ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/દલપત ચૌહાણ
પાર્થ બારોટ
સર્જક પરિચય :
દલપત ધૂળાભાઈ ચૌહાણ (જન્મ ૧૦ એપ્રિલ ૧૯૪૦)
વતન : મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મંડાલી ગામ.
અભ્યાસ : સ્નાતક.
વ્યવસાય : ૧૯૬૪માં તેઓ એસ.ટી કોર્પોરેશનમાં કારકુનની નોકરીમાં જોડાયા. ત્યારબાદ ૧૯૬૬માં ગુજરાત સરકાર હિસાબ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર ખાતે કારકુન તરીકેની નોકરી સ્વીકારે છે. અંતે, ૧૯૯૮માં એકાઉન્ટન્ટની ફરજ બજાવતા નિવૃત્ત થાય છે.
ગુજરાતી દલિત સાહિત્યના આરંભકાળથી દલપત ચૌહાણનું પ્રદાન રહ્યું છે. દલિત સાહિત્યની ઓળખ માટે સંઘર્ષ કરનાર દલિત કર્મશીલોમાંના તેઓ એક છે. દલિત સાહિત્ય પ્રત્યે પ્રતિબદ્ધ એવા આ સર્જકનું ગુજરાતી દલિત સાહિત્યમાં નોખું પ્રદાન છે. દેશને સ્વતંત્રતા મળી એ પહેલાં જન્મેલા અને અસ્પૃશ્યતા જેવી કડવી વેદના જેમણે અનુભવી છે એવાં દલિત સાહિત્યકારોમાંના તેઓ એક છે. તેમણે પોતાની રચનાઓમાં દલિત સમાજની ગતિવિધિ, તેમની પીડા, દમન, સવર્ણ સમાજ દ્વારા દલિતોનું થયેલું આર્થિક શોષણ, અસ્પૃશ્યતા, ધાર્મિક અંધવિશ્વાસ વગેરેનું ખૂબ જ ઝીણવટભર્યુ અવલોકન પ્રસ્તુત કર્યુ છે. જે તેમની રચનાઓમાંથી પસાર થતાં આપણને જણાઈ આવે છે. તેથી જ તેમની રચનાઓમાં સત્યનો અનુભવ આપણને થાય છે. આ સર્જકની રચનાઓમાં મુખ્યત્વે દલિત સમાજનાં પાયાના પ્રશ્નો શિક્ષણ, ઉછેર, દલિત સમાજમાં ઘર કરી બેઠેલા વ્યસનો, તેમની રહેણીકરણી, રીતિ-રિવાજો, બંધારણ લાગુ થતા દલિતોને મળેલા અધિકારો પછી તેમની વિચારસરણી, દલિતોમાં આવેલું સામાજિક પરિવર્તન, આર્થિક સ્થિતિમાં સુધારો, ગરીબાઈ, સ્વતંત્ર વિચારસરણીનો અભાવ વગેરે નિરૂપણ પામ્યા છે.
વાર્તાકાર દલપત ચૌહાણ.
વાર્તાકાર તરીકે દલપત ચૌહાણ પાસેથી આપણને દલિત સમાજ જીવનના વિવિધ પાસાંઓને આલેખતી વાર્તાઓ મળે છે. તેમની પાસેથી વાર્તાઓ ઘણી મળી, જે પછીથી ગ્રંથસ્થ થઈ હતી. તેમનો પહેલો વાર્તાસંગ્રહ ‘મૂંઝારો’ (૨૦૦૨), બીજો વાર્તાસંગ્રહ ‘ડર’ (૨૦૦૯), ત્રીજો વાર્તાસંગ્રહ ‘ભેલાણ’ (૨૦૧૩)માં મળે છે. વિષયવસ્તુની દૃષ્ટિએ પ્રતિબદ્ધ એવા દલપત ચૌહાણની મોટાભાગની વાર્તાઓ દલિત સમસ્યા કેન્દ્રિત રહી છે. જેમાં દલિત સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા, ઉપકારનો બદલો અપકારથી મેળવતા દલિતોની દુર્દશા, દલિતોના થતાં સામાજિક-આર્થિક-જાતિગત શોષણ, દલિત સમાજમાં રહેલી સ્વમાનની ભાવનાને વ્યક્ત કરતી વગેરે તેમની વાર્તાઓમાં જોઈ શકાય છે. ‘મૂંઝારો’, પ્રથમ આવૃત્તિ ૨૦૦૨, હર્ષ પ્રકાશન અમદાવાદ, કિંમત ૮૦ રૂપિયા. અર્પણ : પ્રવીણ ગઢવીને. ‘બદલો’, ‘એરુઝાંઝરું’, ‘ઠંડુ લોહી’ – આ ત્રણેય વાર્તામાં ઉપકારનો બદલો અપકારથી મેળવતા દલિતોની દુર્દશાનું નિરૂપણ છે. ‘બદલો’ વાર્તાની શરૂઆત દલિત વિસ્તારમાં થતી સૂમસામ બપોરની ચહલપહલથી અને બીમાર થતાં વ્યસનના બંધાણી એવો વૃદ્ધ ગોકળ, તેના પૌત્ર નાનિયા અને ફળિયાનો લાલિયો કૂતરો ભસતો હતો ત્યાંથી થાય છે. એવામાં દારૂના નશામાં ચકચૂર એવા વજેસંગ ત્યાં આવીને જેમ તેમ બોલે છે. બીમાર ગોકળ ખાટલામાં બેઠો તેનાથી તે સહન થતું નથી. અહીંયા તેની સવર્ણવાદી માનસિકતા પ્રગટે છે અને તે બોલે છે, ‘મારું બેટું ખરું સ. એક તો મારી હોમ જ ખાટલે બેઠું સને કે’સઅ તાવ આયો સ. હું અ, લ્યા, ગોકા તાવ હૅનો લ્યા. બે તૈણ નઇડાં સ એલ બાલેટન થૈ જ્યા સો, ચ્યમ? હં વળી પાસું મારી હૉમું ચક ચક કરસઅ? ‘ના ભા ઇમ નૈ, આ તો જરા તાવ...’ ગોકળ જવાબ પૂરો કરે ત્યાં જ લાકડીથી વજેસંગ તેની પર તૂટી પડે છે અને તે અધમરી હાલતમાં ખાટલાથી નીચે પડે છે. અચેતન અવસ્થામાં પડેલ ગોકળને અવાજ આવે છે જે આ વજેસંગના પિતા માધુસંગનો હોય છે. વર્ષો પહેલા છપ્પનિયા દુકાળની અંધારી રાત્રે તે આવ્યો હતો અને કહ્યું કે, ઘણું કર્યું છતાં ખાવા દાણો નથી ઘરમાં કંઈક હોય તો આપો. ત્યારે કોકણીયો આપે છે. આમ કપરા સમયમાં મદદ કરે છે એ યાદ આવે છે. બેશુદ્ધ થઈને પડી રહે છે. ડૉ. પથિક પરમાર આ વાર્તા સંદર્ભે નોંધે છે કે, ‘બદલો’ વાર્તા જાતિગત ઊંચ-નીચની સમસ્યાને મજબૂત રીતે આલેખે છે. ગોકળ અને વજેસંગનાં પાત્રો આ વર્ગભેદનાં પ્રતીકો છે. અહીં પાત્રના વાણીવર્તન દ્વારા સંસ્કારોને અભિવ્યક્ત કરાયા છે. માણસની ઊંચનીચતા એની જાતિને આધારે નહીં, પણ એની સંસ્કારશીલતાને આધારે દેખાઈ આવે છે, એવું લેખક તટસ્થપૂર્વક કલાત્મક રીતે પ્રતિપાદિત કરે છે. રોજીરોટી છીનવાઈ જવાની ભીતિએ દલિતપાત્રો ઉચ્ચવર્ગ તરફથી થતા અન્યાયનો પ્રતિકાર કરી શકતાં નથી, તેથી ‘બદલો’નો ગોકળ વજેસંગના અન્યાયી કૃત્યનો કડવો ઘૂંટ ગળી જાય છે. આ નિદર્શન ‘બદલો’ વાર્તાની કલાત્મકતાને પારખવા પૂરતું છે.’ ‘બદલો’ વાર્તાની જેમ જ ‘એરુઝાંઝરું’, ‘ઠંડુ લોહી’ વાર્તામાં પણ ઉપકારનો બદલો અપકારથી મેળવતા દલિતોની દુર્દશાનું નિરૂપણ છે. તો દલિત સમાજમાં રહેલી સ્વમાનની ભાવનાને વ્યક્ત કરતી વાર્તાઓ ‘ભૂખ’ અને ‘ના ખપે’ છે. ‘ભૂખ’ વાર્તામાં મોતીપરાનો મિયોર જાતિનો વાર્તાનાયક મુખીના કહેવાથી રામપરા રતનફૂઈને ત્યાં દોઢ મણ બાજરી માથે મૂકીને આપવા નીકળ્યો છે. પાંચ ગાઉનો પંથ કાપીને તે વિસામો ખાવા વગડામાં રાયણના ઝાડ નીચે બેઠો છે ત્યાંથી વાર્તાનો આરંભ થાય છે. નાયક માત્ર ઘેંસ અને છાસનો ડૂબો જ પીને સવારનો નીકળ્યો હતો. તેની ભૂખની તીવ્રતા વધતી ને વધતી જાય છે. એ માટે વાર્તાકારે ફ્લેશબૅકની ટેક્નિકનો ઉપયોગ કર્યો છે. એકવાર તેના નાતમાં જમણવારનો શીરો ગળા સુધી ખાધો હતો તે યાદ કરે છે. તેને અતિશય ભૂખ પણ લાગે છે અને તરસ પણ લાગે છે. પરબે પાણી પીવા માટે જાય છે પણ અભડાય જવાના કારણે અડશે તો લોકો મારશે એટલે પાણી પીવડાવે એ માટે બૂમ પાડે છે કે કોક આવે ને પાણી પીવડાવે. પૂછતાં પૂછતાં રતનભાભીના ત્યાં તે પહોંચી જાય છે અને બાજરી મૂકે છે. તરસ અને ભૂખથી તેનો જીવ તાળવે પહોંચી જાય છે. એને કૂતરાની ચાટ પાસે બેસવાનું કહે છે અને ત્યાં બેસીને જમવાનું એવો અંદરથી અવાજ આવે છે. પશુ અને દલિત માણસ બંને જાણે કે એકસમાન છે એવા ધિક્કારભર્યા અવાજ ઘરની અંદરથી આવે છે. વાર્તાનાયક બોલ્યો, ‘મું માણસના લેખામાંય નઈ’ એમ કહી તિરસ્કારભરી નજરે વાટકા તરફ તેણે જોયું અને આગઝરતી નજરે બારણા તરફ જોઈ મોઢું ફેરવી લીધું. ભૂખની તીવ્રતા પરાકાષ્ઠાએ પહોંચી જાય છે પણ અમાનવીય પશુતુલ્ય વર્તનને લીધે નાયક ભૂખ્યો રહેવાનું પસંદ કરે છે. અહીંયા તેનામાં રહેલી મનુષ્યચેતના જોવા મળે છે. આવી જ અલગ કથાવસ્તુ સાથે ‘ના ખપે’ સ્વમાનની વાર્તા છે. આ વાર્તાસંગ્રહમાં દલિતોના થતા સામાજિક આર્થિક જાતિગત શોષણને વ્યક્ત કરતી વાર્તા ‘ઘર’ અને ‘ન્યાય’ તે ધ્યાનાર્હ વાર્તાઓ બની રહે છે. તેમજ દલિત સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધાને કેન્દ્રમાં રાખીને લખાયેલી વાર્તાઓ ‘હડકાયું કૂતરું’ અને ‘રોટલો’ ધ્યાનાર્હ વાર્તાઓ છે. ‘મૂંઝારો’ વાર્તાસંગ્રહ વિશે પ્રા. ઉર્વશીબેન દવે લખે છે કે, ‘આ કૃતિને દલિત વાર્તાઓની કૃતિથી ન જોતા ટૂંકી વાર્તાના સ્વરૂપની દૃષ્ટિએ તપાસીએ તો લેખકની નિરૂપણરીતિ આકર્ષી જાય તેમ છે. લેખક સન્નિધિકરણ પ્રયુક્તિ દ્વારા મૂલ્યોની વાત કરતા ભદ્ર સમાજની દંભી જીવનરીતિને નાટ્યાત્મક પરિસ્થિતિ, વક્રતાપૂર્ણ વાર્તાલાપો અને કટાક્ષ દ્વારા ખુલ્લી પાડે છે. આમ ‘મૂંઝારો’ વાર્તાસંગ્રહની વાર્તાઓ જુદાં જુદાં સ્થિત્યંતરો તાગે છે. સ્વરૂપની દૃષ્ટિએ કશુંક બની રહ્યું છે તે અનુભવાય છે. સંવાદો દ્વારા લેખક નહીં પણ પાત્ર બોલી રહ્યું છે, તેટલી જીવંતતા પણ છે. કેટલીક વાર્તાઓને બાદ કરતા લેખકની સર્જનાત્મકતા સાચે જ દાદ માંગે તેવી છે. ડૉ. દિનુ ભદ્રેસરિયા જણાવે છે કે, ‘મૂંઝારો’ની વાર્તાયાત્રામાંથી બહાર નીકળીએ છીએ, ત્યારે સમગ્ર દલિત સમાજની અનેકવિધ વેદના-વ્યથાને આલેખતી વસ્તુ-સંકલનામાં દલિતો-પીડિતો તરફ પ્રસ્થાપિત કરેલી રુઢિઓ-માન્યતાઓને કારણે વેઠવી પડતી અવહેલના સામે લાચાર અનેક માનવીઓનાં ચરિત્ર આપણી સામે લાવનાર વાર્તાકારે દલિત પરિવેશ ઉપરાંત નોખી-અનોખી પાત્રસૃષ્ટિ, મહેસાણા તરફનાં ગામડાંમાં બોલાતી અદ્દલ ગામઠી બોલી-ભાષાને અંકિત કરીને પોતાની ભાષાભિવ્યક્તિનો પરિચય કરાવ્યો છે. ક્યારેક વાર્તા સીધી જ લક્ષ્યને તાકતી આગળ વધી છે. તો ક્યારેક ફ્લેશબૅકમાં પૂરી થવા પામી છે, ‘બાનું મૃત્યુ’, ‘રોટલો’ અને ‘ડખો’ સિવાયની તમામ વાર્તામાંથી ઉદ્ભવતો દલિતચેતનાનો અનોખો સૂર દલિત વાર્તાસૃષ્ટિને અને વાર્તાકારની વાર્તાકળાને લાભદાયી નીવડ્યો છે કારણ કે ‘અહીં એક-એક વાર્તા માણસ અને એ પણ છેવાડાના માણસની કહેવાઈ છે. મારી-તમારી-આપણી આસપાસનો માણસ જ મનમાં ડોકિયું કરતો રહે છે. સતત... અને એ સાથે સામાજિક પરંપરાઓથી પીડિત, ધર્મભીરુઓ, ઉજળિયાતો અને જમીનદારોની જોહુકમી તેમજ અસ્પૃશ્યતાના વિષથી અટવાતા સમાજનું નિરૂપણ ધ્યાનાર્હ બની રહે છે.’
‘ડર’, પ્રથમ આવૃત્તિ ૨૦૦૯, હર્ષ પ્રકાશન અમદાવાદ. કિંમત ૧૧૦ રૂપિયા.
અર્પણ : જીવણલાલ જેઠાલાલની ચાલી, રખિયાલ, અમદાવાદને.
આ વાર્તાસંગ્રહમાં કુલ ૧૬ વાર્તાઓ છે. જેને ત્રણ વિભાગમાં વહેંચી શકાય. દલિત સંવેદનાને વ્યક્ત કરતી વાર્તાઓ જેમાં મુખ્યત્વે ‘ડર’, ‘ચીરું’, ‘વેઢ’, ‘આળ’, ‘ઘરાકવટી’ અને ‘સોનાની પૂતળી’. બીજો વિભાગ કોમી વૈમનસ્યને કારણે સર્જાયેલી પરિસ્થિતિઓના આધારે ‘વતન’, ‘રફીકચાચા’, ‘અવરજવર’ અને ‘જાફર’. અંતિમ પાંચ વાર્તાઓ સૈનિકના મનોજગતને વાચા આપતી વાર્તાઓ ‘એક ગોલી....એક દુશ્મન’, ‘સન્નાટો’, ‘રિપોર્ટ’, ‘રેત...રેત’ અને ‘સલામી’ છે. ‘ડર’ વાર્તામાં પીડિત દલિત યુવક ખોડાની આંતરિક તકલીફો અને સામાજિક તિરસ્કારનું નિરૂપણ છે. જે પોતાના જ ગામના ભ્રષ્ટ લોકોના પોતાના ફળિયામાં થતાં સ્ત્રીઓના શારીરિક શોષણથી માનસિક રીતે છિન્નભિન્ન થઈ ગયો છે. ખોડાનું પાત્ર એ માત્ર પાગલ માણસનું નહીં, પણ પીડાના પડછાયામાં જીવતો એવા વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે, જેને સમાજે ક્યારેય સ્વીકાર્યું નથી. માતા-પિતાની આત્મહત્યાની પૃષ્ઠભૂમિએ ખોડાને અંદરથી ખોખલો કરી નાખ્યો છે અને એ પોતાની પીડા સામે પાગલપન, ભ્રમ અને ડરનાં સ્વરૂપે પ્રતિક્રિયા આપે છે. વાર્તામાં મોભ, મોખો, મોખિયાઓ, મોળિયો, ચાંદલી, અજવાળું જેવી ચિહ્નાત્મક વસ્તુઓ મારફતે ખોડાની મનોદશા અને સમાજની અસંવેદનશીલતાને દર્શાવવામાં આવી છે, જ્યાં ખોડાની પીડા કોઈ વ્યક્તિગત નહીં રહી, પણ એક સાંસ્કૃતિક શોષણના ઢાંચાનું પ્રતિબિંબ બની જાય છે. પૂંજો અને રામી જેવા પાત્રો માનવતાનું સંકેત આપે છે, પણ તેઓ પણ આખરે સમાજના ઘડવામાં આવી ગયેલા તટસ્થ રહેવાવાળાં બને છે. જેણે પોતે બધું સહન કર્યું છે એવી સ્ત્રી ‘જીવી’ પણ આ હિંસક શૃંખલામાં બદલો લેવાની મનોવૃત્તિ ધરાવે છે. આખરે આખું ગામ ખોડા સામે એક જ દિશામાં ઊભું રહી જાય છે, જ્યાં ખોડો પોતાનું અસ્તિત્વ બચાવવા માટે કંઈક કરે છે, પણ આખરે સમાજ દ્વારા હેરાન અને હાંકી કાઢવામાં આવ્યો હોય એમ મોળિયે લટકી પોતાનું જીવન સમાપ્ત કરે છે. ખોડાની મોત એ વ્યક્તિગત નહિ પરંતુ એક એવા વર્ગનું મૃત્યુ છે જેને પોતાના દુઃખ વ્યક્ત કરવા પણ અવકાશ મળતો નથી. વાર્તાનું કેન્દ્રબિંદુ એ છે કે ખોડાનું પાગલપણું એ તેના મગજનો રોગ નહીં, પણ સમાજના અન્યાય અને તિરસ્કારથી જન્મેલું મૂર્ત પીડાનું રૂપ છે, જે અંતે ‘ફાંસો’નાં મૌન દ્વારા પ્રતિસાદ આપે છે. ‘વેઢ’ માનવતાવાદી વલણ ધરાવતા નાયકની કથા છે. આ વાર્તા એક દલિત શ્રમિક માધાની આસપાસ ઘૂમે છે, જે શેઠ માટે સૂતર વણવાનો વ્યવસાય કરે છે. માધાનો દીકરો ખૂબ બીમાર થાય છે અને તેને શહેર લઈ જવાનો પ્રયાસ કરે છે, પણ માધો જ્યારે શેઠ અને શેઠાણી પાસે વણકરીના બાકી પૈસા માગવા જાય છે, ત્યારે તેને અવગણના મળે છે. શેઠ દંપતી તેની દુઃખદ પરિસ્થિતિમાં સહાનુભૂતિ બતાવતા નથી. થાકી ગયેલો અને અપમાનથી ભરેલો માધો ઘરે પરત ફર્યા બાદ પોતાની પત્ની સવિતાના સહયોગથી દીકરાને શહેર લઈ જાય છે. એ માટે તે પોતાના પાસે રહેલી એકમાત્ર મૂલ્યવાન વસ્તુ સોનાની ‘વેઢ’ વેચી દે છે. આ વેઢ માત્ર દાગીનું નહિ પરંતુ માધાના શ્રમ અને બચતનું પ્રતિનિધિત્વ કરે છે. દીકરાનું જીવન બચી જાય છે, પણ માધાની દૃષ્ટિ હવે બદલાય જાય છે. માધો શેઠના શોષણમાંથી છૂટકો મેળવવા નિર્ણય કરે છે. તે પોતે ધંધો શરૂ કરે છે – શેઠ પાસે કાપડ વણવાનું બંધ કરી પોતે બજારમાંથી સૂતર લાવે છે, ફેરી કરે છે, અને પછી અન્ય વણકારોને જોડે છે. ધીરે ધીરે તેનું પોતાનું નેટવર્ક ઊભું થાય છે. શેઠ તેના ઉપર શંકા કરે છે અને સૂતર આપવાનું બંધ કરે છે, પણ એ વેળાએ માધો સ્વાવલંબી બની ચૂક્યો હોય છે. અંતે, ત્યારે એ પણ એક ‘શેઠ’ બની જાય છે, પરંતુ શોષક નહિ, સહાનુભૂતિસભર અને માનવતાવાન વેપારી. વર્ષો બાદ જ્યારે બીજી એક ગરીબ વ્યક્તિ મનોર તેના બીમાર દીકરાને લઈ મદદ માગે છે, ત્યારે માધાભાઈ પોતાની ભૂતકાળની દશાને યાદ કરીને મનોરને મદદરૂપ થાય છે. આ પ્રસંગમાં ‘વેઢ’ એ આશાનું પ્રતીક બની જાય છે – એક એવી મૂલ્યવાન વસ્તુ, જેને માણસ જાતિ, શ્રમ અને આત્મગૌરવ માટે વાપરે છે. વાર્તાના અંતે માનવતા જીતી જાય છે, શોષણ સામે ઊભા રહેલા આમ આદમીના વિજયની ભાવના ઊભી કરે છે. ‘આળ’ વાર્તામાં દલિત જીવનની દુર્બળ સ્થિતિ, સમાજની શંકાસ્પદ દૃષ્ટિ અને કલેશજનક પરિસ્થિતિઓનું સચોટ ચિત્રણ થાય છે. મુખ્ય પાત્ર મૂળો, જે શાંતિપ્રિય અને જવાબદાર છે, પોતાના ભાઈના ઘરે ચોરી થયા પછી પોતે પછેડી શોધીને પાછી લાવે છે, છતાં એની પર જ શંકા કરવામાં આવે છે. સમાજમાં દલિતો ઉપર ચોરી જેવી ઘટનાઓમાં તરત શંકા થાય છે, ભલે કોઈ પુરાવા ન હોય. વિહોજી જેવા ઊંચી જાતિના માણસ ઉપર કોઈ શંકા નથી કરતું, જ્યારે પછેડી મળ્યા પછી પણ મૂળાને ખોટી દૃષ્ટિએ જોવામાં આવે છે. અહીં ‘આળ’ માત્ર કલંક નથી, પણ એક એવું સાંસ્કૃતિક પાત્ર છે, જે દલિતોને સમાજના કોઈ પણ કસોટી વિના દોષિત ગણાવે છે. વાર્તાની ભાષા લોકજીવનથી જોડાયેલી છે, જેમાં ચિત્રણ પણ અત્યંત જીવંત છે – પછેડી, લોટો, રૂમાલ જેવા પ્રતીકો દલિતોની આસપાસના જીવનની છબી ઊભી કરે છે. વાર્તાની આંતરિક અસર એ છે કે સાહસિકતાથી સત્ય સાબિત કરનાર વ્યક્તિને પણ સમાજ શંકાની નજરથી દૂર કરી શકતું નથી. મૂળાની નમ્રતા, અંદરથી ઉકળાટ છતાં સહી લેવો એ દલિતોની પરંપરાગત અસહાયતા દર્શાવે છે. અંતે, વાર્તા એક વ્યંગ્યાત્મક અભિગમ દ્વારા કહી જાય છે કે, દલિત માટે ‘સત્ય’ કરતા વધુ મોટો પ્રશ્ન એ છે કે, શું એમને બોલવાની છૂટછાટ પણ છે? ‘એક ગોલી... એક દુશ્મન’ વાર્તામાં કાશ્મીરના સરહદી વિસ્તારોમાં ફરજ બજાવતા ભારતીય સૈનિકના આંતરિક સંઘર્ષ અને માનવતાના સંઘર્ષની ઊંડી અભિવ્યક્તિ છે. વાર્તાનું મુખ્ય પાત્ર એક શાંત પણ સતત ચેતી રહેલો જવાન છે, જે બરફ, કાંટાળી વાડ અને દુશ્મન દેશની નજીક છે. તે માત્ર બાહ્ય દુશ્મન સામે નહિ પણ અંદરના શૂન્ય, અજંપા અને ઘરવિષયક લાગણીઓની સામે પણ લડે છે. વાર્તાની શરૂઆતમાં તેનું માનસ ચિંતામાં છે, જ્યારે તે ગુમ થયેલા સ્મરણોમાં ખોવાઈ જાય છે ત્યારે ઘરના લોકો, શાળાના દિવસો અને પરેડના પ્રસંગો તેની જાતને સાચવતી લાગણીઓ બની રહે છે. વાર્તા ‘મનુષ્ય’ અને ‘સૈનિક’ના ભેદને સજીવ કરે છે, જ્યાં એક બાજુ દુશ્મન જવાન દૂધ માંગે છે તો બીજી બાજુ આપણો જવાન એને ખાલી ટીનમાં પાંદડાં અને બરફ આપી સાહસિક રીતે જવાબ આપે છે. અહીં માણસ અને શત્રુ વચ્ચેનો ભેદ પ્રગટ થાય છે. શત્રુ પણ માણસ હોય શકે છે એ ભાવ શક્તિશાળી રીતે ઊપસે છે. વાર્તામાં તીવ્ર વ્યાવસાયિક શિસ્ત અને ભાવનાત્મક સંવેદનાઓ વચ્ચે એક અસહ્ય તાણ જોવા મળે છે. એક બાજુ વૉચટાવરના બંધારણો, શૉ પીસ જેવા હથિયારો અને ટ્રેનિંગના સૂત્રો છે, જ્યારે બીજી બાજુ માનવતા, દયા, ઘરના પત્રો અને સેનામાં જોડાવાની સપનાસભર આશા છે. વાર્તાનો સ્ફોટક વળાંક ત્યાં આવે છે કે, જ્યારે હરિસિંહ પોતાના નાના ભાઈ રામસિંહના શહીદ થવાની દુઃખદ માહિતી આપે છે. રામસિંહ એક ઘાતકી હુમલામાં, નાના ગામ પાસે, એક છોકરી દ્વારા ગોઠવાયેલા બ્લાસ્ટમાં મારાય છે. આ ઘટના જવાનના આંતરિક જ્વાળાને પ્રગટાવે છે. હરિસિંહ કહે છે, ‘મેરે જૈસા હી, છોટા હૈ ના?’ – આ સંવાદ આખી વાર્તાની મૂંઝવણ અને દુઃખને સ્પષ્ટ કરે છે. મુખ્ય પાત્ર હવે માનવતાથી વિમુખ થઈ જાય છે અને ગુસ્સામાં તે ગોળીઓ વરસાવી દે છે, જ્યારે તે જ શિસ્ત અને સૂત્ર ‘એક ગોલી, એક દુશ્મન’નું પાલન કરવાની વાત કરે છે. આખરે એવું લાગે છે કે તે પોતે પણ એક શૉ પીસ બની જાય છે. જાતીય સંવેદનાઓથી ઓગળેલો માણસ, જેનાં પર ‘કાર્ય’ અને ‘કર્તવ્ય’ વચ્ચે ટકરાવ થાય છે. કથાનક આકર્ષક છે, ભાષા દૃષ્ટિગમ્ય છે અને દૃશ્યાવલિ જીવંત છે કે વાચકને પણ એ પથ્થર પાછળ બેઠેલો જવાન માનીને એક પળ માટે ટાઢ લાગવા લાગે છે. વાર્તાનો અંત સ્પષ્ટ કરે છે કે દેશપ્રેમી જવાન પણ પહેલા માણસ છે, જે હાસ્ય પણ કરે છે, રડે પણ છે અને ક્યારેક અણધાર્યા રણે ઊંડે ઊતરી જાય છે. ‘એક ગોલી... એક દુશ્મન’ માત્ર યુદ્ધની નહિ, શાંતિની પણ કહાણી છે. એવું યુદ્ધ જ્યાં જીવંત રહેવા કરતાં જીવતી ભાવનાઓ બચાવવી વધુ મુશ્કેલ બને છે.
બારોટ પાર્થકુમાર પરેશકુમાર
B.A, M.A (Gold Medalist)
UGC NET, GSET.
Ph.D. Running in Mumbai University
શ્રી જાનકી વલ્લભ આર્ટસ કોલેજ, મુવાલમાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપક તરીકે કાર્યરત.
મો. ૮૨૦૦૧૧૨૪૧૯.
Email : Bparth517@gmail.com.