ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/પથિક પરમાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
‘અભાવગ્રસ્ત પીડાની વાર્તાઓ’
વાર્તાકાર તરીકે
પથિક પરમારનું સમગ્રલક્ષી મૂલ્યાંકન

મિતેષ પરમાર

Pathik Parmar.jpg

ગુજરાતી સાહિત્યક્ષેત્રે મુખ્યત્વે કવિ તરીકે જાણીતા પથિક પરમારનો જન્મ ૧૫મી જૂન ૧૯૫૪માં ભાવનગરમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ વતનમાં પૂરું થયું. ૧૯૭૫માં ભાવનગરની શામળદાસ કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ માટે તેઓ આવે છે. જીવનનિર્વાહ માટે શિક્ષક તરીકેનું કાર્ય કરે છે. ૨૦૧૬માં શિક્ષક તરીકેની નોકરીમાંથી નિવૃત્ત થાય છે. દલિત સમાજમાં અભાવોમાંથી આવતા પથિક પરમારની કલમ કવિતા સ્વરૂપથી સાહિત્યમાં પ્રવેશ કરે છે. ૧૯૭૨થી કવિતા લખીને વિવિધ સાહિત્ય સ્વરૂપમાં સફળતાપૂર્વક ચાલ્યા. ‘ઉઘાડા પગ’ નામનો એમનો પહેલો અને એકમાત્ર વાર્તાસંગ્રહ ૨૦૧૮માં પ્રકાશિત થાય છે. આ ઉપરાંત વિવેચનસંગ્રહો, ત્રણ સંપાદનો અન્ય સાથે ગઝલ વિશે આઠ પુસ્તકો, ચિત્રકળા, નાટ્ય પ્રવૃત્તિ, સંશોધન વગેરે વિશેનાં પુસ્તકો એમની પાસેથી પ્રાપ્ત થાય છે. સુરેશ જોષી પ્રભાવી આધુનિકતાના સમયગાળામાં જન્મેલા આ સર્જક જ્યારે ૨૦ વર્ષના થાય છે. ત્યારે આધુનિક સાહિત્યના ઉત્તરાર્ધનો સમય હતો. પરંતુ એનો પ્રભાવ અને યુગબળ એમની સાહિત્યિક પ્રતિભાને ખાસી એવી ઘડે છે. કૉલેજમાં યોજાયેલી એક સ્પર્ધા માટે ‘ઉઘાડા પગ’ વાર્તા લખેલી ત્યાંથી વાર્તાનાં બીજ વવાય છે. પછી તો એ વાર્તા કૉલેજના મુખપત્રમાં પણ છપાય છે. હિન્દી, અંગ્રેજી અને કન્નડ ભાષામાં અનુવાદ થયો છે. ૩૦ વર્ષમાં ત્રણ જ વાર્તાઓ ‘ઉઘાડા પગ’, ‘મુક્તિ’ અને ‘તેજોવધ’ રચેલી પછી ૨૦૧૬માં નિવૃત્તિ બાદ હરીશ મંગલમ્‌ અને અરવિંદ વેગડાના આગ્રહથી વાર્તાઓ લખી અને આ સંગ્રહ ગુજરાતી સાહિત્યને મળ્યો. કુલ ૧૪ વાર્તાઓ સંગ્રહમાં છે. આ વાર્તાઓમાં પથિક પરમાર વાર્તા સ્વરૂપથી સભાન હોવાની પ્રતીતિ થાય છે. બીજું એ કે બૌદ્ધ ધર્મ અને આંબેડકરની વિચારધારાનો પ્રભાવ ખાસ ઝીલાયેલો નજરે પડે છે. એ પણ જોવું માનવું જોઈએ કે પોતાના બાળપણના સમયે જોયેલું પોતીકું અને પારકું વિશ્વ વ્યવસાય અર્થે બદલાતું જોયેલું. આપણે ત્યાં વાસ્તવવાદ ગાંધી પ્રભાવે દબદબાભેર આવ્યો આધુનિક કાળમાં એનાં વળતાં પાણી થયા વળી આધુનિકતાની ઉત્તરાવસ્થાએ પ્રવેશ કરે છે. પણ આ સર્જક તો સમગ્રતયા સાહિત્યને દલિત અને દલિતેતર તત્ત્વને તથા ગામડા કે શહેરના પક્ષપાત વિના વાર્તામાં ઢાળી બતાવે છે. છતાં પોતાને દલિત સર્જક તરીકે જ ઓળખાવે છે. ‘ઉઘાડા પગ’ વાર્તા સંગ્રહની વાર્તાઓ દલિત આધારે મનુષ્ય ચેતના જગાવવાનું બહુમૂલ્ય કામ પાર પાડે છે. સંગ્રહની પ્રથમ વાર્તા આંદોલન વ્યવસાયની સમસ્યાથી ગુંથાય છે. હક અને અધિકાર માટે વાર્તા નાયક બચુભાઈ સરધરાએ આંદોલન કર્યું છે. રાજકીય કાવાદાવા શરૂ થાય છે. વિરોધ પક્ષના કોર્પોરેટરોને તો મજા જ પડી જાય છે. રાજકીય રોટલો શેકવાની આંદોલન જય ભીમના નારા સાથે જોર પકડે છે. ત્યાં જ અણધાર્યો વળાંક આવે છે. હરિશ ત્રિવેદી નામના કવિ સમજાવે છે કે, આવા ગંદવાડ સાફ કરવાના ધંધા છોડીને શિક્ષણ પ્રાપ્ત કરીને સ્વમાનભર્યું જીવન નહીં જીવો ત્યાં સુધી આભડછેટ અને આ વર્ણવ્યવસ્થા સદાય ચાલશે ને તમારી પેઢીઓને ભોગવવું પડશે. આંદોલન સમેટાય છે. પણ એમાં એવું થયેલું પરિવર્તન ટીવી દ્વારા શહેરીજનો જાણે છે તો બધાને સોંપો પડી જાય છે. શોષિત-પીડિત વંચિત સમાજ સામેના તંત્રને આંબેડકરની વિચારધારાથી તોડવાનો પ્રયત્ન વાર્તામાં મુખર બની ગયો છે. કલાકીય ઘાટથી વાર્તા દૂર રહી છે. મૂળ તો વાર્તાકારનો આશય દલિતોની ગંધવાર પ્રવૃત્તિથી મુક્તિ પાર પડતો જોઈ શકાય છે. ‘પ્રતિકાર’ વાર્તામાં વ્યવસાય અનુષંગે શોષિત પીડિત વર્ગ અને શોષક વર્ગને સામસામે મૂકી નારીચેતના ઉજાગર કરે છે. દલિત નારી સફાઈ કામદાર તરીકે રતની આ વાર્તાની નાયિકા છે. સવર્ણ તરીકે ઉપરી કક્ષાના નટવરલાલની લોલુપ નજર રત્નીને આંતરબાહ્ય સંઘર્ષમાં મૂકે છે. અઘટિત માગણીથી વિફરેલી રતન નટવરલાલને ચમચમતો તમાચો મારીને પ્રતિકાર કરે છે. એ સમયે એની વેદના અને સંવેદના પરંપરાગત વર્ગભેદ અને દરેક જાતિના પુરુષને જાણે તમાચો મારે છે. સંસ્કારનો ઇજારો ફક્ત ઉચ્ચ વર્ગ કે સવર્ણોને જ નહીં એમના કરતાં વધુ સરળ રીતે દલિતો કે પછાત વર્ગમાં ભોળાભાવે જોડાયેલ હોય છે. આ સંદર્ભે જાતિભેદની બદી બતાવતી ‘મકાન’ વાર્તામાં માનવીય મનની દલિત દંપતીના મનની વૃત્તિઓને આંતર સંઘર્ષનો પરિચય કરાવે છે. સોસાયટીમાં રહેવા ગયેલું માધુ દંપતી જાતિભેદની અદૃશ્ય દીવાલમાં ગુંગળાય છે, ધૂંધવાય છે. પત્ની નંદુને માધુ દ્વારા કહેવાતું એ લોકો માનસિક રીતે જ પછાત છે. વાક્ય ભારોભાર વ્યંજના અને વેદના વ્યક્ત કરે છે. ‘સંબંધ’ વાર્તા એક સાથે ત્રણ નિશાન તાકે છે. પ્રેમ સંબંધમાં વર્ગભેદ પર હિંદુ-મુસ્લિમ સમાજની કુટુંબની બદી ઉપર અને જાતિવાદ સંદર્ભે સ્ત્રીની રુંધાયેલી સ્વતંત્રતા પર અજય સમીના અને નેહાની મિત્રતા એમની વચ્ચે વિકસતા સંબંધો એમાંથી આકાર લેતી પરિસ્થિતિઓ સમાજનો એક ક્ષણે બતાવે છે. સમીનાનો સમાજ એના બદતર રિવાજોથી એની જિંદગી દોજખ બનાવવા પર આવી ગયો છે. બહેનનું ઘર બચાવવા પિતાની ઇજ્જત અને ભાઈના જીવનને સુખી કરવા જતાં એ નરકમાં ધકેલાઈ જવાની છે. નેહા બ્રાહ્મણ છે. અજય દલિત છે. બેઉ વચ્ચે પ્રેમ છે. આ બે પાત્રો દ્વારા ઉચ્ચ વર્ગની માનસિકતા અને ડોળ દેખાવ ખુલ્લા પાડ્યા છે. વર્ણવ્યવસ્થામાં ન માનનારા મ્યુનિસિપાલિટીની પ્રાથમિક શાળાના નિવૃત્ત આચાર્ય નારાયણદાસ બ્રાહ્મણ જ્ઞાતિના છે. તેમની દીકરીએ દલિત યુવક સાથે લગ્ન કર્યા છે અને પોતે આંબેડકરની વિચારધારાને અનુસરી જનજાગૃતિ નારીસંવેદન અને દલિતોના ઉદ્ધારની પ્રવૃત્તિ કરતા નાયક તરીકે નારાયણદાસ શિક્ષણને સર્વોપરી ગણે છે. અભેદ વાર્તા જાણે એમના અંતરઆત્માનું દર્શન કરાવી રહે છે. સત્ય ઘટના પર આ વાર્તાની ગોઠવણી થઈ છે. ‘ઉઘાડા પગ’માં પટાવાળાની નોકરી કરતા દલિત સમાજના ધનાને સ્થિતિ પરિસ્થિતિ અને ગરીબાઈ એવા સંજોગોમાં મૂકી દે છે કે, ચંપલ તૂટી ગયા પછી ઉઘાડા પગે ઑફિસ જતા અચકાટ-ખચકાટ થાય છે. ઉપરથી સ્કૂલમાં દીકરાને પણ ચંપલ વિનાની એ જ સ્થિતિ છે. આખરે સિલ્વર મેડલ વેચીને ચંપલ લાવવાની લાયમાં બસ નીચે પગ જ કપાઈ જાય છે. સમાજ અને ગરીબાઈ તો મારે જ છે. કુદરત પણ એને સરખી રીતે ઠરીઠામ થવા દેતી નથી. વાર્તાનો કરુણ અંત વાચકને માનવતા તરફ ધક્કો મારી દે છે. ‘મુક્તિ’ અને ‘તેજોવધ’ બેઉ વાર્તામાં કથાવસ્તુ જુદી રીતે આકારબંધ થાય છે. પરંતુ લક્ષ્ય એક જ છે. જાતિભેદથી છુટકારો. ‘તેજોવધ’નો તેજો શિક્ષક તરીકે નોકરી કરવા અંતરિયાળ ગામમાં મુકાય છે. ત્યાંથી જ એક દબાણ હેઠળ રોજ રોજ એનો સવર્ણો દ્વારા વધ થતો રહે છે. આક્રોશ કે ડૂમો ભરાયો છે, એ પણ એ સમજી શકતો નથી. મુક્ત થવાનો તરફડાટ ફક્ત તેજાનો નથી. સમજફેરે આખી માનવજાતનો છે. મુક્તિનો નાયક મૃત્યુ થકી સહજ મુક્તિ મેળવી લે છે, પણ સણસણતા સવાલ મૂકતો જાય છે. ‘પરિવર્તન’ વાર્તા આંતરજ્ઞાતીય લગ્ન, પ્રેમસંબંધો, સંબંધોની આંટીઘૂંટી વિસ્ફોટથી નિર્માણ પામેલી પરિસ્થિતિ જ્ઞાતિ બંધનમાંથી મુક્તિનો અહેસાસ કરાવતી વાર્તા છે. શ્રદ્ધા ધનસુખલાલ જેવા ધનાઢ્ય પરિવારની યુવતી વણકર જાતિના વિકાસ સાથે પ્રણય સંબંધે જોડાઈને લગ્ન કરે એ બાબત એની જ્ઞાતિ માટે આઘાતજનક હતી પણ આતંકવાદીઓએ કરેલા વિસ્ફોટમાં ઘાયલ લોકોને દલિત પેન્થરના યુવાનો સલામત જગ્યાએ ખસેડે છે. એમાં શ્રદ્ધાના પિતા અને ભાઈ પણ ઘાયલ હતા. બચી ગયા પછી શ્રદ્ધાના પિતાનું હૃદયપરિવર્તન થઈ જાય છે. ‘હજામત’ સામાન્ય બરની પણ છેતરપિંડી કરનાર સામે છે. તરાતા હોવા છતાં ઉદારતા દાખલનાર દલિત યુવાનનું સાલસ વ્યક્તિત્વ ઉપસાવી આપે છે. કકળાટ અભાગણ આંકડાધારી વાર્તાઓમાં દલિત સમાજમાં ઘર કરી ગયેલા વ્યસનથી ઊભી થતી સમસ્યાઓમાં ઘેરાયેલા માણસોની દયનીય સ્થિતિ ખરાબ ઊપસી આવે છે. કકળાટ વાર્તામાં દારૂ પીને રોજ કકળાટનું નિમિત્ત બનતા મૂલ્યો અને એની પત્ની સવલી વચ્ચેના સંવાદોમાં વેદના ભારોભાર વ્યક્ત થાય છે. અતિશય દારૂ પીવાથી ખુંવાર થયેલા મૂલ્યાને લોહીની ઊલટી થાય છે અને છતાંય હસતો મર્યો આ સમાજની ખોખલી ગંભીરતા પર હસતો દેખાય છે. ‘અભાગણ’ વાર્તામાં વિધવા શાંતિને દિયર કાનજીમાં પોતાનો સથિયારો દેખાય છે. પણ દારૂ પીને જે લોકો પાયમાલ થયા અને મર્યા એમાં કાનજીનોય ભોગ લેવાય છે. હવે શાંતિ પોતાની વ્યથા-કથા કોને કહે એ પ્રશ્ન નારીચેતના જગાવશે કે દલિતચેતના એ કહી શકાતું નથી. છતાં વ્યસનભર્યા દલિત ને બિનદલિત સમાજની ઊંઘ નથી ઊડતી. આવી જ બદી દરેક સમાજમાં જુગારના આંકડા રમવાની ફેલાયેલી છે. એનો તાગ આપતી આંકડા ધારી વાર્તા કાળુના આ વ્યસનને એને કેવી હાલતમાં મૂકી દીધો છે. તે દર્શાવે છે. એક વ્યસન બીજાં કેટલાં બરબાદીના દ્વાર ખોલે છે તે પણ અભિવ્યક્ત થયું છે. અંધારો વાર્તા વાસ્તવની વધુ નજીક બેસીને વ્યંજક રીતે પ્રણયની આડે આવતા જાતિગત અંધારાને વ્યક્ત કરે છે. પ્રગતિ અને વિજયનો પ્રેમ લગ્નમાં પરિણમે એ પહેલાં જ સવર્ણ પ્રગતિની પરીક્ષા શરૂ થઈ જાય છે અને વિજયનો આત્મવિશ્વાસ બહારથી અડીખમ પણ એના શબ્દોમાં રહેલો ડર સામાજિક વિષમતા તારસ્વરે પ્રગટાવે છે. લગભગ અનુઆધુનિકતાની શરૂઆતમાં જે જે મૂલ્યો અને નિષ્ઠાએ માથું ઊંચક્યું એમાં આવા વર્ગના સાહિત્યકારોનો આગવો અવાજ તારસ્વરે પ્રગટ થયો. પ્રસ્તુત વાર્તાઓમાં ભાષા અને બોલીનું ગદ્ય ઘણું બધું વ્યક્ત કરે છે. વાર્તાકલાની નખશિખ લાક્ષણિકતાઓ કદાચ બધી વાર્તામાં શોધી નહીં જડે પણ આંબેડકરની વિચારધારા અને દલિતસંવેદના તથા ચેતના તો પાને પાને મળે છે.

સંદર્ભ :

૧. ‘ઉઘાડા પગ’, લે. પથિક પરમાર (પ્રથમ આવૃત્તિ, જુલાઈ ૨૦૧૮), ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી, અમદાવાદ.

મિતેષ પરમાર
શોધછાત્ર
ગુજરાતી ભાષા-સાહિત્ય વિભાગ
ગુજરાત કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય
ગાંધીનગર
મો. ૮૮૬૬૧ ૯૪૦૨૦