ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/અજિત ઠાકોર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
‘તખુની વાર્તા’ (૨૦૦૬) :
અજિત ઠાકોર
(‘સ્વ’ અને સમષ્ટિની કુંઠાને વાર્તામાં
રૂપાયિત કરવાનો કલાકીય વ્યાપાર)

વિપુલ પુરોહિત

Ajitsinh Thakor.jpg

વાર્તાકારનો પરિચય :

અજિતસિંહ ઈશ્વરસિંહ ઠાકોરનો જન્મ તા. ૧૪-૫-૧૯૫૦ના રોજ થયો હતો. ગુજરાતી સાહિત્યજગતમાં તેઓ અજિત ઠાકોરના નામથી પ્રસિદ્ધ છે. વાંકાનેડા, તા. પલસાણા જિ. સૂરત એમનું જન્મસ્થળ. તાપી-નર્મદાના દોઆબપ્રદેશમાં સુરત જિલ્લાનું છેલ્લું તરસાડી કોસંબા તેમનું વતન ગામ. દક્ષિણ ગુજરાતનું લાક્ષણિક રાજપૂતી ગામ. લીલીછમ પ્રાકૃતિક વનસંપદાથી સમૃદ્ધ. પિતા ઈશ્વરસિંહ પ્રાથમિક શિક્ષક. કવિતા, વાર્તા, નિબંધ લખતા. છંદશાસ્ત્રનાં જાણતલ. સ્વાતંત્ર્ય આંદોલનથી પ્રભાવિત. સાદું-સરળ ગાંધી મૂલ્યોનું જીવન જીવતા. દાદા લડવૈયા અને ભજનિક. પીંજરત, તરસાડી-કોસંબા, કુંવારદા જેવાં ગામોમાં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ થયું. પિતાજી શિક્ષક હોવાને કારણે છંદવિદ્યા એમની પાસેથી શીખવા મળી. હાઈસ્કૂલના અભ્યાસ દરમિયાન શિક્ષકોની પ્રેરણા-પ્રોત્સાહનથી વાચન અને સાહિત્યરુચિ કેળવાઈ. એગ્રિકલ્ચર કૉલેજ, નવસારીમાં પ્રવેશ લીધો પણ જીવ સાહિત્યનો કેળવાયો હોવાને કારણે જે. પી. આટ્‌ર્સ કૉલેજમાં પ્રવેશ લઈ સંસ્કૃત-ગુજરાતી વિષય સાથે સ્નાતક અભ્યાસ પૂર્ણ કર્યો. કવિતાઓ લખવાનું આ ગાળામાં શરૂ થયેલું. ગુજરાતી-ભારતીય અને વૈશ્વિક સર્જનાત્મક સાહિત્ય અને કાવ્યશાસ્ત્રોના વાચનથી સાહિત્યરસ ઘૂંટાતો ગયો. ઉમાશંકર અને સુરેશ જોષી જેવા સારસ્વતોનું સાહિત્ય એમનું પાથેય બન્યું. સંસ્કૃતમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી. સૂરતના માંગરોળ તાલુકાના કંટાવામાં શિક્ષક તરીકે થોડો સમય કામ કર્યું. જંબુસર અને ભરૂચની કૉલેજોમાં ખંડસમયના અધ્યાપક તરીકે કામ કર્યું. એ દરમિયાન કવિતાના અનુવાદનું કામ અને કાવ્યલેખન થતું રહ્યું. ૧૯૭૫-૭૭ દરમિયાન રાજપીપળામાં પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી. ભરુચ જિલ્લાના નેત્રંગમાં પણ થોડો સમય અધ્યાપન કાર્ય કરી ૧૯૮૩થી સૂરતની પ્રસિદ્ધ એમ. ટી. બી. આટ્‌ર્સ કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે કારકિર્દી વિકસાવી. ૧૯૮૭થી વલ્લભવિદ્યાનગરના સંસ્કૃત અનુસ્નાતક વિભાગમાં રીડર તરીકે જોડાયા પછી પ્રોફેસર અને અધ્યક્ષપદેથી વર્ષ ૨૦૧૨માં સેવાનિવૃત્ત થયા. વિદ્યાનગરના વિદ્યાકેન્દ્રી વાતાવરણમાં સાહિત્યરસિક સર્જકમિત્રો સાથે તેમની સર્જકવૃત્તિ પણ ઘડાઈ અને ગુજરાતી સાહિત્યને નોંધપાત્ર વાર્તાઓ-કવિતાઓ મળી. ‘માવઠું’ વાર્તા માટે તેઓે વર્ષ ૧૯૯૪માં પ્રસિદ્ધ કથા ઍવૉર્ડ, (દિલ્હી)થી પુરસ્કૃત થયા છે. ૧૯૯૯માં ઉમાશંકર જોશી પારિતોષિક તેમજ ‘તખુની વાર્તા’ (૨૦૦૬) માટે ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક તેમને પ્રાપ્ત થયું છે. ગુજરાત સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ ૨૦૧૪માં તેઓ ‘ગૌરવ પુરસ્કાર’થી સન્માનિત થયા તેમજ વર્ષ ૨૦૨૩માં પૂ. મોરારિબાપુ તરફથી ‘વાચસ્પતિ પુરસ્કાર’થી ગૌરવ પામ્યા છે.

સાહિત્યિક પ્રદાન :

કવિ, વાર્તાકાર અને વિવેચક-અભ્યાસી અધ્યાપક તરીકે જાણીતા અજિત ઠાકોરનું ગુજરાતી અને સંસ્કૃતમાં મુખ્ય સાહિત્યિક પ્રદાન આ મુજબ રહ્યું છે. કવિતા : ‘અલુક્‌’ (૧૯૮૧) ટૂંકી વાર્તા : ‘તખુની વાર્તા’ (૨૦૦૬) વિવેચન : ‘વિસર્ગ’, ‘કાવ્યાર્થ’, ‘કવિસમય’, ‘કાવ્યેક્ષણા’, ‘કરુણરસ : વિભાવના-પ્રયોજના’, ‘રુય્યક : ઔપમ્યમૂલક અલંકારો’, ‘સ્થિત્યંતર’, ‘સાદૃશ્યમૂલક અલંકારો’, ‘અલંકારવિમર્શ’. સંપાદન : ‘નાટ્યશાસ્ત્ર’, ‘વામનનો કાવ્યવિચાર : કાવ્યાલંકાર સૂત્રવૃત્તિ’, ‘દલિત ગુજરાતી વાર્તા : ૧૯૯૫’, ‘ગુજરાતી નવલિકાચયન : ૨૦૦૮’, ‘પરિષ્કૃત ગુજરાતી વાર્તા’, ‘માલતીમાધવ’, ‘ભવભૂતિ’, ‘ચૂંટેલી વાર્તાઓ’ (અજિત ઠાકોર). અનુવાદ : ‘વિભાષિણી’ (યુરોમેરિકન કાવ્યાનુવાદ)

વાર્તાકારનો યુગસંદર્ભ :

વીસમી સદીના નવમા દાયકાની શરૂઆત સાથે ગુજરાતી ટૂંકી વાર્તાનું વળુ પલટાવા લાગે છે. આધુનિક ટૂંકી વાર્તાની દુર્બોધતા, સંકુલતા અને અરૂઢ રચનાપ્રયુક્તિઓની અતિશયતામાંથી ટૂંકી વાર્તાને ઉગારવા નવી પેઢીના વાર્તાકારો આગળ આવે છે. ગુજરાતી ટૂંકી વાર્તાનું નવું કલેવર ઘડવાની મથામણ શરૂ થાય છે. વીસમી સદીના અંતિમ બે દાયકા અને આજપર્યંતના સમયખંડમાં સર્જાયેલ ગુજરાતી સાહિત્યને ‘અનુઆધુનિક સાહિત્ય’ની સંજ્ઞા મળી છે. ‘પરિષ્કૃતિ’ની વિભાવના સાથે ‘પરિષ્કૃત ટૂંકીવાર્તા’નું આંદોલન ગુજરાતી ટૂંકી વાર્તાને એક નવો યુગસંદર્ભ આપે છે. દલિતચેતના, નારીચેતના અને ગ્રામચેતનાનાં પ્રમુખ સંવેદનો સાથે ગુજરાતી ટૂંકી વાર્તાનો નવો અધ્યાય આ તબક્કામાં રચાયો છે. ‘શુદ્ધ કલાત્મક ‘વાર્તા’ રચવાની ખેવના સાથે આ યુગના વાર્તાકારોએ વાર્તાસર્જન કર્યું. અજિત ઠાકોર આ પેઢીના એક સશક્ત વાર્તાકાર સિદ્ધ થયાં છે.

ટૂંકી વાર્તા અંગે અજિત ઠાકોરની સમજ :

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત મનભાવન શ્રેણી અંતર્ગત ‘ચૂંટેલી વાર્તાઓ-અજિત ઠાકોર’ ચયનમાં સ્વયં અજિત ઠાકોરે પોતાની વાર્તા વિશેની સમજણ કંઈક આ રીતે વ્યક્ત કરી છે : “વાર્તાયિત થવાની પ્રક્રિયા મારામાં બે રીતે, બે છેડેથી સંભવે છે : ભાવકેન્દ્ર-સમસ્યાથી ઘટના-ચરિત્ર-પરિવેશ ને પરિસ્થિતિ રૂપે વિસ્તરવું, વિકસવું. આ કેન્દ્રોત્સારી વ્યાપાર કહેવાય. કોઈ ભાવ-સમસ્યા-પીડા-કુંઠા જાગે, ઝણકે, ઘેરી વળે. હું એને Concevie કરું. એમાં તન્મય થાઉં, અનુભવ્યા–નીરખ્યા કરું. વિક્ષેપ પડે ત્યારે અનુસંધિત થાઉં, એકાગ્ર થવાય, ચિત્ત એમાં રમવા માંડે એની રાહ જોઉં. મૂળ ભાવ સાથે જાતને ઓળઘોળ કરું... ક્યારેક વળી ઘટના-ચરિત્ર-પરિસ્થિતિથી ભાવ સુધી પહોંચવાનું થાય, વાર્તાવ્યાપાર કેન્દ્રગામી બને. કોઈ ઘટના ખળભળાવી મૂકે. એ વેળા એ બીજભૂત ઘટના-પરિસ્થિતિને Conceive કરું. એના મૂળમાં રહેલી કુંઠા-પીડા-સમસ્યા સુધી પહોંચું. વાર્તાવસ્તુ મારામાં પ્રસર્યા કરે, હું એમાં પ્રસરું. એમ કરતાં Focal point જડી જાય. પછી એ વૃત્તાંતનું નવઘટન કરું...”

‘તખુની વાર્તા’નો પરિચય :

Takhu-ni Vaarta by Ajitsinh Thakor - Book Cover.jpg

‘તખુની વાર્તા’ સંગ્રહ વર્ષ ૨૦૦૬માં નવભારત સાહિત્યમંદિર, અમદાવાદ દ્વારા પ્રકાશિત થયો છે. તેમાં બધી મળીને બાર (૧૨) વાર્તાઓ સંગૃહીત છે. બારેય વાર્તાઓનું વિષયવસ્તુ ‘તખુ’ની આસપાસ વણાયેલું છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે તખુની ઉપસ્થિતિ આ વાર્તાઓના ભાવવિશ્વને ગૂંથે છે. ‘તખુ’નું ચરિત્ર આ વાર્તાઓનું કેન્દ્રબિન્દુ બન્યું છે. સંગ્રહની પ્રથમ વાર્તા ‘પોપડો’માં વતનઘરની સમાન્તરે જર્જરિત થયેલા કૌટુંબિક સંબંધોની પીડા તખુની ભાવસ્થિતિ અને મનોજગતના સબળ આલેખનથી પ્રભાવક નીવડી છે. તરુણાવસ્થાની જાતીય સંવેદનાનું અને વિજાતીય આકર્ષણનું વસ્તુ ‘ભીંગારો’ વાર્તામાં આસ્વાદ્ય બન્યું છે. તરુણ તખુનું મન અને હૃદય આ વાર્તામાં રસપ્રદ રીતે વ્યંજિત થયું છે. તખુ અને તેના ભાઈઓ વચ્ચેના સંબંધોમાં પ્રવેશી ચૂકેલી રુગ્ણતાને ‘ગૂમડું’ વાર્તામાં સર્જકે કુશળતાથી અંકિત કરી છે. તખુના ઘૂંટણ પરનું ગૂમડું આ વાર્તાની સંવેદનાને વ્યક્ત કરવામાં ચાલકબળ બન્યું છે. ‘ખરજવું’ વાર્તામાં સદાનંદ અને પુષ્પાની સન્નિધિએ તખુની મનો-શારીરિક સાંવેગિક ખંજવાળને અસરકારક શબ્દરૂપ મળ્યું છે. ‘ભમરી’ વાર્તામાં સગી અને ઓરમાન માની વચ્ચે તખુ અને તેના પિતાના પલટાતા સંબંધોનું જગત આલેખન પામ્યું છે. ભાઈ-બહેનના સંબંધની સમાંતરે મામા-ભાણિયાની મમતાને અપશુકનિયા ઝાડ તરીકે ‘કરેણ’ વાર્તામાં સારી રીતે ઉપસાવી છે. અહીં પણ તખુનો સગી મા તેજુ અને અપરમા સાથેનો ભાવાનુબંધ પ્રભાવક નીવડ્યો છે. મામાના ગામ, મોસાળનો પરિવેશ અને મામા-ફઈના ભારુઓની કથા ‘નખ’ વાર્તામાં તખુને કેન્દ્રમાં રાખીને આલેખી છે. દિયર-ભાભીના જાતીય સ્ખલનની ભાવસ્થિતિને તાકતી વાર્તા ‘માવઠું’ પણ અજિત ઠાકોરની એક નોંધપાત્ર વાર્તા છે. આ વાર્તામાં પરિવેશનો અસરકારક વિનિયોગ વાર્તાની વિશેષતા બનીને ઊપસે છે. તખુ અને તેની ભાભીના શારીરિક આવેગોને આલેખતી આ વાર્તા સંબંધની એક સીમારેખા પાસે આવીને અટકી જાય તેમાં સર્જકનો કલાસંયમ નોંધવા જેવો છે. ‘અંગૂઠો’ વાર્તામાં ભાસાહેબના સામંતી શોષક વ્યક્તિત્વની સાથે તખુની તરુણાઈની પીડા વાર્તારસ જન્માવે છે. ખેતીના અસબાબ અને પરિવેશ સાથે ભાસાહેબની સ્વાર્થવૃત્તિને ઉજાગર કરતી ‘રજોટી’ વાર્તાનું સંવેદન પણ તખુની સાક્ષીએ જ નિરૂપિત થયું છે. ‘રીવેટ’ વાર્તામાં ભાસાહેબની બદલાની ભાવના વિષય બનીને આવી છે. નાનપણમાં ચુનીલાલે રમેલી રીવેટની રમત ભાસાહેબ જિંદગીભર ભૂલ્યા નથી અને લાગ જોઈને તેઓ ચુનીલાલને બરાબરની રીવેટ લગાવી દે છે એવી વ્યંજના ઉઘાડતી આ વાર્તા સામંતી માનસનો પડઘો પડે છે. સંગ્રહની અંતિમ વાર્તા ‘દૂંટી’માં તખુ અને તેના ભાઈઓના મા સાથેના વિચ્છેદ થઈ રહેલા સંબંધનું ભાવચિત્ર રસપ્રદ બન્યું છે. માની પેટ પીડા(દૂંટી) સાથે તખુની સમસંવેદના આ વાર્તામાં ઘેરી વેદના ઉપસાવે છે. આમ, સંગ્રહની બારેય વાર્તાઓમાં મુખ્યત્વે કુટુંબના પરિવારજનો સાથે જોડાયેલી લાગણીઓ કલાત્મક રીતે અભિવ્યંજિત થઈ છે. તખુના કેન્દ્રથી મોટેભાગે આ વાર્તાઓની સંવેદનરેખા વિસ્તરી છે. ‘તખુની વાર્તા’ સંગ્રહ પછી પણ ‘તખુ’ ધારાની વાર્તાઓ અજિત ઠાકોર પાસેથી મળતી રહી જે ગુજરાતી સાહિત્યિક સામયિકોનાં પૃષ્ઠો પર પ્રકાશિત થઈ રહી છે. ‘પીંડલું’, વાર્તાનો તખુ વ્યાધિગ્રસ્ત છે. એકધારા તાવ અને ખાંસીને કારણે શરીર કૃશ થઈ ગયું છે. નાનો ભાઈ ખુમાન ડૉક્ટર છે તો વતનમાં તેને જ બતાવી જોવા તેજુના આગ્રહથી તખુ જાય તો છે પણ એક જ માની કૂખે જનમનાળથી જોડાયેલા સગા ભાઈઓના સંબંધોમાં વ્યાપ્ત વિચ્છેદનના તાંતણાઓએ વિકટ ગૂંચ રચી દીધી છે. ‘પીંડલું’ શીર્ષક તખુના ગૂંચવાઈ ગયેલાં-રુગ્ણાઈ ગયેલાં અસ્તિત્વને વ્યંજિત કરે છે. ‘મંકોડા’, વાર્તામાં તખુને મળેલી દાદાની વારસાઈ વ્યાધિ ડાયાબિટીસની સમાંતરે તખુના આંતરસંવેદનને વાર્તાક્ષણ બનાવવાનો સર્જકનો પ્રયાસ સ્તુત્ય છે. જલેબી-ફાફડા, માલપૂડો, જીભને સ્વાદ, પેશાબનો રંગ અને ખુમાનની ડૉક્ટરી આ વાર્તાની ગતિને સંતુલિત રાખવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે, તો તેજુ, વીજુ, કાનજીમામા, ભાભી જેવાં અન્ય પાત્રોની ઉપસ્થિતિ વાર્તાને ઉપકારક બની રહી છે. ‘મંકોડા’નું પ્રતીક તખુ અને પરિવારજનોની રુગ્ણ મનોદશાનું વ્યંજક બન્યું છે. ‘ખૂંટી’, વાર્તા આમ જોઈએ તો ‘દૂંટી’ વાર્તાનું જ વિસ્તરિત પરિમાણ લાગે. મા અને માના ખોળા જેવા વતનઘરની ખૂંટી સાથે જોડાયેલું તખુનું ભાવજગત આ વાર્તાને આસ્વાદ્ય બનાવે છે. અલબત્ત, વાર્તાની રચનારીતિ એ જ ચિરપરિચિત છે જેને કારણે એકવિધતાનો અનુભવ કરાવે છે. છેદભંગિમા, વિચ્છેદભંગિમા અને ઉચ્છેદભંગિમા – એમ ત્રણ ભણિતિની સંરચનામાં ગૂંથાયેલી ‘પથરી’ વાર્તામાં તખુની વિદ્યાકીય નૈતિકતાનું દર્શન થાય છે. સંસ્કૃતના વિદ્વાન પ્રોફેસર તરીકે તખુ આ વાર્તામાં વિદ્યાજગતમાં વ્યાપ્ત ‘ગોઠવણ’ના વિરૂપની વિડંબનાને ઉજાગર કરે છે. મુન્નો-મીલીન્દ અંગત પરિચિત ઉમેદવાર હોવા છતાં સંસ્કૃતના અધ્યાપક તરીકે યુનિવર્સિટી વિભાગમાં તેને પસંદ કરવાને બદલે તખુ પસંદગી સમિતિ સામે મીલીન્દની પોલ ખોલી તેને ગેરલાયક સિદ્ધ કરે છે. વાર્તાનું શીર્ષક ‘પથરી’ તખુની સ્વયમ્‌ની અસહ્ય શારીરિક વ્યાધિ અને માનસિક ઉપાધિના રૂપમાં કરુણને વ્યક્ત કરે છે. એકેડૅમિક પરિવેશને આલેખતી આ વાર્તાનું ભાષાપોત પણ માણવા જેવું છે. તેમાં રહેલી તિર્યકતા અને મર્મ આસ્વાદ્ય બન્યાં છે. અજિત ઠાકોરની વાર્તાકલાનો સમર્થ પરિચય આપતી વાર્તા છે ‘ખીજડિયાદાદા’. લાંબી-ટૂંકી વાર્તાનું એક ઉત્તમ દૃષ્ટાંત આ વાર્તા છે. ‘પડવા’થી ‘પૂનમ’ સુધીના પંદર ખંડમાં વહેંચાયેલી આ વાર્તામાં સર્જકે ટૂંકી વાર્તાની ‘તાણ’ સર્જતું કથાનક સાદ્યંત જાળવ્યું છે. સાંપ્રત ધર્મસત્તા અને રાજ્યસત્તાના વિલક્ષણ ‘યોગ’ને કલાત્મક રીતે અભિવ્યંજિત કરતી આ વાર્તા ગુજરાતી અનુઆધુનિક ટૂંકી વાર્તાનું એક સુખદ આશ્ચર્ય બની છે. રાજ્યતંત્ર, અર્થતંત્ર, સમાજવ્યવસ્થા, શિક્ષણવ્યવસ્થા, નીતિશાસ્ત્ર આદિ કેન્દ્રો પર ચોક્કસ સંપ્રદાયોનું વર્ચસ્વ અને તેમાં પીસાતા ‘સામાન્ય’ માનવીની પીડા આ વાર્તામાં ઉપસાવી છે. કોઠારીસ્વામી અને ભાસાહેબની રાજરમતમાં ‘તખુ’ જેવો પ્રબુદ્ધ જનસામાન્ય પણ લાચાર બની આ લીલા જોયાં કરે તેવો ખેલ રચીને વાર્તાકારે કલાસંયમ દાખવ્યો છે. આ વાર્તાનું ગદ્ય ઘણી બધી રીતે વિલક્ષણ બન્યું છે. તળબોલીની અભિવ્યક્તિના બળુકા વિશેષો આ વાર્તાકારની સિદ્ધિ બન્યાં છે. ખાસ કરીને લક્ષણા શબ્દશક્તિના પ્રયોગો કે અલંકારો અને રૂઢિપ્રયોગોથી વિનિયોજિત આ વાર્તાનું ગદ્ય ઘણું જ આસ્વાદ્ય બન્યું છે. સામાજિક વાસ્તવની ધરાતલ પર કલ્પનોથ કથા રચીને તેને પ્રતીતિકર બનાવવાની કળા આ વાર્તામાં અજિત ઠાકોરે સફળ રીતે સિદ્ધ કરી છે.

‘તખુની વાર્તા’ની સમીક્ષા :

‘તખુની વાર્તા’ અનેકમાં એક છે. આર. કે. નારાયણની સ્વામી અને માલગુડીની વાર્તાઓની જેમ અજિત ઠાકોરના આ વાર્તાસંગ્રહમાં પણ ‘તખુ’ની વાર્તાઓ એક વાર્તાનું વિશિષ્ટ રૂપ છે. ગુજરાતી ટૂંકી વાર્તાને ‘પરિષ્કૃત’ કરવાના પ્રયાસમાં અને ખાસ તો આઝાદી પછીના સમયગાળામાં રાજપૂતી સમાજની પલટાયેલી પરિસ્થિતિઓમાં નોખી રીતે નિજી ઓળખ શોધવાની મથામણ આ વાતોમાં અજિત ઠાકોરે કરી છે. પોતાના કુળ-મૂળની કથા કહેવા માટે ‘તખુ’ તો એક મહોરું બનીને આવે છે. સ્વાનુભવને સર્વાનુભવ કરવા માટેનો કલાકીય કારસો આ વાર્તાઓ થકી અજિત ઠાકોરે કર્યો છે. પારિવારિક સંબંધોના વિચ્છેદન અને રુગ્ણતાની વેદના-સંવેદના આ વાર્તાઓમાં મુખ્ય વિષય સામગ્રી બનીને આવી છે. થોડી વાર્તાઓ વિજાતીય આકર્ષણ અને જાતીય સંવેદનને પણ વિષય બનાવે છે. ત્રણેક વાર્તામાં શોષક-શોષિત વર્ગની વિષમ પરિસ્થિતિઓ વાર્તાનું વસ્તુ બની છે. અહીં મોટાભાગની વાર્તાઓમાં તખુ જ મુખ્ય ચરિત્ર છે. જુદી જુદી વાર્તાઓમાં તખુના ચરિત્રની વિધવિધ રેખાઓ જે તે વાર્તાની સંવેદના સાથે સંયોજીને રસાત્મક રીતે ઉઘાડી છે. તખુ સિવાય વાર્તાઓમાં આલેખન પામતાં અન્ય ચરિત્રો વાર્તાની ગરજે ખપ પૂરતાં યોજીને વાર્તાકારે પોતાનો કસબ દર્શાવ્યો છે. તખુ સિવાય ભાસાહેબનું ચરિત્ર ત્રણેક વાર્તાઓમાં વિશિષ્ટ રીતે પ્રભાવ પાડે છે. મુખ્યત્વે પ્રથમ પુરુષની કથનરીતિમાં આ વાર્તાઓ આલેખાઈ છે. તખુને કથક બનાવી કહેવાયેલી આ વાર્તાઓમાં કથનકલાનો વિભાવ વિશિષ્ટ પ્રયુક્તિ બનીને ઊપસી આવ્યો છે. તળબોલીના ખટ-મીઠા સંસ્કારોમાં અભિવ્યક્ત આ વાર્તાઓની ભાષાશૈલી અનોખી મુદ્રા ધરાવે છે. પ્રતીકોનો બળુકો વિનિયોગ આ વાર્તાઓમાં જોઈ શકાય તેમ છે. સંગ્રહની બધી જ વાર્તાઓના શીર્ષકોમાં રહેલી પ્રતીકાત્મકતા ધ્યાન ખેંચે છે. વ્યંજનાસભર ગદ્ય આ વાર્તાઓનો એક વિશેષ છે. અલંકારો, કહેવતો અને રૂઢિપ્રયોગોથી ઓપતું ગદ્ય આ વાર્તાઓનો વિશેષ બન્યો છે. કથન-વર્ણન અને જરૂરિયાત મુજબના સંવાદોમાં ગૂંથાતી આ વાર્તાની સંરચના પણ અલગ અભ્યાસનો વિષય બને તેવી છે. લક્ષણા અને વ્યંજના શબ્દશક્તિના અનેક અર્થઘન પ્રયોગો આ સર્જકની વાર્તાઓમાં ધ્યાન ખેંચે છે. પંચેન્દ્રિયોથી સંવેદી શકાય તેવું કલ્પનપ્રચુર ગદ્ય આ વાર્તાઓને રસપ્રદ બનાવે છે. આ વાર્તાઓમાં મુખ્ય રસ તો કરુણ છે પરંતુ હાસ્ય અને શૃંગાર રસના આલેખનમાં પણ અજિત ઠાકોરની સર્જકતા બરાબરની કૉળી છે.

અજિત ઠાકોરની વાર્તાઓ વિશે વિવેચક :

અજિત ઠાકોરની વાર્તાઓ વિશે જુદા જુદા સમયે ભાવકો-અભ્યાસીઓ દ્વારા પ્રતિભાવો-નિરીક્ષણો પ્રગટ થતાં રહ્યાં છે. નવનીત જાની આ સંગ્રહ વિશેની સમીક્ષામાં આ વાર્તાઓ વિશે લાક્ષણિક નિરીક્ષણ આપતાં જણાવે છે કે, “વૈયક્તિક સંવેદનાનું બાહુલ્ય ધરાવતી આ વાર્તાઓ અંતર્મનનાં નિરીક્ષણોથી વિશેષ પરિવેશના નિરૂપણ પર આધારિત છે. કુટુંબજીવનના તણાવો, વતનપરસ્તી અને સામે પક્ષે વતનમાં અનુભવાતાં ઉપેક્ષા- અતડાપણું, ભાઈ-સ્વજનો વચ્ચે બેસી ગયેલો ભૌતિકવાદ અને એથી પ્રગટતાં સંકુચિત મનોવલણો પરિવેશ અને પ્રતીક વડે પ્રતીતિકર બન્યાં છે. અરૂઢ કલ્પન-પ્રતીકનો વિનિયોગ ધ્યાનપાત્ર છે. સંગ્રહની બારે વાર્તાઓનું કેન્દ્રભૂત સૂત્ર તખુ છે. આસપાસની, અંદર-બહારની રેખાઓ ઉકેલવા માટે પ્રયુક્તિરૂપે બધી વાર્તાઓમાં તખુનું પાત્ર ગૂંથતું-ગુંથાતું ચાલે છે છતાં દરેક વાર્તાનું સ્વાયત્તરૂપ પણ અકબંધ રહે તેની કાળજી વાર્તાકારે રાખી છે.” – નવનીત જાની
“ઘરની ચિંતાજનક સ્થિતિનો વાર્તાનાયક અતિવાસ્તવપૂર્ણ અનુભવ કરે છે. પાંચસાત કુરકુરિયાં ન્હોરથી ઘરના પોપડા ખણી રહ્યાં છે તેવું દિવાસ્વપ્ન જુએ છે. વાસ્તવની પ્રતિક્રિયા ચૈતસિક વાસ્તવરૂપે અનુભવે છે. વાર્તાને અંતે જુગુપ્સાનો ભાવ તીવ્રતમ બને છે. અહીં પણ નાયકના વિક્ષુબ્ધ ચિત્તની દશા મૂર્ત થાય છે. ઘર આખામાં ગૂમડાં ગૂમડાં ને તેમાં પોતાની માની નિઃસહાય દશા કરુણ જન્માવે છે.” – જયેશ ભોગાયતા (‘ગૂમડું’ વાર્તાસંદર્ભે ‘આવિર્ભાવ’માંથી, પૃ. ૧૧૪)
“ ‘તખુની વાર્તા’ની બાર વાર્તાઓ અજિતે અઢાર વરસની ધીરજથી લખી છે. ‘પરિષ્કૃતિ’ની વિભાવના આપનારાઓ પૈકી એક અજિત ઠાકોર પણ છે. આ બાર વાર્તાઓ કૃતિ અને સંસ્કૃતિથી આગળ વધીને પરિષ્કૃતિમાં પરિણમે છે તે વાચક જોઈ શકશે. અહીં તખુ નામના કિશોરની દૃષ્ટિએ દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજજીવનનું ચિત્ર ઉપસાવવાના બહાને સમગ્ર માનવજાતને પીડતી વિષમ પરિસ્થિતિઓ આલેખાઈ છે. અહીં માઇક્રો લેવલે આવતું કુટુંબ મેક્રો યુનિવર્સનાં બધાં લક્ષણો ધરાવે છે. ગામડાના આ કિશોર તખુને વીતરાગ(alienation)નો અનુભવ કરવા માટે શહેરની ભીડમાં જવાની જરૂર નથી પણ ભીડમાં આવી ગયેલા સંબંધો એને આ વીતરાગનો અનુભવ કરાવે છે.” – કિરીટ દૂધાત

સંદર્ભ :

(૧) ‘તખુની વાર્તા’, ઠાકોર, અજિત.
(૨) ‘ચૂંટેલી વાર્તાઓ અજિત ઠાકોર’, ઠાકોર અજિત (મનભાવન શ્રેણી ગુજરાત સાહિત્ય અકાદમી)
(૩) ‘ટૂંકી વાર્તા અને હું’ (‘શબ્દસૃષ્ટિ’ વિશેષાંક)
(૪) https://rekhtagujarati.org/
(૫) https://www.ekatrafoundation.org/p/takhuni-varta
(૬) ‘આવિર્ભાવ’, ભોગાયતા, જયેશ. ૨૦૦૬ પાર્શ્વ પબ્લિકેશન.

પ્રો. ડૉ. વિપુલ પુરોહિત
પ્રોફેસર
ગુજરાતી ભાષા-સાહિત્યભવન,
ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર
સંશોધક, વિવેચક
મો. ૯૧૦૬૫ ૦૬૦૯૪