ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/કૃષ્ણલાલ શ્રીધરાણી
કૃષ્ણલાલ શ્રીધરાણી
વેદાન્ત પુરોહિત
વાર્તાકાર પરિચય : કૃષ્ણલાલ શ્રીધરાણી (૧૬-૦૯-૧૯૧૧ – ર૩-૦૭-૧૯૬૦)
કૃષ્ણલાલ શ્રીધરાણીનો જન્મ ભાવનગરથી ૧૦ કિ.મી. દૂર ઉમરાળા ગામમાં એમના મોસાળે થયો હતો. તેમના પિતાનું નામ જેઠાલાલ હતું અને તે જાણીતા વકીલ હતા. માતાનું નામ લહેરીબહેન હતું તથા શ્રીધરાણીના કાકા આર્યસમાજમાં જોડાયેલા પ્રખર સુધારક હતા. શ્રીધરાણી આઠ વર્ષના હતા ત્યારે પિતા મૃત્યુ પામ્યા હોવાથી તે જૂનાગઢ તેમના મામાને ત્યાં રહ્યા. જૂનાગઢમાં ભણવામાં નાપાસ થયા બાદ શ્રીધરાણી દક્ષિણામૂર્તિ ભાવનગરથી માધ્યમિક શિક્ષણ મેળવે છે. ત્યારબાદ આગળ અભ્યાસ માટે તે ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાય છે. ત્યાંથી ઈ. સ. ૧૯૩૩માં શાંતિનિકેતન જઈ સ્નાતકની પદવી મેળવે છે. સ્નાતક થયા બાદ તે ન્યૂયોર્ક જાય છે અને ત્યાંથી એમ.એમ.ની પદવી મેળવી, કોલંબિયા યુનિ.થી એમ.એસ. થાય છે. ઈ. સ. ૧૯૪૦માં શ્રીધરાણી સમાજશાસ્ત્ર અને રાજકીય તત્ત્વજ્ઞાન વિષયમાં પીએચ.ડી. થાય છે અને દયારામ ગિદુમલનાં પુત્રી સુંદરી સાથે લગ્ન કરે છે. અમર અને કવિતા બંને તેમનાં સંતાનો છે.
શ્રીધરાણીનું સાહિત્યસર્જન :
ગુજરાતી સાહિત્યમાં નાટ્યકાર અને કવિ તરીકે ખ્યાતિ પામેલા શ્રીધરાણી પાસેથી ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષાનાં ઘણાં પુસ્તકો પ્રાપ્ત થયાં છે. જેમાં વિવિધ નાટ્યસંગ્રહ, કવિતાસંગ્રહ, એક વાર્તાસંગ્રહ અને કેટલાક અંગ્રેજી લેખોનાં પુસ્તકોનો સમાવેશ થાય છે. ઈ. સ. ૧૯૩૨માં પ્રગટ થયેલી તેમની લઘુનવલ ‘ઇન્સાન મિટા દુંગા’ અંગ્રેજ સરકાર દ્વારા જપ્ત કરવામાં આવી હતી. ત્યારબાદ ૧૯૫૫માં તે કૃતિ સાથે બીજી આઠ વાર્તા જોડીને ફરી પ્રકાશિત કરવામાં આવી. જે પુસ્તક તેમનો એકમાત્ર વાર્તાસંગ્રહ છે. શ્રીધરાણીને પોતાના સાહિત્ય માટે ઈ. સ. ૧૯૫૮માં રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો. નાટ્યસંગ્રહ : વડલો (૧૯૩૧), પીળાં પલાશ (બાળનાટક - ૧૯૩૩), મોરનાં ઇંડા (૧૯૩૪), પદ્મિની (૧૯૩૪) પિયોગોરી (સંગ્રહ ૧૯૪૭) કાવ્યસંગ્રહ : કોડિયાં (૧૯૩૫), હાથરસનો હાથી (સચિત્ર બાળકાવ્ય - ૧૯૩૫), પુનરાપિ (મરણોત્તર, ૧૯૩૧) અંગ્રેજી પુસ્તકો : War without Violence (૧૯૩૯), My India, My America (૧૯૪૧), Warning to the West (૧૯૪૨), The Mahatma and the World (૧૯૪૬), The big four of India (૧૯૫૧), etc
વાર્તાસંગ્રહ ‘ઇન્સાન મીટા દુંગા અને બીજી વાતો’ (૧૯૫૫) વિશે :
ઈ. સ. ૧૯૩રમાં શ્રીધરાણીની લઘુનવલ ‘ઇન્સાન મિટા દુંગા’ પ્રકાશિત થાય છે. પણ તેના પર અંગ્રેજ સરકાર દ્વારા પ્રતિબંધ લગાડવામાં આવે છે. એ પછી ઈ. સ. ૧૯૫૫માં આઝાદ ભારતમાં આ લઘુનવલ સાથે બીજી વાર્તા જોડીને ફરી ‘ઇન્સાન મિટા દુંગા અને બીજી વાતો’ શીર્ષકથી નવો વાર્તાસંગ્રહ પ્રગટ થાય છે. જે શ્રીધરાણીનો એકમાત્ર વાર્તાસંગ્રહ છે. જેમાંથી પહેલાં લઘુનવલ કે લાંબી વાર્તા કહી શકાય તેવી કૃતિ ‘ઇન્સાન મિટા દુંગા’ અને પછી આઠ જેટલી ટૂંકી વાર્તાઓ મળે છે. ધૂમકેતુના સમકાલીન આ સર્જક પાસેથી પ્રમાણમાં ઓછી વાર્તા મળે છે. પરંતુ ગુજરાતી સાહિત્યમાં શ્રીધરાણીનો સમય એ વાર્તાની શરૂઆતનો સમય હતો તેથી આ વાર્તાનો અભ્યાસ કરવો મહત્ત્વનો છે. શ્રીધરાણીની કેટલીક વાર્તામાં ધૂમકેતુ કે બીજા સમકાલીનની અસર પણ જોઈ શકાય છે. તો શ્રીધરાણીના એકમાત્ર વાર્તાસંગ્રહ વિશે હવે આપણે વિગતે ચર્ચા કરી તેનો પરિચય મેળવીએ. સંગ્રહનું શીર્ષક જે કૃતિ પરથી રાખવામાં આવ્યું છે તે પ્રથમ કૃતિ ‘ઇન્સાન મીટા દુંગા’ છે. શ્રીધરાણી આ કૃતિને Short Novel (લઘુનવલ) કહે છે પણ વાસ્તવમાં આ લાંબી વાર્તા કહી શકાય એવી કૃતિ છે. જેમાં ૩૧ નાનાં પ્રકરણમાં કથા વિસ્તાર પામી છે. કેદી તરીકે શ્રીધરાણીના સ્વ-અનુભવો આ કૃતિમાં વિવિધ રીતે પ્રગટ થયા છે. ૧૯૩૨માં પ્રગટ થયાના થોડા જ સમયમાં કૃતિને ઉશ્કેરણીજનક ગણાવી અંગ્રેજ સરકાર તેને જપ્ત કરે છે. આ કથામાં આમ તો જેલમાં રહેલા ઘણાં પાત્ર આવે છે. પરંતુ મુખ્ય કથા ગંગારામ તેનો પુત્ર જીવત અને સુબેદાર વચ્ચેની છે. જેલર તથા સુબેદારના અત્યાચાર દ્વારા શ્રીધરાણી તે વખતની જેલનું વાસ્તવિક ચિત્ર વાચક સામે મૂકી આપે છે. કૃતિની શરૂઆત ગંગારામ અને તેનો પુત્ર જીવત નિર્દોષ હોવા છતાં જેલમાં જાય છે ત્યાંથી થાય છે. એ પછી બનતા વિવિધ પ્રસંગો વચ્ચે સુબેદાર દ્વારા જીવતની હત્યા થાય છે અને તેને જેલમાં જ જમીનમાં દાટી દેવામાં આવે છે. આ વચ્ચે કથામાં સંતરામ અને તેનું હરણ, અંગ્રેજ મોટા સાહેબ, રઘુવીર, મુસો, સુલેમાન જેવાં પાત્રો આવે છે. આ કૃતિમાં વાર્તાકાર તરીકે શ્રીધરાણી ઘણા સક્ષમ દેખાયા છે. તો સાથે કૃતિનો વાર્તાપ્રવાહ પણ ઘણો પ્રવાહી છે. ગુજરાતી ભાષામાં જેલ જીવનની ખરી હકીકતો જણાવતી કૃતિઓ બહુ ઓછી છે એવામાં ‘ઇન્સાન મિટા દુંગા’ જેવી કૃતિ ઘણી મહત્ત્વની બની રહે છે. ભદ્ર સમાજના વ્યક્તિઓ અન્યાયનો ભોગ બને છે. ત્યારે કેવી રીતે ગુનાખોરી અને હિંસા તરફ વળે છે. તે પણ અહીંયા ઘણી અસરકારક રીતે દર્શાવવામાં આવ્યું છે. આ કૃતિ અંગ્રેજ સરકારની ન્યાયવ્યવસ્થાની એક સાચી છબી વાચકને આપે છે. કૃતિમાં પાત્રના મનોમંથનને બદલે તીવ્ર લાગણીથી ખેંચાતા પ્રસંગો વધારે આલેખાયા છે. તેથી જરૂરી ઊંડાણ કૃતિને મળ્યું નથી, છતાં દરેક પ્રસંગ વાચક્ને કરુણતાનો અનુભવ કરાવે છે. તો સુન્દરમ્ આ કૃતિ વિશે અવલોકના પૃ. ૩૩૪માં નોંધે છે, “ગુજરાતીમાં એ પ્રકારની કથનીઓમાં શ્રીધરાણીની જેલકથા કાલક્રમે બીજે કે ત્રીજે નંબરે આવે. ગુણદૃષ્ટ્યા કદાચ પહેલી આવે.” આમ, સંગ્રહની પ્રથમ કૃતિમાં જ શ્રીધરાણી એક સારા વાર્તાકાર તરીકેની પોતાની છબીની સ્થાપના કરે છે. પરંતુ પછીની વાર્તામાં આ કૃતિ જેવાં સમીકરણો મળતાં નથી. જેની ચર્ચા આગળ કરીશું. ‘સોનાનો સૂરજ” વાર્તા ખેડૂત પરિવારના જીવન પર આધારિત છે. વાર્તાની શરૂઆતના પ્રથમ ખંડમાં દેવાદાદાનો પરિવાર ખેતી કરી અને સમૃદ્ધિથી રહે છે તે દર્શાવ્યું છે. જેમાં પરિવારના દરેક સભ્યનો પરિચય અને તેની દિનચર્યા જેવી વિગતો આપી છે. વાર્તાના બીજા ખંડમાં પ્રથમ ખંડથી વિરુદ્ધ દૃશ્ય બતાવવામાં આવ્યું છે. જેમાં બાળપણમાં દેવાદાદા પાસે રમતો ફૂલ જેવો પૌત્ર લખુડો યુવાન થઈ ગયો છે અને નગરમાં અત્યંત ગરીબ હાલતમાં જીવન વિતાવે છે. આ પછી ત્રીજા ખંડમાં દેવા પટેલના પરિવારની આ કંગાળ, દેવાદાર પરિસ્થિતિ કેવી રીતે થઈ તેની વિગત જણાવી છે. સામાન્ય કક્ષાની કહી શકાય તેવી આ વાર્તામાં કોઈ ચમકારો જોવા મળતો નથી. આકર્ષક વર્ણન અને લોભામણા ગદ્યથી શ્રીધરાણી માત્ર બે વિરુદ્ધ પરિસ્થિતિનાં દૃશ્ય આપણી સમક્ષ રજૂ કરે છે. વાર્તા બનવા માટે જે તત્ત્વો કૃતિમાં હોવા જોઈએ તે અહીં જોઈ શકાતાં નથી. તો ચિનુ મોદી આ વાર્તા સંદર્ભે નોંધે છે કે, “વાર્તાનું તત્ત્વ શ્રીધરાણીના હાથમાંથી આ કૃતિ પૂરતું છટકી જ ગયું છે.” સાહિત્ય કે વાર્તા તત્ત્વની સમજ ના હોય તેવા વાચકને આ કૃતિ સરળ હોવાને લીધે પસંદ આવી શકે છે. પરંતુ સાહિત્યના ત્રાજવે આ વાર્તાને સામાન્યથી પણ નિમ્ન કક્ષાની કહી શકાય એવી છે.” ‘કુરબાની’ એ ઐતિહાસિક પ્રસંગને આધારે રચાયેલી કૃતિ છે. અત્યાચારી બાદશાહ ઔરંગઝેબના રાજ્યમાં હિંદુ લોકોને પરાણે મુસલમાન બનાવવામાં આવતા હતા. એવામાં શીખગુરુ તેગબહાદુર બાદશાહને મુસ્લિમ ધર્મ સ્વીકારવાનો ઇનકાર કરી, હસતે ચહેરે મૃત્યુ સ્વીકારે છે. ગુરુના બહાદુરીભર્યા મૃત્યુથી ઔરંગઝેબ વધારે ગુસ્સે થાય છે અને તેગબહાદુરની લાશને ચોક વચ્ચે સડવા મૂકી દે છે અને લાશને લઈ જનાર વ્યક્તિને પણ સજા થશે તેવું ફરમાન કરે છે. આ વાતની જાણ ગુરુ ગોવિંદસિંહને થાય છે અને તે જરા પણ ડર્યા વિના દિલ્હી પોતાના પિતાની લાશ લેવા માટે નીકળી પડે છે. દિલ્હીથી થોડા અંતર દૂર તેને એક પિતા-પુત્ર રસ્તામાં મળે છે. આ બંને ગોવિંદસિંહને દિલ્હી જતા અટકાવે છે અને તેગબહાદુરનો મૃતદેહ તે લઈ આવશે તેમ જણાવે છે. ગોવિંદસિંહ આ વાત માન્ય રાખે છે અને તે પિતા-પુત્ર બંને દિલ્હી જાય છે. મૃતદેહ પાસે પહોંચી બંને વિચારે છે કે જો અહીંથી લાશ જશે તો સૈનિકોને જાણ થઈ જશે તેથી પુત્ર અહીંયા લાશની જગ્યા લે એવી વાત થાય છે પણ આખરે તેના પિતા કુરબાની આપી તેગબહાદુરની લાશને ગુરુગોવિંદસિંહ સુધી પહોંચાડે છે. ઐતિહાસિક પ્રસંગ આધારિત આ વાર્તામાં અર્વાચીનયુગ કરતા મધ્યકાળ જેવું કથાનક જોઈ શકાય છે. ઘણી મધ્યકાલીન કૃતિમાં વિવિધ રીતે ઐતિહાસિક પ્રસંગો વ્યક્ત થયેલા છે. ત્યાં તે પદ્યમાં છે અને અહીંયા તે ગદ્યમાં છે. વાર્તાકાર અહીંયા પ્રભાવક રીતે ઘટના તો કહી આપે છે પરંતુ તે પ્રસંગમાં રહેલા સંઘર્ષનો તે યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નથી છતાં વાર્તા હૃદયસ્પર્શી છે અને વાર્તાનું શીર્ષક પણ વાર્તા સાથે યોગ્ય રીતે બંધબેસતું છે. વાર્તાકારનું રસમય ગદ્ય આ પ્રસંગને ભાવાત્મક કલાકૃતિ તરીકે આપણી સમક્ષ રાખવામાં મદદરૂપ થાય છે. તો કવિ શ્રીધરાણી વાર્તાકાર શ્રીધરાણીને મોટાભાગની વાર્તામાં મદદ કરતા જોઈ શકાય છે. ‘પીળું જાકીટ’ ગામડાથી શહેર તરફ જતા યુવાધનની કથા છે. ગામડાનો એક યુવાન ‘હરજી’ શહેરમાં ગયા પછી ઘણા સમય બાદ ગામડામાં આવે છે ત્યારે ગામડાના યુવાનો હરજીના વિશિષ્ટ શૈલીનાં કપડાં, ખાસ કરીને તેણે પહેરેલું પીળું જાકીટ, અલગ પ્રકારે કપાવેલા વાળ જોઈને પ્રભાવિત થાય છે. તો સામે પક્ષે હરજી પણ ગામનો કોઈ મહત્ત્વનો વ્યક્તિ હોય તેવું અનુભવે છે. હરજી ગામના યુવાનોને શહેરીજીવન વિશે, નાટક-સિનેમા વિશે વાતો કરે છે અને ગામડાના આ યુવાનોને પણ શહેર જવાનું ઘેલું લાગે છે. વાર્તાના અંતે ગામના વડીલો શહેર જવા આકર્ષાયેલ યુવાનોની જિદ વિશે ચર્ચા કરતા હોય છે. એ જ સમવે યુવાનો શહેર જવાની ટિકિટ ખરીદતા હોય છે અને વાર્તા પૂર્ણ થાય છે. શ્રીધરાણીની આ વાર્તા પર ધૂમકેતુની અસર જોઈ શકાય છે. એ વખતે શહેરમાં જવા વિશે માનવામાં આવતો વિચાર અહીં પ્રસ્તુત થયો છે. આઝાદી બાદ ઘણા યુવાનો શહેરમાં ચાલ્યા જતા અને તેથી ગામડાં ખાલી થઈ જતાં આ સાથે જ ગામડાથી શહેરમાં પહોંચી યુવાનો વિવિધ દૂષણનો ભોગ બને તે પણ વાર્તામાં દર્શાવ્યું છે. વાર્તામાં લેખક હરજીનું પાત્ર સરસ રીતે પ્રસ્તુત કરી શક્યા છે. હરજીમાંથી હરજીવનભાઈ થવાની ઘટના પણ પાત્રને ભાવક સમક્ષ પહોંચાડવામાં ઉપયોગી થાય છે. તો વાર્તાનું શીર્ષક ‘પીળું જાકીટ’ પણ એક પ્રતીક તરીકે જોઈ શકાય છે. હરજીના જાકીટથી જ સૌપ્રથમ ગામના યુવાનોને શહેર જવાની ઇચ્છા થાય છે. આમ શહેરી દૂષણ ગામડામાં પહોંચતા બતાવતી આ વાર્તાસંગ્રહની એક મહત્ત્વની વાર્તા બની રહે છે. ‘પેન્શન’ વાર્તા તેના મુખ્ય પાત્ર ઉમર જમાદારની કથા છે. ઉમર જમાદાર પરિવારમાં એકલો વ્યક્તિ છે. તેનાં સ્વજન એક પછી એક મૃત્યુ પામ્યાં છે. તેથી જીવનની એકલતાને જમાદાર પોતાના કામથી દૂર કરે છે. પોતાની ઉંમર થઈ હોવા છતાં તે પેન્શન સ્વીકારતો નથી અને કામ ચાલુ રાખે છે. પોતાના મનમાં રહેલા દુઃખને વ્યક્ત કરવા તે એક સ્ત્રીને બહેન બનાવે છે. પરંતુ થોડા સમયમાં તે પણ મૃત્યુ પામે છે. એટલે ઉમર વધારે દુઃખી થાય છે. તે બહેનની યાદી સ્વરૂપે તેની બકરી લાવે છે. તેને એક બકરો થાય છે. જેનું નામ ઉમર પોતાના મૃત પુત્રના નામ પરથી ‘અબ્દુલ’ રાખે છે. પણ અકસ્માતે એની હત્યા થાય છે, આટલા એક પછી એક આઘાત સહન કરી આખરે જમાદાર મૃત્યુ પામે છે. ગુજરાતી વાર્તાસાહિત્યથી પરિચિત વાચક જ્યારે આ વાર્તા વાંચે ત્યારે તરત જ તેને ધૂમકેતુની ‘ભૈયાદાદા’ વાર્તા યાદ આવે. બંને વાર્તાનાં મૂળ સંવેદનો એક જ છે. ધૂમકેતુના ભૈયાદાદા જેવું પાત્ર અહીં ઉમર જમાદાર છે. જીવનમાં આવતાં એક પછી એક દુઃખને સહન કરી, થાકીને, હાર માનીને વાર્તાને અંતે જમાદાર મૃત્યુ પામે છે. આ અંત ‘ભૈયાદાદા’ વાર્તામાં પણ જોઈ શકાય છે. ઝડપથી બનતી ઘટનાઓને કારણે ‘પેન્શન’ વાર્તા વાચકને જકડી તો રાખે છે. પરંતુ તે વાર્તાના સંવેદનોની અસરકારકતાને ઓછી કરે છે. ધૂમકેતુ જે રીતે ‘ભૈયાદાદા’માં વ્યક્ત થયા છે તેમ શ્રીધરાણી આ વાર્તામાં વ્યક્ત થતા નથી. તો આ વાર્તા વિશે વિવેચક રમણલાલ સોની ‘અકસ્માત પરંપરાથી મેલોડ્રામેટિક બનતી વાર્તા’ જેવા વિધાનનો પ્રયોગ કરે છે. ઘટનાઓના અતિક્રમણને લીધે વાર્તા થોડી નબળી જરૂર જણાય છે. પરંતુ વાચક જમાદારના કરુણ પાત્રનું દુઃખ વાંચવા સાથે જ અનુભવી શકે છે અને કદાચ આ જ વાર્તાની સફળતા થઈ કહેવાય. ‘બોલ્શેવિઝમ! બોલ્શેવિઝમ!’ રશિયન ક્રાંતિ અને રશિયન સાહિત્યથી પ્રભાવિત થયેલા વ્યક્તિ ઉમાનાથની કથા છે. ઉમાનાથ પોતે રશિયન વિચારધારાના ઊંડા જાણકાર છે અને આ વિચારધારાના સમર્થક પણ છે. એવી વાતો કરતા રહે છે. ગરીબીને કારણે ચોરી કરતાં પકડાયેલા વ્યક્તિને તે ગુનેગાર માનવાનો પણ ઇનકાર કરે છે. પોતે સામ્યવાદી વિચારધારા જેવી બાબતો વિશે ઉપદેશ આપવાની શૈલીમાં વાતો કરે છે. પરંતુ જ્યારે કથક સાથે તે પોતાને ઘેર જાય છે. ત્યારે ઘરમાંથી જ સાબુની ચોરી કરતા પકડાયેલા પોતાના પુત્ર પર ઘણો ગુસ્સો ઠાલવતા ઉમાનાથને જોઈ કથક તેની મશ્કરી કરી ચાલ્યો જાય છે. આમ, આ વાર્તા દ્વારા શ્રીધરાણી આચાર અને વિચાર વચ્ચેના ભેદને ભાવક સમક્ષ એક કટાક્ષ દ્વારા રજૂ કરે છે. ઉમાનાથનું દંભી પાત્રાલેખન અને શ્રીધરાણીની ભાષા વાર્તામાં વિશેષ રસ ઉપજાવે છે. આખી વાર્તામાં મોટી મોટી વાતો કરતા ઉમાનાથની ખરી વૃત્તિ એક સાબુની ચોરીથી પ્રગટ કરી રમૂજી કટાક્ષ વડે વાર્તાનો અંત થાય છે. તો સાથે સાથે વાર્તા વાચકોને એ પણ જણાવે છે કે કોઈપણ ક્રાંતિકારી વિચારને વાંચવાથી કે તેની વાતો કરવાથી, તેનું અનુકરણ કરી જીવનમાં ઉતારવો તે બંને ઘણી ભિન્ન બાબતો છે. ‘કરદેજ’ વાર્તા નાયકની સ્મૃતિના દૃશ્યથી શરૂ થાય છે. વાર્તાનાયક પરીક્ષાઓ પૂર્ણ કરી પોતાને મોસાળ જતો હોય છે. ત્યારે મુસાફરી દરમિયાન મોસાળમાં ગાળેલી પોતાની બાળપણની સ્મૃતિમાં પહોંચી જાય છે. સ્ટેશન નજીક આવવાથી તે ફરી વર્તમાનમાં પ્રવેશે છે. ત્યારે તેમના મોસાળ ‘કરદેજ’ ગામની સ્થિતિ પોતાની સ્મૃતિથી કંઈક અલગ જ થઈ ગઈ હોય છે. એક સમયનું મનને શાંતિ આપતું ગામડું ‘કરદેજ’ હવે શહેર બની ગયું છે. કરદેજની આ સ્થિતિ નાયકને પસંદ આવતી નથી. આખરે તે ત્યાં વધારે દિવસ રહેતો નથી અને ફરી ચાલ્યો જાય છે. ગામડામાં પ્રવેશતા શહેરને દર્શાવતી આ સંગ્રહની બીજી વાર્તા છે. વાર્તાકાર ‘પીળાં જાકીટ’માં પણ આ જ વિચાર પ્રસ્તુત કરે છે. પણ આ વાર્તામાં તે વિચાર પ્રસ્તુત કરવાની ટેક્નિક થોડી નોખી છે. જો કે બે અલગ અલગ દૃશ્યો વડે વાર્તા રજૂ કરવી એ ટેક્નિક ‘સોનાનો સૂરજ’ વાર્તામાં પણ ઉપયોગમાં લેવાયેલી છે. પરંતુ અહીંયા જૂના ગામડાનું દૃશ્ય લેખક નાયકની સ્મૃતિ રૂપે રજૂ કરે છે. વાર્તામાં નાયકે ભૂતકાળમાં જોયેલાં અને જીવેલાં વિવિધ સ્થળો શહેરીકરણ થતાં ઘણાં બદલાઈ જાય છે. આ ભૂતકાળ અને વર્તમાનની તુલના વાર્તામાં ભાવકનો રસ જાળવી રાખે છે. આ વાર્તા વિશે ચિનુ મોદી કહે છે કે, “આ કૃતિ લાગણીમાંદ્ય પ્રગટ કરતી કૃતિ હોવાથી મને રસ પડતો નથી.” જ્યારે કોઈ સામાન્ય વાચક/ભાવકની દૃષ્ટિએ આ વાર્તા જોઈએ તો ગામડાનું શહેરીકરણ દર્શાવતા વિચારને આ વાર્તા દ્વારા શ્રીધરાણી અસરકારક રીતે રજૂ કરી શક્યા છે. ‘ગડદિયો’ સમાજના બે વર્ગ વચ્ચે રહેલા ભેદને દર્શાવતી વાર્તા છે. વાર્તા મૂળ એક જ ઘટનાની બનેલી છે. શેરીની છેલ્લે એક ઘર છે તે શેરીના બધા ઘરથી ઝાંખું દેખાઈ રહ્યું છે. તેમાં વૃદ્ધ માતા તથા તેનો પુત્ર રહે છે. ધનતેરસના દિવસે પુત્ર માતા પાસે ગડદિયો લેવા માટે હઠ કરી રડી રહ્યો છે. પુત્રને રડતો જોઈને માતા નવા વર્ષના દિવસે મીઠાઈ ખરીદવા માટે બચાવેલ એક રૂપિયો પુત્રને ગડદિયો ખરીદવા માટે આપી દે છે. પુત્ર ખુશ થઈને ગડદિયો લાવે છે પણ તેને ફોડવા જતાં મૃત્યુ પામે છે. પુત્રના મૃત્યુના દુઃખમાં માતા પણ પોતાના પ્રાણ ત્યાગે છે. આ કરુણાંત વાર્તાનું કથાનક સરળ-સાદું છે. વાર્તાકાર સમાજના ઉપલા (ધનવાન) વર્ગની સરખામણી કરતાં ગરીબ વર્ગની સ્થિતિ કેવી થાય છે. તે આ વાર્તાની ઘટના દ્વારા કહી જાય છે. વાર્તાને વધારે કરુણ અંત આપવા બે-બે મૃત્યુનું આલેખન કરવામાં આવ્યું છે. જ્યારે કોઈ મધ્યમ કે ગરીબ વર્ગના લોકો ધનવાન વર્ગની બરાબરી કરે છે. ત્યારે તેની હાલત મૃત્યુ જેવી જ થઈ જાય છે. આમ પણ આપણે આ મૃત્યુને જોઈ શકીએ છીએ. વાર્તાની શરૂઆતમાં જ લેખક અન્ય લોકોનાં ઘર અને ગરીબ માતાના ઘરનું વર્ણન કરી બે વર્ગ વચ્ચેનો ભેદ સુંદર રીતે દર્શાવે છે. તો વાર્તાને અંતે વાર્તાકાર એક ચમકાર પણ સ્થાપિત કરી શક્યા છે. આમ આ વાર્તા અન્ય વાર્તા કરતાં ઘણી સરળ અને સફળ ગણી શકાય છે. ‘એ કેમ બન્યું?’ સંગ્રહની છેલ્લી કૃતિ છે. આ કૃતિ કોઈ કાલ્પનિક વાર્તા નથી. પરંતુ ગાંધીજીની ધરપકડની વાસ્તવિક ઘટનાનું વર્ણન છે. જ્યારે અંગ્રેજ સરકારના અધિકારી ઘણા સિપાહીને લઈ ગાંધીજીને પકડવા આવે છે ત્યારે પણ ગાંધીજી શાંત અને સામાન્ય વર્તન કરે છે. ઉપરાંત અંગ્રેજ અધિકારીની પરવાનગી મેળવી તે સવારની પ્રાર્થના કરે છે અને પછી સિપાહી સાથે ચાલ્યા જાય છે. શ્રીધરાણીનું વર્ણન અહીંયાં ઘણું વાસ્તવિક અને રસમય ગદ્ય સાથેનું છે તેથી વાંચતી વખતે વાચકને રસ પડે છે. પરંતુ સંગ્રહની બીજી વાર્તા સાથે આ કૃતિનું હોવું થોડું અયોગ્ય જણાય છે. આ સંગ્રહમાં જ ‘કુરબાની’ વાર્તામાં પણ શ્રીધરાણી હકીકતમાં બનેલો પ્રસંગ આલેખે છે. પણ તેનું વર્ણન અને શૈલી વાર્તાકારનાં પોતાનાં છે. જ્યારે ‘એ કેમ બન્યું?’ કૃતિ એક રીતે વાર્તા તરીકે સ્વીકારી શકાય નહીં. આમ, શ્રીધરાણી પાસેથી આપણને માત્ર એક જ વાર્તાસંગ્રહ મળે છે. આ સંગ્રહની વાર્તાનો અભ્યાસ કરીએ તો આ બધી વાર્તાઓ તેમની સમકાલીન વાર્તા કરતાં ઘણી નબળી લાગે. શ્રીધરાણી નાટ્યકાર છે, કવિ છે. તેથી તેમની આ કુશળતાનો ફાયદો વાર્તાને મળતાં વાર્તાનું ગદ્ય, સંવાદ અને વર્ણન ઘણાં સારાં છે. પરંતુ સારા સંવાદથી કે સુંદર વર્ણનથી વાર્તા સફળ બની જતી નથી. તેમાં જરૂરી સંઘર્ષ શ્રીધરાણી જોડી શક્યા નથી. જે રીતે કવિને લાગણીનો વ્યાપાર શોભે એવી રીતે વાર્તાકારને શોભે નહિ. પણ શ્રીધરાણીની વાર્તામાં આ લાગણી-વ્યાપાર જરૂરથી વધારે છે અને જે વાર્તા માટે ઉપકારક સાબિત થયો નથી. છતાં ઘણી વાર્તામાં શ્રીધરાણી એક સારા વાર્તાકાર તરીકે દેખાયા છે. ‘ઇન્સાન મિટા દુંગા’ કે પછી ‘ગડદિયો’ જેવી કૃતિમાં શ્રીધરાણીની વાર્તા સુવ્યવસ્થિત રીતે વ્યક્ત થયેલી જોઈ શકાય છે અને વાર્તામાં સંઘર્ષની ક્ષણનો તે યોગ્ય ઉપયોગ કરી શક્યા છે. તો ‘એ કેમ બન્યું?’ જેવી કૃતિમાં ક્યાંકને ક્યાંક એ સમયની વાર્તાની અપૂરતી સમજ દેખાઈ આવે છે. શ્રીધરાણી નાટ્યકાર અને કવિ તરીકે જેટલા પ્રખ્યાત થયા છે. એવી રીતે વાર્તાકાર તરીકે ખ્યાતિ પામ્યા નથી. આનું કારણ તેમની ઓછી વાર્તા અને વાર્તાકલાની અપૂરતી સમજને ગણાવી શકાય છે. સાહિત્યિક અભ્યાસ સિવાય વાત કરીએ તો શ્રીધરાણીની વાર્તા વાચકને મનોરંજન આપે છે. પણ એમાં વાર્તા તત્ત્વનો અભાવ જોઈ શકાય છે. અંતે આ સંગ્રહ વિશે ચિનુ મોદીએ નોંધેલ વિધાનથી વાત પૂર્ણ કરીએ, “ટૂંકમાં ‘ઇન્સાન મિટા દુંગા’ એ પહેલી કૃતિ સિવાય અન્ય કૃતિઓમાં ભાગ્યે જ શ્રીધરણા વાર્તાકાર સિદ્ધ થાય છે. ચરિત્ર અને પ્રસંગે જ એમને આ ગદ્ય લખાણો લખવા પ્રેર્યા છે, એ સ્પષ્ટ છે.”
વેદાન્ત એ. પુરોહિત
એમ.એ. ગુજરાતી
(મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા)
GSET-૨૦૨૩, Qualified
Email : vedantpurohit૨૧૧૨@gmail.com