ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ચિનુ મોદી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચિનુ મોદી

કોશા રાવલ

Chinu Modi 08.png

પ્રયોગશીલ સર્જક ચિનુ મોદી બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. કવિ, ગઝલકાર, નાટ્યકાર, વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક, સંશોધક અને અનુવાદક તરીકે પ્રત્યેક સ્વરૂપમાં એમણે આગવી સર્જક પ્રતિભા દાખવી હતી. વેદનાના વિવિધ સ્તરો, ‘ઇર્શાદ’નું સાહિત્યસર્જન તાસીરે આધુનિક મિજાજ ધરાવતું રહ્યું. નવમા દાયકામાં ચિનુ મોદી એમના સમકાલીન વાર્તાકારો જેવા કે કિશોર જાદવ, રાધેશ્યામ શર્મા, સુમન શાહ, વિભૂત શાહ આદિની માફક આધુનિક વાર્તાકાર છે. ‘ઇર્શાદ’ તરીકે જાણીતા ચિનુ મોદીનો જન્મ ત્રીસમી સપ્ટેમ્બર ૧૯૩૯માં વિજાપુર ગામે થયો હતો. ઈ. સ. ૧૯૬૮માં તેમણે ગુજરાત વિદ્યાપીઠમાંથી વિદ્યા વાચસ્પતિની ઉપાધિ મેળવેલ. ઈ. સ. ૧૯૬૧થી ૧૯૬૪ સુધી કપડવંજ અને તલોદની કૉલેજમાં અધ્યાપન કાર્ય કર્યું. ઈ. સ. ૧૯૬૫થી ૧૯૭૫ સુધી અમદાવાદની સ્વામીનારાયણ આટ્‌ર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે કામગીરી બજાવ્યા બાદ, બે વર્ષ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનમાં સ્ક્રિપ્ટ રાઇટર તરીકેની સેવા આપી. ઈ. સ. ૧૯૭૭થી તેઓ ફ્રી લાન્સર રહ્યા. * ચિનુ મોદી પાસેથી ત્રણ વાર્તાસંગ્રહો મળ્યા છે. ૧. ‘ડાબી મુઠ્ઠી જમણી મુઠ્ઠી’ (૧૯૮૫). ૨. ‘છલાંગ’ (૧૯૯૭) ૩. ‘ચિનુ મોદીની શ્રેષ્ઠ વાર્તાઓ’, (પ્ર. આ. ૨૦૧૪, દ્વિતીય આ. ૨૦૧૮) ‘છલાંગ’ વાર્તાસંગ્રહમાં પ્રથમ સંગ્રહ ‘ડાબી મુઠ્ઠી જમણી મુઠ્ઠી’ની કેટલીક વાર્તાઓ પુનઃ મુદ્રિત થઈ છે. આ ઉપરાંત ‘ચિનુ મોદીની શ્રેષ્ઠ વાર્તાઓ’માં આ બંને સંગ્રહોની શ્રેષ્ઠ વાર્તાઓ ઉપરાંત અન્ય અપ્રકાશિત વાર્તાઓ પણ ઉમેરાઈ છે. ઉપરોક્ત ત્રણેય સંગ્રહો સંદર્ભે, ચિનુ મોદીની વાર્તાઓની વિશેષતાઓ અને મર્યાદાઓ જોઈએ.

***

Chhalang by Chinu Modi - Book Cover.jpg

‘છલાંગ’ : આ સંગ્રહમાં કુલ એકત્રીસ વાર્તાઓ છે. પ્રત્યેક વાર્તા પ્રયોગલેખે વિશિષ્ટ છે. વાર્તાસ્વરૂપમાં સર્જન કરવાની આંતરિક જરૂરિયાત વિશે વાત કરતાં કેફિયતમાં ચિનુ મોદી લખે છે, “કવિતા પછી વાર્તા એ એવું સ્વરૂપ છે જેણે મને અશેષ પ્રગટ થવાની સુવિધા આપી છે. કવિતા અને નાટક આ બંનેને કારણે પ્રાપ્ત થયેલી મારી સજ્જતાનો કદાચ સૌથી વધુ વિનિયોગ મારી વાર્તાઓમાં થયો છે.”૨ આ સંગ્રહની વાર્તાઓમાં પ્રતીક, પુરાકલ્પન, કપોળકલ્પિત જેવી રચના પ્રયુક્તિઓ (techniques) લોકકથા, આખ્યાન, બોધકથા, બાળકથા જેવાં સ્વરૂપો(form) ખપમાં લીધાં છે. એમની વાર્તા વિશે ડૉ. સુમન શાહ લખે છે કે “વાર્તા જ્યારે ચિનુ મોદી કવિની રચના હોય ત્યારે નવ્ય પણ વિલક્ષણ પ્રયોગ વધારે હોય છે, સિદ્ધ વાર્તા કૃતિ ઝાઝી નથી હોતી... વાર્તા જ્યારે માત્ર ચિનુ મોદીની રચના હોય છે ત્યારે સામાન્ય પણ વિલક્ષણ વધારે હોય છે.” આમ, ચિનુ મોદી એક વિલક્ષણ વાર્તાકાર છે. પ્રયોગશીલ આધુનિક વાર્તાકાર માટે ‘કવિની મોંઘી પણ હાફ હાર્ટેડ વાર્તા સર્જક’ એવું, આમુખ શીર્ષક ડૉ. સુમન શાહ મૂકે છે. અહીં મોંઘી : ગુણવાચી સકારાત્મક સંજ્ઞા અને હાફ હાર્ટેડ : મર્યાદાવાચી સંજ્ઞા એકીસાથે પ્રયોજાઈ છે. એ એ રીતે દિશાસૂચક બને છે કે ૧. એમની વાર્તાઓમાં અનેક શક્યતાઓ પડેલી છે. ૨. છતાં વાર્તાઓનું પોત અધૂરું કે વેરણછેરણ રહ્યું છે. આ સંગ્રહની નોંધપાત્ર વાર્તાઓ દ્વારા ઉપયુક્ત વાત વિસ્તારથી સમજીએ. એમની વાર્તાઓ ‘સાદી સમજ’, ‘યમ-નિયમ’, ‘હવા’, ‘કળતર’, ‘તડકો’ આદિમાં ફિલસૂફી ઉચ્ચ સ્તરે મોજૂદ છે, મતલબ કવિની ‘મોંઘી સરજત’ ખરી. પરંતુ વાર્તા તરીકે એનું કદકાઠું પૂરેપૂરું વિકસ્યું નથી. (હાફ હાર્ટેડ). ‘સાદી સમજ’ વાર્તામાં નીતિનને એટલી સમજ છે કે હલેસાં મારીએ એટલે નાવ ચાલે. નદીમાં પાણી હોય કે ન હોય પણ એ મથ્યા કરે, તો વાંધો ન આવે. એની સમજના પરિપ્રેક્ષ્યમાં નદી, નાવ, હલેસાં, રેતી, પવન અને સામે કાંઠે રહેલા કલ્પવૃક્ષને રૂપક તરીકે ગણીએ તો નીતિનનો પુરુષાર્થ એ ‘ધી ઓલ્ડ મેન ઍન્ડ ધ સી’ના ખલાસી જેમ રૂપક(metapher) લેખે ગણી શકાય. કારણ નીતિન એ પુરુષાર્થનું પ્રતીક છે, જે સમય સંજોગને આધીન થયા વિના સતત હલેસાં મારી પોતાના જીવનને આગળ વધારવાનો પ્રયત્ન કરે છે. અહીં પુરુષાર્થ કરતા માનવીનું નિયતિ કારુણ્ય, આધુનિક વિચારસરણીની છાંટ ઝીલે છે. – આ વાર્તા ‘નવનીત સમર્પણ’માં છપાઈ ત્યારે લાભશંકર ઠાકરને ખૂબ ગમેેલી અને સરલા જગમોહને એનું અંગ્રેજી ભાષાંતર કરી – ગુજરાતી ટૂંકીવાર્તાના અંગ્રેજી સંપાદનમાં સ્થાન આપેલું. ‘કોચમડી’ વાર્તામાં વૃદ્ધ જગમોહન ઊંઘ ઊડી જતાં, વિચાર વલોણે ચડે છે. કોચમડી રમતી વખતે જગમોહનને લબડાવતાં, હરાવતાં દોડાવતાં પાત્રો સમય સાથે બદલાતાં રહ્યાં છે, પણ લંગડીદાવનો ક્રમ ચાલુ રહ્યો છે. બા, બાપુજી, પત્ની, મોટાભાઈ જેવાં સ્વજનો તો ખરાં જ પણ જ્યારે જગમોહન જુએ છે કે સ્વ-ને હંફાવતા દુશ્મનોમાં, એ પોતે પણ સામેલ છે ત્યારે લાચારી અનુભવે છે. આવું અર્થઘટન સમજી શકાય. પરંતુ વાર્તામાં આ બધું સ્પષ્ટ રીતે વિકસી શક્યું નથી. થીમની દૃષ્ટિએ ઉત્તમ પણ નિર્વહણની દૃષ્ટિએ સામાન્ય પુરવાર થતી વાર્તાને સંદર્ભે રઘુવીર ચૌધરીનું વિધાન નોંધનીય છે, “દુનિયાદારીનું તથા કઠિન સત્ય સિદ્ધ થવાની બદલે કલાકારનું સત્ય ત્યારે જ સિદ્ધ થાય કે જ્યારે વાર્તાકાર પોતાની સંયોજન શક્તિથી પહેલાં પ્રાથમિક વસ્તુનું નવનિર્માણ કરે અને આ નવનિર્માણની ક્ષણોમાં પહેલા પ્રથમ પ્રાપ્ય વસ્તુનો સમૂળગો લોપ થઈ જતો હોય તો ભલે થાય ઘટના એટલે થવું તે ઘટવું તે, યોજવું તે.”૩ વાર્તાવિશેષ’માં નોંધેલું નિરીક્ષણ જો ચિનુ મોદીની વાર્તા સંદર્ભે વિચારીએ તો અહીં કલાકારનું સત્ય(ફિલોસોફી) છે, પરંતુ એ નવનિર્મિત થઈ વાર્તા સ્વરૂપે એટલું વિકસી શક્યું ન હોવાથી, અધુકડા ઇશારાઓ બની રહી જાય છે.

Chinu Modi-ni Shresth Varata-o - Book Cover.jpg

ફેન્ટસીના સ્તરે લખાયેલી ‘તડકો’ વાર્તામાં ઓચ્છવલાલના ઘરમાં તડકો ઘૂસી જવાનું કમઠાણમાં અમૂર્તને મૂર્ત કરવાના પ્રયોગ લેખે તાજગીપ્રદ છે. લાભશંકર ઠાકરનાં કાવ્યો માફક આ વાર્તામાં તડકો ઘન- સેન્દ્રિય સ્વરૂપે આવ્યો છે. જેને ઓચ્છવલાલે ઘરબાર કાઢવો છે. આ વાર્તાનું કિશોર જાદવે અંગ્રેજીમાં ભાષાંતર કરી, એમની ગુજરાતી ટૂંકીવાર્તાના સંચયમાં સ્થાન આપેલું. આ ઉપરાંત ઘણા સંપાદકોને પણ આ વાર્તાસંચયમાં લેવા યોગ્ય લાગેલી. એ એમાં રચાયેલ શબ્દચિત્રની અનવદ્ય તાજગી અને કપોળકલ્પનાને કારણે છે, એવું કહી શકાય. ‘દશાનનાખ્યાન’ કે ‘બાય ઓખા..’ જેવી વાર્તાઓમાં આખ્યાનશૈલીનો અને એની સાથે મધ્યકાલીન કવિતાના કે લોકસાહિત્યના પ્રચલિત ઢાળનો વિનિયોગ કરી, એ દ્વારા સાંપ્રત જીવનની ઝાંખી પરથી ‘ચેતનાને સંકોરવાનું કાર્ય’ વિશિષ્ટ હોવાનું ચં. પૂ. વ્યાસ નોંધે છે. ‘બાય ઓખા તે આંખ મિંચ્યાનું પાપ’ એ આખ્યાન શૈલીમાં રચાયેલી વાર્તા ભાષા સમૃદ્ધિને લીધે આકર્ષક બની છે. પોતાની કન્યા ઓખાના પતિથી દાનવરાજ બાણાસુર હણાશે. એ સાંભળી ચિંતાતુર બાણસુર ઓખા ફરતે પહેરો ગોઠવે છે તો પણ રતિ રંગે રંગાયેલી ઓખા મનોમન ન જોયેલા કે જાણેલા પતિને પરણે છે. આમ થવાનું હોય તે થઈ ને રહે. લલાટે લખાયું હોય તે મિથ્યા થતું નથી. વાર્તાની ફળશ્રુતિમાં કવિ કહે છે : સમણાં સઘળાં હોય છે/ આંખ મિંચ્યાનાં પાપ/ પાછા એ નમણાં હશે/ તો દાડે બે સંતાપ. આ પ્રમાણમાં સીધું સાદું કથન છે. ઉપરછલ્લી રીતે ઓખા ચૂપ છે. પરંતુ અંદરથી અસ્વસ્થ છે. આ વાત ત્રણ દર્પણની પ્રયુક્તિ દ્વારા વસ્તુલક્ષી અને પરલક્ષી અભિગમ દ્વારા દર્શાવાઈ છે, જે વ્યંજનાત્મક બની રહે છે. આ સંદર્ભે વિજય શાસ્ત્રીનું મંતવ્ય નોંધનીય છે : “ ‘બાય ઓખા...’માં દર્પણનું પ્રતીક અર્થપૂર્ણ રૂપમાં પ્રયોજાયું છે. દંતકથા, લોકકથા જેવું માળખું અને નાટકી શૈલીયુક્ત વાક્‌છટા પ્રયોજી અભિનવ પ્રયોગ એઓ કરતા રહ્યા છે. પૌરાણિક કથનશૈલીનો વિનિયોગ આધુનિક જીવનની લાક્ષણિકતાઓ વર્ણવવામાં કર્યો છે.”૪ ‘ફીફા કુંવરી’ : આ સબળ કથારૂપે વિસ્તરેલી વાર્તા છે. કદી ન હસતા- ફીફા કુંવરી અચાનક, જાતે જ ત્રાગડો રચી એ હસી પડે. એમને હસાવવાનો પ્રયત્ન કરવામાં અનેક લોકોએ જીવ ગુમાવેલો હતો. એટલે ફિફા કુંવરીને હસતાં જોઈ ભયભીત પ્રજાજનોમાં જીવમાં જીવ(મોં પર હાસ્ય)આવે છે, આ બાબતનું વક્રોક્તિસભર તાદૃશ્ય વર્ણન વાર્તામાં સુપેરે ખીલ્યું છે. એવામાં વિરોધી લાગે એવી ફળશ્રુતિ આવે કે ‘હસવા ભેળા રડવાનો તાલ સૌને આવડજો.’ જે નવી દિશા ખોલી આપે છે. વાર્તામાં અતિશયોક્તિયુક્ત વર્ણન લેખકના વાર્તા પ્રપંચને આગવી રીતે વિચારવા પ્રેરે છે. પ્રસ્તુત વાર્તા સંદર્ભે ડૉ. જયેશ ભોગાયતા નોંધે છે કે “લોકવાર્તાની કથનશૈલીમાં પ્રજાજીવનના હકોને છીનવી લેતા સત્તાના વલણની સૂક્ષ્મ વિડંબના આધુનિક સર્જકની વેદનાશીલતા પ્રગટ કરે છે.”૫ એમની ‘વિનાયક’, ‘ચોંટ્ટી’, ‘સિંદૂરનું પડીકું’ કથનકળા અને ભાષાની દૃષ્ટિએ નોંધપાત્ર છે. વિ-નાયકનું હોટલના માહોલમાં, સિગરેટ પીવી કે મિત્ર હર્ષને મળવું અપરિચિતતા સભર કે ભાવશૂન્ય (numbness) દેખાડ્યું છે. નાયકની ઉદાસીનતા ત્યારે તૂટે છે જ્યારે પેન્ટ પર ઢોળાયેલું પાણી, ઠંડા સ્પર્શની નદી ધીમે ધીમે એના પગ પછી જાંઘ બની ચૈતન્યનો સ્પર્શ કરાવે છે. અકસ્માતે જન્મેલો સેન્દ્રિય અનુભવ નાયકના સંવેદન વિશ્વમાં અણધાર્યો રોમાંચ જગાવે છે. તો ચોંટ્ટીમાં વાર્તાનું કેન્દ્રબિંદુ શાંતા પર ફોકસ થયું હોવા છતાં, વાર્તા ખરેખર તો મોટાસાહેબની છે. અથાણું ચોરતી શાંતા ચોરટી દેખાય છે, પણ ખરો ચોર મોટો સાહેબ છે, જેનું પાપ શાંતાના પેટમાં ‘નાના સાહેબ’ રૂપે આકાર લઈ રહ્યું છે. વાર્તામાં બોલચાલની ભાષા સબળ રીતે પ્રયોજાઈ છે. આ ઉપરાંત ‘આકાશ ડહોળતું પંખી’, ‘આંસુની ખારાશ’ ‘હવડ તાજી વાસ’ નોંધપાત્ર વાર્તાઓ છે.

***

‘ડાબી મુઠ્ઠી જમણી મુઠ્ઠી’ સંગ્રહ ૧૯૮૫માં પ્રગટ થયો શીર્ષક વાર્તા ‘ડાબી મુઠ્ઠી જમણી મુઠ્ઠી’માં ઓચ્છવલાલની ડાબી મુઠ્ઠીમાં બાળપણમાં રસુલચાચાએ આપેલ બરફ છે અને જમણી મુઠ્ઠીમાં શ્રાદ્ધ વિધિ દરમિયાન પૂર્વજોનું અનુષ્ઠાન કરતાં બ્રાહ્મણે આપેલું જળ છે. બરફ પીગળી જતો અટકાવવો છે અને જળને સરવા દેવું છે, આ બંને દ્વિધા વચ્ચે ઓછવલાલ મુઠ્ઠીઓ વાળી દે છે. આમ ભૂતકાળ કે વર્તમાન કશા પર આપણું પ્રભુત્વ રહેતું નથી, એવી નાયકની પીડા પણ આધુનિક માણસની પીડાની વાત કહે છે. આ સંગ્રહની વાર્તાનાં કેટલાંક શીર્ષકો વિલક્ષણ છે : ‘દેડકો’, ‘હાથી’, ‘કીડી’, ‘ઘોડો’, ‘મીઠુંજી’ આદિ. આ વાર્તાઓની શૈલી રસાળ અને સરળ છે. પણ બાળવાર્તાનું કાઠું ધરાવતી આ વાર્તાઓ ‘વાર્તા’ તરીકે મધ્યમ કક્ષામાં આવે. તાત્ત્વિકતા અને ભાષાશૈલીને લીધે વાર્તા વાંચનક્ષમ ખરી પરંતુ કળાકીય ઉન્મેષ ધરાવતી નથી. ‘દેડકો’ વાર્તા આ સંદર્ભે સંતર્પક અનુભવ કરાવનાર બની રહી હોવાથી મહત્ત્વની છે. તળાવનું પાણી સુકાતાં, ખેતરના થાળામાં દેડકો-દેડકી રહેતાં હોય છે. થાળાના પાણીમાં ખરા બપોરે ધબાધબી કરતાં છોકરાઓથી, સૂતેલા દેડકારાણાની ઊંઘ બગાડશે, એમ વિચારી સતી જેવી દેડકી, છોકરાંઓ પર કૂદાકૂદ કરી તેમને ભગાડવાની કોશિશ કરે છે. ગુસ્સે ભરાયેલ છોકરાઓ એ બંનેને બહાર ખદેડે છે. જીવ બચાવવા દેડકા અને દેડકી કૂવામાં પડે છે. કૂવાનું નાનકડું વિશ્વ અને એમાં મૂંઝાતા એ બંને જીવ, ફાંફાં મારે છતાં છૂટી શકતાં નથી. અંતે ખબર મળે છે કે હવે આ કૂવો પણ ગોડાવવાનો છે. યક્ષપ્રશ્ન એ છે કે ‘હવે જઈશું ક્યાં?’ પવનમાં અથડાતા ફુગ્ગાની માફક ફંગોળાતા, માનવની નિયતિ અને આ દેડકા-દેડકીની નિયતિમાં ખાસ ફરક નથી. સૂરજના અસવાર થવાને બદલે સ્વતંત્રતા મેળવવા રથનો સાતમો ઘોડો ધરતી પર મહાલવા નીકળ્યો. પણ એ ‘ઘોડો’ અંતે તબેલામાં બંધાયો. એ જ રીતે જંગલમાં મોજેથી જીવતો મીઠુજી વધુને વધુ સુખ મેળવવાની લાલસામાં અંતે નગરના પાંજરે પુરાય. એ બંને મુખ્ય સૂરની દૃષ્ટિએ સરખી લાગતી વાર્તાઓ, સ્વરૂપની દૃષ્ટિએ પણ બાળવાર્તાનું કલેવર ધરાવતી હોવાને કારણે સામાન્ય બની રહે છે. એમની વાર્તા ‘બાદશાહ સલામત’ થીમ અને રજૂઆતની દૃષ્ટિએ નોંધપાત્ર છે. દોમદોમ સાહ્યબી વચ્ચે અકારણ દુઃખ અનુભવતા બાદશાહ, માનવમાત્રને અનુભવાતા અકારણ દુઃખના પ્રતિનિધિ છે. ‘તમને દુઃખ આપનારનું કમજાતનું માથું ઉતારી લઉં’ કહેનાર દીવાનજી – દુઃખ દેનારનું નામ : “ઉતારી લો આ મારા કમજાત માથાને મને વિચારનું દુઃખ છે.” સાંભળી ફરી કદી તલવાર મ્યાન કરી શકતા નથી. આ વ્યંગ(irony) એટલો સચોટ છે કે મનુષ્યમાત્ર સાથે એવો અવસાદ જોડાયેલો છે, જેનું આમ કોઈ કારણ હોતું નથી અને આમ બધાં જ કારણો હોય છે. સંગ્રહની અન્ય વાર્તા ‘કપાતર’માં નાથિયાનો બાપ ગફુરો, તખુભાને ઉપજનો અડધો ભાગ પહોંચાડતો. ‘ખેડે એની જમીન’નો કાયદો આવતાં નાથિયાની દાનત બગડે છે કે હવે અડધો નહીં ચોથીયો ભાગ આપું. આવું વિચારી તખુભાને મળવા ગયેલ નાથિયાનું તખુભાના પ્રેમભર્યા વર્તાવને લીધે હૃદય પરિવર્તન થાય છે. ફરી એને બાપનું છત્ર મળી ગયું હોય એવું લાગે છે. વાર્તામાં સુરેખ ગતિ, સંવાદો અને સંકલન પરંપરાગત રૂઢિ મુજબ જળવાયું છે. વિષય સામાન્ય હોવા છતાં માવજતને કારણે સારી વાર્તા બને છે. ચિનુ મોદીની શ્રેષ્ઠ વાર્તાઓ સંગ્રહમાં ઉપરોક્ત બે સંગ્રહોની એમને ગમતી વાર્તાઓ ઉપરાંત અન્ય અપ્રકાશિત વાર્તાઓ પણ સંગ્રહિત થઈ છે. એમાંની એક ‘નવનીત સમર્પણ’માં છપાયેલ. ‘કીમિયો’ વાર્તામાં કપિલરાય અને પ્રભુદાસ બંને એકાકી દિવસો એકમેકના સહારે વિતાવે છે. રવિવારે પ્રભુદાસ લાડુ, ફુલવડી, વાલ બનાવે. જ્યારે કપિલરાય માત્ર ચા બનાવે. સમય પસાર કરવા બંને છાપાની જાહેરાતોમાં જોઈ કોઈ અજાણ્યાના બેસણામાં જઈ આવે. ઘરે પરત આવી જમણની જ્યાફત માણે. પરંતુ એક રવિવારે પ્રભુદાસ અવસાન પામ્યા. કપિલરાયે બેસણાની જાહેરાત છપાવી. આમ, બેસણામાં જવાનો રવિવારનો ક્રમ તૂટ્યો નહીં. અહીં બંને વૃદ્ધોની એકાકી અવસ્થામાં પરસ્પરના ટેકે મૃત્યુનો સ્વીકાર કરવાની અને જિંદગી જીવવાની લાલસા ચીતરી છે. ‘અમુલખરાય’ વાર્તામાં વૃદ્ધ અમુલખરાય વિમાનમાં જાય અને જીવન પાછળ છૂટતું જાય, એની વેદનામાં એ કેવા વ્યથિત છે, એ દર્શાવ્યું છે. ‘બીક’ વાર્તાની કપિલા એટલી નીડર હોય કે ભૂતોથી પણ ડરતી નથી હોતી. એ જ કપિલા, લગ્ન પછી એક વાંદરો ઘરમાં ઘૂસી વાત કરવા લાગે, એમાં એટલી બધી ડરી જાય કે પોતાના ભાઈ ચંદુને સાથે રહેવા વિનવવા લાગે. આમાં, એની બીક આંતરિક ન હતી. પરંતુ પતિના શકની બીક ભૂતથીય ભયાનક હતી, એ બાબત તરફ આંગળી ચીંધી છે. આ વાર્તા ફેન્ટસી અને મનોરંજનના વહેણમાં સમાંતર ચાલતી વાર્તા, એકંદરે નોંધપાત્ર ગણી શકાય.

***

વાર્તાકારની વાર્તાઓમાંથી પસાર થતાં કેટલીક વિશેષતાઓ નજરે ચડે છે તે નોંધું છું : – આધુનિક સર્જકને છાજે એવા પ્રયોગો એમણે વાર્તામાં કર્યા. જેમ કે ‘તડકો’, ‘કોચમડી’, ‘ભૂરી ભૂરી બે આંખો’, ‘યમ-નિયમ’ જેવી વાર્તાઓમાં પ્રતીક યોજના દ્વારા વાર્તા સિદ્ધ કરવાનો એમણે પ્રયોગ કર્યો છે. – મધ્યકાલીન કથા વસ્તુને અર્વાચીન માનવીની વેદના સાથે જોડતી પુરાકલ્પન અને આખ્યાન શ્રેણીની વાર્તાઓમાં ‘બાય ઓખા તે આંખ મિંચ્યાનું પાપ’ (સ્વનું વસ્તુનિષ્ઠ મૂલ્યાંકન અને નિયતિના ખેલ), દશાનનાખ્યાન (શાપિત શાંતિ – વિરુદ્ધ વરદાયની શાંતિ) બાદશાહ સલામત (મનુષ્ય માત્રમાં રહેલો અકાટ્ય અવસાદ), યમનિયમ (કંટાળો અને એમાંથી છૂટવાની અસમર્થતા) આધુનિક માનવીની વેદનાની વાર્તામાં સંક્રાત કરે છે. – કવિ અને નાટ્યકાર હોવાની આવડતનો લાભ એમની વાર્તાઓને મળ્યો છે. બોલચાલની ભાષાથી લઈ સાહિત્યિક ભાષા પદ્યગદ્યનું મિશ્રણ સાહજિક પ્રયોજાયું છે. જેમકે : ૧. ‘ઉતારી લો આ મારા કમજાત માથાને મને વિચારનું દુઃખ છે.’ અત્રે કવિની ભાષા કેવી હોય, અનુભવાય છે. (પૃ. ૫૫, ‘છલાંગ’) ૨. ‘હું કેવો કપાતર પાક્યો? બાપને ઠેકાણે એવા માણસને દુઃખ પોકાડે એવું કહેવા આવ્યો?’ બોલચાલની સાહજિક ભાષાની લઢણ બરોબર પકડાઈ છે. (પૃ. ૯૪, ચિનુ મોદીની શ્રેષ્ઠ વાર્તાઓ.) ચિનુ મોદીની ઘણી બધી વાર્તાઓ એમની મર્યાદાઓને અતિક્રમી છે, ત્યાં સુંદર પરિણામ મળ્યું છે. જેની ઉપર વિગતવાર ચર્ચા કરેલ છે. છતાં સરેરાશ વાર્તાઓમાં જે મર્યાદાઓ દેખાય છે, તે એ છે કે, – એમની વાર્તાઓમાં પાત્રોનો વિકાસ બરાબર થયો નથી પાત્રોનો અણસાર, એ પણ સાવ જેવો તેવો મળે છે. – એમની વાર્તાઓમાં આંતરિક અને બાહ્ય સંઘર્ષ ભાગ્યે જ સ્થિત થયો છે. બધું વિચારોનો ઊભરો આવ્યો અને લખી નાખ્યું હોય એમ ખૂબ ઉતાવળે રચાયેલું લાગે છે. ઉત્તમ વિચાર પણ ઠર્યા વિના કેવો અધૂકડો રહી જાય છે એનો નમૂનો એમની વાર્તાને જોતા સમજાય છે. – વાર્તાઓ જેટલી પ્રયોગશીલ રહી છે, જેટલી ઊર્મિશીલ રહી છે, તેટલી સબળ કે બળકટ વાર્તારૂપે ઊપસી શકી નથી. છતાં એમણે કરેલ વાર્તાપ્રયોગો અભૂતપૂર્વ છે. – એમની રચનાઓમાં વિચારોનું પુનરાવર્તન ભાગ્યે જ થયું છે. – અનેકવિધતા એમની વાર્તાનું કેન્દ્રબિંદુ છે. જે એમની અભિવ્યક્તિ કે શૈલીમાં સતત ડોકાતું રહ્યું છે. – એમનું દર્શન પણ આધુનિક માનવીની વેદના અને આધુનિક માનવીના પ્રશ્નોને યથાતથ ચર્ચે છે. – એમનામાં રહેલ કવિ, વાર્તામાં ઊર્મિનું સંયોજન અને શૈલીની તાજગી દર્શાવે છે. આમ, વાર્તાકાર તરીકેની બીજી અનેક મર્યાદાઓ હોવા છતાં ચિનુ મોદી એક સક્ષમ સર્જક છે,એમ કહી શકાય.

સંદર્ભસાહિત્ય :

૧. ‘છલાંગ’, પ્ર. આ. ૧૯૯૭, આમુખ : સુમન શાહ, પૃ. ૭
૨. ‘છલાંગ’, પ્ર. આ. ૧૯૯૭, કેફિયત, ચિનુ મોદી. પૃ. ૬
૩. ‘વાર્તા વિશેષ’, રઘુવીર ચૌધરી
૪. ‘ગુજરાતી ભાષા સાહિત્ય પર આધુનિકીકરણનો પ્રભાવ’, વિજય શાસ્ત્રી, ડૉક્ટર ચંદ્રકાંત ગાંધી, ડૉક્ટર અશ્વિન દેસાઈ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, પ્ર. આ. ૧૯૮૭. પૃ. ૨૯૫
૫. ‘આધુનિક ગુજરાતી ટૂંકીવાર્તામાં ઘટનાતત્ત્વનું નિરૂપણ’, જયેશ ભોગાયતા, પ્ર. આ. ૨૦૦૧, પૃ. ૨૧૬

કોશા રાવલ
એમ.એ., પીએચ.ડી.,
વાર્તાકાર, સંશોધક, વડોદરા
મો. ૯૭૨૪૩ ૪૧૨૨૦