ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/હર્ષદ ત્રિવેદી/જાળિયું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
હર્ષદ ત્રિવેદી
Harshad Trivedi 20.png

જાળિયું

હર્ષદ ત્રિવેદી




જાળિયું • હર્ષદ ત્રિવેદી • ઑડિયો પઠન: પાર્થ મારુ


ગુરુભાઈએ ભાડાના પૈસા ન લીધા. મને કહેઃ ‘ગાંડો થ્યો સો ભલામાણહ, તારું ભાડું લેવાય? તને તો ભાળ્યો જ ચેટલાં વરહે! ચણ્યાના છોડ જેવડો હતો તે દી’ય તારું ભાડું નો’તું લીધું ને હમેં ચિમ કરીનું લેવાય?’ એમણે બંડીના ખિસ્સામાંથી બીડી કાઢીને સળગાવી. પર્ દઈને લાઇટર બંધ કર્યું ને બોલ્યા – ‘પાસો છે દિ’ વળવાનો સો?’

‘કંઈ નક્કી નહીં, ફૈબા નીકળવા દે તો કાલે નહીંતર પરમ દહાડે તો પાકું.’ એમના મોઢામાંથી ધુમાડાના ગોટ નીકળ્યો. ‘હાર તાણે, કાલ્ય આબ્બલું હોય તો ઇગિયારે આંય ઊભો રે’જે ને પમદાડે હાડાહાતના ટકોરે!’ મેં ડોકું ધુણાવ્યું. ચાબુકનો અવાજ ને પછી ચઈડ…ચઇડ…ઘોડાગાડી ગઈ. મને એ ઘર જોવાની તાલાવેલી હતી. લગભગ ઊડતા પગે હું શેરી સુધી પહોંચ્યો. અચાનક બધું જાગી ગયું હોય એમ કોઈક ઘરમાંથી વાછરડાના ભાંભરવાનો અવાજ આવ્યો. હું ઘરના બારણે પહોંચે ત્યાં તો ફૈબા દોડીને સામે આવ્યાં. હું એમને નીચે નમીને પગે લાગ્યો. ફેબા દુઃખણાં લઈ લે ત્યાર પહેલાં જ મેં માથું ઊંચું કરી લીધું એટલે એમના કપાળ સાથે મારું માથું અથડાયું. ઢીમ્ કરતો અવાજ આવ્યો. અમને બંનેને એકસરખું જ વાગ્યું. હું કંઈ પણ બોલું ત્યાર પહેલાં એ બોલી ઊઠ્યાંઃ

‘હજુ તું એવો ને એવો જ રિયો. રોયા! મારો તોલો તોડી નાખ્યો!’ મેં એમના કપાળ પર હાથ મૂક્યો ને એ હસી પડ્યાં. હું હીંચકે બેસી ગયો. ફૈબા પૂછે – ‘બેટા! તને હારું ખાવા નથી મળતું કે શું?’ એમના અવાજમાં ચિંતા હતી. વળી ઉમેર્યું – ‘હાવ હુકઈ

ગ્યો સો!’ મેં વાતને વાળી લીધી – ફેબ, મારું તો સમજ્યા, પણ તમે આટલાં દૂબળાં કેમ થઈ ગયાં છો એની વાત કરોને!’ એમણે હાથથી કપાળ કૂટું – ‘હું તો હવે સાણાં-લાકડાં ભેળી જાવાની, મારે જાડાં થઈને કામેય સું સે? લે હું તારા હાટુ ચા મેલું!’ એમ કહીને તે અંધારિયા રસોડામાં ગયાં. હું ઊભો થયો. ભગવાનના ફોટા પાછળ ભરડેલું પોસ્ટકાર્ડ કાઢ્યું. સુગંધીના અક્ષરો થોડા બગડ્યા છે, પણ ઓળખી ગયો તરત. ખુશી સમાચાર સિવાય કંઈ નહોતું. એ ફેબાને એને ઘર તેડાવે છે. સાજે-માંદે એમની ચાકરી થાય ને પોતાનાં છોકરાંય સચવાય, પણ આ ફૈબા… શે છૂટે એમનાથી આ ઘર!

ફૈબા ચા લઈને આવ્યાં, ને મેં પોસ્ટકાર્ડ બાજુ પર મૂક્યું. એમણે માથે ઓઢેલી છીદારીમાંથી ઘણા બધા વાળ બહાર દેખાતા હતા. એમની હજામત આમ વધી ગયેલી જોઈને મેં પૂછવું – ફેબો, આ ગણપત હવે નથી આવતો કે શું?’ એક હાથમાં થાળી પકડીને બીજો હાથ લાંબો કરતાં બોલ્યાં – ‘ઈ ગણપત્યે તો જોરાવરનગર નવી દુકાન કરી. હંધાયને લઈને ત્યાં રેવા વિયો જ્યો!’ પછી થાળીમાંથી ચાનો ઘંટ લેતાં કહે – ‘સે એક વિનિયો, ઈ– કાકાનો સોકરો. ભાર્યે ગૉ વાળો સે, ઈ– મનને હૂઝે તો આવીનું કરી જાય મૂંડો, નકર પર્સે હરિ હરિ!’ મને એમના માથે હાથ ફેરવવાની ઇચ્છા થઈ પણ હવે એમને એવું ગમે કે નહીં એવા વિચારે ચુપચાપ ચા પીવા લાગ્યો.

વાળ કરીને થોડી વાતો થઈ. ફેબાએ આખા ગામની નવાજૂની સંભળાવી, પછી એમણે એમની ખાટલી ઓસરીમાં ઢાળી. મને તો ડેલીના હલાણમાં ખુલ્લા આકાશ નીચે જ સૂવું ગમ્યું. આટલાં વર્ષોમાં પહેલી વખત હું આ ઘરમાં રાત રોકાયો. આમ તો અહીંથી ત્રીજું ઘર અમારું, એ ઘર છેલ્લું. પછી શેરી જ બંધ થઈ જાય. અમે અહીં રહેતાં ત્યારે જેટલી વખત બહાર નીકળીએ એટલી વખત આ ડેલી પાસેથી પસાર થવું પડે. કોણ કેટલી વાર દિશાએ જાવા ગયું-થી માંડીને તમામ અવરજવરની આ બે-ત્રણ ઘરને ખેબર પડ્યા વિના ન રહે.

શરૂશરૂમાં તો હું અઠવાડિયું આવતો. પછી ભણવાની ને નોકરીની જવાબદારી વધી એટલે ઓછું થઈ ગયું. પણ મન તો અહીં જ વળગેલું રહે. છેલ્લો ક્યારે આવ્યો હતો? હંઅ. સુગંધીના લગ્ન વખતે. કન્યાના ભાઈ તરીકે જવ-તલ મારે હોમવાના હતા. બધાં રાહ જોતાં હતાં, ‘હમણાં આવશે… હમણાં આવશે…’ થઈ રહેલું ને હું આવી પહોંચેલો. સુગંધીએ મને એકબાજુ બોલાવ્યો. મારો હાથ પકડીને કહે. ‘મને ઊંડે ઊંડે શંકા હતી કે કદાચ તું નહીં આવે!’

એનો મેંદીવાળો લાલચટ્ટાક હાથ જોઈને ક્ષણવાર મારા રૂંવાં ઊભાં થઈ ગયાં, પણ પછી તરત જ ગળું ખોંખારતો બોલ્યો, ‘અરે દોઢડાહી! તારા જેવી બહેનનું લગ્ન હોય ને હું ન આવું એ બને જ કેમ?’ ને એ ભીની આંખે ચાલી ગઈ, અંદરના ઓરડામાં. એનું સુગંધી નામ એના બાપુજીએ પાડેલું. એમ સમજોને કે એ નામ પાડીને જ ગુજરી ગયા. થોડાં વર્ષો બરાબર ચાલ્યું ને પછી એની બા ગાંડા થઈ ગયાં! આઠ-દસ વર્ષ પહેલાં એય છૂટી ગયાં! પણ ખરાં મરદ તો આ ફૈબા. પોતે બાળવિધવા, એટલે બધું મૂકીને અહીં આવ્યાં. એમણે સુગંધીને તો ઉછેરી પણ એની બાનુંયે છેલ્લા શ્વાસ સુધી ધ્યાન રાખ્યું.

ના ફૈબાએ મારી તરફ પડખું ફેરવ્યું. ખાટલીનો ચરરર… ચર અવાજ આવ્યો. મારું ધ્યાન એ તરફ ગયું. એ ઊભાં થયાં ને પાણી, પીધું. એમને ખાતરી હતી કે હું જાગતો પડ્યો છું. મને પૂછે – ‘તારે પીવું સ બેટા! તો લેતી આવું.’ ના કહી તોય આવ્યાં ત્યારે લોટો ભરતાં આવ્યાં. એના ઉપર વાડકી મૂકી ને મારા ખાટલા નીચે મૂકતાં બોલ્યાં – ‘રાતે જોઈ તો પાવળંક પીવા થાય. જતાં જતાં મારે માથે હાથ ફેરવતાં ગયાં ને પ્રેમથી બોલ્યાં – ‘હવે તારે પૈણવ સ ચ્યારે? આમ ને આમ રેશ તો પર્સે રોટલા કુણ ઘડી આલશે!’ મેં કંઈ જવાબ ન આપ્યો, એટલે એ ધીમે ધીમે પગ ઢસડતાં ખાટલી તરફ ગયાં.

મારી સામે સુગંધીના અક્ષરો તરી આવ્યા. ફરી એક વાર પોસ્ટકાર્ડ વાંચવાની ઈચ્છા થઈ, પણ ઊભા ન થવાયું. સુગંધી આ ઘરમાં ને હું બાજુના ઘરમાં ત્રણ-ચાર વર્ષનાં હતાં ત્યારથી ઊછરીએ. નિશાળે પણ સાથે જવાનું. હું પહેલેથી જ તોફાની ગણાઉં. મેં કરેલા ટીખળને અંતે સુગંધી ક્યારેક ખડખડાટ, ક્યારેક લુચ્ચું તો ક્યારેક વળી ત્રાંસી આંખે હસી લેતી. નિશાળેથી વળતાં ઘણી વખત હું દફતર એની પાસે ઊંચકાવતો. ઘર આવવાનું થાય એટલે લઈ લઉં. ફેબા જોઈ જાય તો આવી બને! હાઈસ્કૂલમાં પણ અમે સાથે ને સાથે. પણ પછીથી સુગંધીના વર્તનમાં થોડો ફેર પડતો હોય એવું લાગેલું.

એકબીજાને અડકીને વાત કરવાનું કે વાતવાતમાં મારામારી કરવાનું અમારે માટે સહજ હતું. મોટાં થતાં જઈએ છીએ એનું ભાન તો ફેબાએ આંખ કાઢી ત્યારે જ આવ્યું. એક વખત હું સીધો જ ડેલીમાં ઘૂસ્યો. સુગંધી સામે બેઠી હતી. હું ત્યાં દોડી ગયો. એનો હાથ પકડીને ઊભી જ કરવાનો હતો ત્યાં ફેબાએ રાડ પાડી – ‘શેટો રે’જે!’ હું ખમચાઈને ઊભો થઈ રહ્યો. પછી ખ્યાલ આવ્યો કે સુગંધી તો શણનો કોથળો પાથરીને બેઠી હતી. એની બાજુમાં પાણીનો પ્યાલો પડ્યો હતો. એ તદ્દન નીચું જોઈ ગઈ, બંને હાથ આંખો પર મૂકી દીધા. હું આભો જ બની ગયો. પછીથી બે-ત્રણ દિવસ સુધી મેં જોયું કે હું એમના ઘેર જાઉં એ ફૈબાને ગમતું નહોતું. સુગંધી પણ મને ન ઓળખતી હોય એમ મારી સામે જોયા કરતી. એ દિવસોમાં હું હીંચકાથી આગળ નહોતો જઈ શકતો. ફૈબા વચ્ચે જ બેઠાં હોય, ને પછી તો સુગંધી મારા કરતાં વહેલી હાઈસ્કૂલે જતી રહેતી. હું નીકળે ને જાળિયામાંથી નજર કરતાં જ ખ્યાલ આવી જતો કે સુગંધી ઘરમાં નથી. ડેલીમાં જવાની જરૂર જ નહીં!

સ્કૂલમાં અમે પાછાં જેવાં હોઈએ એવાં જ મળતાં, પણ સુગંધી આંખમાં આંખ પરોવીને વાત ન કરે. ટૉપના બટનને ખાલી-ખાલી રમાડ્યા કરે અથવા કૉલરથી પકડીને ઉપરની બાજુએ ખેંચ્યા કરે.

ક્યારેક તો વળી ઊંચું જ ન જુએ ને જમીનમાં પગથી લિટોડા કર્યા કરે છે. એક દિવસ હું અરીસો લઈને અમારી ઓસરીમાં ઉભડક બેઠો ચહેરો જોતો હતો. ગાલ ઉપર ચપટીમાં આવી શકે એવી આછી રુવાંટીને પંપાળી રહ્યો હતો. થોડી-થોડી વારે મૂછ ઉપર આંગળી ને અંગૂઠો ફેરવ્યા કરું, ઠાકર મંદિરની આરતી માટે દિવેટો તો બહુ વણી. પણ આ સાલ્લો મૂછનો અનુભવ… મજો મજો થઈ ગયો. સુગંધી સામે ઊભી-ઊભી ક્યારનીય મને જોયા કરે છે એનો ખ્યાલ તો એ ખડખડાટ હસી ત્યારે જ આવ્યો. હું ઝંખવાઈ ગયો. ચડીને બરાબર સંકોરી બેય પગ ભેગા કરી દીધા. મેં જોયું કે એની નજર માત્ર મૂછના દોરા પર નહોતી, મારી ચડ્ડીને પગ ઉપર દેખાતી આછી રુવાંટી ઉપર પણ હતી. હું અરીસાનું બિંબ એની આંખો પર પાડીને ઊભો થઈ ગયો. એકમાત્ર હતું તે પાટલુન પહેરીને બહાર નીકળી ગયો. સુગંધીએ મને જાળિયામાંથી જોયો એ પણ મેં જોયેલું.

બીજે દિવસે મેં બાને કહી દીધું કે – ‘મારી બધી જ ચડ્ડીઓ કોઈકને આપી દેજો. હું હવે એ નથી પહેરવાનો!’ ચડી નહીં પહેરવા બાબતે મારી ધમાલની જાણ આખી શેરીને થઈ હતી. સુગંધી પણ જાણતી હશે ને? તો પછી એણે કશી વાત કેમ ન કરી? પરંતુ એ તો વધુ ને વધુ ઝડપે બદલાઈ રહી હતી. પહેલાંની જેમ મને વળગી પડતી નહોતી કે નહોતી કશું કામ સિવાય વધારે બોલતી. હરણિયા પારા જેવી થતી જતી હતી. હું આમથી એની સામે જવાનો પ્રયત્ન કરે તો તે તેમ હોય ને તેમથી જાઉં તો તો તે…એક વાર તો મેં એને પૂછી જ લીધું, ‘સુગી! મારાથી તને કંઈ ખોટું લાગ્યું છે?’

‘ના રે! તારાથી શું ખોટું લાગે?’ પછી એ કશું ન બોલી ને આંખો ઢાળી ગઈ. પછી હું પણ કશું ન બોલી શક્યો ને એ જતી રહી. હું મારા ઘેરથી નીકળું, બારણું ખખડે ને શેરીમાં આવું કે સીધો જ ફૈબાની ડેલી પાસેના જાળિયામાં ઝિલાઉં, પછી ડેલીમાં આખેઆખો દેખાઉં! ડેલી બંધ હોય તોય જાળિયામાંથી સુગંધીને ખબર પડે કે હું નીકળ્યો. અમારી વચ્ચે નોટબુકોની આપ-લે પણ આ જાળિયા દ્વારા જ થતી. મને સુગંધી બદલાયેલી જરૂર લાગતી પણ એની નજર હરઘડી મારી પ્રતીક્ષામાં રહેતી હોય એવું હું અનુભવતો. એ એની બહેનપણીઓ વચ્ચે ઘેરાયેલી હોય તોય મને જોઈ લેતી. પછી મને જાણવા મળતું કે એ બધીઓની વાતોના કેન્દ્રમાં તો હું જ હોઉં છું. દિવસ આખામાં ચાર-પાંચ વખત તો એને ઘેર જવું જ પડે. કંઈ આપવા-લેવાનું હોય કે ફેબાને કંઈ ચીજવસ્તુ લાવી આપવાની હોય. પણ મેં જોયું છે કે હવે એનો ચહેરો પહેલાં જેવો સ્વસ્થ-પ્રસન્ન નથી લાગતો. અવઢવનું આવરણ ઓઢીને જ ફર્યા કરે છે. તે – એક રાત્રે ઊંઘમાં જ અજબ બન્યું. દિવસ આખો અળગી રહેનારી સુગંધી મારા ખાટલાની ઈસ પર બેઠી છે ને હું નિરાંતે ઊંધું છું. એ મારા માથે હાથ ફેરવે છે તો લાગે છે કે મારું કપાળ શેકાઈ રહ્યું છે, એટલે એણે મારા ગળે હાથ ફેરવ્યો. થોડી વાર એમ જ રહેવા દીધો તો એમાં ધોમધખતી ધરતીની તરસ તરફડિયાં મારી રહી હોય એવું એને લાગ્યું. એનો હાથ ધીમે-ધીમે મારી છાતી ઉપર ફરે છે તો લાગે છે કે એ ગાજરના નાના એવા છોડ પર હાથ ફેરવી રહી છે. મને થાય છે કે આટલા બધા વાળ મારી છાતી ઉપર અચાનક ક્યાંથી ઊગી નીકળ્યા? એનો હાથ સતત ફરતો ચાલ્યો. મેં આંખો ન ખોલી તેથી એ ગુસ્સે થઈ ગઈ. મારા માથાના વાળ બંને હાથે સખત ખેંચીને એણે કપાળ ઉપર કપાળ મૂક્યું ને દેવાય એટલી ભીંસ દીધી. એની છાતીનો જમણો ભાગ મને અડતો હતો. બેપાંચ દિવસ પહેલાં જન્મેલું કોઈ વાછરડું ધીમે-ધીમે એનું માથું મારી છાતી સાથે ઘસતું હોય એવું થયું ને મારો શ્વાસ જોરથી ચાલવા લાગ્યો. અચાનક આખું શરીર મહોરી ઊઠ્યું. પછી સંકોચાયું, તંગ થયું ને સમગ્ર અસ્તિત્વ એક જ જગ્યાએ એકઠું થઈ, બઘાઈને પછી એકસામટું છૂટી ગયું…

તે દિવસની માફક અત્યારે જાગી જવાયું. મેં ખાટલા નીચેથી પાણીનો લોટો લીધો. પાણી પીધું. ઊંઘ નહીં આવે એમ લાગ્યું પણ પડી રહેવા સિવાય વિકલ્પ નહોતો. સામે ખાટલીમાં ફેલા સૂતાં હતાં. અહીંથી મને સીધેસીધું તો માત્ર એમનું માથું જ દેખાતું હતું. આછા અંધકારમાં, એમની વધી ગયેલી હજામતને લીધે માથાને બદલે એક મોટો શેળો હોય એવું લાગ્યું. ખેતરે જતાં ઘણી વખત શેળા જોવા મળે. હું શેળાને હાથમાં પકડતો. એ મોટું અંદર તો નાંખી જ જાય પણ શરીર એવી રીતે સંકોચે કે બધા કાંટા આપણી હથેળીઓમાં ભોંકાઈ જાય. તરત જ હાથ છૂટી જાય ને શેળો ધફ દઈને ધૂળમાં પડી જાય. ક્યાંય સુધી હલે નહીં, દડાની માફક પડ્યો રહે. ફેબાએ વળી પડખું બદલ્યું ને છીદરીનો છેડો માથે નાખ્યો. મેં એમના પરથી નજર હટાવી. સામે જાળિયું દેખાતું હતું. એમાં સુગંધીનો ચહેરો હસતો હતો. હું બહારથી પસાર થતો ત્યારે સુગંધી પણ આ રીતે જ જોતી હશે ને? મેં જાળિયાની બહારથી અંદર તો અત્યાર સુધી જોયેલું પણ અંદરથી બહાર જોવાનો આ પહેલો અનુભવ! હું જાળિયા સામે જ તાકી રહ્યો, પણ આ સુગંધીનો ચહેરો એકદમ કેમ ઊતરી ગયો?

એ બળેવનો દિવસ હતો. સુગંધીએ સવારથી જ કકળવાનું ચાલુ કર્યું હશે. એને એકેય ભાઈ નહોતો પણ એ રાખડી લાવી હતી. ફેબાએ ભગવાનના ગોખલા તરફ હાથ લંબાવીને કહેલું – ‘લાલાને બાંધી દે!’ પણ સુગંધીને તો હાથ ધરીને ઊભો રહે એવો ભાઈ જોઈતો હતો. રડતાં રડતાં જ એ બોલી – ‘ભગવાને મને એક ભાઈ આપ્યો હોત તો એનું શું જવાનું હતું?’ એનું રડવાનું ચાલુ જ હતું ને હું જઈ ચડ્યો. ફેબાની આંખમાંનો અણગમો સ્પષ્ટ વરતાય એ પહેલાં જ એ બોલી ઊઠ્યાં – ‘હવાની ભૈ મૈં કરસ તે લે આ તારો ભે આયૂવો, ઈને બાંધ રાખડી! ઈ ભે જ કે’વાય. ઓહ્યું કે’વતમાં નથી કીધું કે ભેળાં રે’ ઈ ભાંડરું!’ સુગંધી ઊભી ન થઈ. એનાં હીબકાં વધી પડ્યાં. ફૈબા જાતે જઈને પાણિયારે મૂકેલી રાખડી લઈ આવ્યાં ને સુગંધીનો હાથ પકડીને બળપૂર્વક એને આપી. મને પહેલાં તો કશી સમજ ન પડી. પણ પછી તો એમણે સુગંધીને હાથ પકડીને ઊભી જ કરી દીધી. એ ઊંચું ન જોઈ શકી. એમ જ મને રાખડી બાંધી દીધી. ફેબા બોખા મોઢે એં…હેં…ઓં…હેં એવું કંઈ હસ્યાં ને બોલ્યાં – ‘કેવી અશલ રૂપાળી લાગે સે? લે હવે તું ઈનો હાચો ભે ચ્યો, આલ ઈને આશરવાદ આલ!’ શરમાઈ ગયો. બાઘાની જેમ ઊભો રહ્યો. હાથ ઉપર નજર ગઈ…રાખડી તો ‘અશલ રૂપાળી’ જ લાગતી હતી પણ હાથ તો જાણે બાવળનું ઠૂંઠું!

એમનો …હેં…મેં…હં… હસતો ચહેરો મારી આંખોમાં જડાઈ ગયો ને મને આંખો ફોડી નાંખવાની તીવ્રતા થઈ. એમણે રાજીરાજી થતી નજર મારા માથે ઠેરવી ને મને સામેની દીવાલે માથું અફળાવી દઉં એવું થયું. મારા કપાળે હાથ ફર્યો તો એમના હાથની તમામ રેખાઓ કપાળે ચોંટી ગઈ. મારો રાખડિયાળો હાથ મુકી થઈ ગયો. પળવારમાં જ એ મુક્કો બનીને સુકાઈ ગયેલા તળાવ જેવા ફૈબાના કપાળ ઉપર મંડાઈ પડે ત્યાર પહેલા હું ડેલીની બહાર નીકળી ગયો.

બીજે દિવસે સવારે નાહી-તૈયાર થઈ બહાર નીકળ્યો. મને હતું કે સુગંધીએ જાળિયા પર નજર ખોડી રાખી હશે. પણ આ શું? સુગંધીએ જાળિયામાં એક આડી ઈંટ મૂકી દીધી હતી ને એના ઉપર બીજી મૂકવા એનો હાથ લંબાયેલો હતો. અડધા જાળિયામાંથી એણે મારી સામે જોયું. એની આંખોમાંથી નૂર ઊડી ગયું હતું. પલકારામાં એ બીજી ઈટ ગોઠવે ને જાળિયું પુરાઈ જાય ત્યાર પહેલાં હું ત્યાંથી હટી ગયો.

ના થોડા વખત પહેલાં ફ્રેબાએ આગળની દીવાલ નવી કરાવી ત્યારે જાળિયું પુરાઈ ગયું પણ મને એની જગા બરાબર યાદ છે. એ.. આ. એ અહીં હતું… એમ બબડતો હું જાળિયું ચીંધવા ખાટલામાંથી ઊભો થયો ને ફેબા બોલ્યાં – ‘ભૈ, હજુ તો હવારને બી વાર સે. હૂઈ જા. ખાટલો બદલાણો અટૂલે તને ઊંઘ નહીં આવતી હોય, પણ બી વાર સે, માંડ તૈણ હાડા તૈણ ચ્યા હશે.’

મેં ઊભા થઈ નવેળીમાં પેશાબ કર્યો ને લોટામાંથી પાણી પીધું