ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ટૂંકી વાર્તા વિશે થોડું ચિંતન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ટૂંકી વાર્તા વિશે થોડું ચિંતન

(નોંધ: – એકત્ર ફાઉન્ડેશનના (શ્રી અતુલ રાવલ) સહયોગથી ડૉ. જયેશ ભોગાયતાના માર્ગદર્શન હેઠળ ‘ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ: વહેણો અને વળાંકો’ નામનો એક અત્યંત મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ શરૂ થયો. ડૉ. જયેશ ભોગાયતા આ પ્રકલ્પના મુખ્ય સંપાદક. તેમણે ગુજરાતી ટૂંકી વાર્તાના આરંભકાળથી લઈને આજ દિન સુધીના વાર્તાકારોની (દલપતરામ પૂર્વેની ગુજરાતી ટૂંકી વાર્તાથી માંડીને સમીરા પત્રાવાલાની વાર્તાઓ સુધી) અને તેમના વાર્તાસંગ્રહોની એકસાથે નોંધ મળી રહે તે પ્રકારની યોજના વિચારી. આ આયોજનમાં તેમણે ગુજરાતીના ટૂંકીવાર્તાના વાર્તાકારો, તજજ્ઞોથી માંડીને અનુસ્નાતકના વર્ગોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને જોડ્યા. આ પ્રકલ્પમાં અધિકરણ લેખનમાં એકસૂત્રતા જાળવવા માટે એક ચોક્કસ માળખું પણ નક્કી કર્યું. પ્રકલ્પમાં જોડાયેલાંનું એક વ્હોટ્સ એપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. આ ગ્રુપમાં ડૉ. જયેશ ભોગાયતા અવારનવાર ટૂંકી વાર્તા વિશે, ટૂંકી વાર્તાના વિવેચનના વિવિધ અભિગમો વિશે, ગુજરાતી ટૂંકી વાર્તાની સમીક્ષાઓ વિશે- એમ જુદાજુદા વિષયો અંગે પોતાના વિચારો પણ સમયે સમયે વ્યક્ત કરતાં હતા. આ વિચારો તે જ આ મુક્ત નોંધો. આ ચર્ચાઓમાં અધિકરણ લેખકો પણ જોડાયા હતા. તેથી અમુક ચર્ચાઓ સવાલોના જવાબરૂપે પણ થઈ છે. અહીં તેમની આ સર્વે વિચારણાને કુલ ત્રણ ભાગમાં વહેંચીને મૂકી છે. આ વિભાગીકરણ માત્ર વાંચનની સરળતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. તા .૨૬ ઓકટોબર ૨૦૨૩ સુધીની મુક્ત ચર્ચા આ પ્રથમ ભાગમાં લીધી છે. અહીં આપેલા શીર્ષક અને પેટાશીર્ષક ડૉ. જયેશ ભોગાયતાના મુક્ત ચિંતનને સમજવામાં મદદરૂપ બને તે હેતુથી ઉમેરેલા છે. એ જ રીતે ક્યાંક તેમના વિચારોને બોલ્ડટાઈપમાં મુકવા પાછળ પણ તેમના વિચારોને સમજવાનો હેતુ જ છે. મોટેભાગે કૃતિ, સામયિક આદિના નામો અવતરણ ચિહ્નમાં મુક્યા છે અને તવારીખની સાથે ઈ. ઉમેર્યો છે. આ સિવાય કોઈપણ પ્રકારનું ઉમેરણ આ લખાણોમાં કરવામાં આવ્યું નથી. ટૂંકી વાર્તાના અભ્યાસી અને આ ભગીરથ પ્રકલ્પના સંપાદક તરીકેની ચાવીરૂપ ભૂમિકા ભજવનાર ડૉ. જયેશ ભોગાયતાના આ વિચારો ટૂંકી વાર્તામાં રસ ધરાવતાં વાર્તાપ્રેમીઓને ઉપયોગી નીવડે તેવી સરળ ભાષામાં થોકબંધ ઉદાહરણો સાથે લખાયા છે. આ નોંધો વાંચનાર દરેકને એક સુજ્ઞ અભ્યાસીની વૈચારિક સૃષ્ટિ કેવી સમૃદ્ધ હોય તેનો પણ ખ્યાલ મળી રહેશે. આ નોંધોની ભાષા સંવાદરીતિની હોઈ અહીં ડૉ. જયેશ ભોગાયતા અને વાચક વચ્ચે સંવાદનો સેતુ રચાય છે. આ પ્રકલ્પ દરમિયાન થતી રહેલી આવી સમૃદ્ધ અને વ્યાપક ચર્ચાઓ પણ આ પ્રકલ્પની એક ઉપલબ્ધિ જ ગણાય. – હીરેન્દ્ર પંડ્યા અને આશકા પંડ્યા)


ટૂંકી વાર્તા વિશે થોડું ચિંતન - ૧

-ડૉ.જયેશ ભોગાયતા
વિવેચક, વાર્તાકાર, સંપાદક અને કવિ

વાર્તાના વિવેચનનું વાંચન અને તે દ્વારા વાર્તાના કાવ્યશાસ્ત્રની સમજ કેળવવાની દિશા:-

આપણે જ્યારે કોઈ વાર્તાસંગ્રહની વિવેચકે કરેલી સમીક્ષા વાંચીએ ત્યારે આપણું વાચન કેવી રીતે કેન્દ્રીત કરવું તેની થોડી ચર્ચા અહીં કરીએ .સામાન્ય રીતે વિવેચક સંગ્રહની સારી વાર્તાઓની ચર્ચા શરૂઆતમાં કરે છે એ સારી વાર્તાઓ વિશે વિવેચક નોંધ કરે છે ત્યારે આપણે વાચક તરીકે એ વાત પર ધ્યાન આપવું કે વિવેચકે જે વાર્તાઓને સારી કે સફળ કે કલાત્મક ગણાવી છે એ વાર્તાઓને સારી કે સફળ બનાવનાર કયાકયા ઘટકતત્ત્વોની વિવેચકે ચર્ચા કરી છે એટલે કે આપણે વાર્તાને સારી કે સફળ બનાવનારાં તત્ત્વો સારવી લેવાનાં ને એ તત્ત્વો વાર્તાનું વિષયવસ્તુ છે, પાત્રાલેખન છે,પ્લોટ છે, વર્ણનો છે, કથનકેન્દ્ર કે કથક છે આ તત્ત્વોની ચર્ચા પર ધ્યાન આપવું એ જ રીતે જે વાર્તાઓ વિવેચકને નબળી કે સામાન્ય લાગી તો વાર્તાને નબળી કે સામાન્ય બનાવનાર તત્ત્વો કયા કયા ગણાવ્યા છે તેના પર ધ્યાન કેન્દ્રીત કરવું .જો આ રીતે આપણે દસેક સમીક્ષાઓનું ધ્યાનથી વાચન કરીએ તો આપણી સમક્ષ ટૂંકી વાર્તાને સફળ કે કલાત્મક બનાવનાર તત્ત્વોની ઓળખ પ્રગટ થશે ને એ જ રીતે વાર્તાને નબળી કે સામાન્ય બનાવનારાં તત્ત્વોની ઓળખ થશે .આ પ્રકારનો સ્વાધ્યાય સાતત્યપૂર્વક કરવાથી આપણે ટૂંકી વાર્તાનું કાવ્યશાસ્ત્ર એટલે કે પોએટીક્સને જાણી શકીએ અહીં એક બીજી વાત તરત આપણા ધ્યાનમાં આવશે કે, જ્યારે વાર્તાને સારી બનાવનારાં ને વાર્તાને નબળી બનાવનારાં તત્વોની વિવેચકે નોંધ કરી ત્યારે એ આ પ્રકારની નોંધ કરી હશે કે વાર્તાનું વિષયવસ્તુ સરસ છે કથનકેન્દ્રની પસંદગી સરસ છે પ્લોટ ખૂબ જ જીવંત છે ને એ જ વિવેચક નબળી વાર્તાની નોંધ લખતી વખતે નોંધે છે કે વાર્તાની સામગ્રી સાવ સામાન્ય છે બહુ જ ચવાયેલી છે કથક ખૂબ જ બોલકો છે ને પ્લોટ સાવ જ યાંત્રિક છે અકસ્માતોથી ભરેલો છે !! તો આ નોંધનો મર્મ શું છે, એનું તારણ શું ? આનો મર્મ ને તારણ એ કે વાર્તાની સફળતા કે કલાત્મકતા અને નિષ્ફળતા કે નબળાપણાંનું કારણ વાર્તાકાર વાર્તાનાં ઘટકતત્ત્વોનો ઉપયોગ કેવી રીતે કરે છે તેના પર છે ઘટકતત્ત્વોને યોજવાની આવડત કેવી છે આ દિશામાં આપણું ચિંતન શરૂ થાય છે. અહીં એક ત્રીજી વાત કરું કે સમકાલીન વાર્તાઓની નોંધ આપણે વાંચીએ છીએ કેટલાક ગંભીર વિવેચકો આ પ્રકારની નોંધો લખે છે એ સારી વાત છે પણ આપણે આ પ્રકારની નોંધોનું વાચન કેવી રીતે કરવું એ વાત મુખ્ય છે .ધારો કે મારી વાર્તા વિશે કોઈ વિવેચક નોંધ કરે કે વખાણ કરે કે પ્રશંસા કરે તો જરૂર ગમે પણ મારે એ જોવાનું કે મારી વાર્તાલેખનરીતિ વિશે કે વાર્તા બનાવનાર તત્ત્વોની કેવી ચર્ચા કરી છે? જો આ વાત તરફ ધ્યાન આપીએ તો મને વાર્તાકાર તરીકેની મારી કુશળતા છે વિવેચક પામી શક્યા છે કે નહીં તેની જાણ થશે ને એ જ રીતે એવી નોંધોનું વાચક તરીકે વાચન કરતી વખતે એ નોંધવું કે વિવેચકનું કેન્દ્ર શું છે ને જ્યારે વાર્તા વિશેની નોંધો ખાલી પ્રભાવવાદી લાગે તો એ પ્રભાવવાદી વિવેચનનું સ્વરૂપ પણ ઓળખવું. આ પ્રકારની ચિંતનાત્મક નોંધો તમે પણ લખી શકો પણ તેમાં આ વિવેચક આમ લખે છે કે આ વિવેચકે આવી વ્યાખ્યા આપી છે એવી નોંધો ના લખશો .એ બધું તો જાણીતું છે .કોઈ પણ સાહિત્યસ્વરૂપની વિચારણા જાણવા માટે સ્વરૂપની ઓળખ એટલે કે સ્વરૂપનો પરિચય કરીએ તો સિધ્ધાંત સમજવો સરળ બને. વાર્તાસ્વરૂપની ઓળખ માટે કે વાર્તાકળાના પરિચય માટે વાર્તાસંગ્રહોની મેં કરેલી સમીક્ષાઓનું નવેસરથી વાચન શરૂ કર્યું છે. મારી પાસે કેનેડામાં મારાં પુસ્તકો નથી, પણ એક ‘કથાનુસંધાન’ છે. તેમાં વાર્તા વિશેના ૬ લેખો છે તેમાં ત્રણ વાર્તાસંગ્રહો વિશે, એક વાર્તાસંપાદન વિશે, એક વાર્તાનું ઘટકતત્ત્વ કથક વિશે છે અને એક ૧૯૫૫ થી ૨૦૦૦ના ગાળાની વાર્તાઓ વિશેની ઐતિહાસિક પધ્ધતિની નોંધ છે . સમર્થ વાર્તાકારની વાર્તાઓની સમીક્ષા કરતી વખતે એમની વાર્તાઓ નબળી લાગે કે સામાન્ય લાગે ત્યારે સમીક્ષકે પોતાની સમજ કે દ્રષ્ટિકોણ વિશે શંકા ન કરવી પણ એ વાર્તાકારની જે વાર્તાઓ તમને ઉત્તમ લાગી હોય તો એ તમે ઉત્તમ છે એવી પ્રતીતિ તમારી સ્વરૂપસમજને આધારે જ કરી હોય છે પણ ધારો કે કોઈ પ્રયોગશીલ કે આપણી વાર્તાસ્વરૂપની સમજ વાર્તાકારની સમીક્ષા કરતી વખતે મર્યાદિત લાગે તેવા દાખલામાં ટૂંકીવાર્તાની કળામીમાંસાનો વધુ ઊંડો અભ્યાસ કરવો .જે વાર્તાકારની વાર્તાઓ સમજવામાં પડકારરૂપ લાગે તેના વિશે ઉતાવળા ચુકાદા ન આપવા, પણ વાર્તાસ્વરૂપની ઊંડી સમજ કેળવ્યા પછી ઉત્તમ વાર્તાકારની જ કેટલીક વાર્તાઓ નબળી લાગે તો તેની સમીક્ષા કરવામાં સંકોચ ના રાખવો . વાર્તાસમીક્ષકે વાર્તાઓના અનેક નમૂનાઓનું વાચન કરવું જરૂરી છે તેની રુચિની સીમાડા સાંકડા ન હોય તે જરૂરી છે .બીજો રસ્તો એ પણ છે વાર્તાના સમીક્ષાના ઇતિહાસમાંથી એક જ વાર્તાકાર વિશેના જુદા જુદા વિવેચકોએ કરેલી સમીક્ષાનું વાચન કરવું. ઉદાહરણ:- આના અનુસંધાનમાં બે વાત કરું .ધૂમકેતુનો વાર્તાસંગ્રહ ‘તણખામંડળ ૧લું’ પ્રગટ થયો ઈ.૧૯૨૬માં ને રામનારાયણ પાઠકે ઈ.૧૯૨૭માં તેનું વિવેચન કર્યું. આ વિવેચનમાં ધૂમકેતુની વાર્તાનાં પાત્રોની મર્યાદા દર્શાવતી વખતે પાત્રો ઊર્મિલ છે એટલે કે, પાત્રોની ઊર્મિલતા વાર્તાઓને હાનિકારક છે. હવે તમે જુઓ, આ ઊર્મિલતાને આધારે લાંબા સમય સુધી ને પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓને ઊર્મિલતાને આધારે જ મર્યાદા બતાવવાનું પૂછતા આવ્યા છીએ. વાર્તાસંગ્રહોની સમીક્ષા કરતી વખતે કેટલાક વિવેચકો સમીક્ષાલેખને શીર્ષક આપતા હોય છે તમે જ્યારે કોઈ વિવેચકની વાર્તાસંગ્રહની સમીક્ષા વાંચો ત્યારે જો લેખને શીર્ષક આપ્યું હોય તો તે ધ્યાનથી વાંચવું.એ શીર્ષક વિવેચકની સમીક્ષાનો ધ્વનિ અને એમનો વાર્તાઓ વિશેનો પોતાનો અભિગમ રજૂ કરી દે છે .મને પણ શીર્ષક આપીને લખવાનું ગમે છે . ત્રણ ઉદાહરણ આપું છું ૧.અનિલ વ્યાસનો વાર્તાસંગ્રહ ‘સવ્ય-અપસવ્ય’છે. તેની સમીક્ષાનું મેં આપેલ શીર્ષક‘પ્રભાવોના ઘોંઘાટ વચ્ચે થોડાં આશ્વાસનો’. આ શીર્ષકનો વિસ્તાર તે મારી સમીક્ષા. ૨. કિરીટ દૂધાતના વાર્તાસંગ્રહ ‘બાપાની પીંપર’ની સમીક્ષાને આપેલ શીર્ષક ‘સંવેદનબધિર વિશ્વ તરફનો વ્યથાપૂર્ણસૂર’ ૩, ભૂપેન ખખ્ખરનો વાર્તાસંગ્રહ ‘મગનભાઈનો ગુંદર અને બીજી વાર્તાઓ’. તેની સમીક્ષાનું શીર્ષક ‘વાસ્તવનું વિઘટન’છે. અહીં ‘વિઘટન’ સંજ્ઞા વાર્તાકારનો વાસ્તવ તરફનો અભિગમ સૂચવે છે .આ વાતનો સાર એ છે કે તમે વાર્તાસંગ્રહની સમીક્ષા વાંચો ત્યારે જો લેખને શીર્ષક આપ્યું હોય તો ખાસ વાંચવું ને તેના અર્થને પામવો .સુમનભાઈ શાહે એમના વિવેચનગ્રંથ ‘ચંદ્રકાન્ત બક્ષીથી ફેરો’માં પ્રત્યેક નવલકથાની સમીક્ષાને વ્યંજનાપૂર્ણ શીર્ષક આપ્યાં છે. એ જ રીતે સુમનભાઈ શાહે એમના ‘કથાપદ’ નામના વિવેચનગ્રંથમાં પણ વાર્તાસંગ્રહો અને નવલકથાની સમીક્ષાને શીર્ષક આપ્યું છે .સાર એ કે ઝીણી નજરે જોવું.

એક જ વાર્તાકારની વાર્તાઓ વિશે પરસ્પર વિરોધી સૂરના વિવેચન:

બીજી વાત, જે અગાઉના ચિંતન સાથે સંબંધ ધરાવે છે. મુદ્દો એ હતો કે, એક જ વાર્તાકારની વાર્તાઓ વિશે જુદા જુદા એટલે કે પરસ્પરથી વિરોધી સૂરનાં વિવેચનો મળે ત્યારે ક્યા વિવેચનને સ્વીકૃત અથવા તો સાચું માનવું? આને સમજવા જરા ઊંડા ઉતરીએ .સુરેશ જોષીનો ‘ગૃહપ્રવેશ’ વાર્તાસંગ્રહ ઈ.૧૯૫૭માં પ્રગટ થયો ત્યારે એક દોઢ વર્ષના ગાળામાં આ સંગ્રહની ત્રણ સમીક્ષા પ્રગટ થઈ હતી. પહેલી સમીક્ષા તે સંગ્રહની પ્રસ્તાવના લખનાર ગુલાબદાસ બ્રોકરની. શીર્ષક હતું ‘રૂપસૃષ્ટિમાં’, બીજી સમીક્ષા તે વિનાયક પુરોહિતની શીર્ષક હતું ‘આમ ગૃહપ્રવેશ ના થાય’, (શીર્ષકમાં ભૂલ લાગે તો મિત્રો સુધારે), ને ત્રીજી સમીક્ષા રામપ્રસાદ બક્ષીએ કરી હતી જે ‘મનીષા’ના અંકમાં પ્રગટ થઈ હતી તેનું શીર્ષક મને યાદ નથી. રામપ્રસાદ બક્ષીએ રસનિષ્પત્તિની ભૂમિકાએ વાર્તાઓની સમીક્ષા કરી હતી. વિનાયક પુરોહિતની સમીક્ષા ‘સંસ્કૃતિ’ના અંકમાં પ્રગટ થઈ હતી. હવે આપણું કામ શરૂ થાય છે . આ ત્રણેય સમીક્ષાનું નિકટવર્તી વાંચન કરીએ ને આપણને પરસ્પરથી જુદાં પડતાં નિરીક્ષણો કે અવલોકનો જરૂર મળે ત્યારે આ ત્રણમાંથી કોને સાચી સમીક્ષા ગણવી? આનો જવાબ તટસ્થ રીતે મેળવવા માટે આપણે દરેક વાર્તાસમીક્ષકની વાર્તાસ્વરૂપ વિશેની એમની વિભાવના શું છે? એમની સાહિત્ય વિશેની વિભાવના શી છે? ને વાર્તીસમીક્ષા માટેનાં એમનાં ઓજારો કયા કયા છે? તે જાણવા પડે, એટલે આપણને એક કરતાં વધુ સંખ્યાનાં અર્થઘટનો મળે ત્યારે એ અર્થઘટનો પાછળની સાહિત્યિક ભૂમિકાઓ જાણવી પડે. આને કારણે આ સાચી સમીક્ષા છે કે આ ખોટી સમીક્ષા છે તેવા નૈતિક ચુકાદાઓથી બચી શકાય. જયંતભાઈ કોઠારીએ ‘સરસ્વતીચંદ્રનાં વીસરાયેલાં વિવેચનો’એ શીર્ષકનું એક સરસ સંપાદન પ્રગટ કર્યું છે તે મેળવીને વાંચશો. ‘સરસ્વતીચંદ્ર’નવલકથાનો પહેલો ભાગ પ્રગટ થયો ત્યારથી શરૂ કરીને આજ સુધીનાં વિવેચનો એક અર્થમાં તો, ગુજરાતી કથાસાહિત્યનાં વિવેચનનાં ગૃહીતોનો ઇતિહાસ છે.

ટૂંકીવાર્તાના કાવ્યશાસ્ત્ર માટે ઉત્તમ સામગ્રી: પ્રસ્તાવનાઓ:-

ગુજરાતી વાર્તાસંગ્રહોની સમીક્ષા એવું એક સંશોધનપરક મારું કામ ચાલે છે. મેં તેમાંથી ૨૮થી ૩૦ જેટલી પ્રસ્તાવનાઓ મારા સંપાદનગ્રંથમાં પ્રગટ કરી હતી. ‘ગુજરાતી સાહિત્યવિવેચનમાં ટૂંકીવાર્તાની સ્વરૂપવિચારણા’ભાગ-બેમાં છે એ પ્રસ્તાવનાઓ. પ્રસ્તાવનાઓ બે પ્રકારની મળે છે, પહેલી તકે વાર્તાકારે પોતે લખેલી ને બીજી તે કોઈ બીજા વિવેચકની. તેમાં બે પ્રકાર છે: વડીલવિવેચક ને મિત્રવિવેચક. મારા સંશોધનનું શીર્ષક છે ‘પ્રસ્તાવનાઓનું વ્યાકરણ’. અત્યાર સુધીમાં બીજી ચાલીસેક મળી છે . એટલે મિત્રો ! તમે પણ વાર્તાસંગ્રહનું વાચન કરો ત્યારે જેટલી પણ પ્રસ્તાવના તેમાં પ્રગટ કરી હોય તે ખાસ વાંચશો ને તેમાં વાર્તાકારની પ્રસ્તાવના ખાસ વાંચશો. ગુજરાતી ટૂંકી વાર્તાનું કાવ્યશાસ્ત્ર લખવું હોય તો પ્રસ્તાવનાઓ એક ઉત્તમ આધાર સામગ્રી છે . નમસ્કાર ટૂંકી વાર્તા વિશે થોડું વધુ મુક્ત ચિંતન, ધારો કે, કોઈ સમીક્ષક મિત્રને ધૂમકેતુ, પન્નાલાલ પટેલ,ઝવેરચંદ મેઘાણી કે ચુનીલાલ મડિયાની વાર્તાઓ વિશે સમીક્ષાલેખ કરવાનો છે ત્યારે ૨૮ વાર્તાસંગ્રહના લેખક ધૂમકેતુ કે ૨૪ વાર્તાસંગ્રહના લેખક પન્નાલાલ પટેલ વિશે મર્યાદિત શબ્દોમાં કેવી રીતે લખવું ? આ મૂંઝવતો પ્રશ્ન છે. આપણે તપાસ કરીએ તો, આ ધૂમકેતુ કે પન્નાલાલ પટેલની વાર્તાઓ વિશે સમગ્રલક્ષી મોટા લેખો મળી આવે ત્યારે આપણી પાસે તો એવો અવકાશ નથી. આવા દાખલામાં શું કરી શકાય તેના માટે સહચિંતન કરીએ તમે તમારા પણ અભિપ્રાય રજૂ કરશો. હું અહીં મારી પધ્ધતિની વાત કરું. પહેલું પગથિયું, તે ધૂમકેતુની બધી જ વાર્તાઓનું વાચન અને તેની નોંધ ને એમની પ્રસ્તાવનાઓની પણ નોંધ કરું. એ નોંધો કોની કરવાની ? મુખ્ય ચાર વિશે નોંધ- પાત્રો, ઘટનાઓ, પ્લોટ અને ચાર કથનકેન્દ્ર ને પરિવેશ. પાત્રોનું જ્ઞાતિ, જાતિ, વ્યવસાય, ગામ કે શહેર એમ વર્ગીકરણ. આમ ચારેય નોંધોને અંતે ધૂમકેતુની વિશાળ સૃષ્ટિનું ચિત્ર પ્રગટ થશે. આ ચિત્રમાંથી ધૂમકેતુની પાયાની કે મૂળભૂત કયા પ્રકારની સંવેદનશીલતાનો અનુભવ કરીએ છીએ તેની નોંધ, ધૂમકેતુનો જીવન તરફનો મૂળભૂત સર્જનાત્મક દ્રષ્ટિકોણ શું છે? તેને પામવાનો. એ પામી ગયા પછી ધૂમકેતુની વાર્તાલેખનની વિવિધ લેખનરીતિ કે નિરૂપણરીતિની ઓળખ કરવાની. જેમ કે, તેની વસ્તુસંકલનપધ્ધતિ કેવી છે? પરંપરાગત કે નૂતન. એ જ રીતે તમે સમયસંકલન, પરિવેશ ને કથનકેન્દ્રની પ્રયુક્તિઓને તારવી શકાઓ. આટલો વિદ્યાવ્યાયામ કર્યા પછી તમે તમારો લેખ કરી શકો ને તમે આવું કંઈક લેખનું શીર્ષક આપી શકો. ‘ધૂમકેતુની વાર્તાસૃષ્ટિ, સ્વરૂપ અને સામગ્રી સંદર્ભે’. હવે ધારો કે, કોઈ મિત્રને ચુનીલાલ મડિયાની વાર્તાઓ વિશે લખવાનું છે તો તેના વિશે થોડું મુક્ત ચિંતન. મડિયાના સંગ્રહો ભેગા કર્યા પછી જે પહેલો અનુભવ થાય તે એ કે એક બાજુ ‘ઘૂઘવતાં પૂર’ છે એટલે કે ગ્રામીણ પાત્રોની વાર્તા છે; તો બીજી તરફ ‘જેકબ સર્કલ સાત રસ્તા’માં આધુનિક નગરનાં પાત્રો છે. તો મડિયાની આ ગ્રામીણ પરિવેશથી નગરપરિવેશ તરફની સર્જનકેન્દ્રી સંક્રાંતિ રસપ્રદ બને. સમીક્ષક તરીકે બંને પરિવેશની વાર્તાઓમાં મડિયાની જીવનભાવના અને લેખનરીતિમાં પાયાગત ભેદ જોવા મળે છે ખરો? એ દિશામાં શોધ કરી શકાય. એક જ સર્જકમાં સમયાંતરે આવતાં આંતરબાહ્ય પરિવર્તનો પાછળની ભૂમિકાઓ શોધીએ તો એ પરિવર્તનો જેમ સર્જકનાં છે તેમ વાર્તાના ઇતિહાસનાં પણ છે, એ યુગ પરિવર્તનનાં પણ નમૂના બને છે. આવાં ઉદાહરણો મોટા ગજાના અને લાંબો વાર્તાસર્જનકાળ ધરાવતા વાર્તાકારોમાં મળે. કિશોર જાદવની એમના લેખનકાળની શરૂઆતની વાર્તા‘મદદનીશ’નું ભાવવિશ્વ અને લેખનરીતિ એમની ઉત્તરકાલીન વાર્તા ‘વાડી’નું ભાવવિશ્વ અને લેખનરીતિ સાવ જ એકબીજાંથી જુદાં ને સાવ જ અલગ. સવાલ થાય કે આવું કેમ થયું? કયા પરિબળોએ ભાગ ભજવ્યો એ શોધનો વિષય છે .જરા જુદી રીતે આગળ વધીએ તો એવાં પણ ઉદાહરણો મળશે કે વાર્તાલેખનના આરંભે સર્જકતાનો જે ઉન્મેષ હતો તે ઉત્તરકાલીન વાર્તાઓમાં જોવા ના મળે. બધું ટાઢુંબોળ, બીબાંઢાળ કે યાંત્રિક બસ લખ્યા કરે છે પણ પેલો સર્જક ત્યાં હાજર નથી. આ દ્રષ્ટિકોણથી પણ વાચન કરી શકાય. આ મુક્તચિંતન છે તમને મિત્રોને લખવા માટેની ગાઈડલાઈન નથી પણ મને ઇતિહાસલેખન નિમિત્તે જે ચિંતન કરવું જરૂરી લાગે છે તેને રજૂ કરું છું. તમે પણ તમારું ચિંતન અહીં ઉમેરો તો આનંદ થશે

ટૂંકી વાર્તાની સમીક્ષા માટે અભિગમની પસંદગીનો પ્રશ્ન:

ટૂંકી વાર્તા વિશે થોડું આજે મુક્ત ચિંતન. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ છે પ્રાચીનયુગથી સમકાલીન સર્જન સુધીનો. તેમાં જો માત્ર ટૂંકી વાર્તાનો જ વિચાર કરીએ તો, ઓગણીસમી સદીના મધ્યભાગમાં તેનું લેખન શરૂ થયું તે ૨૦૨૩ સુધી ચાલે છે. આ સંદર્ભમાં ટૂંકી વાર્તાની સમીક્ષા કરવા માટે ક્યો અભિગમ પસંદ કરવો યોગ્ય ગણાશે ? શું કોઈ એક જ અભિગમથી દરેક તબક્કાની વાર્તાઓની સમીક્ષા કરી શકાય? કે પ્રત્યેક તબક્કાની વાર્તાની સમીક્ષા માટે જુદા જુદા અભિગમની પસંદગી કરવી યોગ્ય ગણાશે? સમીક્ષા વિશેની આ મૂંઝવણમાંથી કોઈ રસ્તો શોધીએ. સાહિત્યવિવેચનમાં અને સાહિત્યમીમાંસામાં સાહિત્યની એક વૈશ્વિક વિભાવના કે વ્યાખ્યા હોય છે. જેમ કે, સંસ્કૃતકાવ્યમીમાંસામાં કાવ્ય વિશેની જે જે મીમાંસા છે તેમાં કાવ્યનું સૌંદર્ય નિષ્પન્ન કરનાર તત્ત્વ ધ્વનિ, વ્યંજના, વક્રોક્તિ કે રમણીય અર્થ છે ને એ મીમાંસાને આધારે આપણે પ્રત્યેક યુગની કવિતાનું મૂલ્યાંકન કરીએ છીએ ને જે કાવ્ય ધ્વનિ વ્યંજના કે રસની બાબતમાં ઊણું ઉતરે તે નબળું કાવ્ય. એટલે કે, એક વૈશ્વિક મીમાંસાના આધારે મૂલ્યાંકન કર્યું .હવે અહીં સવાલ કરીએ કે સાહિત્યના કોઈ એક યુગમાં શું સાહિત્યની કોઈ એક જ વિભાવના કે સિધ્ધાંત હોય છે કે એક કરતાં વધારે સંખ્યામાં? એનો જવાબ છે ના. કોઈ એક જ યુગમાં એક નહીં એક કરતાં વધુ સંખ્યામાં અભિગમો કે વિચારણા ચાલતી હોય છે. વિવેચકે એ બધા અભિગમોનો પરિચય કેળવવો પડે. ગાંધીયુગના સાહિત્યવિવેચનમાં ઐતિહાસિક અભિગમ, કૃતિલક્ષી અભિગમ અને કાવ્યભાષાકેન્દ્રી અભિગમ સક્રિય હતાં. એ જ રીતે આધુનિકયુગમાં તો મોટી યાદી બને એટલાં પ્રાચીન, અર્વાચીન ને યુરોપીય, અમેરિકન, રશિયન અભિગમો એક સાથે અસ્તિત્વમાં હતા. તો હવે ફરી, પાછા મૂળ વાત પર આવીએ ને તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. વાર્તાસમીક્ષકે સૌ પ્રથમ પોતાને જે જે તબક્કાના વાર્તાસંગ્રહોની સમીક્ષા કરવાની છે પ્રત્યેક તબક્કાના સાહિત્યની વિભાવના એટલે કે સાહિત્ય વિશે સર્જકો અને વિવેચકો શું માનતા હતા? ને તેમાં સમાંતરે એક જ તબક્કામાં વાર્તાસ્વરૂપ વિશે કેવા નોખા નોખા અભિપ્રાયો હતા તેનો પરિચય કરવો જરૂરી છે. ઉદાહરણ તરીકે, એક સમીક્ષક મિત્રને મલયાનિલ છે અને અનુઆધુનિક વાર્તાકાર ઉત્તમ ગડાની વાર્તાઓ છે, તો બંનેનું વાચન કેવી રીતે કરવું ? આવી સ્થિતિમાં આપણને વૈશ્વિક અને સ્થાનિક બંને મીમાંસાની જરૂર પડશે. મલયાનિલની વાર્તાઓને સમીક્ષક મિત્ર સારી કે કલાત્મક શાને આધારે નક્કી કરશે? ને એ જ રીતે ઉત્તમ ગડાની વાર્તાઓને સારી કે કલાત્મક શાને આધારે નક્કી કરશે? તેનો જવાબ છે કે સમીક્ષક ત્યાં વૈશ્વિક મીમાંસાનાં ગૃહીતો સ્વીકારશે પરંતુ, મલયાનિલ અને ઉત્તમ ગડા સમકાલીન નથી માટે એમની વાર્તાઓનો સમાજ, તેની સમસ્યાઓ અને પાત્રોની માનસિકતા અને સંવેદનશીલતા એક બીજાથી જુદી છે તો ત્યારે સાહિત્યનું સમાજશાસ્ત્ર એટલે કે Sociology of literature નાં ગૃહીતોનો ઉપયોગ કરવો પડે. બંને વાર્તાકારોની વાર્તાઓમાં નિરૂપાયેલો સમાજ તેની સમસ્યાઓ જુદી છે. મલયાનિલની વાર્તામાં પ્રેમલગ્ન કરવા આડેનાં વિઘ્નો ને તેનાથી દુઃખી થતાં પાત્રોની વાત છે પણ ઉત્તમ ગડાની વાર્તામાં એ પ્રશ્ન નથી. તેમાં એવા કોઈ રૂઢિગત સમસ્યાની વાત નથી પણ મહાનગરમાં પ્રેમતત્ત્વની ઝંખના કેવી નિરાધાર ને પીડાદાયક છે તેની વેદનાને વ્યાપક સ્તરે નિરૂપે છે. અહીં જે સવાલો મૂક્યા છે તે એક કરતાં વધુ તબક્કાની વાર્તાઓ વિશે લખનાર મિત્રને સામનો કરવાનો આવે ને એવું પણ બને કે એક લોકપ્રિય વાર્તાકાર હોય ને બીજા આધુનિક, તો ત્યાં પણ સવાલો થવાના ને તેના વિશે હવે પછીના સંવાદમાં વાત કરીશું આભાર. એક વાત ઉમેરું કે, અનુઆધુનિક સાહિત્યમીમાંસાએ વૈશ્વિક કાવ્યશાસ્ત્રનો એટલે કે વર્ચસ્વપ્રધાન એકસત્તાકેન્દ્રી કાવ્યશાસ્ત્રનો વિરોધ કર્યો ને સાહિત્યકૃતિની મીમાંસા કરવા માટે માત્ર સાહિત્યમીમાંસા જ નહીં પણ અન્ય માનવવિદ્યાઓની શાખાના સિધ્ધાંતોને આધારે કૃતિનું વાંચન કરવાનો પ્રારંભ થયો. ઉદા:‘સરસ્વતીચંદ્ર’ નવલકથાને વિવેચક સર્જકની અલંકારો પ્રયોજવાની શક્તિ વિશે લખે ને બીજા વિવેચક નારીવાદી અભિગમથી નવલકથાનું વિવેચન કરે તો એ અભિગમ પણ એટલો જ પ્રસ્તુત છે. સાહિત્યકૃતિનો ઇતિહાસ, સમાજ, રાજ્યશાસ્ત્ર નૃવંશશાસ્ત્ર, ભાષાવિજ્ઞાન, નારીવાદ દલિતવાદ કે ગ્રામચેતના કે તળપદ એમ જુદા જુદા અભિગમથી અભ્યાસ કરી શકાય પણ ત્યાં વિવેચકે વિવેક કરવો પડે કે કૃતિને મારી મચડીને પરાણે અભિગમના ચોકઠામાં જડી તો નથી દીધીને! અભિગમના શાસન તળે કૃતિને કચડી નાખવાની નથી.

ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ અને વાર્તાનો ઇતિહાસ તે સંદર્ભે ટૂંકી વાર્તાનું વાંચન:

આજે ફરી થોડું મુક્ત ચિંતન ટૂંકી વાર્તા વિશે. ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટે ગુજરાતી સાહિત્યના ઇતિહાસના ગ્રંથો પ્રગટ કરવાની પરંપરા છે. એમાં કોઈ વિવેચક સ્વતંત્રપણે ઇતિહાસલેખન કરે અથવા સાહિત્યની સંસ્થાઓ ખંડ સ્વરૂપે પ્રગટ કરે. આ બંને પ્રકારના ઇતિહાસો ગુજરાતી ભાષાના સાહિત્યકારોનો પરિચય આપે છે, એમના પ્રદાનને મૂલવે છે. આ ઇતિહાસગ્રંથો ગુજરાતી સાહિત્યલેખનમાં આવેલાં પરિવર્તનો અને નૂતનતાઓને વર્ણવવા માટે યુગવિભાજનની પધ્ધતિનો ઉપયોગ કરે છે. ને આ જ પધ્ધતિનો ઉપયોગ સાહિત્યસ્વરૂપના ઇતિહાસલેખનમાં થાય છે. હવે અહીં સવાલ એ થાય કે એક યુગ અને બીજા યુગ વચ્ચે કે એક યુગની કવિતા વાર્તા કે નવલકથા વચ્ચે કોઈ આંતરિક સંબંધ હોય છે કે નહીં? બે યુગ વચ્ચેનો ભેદ સમયપરિવર્તનના આધારે નક્કી કરવામાં આવે ત્યારે સવાલ થાય કે બે યુગની કૃતિઓ પરસ્પરથી સાવ જ નોખી કે છેડો ફાડીને આગળ જનારી છે ? અર્વાચીનયુગની વાર્તાઓ એટલે પ્રથમ તબક્કાની વાર્તાઓ અને આજે લખાતી વાર્તાઓ એકબીજાથી સાવ જ જુદી કે આંતરિક રીતે જોડાયેલી છે? આ સવાલના જવાબ વિશે થોડું વિચારીએ. આ સવાલનો જવાબ મેળવવા માટેનો એક રસ્તો એ છે કે, વાર્તાલેખનની શરૂઆત કરનાર કોઈ વાર્તાકારની વાર્તાને એમના પુરોગામી વાર્તાકારની વાર્તાઓની જોડે રાખીને વાંચીએ તો જવાબ મળી શકે. થોડા નમૂના સાથે વાત કરું. સુરેશ હ. જોષીની પહેલી ટૂંકી વાર્તા‘વિચ્છેદ’ઈ. ૧૯૪૪માં પ્રગટ થઈ હતી. આ વાર્તાનો એક છેડો ધૂમકેતુ- દ્વિરેફ શૈલીની વાર્તા સાથે છે ને બીજો છેડો સર્જકની નૂતન સંવેદનશીલતાનો છે. આ બે છેડા વચ્ચે આંતરિક સંબંધ છે મનુષ્યની ભાવનાઓનો, લાગણી કે ઊર્મિની નિરાધારતાનો. બીજું ઉદાહરણ, કિશોર જાદવની‘કાલ્પી’વાર્તાનું. આ વાર્તા ૧૯૭૦/૭૨ આસપાસની. આ વાર્તાને સુજ્ઞ ભાવક સંક્રમણની એક પણ ફરિયાદ વિના વાંચી શકે છે ને એ વાર્તાનો એક છેડો ઈ.૧૯૫૦ પછીની ગુજરાતી વાર્તા સાથે છે. બીજો છેડો વાર્તાકારની વ્યંજનાશક્તિનો છે કશું પણ સીધી રીતે ના કહેવું તેનો સિધ્ધાંત એટલે The Art of Suggestion. ત્રીજું ઉદાહરણ નોંધીએ. અજિત ઠાકોરની ટૂંકી વાર્તા‘પોપડો’ જે ૧૯૮૮/૮૯ના ‘ગદ્યપર્વ’ના અંકમાં પ્રગટ થઈ હતી. અજિત ઠાકોરે આધુનિક ગુજરાતી ટૂંકીવાર્તાની સખત શબ્દોમાં ટીકા કરી હતી તેના વિરોધરૂપે ‘પરિષ્કૃત’ગુજરાતી ટૂંકી વાર્તાનું આંદોલન કેટલાક મિત્રો સાથે વિદ્યાનગરથી શરૂ કરેલું એ સમય ૧૯૯૦ની આસપાસનો હતો. હવે અજિત ઠાકોરની ‘પોપડો’વાર્તાને વાંચીએ તો, વાર્તાલેખનનો દેહ કલ્પનો, પ્રતીકોથી ઘડેલો છે. પરિવેશનું વર્ણન કલ્પનોથી કર્યું છે ને The Art of Suggestionની પ્રયુક્તિનો વિનિયોગ. તમે આ ત્રણેય ઉદાહરણો વાંચીને મારી સાથે સંવાદ કરો એવું ઇચ્છું છું. માત્ર મારી સાથે સમ્મત થાવ એવું નથી ઇચ્છતો .

ઇતિહાસલેખનની પરંપરાગત પધ્ધતિ વિશે ફેરવિચાર:

આના અનુસંધાને ઇતિહાસલેખનની પરંપરાગત પધ્ધતિ વિશે ફેરવિચાર કરીએ. ગુજરાતી ભાષાસાહિત્યનો ઇતિહાસ બારમી સદીથી વર્તમાન સમય સુધીનો છે. આ ઇતિહાસને યુગવિભાજન વડે પરસ્પરની વ્યાવર્તકતા વડે વર્ણવી શકાય પણ બે યુગ એકબીજાથી સાવ જુદા તો ન જ હોય. એ સંદર્ભે બે સંજ્ઞાઓનો ઉપયોગ આપણને સહાયક બની શકે. તમે પણ વિચારશો. એ સંજ્ઞાછે પરંપરાનુસંધાન એટલે કે પરંપરાનું અનુસંધાન અને પરંપરાવિચ્છેદ એટલે કે પરંપરાથી વિચ્છેદ. અનુસંધાન અને વિચ્છેદ એ સર્જનાત્મક લેખનમાં સમાંતર ચાલતી પ્રક્રિયા છે. કોઈ નવો વાર્તાકાર આવે ત્યારે બધું જ સાવ નવું કે મૌલિક જ લાવ્યો છે એવું દર્શાવીને લખવા કરતાં એ નવા વાર્તાકારમાં એ સભાનપણે ભલે પુરોગામીને નકારે પણ એમની વાર્તાઓમાં એમની પોતાની ભાષાની વાર્તાઓનું અનુસંધાન હોય છે કે એમણે જે વિદેશી વાર્તાકારોને વાંચ્યા છે જેમનો પ્રભાવ સામગ્રી અને આલેખન બંને સ્તરે પ્રસર્યો છે એમનું અનુસંધાન વાંચી શકાશે ને આ અનુસંધાન હોવું એ એમની મર્યાદા નથી પણ લેખનની પોતાની એક વાસ્તવિકતા છે, લેખનનું અંગભૂત ઘટક છે. સર્જનની એક લાંબી સભાનતા સાથેની ને પુરોગામીનો ભાર સાવ જ ખંખેરી નાંખવાની સિસૃક્ષા સાથે ઉત્તમ સર્જક પોતાની નિજી ઓળખ સર્જે છે. ને તે બિંદુએ સર્જકે સિધ્ધ કરેલો પરંપરાવિચ્છેદ નવી ઓળખ બને છે. સાહિત્યજગતમાં થતાં કળાનાં આંદોલનો પુરોગામીથી છેડો ફાડીને અભિવ્યક્તિ આડે જે જે પ્રયુક્તિઓ કે ભાષાસ્વરૂપ કે સાહિત્યસ્વરૂપ એમને રૂંધે છે, ગૂંગળાવે તેનો બહિષ્કાર કરીને નવોન્મેષ સિધ્ધ કરે છે. આ પ્રકારની સતત સક્રિય રહેતી ઐતિહાસિક ઘટનાઓનું આંતરિક રૂપ સમજવા માટે પરંપરાગત યુગ વિભાજનવાળી ફોર્મ્યુલા કારગત નીવડે નહીં. આની સાથે સંબંધ ધરાવતી એક બીજી વાત કરીએ. આપણે જ્યારે સમયના આ બિંદુએથી ધૂમકેતુના સમયગાળાની વાર્તાઓનું વાચન કરીએ ત્યારે આપણે એ વાર્તાઓને ઇતિહાસકાર કે વિવેચકે ચોંટાડેલું પરંપરાગતનું લેબલ છોડીને તેમનું વાચન કરતા નથી ને એને કારણે ધૂમકેતુના સમયગાળાની વાર્તાઓ કઈ રીતે નવી હતી, પુરોગામી વાર્તાઓ સાથે કેવો વિચ્છેદ સાધ્યો છે તે વાંચી શકતા નથી. પરંપરામાં છૂપાયેલી નવીનતા કે અર્વાચીનતાનો અનુભવ કરવાથી તે ગાળાની વાર્તાઓની સાચી ઓળખ મળે. ધૂમકેતુની વાર્તાલેખનરીતમાં શું શું નવું છે તેની શોધ કરીએ. એમની વાર્તાઓમાં ક્યો સમાજ આવ્યો? કેવાં કેવાં પાત્રો આવ્યાં? જીવનના ક્યા પ્રશ્નોને આગળ લાવ્યા? લોકવાર્તા કે લોકકથા સાથે એમની વાર્તાઓ કેવો સંબંધ ધરાવે છે? પ્રાચીન ઇતિહાસ ને ઇતિહાસના પાત્રોનું કેવું નવું અર્થઘટન કરે છે? આવું આવું પૂછતાં પૂછતાં વાર્તાસ્વરૂપની સર્જકતાના છેડે પહોંચી શકીએ. ધૂમકેતુએ પોતાની વાર્તા લખવા માટે કઈ કઈ પ્રયુક્તિઓની શોધ કરી તેની ભાળ લઈએ તો એમની સર્જક તરીકેની મૌલિક લેખનરીતિનો પરિચય મળે. અહીં માર્ક શોરરનો લેખ યાદ આવી શકે,‘Technique as Discovery’ જેનો ભાવનુવાદ શિરીષ પંચાલે ‘ઊહાપોહ’ના અંકમાં પ્રગટ કર્યો હતો. તમે જાણો છો કે, મારા સંશોધનનો વિષય’ આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તામાં ઘટનાતત્ત્વનું નિરૂપણ’અને મારા માર્ગદર્શક શ્રી સુમનભાઈ શાહ હતા. સુમનભાઈએ સંશોધનકાર્ય માટે શરૂઆતમાં જે જે દિશાસૂચનો ને અભ્યાસશિસ્તનાં ધોરણો આપેલાં તેમાંનું એક આ હતું કે, મારે ધૂમકેતુથી શરૂ કરીને જયંત ખત્રી સુધીના વાર્તાકારોની વાર્તાઓનું સઘન વાચન કરવાનું ને આ વાર્તાકારો વિશે કોંઈ પ્રકરણ પણ મારે લખવાનું નથી પણ આ બધા વાર્તાકારોને વાંચી લીધા પછી જ્યારે આધુનિક વાર્તાકારોને વાંચવાની શરૂઆત કરશો ત્યારે તુલનાભાવે બંને તબક્કાની વાર્તાઓ વચ્ચેનો સ્વરૂપગત ભેદ અનુભવી શકશો. તેના પરિણામે મેં વાર્તાનો આખો ઇતિહાસ વાંચ્યો જેનો સંપૂર્ણ યશ મારા માર્ગદર્શક સુમનભાઈને છે. સાહિત્યના ઇતિહાસલેખનની વાત હોય કે સાહિત્યસ્વરૂપના ઇતિહાસલેખનની વાત હોય તેમાં આવતાં બદલાવો, પરિવર્તનો કે વિરોધ કે આંદોલનની સાહિત્યિક ભૂમિકાઓ સાથે સમાજ, ઇતિહાસ, સંસ્કૃતિ, અર્થતંત્ર, રાજ્યતંત્ર ને વિદેશી સાહિત્ય અને વિચારધારાઓનો પ્રભાવ આ પ્રકારના વ્યાપક દ્રષ્ટિકોણથી પણ ઇતિહાસલેખન કરી શકાય. નવ્યઇતિહાસવાદમાં સાહિત્ય અને રાજસત્તા વચ્ચેના સંબંધને પણ અગત્યનો ગણે છે. વિશ્વયુદ્ધ, ભૂકંપ, વિનાશક પૂર, કોમી રમખાણો જેવી ઘટનાઓની ઊંડી અસર સર્જક પર પડે છે, પણ આ પ્રકારની ઘટનાઓની સંકુલ બાજુઓને સર્જકદ્રષ્ટિકોણથી કેવી રીતે નિરૂપે છે તે તપાસવું જોઈએ. ઈ.૨૦૦૨માં ઘટેલી ઘટનાઓને આપણા ગુજરાતી વાર્તાકારોએ કેવી રીતે નિરૂપી તે નમૂના તરીકે હિમાંશી શેલતની વાર્તાને વાંચીએ. વાર્તાકારે માત્ર આધાતક ઘટનાઓના સહારે નથી લખવાનું પરંતુ એ ઘટનાઓને બૃહદ માનવીય પરિપ્રેક્ષ્યમાં કેવી રીતે આલેખી છે તે જોવું. ગુજરાતમાં જંગલો સતત કપાઈ રહ્યાં છે, લાકડાની ચોરી થઈ રહી છે અને તેની આદિવાસી પ્રજા પર અસર આ પરિસ્થિતિ વિશે હરીશ નાગ્રેચાની વાર્તા‘સો સારસી’છે. સર્જકે કેવા વ્યાપક દ્રષ્ટિકોણથી વાસ્તવનું નિરૂપણ કર્યું છે તે અનુભવી શકીએ. મોના પાત્રાવાલાની વાર્તાઓમાં વાંસદા વિસ્તારના આદિવાસી મજૂરો પર ખેતરમાલિકો પારસીઓનું દમન કેટલું ક્રૂર છે તેનું નિરૂપણ છે એટલે આ પ્રકારના વિષયોની વાર્તાઓ મળી શકે. ૧૯૮૫-૧૯૯૦ના વર્ષોમાં પંચમહાલ અને સાબરકાંઠા જેવા વિસ્તારોની પ્રજામાં પી ટી સી કરીને નોકરી લેવાની એક હોડ મચી હતી ને તેને કારણે એ વિસ્તારની હાઈસ્કૂલમાં દસમા ધોરણની પરીક્ષામાં સામૂહિક ચોરી થતી હતી આને કારણે ગુજરાતી વાંચતા પણ ના આવડે એવા યુવાનો પ્રાથમિક શિક્ષક બની જતા આ સ્થિતિને નિરૂપતી વાર્તા લખી મણિલાલ હ પટેલે ‘પીટીસી થયેલી વહુ’. ધાર્મિક સંપ્રદાયના સાધુઓ પોતાના સંપ્રદાયના વિસ્તાર માટે મોટો અનુયાયી વર્ગ ઊભો કરવા માટે ઘણા પ્રપંચો કરતા હોય છે ને પ્રપંચોને કારણે પ્રજાચેતનામાં સંચિત આદિમ શ્રધ્ધા અને પૂર્વજો પ્રત્યેના ગાઢ અનુબંધનાં મૂળ પર કેવા કુઠારાઘાત કરે છે તેવા વાસ્તવને નિરૂપતી ટૂંકી વાર્તા લખી અજિત ઠાકોરે ‘ખીજડિયાદાદા’.

ટૂંકી વાર્તાના ઇતિહાસલેખનમાં મુક્ત ચિંતન:-

ગુજરાતી ટૂંકી વાર્તાના ઇતિહાસનો જો સળંગ અભ્યાસ કરીએ તો, અંગ્રેજોના શાસનકાળમાં ઇંગ્લિશ મીડીયમ સ્કૂલની સ્થાપના થયા બાદ ગુજરાતી લેખકો તે સ્કૂલમાં ભણ્યા. નર્મદના સમયના ઘણા લેખકો ઇંગ્લિશ લિટરેચર જેટલું ઉપલબ્ધ હોય તે વાંચતા હતા. નર્મદે એમની ઊર્મિકવિતાની વ્યાખ્યામાં હેઝલિટની વ્યાખ્યાઓનો ઉપયોગ કર્યો છે. પારસી લેખકો ઇંગ્લિશ લિટરેચર વાંચતા ને એમને પસંદ પડે તે નવલકથા કે વાર્તાના તરજુમા કે રૂપાંતર કરતા. ઈ.૧૮૬૮ના‘બુધ્ધિપ્રકાશ’ના એક અંકમાં‘ખોવાયેલું બાળક’નામની વાર્તા પ્રગટ થઈ હતી. આ વાર્તાનો પરિવેશ ને પાત્રોનાં નામ વિદેશી પણ ક્યાંય મૂળ લેખકનું નામ નથી તેમ ગુજરાતી લેખકનું પણ નામ નથી. આ પ્રકારની વાર્તાઓના બીજા નમૂના મળે છે આનો અર્થ એ કરી શકીએ કે, ગુજરાતી ટૂંકી વાર્તાના સર્જન- વિવેચન પર શરૂઆતના તબક્કામાં બ્રિટીશ લેખકોનો પ્રભાવ હતો. વીસમી સદીના બીજા તબક્કામાં યુરોપિયન, અમેરિકન અને રશિયન લેખકોનો પ્રભાવ પડ્યો. કનૈયાલાલ મુનશીની નવલકથાઓ પર એલેકઝાંડર ડૂમાની અસરની વાત જાણીતી છે.

વિદેશી વાર્તાઓના અને અન્ય સામગ્રીના અનુવાદો: એક નોંધ:

ધૂમકેતુએ‘તણખામંડળ ૧લું થી ૪થું’માં જે અંગ્રેજી અવતરણો મૂક્યાં છે ને ટૂંકી વાર્તાની સ્વરૂપલક્ષી વિચારણા કરી છે તેમાં વિદેશી વિવેચકોની વિચારણાનો આધાર જોઈ શકીએ છીએ. ઈ.૧૯૨૫માં પ્રાણજીવન પાઠકે ચેખવની વાર્તાના અનુવાદનું પુસ્તક પ્રગટ કર્યું હતું જેની પ્રસ્તાવના રામનારાયણ પાઠકે લખી હતી ‘ચેખવની વાર્તાકલા’. રામનારાયણ પાઠક અને નગીનદાસ પારેખે આ જ સમયગાળામાં ‘ચુંબન એની બીજી વાતો’નામનો વિદેશી વાર્તાઓના અનુવાદસંગ્રહ પ્રકાશિત કરેલો ને તેમાં મોંપાસાની the ball of fat વાર્તાનો ‘ફીફી’નામે અનુવાદ કર્યો હતો. આ જ વાર્તાનો અનુવાદ વિજય શાસ્ત્રીએ ‘જાડી’ શીર્ષકથી ૧૯૮૫/૮૬માં કરેલો. ઈ.૧૯૩૧માં રામચંદ્ર શુકલે એમનું નવલિકાસંગ્રહ પુસ્તક બીજાંની પ્રસ્તાવના નવલિકાનાં તત્ત્વોમાં ટૂંકી વાર્તાના પરિવેશની ચર્ચામાં એડગર એલન પોની ટૂંકી વાર્તા the fall of house of the Usher નું ઉદાહરણ આપ્યું છે. અત્યારે નેટફ્લિક્સ પર આ જ વાર્તાને આધારે એક સીરિઝ શરૂ થઈ છે. મેં જે નમૂના આપ્યા છે એ સિવાયના પણ બીજા નમૂના મળી આવે. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપના દેશોમાં આર્થિક તંગી આવી ને તેને કારણે યુરોપના દેશોમાંથી પસ્તીના સ્વરૂપે પુસ્તકો મુંબઈ જેવા ભારતના મહાનગરોની ફૂટપાથ પર ફેરિયાઓ અને જૂની ચોપડીઓના દુકાનદારો વેચતા. હરિશ્ચંન્દ્ર ભટ્ટને બોદલેર અને રિલ્કે જેવા આધુનિક યુરોપીયન કવિઓના કાવ્યસંગ્રહો ફૂટપાથ પરથી મળ્યા હતા ને એમની કવિતા પર એમનો પ્રભાવ જાણીતો છે. ઉમાશંકર જોશીએ હરિશ્ચંદ્રના કાવ્યોનું સંપાદન ‘સ્વપ્નપ્રયાણ’ નામે કર્યું હતું. તે સંપાદનમાં ઉમાશંકર જોશીની લાંબી પ્રસ્તાવના છે. ઈ.૧૯૪૪માં સુરેશ હ. જોષીને મુંબઈના ધોબી તળાવના ફેરિયા પાસેથી ફ્રાન્ઝ કાફકાનો વાર્તાસંગ્રહ મળ્યો ‘The Great Wall of China and other stories’. સુરેશભાઈએ એમની એક મુલાકાતમાં નોંધ્યું છે કે, મને તો શીર્ષક જ વિચિત્ર લાગેલું ને પછી જ્યારે વાર્તાઓ વાંચી ત્યારે તરંગોની દુનિયાના પાંખાળા ઘોડાની પાંખો કપાઈ ગઈ ભાવવિશ્વ તદ્દન બદલાઈ ગયું. જગત વિશેનું નવું સત્ય મળ્યું. એ પછી સુરેશ જોષી એમ. એ. કરીને કરાંચીની કૉલેજમાં ૧૯૪૫/૪૬માં જોડાયા. ત્યાંની લાયબ્રેરીમાં અર્નેસ્ટ હેમિંગ્વે, વર્જિનિયા વુલ્ફ અને જાપાનીઝ વાર્તાકારોની વાર્તાઓ ખૂબ વાંચી ને ભારતના ભાગલા પડવાથી ભારત પાછા આવ્યા પછી પણ એમનો વિદેશી વાર્તાઓ, નવલકથાઓ સાથેનો ગાઢ સંબંધ રહ્યો. ઈ.૧૯૫૪માં સુરેશભાઈ અને મિત્રોએ ‘મનીષા’ સામયિક શરૂ કર્યું. તેના અંકોમાં સુરેશભાઈ ભારતીય વાર્તાકારોના અનુવાદ સાથે વિદેશી વાર્તાકારોની વાર્તાઓના અનુવાદ પ્રગટ કરતાં ને એમની સાથે બીજા અનુવાદકો પણ જોડાયા. જેનું સરસ પરિણામ તે ‘નવી શૈલીની નવલિકાઓ’ઈ.૧૯૬૦. ટૂંકી વાર્તાના અનુવાદની સમાંતરે સુરેશભાઈએ રે બી વેસ્ટ જુનિ.ના અમેરિકન પુસ્તકનો અનુવાદ ‘અમેરિકી ટૂંકી વાર્તા’પ્રગટ કર્યો. અહીં એક વાત કામની ઉમેરું કે, સુરેશ હ. જોષીનું સમગ્ર સાહિત્ય સામયિકો સહિતનું એકત્ર ફાઉન્ડેશનના ગ્રંથાલયમાં ઉપલબ્ધ છે. સુરેશ જોષીની જેમ ઈ.૧૯૬૦ પછીના સમયમાં જયંત પારેખ, શિરીષ પંચાલ, કરમશી પીર, પ્રબોધ ચોકસી ટૂંકી વાર્તાના અનુવાદ ક્ષિતિજ, ઊહાપોહ અને એતદ્ સામયિકના અંકોમાં પ્રગટ કરતા. સુમન શાહે ડોનાલ્ડ બાર્થેલ્મની વાર્તાના અનુવાદ એતદના અંકોમાં પ્રગટ કર્યા હતા. વિજય શાસ્ત્રી હર્નાદો ટેલિસની વાર્તા ‘ફક્ત દાઢી બીજું કશું નહીં’તે શીર્ષકની એક તદ્દન નોખી વાર્તા એતદ્ ના અંકમાં પ્રગટ કરી હતી પરંતુ આ અનુવાદપરંપરામાં વિષયવસ્તુ અને આલેખન એમ બંને ભૂમિકાએ નવા વાર્તાકારોની વાર્તાના અનુવાદો એતદ્ ના અંકોમાં પ્રગટ કર્યા જેમાં બે નામ નોંધું ગાર્ગેલી રાકોસીની ટૂંકી વાર્તા ‘ખિસકોલીઓ ખિસકોલીઓ’ને બીજી વાર્તા હેલન નોરીસની water into wine નો અનુવાદ ‘આબમાંથી શરાબ’. મને એક પછી એક વાર્તાઓ યાદ આવી જાય છે પણ મન રોકું છું એ બધી વાર્તાઓને ખૂબ વાંચી છે માણી છે ને તેના વિશે લખ્યું છે ! નિમેષ પટેલ ખૂબ ઓછું જાણીતું નામ પણ ‘તથાપિ’ સામયિક પ્રગટ થયું એ સમયમાં મને પરિચય થયો ને અમે એક પ્રોજેક્ટ લીધો કે લાંબી ને કલાત્મક વિદેશી વાર્તાંઓના અનુવાદ ‘તથાપિ’માં પ્રગટ કરવા. એમણે મને ત્રણ અનુવાદ આપ્યા. હેમિંગ્વેની The Snows of Kilimanjaro, ગોગોલની ઓવરકોટ અને ફ્રાન્ઝ કાફકાની In the Pinal Colony. એ પછીના સમયમાં નિમેષભાઈને પેરેલિસિસનો હુમલો થયો, લકવાગ્રસ્ત બની ગયા બોલી શકતા નહીં. સમકાલીન સર્જકોમાં સાવ જ નવી ને વિશિષ્ટ શૈલીની વિદેશી વાર્તાના અનુવાદકોમાં બાબુ સુથાર મુખ્ય છે. ‘સંધિ’ સામયિકના અંકોમાં બાબુ સુથાર અને મીના શાહ વાર્તાઓના અનુવાદો પ્રગટ કરતા હતા. બાબુ સુથારે ‘તથાપિ’ના અંકોમાં વાર્તાઓ પ્રગટ કરી છે. અન્ય નામોમાં કિરીટ દૂધાત અને બિપિન પટેલ છે. આ બંને મિત્રોએ જેમ્સ જોય્સની લાંબી ટૂંકી વાર્તા The Dead નો અનુવાદ કદાચ ‘પરબ’નાં અંકમાં પ્રગટ કર્યો હતો. આ અનુવાદ એક અભિનંદનીય કાર્ય છે કારણ કે, જોય્સની શૈલી ખૂબ જ સંકુલ. આ વાર્તાના મુખ્ય પાત્રનો વિષાદ આપણી ચેતનાને ક્ષુબ્ધ કરી દે. શરીફા વીજળીવાળાએ ભારતીય નવલકથાઓ અને વિદેશી વાર્તાઓના મોટી સંખ્યામાં અનુવાદ કર્યા છે આઈઝેક બાશેવિક સિંગર એમના પ્રિય વાર્તાકાર છે. આ પરંપરામાં બીજાં નામો પણ ઉમેરશો પણ અહીં બે નામ યાદ કરી ને ઉમેરું. જયંત પાઠક અને રમણ પાઠકે ચેખવની નવલિકાઓનું પુસ્તક પ્રગટ કરેલું. ચંદ્રકાન્ત બક્ષીએ કેટલીક અમેરિકન વાર્તાઓ પુસ્તકમાં ૧૫ વાર્તાઓ પ્રગટ કરી. મેં આગળ એડગર એલન પોની વાર્તા અશરના ઘરનું પતનને યાદ કરી તે વાર્તા આ સંગ્રહની પહેલી વાર્તા છે. વિદેશી વાર્તાઓના ગુજરાતી ભાષામાં અનુવાદો ને એમનો પરોક્ષ પ્રત્યક્ષ પ્રભાવ એ વિષય પરનું મુક્ત ચિંતન વાંચીને તમે પૂર્તિ કરશો તો ખૂબ ગમશે. જો ક્યાંક વિગતદોષ મળે તો જરૂર લખશો કારણ કે ઇતિહાસલેખનનો પ્રથમ આધાર તથ્યો છે, હકીકતો છે પ્રમાણો છે. નમસ્કાર મિત્રો વિપુલ પુરોહિતની ‘તણખામંડળ ૧લું’ની સમીક્ષા સૂચવેલ માળખાંને બરાબર અનુસરે છે ને લેખકપરિચયથી શરૂ કરીને સંગ્રહ વિશેનાં વિવેચકોનાં અવતરણો તણખાની વાર્તાઓનો પરિચય આપે છે. આની અગાઉ મીનળબેન દવેની હિમાંશી શેલતનો વાર્તાસંગ્રહ ‘અંતરાલ’ની સમીક્ષા અહીં મૂકી હતી. એ સમીક્ષામાં હિમાંશી શેલતનાં વાર્તાનાં પાત્રો અને સંવેદનાઓનો સરસ પરિચય મળે છે. હવે તમે જુઓ,‘તણખામંડળ ૧લું’ નું પ્રકાશન ઈ.૧૯૨૬માં ને ‘અંતરાલ’ ઈ.૧૯૮૭માં. બંને વચ્ચે ૬૧ વર્ષનું અંતર! હવે આપણા માટે રસનો વિષય એ છે કે તણખાની અને અંતરાલની વાર્તાઓ પાત્રસૃષ્ટિ, સંવેદનાઓ અને વાર્તાલેખનની દ્રષ્ટિએ કેવી રીતે જુદી પડે છે. જો આ જુદાપણું કે નોખાપણું તારવીએ તો ગુજરાતી ટૂંકી વાર્તામાં સમયાંતરે આવતાં પરિવર્તનનો ઇતિહાસ જાણી શકીએ. આનો બીજો અર્થ એ પણ છે કે, ટૂંકી વાર્તાના ઇતિહાસલેખન માટે આધારસામગ્રી તો વાર્તાઓ જ છે એ વાર્તાઓના પ્રત્યક્ષ પ્રમાણ ને અનુભવ વિના જે ઇતિહાસલેખન કરીએ તો માત્ર પ્રભાવોની જ વાત આવે પણ સ્વરૂપની કલાગત ઓળખ ન મળે.

ઇતિહાસલેખનપધ્ધતિનો પરિચય:

ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં સાહિત્યસ્વરૂપ કે સર્જક સિવાયના વિષયોના ઐતિહાસિક ગ્રંથોનો જો અભ્યાસ કરીએ તો લેખકોની ઇતિહાસલેખનપધ્ધતિનો પરિચય મળે. ઉદાહરણ તરીકે કલ્યાણરાય જોષીનો ‘દ્વારકા પ્રદેશનો ઇતિહાસ’ અને રમણલાલ વસંતલાલ દેસાઈનો ‘ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ’- આ બે ગ્રંથો બે રીતે મહત્ત્વનાં છે. એક ઇતિહાસકારની સંશોધનપરક દ્રષ્ટિ અને પ્રદેશ તથા સંસ્કૃતિની વિશેષતાઓ. આધુનિક ગુજરાતીના તબક્કામાં શુધ્ધ કલાવાદી અભિગમ કે નવ્યવિવેચનનાં ગૃહીતોના પ્રભાવને કારણે ઐતિહાસિક વિવેચન પધ્ધતિની ઉપેક્ષા થઈ એને કારણે કૃતિ અને કૃતિભાષા કે કૃતિનાં અંગભૂત ઘટકોની વિચારણા કેન્દ્રમાં રહી. આ મર્યાદા નથી. દરેક યુગની પોતાની એક આગવી મૌલિક વિવેચનપધ્ધતિ હોય છે આપણે આજે એ વીતી ગયેલા યુગોની વિવેચનપધ્ધતિની સકારાત્મક બાજુઓને તપાસ કરીએ તો, તેમનાં સારાં પરિણામો મળે પરંતુ, આજે ફરી આપણા વિવેચકો ઇતિહાસ, પરંપરા, પ્રદેશ, લોકસાહિત્ય, લોકપરંપરાઓ, વિવિધ માનવવિદ્યાઓ, સંતસાહિત્યના સંદર્ભો સાથે સાહિત્યની વિચારણા કરી રહ્યા છે. આ બદલાયેલા વાતાવરણમાં સર્વે યુગોનું સંચિત જ્ઞાન આત્મસાત્ કરીને ઇતિહાસલેખન કરીએ તો તેનાં પરિણામો જુદાં આવે.

ટૂંકી વાર્તાના ઇતિહાસલેખનમાં પ્લોટની વિચારણા:

ટૂંકી વાર્તાના ઇતિહાસલેખનની મુક્ત ચર્ચામાં આજે પ્લોટ plot વિશે થોડી વાત કરીએ. ટૂંકી વાર્તા વાર્તાકારને જરૂર પડે એ રીતે ફકરામાં વિભાજિત હોય છે પણ તે બનેલી છે તો વાક્યોની. એક વાક્ય પછી બીજું વાક્ય એવો એક ક્રમ. ભાવક તરીકે આપણે ક્રમમાં વાર્તા વાંચીએ છીએ. વાર્તાને આપણે સામાન્ય રીતે આરંભ, મધ્ય અને અંત એમ ત્રણ ભાગમાં વહેંચીએ છીએ ને એમ વાર્તામાં આવતાં પરિવર્તનોને ઓળખાવવા માટે આ ત્રણ સંજ્ઞા વાપરીએ છીએ. આચાર્ય ભરતમુનિએ એમના ‘નાટ્યશાસ્ત્ર’ ગ્રંથના ૧૯મા પ્રકરણમાં આપણે જેને ‘વસ્તુસંકલના’ કહીએ છીએ કે ‘પ્લોટ’ કહીએ છીએ તેની ખૂબ જ બારીક મીમાંસા કરી છે પણ નાટ્યકળા સંદર્ભે. ભરતમુનિએ ‘સંધિ’ સંજ્ઞાના પાંચ અંગો બતાવ્યાં છે તે આ પ્રમાણે છે: મુખ, પ્રતિમુખ, ગર્ભ, વિમર્શ, નિર્વહણ. મારા ‘અભિવ્યાપ્તિ’ પુસ્તકના ૨૯મા લેખમાં ભરતમુનિના આ પ્રકરણના એક ભાગનો અનુવાદ કર્યો છે એ વાંચી જવા વિનંતિ. મુખ માટે આરંભ કે બીજનિક્ષેપ સંજ્ઞા વાપરી શકીએ. પ્રતિમુખ એટલે બીજનિક્ષેપની વિરુધ્ધની સ્થિતિ. ગર્ભ એટલે બીજ પ્રમાણે કશુંક બનવાની સંભાવના. વિમર્શ એટલે જ્યાં બીજ અર્થહીન બની રહ્યું છે તેવી શંકા જાગે ને નિર્વહણ એટલે અંત. એ અંત બીજનિક્ષેપથી જુદો હોય કે ફલન સ્વરૂપનો તે વાર્તા પ્રમાણે નક્કી થાય. ઉદા: હવે તમે ‘પોસ્ટઓફિસ’ વાર્તાને સામે રાખીને સંધિનાં પાંચ અંગોને લાગુ પાડીને વાર્તાનું વાંચન કરો. તમને ક્રમશઃ એ પ્રક્રિયાનો અનુભવ થશે. ‘પોસ્ટઓફિસ’ વાર્તાનું મુખ કે બીજ શું છે? બીજ છે અલીડોસાને મરિયમનો પત્ર મળે તે. એટલે કે, મરિયમના પત્ર માટે દીકરીના પત્ર માટે ઝૂરતા બાપને પત્ર મળે તે. હવે જુઓ, પત્ર તરત જ મળે છે પોસ્ટઓફિસ ગયા ને ક્લાર્કે તરત જ પત્ર આપ્યો ને અલીડોસા રાજી. ના એવું નથી બનતું તેનાથી સાવ જ વિરુધ્ધ દિશાનું બનતું રહે છે ને દીકરીના પત્રને ઝૂરતા ઝૂરતા અલી ડોસા મરી ગયા ને પત્ર મળ્યો કબર પર ! અલી ડોસાની દીકરીનો પત્ર મેળવવાની તીવ્ર ઝંખનાને કોઈએ આધાર આપ્યો ? ના, ઠેકડી ઉડાવી. મશ્કરી કરી. ગાંડો ગણાવ્યો. બીજની દશા જુઓ, બધું જ અર્થહીન ! ને હવે નિર્વહણ કે અંત જુઓ કે પરાકાષ્ઠા કે Climax. પોસ્ટમાસ્ટરની દીકરીનો પત્ર આવતો નથી ત્યારે પરાકાષ્ઠા સ્વરૂપ અજવાળું પોસ્ટમાસ્ટરના હૃદયમાં પ્રગટે છે ને એ પ્રકાશના અજવાળામાં અલીની વેદનાનો સાક્ષાત્કાર થાય છે ને પત્ર કબર પર મૂકવા જાય છે તે ભાવનામય સુખદ નિર્વહણ ને તેને સૂચવવા માટે સગડીના તાપને વર્ણવે છે. શિયાળાની ઠંડીમાં સગડીના તાપની હૂંફ કે ગરમાવો કેવો સુખદ તેવો ગરમાવો અનુભવ્યો પોસ્ટમાસ્ટરે ને આપણે. બીજાના દુઃખને પોતાના દુઃખ તરીકે અનુભવવાના ગરમાવાનું સુખ તો જગત આખું સુખમય ને એ અંત કે નિર્વહણ પાંચેય સંધિની વ્યંજના . ઉદા: આ જ રીતે સુન્દરમ્ ની ટૂંકી વાર્તા ‘માને ખોળે’ની વાત કરી શકીએ. શબુ સાસરેથી પાછી આવી છે. રિસામણે બેઠી છે. એક દિવસ પતિ ને સસરો તેડવા આવે છે. શબુ ફરી સાસરે જવા નીકળે છે પતિ સાથે, સસરા સાથે .પતિ સાથે ફરી જીવન જીવવાની શરૂઆત મિલનનો આનંદ માણવા ફરી સાસરે જવા નીકળી છે આ બીજનિક્ષેપ છે પણ એ બીજનું ફલન કેવું થયું? સાવ જ વિરુધ્ધ દિશાનું. સાવ જ ઊલટું. વાર્તાકારે સાસરે જવા નીકળેલી શબુના અંદર ઢબુરાયેલા સમયનો, મીઠાં મધુરાં સ્મરણોને નિરૂપ્યાં છે. એ સ્મરણો શબુની સંવેદનશીલતા, જીવનાભિલાષા વર્ણવે છે પણ એ સંવેદનશીલતા એ મિલનની અભિલાષાનો અંત કેવો છે ? હત્યા. સસરાએ ગળું દબાવીને મારી નાખી ને પતિએ તેમાં મદદ કરી. ક્યાં બીજ ને ક્યાં નિર્વહણ? કેવો વિપર્યાસ ? કેવી વિડંબના ? પણ આ વિપર્યાસ કે વિડંબના વાર્તાકારે સીધી રીતે નથી રજૂ કરી પણ એક તરફ નિરૂપે છે શબુનો મધુર સ્મૃતિવ્યાપાર ને બીજી તરફ પશુ જેવા આંગળાથી શબુની હત્યા કરતા બે પુરુષોની પશુતા ને આ નિર્મમ હત્યાની જગ્યા છે નદીનો રેતાળ પટ .બીજ, ગર્ભ વિમર્શ ને નિર્વહણીની ગૂંથણીથી જે ભાત સર્જાઈ તે વ્યંજના. એ વ્યંજના ભાવકપ્રતિભા અનુસાર વિસ્તરે છે. થોડી પસંદગીની વાર્તા લઈને વિશ્લેષણ કરીએ તો, પરંપરાગત ટૂંકી વાર્તાનું વ્યાકરણ લખી શકીએ. મિકી બાલ, તોદોરોવ અને જેનેતે નેરેટીવનું યુનિવર્સલ ગ્રામરની મીમાંસા કરી છે તેની વાત એક સ્વતંત્ર ચિંતનમાં. પ્લોટની વિચારણા માટે આપણે ભરતમુનિની સંજ્ઞાનો ઉપયોગ કર્યો તેમ પશ્ચિમના વિવેચક ઈ. એમ. ફોસ્ટરના આધારે વાત પણ કરી શકીએ. ઈ. એમ. ફોસ્ટરનું ખૂબ જ જાણીતું પુસ્તક છે Aspects of The Novel. આ નાનકડું પુસ્તક છે ને તેમાં પાંચ પ્રકરણ છે. આમ તો, વ્યાખ્યાનો છે. તેમાંનું એક છે Plot. આપણે એમાંથી જરૂરી વાતની ચર્ચા કરીએ. એક હતો રાજા ને એક હતી રાણી રાજા મરી ગયો ને રાણી મરી ગઈ આ જે ક્રમ છે તે લંબાતો રહે. હવે આ જ ઉદાહરણને ફરી લખીએ. એક હતો રાજા એક હતી રાણી રાજા મરી ગયો રાણી રાજાના મરણના દુઃખથી મરી ગઈ. આ બીજા ઉદાહરણમાં રાણીના મરણનું કારણ છે રાજાના મરણનું દુઃખ. રાણીના મરણની ઘટના પાછળનું કારણ વિજ્ઞાનનું નથી પણ ભાવનાત્મક છે લાગણીનું છે. હવે ફરી ‘પોસ્ટઓફિસ’ને યાદ કરીએ આખી વાર્તાનો જે ઘટનાક્રમ છે તે ક્રમના જન્મનું કારણ કોઈ વિજ્ઞાનનું નથી પણ ભાવનાત્મક છે, લાગણીના અનુબંધનું છે એટલે આપણને કેટલીક વાર્તાઓ કેમ યાંત્રિક કે અકસ્માતભરી લાગે છે તેનું કારણ વાર્તાના ઘટનાક્રમમાં ભાવના કે લાગણીનો કુદરતી સંબંધનો અભાવ. ‘મુકુંદરાય’વાર્તામાં પિતા રઘનાથ નખ્ખોદ માગવા જેટલી પરાકાષ્ઠાએ કેમ ગયા? ઘટનાક્રમ વચ્ચેનો લાગણીજન્ય સંબંધ ને એ સંબંધ પોષક ન હતો. વિનાશકારી હતો. ફોસ્ટરના પ્લોટ પરના આખા પ્રકરણને વાંચીએ તો એમની મીમાંસાનો વધુ પરિચય મળે. આ ચિંતનને અહીં સુધી લાવતાં તરત જ સવાલ થાય કે પરંપરાગત અને આધુનિક વાર્તાના પ્લોટનું સ્વરૂપ એકસરખું હોય કે જુદું જુદું? તો જવાબ છે જુદું જુદું. એ સ્વરૂપ જુદું જુદું છે તેની પાછળનાં કારણોમાં પહેલું કારણ છે બદલાયેલો માનવજીવનનો સંદર્ભ. બીજું કારણ, વાર્તાસ્વરૂપની વિભાવનામાં આવેલું પરિવર્તન. વાર્તાકારને જગતની ઉત્તમ વાર્તાઓ અને વાર્તાવિભાવનાઓનો પરિચય, જગત વિશેની નવી સમજ આ બધામાંથી જનમ્યો નવી વાર્તા કે આધુનિક વાર્તાનો પ્લોટ. વાસ્તવજગતના સીમાડાનો વિસ્તાર થયો તેમાં આવ્યું સ્વપ્નજગત અને કપોલકલ્પિતનું જગત, અસંગતિનું જગત, તર્કાતીતનું જગત ને વાર્તાલેખનનાં ઘટકોનું આંતરિક રૂપ ધરમૂળથી બદલાયું. આ બદલાવ સમજીએ તો, નવી વાર્તાનું જગત દેખાશે તેનાં નવાં રૂપમાં પણ એ રૂપ સાવ જ અપરિચિત છે. ક્યાંક વિકૃત છે તો ક્યાંક અતિવાસ્તવિક છે કે સ્વપ્નદ્રશ્યો જેવું છે ને જગતનું સર્જન તે પ્રતિનિધાન નથી પણ રૂપાંતરનું જગત છે ને જગતને જોવાની અનુભવવાની કે તેમાં પ્રવેશવાના માર્ગો વિશે જે વિચારણા થઈ તે નવી વાર્તાની વિચારણા. નવી વાર્તાના પ્લોટ વિશે ફરી મળીએ ત્યારે. કોઈ પણ સિધ્ધાંત કે મીમાંસાને ધીમી ગતિએ અને ધીરજપૂર્વક ને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીએ તો સમજ વિકસતી આવે. આચાર્ય ભરત મુનિ, બ. ક. ઠાકોર, ઉમાશંકર જોશી, સુરેશ જોષી કે ઈ. એમ. ફોસ્ટરે જે વિચારણા રજૂ કરી તે એ બધાના લાંબા સમયના સ્વાધ્યાયકર્મનાં ફળ છે તો આપણે પણ લાંબા સમયનો સ્વાધ્યાય કરીએ ને ઉતાવળે નિર્ણય ના આપીએ.

ટૂંકી વાર્તા વિશે થોડું ચિંતન - ૨

-ડૉ.જયેશ ભોગાયતા
વિવેચક, વાર્તાકાર, સંપાદક અને કવિ

ટૂંકી વાર્તામાં પ્લોટ : થોડી અન્ય ચર્ચા:

ટૂંકી વાર્તા વિશેના મુક્તચિંતનમાં આપણે પ્લોટની વાત કરતા હતા એ અધૂરી વાત પછી પૂરી કરીશ પણ પહેલાં વાર્તાની કલા વિશે વાત કરીએ એ મને જરૂરી લાગે છે. ધારો કે, કોઈ સમીક્ષકનો વિષય છે દ્વિરેફની વાર્તાકળા કે જયંત ખત્રીની વાર્તાકળા. તો વાર્તાકારની વાર્તાકળાની શોધ કેવી રીતે કરશે સમીક્ષક? કઈ કઈ વિગતો પર ધ્યાન આપશે? જરા સમજીએ કવિતાના ઉદાહરણથી. કાવ્યનું માધ્યમ ભાષા છે પણ ભાષા તો વ્યવહારમાં વપરાતું માધ્યમ છે એ કાવ્યનું માધ્યમ કેવી રીતે બને? એટલે કે, વ્યવહારભાષાનું કાવ્યભાષામાં રૂપાંતર કરવા કવિ શું કરે છે? કવિ ભાષાને નવું રૂપ આપે છે. એ રૂપનિર્માણ સંભવે છે અલંકાર, લય અને શૈલી કે રીતિ વડે. કારણ કે, કવિનું પ્રયોજન સૌંદર્યનિર્માણનું છે , ભાવસંવેદનનાં નવાં અપરિચિત વિશ્વનું સર્જન કરવાનું છે. આચાર્ય કુન્તક જેને વક્રોક્તિ કહે છે ને રશિયન સ્વરૂપવાદ જેને Deviation theory કહે છે વિચલનનો સિધ્ધાંત - તે બંનેમાં ભાષાને તેનાં વ્યવહારમાં જાણીતાં કાર્યો અને ઓળખથી જુદા માર્ગે નવાં પ્રયોજન માટે વાળવાની વાત છે. કાવ્યમાં ભાષાનું અપરિચિત રૂપ પ્રગટ થાય છે. કવિતાની ભાષા વ્યવહારભાષાની નકલ કે અનુવાદ નથી પણ રૂપાંતર છે. કવિ કાન્ત કે રાવજી પટેલની કાવ્યભાષાનું અપરિચિતપણું એ જ તેનું અપૂર્વ સૌંદર્ય. આપણી સંસ્કૃત કાવ્યમીમાંસાનું કેન્દ્ર કાવ્યભાષા છે. કાવ્યભાષાની સૌંદર્યનિષ્પન્ન કરવાની વિવિધ રીતિઓની મીમાંસા રસાનુભવના મૂળમાં કાવ્યભાષાનું સર્જન છે. હવે આટલી વાત પછી પાછા મૂળ વાત પર આવીએ કે, વાર્તાકારની વાર્તાકળાનો પરિચય કે તેની શોધ કેવી રીતે કરી શકીએ? વાર્તામાં કળા ક્યાં છુપાયેલી છે તેની શોધ. જેમ કવિતાની સામગ્રી લાગણી કે સંવેદન છે તેમ ટૂંકી વાર્તાની સામગ્રી ઘટના છે. આ ઘટનાનાં ત્રણ મુખ્ય અંગભૂત અવિભાજ્ય ઘટકો છે, સમજીએ. ૧) કોઈ પણ ઘટના ઘટે છે ત્યારે એ કોઈકના સંદર્ભે ઘટે છે એટલે કે કોઈ વ્યક્તિના સંદર્ભે જેને વાર્તાની પરિભાષામાં પાત્ર કહે છે. વાર્તામાં કોઈ એક મુખ્ય પાત્રના જીવનમાં ઘટના ઘટે છે. ૨) હવે જ્યારે કોઈ પણ ઘટના કોઈ પણ વ્યકિતના સંદર્ભે ઘટે છે ત્યારે એ ઘટનાનું કોઈ સ્થળ હોય છે. ઘટના સ્થળમાં ઘટે છે એ સ્થળ કોઈ પણ હોઈ શકે ને ઘટના જ્યારે ઘટે છે ત્યારે તે કોઈ સમયમાં ઘટે છે. દિવસ, રાત, સાંજ, બપોર, વહેલી સવાર, મધરાત. આમ કોઈ પણ ઘટના ઘટે છે ત્યારે ઘટના આ ત્રણ અનિવાર્ય અંશોની બનેલી છે, પણ જ્યારે સુરેશ જોષી, કિશોર જાદવ કે સુમન શાહની વાર્તાઓ વાંચીએ ત્યારે સ્થળ અને સમયનાં રૂપો સ્વપ્નસૃષ્ટિનાં કે પરાવાસ્તવિક લાગે. વાસ્તવિક નહીં, પણ એની વાત પછી કરીએ.

ઘટના, વાર્તા અને વાર્તાકાર:

વાર્તાકારને ઘટના ક્યાંથી મળે છે? વાર્તાકારની સામે પડેલું સમગ્ર જીવન એ વાર્તાની સામગ્રી છે. પોતાના જીવનમાં કે બીજાના જીવનમાં ઘટતી ઘટનાઓ પોતે વાંચેલી કે સાંભળેલી કોઈ વાર્તા નવલકથાની ઘટના, છાપામાં આવતી ઘટનાઓ. ટૂંકમાં, એક સંવેદનશીલ વાર્તાકાર માટેની સામગ્રી તે એમની સામેનું ખુલ્લું બંધ જગત. એ જગત સાથેનો વાર્તાકારનો મુકાબલો, એ જગત સામેના પ્રશ્નો કે મૂંઝવણો કે વિરોધ જગતનો અસ્વીકાર કે જગતની રહસ્યમયતાને સમજવાની મથામણો કે જગત વિશેની સ્થિર ચીલાચાલુ માન્યતાઓ સામે વિરોધ, વાસ્તવની સીમાઓનું ઉલ્લંઘન કરીને વાસ્તવનાં નવાં અપરિચિત રૂપોનું પ્રગટીકરણ. અફાટ સમુદ્ર પડેલો છે એમની સામે જ્યાં માણસે સર્જેલી સૃષ્ટિ છે તેમાં અવગાહન તેનાથી દૂર. એ બસ જાણવા માંગે છે આટલું જ કે શા માટે જગત આમ છે? ને જગત આમ કેમ નથી? એને જે સંભળાય છે એને જે દેખાય છે અથવા જે દેખાય છે કે સંભળાય છે તે કેવું વિચિત્ર છે? કેવું ખીચોખીચ એકલું છે? નિરાધાર છે. કેવું અગ્રાહ્ય ને વિસંગત છે? - તે બધાંનું નિરૂપણ કરે છે. વાર્તાકારને મળેલી કોઈ પણ સ્વરૂપની સામગ્રીને એટલે કે ઘટનાને તે સીધી રીતે પત્રકાર કે સામાન્ય માણસ વાતોમાં કહે તેવી રીતે નથી કહેતો. તેની કહેવાની રીત મૌલિક છે ને નવી છે. વાર્તાકાર વાર્તા લખવાની રીતની કે ટેક્નિકની શોધ કરે છે, એ શોધ કરીને કહે છે; પણ શોધ ત્યારે જ સફળ થાય જો સુમનભાઈ શાહે લખ્યું છે તેમ વાર્તાકારને મળેલી સામગ્રીમાં એ પોતાનું વલોણું ખોસે છે. બીજી ભાષામાં કહું તો, એ કથનનાં કેન્દ્રને સર્જે છે સામગ્રીનું વિચલન કે રૂપાંતર કે તિરોધાન. ને તેનાથી મળે છે નવો અર્થ, નવું દર્શન. વાર્તાકાર પાસે સામગ્રી રૂપ ઘટનાનાં અંગોનું નિરૂપણ કરવા માટે કેટલીક પધ્ધતિઓ છે ને એ પધ્ધતિઓ વડે સામગ્રી સ્વરૂપ ઘટના પાત્ર સ્થળ અને સમયનાં વ્યવહારથી જુદાં અપરિચિત રૂપોનું સર્જન કરે છે. જયંત ખત્રી કે જયંતિ દલાલ કે અન્ય કોઈ પણ સર્જકે સર્જેલાં પાત્રો આપણને રસ્તામાં મળ્યાં છે ક્યારેય? એ તો વાર્તાકારની સૃષ્ટિનાં પાત્રો છે. આપણે કોઈને મળવા જવા બહાર નીકળીએ છીએ ત્યારે એવું નથી કહેતા કે પાત્રને મળવા જાઉં છું પણ મિત્ર કે ભાઈને મળવા જાઉં છું એમ કહીએ છીએ. માણસમાં વાર્તાકારને પાત્ર દેખાય છે જેમાં કંઈક એવું છે જે એને આકર્ષે છે તેની વાત લખવા માટે વ્યાકુળ બને છે તો ક્યારેક એ પોતાને જ પાત્ર તરીકે અનુભવે છે પોતાનું અપ્રગટ રૂપ સર્જે છે. એ જ રીતે વાર્તાનાં સ્થળ ને સમય પણ વાર્તામાં નવાં રૂપ ધારણ કરે છે. ‘પોસ્ટઓફિસ’વાર્તાની પોસ્ટઓફિસ એ મકાન નથી અલીડોસા માટે. જયંત ખત્રીની વાર્તામાં રણ એ રણ નથી માત્ર. એ જ રીતે સુરેશ જોષીની ‘એક મુલાકાત’ વાર્તામાં ઘડિયાળનો સમય ચૈતસિક સમયમાં નિરૂપાયેલો છે. વાર્તામાં આવતી સાંજ, સવાર કે બપોરનાં ચૈતસિક રૂપોને અનુભવીએ છીએ. વ્યવહારની સામગ્રી સ્વરૂપ ઘટનાને વાર્તાકાર કથનકેન્દ્રસર્જનની દિશામાં ક્રમમાં ગોઠવતો જાય છે. એ ગોઠવણી કાં તો આરંભ, મધ્ય ને અંતની સીધી ગતિએ કે આરંભની ગતિનો ભંગ કરતો કરતો તેમાં જૂની વાતોને જોડતો જોડતો અંત તરફ લઈ જાય એટલે કે સ્મૃતિવ્યાપાર કે flashback. પણ સ્મૃતિવ્યાપાર અનિવાર્ય લાગવો જોઈએ મનફાવે તેમ ના આવી શકે. ક્યારેક વાર્તાકાર પરસ્પરથી પ્રગટપણે જુદી લાગતી પરિસ્થિતિનું સંનિધિકરણ કરતો કરતો ઘટનાક્રમ નિરૂપે છે એ સંનિધિકરણના છેડાઓ વચ્ચે કોઈ સીધો સંબંધ બાંધી શકતા નથી એ લટકતા હોય છે વેરવિખેર. ભાવક એને જોડે છે ને વાર્તા સર્જે છે ફરી. આમ, વાર્તાકાર ગૂંથણી કરતો કરતો, ભાત પાડતો પાડતો વાર્તા સર્જે છે. આટલી વાત પછી થોડી નવી વાત ઉમેરીને વાર્તાની કળાની શોધ કરીશું અવકાશે પણ ઇચ્છું કે વાર્તાકળા વિશેનું આ ચિંતન ધ્યાનમાં રાખશો.

વાર્તાકળાની શોધ:

આજે ટૂંકી વાર્તા વિશેનું મુક્ત ચિંતન આગળ લઈ જઈએ. ગઈ કાલે વાર્તાકારની વાર્તાકળાની શોધ કેવી રીતે કરી શકાય તેની શોધમાં સહાયક બને તેવી પૂરક ચર્ચા કરી હતી. આજે વાર્તાકળાની શોધની વાત સીધી ગતિએ કરીએ. વાર્તાકળાની શોધની વાત વિવેચકના પક્ષે છે, વાચક પક્ષે છે, ભાવક પક્ષે છે. એટલે કે, વાર્તાની કળાની શોધ કરનાર વિવેચક, ભાવક, વાચક એ પણ એક દરજ્જો છે. કેટેગરી છે. પદ છે ને માટે આ ત્રણ પદની પ્રાપ્તિ માટે પાયાની સજ્જતા જરૂરી છે. સજ્જતા વિના કળા સિધ્ધ કરનાર તત્વોની શોધ શક્ય નથી. જેમ સર્જકપ્રતિભા છે તેમ ભાવકપ્રતિભા છે. ઉત્તમ કૃતિઓના રસાસ્વાદથી મુકુરીભૂત ચેતના કૃતિનો રસાસ્વાદ કરી શકે. સાહિત્ય ઉપરાંત અન્ય માનવવિદ્યાઓનું જે જ્ઞાન ધરાવે છે. ઇતિહાસ, ફિલસૂફી, ભાષાવિજ્ઞાન, સંસ્કૃતિ જેવાં વિષયોનું જ્ઞાન ધરાવનાર વિવેચન કરી શકે, નીરક્ષીર વિવેક કરી શકે, સારું કે નબળુંનો ભેદ પાડી શકે તે વાર્તાની કળાને પામી શકે. સહૃદય હોવું એ એની પાયાની શરત છે. આટલી ટૂંકી વાત પછી હવે ધારો કે, એક સજ્જ વિવેચક ટૂંકી વાર્તાની કળાને સિધ્ધ કરનારાં તત્વોની શોધ શરૂ કરે તો સૌ પ્રથમ તો, એ ટૂંકી વાર્તાનું સઘન વાચન કરશે. વાચનને અંતે એમના ચિત્ત પર વાર્તાના પ્રભાવનું એક સ્વરૂપ બંધાશે. એમની ચેતના રસાનુભવ કરશે, વાર્તાનું વિશ્વ એમની વાચન પહેલાંની દશા કરતાં જુદી દશા કે નવી અવસ્થાનું સર્જન થશે. પોતાના સહૃદય મિત્રને કહેશે કે વાર્તા મને ખૂબ ગમી કે ના ગમી. હવે જો, વાર્તા ગમી હશે તો વિવેચક તરીકે વાર્તાને કળાત્મક બનાવનારાં તત્ત્વોની નોંધ એટલે કે સમીક્ષાનોંધ લખશે. વાર્તાનાં બે પ્રમુખ અંશો છે: વાર્તા અને તેની અભિવ્યક્તિ અથવા વિષય સામગ્રી અને તેની અભિવ્યક્તિ. અંગ્રેજીમાં બે સંજ્ઞા છે: Story and Discourse. જેમ વૃક્ષને અંગો છે: મૂળ, થડ, ડાળી, પાંદડાં, ફળ ને એ બધાં તત્વોનું સંયોજન કે બધાં તત્વો વચ્ચેનો આંતરિક સજીવ સંબંધ તે વૃક્ષ. એવો જ સજીવ સંબંધ કે તત્ત્વોનું સંયોજન એટલે વાર્તા વાર્તાની આધારભૂત સામગ્રી ઘટના છે. એ ઘટનાનાં અંગો તે પાત્ર સ્થળ અને સમય. ઘટનાનિરૂપણ માટે પ્લોટ, કથનકેન્દ્ર, કથક અને જુદી જુદી નિરૂપણરીતિઓનો વિનિયોગ કરે છે. નિરૂપણરીતિના વિનિયોગ પાછળનો હેતુ વાર્તાને વ્યંજનાપૂર્ણ કે ધ્વનિપ્રધાન રીતે સર્જવાનો છે જેમ ટોમસ માને લખ્યું તેમ ‘The real artist never talks about main thing,’એટલે કે, જે કહેવું છે તેને સંતાડી રાખવું,પ્રગટપણે ના કહેવું. ભાવક, વિવેચક એના ભાવનવ્યાપારથી પામે તેવી યોજના કરવી, તેવો ક્રાફટ કરવો. જ્યાં વાર્તાલેખનના હેતુઓ મનોરંજન, બોધ, ઉપદેશ કે સામાજિક - સાંસ્કૃતિક પરિસ્થિતિઓ દર્શાવવાનો મુખ્ય હોય છે ત્યાં વાર્તાકાર ભાવકને બધું સામે પીરસી દે છે ને ભાવકે જમી લેવાનું છે; પરંતુ, જે સર્જકનો હેતુ જીવનને તર્કથી સમજાવી ના શકાય, વ્યાખ્યામાં બાંધી ના શકાય, અગ્રાહ્ય ને સંકુલ છે તે જીવનની વાર્તા કેવી રીતે કળાની તમામ શરતો સાથે કહેવી એને માટે વાર્તાકાર સર્જક બને છે, કહેવાની નવી નવી રીતોની શોધ કરે છે. સાહિત્યકળા સાથે બીજી કળાઓનો યોગ કરે છે ચિત્રકળા, સિનેમાકળા તેમ અન્ય માનવવિદ્યાઓનો પણ યોગ કરે છે: મનોવિજ્ઞાન, ઇતિહાસ, ફિલસૂફી. પણ આનો અર્થ એવો ના કરવો કે વાર્તાલેખન માટે એ પહેલાં બધું વાંચીને લખે છે. એમની સર્જકચેતના જ્ઞાનનાં વિવિધ સ્વરૂપોથી સમૃધ્ધ બની હોય છે ને કેટલાક સર્જકોના દાખલા એવા પણ છે જેમની કૃતિઓમાં નવી માનવવિદ્યાનાં મૂળ પડેલાં હોય. જેમ કે, દોસ્તોએવ્સ્કીની નવલકથાઓ! એટલે કે, જીવનમાં ઘટેલી ઘટનાને નિશ્ચિત સ્થળકાળથી મુક્ત કરીને ઘટનાનાં તાર્કિક નૈતિક કે સામાજિક એવાં સ્થૂળ અર્થઘટનોથી મુક્ત કરીને ઘટનાને એક નવું રૂપ આપે છે. ઘટનાનો વ્યવહારમાં જે ક્રમ હોય છે એ ક્રમને તોડીને, તેને અવળસવળ કરીને નવા ક્રમમાં નિરૂપે છે. સર્જકનો કથક વાર્તામાં વારંવાર પોતાની હાજરી બતાવે; વચ્ચે વચ્ચે આવીને વાચકને અર્થ આપતો જાય તેવા ધર્મગુરૂઓ જેવા કથક વાર્તાની વ્યંજનાને વણસાડે છે ને સુજ્ઞ ભાવક કહેશે કે મજા ના આવી. બધું સાવ બોલકું ને પક્ષપાતી હતું પરંતુ, ઉત્તમ વાર્તાનો કથક સાવ તટસ્થ કે મૂંગો પોતાની હાજરી ના વર્તાવા દે. જે કંઈ કહેવાનું છે તે પ્રયુક્તિઓ કે સંકેતોમાં કહે કારણ કે, જે સંકુલ અગ્રાહ્ય કે અવ્યાખ્યેય છે તેની વાર્તા લખવા માટે સર્જક કીમિયો કરે છે. ઉદા: ઉમાશંકર જોષીની ટૂંકી વાર્તા ‘ઝાકળિયું’ આમ તો, માલિક અને નોકર કે ઉચ્ચ અને નિમ્ન વર્ગ કે ઉજળિયાત અને આદિવાસી વચ્ચેના સંઘર્ષની છે પણ એ સંઘર્ષની ભયાનકતા ને કરુણતાનું નિરૂપણ કરવા માટે ઝાકળિયાને પ્રતીકમાં રૂપાંતરિત કર્યું ને કળા સિધ્ધ કરી. એ જ રીતે દ્વિરેફે ‘બે ભાઈઓ’વાર્તામાં સગા ભાઈઓ વચ્ચેની ક્રૂર ઈર્ષ્યાને કાદવનાં ઊંડા કળણથી નિરૂપી છે . અનુઆધુનિક ટૂંકી વાર્તાની વાત શી રીતે કરવી? આપણા સાહિત્યમાં ૧૯૮૫ પછીનાં વર્ષોમાં ટૂંકીવાર્તાલેખનનો એક નવો તબક્કો આવ્યો એ તબક્કાની વાર્તાઓનું કેન્દ્ર દલિત,નારી અને ગ્રામસમાજ હતો. દલિતસમાજ નારીસમાજ અને ગ્રામસમાજનાં શોષિત પીડિત અને ઉપેક્ષિત પાત્રોના પ્રશ્નો ને સમસ્યાઓનું આલેખન કેન્દ્રમાં હતું ને આ ત્રણેય સમાજનું આલેખન કરનાર એ સમાજમાંથી આવતો સર્જક હતો. હવે ધારો કે, મોહન પરમારની વાર્તાકળા કે હિમાંશી શેલતની વાર્તાકળા કે મણિલાલ હ પટેલની વાર્તાકળા એવો સમીક્ષાલેખ લખવા માટે સમીક્ષક શું કરશે? આ ત્રણેય સમાજનાં પાત્રોની વેદનાને કે કરુણતાને વર્ણવીને સંતોષ માનશે? એ વાર્તા સમીક્ષક હશે તો સંતોષ નહીં માને. એ ત્રણેય સર્જકની વાર્તા સર્જનની કળાની પ્રશંસા કરશે. મોહન પરમારની ‘વાયક’ કે ‘ચૂવો’. હિમાંશી શેલતની ‘બારણું’, મણિલાલ હ. પટેલની ‘બદલી’ કે ‘પીટીસી થયેલી વહુ’માં નિરૂપેલી સમસ્યા કે કટોકટીની ક્ષણનું વર્ણન કરીને સમીક્ષક સંતોષ નહીં માને. એ વાર્તાકારે નિરૂપેલી સમસ્યા કે પરિસ્થિતિનો ભાવાર્થ આપીને સંતોષ નહીં માને પણ એ પ્રત્યેક વાર્તાકારની વાર્તાલેખનરીતિની શોધ કરશે. વાર્તાનો આરંભ શું છે? અંત કેવો છે? વાર્તાકારે વસ્તુસંકલન કે સમયસંકલન માટે કઈ પધ્ધતિનો ઉપયોગ કર્યો છે - પરંપરાગત કે નવી? એ બધું સમીક્ષક નોંધશે. વાર્તાકારે સર્જેલો કથક બોલકો છે કે તટસ્થ? વાર્તાકાર વાર્તાના ભાવન માટે ભાવકને સર્જનાત્મક અવકાશ આપે છે કે ભાવકને પોતાની આંગળી પકડાવીને ચલાવતો રહે છે? - આ બધાંની સમીક્ષક તપાસ કરશે. ને જો સમીક્ષક આવી કોઈ તપાસ કર્યા વિના વાર્તાકારને શું કહેવું છે અથવા તો પાત્રોની વેદના તો જુઓ! આવું બધું લખીને સંતોષ માને તો ત્યાં સમીક્ષક ગેરહાજર છે ને પરિચય આપનાર હાજર છે. વાર્તાસમીક્ષક તરીકે વાર્તાનું વાચન શરૂ કરીએ એ ક્ષણથી શરૂ કરીને વાર્તાનું છેલ્લું વાક્ય પૂરું કરીએ ત્યાં સુધીનો અવકાશ એ સર્જકે સર્જ્યો છે એ fictional worldમાં આપણે છીએ તેમાંનું બધું જ ફિકશ્નલ. પણ એ જગતનો આક્રોશ વિરોધ, વિડંબના કે એકાકી અવાજ તો આપણા જગતનાં હોવાનાં. પણ તેની ઊંડી અસર સર્જવા માટે વાર્તાકાર એક આગવું જગત સર્જે છે. જે વસ્તુજગતની નકલ કે અનુકરણ નથી તેનું રૂપાંતર છે. જો વાર્તાકારને સીધું જ કહી દેવાનો ઉત્સાહ હતો તો પછી બોધક નિબંધ કેમ ના લખ્યો? કારણ કે, એમને કશુંક અપૂર્વ સર્જીને અ-પૂર્વ આપવું છે ભાવકને. કારણ કે, એમને ખબર છે કે એ જ ટકશે જે નક્કર છે તે. છેલ્લી વાત, આજની વાર્તાનું શાસ્ત્ર જાણવાનો સીધો રસ્તો છે ઉત્તમ વાર્તાઓનું સઘન વાચન. એ વાચન જ આપણને કળાકાર જે કીમિયા કરે છે તે બતાવી આપે છે. જયંતિ દલાલે‘જગમોહને શું જોવું? વાર્તામાં ભવિષ્યમાં અંધ બની જવાના ભયને કેવા કીમિયાથી આકાર આપ્યો છે ને વાર્તાનો અંત તે અગાઉ કરેલા કીમિયામાં સર્વોત્તમ.

સાહિત્યકૃતિ અને સમયસંદર્ભનો સંબંધ:

નમસ્કાર મિત્રો, આજનું મુક્ત ચિંતન રાજેશ વણકરે પૂછેલા સવાલના જવાબથી કરીએ .રાજેશનો પહેલો સવાલ છે કે ગાંધીયુગની વાર્તાઓ વાંચવા માટે ગાંધીયુગમાં જવું પડે? જવાબ છે જવું પડે. કોઈ પણ સાહિત્યકૃતિ તેના સમયસંદર્ભ સાથે અભિન્નપણે જોડાયેલી હોય છે. સમયસંદર્ભ એટલે એ સમયની સાહિત્યિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક, આર્થિક પરિસ્થિતિ ને તેની સાથે દેશ અને વિદેશની પરિસ્થિતિ. વાર્તાકારની વાર્તામાં આ બધી પરિસ્થિતિ સીધી રીતે ના જોવા મળે પણ વાર્તાકારનું વિષયવસ્તુ, કથનકેન્દ્ર, પ્લોટ ને વાર્તાની ભાષા, વાર્તાની સંક્રમણશીલતા - આ બધાં તત્ત્વોનાં બંધારણમાં સમયસંદર્ભ મહત્વની ભૂમિકા ભજવે છે. ઉદા: દાખલા તરીકે ગાંધીયુગની સાહિત્યની વિભાવના પર ગાંધીજી, ટોલ્સટોય, લોકસંસ્કૃતિ અને લોકજીવનની ઊંડી અસર પડી છે. એ જીવનવાદી સાહિત્યનો પક્ષ લેતું હતું એટલે રામનારાયણ પાઠકે એમના એક વિવેચનલેખમાં કલા કલા ખાતર કે જીવન ખાતર એવી ચર્ચામાં પોતાનો પક્ષ કલા જીવન ખાતર એવો પસંદ કર્યો હતો. સાધના, શ્રદ્ધા, જીવનમાંગલ્ય, સદાચાર અને નીતિ જેવા મૂલ્યોનું જતન કરનાર સાહિત્યનું મહત્ત્વ હતું. સુન્દરમની ‘ઊછરતાં છોરું’ કે ‘માજા વેલાનું મૃત્યુ’ વાર્તામાં ગાંધીયુગીન જીવનભાવનાનો ધ્વનિ સાંભળી શકીએ. ગાંધીજીની સાથે માર્કસની જીવનભાવનાની પણ ઊંડી અસર હતી. ઐતિહાસિક અભિગમ અને નવ્ય ઇતિહાસવાદના અભિગમનો સ્વીકાર કરીને જો ગાંધીયુગની વાર્તાઓનો અભ્યાસ કરવાનું નક્કી કરીએ તો, તેમને માટે યુગસંદર્ભ સમજવો જરૂરી છે. હવે રાજેશનો બીજો સવાલ કે આજના માપદંડોના આધારે એ વાર્તાઓને એટલે કે ગાંધીયુગની વાર્તાઓને ન સમજી શકાય? મારો જવાબ પણ સવાલથી જ આપું કે આજના માપદંડો એટલે કયા માપદંડો એ સ્પષ્ટ કરવું પડે. આજે ગુજરાતી વાર્તાઓનું વિવેચન કયા માપદંડોને આધારે થાય છે તેનો જવાબ મેળવવો પડે. આજે બે - ત્રણ માપદંડોથી વાર્તાવિવેચન થાય છે. એક તો, દલિત, નારી અને ગ્રામ - એમ ત્રણ પ્રકારની ચેતના ધરાવતી વાર્તાઓનું વિવેચન કેન્દ્રમાં છે. વાર્તાકાર આ ત્રણચેતનાનો અવાજ છે. એમની સમસ્યાઓ અને મૂંઝવણોને વાચા આપનાર એક અનુકંપાશીલ ને સાથે સાથે વિદ્રોહ અને વિરોધનો અવાજ છે. સર્જક અન્યાયકારી, સામાજિક બંધારણની વિડંબના કરે છે એમ આ પ્રકારની વાર્તાઓને તેમના વિષયવસ્તુની પ્રભાવકતા બતાવતું વિવેચન છે. બીજો જે માપદંડ છે તે, આધુનિક વાર્તાકળાના સૈધ્ધાંતિક ગૃહીતોને કેન્દ્રમાં રાખીને વાર્તાને કળાત્મક બનાવનારાં તત્વોની કાર્યસાધકતાને દર્શાવીને નવ્યવિવેચન કે રૂપરચનાવાદી અભિગમના ગૃહીતોનો પક્ષ. ત્રીજો જે માપદંડ છે તે, અનુસંસ્થાનવાદી અભિગમનો છે. પરદેશી શાસકોએ આપણી પ્રજાની ભાષા, સંસ્કૃતિ,ઘર્મ, રીતરિવાજ, ઈશ્વર એમ બધાં જ આદિ જીવનમૂલ્યોનો સ્મૃતિભ્રંશ કર્યો ને પ્રજાની મૂળ ઓળખને ભૂંસી નાખવાનો રાજકીય વ્યૂહ ઘડ્યો ને પ્રજા પોતાની મૂળ ઓળખ ભૂલીને વિઘાતક જીવનશૈલીને વશ થઈ તે પ્રક્રિયામાંથી મુક્ત બનીને મૂળ તરફ પાછા જવાની વાત અનુસંસ્થાનવાદી વિચારણામાં છે. તમે જુઓ કે, પ્રાદેશિક સાહિત્ય, લોકસાહિત્ય, સંતસાહિત્ય, ભજનસાહિત્ય, મેર, આહિર, ભરવાડ પ્રજાનું સાહિત્ય કેમ આજે કેન્દ્રમાં છે. આ બધાં સાહિત્યમાં આપણી સંસ્કૃતિની સરવાણીઓ વહે છે. એ વહેણોને પાછાં બહાર લાવીને તેમની મીઠાશ પ્રજાને આપવાની છે. ગુજરાતી પ્રાદેશિક વાર્તાઓનું નવું વાચન કરીએ તો, પાત્રોમાં પ્રદેશની મૂળ ઓળખ જોવા મળે ને હજુ પણ સંસ્થાનવાદીની સાથે મુક્ત અર્થતંત્ર, વિશ્વબજાર અને મૂડીવાદી અર્થવ્યવસ્થાથી પ્રજા બચી શકી નથી કે કેટલી બચશે તે પ્રશ્ન છે. જો કે, આ અનુસંસ્થાનવાદી કે સાંસ્કૃતિક વિવેચનના માપદંડોને આધારે વાર્તાઓનું વિવેચન બહુ ઓછા પ્રમાણમાં થાય છે. હવે ફરી રાજેશના બીજા સવાલનો જવાબ આપીએ કે, વર્તમાન વિવેચનમાં સક્રિય એવા માપદંડોને આધારે ગાંધીયુગની વાર્તાઓનું નવું વાચન કરી શકાય. ઝવેરચંદ મેઘાણી, સુન્દરમ્, ઉમાશંકર જોશીની કેટલીક વાર્તાઓ કે જેમાં સમૂહ, વર્ગ કે જાતિનાં પાત્રો અન્યાયકારી સમાજવ્યવસ્થા, પુરુષપ્રધાન સમાજની માનસિકતા, માલિક મજૂરનો ભેદ, વ્યાજ ખોર શાહુકારો - આ વિષયોનું નિરૂપણ કરતી વાર્તાને સમાજના દબાયેલા-કચડાયેલા વર્ગના એકાકી અવાજને વાચા આપતી વાર્તાઓનું વાચન કરી શકાય. મેઘાણીએ તો લોકસાહિત્યનું સંશોધન અને પ્રકાશન કરીને લોકવારસાનું જતન કર્યું. જો કે, ઈ.૧૮૮૮માં પારસી લેખક ફરામજી બમનજીએ ત્રણ ભાગમાં કાઠિયાવાડ પ્રદેશની વારતાઓનું સંપાદન કર્યું હતું. સાહિત્યમીમાંસાના યુનિવર્સલ સત્યોને આત્મસાત કરીએ ત્યારે આપણને કોઈ પણ સમયની કૃતિનું મૂલ્યાંકન કરતી વખતે એક વાત ધ્યાનમાં રહેવી જરૂરી છે કે વાર્તા કળાકૃતિ છે કે નહીં? વાર્તાકારે પોતાના સમયસંદર્ભની તમામ ઓળખને આત્મસાત્ કર્યા પછી કલાસર્જન કર્યું છે કે નહીં તે તપાસવું જરૂરી છે. મેઘાણીની ટૂંકી વાર્તા ‘વહુ અને ઘોડો’માં સ્ત્રીપાત્ર તારાનું (નામ જો ખોટું હોય તો સુધારવું) કથનકેન્દ્રની પસંદગી કેટલી કલાત્મક છે ને તેનો શ્રોતા સંભળાવે છે કોને દીવાને ! કરુણતાની વ્યંજના જુઓ. કોને સંભળાવે દીવા સિવાય, કોણ સાંભળનાર છે એમને? પડખામાં પતિના રોગથી જન્મેલ અંધ સંતાન ! વાર્તાકારે કરુણની નિષ્પત્તિ માટે વિભાવ, અનુભાવનું જે સંયોજન કે સંયોગ કર્યો છે એને કારણે આજે આપણે ગાંધીયુગમાં નથી જીવતાં છતાં વાર્તા માણીએ છીએ ને આવનારા સમયનો ભાવક પણ માણશે. રાજેશ વણકરના આપણે આભારી છીએ કે એમણે બે સવાલ કર્યા ને આપણે એમને જવાબ આપ્યા. હું ઇચ્છું કે, બીજા મિત્રો પણ વાર્તા વિશેના સવાલ કરે. આમ, સંવાદથી જ કાવ્યશાસ્ત્ર સમજવાની મજા છે.

ટૂંકી વાર્તા વિશે થોડું ચિંતન -૩

-ડૉ.જયેશ ભોગાયતા
વિવેચક, વાર્તાકાર, સંપાદક અને કવિ

વાર્તાકારનો સમયસંદર્ભ:
5 November (Canada)

આપણા પ્રકલ્પનો વિષય છે:‘ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસઃવહેણો અને વળાંકો’(1851-2023). આનો અર્થ એ કે આ પ્રકલ્પ ઇતિહાસલેખનનો છે માત્ર ટૂંકી વાર્તાના આસ્વાદલેખનનો નથી. જો ઇતિહાસલેખનનો પ્રકલ્પ છે, તો તેમાં સર્જકના યુગનાો પણ પરિચય જરૂરી બને ને તેમાં માત્ર સમીક્ષકે વાર્તાકારના યુગસંદર્ભનો જરૂરી પરિચય આપવાનો છે. આના અનુસંધાને મેં સમીક્ષાલેખનનું જે માળખું આપ્યું છે તેમાં પહેલા બે નંબરના મુદ્દા ધ્યાનથી વાંચશો. મુદ્દા નંબર ૧, વાર્તાકારનો પરિચય, જન્મ, અભ્યાસ, વ્યવસાય, પ્રકાશિત વાર્તાસંગ્રહોની યાદી. મુદ્દા નંબર ૨, વાર્તાકારનો સમયસંદર્ભ એટલે કે, ગુજરાતી સાહિત્યના ક્યા યુગમાં છે. આનો અર્થ એ કે, સમીક્ષકે વાર્તાકારના યુગનો સંદર્ભ આપવાનો છે તો ત્યાં યુગનો પરિચય આપતી વખતે એ યુગની સાહિત્યિક આબોહવા, આંદોલનો અને સાહિત્યની વિભાવનાનો પરિચય આપવો છે પરંતુ વાર્તાકારની વાર્તાઓમાં યુગ શોધવાની વાત જરૂરી નથી. હવે હું તમને જણાવું કે, સમીક્ષા માટે સમીક્ષકને યુગનો ઊંડો સંદર્ભ કેવી રીતે ઉપયોગી બને. વાર્તાકારના ઘડતરમાં વાર્તાકારનો જન્મ, વર્ણ, જ્ઞાતિ, જાતિ, ધર્મ, કુટુંબ, કુટુંબનો દરજ્જો આ અને સિવાયનાં પરિબળો નિર્ણાયક હોય છે ને આ પરિબળો સાથે સાહિત્યિક સામાજિક રાજકીય આર્થિક સાંસ્કૃતિક ધાર્મિક, યંત્રવિજ્ઞાન જેવાં પરિબળો એમની સર્જકચેતના પર અસર કરે છે વાર્તાકારની પોતાની શારીરિક સ્થિતિ જેવું પરિબળ પણ ઊંડી અસર કરે છે. હવે જો ઇતિહાસલેખનની શિસ્ત પ્રમાણે વાર્તાસમીક્ષક વાર્તાકારના પરિચય સાથે ઉપરનો ઇતિહાસ પણ જાણે તો, એમની સમીક્ષા વધુ પ્રભાવક બનશે. આ અભ્યાસની શિસ્ત જરૂર વધુ પરિશ્રમ માગે તેવી છે. તેથી જે સમીક્ષક તેને અનુસરે તો પરિણામ વધુ સારું આવે. એક આડ વાત ઉમેરું કે, ‘નવલકથા પરિચયકોશ’ના અધિકરણલેખન માટે મેં એક માળખું સૂચવેલું ને તેમાં કેટલાક અધિકરણ લેખકોએ માળખું ન સ્વીકારીને પોતાની રીતે અધિકરણ લખીને આપ્યાં છે ને એ બધાં અધિકરણોને મેં પૂરા માન ને આવકાર સાથે સ્વીકાર્યા છે ને એ બધાં પ્રગટ પણ થશે. મૂળ વાત પર આવીએ કે, સંપાદક તરીકે અને ખરેખર તો ઇતિહાસલેખનના પ્રકલ્પમાં માળખું આપવું અનિવાર્ય છે. તેનાથી સમીક્ષકને એક ચોક્કસ દિશામાં જવાનો નકશો મળે છે. સર્જનકાર્યમાં આવાં માળખાં કે નકશાઓની જરૂર નથી ને કોઈ આગ્રહ કરે તો ફગાવી દેવાનો અધિકાર છે પરંતુ સંશોધન વિવેચન અને ઇતિહાસલેખનમાં માળખું આપવાથી તેનાં જે પરિણામો મળે તેમાં સંવાદિતા અને સ્વાધ્યાય શિસ્ત જોવા મળશે . શ્રી હીરેન દેસાઈએ કોઈ સામયિકના સંપાદકને પોતાની વાર્તા પ્રગટ કરવા મોકલી હતી પણ સંપાદકે પરત મોકલી ને કહ્યું કે, આ વાર્તામાં આધુનિક સંવેદન છે ને આધુનિક યુગ તો પૂરો થઈ ગયો હવે નથી. સંપાદકના આ જવાબથી હીરેનને તાત્વિક પ્રશ્ન થયો કે યુગ પહેલો કે વાર્તા પહેલી? જવાબ આપીએ સૌ પ્રથમ તો, વાર્તા આવાં કારણસર પરત મોકલે તે સંપાદકની સંકુચિત રસરુચિને આપણે સ્વીકારી ના શકીએ ને એમની વાર્તાસ્વરૂપ વિશેની સૂઝ પણ સાંકડી ને એક નવયુવાન સર્જકને આવી સંકુચિત દ્રષ્ટિથી મૂલવવો તેં પણ યોગ્ય નથી. જો કે, સાહિત્યિક સંસ્થાઓ દ્વારા પ્રકાશિત થતાં સામયિકોના સંપાદક સંસ્થાની નીતિરીતિને અનુસાર નિર્ણયો લેતા હોય છે ત્યારે હીરેન પ્રશ્નનો સીધો જવાબ એ છે કે સાચો વાર્તાકાર યુગને અનુસરીને વાર્તા નથી લખતો. આપણને પરંપરાગત વાર્તાસર્જનના સમયમાં પ્રયોગશીલ અને નવી સંવેદનાની વાર્તા મળે છે. દ્વિરેફે વાર્તાલેખનમાં પ્રયોગો કર્યા છે. જયંત ખત્રી અને જયંતિ દલાલે એમની વાર્તાઓમાં આધુનિક વાર્તાસર્જનમાં વિશેષ પ્રયોજાતી નિરૂપણરીતિઓનો સફળ વિનિયોગ ૧૯૪૪-૧૯૫૫ના ગાળામાં કર્યો છે. આધુનિક યુગમાં પણ પરંપરાગત પધ્ધતિએ ને જરા પણ પ્રયોગશીલ બન્યા વિના સફળ વાર્તાકારો છે. જેમાં અશ્વિન દેસાઈ એક નામ છે. હવે યુગવિભાજનની જરૂર ક્યાં પડે? તો એની જરૂર છે ઇતિહાસકારને. કોઈ એક ચોક્કસ સમયગાળાની વાર્તાઓને, ગાંધીયુગની વાર્તાઓ કે આધુનિક વાર્તાઓ એવા વિશેષણથી ઓળખાવે છે ત્યારે એ નિશ્ચિત સમયગાળાની વાર્તાઓ વિષયસામગ્રી અને લેખનપધ્ધતિએ સરખાં લક્ષણો ધરાવતી હોય છે પરંતુ, વર્તમાનકાળના સંપાદકે વાર્તાપસંદગીની બાબતમાં ઇતિહાસકાર નથી બનવાનું. એમનો મુખ્ય માપદંડ હોવો ઘટે કે વાર્તા કલાત્મક છે કે નહીં. જો એ વાર્તાકળાની દ્રષ્ટિએ નબળી જણાઈ હોય તો સંવેદન આધુનિક હોય તો પણ પ્રગટ ન કરવી જોઈએ. ત્યાં સમાધાન ન કરવું જોઈએ. હીરેનના સવાલનો જવાબ અહીં પૂરો કરીએ હવે શ્રી અનિલભાઈ વ્યાસના સવાલનો જવાબ. શ્રી અનિલભાઈ વ્યવસાયે લંડનમાં ડોકટર છે, પણ ખરી ઓળખ એમની એક સફળ વાર્તાકારની. એમની લંડન પરિવેશની વાર્તાઓનું જગત સંકુલ અને હૃદયસ્પર્શી છે. એ અનિલભાઈના સવાલનો મૂળ ભાવ એ છે કે કોઈ પણ યુગની વાર્તાઓને તેમના યુગને ઓળંગીને સાર્વત્રિક એવા માપદંડો સર્જી શકાય કે નહીં? એમનો સવાલ પાયાનો છે કે ધૂમકેતુ, જયંત ખત્રી, કિશોર જાદવ અને વિજય સોનીની વાર્તાઓને એક જ માપદંડથી મૂલવી શકાય? પહેલો જવાબ મળે સાહિત્યની વિભાવનામાંથી ને ત્યાં સ્વરૂપ ગૌણ છે એટલે કે ટૂંકી વાર્તા એ સાહિત્ય પહેલા છે પછી સ્વરૂપ. તો સાહિત્યકલાને મૂલવવાનો મુખ્ય માપદંડ સાહિત્યમીમાંસાની ભૂમિકાએ રસાનુભૂતિ, રસાનંદ, વ્યંજના કે ધ્વનિ, સૌંદર્યની પ્રતીતિ. આ સાર્વત્રિક મીમાંસા છે Universal Poetics. નવલરામે અર્વાચીનકાળમાં મધ્યકાલીન કવિ પ્રેમાનંદનાં આખ્યાનોને યુનિવર્સલ કાવ્યશાસ્ત્રથી મૂલવ્યાં. રસનિરૂપણની બાબતમાં પ્રેમાનંદને શામળ કરતાં ચડિયાતો ગણે છે. હવે આપણે ગુજરાતી સાહિત્યવિવેચનમાં ટૂંકી વાર્તાની સ્વરૂપવિચારણાનો ઈ.૧૯૦૯થી શરૂ કરી ને સમકાલીન વિવેચકો સુધીનો સળંગ ઇતિહાસ વાંચીએ અને સર્વસામાન્ય માપદંડો તારવીએ તો આટલા મળે. ટૂંકી વાર્તા એ ધ્વનિપ્રધાન, વ્યંજનાપ્રધાન સાહિત્યસ્વરૂપ છે. તેમાં લાઘવની કળાનું મૂલ્ય છે. તેમાં બિનજરૂરી વિસ્તારને સ્થાન નથી. તેની ગતિ સોંસરવી, લક્ષ્યગામી ને વાચકના હૃદયને ભેદી નાંખનારી હોય છે. તે વ્યવહારની ઘટનાનો અહેવાલ નથી. પાત્રોની લાગણીઓના રેલાઓ નથી પરંતુ વ્યવહારની ઘટનાનું કલાની ભૂમિકાએ સર્જેલું રૂપાંતર છે. તેમાં જાણીતી અને વ્યવહારની ઘટનાને બૃહદ પરિપ્રેક્ષ્યમાં જોવાનાં અવકાશનું સર્જન છે. તેમાં જે કહેવું છે તેને તિરોધાનની ભૂમિકાએ નિરૂપવાનું છે. વિવિધ નિરૂપણરીતિઓનો વિનિયોગ કરવાનો છે, વાસ્તવની સીમાઓનો વિસ્તાર કરીને પરાવાસ્તવ અને સ્વપ્નવાસ્તવનાં અજાણ્યા પ્રદેશોનું નિરૂપણ સંદિગ્ધ રીતે કરવાનું છે. સંદિગ્ધતાનું સૌંદર્ય સર્જવાનું છે. જેને સર્વસામાન્ય તર્ક અને વ્યાખ્યાઓથી સમજાવી શકાતું નથી તેવું અવ્યાખ્યેય માનવજગતનું દર્શન નવી નવી ટેક્નિકથી નિરૂપવાનું છે. તેમાં વાર્તાકારની ભૂમિકા સાધુ -સંત કે બોધક- ઉપદેશકની નથી. તે કલાકાર છે અને તેણે કલા સર્જવાની છે. આમાં બીજા પણ માપદંડો ઉમેરી શકાય. હવે જરા જુદી રીતે વિચારીએ કે, દલિત, નારી અને ગ્રામીણ પાત્રોને કેન્દ્રમાં રાખીને વાર્તાનું વિપુલ પ્રમાણમાં સર્જન કરનાર વાર્તાકારોનો અત્યારે મોટો વર્ગ છે જેમને ઇતિહાસકારો અનુઆધુનિક વાર્તાકારો કહે છે. હવે આપણે એક સર્વે કરીએ કે અનુઆધુનિક વાર્તાકારોની વાર્તાઓની મૂલવણી કરવા માટે નવા વિવેચકો માપદંડો ક્યાંથી લાવ્યા? એ નવા વિવેચકો શું એવું માને છે કે વાર્તામાં વ્યંજના કે ધ્વનિની જરૂર નથી? સીધો બોધ કે અર્થ મળે તેવું લખો. પાત્રોની વેદનાની અભિવ્યક્તિ જ મુખ્ય છે કારણ કે, પાત્રોની કરુણતાનો પરિચય મળે એટલે વાર્તાનું કામ પૂરું. આવા માપદંડોથી થતાં વાર્તાવિવેચનો તમે વાંચ્યાં છે? અનુઆધુનિક વાર્તાકારોમાં મોહન પરમાર, હિમાંશી શેલત, મણિલાલ હ. પટેલ, અજિત ઠાકોર, કિરીટ દૂધાત, અજય સરવૈયા, ભૂપેન ખખ્ખર, વિજય સોની કે અભિમન્યુ આચાર્ય વગેરે વાર્તાકારોની વાર્તાસંગ્રહોની સમીક્ષા વાંચવાથી તેમાં વપરાયેલાં વિવેચનનાં ઓજારોની માહિતી મળી શકે. ટૂંકી વાર્તાનું સમાજશાસ્ત્ર સમજવું ને તેની વિચારણા કરવી જેટલી જરૂરી છે તેટલી જ જરૂર છે ટૂંકી વાર્તાનું કાવ્યશાસ્ત્ર સમજવું અને તેનો અમલ કરવાની. સાર એ કે, ટૂંકી વાર્તાની વિષયસામગ્રી મનુષ્યજીવન છે પણ જીવનની એવી કેટલીક સંકુલતાઓ, એવાં ઊંડાણો, પીડાઓ, તર્કાતીત વાસ્તવ અને અન્યાયકારી સામાજિક સંરચનાઓનું દર્શન વાર્તાકાર કરે છે ત્યારે એ અ-પૂર્વ દર્શનને ટૂંકી વાર્તામાં નિરૂપે છે વર્ણનની ભૂમિકાએ ને જે પરિણામ મળે છે તેમાં ભાવક દર્શન અને વર્ણનને જુદા નથી પાડી શકતો પરંતુ જો એવા સાંધા એને ત્યાં દેખાય તો દર્શન પણ નિષ્ફળ ને વર્ણન પણ નિષ્ફળ. ટૂંકી વાર્તા ક્યારેય વ્યંજના, ધ્વનિ કે લાઘવને છોડી ના શકે ને જે વાર્તાઓ તેમને છોડે છે તે સમાચારપત્રોના અહેવાલો બની જાય છે. જો પંચતંત્રના કથાલેખકે કથા કહેવા માટે અને વિશિષ્ટ રીતે બોધ આપવા માટે કથાકથનની નવી રીત શોધી હતી એ ન્યાયે કહીએ કે, વાર્તાકાર પોતાની વાત સીધી રીતે નથી કહેતો પરોક્ષ રીતે કહે છે ને ઘણી વાર તે પ્રાચીન કથાના સર્વભોગ્ય માળખાંઓને સ્વીકારીને સુબોધ ને સુગમ લાગે તેવી વાર્તાઓ લખે છે પણ તે આભાસી સુગમતા છે. છેતરામણી સુબોધતા છે. એ તો વાર્તાકારે કરેલો કીમિયો છે. કળાનો કીમિયો છે. અહીં વિરામ લઈએ. ફરી અવકાશે મળીએ. આજે મુક્તચિંતનમાં ગઈકાલે માપદંડની વાત પાસે અટક્યા હતા ત્યાંથી આગળની વાત કરીએ. એક વાત ઉમેરું કે, હવે દીપાવલીના પર્વની શરૂઆત થઈ ગઇ છે તમે તેમાં સૌ જોડાશો ને એમ લગભગ બે અઠવાડિયાં એ માહોલ રહેશે એટલે આજનું ચિંતન પૂરું કરી લઈએ પછી લાંબો વિરામ.

ગુજરાતી ટૂંકી વાર્તાના વાર્તાકારોનો અભ્યાસ અને ઇતિહાસ લેખન:

આપણે આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તાના તબક્કાના વાર્તાકારોનો અભ્યાસ કરીએ છીએ ત્યારે તે ગાળાના લોકપ્રિય વાર્તાકારોને બાદ કરીને અભ્યાસ કરીએ છીએ એટલે કે, સુરેશ જોષી, મધુ રાયની વાર્તાઓની ચર્ચામાં ચંદુલાલ સેલારકા, સારંગ બારોટ, અભેસિંહ પરમાર કે વિઠ્ઠલ પંડ્યાની વાર્તાઓનું વાચન કરતા નથી. એમને બાજુએ મૂકીએ છીએ પરંતુ, ટૂંકી વાર્તાનો ઇતિહાસકાર આવો ભેદ ન કરી શકે ને જો એ કરે તો એ ઇતિહાસ અધૂરો બને. તો હવે ઇતિહાસકારે લોકપ્રિયનું લેબલ મારી દીધેલા વાર્તાકારોનો અભ્યાસ ક્યા માપદંડથી કરવો જોઈએ તે સવાલ આવે. આ સવાલનો પહેલો જવાબ એ છે કે, લોકપ્રિય વાર્તાકારોની વાર્તાઓનું વાચન કરતી વખતે દ્રષ્ટિમાં જે ભેદ પડેલો છે તેનો લોપ કરો. એ દૃષ્ટિ છોડીને માત્ર એમની વાર્તાઓને વાર્તા તરીકે જ વાંચો તો ઘણું નવું દેખાશે. એ વાર્તાઓનું ભાવવિશ્વ પાત્રોની મૂંઝવણો ને સરળ ગતિએ ચાલતો આકર્ષક વાર્તાપ્રવાહ મજા પડશે. લોકપ્રિય થવા માટેનાં ઓજારો દેખાશે ને જીવનની અંદર-બહારની બાજુઓ દેખાશે એમનો હેતુ કે વાર્તા લખવાનું પ્રયોજન વાર્તારસ આપવાનો સફળ થતો લાગશે એમની પાત્રાલેખન કળા ને પ્લોટની કળા દેખાશે ને આ વાર્તાકારોની વાર્તાઓ વાંચતા જો વાર્તારસ મળે તો એ એમની સફળતા. હા, એટલું ખરું કે, એમની વાર્તાઓમાં અચાનક આવતા પલટાઓ એટલે કે, ટર્નિંગ પોઈન્ટ કૃત્રિમ ને આકસ્મિક લાગે તો તેવી યાંત્રિક યુક્તિઓની મર્યાદા બતાવીએ. એવી હથોટીઓની ટીકા કરીએ. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે, વાર્તારસના શોખીન વાચકોને તેમાં વાંધો નથી આવતો પણ વાંધો પડે છે સ્વરૂપમીમાંસકોને જે વ્યાજબી છે. વાર્તારસનો ચાહક વાચક વાંચતી વખતે કલાના નિયમો જાણતો નથી. એ તો વાંચીને સંતોષ માની લે છે. લોકપ્રિય વાર્તાઓને એમના વાચકવર્ગની રુચિ ને રસના કેન્દ્રમાં તપાસીને ઇતિહાસમાં તેમનું શું મૂલ્ય છે તેની નોંધ કરી શકીએ. કેટલાક આધુનિક વાર્તાકારો પણ લોકપ્રિય કૃતિનાં જાણીતા માળખાંનો વિનિયોગ કરીને વાચકને વાર્તારસ આપે છે પણ તેમાંથી મળતો વાર્તારસ છેતરામણો હોય છે એ વાર્તારસની ભીતર વહેતા પ્રવાહનું દર્શન કરીએ તો જ તેની સંકુલતાને પામી શકીએ. જાસુસી વાર્તાઓ, પ્રણયત્રિકોણની વાર્તાઓ કે ખૂન- હત્યાની વાર્તાઓનાં આકર્ષક માળખાંઓનો વિનિયોગ કરીને વાર્તા લખતા સર્જકોની સર્જકતા એ માળખાઓનું રૂપાંતર કરીને નવો અર્થ આપે છે. સૌંદર્યલક્ષી કે શુધ્ધકલાલક્ષી સાહિત્યમીમાંસાની સાથે લોકપ્રિય સાહિત્યનું પણ કાવ્યશાસ્ત્ર છે ને તેને મેલોડ્રામા અને વાગ્મિતાની ભૂમિકાએ સમજી શકાય. મેલોડ્રામાનું સૌદર્યશાસ્ત્ર જાણવું જરૂરી છે તેને માટે શ્રી ભરત નાયકનો શોધનિબંધ ‘મેલોડ્રામાની રૂપરચના’ખાસ વાંચવો ને તેની સાથે શિરીષ પંચાલ નીતિન મહેતાના લોકપ્રિય સાહિત્ય વિશેના લેખો વાંચશો. અનુઆધુનિક યુગમાં હવે લોકપ્રિય સાહિત્યની ઉપેક્ષા નથી થતી સાહિત્યમીમાંસાના એકકેન્દ્રી અભિગમનો અસ્વીકાર કરીને બહુસંવાદી ને બહુકેન્દ્રી સાહિત્યમીમાંસાની રચના થઈ છે તેવા સમયમાં જરા સંતુલન રાખીને મેલોડ્રામાની રૂપરચના સમજવી જરૂરી છે. અહીં વિરામ. હવે એક જ વાર્તાકારના એક કરતાં વધારે વાર્તાસંગ્રહોની સમીક્ષા કેવી રીતે કરી શકાય તેની વાત અવકાશે માંડીશું