ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/હીરાલાલ ફોફલિયા/રાતે વાત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
રાતે વાત

હીરાલાલ ફોફલિયા

‘મોટીબેન સાસરે ગઈ,’ બધાં કહે છે, ‘તું પલાશને ઘેર હતો ને ત્યારે.’

‘મને બોલાવવો’તો ને?’ મેં બાને કહ્યું, ‘કહેત, કેવી જુઠ્ઠી!’

બા રોજ કે’તી, ‘તું મોટી થઈ. સાસરે જવું પડશે.’

એ અંગૂઠો બતાવતી. કહેતી, ‘જાય મારી બલા!’

અને સાચેસાચ સાસરે ગઈ!

ખોટાબોલી!

ભલે ગઈ, મારા વગર કેમ ગમશે? બે દી’માં દોડી ન આવે તો હું એનો ભઈલો નહિ. એવી પજવીશ… એ…વી પજવીશ…

થોડા દિવસ ગયા. મેં બાને કીધું, ‘મારે બેન પાસે જવું છે, મને નથી ગમતું.’

બા બોલી નહિ. મોં ફેરવ્યું. રસોડામાં ચાલી ગઈ.

હું હસ્યો. સાળુ ખેંચ્યો. કહ્યું : ‘બેનને બોલાવી દે ને? કહ્યું નહિ… નથી ગમતું?’

બાએ ઊંચકી લીધો. બચ્ચી ભરી. બા રોતી’તી નક્કી. એનેય નથી ગમતું. ભલે ને બેનને વઢે. મારા વગર એને ગમે?

‘નથી ગમતું ને? કેવો સમજી ગયો? બાપુજીને કે’ તેડી આવે.’

‘એ નહિ આવે, બેટા.’ બા રિસાઈ. પાલવ ઝૂંટવી દૂર ચાલી ગઈ.

મને રીસ ન લાગે! આખો દી’ ન બોલ્યો. બાએ જમવા કહ્યું. ન ગયો. એની રીસે ન ઊતરી.

હું રમવા ગયો પલાશને ત્યાં. ચેવડો ખાધો. પછી ઘેર આવ્યો. બાએ જમવા કહ્યું. પ…ટ ના પાડી દીધી. સૂઈ ગયો.

સૂતો’તો ત્યાં બેન આવી. બચ્ચી ભરી. જગાડી દીધો. હું ખિજાયો. તો બીજા ગાલે બચ્ચી ભરી. ને કહે : ‘બોલ ને ભઈલા!’

હું તોય ન બોલ્યો. બહુ મઝા આવતી’તી.

અમે હસાવવાની શરત રમતાં. હું ગાલ ફુલાવી બેસું. થાય, નહિ જ હસું – હસી પડાતું. હારી જતો.

બહેને મારે તળિયે સળેકડું ફેરવ્યું. પેટ પર પીન ફેરવી. બગલમાં આંગળાં ખોસ્યાં. હું ન બોલ્યો.

…ને એણે ગધેડા જેવો ભેંકડો તાણ્યો. કાનમાં ‘કૂકડે…કૂ…ક’ કીધું. ઘુવડ જેવું મોં કીધું. મોંમાં આંગળાં નાખ્યાં. હોઠ ખેંચ્યા. આંખો ફાડી, જીભડો કાઢ્યો. ‘ઉહુંહુંહું’ ત્રાડ પાડી. મેં આંખો મીંચી રાખી. જોત તો હસી પડાત. હારી જાત. ઘણીબધી વાર મીંચી રાખી. થાકી ગયો. ખોલી તો ન મળે. સંતાઈ ગઈ.

‘લુચ્ચી… બનાવી ગઈ.’

દોડ્યો પકડવા. અંધારું હતું. બહેન અંધારાથી બહુ બીએ. ચોકમાં તો જાય જ નહિ – બા વઢે તોય.

કબાટ પછવાડે નો’તી. પટારા પાછળ નો’તી. ગાદલાનું ખડકલું? ત્યાં હાથ ઘોંચ્યા. ન મળી. ઊતરડ અને ડામચિયા પાછળ ન જ હોય – નહોતી. રાંધણિયામાં કદી ન સંતાય. જોઈ આવ્યો; હતી – પણ, એ નહિ, બિલ્લીબાઈ. દૂધ જેવાં ગોરાં, ઉંદરને મળવા આવ્યાં’તાં. મને જોયો. સળિયામાંથી સરકી ગયાં. મોટીબહેનની આંખો માંજરી. ખિજાતો ત્યારે ‘બિલ્લી’ કે’તો. ખૂબ ચિડાતી. એને જાદુ આવડતું. જાણે બિલ્લી બની ગયાં!

ચોકમાં જોયું, એવી બીક લાગી! ક્યાંય નહિ.

હાર્યો. બૂમ પાડી. ‘મોટીબેન! મોટીબેન!’

જવાબ નહિ.

એવી ચીડ ચડી! રાડ પાડી, ‘બિલ્લી! મીંદડી!! ઉંદરખાઉં!!’

ચોકમાં બાકોરું હતું – પાણી માટે. એ ત્યાંથી સરકતી’તી.

દોડ્યો. પૂંછડી પકડી. છટકી ગઈ.

મેં બાને ઢંઢોળી. વાત કરી તો કહે :

‘કોઈ નથી. અમથા ભણકારા વાગે છે. સૂઈ જા.’

મને પડખામાં સુવાડી દાબ્યો. મેં જીદ કરી : ‘તને ખબર નથી, ઊંઘણશી! બેન આવી ગઈ. અમે સંતાકૂકડી રમતાં’તાં. લપાઈ ગઈ છે. નથી જડતી. ગોતી દે ને?’

મેં અદબ વાળી અવળા કાન પકડ્યા. કહ્યું : ‘શોધી દે ને, બા! એ કહેશે તો બેઠક કરીશ, કહેશે તો કૂકડો થઈશ.’

બા ન બોલી. રોઈ પડી.

પછી મારે વાંસે હાથ ફેરવ્યો, થાબડવા લાગી.

થયું, ‘અજવાળું થવા દે. તાણીને ચોટલો ન ખેંચું… વોય…વોયની બૂમ ન પડાવું…’ ઊંઘ આવતી’તી – બહુ જ આવતી’તી…

હું ઊઠ્યો. એ પાણિયારે હોય. પાણી ગાળ્યા જ કરે. પજવું તો લોટો રેડે. ભીંજવી નાખે.

પાણિયારે નો’તી. રાંધણી, ચોક, એકઢાળિયું, વંડી – ક્યાંય નહિ. નક્કી, પાછી સાસરે ગઈ. મને જ મળવા આવી હશે. ગુપચુપ… મારા વગર કૈં ગમે?

મેં બાને કીધું, જવાબ ન દીધો. આંખ એવી લાલ…લાલ! બહુ બીક લાગી. જાણે બાપુજીની આંખ. બાને બીક લાગતી.

મેં દૂધ પીધું. રમવા દોડી ગયો. પલાશને ત્યાં. પલાશ બહુ હોશિયાર છે. જરાક મોટી, પણ મારે નહિ. કહે :

‘મોટીબેન સાસરે નથી ગઈ. મરી ગઈ. બુદ્ધુ! ઓલ્યા દામુ સોની, શકરા ડોસા મરી ગયા તે કદીય દેખાયા?’

‘જા, જા,’ મેં કીધું, ‘મરી ગયેલા પાછા ન આવે. મોટીબેન તો રાતે આવી’તી ને. બધાંને ખબર છે. બાને પૂછી જોજે.’

‘સાચ્ચે?’ પલાશે ચીસ પાડી – સાચ્ચેસાચી.

પછી મારું માથું પકડ્યું. કાનમાં કહ્યું, ‘તો તો ભૂત!’

‘ભૂત? ભૂત શું?’

‘ખબર નથી?’

પછી પલાશે કેટલી બધી વાતો કરી! આંબલીનાં રડતાં ભૂત, સ્મશાનનાં ભડકાંભૂત! અધધધ…કેટલાં બધાં ભૂત! પલાશે બધાંય જોયાં’તાં. ભૂતની બહુ બીક લાગે. બધા બીએ.

રાતે બાને પૂછ્યું :

‘બા! મોટીબેન મરી ગઈ?’

બા કહે : ‘હા.’

‘તો કે’તી કેમ નથી? લ્યો બોલ્યાં, ‘સાસરે ગઈ.’ નહિ બોલું.’

પણ ઊંઘ ન આવે. થાય, ભૂત અહીંથી નીકળશે – આ નીકળ્યું. એ આવ્યું… એ આવ્યું! દાંત કકડે. બા ઢબૂરતી રહી.

બાગને ફૂલ આવ્યાં.

બિલાડીને બચ્ચાં આવ્યાં. સુંવાળાં રૂપાળાં. ગણ્યાં ગણાય નહિ. મોટીબેન બહુ યાદ આવતાં. રડવાનું મન થતું. સૌ કહે : ‘બિચારી! મરી ગઈ, શું થાય?’

…ને મોટીબેનનું ભૂત પાછું આવ્યું. ભૂત રાતે જ આવે. અંધારામાં. રોતું’તું. કહે, ‘ભઈલા! મને ભૂલી ગયો?’

નવાઈ?

જરાય બીક ન લાગી. હું રાજી થયો. કહ્યું :

‘ભૂલી તો તું ગઈ, એ તો-કહે, તું મરી શું કામ ગઈ?’

એણે ડૂસકાં ભર્યાં. જવાબ ન દીધો. રોતી રહી.

મેં બૂચકારતાં કહ્યું : ‘ભલે મરી ગઈ. ભઈલાને મળવા તો આવી ને?’ બિટ્ટા. બરા! પણ બેન, તું રોજ કાં ન આવે?’

એ રડતાં રડતાં હસી પડી. બોલી : ‘રોજ આવીશ, બસ! લે વચન.’

તાળી જેવો અવાજ થયો. એ બી ગઈ. બીવાનું નો’તું. એ તો બિલ્લી, ઉંદર પર ચડી’તી. નાનકીક કુલડી પાડી દીધી. થયું, કહું, ‘કાંઈ નથી, બીકણ સસલી!’

પણ, એ ઊડી ગઈ.

હું ન ઊઠ્યો. ભૂત આપણાથી પકડાય નહિ.

બાને ન કહ્યું, આંખ લાલ કરે. કેવી બીક લાગે!

પલાશને બધી વાત કરી.

તો કહે, ‘એ તો સપનું!’

બુદ્ધુ!

પહેલાં કહ્યું, ‘ભૂત’ હવે કહે છે ‘સપનું!’

પૂછ્યું : ‘સપનું એટલે?’

તે હસ્યો – મૂરખ જેવું. ભાઈને પોતાને ખબર નથી. કેવી શેખી!

શું કરું?

હું મોટી થાઉં તો પલાશ પણ મોટો થાય છે. એમ થાય છે કે પલાશથી મોટો થાઉં. કેમ થવાય – આવડતું નથી.

રાતે વાત – બેને રોજ રાતે આવવાનું વચન આપ્યું છે ને?

બહેનને જ પૂછીશ, ‘સપનું એટલે શું? કહે ને, સપનું એટલે શું? પણ ધીરેથી, હો! કાનમાં કે’જે. કોઈ ન સાંભળે.’