ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/પુરુરાજ જોષી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પુરુરાજ જોષીની વાર્તાઓની સમીક્ષા

અઝીઝ છરેચા

Pururaj Joshi.jpg

કવિતા અને ગાયન, વાદન સાથે સંકળાયેલા પુરુરાજ જોષી પાસેથી ગુણવત્તા અને સંખ્યાની દૃષ્ટિએ ખૂબ ઓછી વાર્તાઓ મળે છે. ૧૯૭૧માં વાર્તાસંગ્રહ ‘સોનેરી માછલીઓનો સળવળાટ’ પ્રકાશિત થયેલ ત્યારબાદ લાંબા સમયના અંતરાલ પછી ‘માયાવિની’ નામે વાર્તાસંગ્રહ મળે છે. એ બાદ એમની જૂજ વાર્તાઓ સુમન શાહના ‘ખેવના’ અને મણિલાલ હ. પટેલના ‘દસમો દાયકો’માં મળે છે. પુરુરાજની વાર્તાઓમાંથી પસાર થતાં લાગે કે તે સમયની આપણી નિરંતર ચાલી આવતી વાર્તાધારાના પ્રવાહમાં આ વાર્તાઓ ખાસ કંઈ નવીન અર્થો જન્માવી શકે તેવી જણાતી નથી. કોઈ ગૂઢ તત્ત્વને જીવન સમગ્રમાંથી શોધતી અને કશાક ઈશ્વરીય સ્વરૂપને તાગતી, નવીન કંઈક આત્મતત્ત્વને જાણવાની ઇચ્છા ધરાવતી, એકલવાઈ પરિસ્થિતિ આલેખતી વાર્તાઓની ક્ષણો એ વાર્તાકાર પુરુરાજની વાર્તાઓની એક લાક્ષણિકતા ગણાવી શકાય. ‘અનંતપથ’ વાર્તા એમાંની એક ગણાવી શકાય. પૂજ્ય સ્વામીજી પ્રત્યેના પોતાના અહોભાવથી એ બંધાયેલા હતા તે વાત એમના જીવન સમગ્ર વિશે વાંચતાં જણાય છે, શક્ય છે કે એ પૂજ્યભાવમાંથી જ જન્મેલો એક આધ્યાત્મિક અને ગહન તત્ત્વની શોધને નિરૂપિત કરતો પરિવેશ એમની એકાધિક વાર્તાઓમાં એટલે વારંવાર ડોકાયા કરે છે. સંગીત અને ચિત્રકલા, નૃત્યના શોખને કારણે પણ એમની વાર્તાઓમાં એ બાબત પાત્રગત પરિવેશમાં જોઈ શકાય છે. ચલચિત્રનાં દૃશ્યોની પ્રયુક્તિ પણ વાર્તાકારે અપનાવી હોય તેવું લાગે. એમની ‘પગલાં’ વાર્તામાં પરિવેશનું નિરૂપણની વિવિધ પ્રયુક્તિથી કરેલું જોઈ શકાય છે. તો ‘ઘાસ’ તથા ‘પગલાં’ વાર્તામાં રૂપકકથા દ્વારા વાર્તા કહેવાનો સર્જકનો પ્રયાસ ઊડીને આંખે વળગે તેવો ધ્યાનાર્હ છે. આસપાસના પરિવેશના નિરૂપણથી પાત્રનાં આંતરસંવેદનો વધારે અસરકારક બને છે.

Akash Ganga by Pururaj Joshi - Book Cover.jpg

‘અન્તરાલ’, ‘નીરવ નદીને કાંઠે,’ ‘તુવેર લચકાલોળ’, ‘અંતર’, ‘કાગળ’, ‘એક અજાણ્યું પંખી’, ‘તરાપો’ અને ‘અપ્રત્યાશિત’ વાર્તાઓનો મુખ્ય વિષય સ્ત્રીપુરુષના સંબંધો છે. લગ્નજીવન અને લગ્નજીવન સાથે સંકળાયેલા વિવિધ પશ્નો અને તેમાંથી જન્મતી સંવેદનાપૂર્ણ પરિસ્થિતિઓ અને તેના સંઘર્ષોને દર્શાવવાની વાર્તાકારની જહેમત દેખાઈ આવે તેવી છે. પણ આ વાર્તાઓમાં લેખકની વાર્તાની કથનકળા શૈલી વાર્તાને પૂરેપૂરો ઉઠાવ આપી શકતી નથી. વાર્તાઓની નોંધપાત્ર ક્ષણોના નિરૂપણમાં વાર્તાકાર સ્પર્શક્ષમ અનુભૂતિઓ અને દૃશ્યાંકન કરતા હોય તેવી અદાથી જ્યાં જ્યાં આલેખી છે ત્યાં એમની સર્જકતાનો સુંદર પરિચય થયા વિના રહેતો નથી. આ એમનું જમા પાસું. પણ સમગ્રતયા વાર્તા સર્જનાત્મક બનતી લાગતી નથી. વાર્તાનાં પાત્રોની એકલવાયાપણું, ખાલીપો, જીવનમાંથી પ્રાપ્ત નિરાશા વગેરે જેવી ક્ષણો વાચક અનુભવી શકે તેવો વાર્તાનો પટ વાર્તાકાર દર્શાવી શક્યા નથી, આસ્વાદતાની ચરમ ક્ષણો વાર્તામાં ક્યાંક ખૂટતી જણાય છે. વાર્તાનો કથક જાણે પોતાના અનુભવજગતને આલેખવામાં વધારે સમય રોકતો અનુભવાય છે. આપણી જૂની વાર્તાઓની શૈલી જેવી જ વાર્તાઓ લાગે. ઘટનાનું એવું જ ભાવનાત્મક આલેખન અને સ્ફોટક અંત એ બધું વધુ પડતા નાટ્યાત્મકતાના ભારરૂપ લાગે તેવું છે. લાંબી કથાને ટૂંકમાં દર્શાવવાની ખામીને કારણે સમગ્ર કથાનો તંતુ કોઈ નિશ્ચિત સમયનું નિરૂપણ બતાવી શકતી નથી. જેમ કે ‘અન્તરાલ’ વાર્તામાં આ અનુભવ થાય છે જેમાં બે પાત્રો એકબીજા પ્રત્યેના યોગ્ય ભાવ-પ્રેમને પરસ્પર અનુભવે એવા આંતરસંબંધને વાર્તાકાર દર્શાવી શક્યા નથી. સંદર્ભના અભાવમાં વાચક આરકે અને આભા વચ્ચેના સંબંધના કશાય નામ વગરના પ્રેમભાવને અનુભવી શકતો નથી. અહીં માત્ર પાત્રોની આંતરિક સંવેદના દર્શાવી વાર્તાકાર અટકી જાય છે. આરકેનો પત્નીથી દૂર થવું, મા વગરની દીકરી, આભાથી હંમેશાં દૂર રહેવાની પરિસ્થિતિ, જીવતરનો ભાર ઘસડતી પરિસ્થિતિનો આલેખન કરતી બાબતોથી વાર્તા ભરાઈ ગયેલી લાગે છે. જે ઉચિત રીતે સમગ્ર વાર્તામાં ભળી શકે તે રીતે વિનિયોગ નથી પામી. ‘અપ્રત્યાશિત’ વાર્તામાં લગ્ન કરેલ અખિલ કુંવારી ગોપીને છેવટે આઘાત આપે છે. અંતે નિર્ણય લેવાની ગોપીના જીવનની કશમકશની ક્ષણે પોતે પરણેલ છે એવો ખુલાસો કરે છે. ગોપીના લગ્ન પછી અખિલ તેમના ઘરમાં પોતાને અપ્રત્યાશિત અનુભવે તેવા સંવેદન સાથે ભાવક જોડાઈ શકતો નથી. અખિલની પાયા વિનાની આ વાયવ્ય સંવેદના કશો જ પ્રભાવ પાડી શકતી નથી. એથી, લગ્નબાહ્ય સંબંધોનું સંકુલ વિશ્વ લેખક સર્જી શક્યા નથી. ‘એક અજાણ્યું પંખી’માં વાર્તાનાયિકા મીતા કહે છે કે ‘ના હવે એ કોઈના પણ આશ્રય હેઠળ રહેવા ઇચ્છતી નથી.’ એવો સ્વકીય નિશ્ચય લેતી નાયિકા પણ પછવાડે પાછી પ્રણવને અર્જન્ટ તાર કરાવડાવે છે તો અહીં તે પ્રણવને ઝંખે છે તો આવો નિશ્ચય કેમ છે? એવું વાચકને ફરી લાગે એટલે વાર્તા અહીં વાચકને ફેરવિચાર કરાવે પણ પ્રણવના મૃત્યુના સમાચાર સાંભળી સળગી ઊઠતી અને પ્રણવની ઝંખનામાં ઝૂરતી નાયિકાના રૂપમાં મીતાની સંવેદનાનું ચિત્ર દોરવા જતાં આપણા વાર્તાકાર રંગપૂર્ણ માનવીય સંવેદનાઓ દર્શાવવામાં ઝાંખા પડ્યા એવું લાગે છે. ‘નીરવ નદીને કાંઠે’, ‘કાગળ’, ‘અંતર’ આ ત્રણેય વાર્તાઓ સર્જકની સ્ત્રી-પુરુષોના જીવનવિષયક સામગ્રીથી લખાયેલી છે. જોકે આ વિષયની વાર્તાઓ અગાઉ પણ ઘણી બધી આપણે ત્યાં લખાતી રહી છે. યોગ્ય શૈલી કે ભાષાના ઉચિત વિનિયોગ વગર વાર્તાપટ પર પસાર થતાં વાર્તાઓમાં સંબંધો એ પણ કોઈ નામ આપી શકાય તેવા નથી અને એકલતામાં ભીંસાતાં, હતાશાના માહોલમાં, પીડા ઇત્યાદિમાં રહેલાં પાત્રોને કલાત્મક રીતે વાર્તાકારે મૂકવાનો આયાસ કર્યો છે એવું લાગી આવે છે. ‘તુવેર લચકાલોળ’ વાર્તામાં વાર્તાનાયક ચંપાકાકી તરફ આકર્ષાય છે પરંતુ અંત સુધી જતી વાર્તામાં વાર્તાનાયક કે ચંપાકાકી બંને પાત્રનું વ્યક્તિત્વ સ્પષ્ટ ચિત્રિત થતું નથી. ધારી અસર ઉપજાવવા વાર્તામાં ખાસ્સાં એવાં કલ્પના વાર્તાકારે લીધાં છે. વાર્તાનાયક અને વાર્તાકથક અહીં વારંવાર સેળભેળ પામતા લાગે છે એટલે બંનેમાંથી કોણ ચંપાકાકી તરફ આકર્ષાય છે તે નક્કી નથી કરી શકાતું. ‘કુહાડાના ટચકા’, ‘કંકુવર્ણો દેહ’, ‘આંખોમાં કશુંક ઝળહળ’, ‘ઘીના દીવાની જ્યોત સરખા’ એવાં કલ્પનોથી વાર્તા ઉઠાવ પામી નથી. વાર્તાનાં પ્રારંભમાં મોટરના કાચમાંથી ડોકાતા ભૂતકાલીન સમયમાં લઈ જતાં દૃશ્યોથી થોડી નવીનતા લાગે પણ પછીથી વાર્તાવહેણ મંદ લાગે છે. ચંપકલાલ અંતર્ગત વાર્તાકારે ત્રણ વાર્તાઓ સમાવિષ્ટ કરી છે : ૧. અનંતપથ, ૨. તણખલું, ૩. માયાવિની. જેમાં ‘અનંતપથ’ અને ‘તણખલું’નું વિષયવસ્તુ એ સામાન્ય લાગે છે; જ્યારે અનંતપથ વાર્તાના વાર્તાવસ્તુમાં અલૌકિક સુગંધ દ્વારા આવવાવાળી વ્યક્તિની હાજરીસૂચક વાતો વણાય છે, જેની ઝંખના કરી છે તે અદૃશ્ય એવા સ્પર્શ પામવા માટે ખેંચાતી જતી ક્ષણોમાં અનંતપથ દેખાય છે. આધ્યાત્મિક પુટ આ વાર્તામાં આપવામાં આવ્યું છે જે જોઈએ તેની પાછળ દોડવું આ માનવીય નસીબવશ રહેતું જીવન છેવટે અનંતપથ ભણી જાય એવી રીતે વર્ણવાયું છે. સર્જકની વાર્તામાં ડોકિયું કરતી ઈશ્વરીશ્રદ્ધાનું આ તત્ત્વ અનાયાસે પણ કેટલીક વાર્તાઓમાં વેરાયેલું આપણને મળે છે એ આ વાર્તાકારનો આપણે કદાચ સ્વભાવ પણ કહી શકીએ.

Maya Vini by Pururaj Joshi - Book Cover.jpg

‘પટવર્ધન દોડે છે દરિયા તરફ’ વાર્તામાં સ્વપ્નરોગમાં રિબાતા પટવર્ધનનો દયાર્દ્ર અંત એબ્સર્ડ શૈલીમાં વાર્તાકારે નિરૂપ્યો છે. વાર્તાનાયક સપનામાં જે જુએ છે તે તેને સાચું બનતું વાસ્તવિક જીવનમાં અનુભવે છે ત્યારે પોતાના પરિવારને મૃત્યુ વિશે પણ જાણવા છતાં તે બચાવી શકતો નથી અને છેવટે પોતાના જીવનવિષયક બાબતો વિશે પણ જાણતા એના વિશેની કરુણાંતિકા પણ એના જીવનમાં સર્જાય છે. જુદા જુદા વળાંક પર ગૂઢ રહસ્યને લઈને આવતી આ વાર્તા રસપ્રદ છે. એક વાચક અને ભાવક તરીકે સૌથી વધારે આકર્ષક અને કલાત્મક જણાય તેવી વાર્તાઓમાં ‘અંધારું’, ‘ઘાસ’ અને ‘પગલાં’ને ગણાવી શકાય. વાર્તાનાં પાત્રો, પરિવેશ, ભાષા અને કથન અહીં ખૂબ સુંદર રીતે આલેખાયાં છે. ‘અંધારું’ વાર્તાની વાર્તાનાયિકા કોલગર્લ અંધારામાં રિબાતા સ્વયમ્‌ના અસ્તિત્વને પ્રકાશ તરફ લઈ જવા ઇચ્છે છે, એ અર્થમાં એ અંધારા કરતાં પ્રકાશ એટલે કે દિવસની ઝંખના કરતી જણાય છે. યુદ્ધના પરિવેશમાં રચાયેલી આ વાર્તામાં જરૂરી એવા અંધારાને આ વાર્તામાંથી વાર્તાકારે બાકાત રાખ્યું છે એ વાર્તાકારની આગવી નિરૂપણશૈલી ગણી શકાય અને એ અર્થમાં વાર્તાકારની સર્જનાત્મકતાનો પરિચય પણ થાય. વૈભવી જીવન વચ્ચે પણ જીવનનો ખાલીપો અનુભવતી નાયિકાના જીવનમાં પણ અંધારું ડોકિયું કરતું અનુભવતી બતાવી છે. સતત ભયમાં જીવતી નાયિકાના જીવન પર અંધકાર તોળાતો દેખાય છે. જે ‘રીંછની જેમ વળગતો અંધકાર’, ‘બોઝિલ અંધકાર’, ‘કાળા ડિબાંગ ખડક સમો અંધકાર’, ‘વર્ણ પર ખારાશની છાલક મારતો અંધકાર’ જેવા શબ્દોથી સર્જકે આલેખ્યો છે. છેવટે જીવનમાં થાકી હારેલી નાયિકા સ્વયમ્‌ને અંધકારને સોંપી દેતી દેખાય છે અને તેને માના ગર્ભમાંના અંધકારને ઝંખતી બતાવાઈ છે, ‘અંધારું ત્યારે માથે ફરતા માના હાથ જેટલું મમતાળુ લાગે છે.’ આકાશને આંબવાના, પામવાના અને તારો બનીને પ્રકાશવાના સપનામાં રાચતી નાયિકા જીવન ગુમાવી બેસી અંધકાર સમા ખાલીપામાં સપડાઈ ગયેલી દેખાય છે, એ સમયે બાળપણની સ્મૃતિઓનો સુખદ સ્પર્શ અનુભવતી ને સ્વયમ્‌ને દૂર ભાગી જવાના પ્રયત્નોમાં બતાવી છે. આ સમગ્ર ક્ષણોનું વાર્તાકારે ખૂબ સુંદર આલેખન કરી બતાવ્યું છે.

Zurapo by Pururaj Joshi - Book Cover.jpg

‘ઘાસ’ વાર્તાના આરંભમાં વેદનાપૂર્ણ કાળા ખડતલ માણસના નકામા શ્રમને નિરખતો ‘હું’ કેન્દ્રમાં છે, પણ વાર્તાને અંતે ઘાસ કાપતાં કાપતાં વૃદ્ધ થયેલા મજૂરના મૃત્યુથી આઘાત અનુભવતો ‘હું’ પોતે ઘાસ કાપવા લાગે છે. આ પળનું એબ્સર્ડ શૈલીમાં પીડાપૂર્ણ નિરૂપણ વાર્તાકારે કર્યું છે. ‘હું’ ઝનૂનપૂર્વક સતત ઘાસ કાપવા લાગે છે ને શ્રમમય જીવનનો અંત આણે છે. આ અંત નાયકે એટલી સૂક્ષ્મતાની સંવેદનાથી અનુભવ્યો છે અને એ રીતે ક્યાંય જાતને પરિસ્થિતિની સાથે સાંધી શકતો નથી એ રીતે આલેખ્યો છે. વાર્તાકારની ભાષાશૈલી અહીં આકર્ષક લાગે છે, “જોઉં છું તો કાળા માણસે ફરશીને વીંઝીને તમામ ઘાસ કાપી નાખ્યું છે. ક્ષિતિજ સુધીની ભૂમિ એકદમ સાફસુથરી થઈ ગઈ છે. એમાં હજારો હળ ચાલે છે, વાવણી થાય છે અને જોતજોતાંમાં તો ચાસે ચાસે લીલાછમ છોડ ઊગી નીકળે છે. છોડ પર દૂધમલ દાણાવાળાં કણસલાં ડોલે છે. ઉપર નીલા આકાશમાં કલરવ વેરતાં પંખીટોળાં ઊડે છે અને ફરશી નહીં દાતરડા ફરે છે. ખચ્ચ ખચ્ચ ખચાક્‌ ડુંડાના ડુંગરા ખડકાય છે” ‘પગલાં’ વાર્તામાં કોઈક અનિશ્ચિત કારણથી નિર્જન ટાપુ પર આવી ચડેલા એક માણસની એકલતાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. મનુષ્ય મનુષ્યની સંગતિને ઝંખે છે એ અર્થમાં ટાપુ પર પ્રકૃતિ હોવા છતાં તે પોતાને એકલો અનુભવે છે. કોઈકના ટાપુ પર પગલાં દેખાતાં બાવરો બની જતો દેખાય છે, “એનાં પગલાંની સરખામણીમાં આ પગલાં સાવ જુદાં પડતાં હતાં. ઉપર સુરેખ આંગળાં અને પંજાની છાપ અને પાછળ નાનકડી પ્હાનીઓ. “પગલાંનો અવાજ અને એ સાથે વરસાદી તોફાનનો રાત્રી સમયનો અવાજ અને તેમાં અનુભવાતા કોમળ અવાજમાં પગલાંની શોધ એ મૃત્યુ તરફ ધકેલાતા વાર્તાનાયકના જીવનને દર્શાવવતું સુંદર કલાત્મક નિરૂપણ લેખકે કર્યું છે. રૂપકશૈલીમાં વાર્તા અહીં સુંદર ઉઠાવ પામી છે. ‘માયાવિની’ અને ‘ઘરવટો’ વાર્તા કોઈ ચોક્કસ કથનતત્ત્વમાં આલેખાયા વગર સીધી ધરી પર ફરીને વિરમી જાય છે. ‘ઘરવટો’ વાર્તા ‘દસમો દાયકો’ સામયિકમાં પ્રગટ થયેલ. જેમાં વાર્તાનાયિકા ‘ઘરવટો’ વાર્તામાં મોકળાશભર્યા ઘરની ઝંખનામાં છેવટે કોઈ નિર્ધારિત ગંતવ્ય પર પહોંચતી બતાવી નથી. પાત્રો જાણે કૃત્રિમ રીતે ઉપસાવેલાં હોય એવું અનુભવાય છે. ‘છત્રી’ વાર્તા ફિલ્મનાં દૃશ્યો જેવી નિરૂપણરીતિથી આલેખાઈ છે. સમગ્ર વાર્તામાંથી પસાર થતાં એવું લાગે કે છત્રીના પ્રતીકનો વિનિયોગ કરી છત્રીની જરૂરિયાત ન જણાતાં એ જેમ પડી રહે અને ચોમાસું આવતાં છત્રીની જરૂરિયાત રહે તેમ વાર્તામાં અડધું ચોમાસું વીત્યા પછી હવે નવી છત્રીની શું જરૂર તેમ અડધું વિધુર જીવન વિતાવ્યા પછી નવી વ્યક્તિની જીવનમાં હવે શું જરૂર છે? એવા મનોમંથનમાં પસાર થતા વાર્તાનાયકને તરશીભાઈ દ્વારા બીજા લગ્ન માટેનો પ્રસ્તાવ એ આ વાર્તાનું મૂળ કથાનક છે. છત્રીનું પ્રતીક વિધુર જીવનને દર્શાવવા આયાસપૂર્વક જોડેલું છે તે જોઈ શકાય છે. નવીન લગ્નજીવન પછી થોડા સમયે પુત્રનું અવસાન, પત્નીનું અવસાન અને તરસીભાઈ દ્વારા તેની સમજાવટ તેમજ અગાઉ મહાપૂનમના મેળામાં જોયેલ પોતાના મનભાવન ચહેરાનું સ્મરણ, આટલાં કથાનકો વચ્ચે સર્જકે નાયકનાં મનોસંવેદનોમાં પ્રવેશ તો કર્યો છે પણ તેની સાથે તાદાત્મ્ય સાધી શક્યા નથી એટલે વાર્તા અનુભવગમ્ય બનતી નથી. ‘બેડી’ નામે નવેમ્બર-ડિસેમ્બર ૧૯૯૭ના ‘ખેવના’ સામયિકમાં પ્રગટ થયેલી વાર્તાની વાત કરીએ તો વાર્તાનાયક રઘુ મૂળે નાસ્તિક છે, જેના પિતા કર્મકાંડી બ્રાહ્મણ છે. પાડોશમાં યજમાનવૃત્તિ ન કરી શકેલા બ્રાહ્મણોનાં વર્ણનો વચ્ચે ચોપડી વાંચતો અને સરસ્વતીચંદ્રના અમાત્યના પ્રસંગમાં અટવાતો અને એ રીતે નાયિકાને પોતાના વાસ્તવિક જગતની નાયિકા ફુલાદે વચ્ચે અનુબંધ અનુભવતો દર્શાવાયો છે, પણ રઘુ છેવટે કશાય સ્થાનમાં સ્થિર દેખાતો નથી. અહીં વાર્તા કોઈ આરોહ-અવરોહ વિના સીધા પટ પર વિરમી જાય છે. આ ઉપરાંત ઓગસ્ટ-સપ્ટેમ્બર ૧૯૯૧માં પ્રગટ થયેલી ‘ચકી અને ચંપકલાલ’ વાર્તામાં પણ ચકી અને ચંપકલાલનો સંવાદ બતાવ્યો છે. જેમાં વર્તમાનમાં પછડાતો ચંપકલાલ છેવટે ચકલીને કંઈ માતબર કહી શકે તેવો નથી રહ્યો. એ અર્થમાં આ વાર્તા સામાન્ય કહી શકાય તેવી છે. સર્જકનો કોઈ નવોન્મેષ તેમાં દેખાતો નથી. વાર્તા હંમેશાં કહેવા સાંભળવાની વસ્તુ છે એ સાચું છે પરંતુ એ જોવા જાણવાની વસ્તુ પણ છે. એનું જેમ કથન થાય તેમ તેનું આલેખન પણ થાય. એક હતો રાજા એક હતી રાણી એવા કથનની : આ રાજા છે આ રાણી છે, એવા આલેખનથી રજૂ કરીએ તો તે અદૃશ્ય બને, તે માત્ર સાંભળવાની વસ્તુ ન રહે બલકે બધી જ્ઞાનેન્દ્રિયોનો વિષય બની શકે, કથન સમયમાં હોય છે તેથી કહેવાયેલું વહી જાય છે જ્યારે આલેખન અવકાશમાં હોય છે તેથી તેનો પુનઃ પુનઃ બોધ મેળવી શકાય છે. એ રીતે જોવા જતાં પુરુરાજની વાર્તાઓમાં એક દૃશ્યાત્મક ચિત્ર ખડું કરવાની અને સંગીતમય તત્ત્વ ઊભું કરવાની ખાસિયતો ખાસ આપણને દેખીતી છે, આ જ વાત એમની વાર્તાઓમાં ક્યાંક ક્યાંક ગુણરૂપે પણ છે તો ક્યાંક મર્યાદા અને દોષરૂપ પણ બની જાય છે. એવું કેટલીક વાર્તાઓના વાચન અને મનનથી કહી શકાય.

પ્રા. અઝીઝ છરેચા
શ્રી ટી. એમ. એસ. ડી. મહિલા આટ્‌ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ,
આદિપુર (કચ્છ)
મો. ૭૬૦૦૧ ૪૧૮૯૨