ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ત/તામ્રશાસન: ફેન્ટસી-કાલ્પનિકા
તામ્રશાસન: ફેન્ટસી-કાલ્પનિકા
મધુસૂદન ઢાંકી
તામ્રશાસન: ફેન્ટસી-કાલ્પનિકા (મધુસૂદન ઢાંકી; ‘પરબ’- જાન્યુઆરી, ૨૦૦૪) સોલંકીયુગીન ખંડિત તામ્રપત્રના લખાણના આધારે, ઉત્તર ગુજરાતના રોણ ગામની બાજુમાં આવેલા ભગ્ન મંદિરનાં ઉત્ખનન-સંશોધન માટે પુરાતત્ત્વવેત્તા સૌધર્મનના નેતૃત્વમાં ગયેલી મંડળીને એક અતીન્દ્રિય અનુભવ થાય છે. લોકવાયકા મુજબ શરદપૂનમની રાતે તૂટેલું મંદિર પૂર્વવત્ થાય, ભીમદેવ પહેલાની નૃત્યાંગના રાણીએ કરેલી શિવપૂજાના અંતે મંદિર ફરી ખંડિયેર બની જાય -એવા સંમોહનથી સૌને સદીપુરાણા સમયનો સાક્ષાત્કાર થાય છે. પુરાતત્ત્વવિદ્યા, ઇતિહાસ તથા સંગીત અને નૃત્યકલાને સાંકળતી વાર્તાની સંસ્કૃતપ્રચુર પારિભાષિક શબ્દાવલી વાચકને ભૂતકાળનો તો માલધારી લોકોની ગોહિલવાડી બોલી વર્તમાનનો અનુભવ કરાવે છે.
ર.