ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ચુનીલાલ મડિયા
માવજી મહેશ્વરી
વાર્તાકારનો પરિચય :
ચુનીલાલ કાળિદાસ મડિયાનો જન્મ ૨૨ ઓગસ્ટ ૧૯૨૨ના રોજ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થયો હતો. આમ તો તેમના વડવાઓ મૂળ હાલાર પ્રદેશના નિકાવા ગામના હતા, જે આજે જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકામાં આવેલું છે. એ ગામના અન્ય પરિવારો સાથે તેઓએ પોતાનું વતન છોડી રાજકોટના ધોરાજીમાં આવીને વસ્યા. ચુનીલાલ મડિયા જ્ઞાતિએ જૈન હતા. એમનાં માતાનું નામ કસુંબા ઉર્ફે પ્રાણકુંવર હતું. મડિયા ચાર બહેનોના એકના એક ભાઈ હતા, એટલે પરિવારમાં બહુ લાડકા હતા. નાનો એવો ધીરધારનો ધંધો કરતા મડિયાના પિતાજીનું અકાળ અવસાન થયું ત્યારે મડિયા માત્ર પાંચ વર્ષના. તેમનાં માતા અને બહેનોએ તેમને સાચવી લીધા અને મડિયાએ મેટ્રિક સુધીનો અભ્યાસ ધોરાજીની ભગવતસિંહજી હાઈસ્કૂલમાં કર્યો જ્યાં તેમની સાહિત્યરુચિ ઘડાઈ હતી. તે પછી તેઓ વધુ અભ્યાસ માટે અમદાવાદ ગયા અને વાણિજ્ય વિષયના સ્નાતક થયા. મડિયાનો જીવ સાહિત્યનો. વાણિજ્યના વિષય એમને ભણવું ન ગમે. તેઓ વાંચ્યા કરે, સાહિત્યના કાર્યક્રમોમાં જાય, સાહિત્યકારોને મળે. અમદાવાદે એમને ઘડ્યા, એમની અંદરના વાર્તાકાર અને નવલકથાકારને માર્ગ મળ્યો. તેમણે વાણિજ્યની ડીગ્રી તો લીધી પણ તેઓનો ભીતરનો લેખક અને પત્રકાર જાગી ગયો હતો. તેઓ અમદાવાદના એ સમયના જાણીતા અખબાર ‘પ્રભાત’માં ખંડ સમયના પત્રકાર તરીકે જોડાયેલા. આ સમય દરમિયાન સાહિત્યજગતના મહારથીઓ ઝવરેચંદ મેઘાણી, જયંતિ દલાલ, ઉમાશંકર જોશી, રસિકલાલ છો. પરીખ અને બચુભાઈ રાવત સાથે પરિચય થયો. જાણીતા થયા પછી ઉમાશંકર તેમને વહાલથી ‘મડિયારાજા’ તરીકે બોલાવતા. ચુનિલાલ મડિયાને કૉલેજકાળથી જ લેખનનો શોખ હતો. ઉમાશંકર જોશીએ તેમની લેખનકલાની શગ સંકોરી. મડિયાના ગદ્ય તરફ વળવામાં ત્રણ કારણો જણાય છે. ૧૯૪૫થી ’૫૦ ગાળામાં તેઓ ‘જન્મભૂમિ’ના તંત્રી વિભાગમાં કામ કર્યું. પરિણામે તેમની વાર્તાને માર્ગ મળ્યો. તેમને મુંબઈસ્થિત ‘યુસીએસ’ની કચેરીમાં ગુજરાતી વિભાગના વડા તરીકે કાર્ય કરવાનું થયું. આને કારણે તેઓ વિશ્વસાહિત્યના પરિચયમાં આવ્યા. વર્તમાનપત્રો સાથેના તેમના ઘનિષ્ઠ સબંધોને કારણે ધારાવાહિક લેખન માટે અવકાશ મળ્યો. એ રીતે નવલકથાકાર મડિયાના વિકાસમાં વર્તમાનપત્રોનો મોટો ફાળો છે. મડિયાની પહેલી ટૂંકી વાર્તા ‘સોનાજી’ બચુભાઈ રાવતના તંત્રીપદે ચાલતા ‘કુમાર’માં છપાઈ. ઉમાશંકર જોશી, જયંતિ દલાલ અને સુરેશ જોષી જેવા સમર્થ સાહિત્યકારોએ પોતાની સાહિત્યપ્રીતિ વ્યક્ત કરવા કોઈને કોઈ સમયે એક કે વધુ સામયિકો કાઢ્યાં. યુવાન મડિયા આની તૈયારી રૂપે ૧૯૪૪માં અમરેલી જિલ્લાના મોટા આંકડિયાથી ‘સર્વધર્મ’ અને ‘જનેતા’ નામનાં સામયિકો શરૂ કર્યા. બહુ ઓછા લોકોને ખબર છે કે મડિયાએ ‘અખોરૂપેરો’, ‘કલેન્દુ’, ‘વક્રગતિ’, ‘વિરંચિ’ એમ ચાર ઉપનામે પણ લખ્યું છે. ૧૯૪૫થી ૧૯૫૦ દરમિયાન મુંબઈમાં ‘જન્મભૂમિ’ દૈનિકના તંત્રી-વિભાગમાં કામ કર્યું. ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્ફર્મેશન સર્વિસ (‘યુસીએસ’)ની મુંબઈ શાખાના ગુજરાતી વિભાગમાં સંપાદક તરીકે જોડાયા. ૧૯૫૫માં તેમણે યુરોપ અને અમેરિકાનો પ્રવાસ કર્યો. ૧૯૬૨માં ‘યુસીએસ’માંથી નિવૃત્ત થઈ ૧૯૬૩માં તેમણે ‘રુચિ’ માસિક શરૂ કર્યું. ‘સંદેશ’ અને ‘જન્મભૂમિ’ દૈનિકોમાં તેઓ ધારાવાહી નવલકથાઓ અને સાપ્તાહિક કટાર લખતા. ૧૯૬૭માં પી.ઈ.એન.ના આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં ભારતના પ્રતિનિધિ તરીકે હાજરી આપવાને નિમિત્તે આફ્રિકા અને યુરોપની મુસાફરી કરી. ૨૯ ડિસેમ્બર ૧૯૬૮ના દિવસે પી.ઈ.એન.ના ભારતીય અધિવેશનમાં હાજરી આપીને અમદાવાદથી મુંબઈ જવા રવાના થયા અને અમદાવાદમાં જ મણિનગર રેલવે સ્ટેશન ઉપર સૌરાષ્ટ્રની ધરા અને લોકબોલીને જાગતી રાખનાર વાર્તારસના ખેલંદા ચુનીલાલ મડિયાનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું.
ચુનીલાલ મડિયાનું સાહિત્યસર્જન :
ચુનીલાલ મડિયા ખરેખર વાર્તારસના જાણતલ હતા. તેમણે ક્યારેય વિવેચનની પરવા ન્હોતી કરી. એમની વાર્તાઓ અને નવલકથાઓના વિષયો આશ્ચર્યમાં નાખી દે છે. જાણે મડિયા કથા સાહિત્ય માટે જ જન્મ્યા હતા. તેમણે પ્રચૂર માત્રામાં લખ્યું છે. ટૂંકી વાર્તા, નવલકથા, નાટક, હાસ્યકથા, સૉનેટ અને ખાસ કરીને તેમના લેખોની એ વખતે બહુ જ ચર્ચા થતી હતી. એમની વાર્તા ‘અભુમકરાણી’ પરથી કેતન મહેતાએ ‘મિર્ચ મસાલા’ ફિલ્મ બનાવી પછી એમાં બધાને એમાં રસ પડ્યો છે. આ વાર્તાની મડિયાની ઉત્તમ વાર્તાઓમાં ગણના થાય એવી વાર્તા છે. (એમની ‘ભેરવ બોલી’ જેવી ઘણી ઉત્તમ વાર્તાઓ વાચકો અને વિવેચકોની નજર બહાર ગઈ છે). મડિયાને એમના એકાંકીસંગ્રહ ‘રંગદા’ અને ‘રક્તતિલક’ તથા દીર્ઘ નાટક ‘શૂન્યશેષ’, વાર્તાસંગ્રહ ‘તેજ અને તિમિર’ અને ‘શરણાઈના સૂર’ને મુંબઈ સરકારનાં ઇનામો મળ્યાં છે. વિવેચનસંગ્રહ ‘ગ્રથંગરિમા’ અને ‘વાર્તાવિમર્શ’ને ગુજરાત સરકારનાં ઇનામો મળેલાં છે. એ ઉપરાતં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ‘અંતઃસ્રોતા’ના અંગ્રેજી અનુવાદ Rendezvous in Eternity માટે અમેરિકન અખબાર ‘ધ ન્યૂ યોર્ક હેરોલ્ડ ટ્રિબ્યુન’નું ઇનામ મળ્યું છે. સાહિત્ય-સેવાની કદર રૂપે ૧૯૫૭માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો. જુદા જુદા લેખકો દ્વારા તેમની શ્રેષ્ઠ વાર્તાઓના છ જેટલા સંગ્રહો થયા છે. વાર્તાસંગ્રહો : ‘ઘૂઘવતાં પૂર’ (૧૯૪૫), ‘શરણાઈના સૂર’ (૧૯૪૫), ‘ગામડું બોલે છે’ (૧૯૪૫) ‘પદ્મજા’ (૧૯૪૭), ‘ચંપો અને કેળ’ (૧૯૫૦), ‘તેજ અને તિમિર’ (૧૯૫૨), ‘રૂપ-અરૂપ’ (૧૯૫૩), ‘અંતઃસ્રોતા’ (૧૯૫૬), ‘જેકબ સર્કલ સાત રસ્તા’ (૧૯૫૯), ‘ક્ષણાર્ધ’ (૧૯૬૨), ‘ક્ષત-વિક્ષત’ (૧૯૬૮) ‘ખાકનું પોયણું’ (મરણોત્તર ૧૯૯૪) નવલકથાઓ : ‘પાવકજ્વાળા’ (૧૯૪૫), ‘વ્યાજનો વારસ’ (૧૯૪૬), ‘ઈંધણ ઓછાં પડ્યાં’ (૧૯૫૧), ‘વેળા વેળાની છાંયડી’ (૧૯૫૬), ‘લીલુડી ધરતી’- ભા. ૧-૨ (૧૯૫૭), ‘પ્રીતવછોયાં’ (૧૯૬૦) ‘શેવાળનાં શતદલ’ (૧૯૬૦), ‘કુમકુમ અને આશકા’ (૧૯૬૨), ‘સધરા જેસંગનો સાળો’- ભા. ૧-૨ (૧૯૬૨), ‘ગ્રહાષ્ટક વત્તા એક’ (૧૯૬૫), ‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’ (૧૯૬૭), ‘સધરાના સાળાનો સાળો’ (૧૯૬૮), ‘આલા ધાધલનું ઝીંઝાવદર’ (૧૯૬૮) એમની નવલકથાઓ છે. પ્રાદેશિક નવલકથાઓના સર્જક તરીકે એમને યશ અપાવે એવી કૃતિઓ બહુ ઓછી છે, તેમ છતાં વાસ્તવરીતિ અને કટાક્ષરીતિથી એમની કથાસૃષ્ટિમાંથી ઊપસતો પ્રદેશ ભાવકના આસ્વાદનો વિષય થઈ પડે છે. નાટક : ‘હું અને મારી વહુ’ (૧૯૪૯), ‘રંગદા’ (૧૯૫૧), ‘વિષયવિમોચન’ (૧૯૫૫), ‘રક્તતિલક’ (૧૯૫૬), ‘શૂન્યશેષ’ (૧૯૫૭), ‘રામલો રોબિહનહૂડ’ (૧૯૬૨) વગેરે એમનાં ત્રિઅંકી અને એકાંકી નાટકનાં પ્રકાશનો છે. કેન્દ્રસ્થ ભાવને હળવાશથી પાત્રોના માધ્યમ દ્વારા મૂકતાં આ નાટકો રંગભૂમિને નજર સમક્ષ રાખીને લખાયેલાં છે. નાટ્યકાર તરીકેની સર્જકની આ વિશિષ્ટતા એમના નાટકોમાંથી પ્રગટ થઈ છે; એ રીતે તેઓ નાટ્યતત્ત્વજ્ઞ નાટ્યકાર ઠરે છે. ‘સૉનેટ’ (૧૯૫૯) એમનો એકવીસ સૉનેટકાવ્યોનો સંગ્રહ છે. અન્ય લેખન : એમનાં સંપાદનોમાં ‘મડિયાની હાસ્યકથાઓ’, ‘મડિયાની ગ્રામકથાઓ’, ‘મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ’, ‘શ્રેષ્ઠ એકાંકીઓ’, ‘નટીશૂન્ય નાટકો’, ‘નાટ્યમંજરી’ અને ‘ઉત્તમ એકાંકી’ જેવાં સંપાદનો ઉલ્લેખનીય છે. જો કે આમાં મોટા ભાગનું સંપાદન પુનર્મુદ્રિત છે. ‘શ્રેષ્ઠ અમેરિકન વાર્તાઓ’ અને ‘કાળજાં કોરાણાં’ એ પ્રખ્યાત અમેરિકન વાર્તાકારોની કૃતિઓના અનુવાદોના સંગ્રહો છે; તો ‘આંતરરાષ્ટ્રીય એકાંકીઓ’ અને ‘કામણગારો કર્નલ’ એ એમણે કરેલા નાટ્યાનુવાદો છે.
વાર્તાકારનો યુગસંદર્ભ :
એ બહુ જાણીતી વાત છે કે મડિયા અને ડૉ. સુરેશ જોષી આધુનિકતાની બાબતમાં સામસામે છેડે હતા. ૧૯૫૫ની આસપાસ ગુજરાતી સાહિત્યમાં પશ્ચિમના આધુનિકવાદની ચર્ચા થવા માંડી. એમાંથી આવ્યો વાર્તા અને નવલકથામાં ઘટનાતત્ત્વનો લોપ. સુરેશ જોષીએ નવલકથાનો નાભિ શ્વાસ ચાલી રહ્યો છે એવી ચર્ચા પણ છેડી હતી. મડિયાએ સુરેશ જોષીના ઘટનાતત્ત્વના લોપ સંદર્ભે તીખી પ્રતિક્રિયાઓ આપતાં કહ્યું કે, ‘ઘટનાતત્ત્વનો લોપ એ પશ્ચિમનો વિચાર છે અને જેનો પ્રયોગ અહીં કરવામાં આવી રહ્યો છે.’ મડિયા પોતે પશ્ચિમના સર્જકો અને પશ્ચિમમાં ચાલતાં સાહિત્ય સ્વરૂપનાં આંદોલનોથી પરિચિત હતા. તેઓ સુરેશ જોષીના વિચારના મૂળને સારી પેઠે સમજતા અને જાણતા હતા. એટલે એક અર્થમાં તેમણે સુરેશ જોષીના ઘટનાલોપના વિચારના સામા છેડે ઊભા રહીને કડક આલોચના કરી છે. મડિયા માનતા હતા કે કથા કે વાર્તામાં ઘટનાતત્ત્વ અનિવાર્ય છે. એટલે જ મડિયાએ પોતાની વાર્તાઓમાં ઘટનાઓને ભરપૂર મહત્ત્વ આપ્યું છે. તેમનો કલાસ્વરૂપનો અભિગમ સ્વ- અનુભવ અને પશ્ચિમની વાર્તા સ્વરૂપના સૂક્ષ્મ પરિશીલનથી ઘડાયો છે. મડિયા માનતા હતા કે જીવાતા જીવનની ચેતના જ વાર્તા કે નવલકથાનો આધાર છે. તેમણે નવા લેખકોને ચેતવતાં કહ્યું હતું, ‘કામુ કે કોલિન વિલ્સનનાં ચાંદુડીયાં પાડ્યે આપણી નવલકથાનું દળદર નહિ ફિટે. આપણી પોતાની સમગ્ર પ્રજાજીવનની પ્રાણશક્તિ જ આપણી સર્જકતાની પારાશીશી બની શકે.’ અહીં મડિયા નવલકથાના માત્ર સર્જક નથી રહેતા, સાહિત્ય સ્વરૂપના પરામર્શક પણ બની રહે છે. તેમણે લખ્યું છે, ‘એલન પ્રાઇસ-જોન્સ જેવા વિવેચકો વાર્તાની કહેવાતી ટેક્નિકથી વાજ આવ્યા છે. મોટામાં મોટી ટેક્નિક તો કલાકારનું પોતાનું ઔચિત્યભાન અને હૈયાઉકલત છે. સર્જકને સાંપડેલી અનુભૂતિ જો સાચી હશે તો એની વાર્તાનો શબ્દદેહ આપમેળે જ સુશ્લિષ્ટ બનવાનો. એના સંવેદનમાં સચ્ચાઈનો રણકો હશે તો વાર્તામાં એ રણકો અવશ્ય સંભળાવાનો. પણ અનુભૂતિ જ કચાશ હશે તો ટેક્નિકના ગમે તેટલા વાઘા પહેરાવવા છતાં આંતરિક દારિદ્ર્ય અછતું નહિ રહે. એ ઉપરથી સમજાશે કે ટેક્નિક ઉપર ઝાઝો મદાર બાંધવામાં માલ નથી.’ મડિયાએ પોતાની કૃતિઓથી જ આધુનિકતા, ઘટનાલોપ જેવી ટેક્નિકનો જવાબ આપ્યો હતો.
ટૂંકી વાર્તા વિશે ચુનીલાલ મડિયાની સમજ :
મડિયાએ સુરેશ જોષીના વિચારનો પોતાનાં વિવેચનો અને કૃતિઓ દ્વારા એવો તો સજ્જડ જવાબ આપ્યો કે તત્કાલીન મોટાભાગના વાર્તાકારો અને નવલકથાકારોએ સુરેશ જોષીના વિચારનો અસ્વીકાર કર્યો. એ રીતે મડિયા ગુજરાતી નવલકથાના વળાંકે ઊભેલા મહત્ત્વના નવલકથાકાર છે. ગુજરાતી નવલકથાનું સ્વરૂપ સાચવવામાં અને સ્વરૂપ ઘડવામાં મડિયાનો સિંહફાળો છે. હવે જ્યારે ઘટનાલોપ વિચારનો સંપૂર્ણ અસ્ત થઈ ગયો છે ત્યારે કહી શકાય કે સુરેશ જોષી સામેનો મડિયાએ માંડેલો મોરચો સાચો હતો. મડિયા માને છે અમુક પ્રકારે ન લખાય તો એ વાર્તા ન હોય એ વિચાર સર્જનને બાંધી રાખવા જેવી વાત છે. કૃતિનું કોઈ પરિરૂપ ન હોય. તેમ કરવાથી સર્જનમાં કશું નવીન નહીં નિપજે. ખરેખર તો દરેક કલાકૃતિનું પોતાનું એક વ્યાકરણ હોય છે. જે સર્જકને મોકળાશ કરી આપે તેમાં જ કલાની ભલાઈ છે.’ મડિયા જન્મસિદ્ધ લેખક હતા, સર્જક હતા. તેમની પોતાની એક આગવી રચનારીતિ હતી. ૨૫૦ જેટલી વાર્તાઓ આપનાર મડિયાએ વાર્તા વિશે સંપૂર્ણ ભારતીય નજરને ધ્યાનમાં રાખીને વાર્તા રચી છે. એમની વાર્તાઓ વાંચતાં જ સમજાય કે આ સર્જક ભારતીય ગુજરાતી છે. સૌરાષ્ટ્રનો એવો કોઈ વર્ગ કે એવી વ્યવસ્થાઓ બાકી નહીં હોય જે મડિયાની નજરમાં ન આવી હોય. કેટલીક જ્ઞાતિઓના વ્યવહારો, ઉદારતા, કૃપણતા, હિંસકતા જેવા માનવ સ્વભાવના ગુણો મડિયાની વાર્તાઓમાં સાંગોપાંગ ઉતર્યા છે.
ચુનીલાલ મડિયાના વાર્તાસંગ્રહોનો પરિચય :
કોઈકે કહ્યું છે કે સર્જકો અને કલાકારો બનાવી શકાતા નથી તેઓ જન્મે છે. એ અર્થમાં મડિયા જન્મગત સર્જક હતા. તેમને બાળવયમાં ખબર નહોતી કે તેમના હાથે શું શું લખાવાનું છે અને તેમને ક્યાં ક્યાં જવાનું થશે, કેવા કેવા માણસોને મળવાનું થશે. અમદાવાદ અને મુંબઈ આવ્યા પછી લખાયેલી એમની વાર્તાઓ વાંચતાં આશ્ચર્ય થાય કે આ બધું મડિયાએ ક્યારે જોયું અને ક્યારે અનુભવ્યું? મડિયાનો પ્રથમ વાર્તાસંગ્રહ ત્રેવીસ વર્ષની ઉંમરે પ્રસિદ્ધ થયો. ત્યાર બાદ એમણે બાર વાર્તાસંગ્રહો અને બસો પચાસ વાર્તાઓ આપી છે. આ વાર્તાઓના વિષયો જોતાં મડિયા એક સંપૂર્ણ કલાકાર હતા તેની પ્રતીતિ થાય છે. મડિયાનો વિશષે એમની ગ્રામપ્રદેશની વાર્તાઓમાં છે. એમણે કુંભાર, પટેલ, ક્ષત્રિય, દલિત, કોળી, પસાયતા, મામલતદાર, શિક્ષક, સમાજસેવક, હોટલવાળા, શરણાઈવાળો, નોતરિયો, મદારી, ચોકીદાર, આહિર જેવા અને ગ્રામપ્રદેશની માનવેતર સૃષ્ટિને પણ પાત્ર બનાવીને વાર્તાઓ લખી છે. આ બધાં પાત્રો એમની વાર્તામાં પાત્ર તરીકે નહીં પણ એમના સંપૂર્ણ સામાજિક સદંર્ભ સાથે નિરૂપાય છે અને એના આલેખનમાં મડિયાએ સૌરાષ્ટ્રના ગ્રામસમાજને સંપૂર્ણપણે આત્મસાત કર્યો છે તે દેખાયા વગર રહેતું નથી. એમણે કચ્છી પરિવેશની પણ વાર્તા લખી છે, મગધ અને વૈશાલી જેવાં ગણરાજ્યોની પણ વાર્તા લખી છે. આ બધી વાર્તાઓમાં તહેવારો, રીતરિવાજો, મનોસચંલનો, ઋતુએ ઋતુનાં જુદાંજુદાં વાતાવરણો અને એને યોગ્ય ભાષા પ્રયોજીને તેમણે અઢારે વર્ણને જીવંત કર્યા છે. શહેરી પરિવેશની વાર્તાઓમાં પણ મડિયાની સર્જકતા સોળે કળાએ ખીલી ઊઠે છે. સાચા ગાંધીવાદી, બનાવટી સ્વાતંત્ર્યસેનાનીઓ, ડૉક્ટરો, નિવૃત્ત પુરુષો, વેશ્યાઓ, વેપારીઓ, કૉલેજિયન યવુક-યુવતીઓ જેવો પચરંગી શહેરી સમાજ મડિયાએ વાર્તાઓમાં જીવંત કરી બતાવ્યો છે. ચોપાટ રમનાર ઉસ્તાદો, નોતરું આપનારા નોતરિયા, નદીના કાંઠે કૂબો કરીને પડી રહેનારા કોળીઓ, વેઠ જનારા ખેડૂતો, મોરલીના સૂરથી લોકોને અને સર્પને મત્રંમુગ્ધ કરતા મદારીઓ, ગીરના કૂબામાં વસતા આહિરો, શહેરી ગરીબથી માંડીને અબજોપતિઓ અને તેમની ગૃહિણીઓ, ભીખ માંગીને ફૂટપાથ પર સૂઈ રહેનારા ભિખારીઓ, આવા આવા અનેકાનેક વ્યક્તિઓ અને વ્યાવસાયિકો મડિયાની વાર્તામાં સહજપણે આવે છે. આમાંથી કેટલાક વર્ગો અત્યારે અદૃશ્ય થઈ ગયા છે. એમની રહેણીકરણી અને બોલચાલની ઢબ કેવી હતી એ શું અને કેવું વિચારતા હતા એના સગડ આપણને હવે મડિયાની વાર્તાઓ સિવાય ક્યાંય મળે એમ નથી. મડિયા પહેલાં ઝવરેચંદ મેઘાણીએ ગ્રામસમાજને પોતાની વાર્તામાં આલેખ્યો છે ખરો, પરંતુ લોકસાહિત્યકાર અને પત્રકારના નાતે ટીંબેટીંબે જઈને સંશોધન કરવામાં એમનો ખૂબ સમય ગયો છે તેને કારણે એમણે મૌલિક કહી શકાય એવી ફક્ત ૮૫ વાર્તાઓ આપી છે. જ્યારે મડિયાએ અઢીસો વાર્તાઓમાં આખું સૌરાષ્ટ્ર જીવંત કરી બતાવ્યું છે. એટલું જ નહીં, શહેરને પણ યથાતથ પોતાની વાર્તામાં ઝીલ્યું છે. મડિયા જેટલાં પાત્રો-પરિસ્થિતિઓ, કથાનકો અને વાર્તાઓ બીજા કોઈ લેખકે ભાગ્યે જ આપ્યાં હશે. મડિયા ‘ધૂમકેતુ’ અને પન્નાલાલની જેમ સંપૂર્ણ વાર્તાસર્જક તરીકે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં અનન્ય સ્થાન ધરાવે છે.
મડિયાની ગ્રામજીવનકેન્દ્રી વાર્તાઓમાં વણિકો, દરજી, ખેડૂતો, સાથીઓ અને ભાગિયાઓ, ભરવાડ, કુંભાર, કોળી વગેરે સમુદાયોનું પ્રતિનિધિત્વ સુપેરે જોવા મળે છે. તેમના પોષાક, રહેણીકરણી, બોલી અને વિચારોથી એકબીજાથી એટલા અલગ પડે છે કે એમાં તેર તાંસળી અને અઢારે વર્ણ હાજર છે. એવી કોઈ જ્ઞાતિ, જાતિ નહીં હોય જેના વિશે મડિયાએ વાત ન કરી હોય. શહેરી સમાજનો પણ એમને સુપેરે પરિચય છે. જેમાં માળામાં અથવા ચાલીમાં જીવતાં નિમ્ન-મધ્યમ વર્ગનાં, ગરીબ વર્ગનાં પાત્રો છે, તો અંગ્રેજીમાં વાત કરતાં ઉચ્ચ વર્ગનાં શહેરી પાત્રો પણ છે. મોટી મહેલાતોમાં રાચતાં શ્રીમતં પાત્રો પણ છે તો ‘ચક્ર’, ‘રાયજી રોસ્કોપ’ અને ‘દિનપ્રતિદિન’ જેવી વાર્તાનાં પાત્રો આધુનિક માનવીના અસ્તિત્વની નિઃસ્સારતા અને વિચ્છિન્ન મનોદશા અનુભવતાં પાત્રો પણ અહીં છે. શહેરી પાત્રોની વાર્તામાં એમણે ફક્ત ઝાકઝમાળ ભરેલી જિંદગીની વાર્તાઓ નથી લખી, પરંતુ આવા અસ્તિત્વની કટોકટી અનુભવતા શહેરીજનોની વાર્તાઓ પણ લખી છે. ‘માલકારી સાહેબનું વાહન’ વાર્તામાં મામલતદાર અને મહાલકારી જેવા સરકારી અધિકારીઓ ખેડૂતો પાસે વેઠ કરાવીને શોષણ કરે છે તેની વાત લખવાનું પણ ભૂલ્યા નથી. તો થોડીક સંપત્તિ આવ્યા પછી આ ખેડૂતો પણ એદી અને વ્યસની બની ગયાનું પણ મડિયા નોંધવાનું ચૂક્યા નથી. ‘અભુમકરાણી’ તથા ‘શરણાઈના સૂર’ જેવી વાર્તાઓમાં મુસ્લિમ અને મકરાણી સમાજનું પણ પ્રતિનિધિત્વ છે. મડિયાની વાર્તાઓમાં વીસમી સદીના ચોથા દાયકાથી સાતમા દાયકા સુધીનો ગ્રામીણ તથા શહેરી સમાજ તેના વિવિધ રંગોમાં હાજર છે.
સ્ત્રીપુરુષના સંબંધનાં વિવિધ પરિમાણો વ્યક્ત કરતી વાર્તાઓ મડિયાની ઉત્તમ વાર્તાઓ છે. જાતીયતાનું નિરૂપણ મડિયાને જેટલું ફાવ્યું છે તેટલું અન્ય કોઈ ગુજરાતી સર્જકને ફાવ્યું નથી. પશુઓની જાતીયતાનું નિરૂપણ વ્યક્ત કરતી ‘કમાઉ દીકરો’ લખીને મડિયાએ માનવીની લોભવૃત્તિ અને પશુસહજ કામવૃત્તિનું નિરૂપણ એટલી કુશળતાથી કર્યું છે કે આ વાર્તા લખાઈ હતી ત્યારે જેટલી પ્રસ્તુત હતી એટલી જ આજે પણ છે. ‘વાની મારી કોયલ’માં એક વરણાગી ગોળ ગાળનાર ગળિયારો અને એક પટેલ કન્યા વચ્ચેનો લગ્નેતર શારીરિક સંબંધ નિરૂપાયો છે. ‘ગળચટ્ટાં વખ’ વાર્તામાં એક અતૃપ્ત ઠકરાણા મદારીની દેહયષ્ટિ પર કઈ રીતે મોહિત થઈ જાય છે, અને એનું કેવું ઘાતક પરિણામ આવે છે એ પણ આલેખ્યું છે. આ બધી વાર્તાઓમાં જાતીયતા પ્રમખુ સ્થાને છે અને એ વિધ્વંસક બળ તરીકે પણ કામ કરે છે. જો જાતીયતાને યોગ્ય દિશામાં વાળવામાં ન આવે તો વ્યક્તિના મૃત્યુ સુધી તે પહોંચી શકે તે વાત આ વાર્તાઓમાં સચોટ રીતે કહેવાયેલી છે. ‘ભેરવ બોલી’ વાર્તામાં લગ્નેતર પ્રેમને કારણે પ્રેમિકાના પતિને મારી નાખતા પુરુષના અને એ પ્રેમિકાથી ધરાઈ જતાં બીજી સ્ત્રીને પામવા મથતા એ પુરુષનું ખૂન કરવા સુધી જતી સ્ત્રીના પાત્રનું નિરૂપણ થયેલું છે. અહીં નારીસંવેદનાનું એક વિશિષ્ટ સ્વરૂપ પણ જોવા મળે છે. આ વાર્તા મડિયાની એક અલ્પખ્યાત વાર્તા હોવાથી તેમાંની જાતીયતા વિશે બહુ ચર્ચા થઈ નથી એટલે એનું પુનરાવલોકન જરૂરી છે. ‘ચંપો અને કેળ’ વાર્તામાં પતિના મિત્ર સાથે ભૂલથી સહશયન કરતી સ્ત્રી એના પરિણામરૂપે પતિને છોડીને એના મિત્ર સાથે સંસાર માંડવા માટે મજબૂર થાય તેમ એ પુરુષનું મરણ થતાં ફરીથી પૂર્વ પતિ પાસે આવેલી સ્ત્રીના ચારિત્ર્યને સમાજ તિરસ્કારની દૃષ્ટિએ નહીં, પણ માનની નજરે જુએ એવું એક વિશિષ્ટ પ્રકારની જાતીયતાનું નિરૂપણ જોવા મળે છે, અહીં સમાજ સ્ત્રી-પરુષના લેખાજોખાં ફક્ત જાતીયતાના આધારે નહીં પણ સંસારની ભઠ્ઠીમાં એ કેટલું તપ્યાં છે એના આધારે કરે છે. ‘મેંદીના રંગ’ વાર્તામાં બંને પાત્રો જુદાજુદા સમુદાયનાં હોવાથી એમનો પ્રેમ લગ્નમાં પરિણમતો નથી, પરંતુ એનું કોઈ વિઘાતક પરિણામ આવવાને બદલે પુરુષ આધ્યાત્મિક કહી શકાય તેવી ઉચ્ચ ભૂમિકાને પ્રાપ્ત કરે છે. આ બંને વાર્તાઓ મડિયાની અંદર રહેલી જાતીયતાની સમજણનું એક અલગ જ પરિમાણ વ્યક્ત કરે છે. ‘અંતઃસ્રોતા’ વાર્તામાં જેલ તોડીને આવેલો પુરુષ મનથી તો પોતાની પ્રૌઢ પત્નીનું સાંનિધ્ય ઝંખે છે, પણ એમ કરવા જતાં પુત્રની સરકારી નોકરી જશે એ સભાનતાથી પોતે કાયદાના શરણે થઈ જાય તેવી વાતમાં પણ પ્રેમ અને જાતીયતાનું એક ઉદાત્ત સ્તર હૃદયગમ્ય અને સ્મૃતિગમ્ય ઢબે આલેખાયું છે. ‘કાળી રાત, કાળી ઓઢણી, કાળી ચીસ’ વાર્તામાં ભૂલથી મધરાતે દોઢ વાગ્યે ખોટા સ્ટેશને ઊતરી ગયેલી નાના બાળકવાળી સ્ત્રીને ત્યાંનાં પુરુષો પીંખી નાખે ત્યાં મડિયા જાતીયતાના એક વરવા અને ભયાવહ પરિમાણનું આલેખન કરતા હોય એવી પ્રતીતિ થાય છે. ‘કાકવંધ્યા’ વાર્તામાં કુંવારી માતા બનેલી સ્ત્રી બાળક તેમ જ ભવિષ્યમાં માતા થવાની શક્તિ ગુમાવી બેસે તેનાથી વ્યથિત થઈને છેવટે આપઘાત કરવા ઝડપથી ગાડી દોડાવીને ટ્રક સાથે અથડાવી મૃત્યુ નોતરતી હોય એવું જાતીયતાનું એક અકલ્પ્ય નિરૂપણ પણ જોવા મળે છે. ‘મોડેલ’ વાર્તામાં વેશ્યાનું સૂચિત પાત્ર કેટલું સુંદર છે તે સંભવિત ગ્રાહકોને બતાવવાના હેતુથી અન્ય એક સુંદર સ્ત્રીનો ઉપયોગ એક મોડેલ કે બોડી ડબલ તરીકે થાય છે. જાતીયતાનું ભાગ્યે જ કોઈ પાસું એવું હશે જેને મડિયા નહીં સ્પર્શ્યા હોય. એટલું જ નહીં, એમણે એમાંથી ઉત્તમ વાર્તાઓ નિપજાવી છે. મોટાભાગની વાર્તાઓમાં જાતીયતાનું નિયમન પાત્રોની આર્થિક સ્થિતિ કરે છે તેવું વધારાનું પરિમાણ ઉમેરીને મડિયાએ જાતીયતા એ નિરપેક્ષ નથી પરંતુ તેનાં આર્થિક અને સામાજિક ચાલકબળો પણ હોય છે તે વાત પણ મુખર થયા વિના કરી છે. ગુજરાતમાં જ્યારે ફ્રોઈડ પ્રભાવિત જાતીયતાના નિરૂપણવાળી વાર્તાઓનું સર્જન અને ચર્ચાઓ થતી હતી ત્યારે તેમણે માર્ક્સ પ્રભાવિત આર્થિક પાસાંને તેમાં સાંકળીને આ બંને પરિબળોના સંઘર્ષથી જાતીયતા સંકુલ સ્વરૂપ કેવી રીતે ધારણ કરે તે બહુ સૂક્ષ્મ રીતે દર્શાવ્યું છે.
જાતીય નિરૂપણ પછીનું વાર્તાકાર મડિયાનું બીજું ધ્યાનાર્હ પરિમાણ તેમની ભાષા અને શૈલી. આ થઈ એમની ગ્રામજીવનકેન્દ્રી વાર્તાઓની ભાષાની વાત. એમની નગરજીવનકેન્દ્રી વાર્તાઓમાં (અને ઘણીવાર કેટલીક ગ્રામજીવનની વાર્તાઓમાં પણ) મડિયા તે સંસ્કૃત શબ્દોનો એ રીતે ઉપયોગ કરે છે કે એક શબ્દ આખા વાક્યની ગરજ સારે. તત્સમ શબ્દોનો ઉપયોગ મડિયા ક્વચિત્ હાસ્ય ઉત્પન્ન કરવા માટે પણ કરે છે. એમના સર્જનમાં શબ્દોનું જે વૈવિધ્ય છે એમાં કહેવતો, રૂઢિપ્રયોગો, લોકોક્તિઓ અને દેશ્ય શબ્દોના ઇન્દ્રધનુષી રંગો છે. તેની યાદી પણ રસપ્રદ લાગે એવી છે. રૂઢિપ્રયોગો : ‘પગમાં તોડો નાખવો’, ‘કાંધુ ઠારવું’. કહેવતો : ‘બાપનાં ન વાળ્યાં, ઈ બાવાનાં ક્યાંથી વાળે’, ‘નાઈધોઈને પૂજ્યો કૂબો, એક મેલ્યો ને બીજો ઊભો’, ‘જેવી આઈ, એવો આતો’. લોકોક્તિઓ : ‘જરૂર પડે તો કોઈનું ઊંટ મારી ને પણ પાણી તો પીવું જ પડશે’, ‘અખિયાણું લેવું’ (મેંદીના રંગ) ‘વેજાં વણવાં’, ‘નોકરી નોંધાણી’, ‘પંડ્યના દેવ કોને વાલા ન હોય?’, ‘ફટાકડાની જેમ ફૂટી જવું’. લોકબોલીના/દેશ્ય શબ્દો અઘરણિયાત વહુ, દવરામણ, પૂંછડું ઉંબેડવું, અનર્ગળ, મેરાયો, પગમાં તોડો નાખવો, પિત્તળના ખોભળા, હૈયારી (કમાઉ દીકરો); આંખાળાં, સોથ, ઘોડિયાં લગ્ન, સગાસાંઈ, ગળિયારો, લાડચાગ, ભાથ, કાંધું ઠારવું, ગાડાં ગડરાં, થોયણું, ઓશિકાંફેર (વાની મારી કોયલ); પાણી પિયાવા, વેપું, ઝારી-છાંટકાવ, ફજરફાળકો, તડિત, ઝંઝેડી કાઢવું (ઘૂઘવતાં પૂર); ઘઉંલા દેવાંશી નાગનાગણ, લાંક, ટાટનો કોથળો, ઘીંઘ, એંઠાં-અદીઠાં, મનેખાં, ગદિયાણો, (ગળચટ્ટાં વખ); ખડાયું, ખોરી જાર, પરેવાશે, માંડેલ ધણી (ભેરવ બોલી); પાવરાં-પાઠ!, રાશું મોડા, લીલ-પગલી, માણસમાઠું, રોળકોળ (ચંપો અને કેળ); મૂર્તિકાપિંડ, કળ, રાચ, તીનકૂડું, હાલરું, તાબૂત, જાપલાવં, બોઘી (બોગી), મારકણો, ખડતૂસ, ઓળકોળંબો, મોતી વીંધાવું, પાઘડીપનો, ગોળની કાંકરી વાંદી લેવી, અભંગ દ્વાર (આઈ જાનબાઈનું થાનકડું); તાવડી જગમગવી, મસીદના મલ્લા, આરિયો (ઉજડેલો બાગ); હડફો, ફકીર-ફોકરા, ઘરમાં ઘામો મારવો, બગબગું, (અસલ એનેમલની કીટલી); સાંગામાંચી, મોરવાયો, જેલ જીરવવી, છેલમારવી, ઘીસત, બોખ, અજાજુડ, બેય પગ લોહીથી કચકચી હાલવા (અંતઃસ્રોતા), સોયરું ઘૂંટવું, બનુસ (કાળી ઓઢણી, કાળી રાત, કાળી ચીસ). આ તો શબ્દોની વાત થઈ, પણ પોતાનાં વર્ણનોમાં જે પ્રમાણભૂત માહિતી રમતિયાળ ગદ્યમાં આપી શકે છે તેનો ફક્ત એક જ નમૂનો જોઈએ : સૌરાષ્ટ્રમાં પહેલીવાર ચાના પીણાનો પ્રવેશ થયો તે વિશેનું મડિયાનું નિરીક્ષણ ‘અસલ એનેમલની કીટલી’, ‘શહેરોમાં પણ સાહેબ લોકો અને ગણ્યાગાંઠયા શિક્ષિતો ચા પીતાં શીખ્યા હતા. ચા એક રોજિંદા પીણા તરીકે નહીં પણ સાજેમાંદે એક પ્રકારની દવા તરીકે જ હજી જાણીતી હતી.’ ક્વિનાઇન – એટલે કે કોયદાનની ગોળી અને કડવા કરિયાતા કરતા એ પીણું વધારે લોકપ્રિયતા – સ્વાદની દૃષ્ટિએ પણ – પ્રાપ્ત કરી શક્યું નહોતું. ટાઢિયા કેતરિયા તાવના કેસમાં દાક્તરો રોટલા ખાવાની મનાઈ ફરમાવીને કોઈ કોઈ વાર ચા પીવાની ભલામણ કરતા ત્યારે દર્દીઓ ગાંધીની હાટે આ ‘ભૂકી’ની તલાશ કરવા નીકળતા અને પછી પણ જેમ તેમ ઉકાળેલું એ પીણું અનેક માણસોને ગળેથી તો પાછું વળતું. કોઈ ઊબકા-ઊલટી પણ કરી નાખતા, કોઈના માથાં ભારે થઈ જતાં, ફેર આવતા, કોઈને ઘેનની અસર જણાતી.” બીજી એક વાર્તા ‘કાળી રાત, કાળી ઓઢણી, કાળી ચીસ’માં એક નાનકડા ગામના રેલવેસ્ટેશને રાત્રે દોઢ વાગ્યે એકલ-દોકલ ટ્રેન આવતાં પહેલાં સ્ટેશનની આખી દુનિયા જીવંત થઈ ઊઠે તેનું વર્ણન પણ રોમાચંક છે : ‘ઝમઝમ કરતી રાતના નીરવ વાતાવરણમાં લોખંડના બે ટુકડાઓ પાડેલા ટકોરાનો અવાજ અનેક ગણો સંવર્ધિત થતો લાગ્યો. એ ટકોરાને પગલે પગલે બીજા અવાજો પણ ઊઠવા લાગ્યા. સ્ટેશન પરની હોટલવાળો લાંબું બગાસું ખાઈને ઊઠ્યો અને સગડીમાં કોલસા ભાંગવા લાગ્યો. ટ્રેનના ઉતારુઓ પાસેથી ભીક્ષા માગવા માટે એક સાંઈ બાવાએ તસ્બીમાં લોબાન છાંટ્યો. એક બળદગાડું આવી ઊભું. એકાદ ઘોડાગાડીના ઘૂઘરા પણ રણકી ગયા. થોડાંક પાનબીડીનાં ટોપલાં અને પાર્સલો ઠલવાયાં. બેચાર છડિયાં ટિકિટબારી ઉઘડવાની રાહ જોતાં લાઇનમાં ઊભાં, પ્લેટફોર્મની ફરશબાંધી ઉપર જ ઊંઘી રહેલાં એકલદોકલ મુસાફરો આળસ મરડીને બેઠા થયા. સાઇડિંગમાં ધડીમ્ ધડીમ્ અવાજ સાથે ભારખાનાના ડબા ભઠકાયા. ગુડ્ઝના અનાજની ગુણોમાં મોઢું નાખીને ભરપેટ ધરાઈ રહેલી એક ગાય ભાંભરી. કોઈ શંટરના ઘરમાં કાચી ઊંઘમાંથી જાગી ગયેલું છોકરું રડી ઊઠ્યું. એને માતાએ મીઠા હાલા નાખ્યા. આંબલી પર માળો બાંધીને પોઢેલા પંખીની પાંખોનો ફફડાટ સંભળાયો અને શમી ગયો. નજીકના ખેતરમાં એક ચીબરી બોલી.’ આમ ગદ્ય, તળપદા શબ્દો, પાત્રોના સંવાદ, પરિવેશ અને પાત્રોનાં મનોસચંલનોની બાબતમાં મડિયાનુ સર્જકકર્મ ધ્યાનાકર્ષક છે. મડિયાની ઉત્તમવાર્તાઓમાં સમાવી શકાય તેવી આટલી વાર્તાઓ છે. ‘કાકવંધ્યા’, ‘રાયજીનું રોસ્કોપ’, ‘દિનોદિન’, ‘અભુમકરાણી’, ‘કમાઉ દીકરો’, ‘વાની મારી કોયલ’, ‘ઘુઘવતાં પૂર’, ‘ગળચટ્ટાં વખ’, ‘ભેરવ બોલી’, ‘ચંપો અને કેળ’, ‘આઈ જાનબાઈનું થાનકડું’, ‘ઉજડેલો બાગ’, ‘અસલ એનેમલની કીટલી’, ‘ખીજડિયે ટેકરે’, ‘જિંદગી, જ્યાફત ને મોત!’, ‘શરણાઈના સૂર’, ‘રઘડો નતોડ’, ‘મેંદીના રંગ’, ‘અંતઃસ્રોતા’ અને ‘કાળી રાત’. આ વાર્તાઓ વાર્તાકળાની રીતે ઉત્તમ તો છે જ તે માનવમનના અતલ ઊંડાણોને સ્પર્શે છે. તેમ છતાં આ વિલક્ષણ વાર્તાકારની વાર્તાઓ ઉપર, એમની વાર્તાઓમાં રહેલી છટા ઉપર કે એમના પાત્રો ઉપર કોઈએ શાસ્ત્રીય અભ્યાસ કર્યો નથી. તેમનું સાહિત્ય પાઠ્યપુસ્તકો દ્વારા ભણાવાયું છે પણ ઝાઝા વિદ્યાર્થીઓએ તેના ઉપર Ph.D. કર્યું નથી.
ચુનીલાલ મડિયા વિશે વિવેચકો શું કહે છે?
‘સત્તરેક વર્ષે ધોરાજી છોડ્યું તે પહેલાં બાલ્યાવસ્થામાં-કિશોરાવસ્થામાં એમની ચેતના ઉપર જીવનનાં કેટકેટલાં ચિત્રો છપાઈ ગયાં હશે? ચિત્રો જ નહીં, એને વ્યક્ત કરતા સમર્થ ઉચિત શબ્દો પણ... આ એક જન્મારાનું મળતર ન હોય, કેટલાય જન્મારાની અનભુવસમૃદ્ધિ મડિયા ખોલી રહ્યા છે. એ બાળક-કિશોર વતનમાં ઊછરતો હશે ત્યારે તેનું ગ્રહણયંત્ર (રિસીવિંગ સેટ) ઘણું જ સૂક્ષ્મ, સંવેદનશીલ અને સર્વગ્રાહી જેવું હોવું જોઈએ... સૌરાષ્ટ્રની ભાષાની તમામ ગુંજાયશ, ભાષાક્ષમતાનું સમગ્ર સપ્તક મેઘાણી પછી મડિયામાં પ્રગટ થાય છે.” – ઉમાશંકર જોશી
‘શ્રી મડિયાની વાર્તા વાંચતાં સૌથી પહેલું ધ્યાન એની ભાષા ખેંચે છે. વર્ણન, ચારિત્ર્યલેખન કે ભાષાલેખન – કશા માટે એમને ભાષાની અગવડ પડતી લાગતી નથી. એટલું જ નહીં, એમની ભાષામાં એક પ્રકારનું તળપદું જોમ છે, જે વાચકના ચિત્ત ઉપર ચિત્રો છાપી દે છે, અને ઉપરાંત એક પ્રકારનો ભાષાનો સ્વતંત્ર આનંદ પણ આપે છે. આનું કારણ, એઓ જે પ્રદેશમાંથી આવે છે, ત્યાંની લોકભાષા ઉપરનો એમનો કાબૂ છે. એ ભાષામાં એક જાતની ચિત્રાત્મકતા અને માદકતા છે, જે ધારી અસર ઉપજાવે છે, અને પોતાના ઓઘમાં વાચકને તાણી જાય છે... અને એ માદક ભાષાનો કેફ લેખકને પણ ચડતો લાગે છે.’ – નગીનદાસ પારેખ (મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ’ની પ્રસ્તાવના) ‘એની આલેખન કલા તો એની પોતાની જ છે. પણ સર્વોપરી અંશ તો એમની બિલકુલ કટુતામુક્ત, ઘમંડમુક્ત, હળવી ને મીઠી સહાનુકમ્પા મંડિત માનવતા છે. એણે પોતાના કોઈ પાત્રને નીતિ-અનીતિ કે સત્-અસત્ને ત્રાજવે નથી ચડાવ્યું. એણે આ પુસ્તક લખીને ખુદ પોતાનું જ ઊર્ધ્વીકરણ કર્યું છે - કે જેનો દાવો બહુ ઓછા સર્જકો કરી શક્યા છે’ – ઝવેરચંદ મેઘાણી
‘તેમનું જીવનદર્શન વિષાદમય છે, કારણ જગતનાં અંધબળોથી તે સુજ્ઞાત છે. પ્રેમની અપ્રાપ્યતા, જીવનના અનિષ્ઠ અકસ્માતો, વાસનાના આવેગો અને દુષ્ટતા વગેરે સર્વ પ્રાકૃતિકબળોએ માનવનો હતાર્થ એવો ‘ઉજડેલો બાગ’ કર્યો છે. છતાં, ક્યાંક સાચો સ્નેહ, ક્યાંક સાચી દયાને દિલાવરીને ન્યોચ્છાવરી પણ છે ખરી. જો કે તેનું પ્રમાણ કેટલું? ને નતીજો શો? કરુણ જ ને? મડિયાનું આંતરમાનસ વારેવારે એ પ્રશ્નો ઉઠાવતું હશે કદાચ. વાર્તાઓની ઘટનાઓ નિમિત્તે તેમનાં મંતવ્યો, કટાક્ષો મડિયાની ભીતર જોવા દે છે.’ – હીરાબહેન પાઠક
સંદર્ભ :
ચુનીલાલ મડિયાની સમગ્ર નવલિકાઓ ભાગ ૧, ૨, ૩ : સંપા. અમિતાભ મડિયા
ચુનિલાલ મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ, સંપા. કિરીટ દૂધાત
ચુનીલાલ મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ, સંપા. નગીનદાસ પારેખ
WIKI સ્રોત અને અન્ય સાહિત્ય
માવજી મહેશ્વરી
નવલકથાકાર, વાર્તાકાર
અંજાર (કચ્છ)
મો. ૯૦૫૪૦ ૧૨૯૫૭







