ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/જયભિખ્ખુ
સંધ્યા ભટ્ટ
સર્જકપરિચય : (જ. ૨૬ જૂન, ૧૯૦૮ – અ. ૨૪-૧૨-૧૯૬૯)
એકસઠ વર્ષના આયુષ્યમાં ૧૭ નવલકથાઓ, ૨૧ નવલિકાસંગ્રહો, ૨૪ ચરિત્રલેખનનાં પુસ્તકો, ૪૪ બાલસાહિત્યનાં પુસ્તકો, ૬ નાટકો, ૪ હિન્દી પુસ્તકો અને ૩૦થી પણ વધારે પ્રકીર્ણ સાહિત્યનાં પુસ્તકો એમ વિપુલ પ્રમાણમાં લેખન કરનાર બાલાભાઈ વીરચંદ દેસાઈ ‘જયભિખ્ખુ’ ઉપનામથી વધુ જાણીતા છે. તેમણે લેખનની શરૂઆત પત્રકારત્વથી કરી. લેખનમાંથી જે આવક થાય તેના પર જીવનનિર્વાહ કરવાનું વ્રત તેમણે લીધું હતું અને તે રીતે જ જીવન ચલાવ્યું. પૈતૃક સંપત્તિ ન લેવાનું અને સંતાનને વારસામાં સંપત્તિ ન આપી જવાનું વ્રત પણ તેમણે પાળ્યું. ઈ. સ. ૧૯૫૪થી શરૂ થયેલી ‘ઈંટ અને ઇમારત’ કૉલમ તેમની ચિરવિદાય પછી તેમના પુત્ર કુમારપાળ દેસાઈએ ‘ગુજરાત સમાચાર’ના તંત્રીના આગ્રહથી સંભાળી જે આજે ૨૦૨૫ પર્યંત ચાલે છે તે ઘટના એક રેકોર્ડ છે. તેમની ષષ્ઠીપૂર્તિની ઉજવણી માટે ભેગી થયેલી રકમ તેમના ટૂંકી માંદગી પછીના મૃત્યુને કારણે જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટની રચના કરવા માટે ઉપયોગમાં લેવામાં આવી જે અંતર્ગત સાહિત્યનાં વિવિધ કામો થતાં રહે છે. જીવનધર્મી અને સહૃદયી સાહિત્યકાર જયભિખ્ખુ ૧૯૬૯ની ૨૪ ડિસેમ્બરની સાંજે આપણી વચ્ચેથી ચાલી ગયા. તેમની ટૂંકી વાર્તાના સંગ્રહોની યાદી અને પ્રકાશનવર્ષ આ પ્રમાણે છે. જયભિખ્ખુના વાર્તાસર્જનનો ક્યાસ કાઢવા માટે અભ્યાસી નટુભાઈ ઠક્કરે તૈયાર કરેલ નીચેનો કોઠો મદદરૂપ થાય એમ છે.
| અનુ. | વાર્તાસંગ્રહનું નામ | પ્ર. વર્ષ | કુલ વાર્તા | પુનરાવર્તિત વાર્તા |
| ૧ | ઉપવન | ૧૯૪૪ | ૨૪ | – |
| ૨ | પારકા ઘરની લક્ષ્મી | ૧૯૪૬ | ૨૬ | – |
| ૩ | વીરધર્મની વાતો ભા-૧ | ૧૯૪૭ | ૧૪ | – |
| ૪ | વીરધર્મની વાતો ભા-૨ | ૧૯૪૯ | ૬ | – |
| ૫ | વીરધર્મની વાતો ભા-૩ | ૧૯૫૧ | ૯ | – |
| ૬ | વીરધર્મની વાતો ભા-૪ | ૧૯૫૩ | ૪ | – |
| ૭ | માદરે વતન | ૧૯૫૦ | ૧૭ | ૪ |
| ૮ | કંચન અને કામિની | ૧૯૫૦ | ૧૨ | – |
| ૯ | યાદવાસ્થળી | ૧૯૫૨ | ૧૪ | – |
| ૧૦ | લાખેણી વાતો | ૧૯૫૪ | ૨૧ | ૫ |
| ૧૧ | ગુલાબ અને કંટલ | – | ૩૧ | – |
| ૧૨ | અંગના | ૧૯૫૬ | ૧૯ | ૩ |
| ૧૩ | સતની બાંધી પૃથ્વી | ૧૯૫૭ | ૧૬ | ૧ |
| ૧૪ | કર લે સિંગાર | ૧૯૫૯ | ૧૭૪ | – |
| ૧૫ | શૂલી પર સેજ હમારી | ૧૯૬૧ | ૨૦ | – |
| ૧૬ | કાજલ અને અરીસો | ૧૯૬૨ | ૧૮ | ૧ |
| ૧૭ | માટીનું અત્તર | ૧૯૬૩ | ૨૩ | – |
| ૧૮ | કન્યાદાન | ૧૯૬૪ | ૧૮ | ૧ |
| ૧૯ | મનઝરૂખો | ૧૯૬૫ | ૨૧ | – |
| ૨૦ | પગનું ઝાંઝર | ૧૯૬૭ | ૧૮ | ૧ |
| ૨૧ | વેર અને પ્રીત | ૧૯૬૯ | ૨૧ | ૨ |
ઐતિહાસિક અને સામાજિક વિષયોના વાર્તાકાર જયભિખ્ખુ
ઈ. સ. ૧૯૩૨માં જયભિખ્ખુએ નવલકથાલેખન શરૂ કર્યું અને ૧૯૪૪માં તેમનો ચોવીસ વાર્તાઓનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ઉપવન’ પ્રકાશિત થયો. તે સમયે ગુજરાતી સાહિત્યમાં ધૂમકેતુ, ઝવેરચંદ મેઘાણી, મનુભાઈ જોધાણી ટૂંકી વાર્તાક્ષેત્રે કામ કરી રહ્યા હતા જેમની સાથે જયભિખ્ખુની મૈત્રી હતી. પરંતુ તેમણે પોતાની રીતે વાર્તા લખવાનું શરૂ કર્યું. આ સંગ્રહની વાર્તાઓમાં તેમણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશથી માંડીને ગાંધીજી અને ગોખલે સુધીના મહાપુરુષોના જીવન-ઇતિહાસના કોઈ અપ્રગટ પાસાનું વાર્તારૂપે લેખન કર્યું છે. તેમાં કાલ્પનિક વાર્તા નથી પણ લેખકના સ્વાધ્યાયમાંથી વાર્તાઓનું સર્જન થયું છે. અહીં ઇતિહાસ ક્યાંક પ્રાચીન, ક્યાંક મધ્યકાલીન અને ક્યાંક અર્વાચીન પણ છે. કામદેવ, શકુંતલા, બાણાવળી કર્ણ અને નેમ-રાજુલની કથાઓની સાથે સમ્રાટ અશોક, ઔરંગઝેબ અને શિવાજીના પ્રસંગો પણ અહીં છે. નાનાસાહેબ પેશ્વા, સ્વામી વિવેકાનંદ અને ઝંડુ ભટ્ટજીના જીવનની પ્રેરક ઘટનાઓ પણ અહીં પ્રાપ્ત થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ વાર્તાઓમાં આરંભકાલીન સર્જનની કચાશ અનુભવાય છે. ઈ. સ. ૧૯૪૬માં પ્રકાશિત ‘પારકા ઘરની લક્ષ્મી’એ નારીલક્ષી વાર્તાઓનો સંગ્રહ છે. હેતુપ્રધાન સામાજિક વાર્તાઓ લખવાનું તેમનું ધ્યેય અહીં પામી શકાય છે. જયભિખ્ખુ તરુણ હતા ત્યારે બાળવિધવા નિમુબહેનના જીવનની અવદશા તેમણે જોયેલી જેની મન પર પડેલી ઊંડી છાપમાંથી આ વાર્તાઓનું સર્જન થયું છે. તેમણે આ વાર્તાઓને બે વિભાગમાં વહેંચી છે. પહેલી સોળ વાર્તાઓ ‘જુનવાણી’ શીર્ષક હેઠળ મુકાઈ છે જેમાં જુનવાણી સમાજ અને નારીની વિટંબણાની વાત છે. બીજી નવ વાર્તાઓ ‘નવયુગ’ વિભાગ હેઠળ છે જેમાં નવા સમાજના યુવક-યુવતીઓનો પ્રણય અને લગ્નજીવનનો ચિતાર છે. કેટલીક વાર્તાઓ નારીલક્ષી નથી જેમાં સમાજના અન્ય પાસાંનું પ્રતિબિંબ છે. જેમાં ‘મુંબઈનું પાણી’, ‘કાઠિયાવાડી’, ‘મહાજન’, ‘સોનાની મેડી’, ‘સૌંદર્ય કે કલા’ જેવી વાર્તાઓ સમાવી શકાય. ‘પરોઢનું પંખી’ની નાયિકા શિક્ષણને ઉજાળે છે.
૧૯૪૭, ૧૯૪૯, ૧૯૫૧ અને ૧૯૫૩માં ‘વીરધર્મની વાતો’ ભાગ-૧, ૨, ૩, ૪ બહાર પડે છે. આ વાર્તાઓમાં પ્રવેશવા માટે તેઓ ‘ઉત્થાન, બલ, વીર્ય ને પરાક્રમથી પાંગરેલો વીરધર્મ’ શીર્ષકથી પ્રવેશક લખે છે. જેમાં વર્ણવેલી કથાનું તાત્પર્ય છે કે કોઈના પ્રયત્ન વિના માત્ર કર્મથી કશું બનતું નથી, પણ મનુષ્યને ઉત્પાદનની, બળની, વીર્યની ને પુરુષાર્થની ખેવનાની જરૂર છે. મુખ્યત્વે જૈન ધર્મના કથાંશોમાંથી પાત્રો લઈને પરંપરાગત શૈલીમાં જીવનમૂલ્યોની, શૂરવીરતાની, સત્યનિષ્ઠાની અને માનવીય ગુણોની વાર્તાઓ આ ચાર ભાગમાં તેમણે કરી. કુલ મળીને ૪૩ વાર્તાઓ ધરાવતી આ વાર્તાઓને કારણે સાહિત્યપ્રિય વાચકોનું ધ્યાન જૈન સાહિત્ય તરફ ખેંચાયું. પ્રથમ ભાગમાં ચૌદ વાર્તાઓ છે જેમાંની ‘ઉત્તરદાયિત્વ’નું બીજ ‘લોખંડી ખાખનાં ફૂલ’માં અને ‘પિતૃહત્યાનું પુણ્ય’નું બીજ ‘કામવિજેતા’ નવલકથામાં પાંગર્યું છે. ‘અમદાવાદનો ભામાશા’ સૂબેદાર ઈબ્રાહીમ કુલીખાં અને સિપાહી હમીદખાં જેવા બે બળિયાની લડાઈ વચ્ચે ભીંસાઈ રહેલા અમદાવાદને પોતાની બધી મૂડી આપી દઈ બચાવનાર નગરશેઠ ખુશાલચંદની કથા કહે છે. જયભિખ્ખુ જૈન સાહિત્યમાંથી કથાવસ્તુ લે છે પણ તેઓ ધર્મભીરુ નથી એમ તેમની વાર્તાઓ વાંચીને કહી શકાશે. ‘વીરધર્મની વાતો’ના બીજા ભાગનું નામ ‘ભગવાન મલ્લિનાથ અને બીજી વાતો’ છે. આમાં છ યે વાર્તાઓ ઐતિહાસિક કથાઓ છે. ત્રીજા ભાગની નવ કથાઓ એક યા બીજી રીતે વીરધર્મના એટલે ભગવાન મહાવીરે પ્રબોધેલા વ્યાપક માનવધર્મનાં વિવિધ પાસાંનું સુભગ દર્શન કરાવે છે. આ સંગ્રહની છેલ્લી વાર્તા ‘મૃત્યુ મહોત્સવ’ ગુજરાતના બાહોશ જૈન મંત્રી ઉદયનના વીરોચિત મૃત્યુની ગૌરવકથા રજૂ કરે છે. આ વાર્તા નકલી સાધુનો સ્વાંગ સજ્યા બાદ ખરેખર સાધુ થઈ જનાર નોકરની મનોદશાને સુંદર રીતે વર્ણવે છે. ધીરુભાઈ ઠાકરને આ વાર્તા બીજી એક રીતે પણ ઉલ્લેખનીય જણાઈ છે. તેઓ આ સંગ્રહની પ્રસ્તાવનામાં કહે છે, ‘શ્રી કનૈયાલાલ મુનશીની નવલોમાં ઉદયન મંત્રીનું કંઈ અંશે કાયર, ધર્માંધ અને શિથિલ ચારિત્ર્યના રાજપુરુષ તરીકે જે ચિત્ર રજૂ થયું છે, તેનાથી તદ્દન ભિન્ન પ્રતિનું અને છતાં વિશેષ પ્રમાણભૂત એવું તેનું ચિત્ર અહીં મૂકીને શ્રી જયભિખ્ખુએ ગુજરાતના ઇતિહાસની એક અગત્યની હકીકત પર મહત્ત્વનો પ્રકાશ ફેંક્યો છે.’ ‘વીરધર્મની વાતો ભાગ-૪’ ‘સિંહપુરુષ’માં તેર વાર્તાઓ છે. ધર્મોપદેશને મુખ્ય બનાવતી વાર્તાઓનું એક ભયસ્થાન એ છે કે જો વાર્તાકાર સજગ ન હોય, તટસ્થ અને બિનઅંગત વલણ ધરાવતો ન હોય તો વાર્તામાં ઉપદેશ જ મુખ્ય બની બેસે. આ વાર્તાઓમાં જૈન ધર્મ અને એના ધાર્મિકોની દૃષ્ટિ-વૃત્તિનાં ચિત્રણો છે. એમ છતાં એનો કલાગુણ સાર્વત્રિક પ્રભાવ ધારણ કરીને જૈનેતરોને પણ પ્રસન્ન કરે છે. આ જયભિખ્ખુની વાર્તાકલાની સિદ્ધિ છે. બળવંત જાની આ સંદર્ભે કહે છે, ‘...આગમકથિત ભાવને મુનિ ભગવંતવર્ણિત કથાપ્રસંગને જયભિખ્ખુ એવો પોતીકો પટ અર્પતા હોવાને કારણે એ વાર્તાકૃતિઓ આપણા આસ્વાદનો જ માત્ર નહીં, પરંતુ અભ્યાસનો વિષય પણ બની રહે છે. નવલિકાકાર જયભિખ્ખુ આવા કારણથી એમના સમયના અને પછીના લોકપ્રિય વાર્તાકારથી નોખા તરી આવે છે. ‘વીરધર્મની વાતો’એ આવા તરીકાઓને, સૂઝપૂર્વકની દૃષ્ટિને કારણે જૈન ધર્મના કિસ્સાઓનું પુનઃલેખન કે શબ્દાંતરણ ન બની રહેતાં પોતાની વાર્તાકૃતિ તરીકે ઊપસી રહે છે.’ (શીલભદ્ર સારસ્વત જયભિખ્ખુ’, પૃ. ૮૭–૮૮)
ઈ. સ. ૧૯૪૬માં મુંબઈમાં કોમી રમખાણ ફાટી નીકળ્યાં. હિન્દુ અને મુસલમાન વચ્ચેના વૈમનસ્યે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ચોતરફ દહેશત હતી. એ સમયે જયભિખ્ખુ પોતે પણ મુંબઈમાં ઘેરાઈ ગયા હતા. તે પછી કોલકતામાં શરૂ થયેલા કોમી રમખાણમાં પાંચથી સાત હજાર લોકો મૃત્યુ પામ્યા છે અને દસેક હજાર ઘાયલ થયા છે.આ જ સમયે રાષ્ટ્રપ્રેમની કથાઓનો તેમનો સંગ્રહ ‘માદરે વતન’ તૈયાર થતો હતો. હિન્દુસ્તાનના નવનિર્માણના આ સમયગાળામાં અન્ય ક્ષેત્રોની જેમ ઇતિહાસ અને સાહિત્યનાં ક્ષેત્રમાં પણ સ્વચ્છ, નિખાલસ અને દીર્ઘદૃષ્ટિભર્યું નવનિર્માણ જ્યારે જરૂરી હતું ત્યારે લેખક અહીં પ્રાચીન અને અર્વાચીન વિષ્યવસ્તુની વાર્તા લઈને આવે છે. ‘કુળાભિમાન’ એ કર્ણના પાત્રને કેન્દ્રમાં લખાયેલી વાર્તા છે, જેમાં લેખકનો વિશિષ્ટ દૃષ્ટિકોણ છે. કવિ અને વાર્તાકાર રાજેન્દ્ર પટેલ લખે છે, ‘ખરેખર વાર્તાકારે જ્ઞાતિપ્રથા અને એમને સમાજથી વેઠવા પડતાં દુઃખની વેદના અભિવ્યક્ત કરવી છે. કુળાભિમાની લોકો પ્રત્યે એક પ્રચ્છન્ન વેધક વ્યંગ પણ વ્યક્ત થાય છે.’ (‘શીલભદ્ર સારસ્વત જયભિખ્ખુ’, પૃ. ૯૧) આ વાર્તામાં કર્ણ, સમ્રાટ અશોક, દેશદ્રોહી અમીચંદ, રોબર્ટ ક્લાઇવ, બાદશાહ જહાંગીર જેવાં પાત્રો છે. ઐતિહાસિક વિષયને વાર્તારૂપે મઢીને વાચકો સમક્ષ મૂલ્યો રજૂ કરવાની વાર્તાકારની નેમ છે. દૃશ્યોની જમાવટ કરવામાં લેખકની ફાવટ છે. તે સમયે મનોરંજનનું બીજું કોઈ માધ્યમ નહોતું ત્યારે જયભિખ્ખુ રસાળ વાચન આપી શક્યા.
આ પછી ઈ. સ. ૧૯૫૦માં ‘કંચન અને કામિની’ વાર્તાસંગ્રહ આવે છે જે તેમણે પોતાના કુટુંબની કુલવધૂઓને અર્પણ કર્યો છે. આ સંગ્રહની બાર વાર્તાઓમાં સામાજિક પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે. ધન એ સાધન છે, સાધ્ય નથી અને તેનો ઉપયોગ સાધન તરીકે જ થવો જોઈએ એ ધ્વનિને સમજાવતી વાર્તા પરથી જ સંગ્રહનું શીર્ષક અપાયું છે. ધર્મ જ્યારે સંસ્થાપ્રધાન બને કે સાંપ્રદાયિક રૂપ પામે ત્યારે સમાજના નિર્બળ તત્ત્વો ઉપર સત્તાનું કેવું હથિયાર બની જાય છે તે ‘સાંકળી ફઈબા’માં નિરૂપાયું છે. ‘સોનાની મરઘી’ વાર્તામાં પૈસાદાર છોકરાને પોતાની દીકરી પરણાવવા ઇચ્છતા અને એની પાછળ ગાંડા બનતા સમાજનું ચરિત્ર આલેખાયું છે. ‘ગંગા ગટરમાં’ વાર્તામાં જયભિખ્ખુએ ગામડાને નહીં બંધબેસતી શહેરી સંસ્કૃતિથી ગામડાંની થતી પાયમાલી બતાવી છે. લેખકનો પક્ષપાત ગ્રામસંસ્કૃતિ તરફ છે. અને તેથી વારંવાર શહેરી સંસ્કૃતિ તરફનો આક્રોશ દેખાતો રહે છે. જુઓ..
વહેલી સવારે ફીણથી છલકાતો દૂધનો લોટો લઈ હાજર થાય, ને કહે : ‘સુમનભાઈ, શેઢકડું દૂધ છે. ચહકાવી જાવ.’ ‘અલ્યા, પણ ગરમ કર્યાં વગર? એમાં ન જાણે કેવાં ય જંતુ હશે! દૂધ જેવું અમૃત છે, એવું ઝેર પણ છે.’ ‘સાહેબ, એ જંતુ-બંતુ શહેરમાં રહ્યાં. ત્યાં તો માનાં ધાવણ પણ ક્યાં સારાં રહ્યાં છે! દૂધનો તો અમારો કોઠો. આજ દન લગી એનાથી કોઈ મરી ગયું નથી જાણ્યું..’ (‘કંચન અને કામિની’ પૃ. ૧૦૦) ‘કુસુમ અને વ્રજ’માં સ્ત્રીની દબાયેલી સ્થિતિનું દયનીય અને કારુણ્યસભર નિરૂપણ છે. ‘કંથ અને કામિની’ કામ અને પ્રેમ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરી આપતી વાર્તા છે. મધુસૂદન મોદી સંગ્રહના પુરોવચનમાં કહે છે, ‘શ્રી જયભિખ્ખુની શૈલીમાં કલ્પના અને સૌષ્ઠવ વસેલું છે. અને વાર્તાઓ તેમના સીધા અનુભવમાંથી આવેલી હોઈ ધારી અસર કરી જાય છે. તેમની વાર્તાઓ વસ્તુદર્શી (objective) છે અને એ રીતે સમરસેટ મૉ’મ અને મૉપાસાંની વાર્તાની કોટિની છે.’ (‘કંચન અને કામિની’, પૃ. ૧૫) ‘યાદવાસ્થળી’એ ‘માદરે વતન’ સાથે અનુસંધાન ધરાવતો વાર્તાસંગ્રહ છે એમ જયભિખ્ખુ પોતે જ પ્રસ્તાવનામાં કહે છે. અહીં પ્રત્યેક વાર્તા સંઘર્ષ લઈને ઊભી છે, જીવનસંઘર્ષ, રાષ્ટ્રસંઘર્ષ કે આત્મસંઘર્ષ! ‘યાદવાસ્થળી’ એ યાદવવિનાશ અને કૃષ્ણના દેહોત્સર્ગને વર્ણવે છે. ‘આમચી મુંબઈ’માં પ્રાંત પ્રાંત વચ્ચે યાદવાસ્થળી જગાડે એના પ્રાંતવાદે સરજેલા માનસને હસી કાઢતી વાર્તા છે. ‘ગોમાંસભક્ષક’ સર વિલિયમ જ્હોન્સે પ્રતિકૂળ સંજોગોમાં કરેલા સંસ્કૃતના અભ્યાસને વર્ણવે છે. ‘જલમેં મીનપિયાસી’ મીનળદેવી અને કર્ણદેવ વચ્ચે પહેલી રાતે જ સરજાઈ ગયેલા અણબનાવને અને મીનળદેવીએ વિલક્ષણ રીતે કર્ણદેવના કરેલા અનુનયને આલેખે છે.
ઈ. સ. ૧૯૫૪માં પ્રગટ થયેલો ‘લાખેણી વાતો’ જીવનોપયોગી વાર્તાઓનો સંગ્રહ છે. આ વાર્તાઓનું ઉદ્ભવસ્થાન વાર્તાકારના સ્વાનુભવમાં, અન્યના જીવનાનુભવમાં તો ક્યારેક સંતમહાત્માઓના જ્ઞાનોપદેશમાં રહેલું છે. ઘણીવાર અતિ વ્હાલ માનવજીવનને કેવું વિષમય બનાવી દે છે તે વર્ણવતી ‘આંખ નાની આંસુ મોટું’ વાર્તાની ઘટના પરંપરાગત ખ્યાલને આઘાત આપનારી છે. માનવીની અંદર એને પોતાને પણ ખબર ન હોય એવા દાનવીય તત્ત્વને પ્રગટ કરી એનો કરુણ અંજામ નિરુપતી આ વાર્તામાં ખુદ માતા દ્વારા પોતે જેને અતિશય પ્રેમ કરતી હતી તે પુત્રને વિષપાન કરાવ્યાની ઘટના નિરૂપાઈ છે. આ પ્રકારની વાર્તા નિરૂપણશૈલીમાં આધુનિકતાને પ્રગટ કરે છે. ઈ. સ. ૧૯૫૫માં પ્રકાશિત થયેલ ધીરુભાઈ ઠાકર સંપાદિત ‘જયભિખ્ખુ વાર્તાસૌરભ’ના પહેલા ભાગમાં તેર અને બીજા ભાગમાં બાર એમ પચ્ચીસ વાર્તાઓ મળે છે, જે લેખકના ૧૯૪૪થી ૧૯૫૫ દરમિયાન પ્રગટ થયેલા સંગ્રહોમાંથી મળે છે. ધીરુભાઈ ઠાકરે ઊછરતી પેઢીને જીવનરસ પાય અને એમની સાહિત્યરુચિને સંસ્કારે એવી વાર્તાઓને પસંદગી આપી છે.
‘અંગના’ વાર્તાસંગ્રહ ઈ. સ. ૧૯૫૬માં પ્રકાશિત થાય છે જેના અર્પણમાં તેઓ લખે છે, ‘જીવનની બેસૂરી વીણાને સંવાદી સ્વરોમાં પ્રેરનાર સહધર્મચારિણી અ. સૌ. જયાને’. ‘પથનિર્દેશ’ શીર્ષકથી નિવેદનમાં તેઓ લખે છે, ‘સ્ત્રીલક્ષી વાર્તાસંગ્રહોમાં આ મારો ચોથો વાર્તાસંગ્રહ છે... આમાં મોટે ભાગે જૂની ઐતિહાસિક વાતો છે.બેએક ચાલુ પ્રવાહની છે, પણ તે લગભગ સાચી છે.’ ‘સરસ્વતી અને લક્ષ્મી’ વાર્તામાં એક અત્યંત સુંદર ગોવાનીઝ યુવતીને મૉડેલ તરીકે લઈ સાક્ષાત્ સરસ્વતી અને લક્ષ્મીનું ચિત્ર દોરનાર કલાકારની વાત છે. યુવતી પોતાને સુંદર દેવી જ અનુભવે છે અને પોતાની પાછળ વાસનાને કારણે પાગલ થયેલને અવગણે છે. અંતે એને કટારીથી મારી નાખવામાં આવે છે. ચિત્રકાર તે રવિ વર્મા એમ વાર્તાને અંતે કહેવાયું છે. જયભિખ્ખુની કેટલીક વાર્તાઓ ઐતિહાસિક પ્રસંગ જેવી છે. કલાકીય દૃષ્ટિએ તેને વાર્તા ન કહી શકાય એમ પણ ખરું. પણ એમની કલમમાં વર્ણનની અને ઘટનાની જમાવટની અજબ શક્તિ છે. વાચકને તેઓ રસપ્રવાહમાં તાણી લઈ જઈ શકે છે. તેમના પાત્રોનું વૈવિધ્ય રસપ્રદ છે. આ પાત્રો તેમણે મોટેભાગે ઇતિહાસમાંથી લીધાં છે. એવું નથી કે આપણા દેશનાં જ પાત્રો હોય. ચીન, જાપાન, ફ્રાન્સ, લંડન, રોમ વગેરે દેશનાં પાત્રો પણ અહીં છે. ‘અંગના’ સંગ્રહની ‘વીરાંગના’ વાર્તામાં ચીનની એક બહાદુર છોકરીની વીરતા રહસ્યના તત્ત્વ સાથે રજૂ થઈ છે. ‘સુંદરીનું બલિદાન’ વાર્તામાં રોમન સુંદરી લૂક્રેશિયા પર રાજાની જબરદસ્તી, સુંદરીએ કરેલ આત્મહત્યા અને બ્રૂટસનો બદલો વાર્તારૂપ પામે છે. જયભિખ્ખુની વાર્તાઓ વાંચતાં તરત જ ખ્યાલ આવે છે કે તેમની મોટાભાગની વાર્તાઓ સ્ત્રીલક્ષી છે. ‘પારકા ઘરની લક્ષ્મી. કંચન અને કામિની તથા અંગના જેવા સંગ્રહોમાં તમામ વાર્તાઓના કેન્દ્રસ્થાને સ્ત્રી છે. ભારતીય નારીની સાથે પશ્ચિમની નારી પણ તેમની વાર્તાઓમાં આવે છે. વાર્તાના પરિવેશને અનુરૂપ બાની (diction) એ તેમની વિશેષતા છે. આથી આપણે વાર્તાપ્રવાહમાં સરળતાથી વહીએ છીએ. મગરૂર, અસ્મત, શરાફત, ક્ષત્રિયજાદા, આરામગાહ, રેગિસ્તાન જેવા ઉર્દૂ શબ્દો પણ તેઓ પ્રયોજે અને દુર્દૈવ, હર્ષનાદ, કુસુમકળી, કાયદાપોથી, તર્ક-વિતર્ક જેવા શુદ્ધ ગુજરાતી શબ્દો પણ પ્રયોજે. વાર્તાનાં પોત (texture) પ્રમાણેની ભાષાશૈલી તેમને સહજ છે એવું આપણે અનુભવીએ. જયભિખ્ખુની ચરિત્રસાહિત્ય પર સારી પકડ હતી. આ સંસ્કાર તેમની વાર્તાઓ પર હાવિ થતા હોય એવું પણ અભ્યાસીને પ્રતીત થાય. મૂલ્યપ્રબોધન અને સત્ત્વશીલતા એ એમના લેખન-સર્જનના મુખ્ય હેતુ હતા. વળી પત્રકારત્વને પણ તેઓ વરેલા હતા. તેથી વાચકોને શું ગમશે અને શું પીરસવું જોઈએ એ અંગે પણ તેમની પૂરી સ્પષ્ટતા હતી. તેથી તેઓ કલાતત્ત્વની ખાસ ખેવના ન રાખતા વાચકોને રસ પડે અને વાચકોને પ્રેરણા મળે તેવું સાહિત્ય લખતા હતા. એમ કહી શકાય કે તેમનો આ હેતુ બરાબર પાર પડ્યો હતો. વિપુલ પ્રમાણમાં વાર્તાઓ સર્જનાર આ વાર્તાકારે પોતાનો વાચકવર્ગ એ સમયમાં ઊભો કરેલો જે નોંધપાત્ર છે. વીસમી સદીના મધ્યભાગે કથાસાહિત્ય દ્વારા વાચકોને વાચનક્ષમ વાર્તાઓ આપનારા સર્જક તરીકે જયભિખ્ખુને કાયમ યાદ રાખવામાં આવશે. સંદર્ભસૂચિ : ‘કંચન અને કામિની’ (વાર્તાસંગ્રહ) લે. જયભિખ્ખુ, ત્રીજી આવૃત્તિ-૧૯૫૬, પ્ર. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધી રસ્તો, અમદાવાદ. કિં. રૂ. ૫.૦૦ ‘માદરે વતન’(વાર્તાસંગ્રહ) લે. જયભિખ્ખુ, જયભિખ્ખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ, ૨૦૦૮, પ્ર. કુમારપાળ દેસાઈ(માનદ મંત્રી)શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ, અમદાવાદ. કિં. રૂ. ૧૪૦) ‘વીરધર્મની વાતો ભાગ-૧ (વાર્તાસંગ્રહ) લે. જયભિખ્ખુ, જયભિખ્ખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ, ૨૦૦૮, પ્ર. કુમારપાળ દેસાઈ (માનદ મંત્રી) શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ, અમદાવાદ. કિં. રૂ. ૧૪૦ ‘અંગના’ (વાર્તાસંગ્રહ) લે. જયભિખ્ખુ, બીજી સંવર્ધિત આવૃત્તિ-૨૦૧૯, પ્ર. શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ વતી ગૂર્જર પ્રકાશન, અમદાવાદ. કિં. રૂ. ૨૨૫ ‘જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્મય’ (વિવેચન) લે. નટુભાઈ ઠક્કર, દ્વિતીય આવૃત્તિ-નવેમ્બર, ૨૦૦૭, પ્ર. કુમારપાળ દેસાઈ (માનદ્ મંત્રી) શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ, કિં. રૂ. ૩૦૦ ‘શીલભદ્ર સારસ્વત : જયભિખ્ખુ’ (સંપાદન) સં. વર્ષા અડાલજા, પ્ર. આ. ૨૦૧૨, પ્ર. સાહિત્ય અકાદમી, રવીન્દ્ર ભવન, ૩૫, ફિરોઝશાહ રોડ, ન્યૂ દિલ્હી. કિં. રૂ. ૧૪૦)
સંધ્યા ભટ્ટ
મો. ૯૮૨૫૩ ૩૭૭૧૪
Email : Sandhyanbhatt@gmail.com

