ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ચન્દ્રકાન્ત શેઠ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
‘એ બાલ્કનીવાળી છોકરી અને...’ :
ચંદ્રકાન્ત શેઠ

આકાશ રણજિતસિંહ રાઠોડ

Chandrakant Sheth 2.jpg


શેઠ ચંદ્રકાન્ત ત્રિકમલાલ (જ. ૩-૨-૧૯૩૮ – અવ. ૨-૮-૨૦૨૪)
‘આર્યપુત્ર’, ‘નંદ સામવેદી’, ‘બાલચંદ્ર’ :

યુગપ્રતિનિધિ સર્જક કવિ, નિબંધકાર, વિવેચક, સંપાદક ચંદ્રકાન્ત શેઠનો જન્મ તા. ૩-૨-૧૯૩૮ના રોજ પંચમહાલ જિલ્લાના કાલોલ મુકામે થયો. એમનું મૂળ વતન ખેડા જિલ્લાનું ઠાસરા ગામ. ૧૯૫૪માં મૅટ્રિક થયા. ૧૯૫૮માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. અને ૧૯૬૧માં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. ૧૯૭૯માં ‘ઉમાશંકર જોશી-સર્જક અને વિવેચક’ વિષય પર ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિદ્યાવાચસ્પતિ (Ph.D.)ની પદવી મેળવી. દરમિયાન તેઓએ ૧૯૬૧-૬૨માં સૅન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદમાં ખંડસમયના અધ્યાપક તરીકે ફરજ બજાવી. ત્યારબાદ ૧૯૬૨-૬૩માં કપડવંજ કૉલેજમાં, ૧૯૬૩થી ૧૯૬૬ સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં, ૧૯૬૬થી ૧૯૭૨ સુધી ભક્ત વલ્લભ ધોળા કૉલેજમાં અને ૧૯૭૨થી ૧૯૭૯ સુધી પુનઃ ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક રહ્યા હતા. તેમની સાહિત્યિક પ્રવૃત્તિઓ પર નજર કરીએ તો ૧૯૭૯થી ૧૯૮૪ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત. ક. લા. સ્વાધ્યાયમંદિરમાં નિયામકપદે રહ્યા. તેમના ઉત્કૃષ્ટ સાહિત્યસર્જન સંદર્ભે તેમને અનેક સન્માન અને પારિતોષિકોથી નવાજવામાં આવ્યા છે. જેમાં કુમાર સુવર્ણચંદ્રક (૧૯૬૪), નર્મદ સુવર્ણચંદ્રક (૧૯૮૩), રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૮૫), ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર (૧૯૮૪-૮૫), સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૮૬), ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક (૧૯૮૬), નરસિંહ મહેતા ઍવૉર્ડ (૨૦૦૫), સાહિત્ય ગૌરવ પુરસ્કાર (૨૦૦૬) સામેલ છે. તા. ૨-૮-૨૦૨૪ના રોજ ૮૫ વર્ષની જૈફ વયે એમનું અવસાન થયું.

સાહિત્યસર્જન
કવિતા

પવનરૂપેરી (૧૯૭૨), ઊઘડતી દીવાલો (૧૯૭૪), પ્રૌઢશિક્ષણ ગીતમાળા (૧૯૮૬), પડઘાની પેલે પાર (૧૯૮૭), ગગન ખોલતી બારી (૧૯૯૦), સાક્ષરતાનાં ગીતો (૧૯૯૦), એક ટહુકો પંડમાં (૧૯૯૬), શગે એક ઝળહળીએ (૧૯૯૯) ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય (૨૦૦૪), જળ વાદળ ને વીજ (૨૦૦૫), ગગન ધરા પર તડકા નીચે (૨૦૦૮), ભીની હવા, ભીના શ્વાસ (૨૦૦૮), ચિદાકાશનાં ચાંદરણાં (૨૦૧૨), હદમાં અનહદ (૨૦૧૫).

એકાંકી

સ્વપ્નપિંજર (૧૯૮૩)

ટૂંકી વાર્તા

એ બાલ્કનીવાળી છોકરી અને... (૧૯૯૫)

હાસ્યકથા

એ અને હું (૧૯૯૧)

નિબંધસાહિત્ય

નંદ સામવેદી (૧૯૮૦), ચહેરા ભીતર ચહેરા (૧૯૮૬), હેત અને હળવાશ (૧૯૯૦), વહાલ અને વિનોદ (૧૯૯૫), વાણીનું સત વાણીની શક્તિ (૧૯૯૬), ગુણ અને ગરિમા (૧૯૯૭), કાંકરીચાળો ને પથ્થરમારો (૨૦૦૫), હળવી કલમનાં ફૂલ (૨૦૦૫), અખંડ દીવા (૨૦૧૧), રૂડી જણસો જીવતરની (૨૦૧૩), અત્તરની સુવાસ (૨૦૧૫), દીવે દીવે દેવ (૨૦૧૫), આપણું અત્તર આપણી સુવાસ (૨૦૧૬).

ચરિત્રાત્મક લેખો

ગુજરાતની અસ્મિતાના જ્યોતિર્ધરો (૧૯૯૨), ધરતીના ચાંદ, ધરતીના સૂરજ (૧૯૯૬), ગાંધીજીનાં પ્રેરણાતીર્થો (૨૦૦૯), સારસ્વતવંદના (૨૦૦૯), કવિ ઉમાશંકર જોશી (૨૦૧૦)

સંસ્મરણો

ધૂળમાંની પગલીઓ (૧૯૮૪)

વિવેચન-સંશોધન

ગુજરાતીમાં વિરામચિહ્‌નો (મોહનભાઈ શં. પટેલ સાથે) ૧૯૭૩ કાવ્યપ્રત્યક્ષ (૧૯૭૬), અર્થાન્તર (૧૯૭૮), રામનારાયણ વિ. પાઠક (ગ્રંથ અને ગ્રંથકાર શ્રેણી-૧૯) (૧૯૭૯), આય્‌રનીનું સ્વરૂપ અને તેનો સાહિત્યમાં વિનિયોગ (૧૯૮૪), સ્વામિનારાયણ સંતકવિતા : આસ્વાદ અને અવબોધ (૧૯૮૪), કવિતાની ત્રિજ્યામાં (૧૯૮૬), કાન્ત (૧૯૯૦), ઉમાશંકર જોશી વ્યાખ્યાનમાળા : ૩ (ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઉપક્રમે ઉમાશંકર જોશીનાં પદ્યનાટકો વિશે વ્યાખ્યાનો) (૧૯૯૨), ભક્તકવિશ્રી નરસિંહ મહેતા : ભક્તકવિતાનું સાતત્ય અને સિદ્ધિ (સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપક્રમે અપાયેલાં વ્યાખ્યાનો) (૧૯૯૩), મહાદેવભાઈ દેસાઈ : સત્ત્વ અને સાધના (સ્વ. અનંતરાય મ. રાવળ વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનો) (૧૯૯૪), ગુજરાતી ગામનામસૂચિ (ભાષાકીય પરિપ્રેક્ષ્યમાં વિશ્લેષણ અને વર્ગીકરણ સહિત) (૧૯૯૬), સાહિત્ય : પ્રાણ અને પ્રવર્તન (૧૯૯૮), સ્વામી આનંદ (૧૯૯૮), શબ્દ દેશનો, શબ્દ વિદેશનો (૨૦૦૨), ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી (૨૦૦૩), કવિતા : પંથ અને પગલાં (૨૦૦૪), સાહિત્ય : તેજ અને તાસીર (૨૦૦૫), આપણાં કાવ્યરત્નો : ઉઘાડ અને ઉજાસ (૨૦૦૬), કવિ અને કવિતાઃ કર્મ અને મર્મ (૨૦૦૬), સાહિત્યઃ પ્ર-ભાવ અને પ્રતિ-ભાવ (૨૦૦૬), સાહિત્યમાં સાત્ત્વિકતા અને અન્ય લેખો (૨૦૦૭), ઉમાશંકર જોશીનો વાગ્વૈભવ (ખંડ-૧ : કાવ્યસર્જન) (૨૦૦૮), ઉમાશંકર જોશીનો વાગ્વૈભવ (ખંડ-૨ : ગદ્યસર્જન, ૨૦૦૮), ઉમાશંકર જોશીનો વાગ્વૈભવ (ખંડ-૩ : વિવેચન, ૨૦૦૮), કવિતા : ચાક અને ચકવા (૨૦૦૯), આપણું કાવ્યસાહિત્ય : પ્રકૃતિ અને પ્રવાહ (૨૦૧૦),

સર્જક-પ્રતિભાશ્રેણી :

ઉમાશંકર જોશી (સંક્ષેપ : ડૉ. પ્રફુલ્લ રાવલ, ૨૦૧૦), કાવ્યાનુભવ (૨૦૧૫), પ્રેમાનંદનું ભાષાકર્મ (૨૦૧૬), સાહિત્ય, સંસ્કૃતિ અને સમાજના પરિસરમાં (૨૦૧૬).

અનુવાદ/રૂપાન્તર

પંડિત ભાતખંડે (૧૯૬૭), મલયાલમ સાહિત્યની રૂપરેખા (૧૯૭૮), આઠમની રાત (૧૯૯૪), આનું નામ જિંદગી (૧૯૯૫), લખમી (નવસાક્ષર સાહિત્યમાળા માટે ધૂમકેતુની વાર્તાનું રૂપાન્તર) (૧૯૯૫), લખમી (‘લખમી’નો હિન્દીમાં અનુવાદ, અનુ. ગીતા જૈન) (૧૯૯૫).

સંપાદનકાર્ય

બૃહદ્‌ ગુજરાતી કાવ્યપરિચય ભાગ ૧ અને ૨ (મોહનભાઈ શં. પટેલ સાથે, ૧૯૭૩), બૃહદ્‌ ગુજરાતી ગદ્યપરિચય ભાગ ૧ અને ૨ (મોહનભાઈ શં. પટેલ સાથે, ૧૯૭૩), ભાષા-સાહિત્ય દ્વારા રાષ્ટ્રીય એકતા (મોહનભાઈ શં. પટેલ સાથે, ૧૯૭૭), દામ્પત્યમંગલ (મગનભાઈ જો. પટેલ સાથે, ૧૮૭૯), માતૃકાવ્યો (યશવંત શુક્લ સાથે, ૧૯૮૧), અધીત-૬ (સોમાભાઈ પટેલ તથા વસંત દવે સાથે, ૧૯૮૨), સંખ્યાનિર્દેશક શબ્દસંજ્ઞાઓ (૧૯૮૩), પુષ્ટિદર્શન (આચાર્ય શ્રી વ્રજરાયજીનાં પ્રવચનો, ૧૯૮૬), હેમચંદ્રાચાર્ય (નરોત્તમ પલાણ તથા ભોળાભાઈ પટેલ સાથે, ૧૯૮૯), પુષ્ટિપદમાધુરી (૧૯૯૧-૯૨), યુગદ્રષ્ટા ઉમાશંકર જોશી (રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ અને ધીરુ પરીખ સાથે, ૧૯૯૫), આધુનિક ગુજરાતી કવિતાયેં (કિશોર કાબરા સાથે, ૧૯૯૬), અધીત : પ્રમુખીય પ્રવચનો (જયદેવ શુક્લ, ભરત મહેતા તથા જગદીશ ગુર્જર સાથે, ૧૯૯૭), ગુર્જર અદ્યતન કાવ્યસંચય (યોગેશ જોષી તથા શ્રદ્ધાબહેન ત્રિવેદી સાથે, ૧૯૯૮), ગુર્જર ગઝલસંચય (યોગેશ જોષી સાથે, ૧૯૯૮), ગુર્જર ગીતસંચય (યોગેશ જોષી તથા શ્રદ્ધાબહેન ત્રિવેદી સાથે, ૧૯૯૮), ગુર્જર પ્રણય કાવ્યસંચય (યોગેશ જોષી તથા શ્રદ્ધાબહેન ત્રિવેદી સાથે, ૧૯૯૮), પ્રિયકાન્ત મણિયારનાં કાવ્યો (૧૯૯૮), પ્રત્યાયન : સ્વાતંત્ર્ય સુવર્ણજયંતી વિશેષાંક (અન્ય સાથે, ૧૯૯૮), પ્રત્યાયન : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્ય વિશેષાંક (અન્ય સાથે, ૧૯૯૯), અમરગીતો (૨૦૦૦), ચૂંટેલી કવિતા : સુન્દરમ્‌ (૨૦૦૦), મનહરિયત (૨૦૦૦), સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ (૨૦૦૨), સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગીતસંચય (હરિકૃષ્ણ પાઠક સાથે, ૨૦૦૨), શિક્ષણધર્મી અને શબ્દમર્મી આચાર્ય શ્રી મોહનભાઈ શં. પટેલ (ચિનુ મોદી અને દલપત પઢિયાર સાથે, ૨૦૦૩), ખખડતી ખેંચે કવિતા કોણ? (ચૂંટેલી કવિતા : લાભશંકર ઠાકર, ૨૦૦૪), ગુર્જર કાવ્યવૈભવ (ચીમનલાલ ત્રિવેદી સાથે, ૨૦૦૪), સ્વામી આનંદ : નિબંધવૈભવ (૨૦૦૪), પડઘા અને પડછાયા વચ્ચે (ચૂંટેલાં કાવ્યો : ચન્દ્રકાન્ત શેઠ, ૨૦૦૫), કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ-૨ : ખંડ-૨ અને ૩ (હરિસંહિતા, ૨૦૦૭), વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ તથા ઊર્મિલા ઠાકર સાથે, ૨૦૦૭), સવ્યસાચી સારસ્વત (ભોળાભાઈ પટેલ, મધુસૂદન પારેખ, કુમારપાળ દેસાઈ તથા પ્રવીણ દરજી સાથે, ૨૦૦૭), પ્રશિષ્ટ ગુજરાતી કાવ્યઝલક (ખંડ-૧ : મધ્યકાળ) (૨૦૦૮), માધવ રામાનુજનાં કાવ્ય (૨૦૦૮), યુગવંદના (૨૦૦૮), શબ્દને અજવાળે (૨૦૦૮), પ્રશિષ્ટ ગુજરાતી કાવ્યઝલક (ખંડ-૨, ગુચ્છ-૧ : અર્વાચીન યુગ, ૨૦૦૯), યાદી ભરી ત્યાં આપની (૨૦૦૯), ગુજરાતી બાળ વિશ્વકોશ (ભાગ ૧થી ૯, ૨૦૦૯-૧૯), ચૂંટેલી કવિતા : પ્રહ્‌લાદ પારેખ (૨૦૧૨), ચૂંટેલી કવિતા : ઝવેરચંદ મેઘાણી (૨૦૧૬), રામનારાયણ વિ. પાઠક ‘દ્વિરેફ’ની શ્રેષ્ઠ વાર્તાઓ (૨૦૧૬).

સામયિક સંપાદન

ગુજરાતી સાહિત્ય પરિષદનું ત્રૈમાસિક સંશોધનપત્ર ‘ભાષાવિમર્શ’ (૧૯૮૪-૧૯૮૫), ‘પરબ’ ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર (૧૯૮૮-૯૮), ‘સમકાલીન’, ‘મુંબઈ સમાચાર’, ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ (ગુજરાતી) તેમજ ‘ગુજરાત સમાચાર’ દૈનિકોમાં કેટલોક સમય સાહિત્યિક-લલિત-હળવી લેખન-કટારોનું લેખન-સંપાદન.

બાળસાહિત્ય
કવિતા

ચાંદલિયાની ગાડી (૧૯૮૦), ઘોડે ચડીને આવું છું... (૨૦૦૧), હું તો ચાલું મારી જેમ! (૨૦૦૧).

વાર્તા અનિલનો ચબૂતરો (૨૦૧૨), કીડીબાઈએ નાત જમાડી! (૨૦૧૨), જેવા છીએ, રૂડા છીએ (૨૦૧૨), ઝાંઝરભાઈને જડ્યા પગ...(૨૦૧૨). સંપાદન

સમગ્ર બાલકવિતાઃ સુન્દરમ્‌ (૨૦૦૫), ભાગ-૧ રંગ રંગ વાદળિયાં ભાગ-૨ ચક ચક ચકલાં ભાગ-૩ આ આવ્યાં પતંગિયાં ભાગ-૪ ગાતો ગાતો જાય કનૈયો ભાગ-૫ સોનેરી શમણાં સોનલનાં (૨૦૦૬) (મનહર મોદી તથા શ્રદ્ધાબહેન ત્રિવેદી સાથે)

વાર્તાકારનો યુગસંદર્ભ :

સર્જક ચંદ્રકાન્ત શેઠ આધુનિક યુગના બહુમુખી પ્રતિભા ધરાવતા સર્જક છે. તેઓ મુખ્યત્વે કવિ, નિબંધકાર, વિવેચક, સંપાદક છે. આ ક્ષેત્રોમાં એમનું પ્રદાન અનન્ય છે. એમનો એકમાત્ર પ્રસ્તુત વાર્તાસંગ્રહ ઈ. સ. ૧૯૯૫માં પ્રકાશિત થયેલ. સમયની પરિપાટી પર જોઈએ તો આ સર્જક ગુજરાતી સાહિત્યના આધુનિકયુગના સંતાન છે. પણ એમની આ વાર્તાઓ ઈ. સ. ૧૯૯૫માં પ્રકાશિત થઈ હતી જે ગાળો અનુઆધુનિક યુગનો છે. કિન્તુ એમની વાર્તાઓ વિષય અને ટેક્‌નિકને લઈ બન્ને યુગને લગતા કોઈ બહારી વલણો ધારણ કરતી નથી. વિષય અને ટેક્‌નિક સંદર્ભે કોઈ ખાસ નૂતન ઉન્મેષ અહીં જોવા મળતો નથી. જે રીતે એમનાં કાવ્યો અને નિબંધોમાં ભાષા અને સ્વરૂપનો સુંદર, સુમેળ આકાર છે એ એમની વાર્તાઓમાં નથી. અહીં પહેલા જ એક વાત નોંધવી જોઈએ કે આ તમામ વાર્તાઓ લખાવા પાછળનું મુખ્ય પ્રેરકબળ ‘મુંબઈ સમાચાર’ વર્તમાનપત્ર છે. દેખીતી રીતે જ એક સર્જકની કલમ કવિતા અને નિબંધોમાં વિહાર કરી બૃહદ્‌ અને માતબર સર્જન કરે છે, એ સર્જક પાસેથી માત્ર એક જ વાર્તાસંગ્રહ મળે છે. એક સમૂહ માધ્યમ માટે લખાયેલી આ વાર્તાઓ પુસ્તક રૂપે અવતરી ગુજરાતી ટૂંકી વાર્તા ક્ષેત્રમાં પ્રવેશ કરે છે ત્યારે અભ્યાસીઓની એરણ પર એની પરીક્ષા કરતા કળાધોરણને લઈને કેટલાક પ્રશ્નો સામે આવી શકે.

ટૂંકી વાર્તા વિશે ચંદ્રકાન્ત શેઠની સમજ :

ચંદ્રકાન્ત શેઠ ઉત્તમ સર્જકની સાથોસાથ પ્રબુદ્ધ વિવેચક અને અગ્રગણ્ય સંપાદક પણ છે. એમનું સર્જન એમની કળાનો પરિચય કરાવે છે તો એમનું વિવેચન અને સંપાદન સાહિત્ય પ્રત્યેની નિષ્ઠા અને અખૂટ જ્ઞાનનો પરિચય કરાવે છે. ગુજરાતી વિષય સાથે અભ્યાસ કરી આ જ વિષયના અધ્યાપક બની અને સર્જન વિવેચનક્ષેત્રે અમૂલ્ય પ્રદાન કરનાર આ સર્જક પાસે ટૂંકી વાર્તાની સમજ વિશે રખે કોઈ પ્રશ્ન કરે. પણ ઉપર નોંધ્યું તેમ જ એમની આ વાર્તાઓમાંથી પસાર થતા ઊંડે ઊંડે એક શૂળ ખટકે કે ચંદ્રકાન્ત શેઠ આની કરતાં સારી અને ઉત્તમ વાર્તાઓ લખી શક્યા હોત. આ સંગ્રહની લગભગ તમામ વાર્તાઓ સામાન્ય પ્રસંગકથા જેવી બની રહે છે. હા, અહીં ભાષાકર્મ દેખાય પણ છતાં વાર્તાનું પોત અહીં ટૂંકી વાર્તાની અપેક્ષાને પાર ઊતરતું નથી. ઘટનાને બહેલાવે, વાર્તામાં ઓગાળે છતાં ચરિત્રનિર્માણ અને વાર્તાની ચિરંજીવ ક્ષણ સુધી આ વાર્તાઓ પહોંચી શકતી નથી. આરંભે કુતૂહલ, મધ્યે રહસ્ય અને અંતે આંચકો એવી સામાન્ય ઘરેડમાં લગભગ બધી વાર્તાઓ ચાલે છે.

‘એ બાલ્કનીવાળી છોકરી અને...’નો પરિચય :

પ્રસ્તુત વાર્તાસંગ્રહમાં કુલ ચોવીસ વાર્તાઓ સમાવિષ્ટ છે. આ વાર્તાઓના વિષયો બહુધા વાર્ધક્ય અને એકલતા, સ્ત્રી-પુરુષ વચ્ચે આકર્ષણના અદૃશ્ય સૂક્ષ્મ સંકુલ તંતુ, સંબંધોની આંટીઘૂંટી, બદલાતી સામાજિક આબોહવા, ઘર-કુટુંબના પ્રશ્નો, માનવીનાં મનોવલણો, આર્થિક અસમાનતા અને સમાજ... વગેરે જેવા છે. વિગતે વાત કરીએ; ૧) ‘એ બાલ્કનીવાળી છોકરી અને...’ : સંગ્રહની આ સિગ્નેચર વાર્તા છે. જો કોઈ એક વાર્તાથી ચંદ્રકાન્ત શેઠને યાદ કરવા હોય તો એ વાર્તા આ છે. પ્રથમ વ્યક્તિ એકવચન કથન પ્રયુક્તિથી કહેવાયેલી આ વાર્તાના કથક એક વૃદ્ધ છે. ઉપરાંત એક લેખક પણ છે. ઘરમાં અને જીવનમાં એકલા છે. દીકરી અને પત્ની અકાળે લાંબા ગામતરે સિધાવ્યાં પછીની એમની જિંદગીમાં એકલતા અને જિજીવિષા સમાંતરે અથડાયા કરે છે. દરમિયાન એમની સામેના ફ્લેટમાં કોઈ નવા લોકો રહેવા આવ્યા છે. એમાંથી એક છોકરી જે દરરોજ બાલ્કનીમાં આવે છે. એ છોકરી આ વૃદ્ધની એકલતાની સહભાગી બને છે અને કથક એની વિશે વાતો કરે છે. દિવસ દરમિયાન એ છોકરી ક્યારે બાલ્કનીમાં આવે એની રાહ જોવી, એની પળેપળની ખબર રાખવી અને કહેવી. સાથોસાથ પોતાના પાછળના જીવનની વાતોના થોડા લસરકા ફેરવી વાતને ગૂંથે છે. એ દીકરીમાં પોતાની દીકરીને જોવી અને એમ ખાલીપાના આ થોડા ઘણા દિવસો ટૂંકા કરવા એ કામ હવે કાયમી બની ગયું છે. વાર્તાનો વિષય અને નિરૂપણરીતિ અહીં નોંધનીય બને છે. ૨) ‘દશેરાના દિવસે’ : આ એક સામાન્ય પ્રસંગવાર્તા છે. વિનય અને વિનીતા નામનાં પાત્રો સહકર્મચારી, સરકારી નોકરિયાત છે. વિનીતાને વિનય સાથે પ્રેમ થાય છે. પણ કુટુંબના પ્રશ્નોને લીધે વિનીતાનાં લગ્ન કોઈ બીજા જોડે થઈ જાય છે. આ બાબતથી બેખબર વિનયને એની જાણ લગ્ન પછી દશેરાના દિવસે થાય છે. વિનયના એ આઘાત સાથે કૃત્રિમ રીતે ચાલતી વાર્તાનો ચીલાચાલુ અંત આવે છે. ૩) ‘કેમ ખબર પડે?’ : અહીં એક પ્રોફેસર અને વિદ્યાર્થિની વચ્ચેના સંબંધોની કુતૂહલ પ્રેરક, અંત સુધી ગલગલિયાં કરાવતી વાર્તા છે. પ્રો. કુમાર અંગ્રેજી વિષયના વિદ્વાન, વિદ્યાર્થી-નિષ્ઠ અધ્યાપક છે. એમના જીવનમાં અધ્યાપન અને વિદ્યાર્થી ઘડતર સિવાય ઇતર કશું નથી માટે પરણ્યા પણ નથી. પણ, એમની સાથે, એમની આજુબાજુ અને એમના ઘરે પણ વિદ્યાર્થીઓનો મેળાવડો રહેતો. એમાંની એક વિદ્યાર્થિની શેફાલીને આ પ્રોફેસર પ્રત્યે થોડો વધુ લગાવ. સામે પ્રો. કુમારને પણ જાણ બહાર એની ભીતરમાં કૂણી લાગણી પ્રગટવા લાગે છે. શેફાલી ન હોય ત્યારે પ્રોફેસરને ચેન ન પડે અને પ્રોફેસર ન હોય ત્યારે શેફાલીને. મન-હૃદયના તંતુઓ પોતાની જાણ બહાર પ્રાકૃતિક કામ કરે છે અને જ્યારે એની આડે નૈતિક, સામાજિક મૂલ્યો આવે છે ત્યારે માણસ મૂંઝાય છે. આમ, શેફાલીની કૉલેજ પૂર્ણ થાય અને આમ એવાં બધાં મૂલ્યોથી મૂંઝાયેલા અધ્યાપક કૉલેજમાંથી રાજીનામું આપી ગાયબ થઈ જાય છે. ખુલ્લા અંત સાથેની આ વાર્તા પણ સામાન્ય સ્તરની જ બની રહે છે. ૪) ‘શ્રુતિકા’ : ઉપરની વાર્તાઓ પ્રમાણે અહીં પણ એ જ વિષય અને એ જ ઘટના અને આકર્ષણનું રચાયેલું સૂક્ષ્મ સંકુલ જાળું. લેખક, વિધુર શ્રીધર અને કુંવારકા શ્રુતિકા બન્ને સહકર્મચારી છે. ઉંમરનો ખાસો ભેદ છતાં લાગણીઓ સરખી. ને અંતે શ્રુતિકાના કોઈ ઇતર સાથે લગ્ન અને શ્રીધરનો માનસિક અજંપો – ખાલીપો. ૫) ‘એ પ્રતીક્ષાની દિશામાં’ : એક સુખાંત વાર્તા. વિસ્મય અને ગાયત્રી બન્ને સહકર્મચારી. ગાયત્રી, ગાયત્રીનું કુટુંબ, એની નોકરી, નોકરીમાં સાથે વિસ્મય, બન્ને વચ્ચે પ્રણય અને મિલન. આ વાર્તાનો ક્રમ છે. વાર્તારસને પોષી સામાન્ય મનુષ્ય રુચિઓ પર રેશમી પીંછું ફેરવી નીકળી જતી સામાન્ય વાર્તા. ૬) ‘ખરાં છો તમે!’ : પોતાની પ્રેમિકાના વર્તનથી નાખુશ વાર્તાકથક આરંભથી અંત સુધી એક ઘટના વિશે પોતાની મનોવ્યથા ઠાલવે છે. અંતે ખબર પડે છે કે પ્રેમિકા તો માત્ર મજાક-ટીખળ કરતી હતી. એ જાણીને કથક એકાએક આનંદથી ગદ્‌ગદિત થઈ ઊઠે છે. આ બધું જોઈને કથકની મા કહે છે કે; ‘ખરા છો તમે બન્ને, લગ્ન પહેલાં આટલું કરો છો તો લગ્ન પછી તો...’ ક્ષુલ્લક વાર્તા. ૭) ‘–નો ચહેરો ત્યારે સાચે જ ખીલી ઊઠતો હતો...!’ : અહીં જે ખીલી ઊઠતા ચહેરાની વાત છે એ ચહેરો માનસી નામની છોકરીનો છે. નાનપણથી શીતળાના રોગમાં જકડાયેલી આ છોકરીનો ચહેરો કદરૂપો અને બદસૂરત હોવાથી ઘર, લોકો, સમાજથી સાવ અલિપ્ત રહે છે. પણ, જીવી લેવાની એને હામ છે. મા એનું કામ જોઈને, એની હામ જોઈને વહાલથી આંસુ ભરી આંખે જ્યારે એને ચુંબન કરે છે ત્યારે માનસીનો ચહેરો સાચે જ ખીલી ઊઠતો. અહીં અગાઉની વાર્તાઓ મુકાબલે માત્ર જુદો વિષય મળ્યો એનાથી જ વાચક થોડો ઘણો સંતોષ મેળવી શકે. ૮) ‘ઝાંઝરની જોડ’ : પ્રથમ વ્યક્તિ એકવચન પ્રયુક્તિ, કથક અને એની બાળપણની સખી જેને એ પ્રેમ કરે છે એ પલ્લવીની વાર્તા. શહેરમાં નોકરી-કામ અર્થે રહેતો કથક આ દિવાળીએ ઘરે જાય ત્યારે પલ્લવી માટે ઝાંઝરની જોડ લેતો જવાનો છે. પણ, એ ઘરે પહોંચે છે ત્યારે એને માલૂમ પડે છે કે પલ્લવીનાં લગ્ન તો હમણાં જ થઈ ગયાં. એક અજંપા અને આઘાત સાથે વાર્તા પૂરી થાય છે. આકર્ષણ, લગાવ અને પામવાની ઇચ્છા જ્યારે મનમાં જ રહી જાય, છતાં મોઢું લાલ રાખી સામેવાળા પાત્રને શુભ જીવનની શુભેચ્છાઓ આપવી એ વ્યથા અહીં કથકની છે. વિષય, રીતિ, પાત્ર, ઘટના બધું સામાન્ય. અંતે ચોટ આપવાથી જ માત્ર ટૂંકી વાર્તા ન બની જાય. ૯) ‘–અને એના હાથમાં ફોનનું રિસીવર લટકી રહ્યું...’ : વાર્તાનો કહેનાર (કથક) પોતે ગુજરાતી ભાષા-સાહિત્યનો વિદ્વાન અભ્યાસી છે એવું વાર્તાના પહેલા વાક્યથી લાગે. જેમાં ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાનો સંદર્ભ છે. મુખર(લાઉડ) સર્વજ્ઞ કથક. આ વાર્તાનું કેન્દ્ર પણ આકર્ષણ અને પ્રેમની ધુરામાં સીમિત છે. પરણવું નહોતું પણ પરણાવી દીધી એવી નાયિકા કેતકી પોતાના પતિ અને ચાલતી જિંદગીને પોતાની મનમાનીથી પોતાની રીતે વેંઢારે છે. બરાબર એવા સમયે એના પતિ સતીશનો મિત્ર કાર્તિક એના જીવનમાં પ્રવેશે છે. જે પોતે બહુ બોલકો, મિલનસાર સ્વભાવનો ચબરાક વ્યક્તિ છે. આ વ્યક્તિ પ્રત્યે એને ઊંડે ઊંડે પ્રેમની કૂણી કૂંપળ ફૂટે છે. એના પતિને સમાજના અન્ય વ્યક્તિઓ આ બાબતથી ચેતવે છે પણ સતીશનો સ્વભાવ અને અંદાજ દુનિયાથી જુદા છે. એને કોઈ વાંધો નથી. બસ, છેલ્લે એ જ્યારે પત્ની અને મિત્રને એક સાથે પાણિયારે જુએ છે એ વાતથી એને કોઈક આઘાત જેવું લાગે છે. છતાં કોઈને કહેતો નથી. પણ આ વાતથી કાર્તિક અપરાધીભાવ મહેસૂસ કરે છે, અને પછી આત્મહત્યા કરી લે છે. જેની જાણ સતીશના ઘરે ફોન પર કોઈ કરે છે ત્યારે ફોન રિસીવ કરનાર કેતકીના હાથમાં રહેલું ફોનનું રિસીવર લટકી રહે છે. ચરિત્રનિર્માણ એકંદરે સારું છે પણ વાર્તા માધ્યમ કક્ષાની જ બની રહે છે. ૧૦) ‘લાવો સાંધી દઉં!...’ : બદલાતી સામાજિક આબોહવા અને કૌટુંબિક પ્રશ્નો તરફ ઇંગિત કરતી વાર્તા. વૃદ્ધ હરિલાલ પત્નીના અવસાન પછી પોતાની એકની એક દીકરી લતા સાથે રહે છે. લતાની સગાઈ થઈ એ પહેલાં લતા જે રીતે કાળજી લેતી હતી અને એની સગાઈ થઈ પછી લેતી ગેરકાળજી એક વૃદ્ધ હૈયું નોંધે છે. જીવન-સૂતરની મુશ્કેલીની ક્ષણોને સાંધી દેવાવાળી પત્ની હવે નથી રહી. જો હોત તો એ બાકીની જિંંદગી સાંધી લેત એવી રૂપકાત્મક વાત અહીં વાર્તામાં છુપાયેલી છે. વાર્ધક્ય અને એકલતાની વચ્ચે ઝૂરી રહેલા વૃદ્ધો સંતાનો પાસે જે અપેક્ષા રાખે છે એનાથી અજાણ સંતાનો ઘણી બધી ફરજો ચૂકે છે. એકંદરે સારી વાર્તા છે. ૧૧) ‘ક્ષિતિજ તરફ કંઈક જોઈ જ રહ્યા...’ : વંઠેલ છોકરાની વેદના વેંઢારી રહેલ લાચાર બાપની વાર્તા. પૈસેટકે નીચલા મધ્યમવર્ગના હસમુખરાયનો એકનો એક દીકરો હરીશ, રા. વિ. પાઠકની વાર્તા મુકુન્દરાયનો સગોત્ર છે. જન્મ સમયે પ્રભુકૃપાથી બચેલ અને આગળ જતાં પણ એની દવાઓ અને દાક્તરી ખર્ચાઓ કરી, પેટે પાટા બાંધીને સાજો કરેલ દીકરો બાપના પેટ અને હૃદય બન્નેને પાટું મારતા ખચકાતો નથી. આ બધી પીડાથી હસમુખરાય સતત ચિંતિત છે અને બેઠા બેઠા આકાશમાં ક્ષિતિજ તરફ જોઈ રહ્યા છે. બસ, જોઈ જ રહે છે... અહીં ખુલ્લો અંત છે, જે એવો સંકેત આપે છે કે અહીં દીકરાની ચિંતા-પીડામાં બાપ છેલ્લા શ્વાસ લે છે. ૧૨) ‘આ તે કેવું સહીપણું?!’ : સુનિતા અને વિનીતા બન્ને પાક્કી સખીઓની જિંદગીની નાટ્યાત્મક ક્ષણોની અતિ નાટ્યાત્મક વાર્તા. એ નાટ્યાત્મક ક્ષણ એવી છે કે બન્ને સખીઓ વારાફરતી અજાણતામાં એક જ જીવનસાથીની પસંદગી કરે છે. ને છેલ્લે આ ક્ષુલ્લક એવા ઉદ્‌ગાર સાથે વાર્તા પૂર્ણ થાય છે; ‘આ તે કેવું સહીપણું? વરની પસંદગીમાં યે સાથે...?!’ ૧૩) કનુ ‘કીટલી’ : એકંદરે થોડી સારી વાર્તા છે. ગરીબ દેવીપૂજક સમાજના કનુને એની મા દિવાળી ભણાવી ગણાવીને મોટો સાહેબ બનાવવા માંગે છે. એ ભણ્યે ગણ્યે પણ હોશિયાર છે. પણ, વિધિને એ મંજૂર નથી. માના ઓચિંતા અવસાન પછી પારકી મા અને જલ્લાદ બાપને કારણે કનુ ભણતર છોડી પૈસા કમાવા છૂટક મજૂરીના કામે લાગી જાય છે. વાર્તા-કથક અને અન્ય મિત્રોના લાખ પ્રયત્નો છતાં કનુને ભણાવવામાં કોઈ સફળતા ન મળી. વર્ષો પછી કથક જ્યારે મ્યુનિસિપાલિટીમાં નોકરી કરતો હોય ત્યારે જૂની નિશાળ પાસે દબાણ હટાવવા જવાનું કાર્ય કરે છે, એવા સમયે લાગેલાં દબાણોમાં એક લારી કનુની હોય છે. ત્યારે વર્ષો પછી બન્ને મળે છે અને ત્યાં એક મિત્રભાવના અને લાગણી સાથે વાર્તા પૂર્ણ થાય છે. આ વાર્તાની બે બાબતો આ વાર્તાને નોંધનીય બનાવે છે. એક છે કનુની મા દિવાળીનું પાત્ર. ઘડીક જ આવે છે પણ બળકટ છાપ છોડીને જાય છે. બીજું એ કે દેશની શિક્ષણસેવા સંદર્ભે ચાલી રહેલા સેવાનાં મોટાં મોટાં ટ્રસ્ટોની નજરમાંથી આવા લાખો કનુઓ બાદ થઈ જાય છે એનો સંકેત. ૧૪) ‘એ આકાશ જોવા મળશે ખરું?’ : ઉપરની વાર્તામાં કનુ નામના છોકરાની વાત હતી અહીં એવી જ વાત મનુની છે. નમાયા મનુની મા કોઈક પરપુરુષ સાથે ભાગી ગયેલી છે. એની દાઝ અને ગુસ્સામાં મનુનો બાપ પણ પાગલ-જલ્લાદ બની ગયેલો જે કોઈ પણ વાતે મનુને ખૂબ મારે છે. બીજા છોકરાઓ અને મનુના જીવનમાં બહુ ફેર છે. મજા, મસ્તી, આનંદ, ઉલ્લાસ, તહેવાર વગેરેની મનુના જીવનમાંથી બાદબાકી છે. કારણ કે જો એ આ બધામાં રસ લે તો એનો બાપ એને ઢોરની જેમ મારે. પણ વર્ષો પછી એક ઉતરાણના પર્વમાં બાપા ક્યાંક બહાર ગયેલા છે. એટલે એ જીવનમાં પ્રથમ વાર આનંદ ઉલ્લાસથી પતંગ ચડાવે છે. ત્યારે અચાનક એનો બાપ આવ્યો એ વાતથી પતંગ ઉડાવતો મનુ હતપ્રભ થઈ ધાબા પરથી નીચે પટકાય છે અને છેલ્લે વાર્તામાં એ હૉસ્પિટલના એક ખૂણામાં બેડ પર પડેલો છે. જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમતો. ઉપરની વાર્તા અને આ વાર્તા કિશોરો પર છે. બાળકોનું જીવન અહીં આવે છે એ આ વાર્તાઓને અન્ય વાર્તાઓથી જુદી પાડે છે. ૧૫) ‘બચતની ઘડિયાળ’ : પરમાર્થ કાજે જીવી રહેલાં દંપતીની વાર્તા. દાનવીર કર્ણ જેવી નીતિ ધરાવતા વિષ્ણુભાઈ અને લક્ષ્મીબહેન મદદે આવેલાને કદી ખાલી હાથે કાઢતાં નથી. પણ હવે આર્થિક રીતે તેઓ પોતે તંગીમાં જીવન પસાર કરી રહ્યાં છે. એવા સમયે પણ પોતાની નીતિ અને મૂલ્યોને વળગી રહે છે. પોતાના બનેવીને પૈસા આપવા માટે દીકરાને ઘડિયાળ લેવા માટે આપેલા પૈસા લક્ષ્મીબહેન પાછાં માંગી લે છે. પણ જ્યારે એ જ બનેવીના દીકરાના હાથમાં નવી ઘડિયાળ જુએ છે ત્યારે ક્ષણિક દુઃખી થાય છે. નીતિ અને મૂલ્યો અહીં મમતાની સાથે અથડાય છે અને જે તણખો ઊડે એ આ વાર્તાની કેન્દ્રસ્થ ક્ષણ બને છે. જે ઘડિયાળ એના છોકરાના હાથમાં હોવી જોઈએ એ બીજા છોકરાના હાથમાં છે. એ બચતની ઘડિયાળ. ૧૬) ‘તન્વીનો ફોટો’ : તન્વી નામની દીકરીએ આત્મહત્યા કરી હતી. એ વાતને આજે ત્રણ વર્ષ થવા આવ્યાં. પણ, માનું હૈયું હજી એને ભૂલી શકતું નથી. અન્ય લોકો જ્યારે તન્વીને ભૂલી આગળ વધે છે ત્યારે માને એનો ફોટો કોઈ કાઢવાનું કહે તો પણ લાગી આવે છે. બીજી મોટી દીકરીને જ્યારે છોકરો જોવા આવે છે ત્યારે એને આ વાતની જાણ ન થાય એ માટે દીકરી એ ફોટો કાઢી લેવાનું કહે છે ત્યારે અંદરથી મૂંઝાતી પણ કશું જ ન બોલતી માની મમતા વાર્તાની મુખ્ય ક્ષણ છે. ૧૭) ટી-ટેબલ પર સ્તો!... : સંગ્રહની આ વાર્તા ગુજરાતી વાર્તા-સાહિત્યની અરૂઢ વાર્તાઓમાંની એક છે. કારણ છે એનો વિષય. વાર્તામાં એક નિઃસંતાન દંપતી જ્યારે દીકરીને દત્તક લે છે ત્યારે આગળ જતાં કેવા કેવા પ્રશ્નો આવશે એ વિશે અજાણ છે. આ વાર્તા પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્રથી દત્તક લીધેલ દીકરીની મા પોતે કહે છે. પરાઈ દીકરી અપેક્ષા જેમ જેમ મોટી થાય છે એમ એમ એના પતિ અરવિંદ અને અપેક્ષા વચ્ચે – જે બાપ-દીકરીને હોવું જોઈએ એ – અંતર નથી એની ચિંતા માને છે. એ બહુ કારણોમાં પડતી નથી, પણ બધું જુએ છે અને જાણે છે. સત્તર વર્ષની દીકરીને પણ ખોળામાં બેસાડવી, બચીઓ ભરવી એ બિલકુલ યોગ્ય નથી અને પતિની એવી હરકતોને ખુલ્લેઆમ કહી પણ શકતી નથી. પણ અજુગતો અંદેશો આવતાં જ એ સતર્ક બને છે અને દીકરીને બહાર હોસ્ટેલમાં ભણવા મોકલી દે છે. ૧૮) ‘કલ્પતરુ’ની લાઇનમાં’ : ગરીબવર્ગની ગોમતી એના આકરા જીવન સાથે સંઘર્ષ કરી રહી છે. બેકાર, દારૂડિયો પતિ, છોકરા, ગરીબી અને ભૂખમરાની હાલત વચ્ચે એ ઝઝૂમે છે. એણે સપને પણ નહિ વિચારી હોય એવી સ્થિતિમાં એ મુકાય છે. અંતે જ્યારે તે તેલ લેવા લાઇનમાં ઊભી હોય છે ત્યારે આ વિચારોમાં ને વિચારોમાં એ ખાદ્યતેલને બદલે ઘાસતેલ માંગી લે છે. આ સંકેત છે મૃત્યુનો. પોતે આ બધી પીડામાંથી મુક્ત થવાનો. ૧૯) ‘કૅમેરામાં જગા’ : કુટુંબ, સગાંસંબંધી અને સમાજના કેટલાક બદલાતા પ્રશ્નો પર આંગળી ચીંધતી વાર્તા. આર્થિક રીતે સદ્ધર અને આર્થિક રીતે નબળા એવા ભેદથી એક જ કુટુંબના રક્તસંબંધો પણ કેટલા બદલાય જાય છે એનું પ્રતિબિંબ આ વાર્તા છે. પોતાની સોતેલ બહેન આર્થિક રીતે સદ્ધર છે છતાં આર્થિક પછાત ભાઈ અને પરિવાર એના બધા રિવાજો અને વ્યવહારો સારી રીતે નિભાવે છે. પણ પેલી બહેનને કે એના પરિવારને આ લોકોની કશી પરવા કે એમની માટે કશા માન નથી. મોટા લોકોની ફોટો ફ્રેમમાં (જીવનની) નાના લોકો માટે હવે કોઈ જગા નથી. ભલે પછી લોહીની સગાઈ જ કેમ ન હોય! વાર્તાકારના કૅમેરામાં આ બધું ઝિલાય છે. ૨૦) ‘એ નક્કી’ : ગૌરીશંકર પોતે શાયર છે અને તેઓ એમની શાયરીથી જગતમાં ક્રાંતિ લાવવાના વિચારો સેવે છે. એક દિવસ પોતાને ખ્યાતિ મળશે, યશપ્રાપ્તિ થશે એવી ઘેલછા એ અગાઉથી સેવી લે છે પણ એવું કશું જ થતું નથી. અધૂરા આ શાયરે પોતાની શાયરીની વાહવાહી કરાવવા, દાદ લેવા માટે ચોક્કસ ભાવકવર્ગ પણ ઊભો કરેલો છે. ને એ ભાવકવર્ગ પાછળ ખાવા-પીવાથી લઈ છાંટો-પાણી સુધીના ખર્ચા પણ કરતા. એમાં ને એમાં આર્થિક સ્થિતિ ધીમે ધીમે કથળે છે. છતાં કવિતા-શાયરીનો, યશપ્રાપ્તિનો પેલો મદ સાવ લુપ્ત થતો નથી. એક દિવસ કોઈ અજાણ્યા ભાવકના ભૂતિયા પત્રથી આ શાયર રોમાંચિત થઈ એમના આગમન માટે ઘરે મોટો સમારંભ અને મેળાવડો રાખે છે. પણ જ્યારે એ પત્ર લખનારમાંથી કોઈ આવતું નથી ત્યારે ભોંઠા પડીને દુઃખી થાય છે. ત્વરિત ખ્યાતિની ઘેલછા સર્જકને કંગાળ કરે છે. સસ્તી લોકપ્રિયતા પાછળ રાચનારા શાયરો/કલાકારો પર આ સીધું નિશાન. ૨૧) ‘એ તો એ જ જાણે!...’ : આ વાર્તા છે સમાજમાં ઉત્તમ શાયરોની અવગણના અને અધૂરા શાયરોની પ્રતિષ્ઠાની. આલા દરજ્જાના શાયર અલીસાહેબ અને એમનું કુટુંબ ગરીબીરેખાની નીચે જીવન ગુજારે છે. એમના જ પ્રતિસ્પર્ધી પણ એમની કક્ષાથી થોડા નીચા પણ આર્થિક રીતે અને લાગવગથી સમૃદ્ધ એવા શાયર સૈયદસાહેબ છે. જે પારિતોષિક સન્માન અલીસાહેબને મળવું જોઈએ એ લાગવગથી સૈયદસાહેબને મળે છે છતાં અલીસાહેબ એ સ્વીકારે છે. પણ, સૈયદસાહેબના ઘરે આ સન્માનની ખુશીમાં રાખેલી દાવતમાં અલીસાહેબને આમંત્રણ પણ નથી. જે દાવતમાં જવા માટે મિયા-બીબી અને બાળકો કેટલા દિવસોથી તૈયારી કરતાં હતાં. એમાં અંત ઘડીએ પણ એમને આમંત્રણ મળતું નથી. છતાં આ દુઃખ, દર્દ, પીડા અલીસાહેબ હસતે મુખે સહી લે છે. જે એક ઉત્તમ સર્જકનું એક કલા ઉપાસકનું પ્રમુખ લક્ષણ છે. ૨૨) ‘જરીની ટોપી લીધી ને...’ : મોટા શેઠના બંગલામાં સતત પાંચ દાયકાથી નિષ્ઠાપૂર્વક નોકરી કરતા શંકરની કથા. પાંચ દાયકા જ્યાં વિતાવ્યા એની સાથે જે જોડાણ હતું એ અચાનક તૂટે છે. સાથે શંકર પણ અંદરથી ભાંગી પડે છે. એ આ નોકરીમાંથી નિવૃત્ત નથી થયો પણ કાઢી મૂકવામાં આવ્યો છે એનું દુઃખ એને જીવનનાં પાછલાં કેટલાંક વર્ષો યાદ કરાવે છે. એનું જીવન એનો પ્રાણવાયુ એક રીતે આ નોકરી જ હતી. એક અલગ આત્મીયતા હતી. વર્ષો પહેલાં શેઠે જરીની એક ટોપી શંકરને ભેટમાં આપેલી એ સાચવી રાખેલી. એ ટોપી લઈ બંગલાની બહાર એ નીકળે છે. ૨૩) બસ, એટલું જ! : બે મિત્રોની વાર્તા. લંગોટિયા મિત્રો; કહો કે સગા ભાઈઓ જ. એમાંથી આગળ જતાં બન્નેના રસ્તાઓ ફંટાય છે. એક શિક્ષક બને છે અને બીજો રાજકારણી. રાજકારણમાં પણ રાજ્યના નાણાપ્રધાન પદ સુધી એ પહોંચે છે. ત્યારે સંબંધો વચ્ચે જે અવકાશ રચાય છે જે ખાલીપો પડે છે એની આ વાર્તા. શિક્ષકમિત્ર જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે પોતાના પેન્શન માટે થઈને કચેરીઓના દોડા કરે છે. ભ્રષ્ટાચાર એટલો વધારે છે કે પૈસા આપ્યા વગર કામ થઈ શકે એમ નથી. ત્યારે એ પોતાના નાણામંત્રી મિત્ર સુધી મદદ માંગવા જાય છે પણ પેલો એટલો મોટો બની ગયો છે કે સાધારણ શિક્ષક તેના સુધી પહોંચી શકતો નથી. પદ, પ્રતિષ્ઠા અને પૈસો આવે ત્યારે મિત્રતામાં પણ આવી ખાઈઓ પડે છે. ભેદની ભીંતો રચાય છે. આ વાર્તા પણ સારી બની શકી હોત. ૨૪) મારે શું બોલવું? : અતિ સામાન્ય હાસ્યપ્રસંગ-કથન. કથક બસમાં મુસાફરી કરતી વખતે ગામડાની કોઈ નિરાધાર બાઈ, જે બસની ગીર્દીમાં પોતાને, નાના છોકરાને અને સામાનને સાચવી શકતી નથી એની પ્રત્યે કરુણા જાગે છે. સ્ત્રીઓની અનામત સીટમાં બેઠેલ એક છોકરાને જોઈ કંડક્ટરને ફરિયાદ કરે છે ને પછી ભોંઠા પડે છે. આટલી જ વાર્તા.

ઉપસંહાર :

આ ચોવીસે વાર્તાને વલોવતા માંડ બે વાર્તાઓ નવનીત બની ઊભરે એવી છે. એક છે સંગ્રહની પ્રથમ અને શીર્ષસ્થ વાર્તા ‘એ બાલ્કનીવાળી છોકરી અને...’ બીજી ‘લાવો, સાંધી દઉં!...’ અન્યથા અહીં સબળ સર્જકની નબળી વાર્તાઓ પરત્વે નિરાશા જ પ્રગટે.

ચંદ્રકાન્ત શેઠની વાર્તાકલા :

આગળ નોંધેલી વાતનું પુનરાવર્તન કરું તો સર્જકની જે છટા એમની કવિતા અને નિબંધોમાં જોવા મળે છે એ એમની વાર્તાઓમાં નહિવત્‌ છે. એમની ટૂંકી વાર્તા પ્રત્યેની સમજ વિશે આપણે પ્રશ્ન કરી શકીએ એમ નથી કારણ કે પોતે પીઢ અભ્યાસુ અને સહૃદય ભાવક પણ છે. જેનો પુરાવો એમનું વિવેચન અને બૃહદ્‌ સંપાદન કાર્ય છે. કિન્તુ અફસોસ, મુંબઈ સમાચાર જેવા માધ્યમમાં - કૉલમમાં પ્રગટ થયેલી વાર્તાઓ ચંદ્રકાન્ત શેઠને એક ઉત્તમ વાર્તાકાર તરીકે સ્થાપિત કરી શકતી નથી. વાર્તાનાં શીર્ષકો જોતાં પણ ખ્યાલ આવી જાય, કે આ કોઈ કૉલમની હેડલાઇન છે. એવી હેડલાઇન જે પાનાં ફેરવતા વાચકને વાંચવા માટે આકર્ષે. ઘણી વાર્તાઓની ઘટનાઓ પણ એ જ ચિલાચાલુ સંબંધોની આંટીઘૂંટીવાળી. અહીં ભાષાવિધાન પણ છાપાળવું છે. ‘સીધી બાત નો બકવાસ’. વાચકોને સમજવામાં બિલકુલ મુશ્કેલી ન પડે એમ રચાયેલી આ કૃતિઓમાં ટૂંકી વાર્તામાં જે સુશ્લિષ્ટતા હોય છે એનો તદ્દન અભાવ વર્તાય. અહીં વાર્તા છે પણ ટૂંકી વાર્તા નથી. છતાં એમની વાર્તાકલાનું કોઈ પ્રમુખ લક્ષણ આપણે તારવવું હોય તો એ છે વાર્તામાં નાટ્યાત્મકતા. મોટા ભાગની વાર્તાનાં પાત્રો સતત ક્રિયાશીલ છે. આ વાર્તાઓ પરથી ફૂલ લેંથ ફિલ્મ નહિ પણ નાની મોટી સ્પર્ધાઓ માટે ૧૫-૨૦ મિનિટની શોર્ટફિલ્મ અવશ્ય બની શકે. આપણે એવું માની શકીએ કે સર્જન સમયે સર્જકના આંતરમાનસમાં રચાતાં ફિલ્મનાં દૃશ્યો એમની કલમેથી શબ્દરૂપે કાગળ પર અવતરે છે. એટલે જ ક્યાંક કથક અને લેખકની ભેદરેખા ભૂંસાય છે. અન્યથા આ વાર્તાઓ કે વાર્તાકળા વિશે વાત કરવા કોઈ અવકાશ નથી.

ચંદ્રકાન્ત શેઠની વાર્તાઓ વિશે વિવેચકો :

ચંદ્રકાન્ત શેઠની વાર્તાઓ વિશે બે વિવેચકોના વિવેચનલેખ મળે છે. એક છે ઈલા નાયક જેમણે આ સંગ્રહ વિશેના લેખનું શીર્ષક ‘પ્રસંગકથન સ્તરે રહેતી વાર્તાઓ’ રાખ્યું છે. બીજાં છે કપિલા પટેલ જેમણે ‘બાલ્કની દર્શન – એક વાર્તાકારનું’ એવા શીર્ષકથી લેખ કરેલ જે શબ્દરંગ ૨૦૧૧માં સમાવિષ્ટ છે.

આકાશ રણજિતસિંહ રાઠોડ
(Senior Research Fellow)
ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી
Email: rathodakash૪૦૪૦@gmail.com
મો. ૮૨૦૦૫૮૩૩૯૭/ ૯૫૫૮૫૨૬૦૦૬