાકાજી સૂરજનું અજવાળું ન્હાવા કરતો’તો ત્યાં સાધુએ ખોટા વહાલથી પૂછ્યું, તો તેનો ઉત્તર ને ત્યાર પછીના બધા પ્રશ્નોના ઉત્તર, ને વાતોના ઊથલા, કાકાજીએ સીતારામ સીતારામથી આપ્યા. પણ શું – થયું? સીતારામ સીતારામ. રિસાઈ ગયા? સીતારામ સીતારામ…. સાધુજીએ આ ક્ષણે જે થૂંક ગળે ઉતાર્યું તેમાં કશીક ગુનાઈતતાની ભીનાશ ભળેલી હતી –

ને એક વૈશાખી બપોરે વાંકડી કાળીભમ્મર મૂછોવાળો લાલ આંખથી અગન ઝરતો કારતૂસનો હાર પહેરેલો બરકંદો બંદૂકબાજ ડાકૂ માનસિંહ આવ્યો. દોડતો આવ્યો કુટીરના લીંપણવાળા આંગણામાં– જાણે ઘોડો હાંફે. સાધુજીએ ડાકુને કુટીરમાં ગોપવ્યો, ને સવાર લગી એ સિંહ અંધારું ફાકતો પડ્યો રહ્યો. સવારે જવાને સમે એણે કાકાજી અને એનું સીતારામ જોયું, ખુશ થઈ ગયો. સીધું જ કહ્યું મને કૌવો આપી દો મા’રાજ. ને હેહે કરી, પૂરી ઇચ્છાનું અનિચ્છાના આવરણમાં પડીકું વાળી ચતુરાઈભરી ઝડપથી સાધુજીએ કાકાજીનું પાંજરું માનસિંહને ઉતારી આપ્યું. ‘સીતારામ’નો એક અદ્ભુત કલશોર મચી ગયો. ને ત્યારે માનસિંહની તીખી લાલ આંખે એક વિચાર લખાઈ ગયો – બાવા હારે પંખી બચાડું ભોળવાણું હોશે…

માનસિંહે હવે ખીણની પથરાળ ગુફાના પોતાના રહેણાકમાં પાંજરું લટકાવ્યું છે, ને કાકાજી નવી ઠંડી ઊંડાણવાળી હવામાં હેવાવા માંડ્યો છે. પણ કાકાજીને નિયમિત ભયાનક એકલતાનું આકાશ તાક્યા કરવું પડે એવી માનસિંહની ગેરહાજરી હોય છે. કાકાજીનો જીવ મૂંઝાય છે, કાથીભરેલા ખાટલામાં માનસિહ જાણે થાક અને લૂંટની નિષ્ફળતાની તળાઈમાં નમતી બપોરે ચૂંગી ફૂંકતો હોય છે, ત્યારે કાકાજી કલકલે છે, ઉત્સાહ અને હતાશાનું મિશ્ર કકલાણ. એક દિવસ આકાશ ભણી ફેલાતી ચૂંગીની ધૂણીની વેલમાં માનસિંહ કશીક અસારતા ભળાતાં બેઠો થઈ જાય છે. તમને અહીં ગમે છે કાકાજી? જવાબ મળે છે, ગમે છે. સાધુજી યાદ આવે છે? આવે છે. હું નથી હોતો ત્યારે ગમે છે? નથી ગમતું એવો જવાબ કાકાજી લગીર વારની ચુપકીદી પછી આપે છે. માનસિંહ દયા, ચીડ, ક્રોધ, પ્રેમ વગેરે મિશ્ર ભાવોનો માર્યો કાકાજીને હથેળીમાં લઈ હાથ ઊંચા કરી બરાડી પડે છે, જાઓ….બંદૂકમાંથી ગોળી છૂટે ને ખીણમાં એનો ગોળ પડઘો પડે એવો ‘જાઓ’નો પડઘો પડે છે, પડઘો પૂરો થાય છે ત્યારે કાકાજી લીંબોઈના ઝાડની ઊંચી ડાળે હતો- જાણે ચીતરેલો…

પછી ઘણા દિવસ પસાર થઈ ગયા…

હવે કાકાજી અવન્તિસેનના અન્તઃપુરમાં સોનાના પાંજરે ઝૂલે છે. ઊંચી અટારીની સામેની ભૂરી ટેકરીઓનો હલકો પવન એનાં પીંછાની ધારને ક્યારેક ફરકાવે છે. કાકાજીને રાજા રમાડે પ્રધાન રમાડે રાણી રમાડે દાસી રમાડે… અવન્તિસેન પોતાની તર્જનિકાનું ટેરવું રોજ કાકાજીની ચાંચમાં દબાવરાવ્યા પછી જ દરબારમાં જાય છે, તો પટરાણી પોતાના પાનના બીડામાંથી અરધું કાકાજીને ખવરાવે છે. સૌને ઘણું સુખ છે. કાકાજી પણ સુખ નામનું મરચું ઇચ્છા હોય તો જ ખાય એવી મોજમાં છે. …પણ પૂર્ણિમાના વ્રતને દિવસે એક વાર વળી પાછો એનો જૂનો રોગ જાગ્યો. બધું ભૂલીને બસ બોલવા મંડ્યો, સીતારામ… સીતારામ… અટારીમાં ચન્દ્રપૂજા કરી પાછી ફરેલી રાણી આખા બનાવથી ઉદાસ બની ગઈ, વ્રતની સાત્ત્વિક ઉદાસીમાં આ નવી ઉદાસીની કાલિમા ભેળવાઈ ગઈ. રાણીએ રાજાને પહેલાં વાત અને પછી ફરિયાદ કરી. ત્યારે એને બરાબર યાદ હતું કે રાજા અવન્તિસેન ક્રોધનું પૂતળું છે.

સ્વાભાવિક જ અવન્તિસેને પ્રધાનજીને કારણ પૂછ્યું, કે કાકાજી સીતારામ સીતારામ જ બોલતો કેમ થઈ ગયો, શું થયું એને? પ્રધાજીએ કાકાને પૂછ્યું શું કાકાજી, શેં રિસાયા રે તમે? બધાના જવાબઃ સીતારામ, સીતારામ. રાજા-પ્રધાને દરબારીઓને કારણ પૂછ્યું. દરબારીઓએ નગરજનોને પૂછ્યું. વધારામાં, કર્ણાવતીમાં અવન્તિસેનના પ્રધાને ઢોલીઓ પાસે ઢંઢેરો પિટાવરાવ્યો, કે જે કોઈ, કાકાજી બીજું બોલતો બંધ કેમ થયો ને સીતારામ કેમ બોલતો રહ્યો તે કોયડો શોધી લાવશે તેને રાજ તરફથી સો સુવર્ણમહોરોનું ઇનામ અપાશે. પણ કોઈ ન આવ્યું. સેવન્તિલાલ કે રમા, માનસિહ કે સાધુજી કોઈ ન આવ્યું.

અવન્તિસેનના મગજમાં સંતાયેલી ક્રોધની જામગરી ધીમું બળવાનું શરૂ કરવા લાગી. પોતાના દુર્વાસાવતાર માટે સુકીર્તિત અવન્તિસેન પ્રધાનજીની હાજરીમાં પલંગ પરથી ઊછળીને તાડૂકી પડ્યો, દૂર કરો આ દુષ્ટ પંખીને… એના અવાજના જવાબરૂપે પટરાણી, બીજી રાણીઓ, દાસીઓ, પ્રતિહારો બધાં દોડી આવ્યાં. પટરાણી સિવાયનાં સૌ ઝૂકી પડ્યાં. ભયભીત કાકાજી પાંજરામાં કાકાકૌવાનું નાનકડું બચ્ચું બની ગયો, ને ઝીણી ગોળ કીકીઓ આમતેમ ઘુમાવતો રહ્યો. એની ચોમેરનું વાતાવરણ અવન્તિસેનના ક્રોધનું બનેલું હતું, રાજાના તીક્ષ્ણ ક્રોધની અણી પોતાની ઘરડી ઘરડી મુઠ્ઠીમાં દબાવતો પ્રધાનજી કહે, રાજન્ શાન્ત થાઓ, આ પંખી છે. એની બે ઉક્તિઓની વચમાં દાસીએ ઘૂંટણીએ પડી રાજન્‌ને ચાંદીના પ્યાલામાં જલ પાયું… એ જલનો પ્યાલામાં પડવાનો અવાજ સૌને સંભળાયો હતો. આટલી ક્ષણોમાં તો, નીચે દરબાર-ગઢમાં દરબારીઓ, કર્ણાવતીના પુરજનો અને સેવન્તિલાલ-રમાગૌરી તથા સાધુજી અને ડાકૂ માનસિંહ જમા થઈ ગયાં. સૌ ઉન્નત મસ્તકે અન્તઃપુરની અઠારીમાં રાહ જોતાં ઊભાં હતાંઃ શું થશે? તે સમયે આકાશ વાદળછાયું હતું. તડકો દેખાતો નહોતો. ને વાતાવરણમાં, ‘બહુ થામ થાય છે’ એવો ભાવ હતો.

પ્રધાન બોલતો હતો, નૃપતિ, હું કાકાજીને શીખવીશ, આપ શાન્ત થાઓ. પણ અવન્તિસેન ક્રોધની ઝડપથી બળવા લાગેલી જામગરીને રોકી શક્યો નહિ. અન્તઃપુરની નીલી દીવાલ પર લટકતી બંદૂક એણે ઉપાડી, ને ખમા ખમા કરતાં રાણી-પ્રધાનને હડસેલી ક્ષણમાં જ એણે પાંજરે તાક્યું….બીજી ક્ષણે અવાજ થયો. પિંજર નહોતું, છતમાં લટકતી એની ઉપલી સાંકળ હાલતી હતી. દરબારગઢના ચોકમાં ધબ ફંગોટાયેલા પાંજરામાં, કાકાજી લીલાંભૂરાં પીંછાંવાળો લોહીમાંસ હાડકાંનો લોચો હતો. સૌ, નીચે, કાકાજીને જોઈ રહ્યાં. સૌ, ઉપર, રાજા અવન્તિસેનને જોઈ રહ્યાં. ત્યારે એક અવાજ સંભળાતો હતો, સીતારામ સીતારામ… પણ એમાં કાકાજીના કઠનું પંખીપણું હતું નહિ… મારી નગરીના હે પુરજનો, અવન્તિસેનની આ કથા, કાકાજીને નામે કર્ણાવતીમાં આજે પણ કથાય છે. તમને મેં એ, હેતુપૂર્વક સંભળાવી છે, અને છતાં સંભળાવાથી વિશેષ કોઈ હેતુ અહીં હતો નહિ… (૧૯૭૪, ‘સમર્પણ’માં)