ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/પ્રવીણસિંહ ચાવડા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
વાર્તાકાર પ્રવીણસિંહ ચાવડા

અજય રાવલ

GTVI Image 121 Pravinsinh Chawda.png

પ્રવીણસિંહ ચાવડાનો જન્મ ૧૯૪૫ના પીલુદરા ગામે તાલુકો જિલ્લો મહેસાણામાં થયો હતો. એમણે અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ. ૧૯૬૯ કર્યું. ૧૯૬૯થી ૭૮ સુધી વિસનગર સુરત અને મોડાસાની કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. ૧૯૭૮થી ૧૯૯૭ સુધી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના જુદા જુદા હોદ્દા ઉપર વહીવટી કામગીરી કરી. તેઓ ૧૯૯૭થી ૨૦૦૩ સુધી ગુજરાત જાહેર સેવા આયોગના સભ્ય રહ્યા. હાલ સેવા નિવૃત્ત અને સર્જન પ્રવૃત્ત એવા પ્રવીણસિંહ ચાવડા પાસેથી ૧૧ વાર્તાસંગ્રહો, ‘જગુભાઈનો પુનર્જન્મ’ લઘુનવલ, ‘બાળ લેખકની આત્મકથા’ નામે સંસ્મરણો, અને ‘મારો એડિનબરાનો પ્રવાસ’ એ પ્રવાસનિબંધ પુસ્તકો પ્રાપ્ત થયાં છે. એમના વાર્તાલેખન માટે ધૂમકેતુ પારિતોષિક ગુજરાતી સાહિત્ય પરિષદનું રામનારાયણ પાઠક ‘વનદેવતા’ને ગુજરાતી સાહિત્ય પરિષદનું શ્રેષ્ઠ વાર્તાસંગ્રહનું પારિતોષિક આ ઉપરાંત જુદા જુદા પાંચ સંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીના પારિતોષિક પ્રાપ્ત થયા છે. પ્રવીણસિંહ ચાવડાએ ગુજરાતી વાર્તામાં કરેલા પ્રદાનની નોંધ લઈને એમના વાર્તા વિશેષોને દર્શાવવાનો પ્રયાસ છે. પ્રવીણસિંહનું વાર્તા લેખન બે તબક્કાઓમાં વહેંચાયેલું છે. વાર્તા લખવાનું નાની ઉંમરે શરૂ થયેલું, એ વાર્તાઓ ૧૯૬૨થી ‘આરામ’, ‘સમર્પણ’, ‘નવનીત’ જેવાં સામયિકોમાં પ્રકાશિત થયેલી. એની સંખ્યા પચાસ જેટલી છે. એ વાર્તાઓ ગ્રંથ સ્વરૂપે મૂકી નથી એ વાર્તાલેખનનો પહેલો તબક્કો, પછી વાર્તા લેખન નોકરીના લીધે છૂટી ગયું. ફરીથી વીસ વર્ષના અંતરાલ પછી ૧૯૯૭માં ‘જન્મ,’ વાર્તા સાથે જ લેખનનો બીજો તબક્કો શરૂ થયો. વાર્તાકારે નોંધ્યું છે એ મુજબ, ‘ત્યારથી ચારે બાજુ વાર્તાઓ જ દેખાય છે. વાર્તાકાર વાર્તામાં વિશ્વાસ રાખે છે.’ વાર્તાકાર માને છે કે, ‘જેમ પૂર્વ તૈયારી ઓછી એમ વાર્તા વધારે સારી બને છે કારણ કે એને વિકાસની તક મળે છે. નકશા ઉપરથી બનતા મકાનની જેમ વાર્તા તૈયાર ચોસલાં મૂકીને ચણવામાં આવતી નથી, પણ વૃક્ષની જેમ એને કાગળ ઉપર ઉગાડવામાં આવે છે. એક ડાળી આમ ફૂટી, બીજી પેલી તરફ, વળી કૂંપળો અને પાંદડાં ઉપર પક્ષીઓ પણ આવીને બેસે છે, કારણ કે એ પણ વૃક્ષનો જ ભાગ છે ...આ પ્રક્રિયામાં અરાજકતા નથી. મૂળ અને સ્થળ સાથેનો સંબંધ તો એવો જ હોય છે.’ તેથી આજ સુધી સતત સર્જનરત રહીને વાર્તા લખતા રહ્યા છે. પ્રવીણસિંહ અનુઆધુનિકતાવાદી વાર્તાકારોમાં સંખ્યાની દૃષ્ટિએ સૌથી વધારે વાર્તા લખનાર વાર્તાકાર છે, તો, ગુણવત્તા માટે પણ સહૃદયી ભાવક વિવેચકોમાં આગવું સ્થાન ધરાવે છે. અહીં પ્રવીણસિંહની વાર્તાસૃષ્ટિનું આકલન કરી નિરીક્ષણો આપવાનો પ્રયત્ન છે. એટલે એના વિષયવૈવિધ્ય અને નિરૂપણરીતિની દૃષ્ટિએ આ વાર્તાઓ કેવી છે? એ દર્શાવી વાર્તાકારની વાર્તાકળાની સમગ્રલક્ષી સમીક્ષા પ્રસ્તુત છે. ગુજરાતી વાર્તામાં પ્રવીણસિંહ ચાવડાનું પ્રદાન : ૧. સુગંધિત પવન, ૧૯૯૮ (૨૧ વાર્તાઓ) ૨. નવું ઘર, ૧૯૯૯ (૨૩ વાર્તાઓ) ૩. નાટકપાત્રનો પ્રવેશ. ૨૦૦૧ (૨૫ વાર્તાઓ) ૪. વનદેવતા, ૨૦૦૨ (૨૧ વાર્તાઓ) ૫. ત્રિમૂર્તિ, ૨૦૦૪ (૧૮ વાર્તાઓ) ૬. એવું ઘર મળે, ૨૦૦૫ (૧૭ વાર્તાઓ) ૭. ભજન નિર્ગુણી, ૨૦૧૧ (૨૧ વાર્તાઓ) ૮. નમ્રતાના સાહેબ, ૨૦૧૨ (૨૧વાર્તાઓ) ૯. પવન કુમારી ૨૦૧૫ (૨૦ વાર્તાઓ) ૧૦. હઠીસિંગની સ્ત્રી, ૨૦૧૭ (૧૮ વાર્તાઓ) ૧૧. જૂની સિતારનો સોદો, ૨૦૧૮ (૧૮ વાર્તાઓ) આ ઉપરાંત, ૧. ચૂંટેલી વાર્તાઓ, પ્રવીણસિંહ ચાવડા ૨૦૧૯ ચયન : પ્રવીણસિંહ ચાવડા ૨. પ્રવીણસિંહ ચાવડાની વાર્તાઓ, સંપાદક : નરેશ શુક્લ, ૨૦૨૧ આ બે વાર્તાસંપાદન પ્રાપ્ત થાય છે. પ્રવીણસિંહના ‘સુગંધિત પવન’થી ‘જૂની સિતારનો સોદો’ સુધીના સંગ્રહોમાંથી પસાર થનાર ભાવકને પ્રતીતિ થાય છે કે આ વાર્તાકાર પાસે ક્યારેય વિષય ખૂટ્યા જ નથી, એટલું વૈવિધ્ય કે, અચમ્બિત થવાય. તો, સાતત્ય પણ એવું જ આજે ૨૦૨૪ સુધી! આ વાર્તાકાર પાસેથી ૧૧ સંગ્રહમાં ૨૨૩ જેટલી વાર્તાઓ પ્રાપ્ત થાય છે. ૨૦૧૮ પછી તેમનો વાર્તાસંગ્રહ નથી આવ્યો, પણ, સામયિકોમાં વાર્તા સતત પ્રકાશિત થતી રહી છે. અનુઆધુનિકતાવાદી વાર્તાકારોમાં સંખ્યાની દૃષ્ટિએ સૌથી વધારે વાર્તા આ વાર્તાકારની વાર્તાઓ છે. પ્રથમ વાર્તાસંગ્રહ ‘સુગંધિત પવન’, ૧૯૯૮, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અમદાવાદમાંથી પ્રકાશિત થયો. આ સંગ્રહમાં ૨૧ વાર્તાઓ છે. ‘મીરાણી’ ૧૯૯૨માં લખાઈ અને મે-૧૯૯૭ ‘પરબ’ સામયિકે પ્રગટ કરી. એ સિવાયની બધી જ વીસ વાર્તાઓ એ જ વર્ષે લખાઈને એ જ વર્ષના ‘પરબ’, ‘નવનીત-સમર્પણ’, ‘ઉદ્દેશ’, ‘ઇન્ડિયા ટુ ડે’, ‘અખંડ આનંદ’, ‘ગદ્યપર્વ’, ‘શબ્દસૃષ્ટિ’ વગેરે સામયિકોમાં પ્રગટ થઈ. ‘એનો રાજમહેલ’, રાજમહેલમાં ઑફિસમાં પટાવાળા મોહનની પુત્ર શંકરને આ રાજમહેલ છે ને, તે અમારો છે. એમ કહેતા શંકરનું બાળમાનસ માની લે છે અને ભાઈબંધોને કહે, અને પછી શંકર પણ ત્યાં જ પટાવાળા તરીકે જોડાય. પટાવાળાની નોકરીના પહેલા દિવસે એને થાય છે કે, એનો છોકરો ક્યારેય ભાઈબંધોને નહીં કહે કે જુઓ, પેલો અમારો મહેલ! આ ભ્રમનિરસન સરસ વાર્તારૂપ પામ્યું છે.

GTVI Image 122 Pravinsinh Chawda Books.png

‘ઓળા’, સર્વજ્ઞ કથનથી પિતાપુત્રના સંબંધની સંકુલતાને પ્રગટાવે છે. બાપના મરણ પછી અંતિમવિધિ કરવાની ના પાડતા પુત્ર બે વીઘાંનું ખેતર ગિરવે મૂકી નાત કરે છે! જીવતા બાપે તરછોડી દીધો તો પણ પોતે પોતાના દીકરાને વ્હાલ કરે છે એવો સૂચક અંત બાપનો પડછાયો નથી બનવું એવું સૂચવી રહે છે. ‘ચાકરી’ વાર્તા મિહિરના ઘરને સાચવતી ઉગમ એની સાથે અંગત સંબંધે બંધાય છે પણ મિહિરની બદલી થતાં એ રડી પડે છે. મિહિરને સાચવી લેતી ઉગમ એની વિદાય વખતે હાજર નથી રહેતી. મિહિરને મૂકવા આવેલ ઉસ્માન જ્યારે કહે છે ‘બહુ લાયક બાઈ છે... આની પહેલાં ચંપાવત સાહેબની પણ ખૂબ ચાકરી કરી હતી.’ ત્યારે શીર્ષક ‘ચાકરી’નો નવીન અર્થસ્ફોટ થાય છે. એક વિલક્ષણ વાર્તા. ‘મીરાણી’ મા પાસે લોકગીત અને મરસિયાનો ભંડાર છે. મા અને ભાઈના અવસાનને હૈયામાં દબાવી બધા ગીતો કંઠમાં સાચવી પુત્ર સાથે ગામમાં જીવન વ્યતિત કરે છે. એના જીવનમાં વળાંક આવે છે. એક યુવાન સંશોધન કરી રહ્યો છે એ આવે છે મીરાણીનો કંઠ સજીવન થાય છે, એના મા અને ભાઈને યાદ કરી ગળામાંથી મરસિયું વહી નીકળ્યું. ‘તમે તો કુંવર હસતાં હસતાં ઘોડે ચડ્યા અને નાગલા અમને ડંસ્યા મારા... રાજ!’ કાલે સવારે આવીશ કહી છોકરો ચાલ્યો ગયો. બીજા દિવસે બપોરે, ઓચિંતા એને જ મરસિયા ગાવા કોઈ તેડવા આવે છે. જ્યારે એને જાણ થાય છે એ ફૂલ પરથી આવે છે એ જ યુવાનનું મૃત્યુ થયું હતું. જેને કાલે તો મરસિયા સાભળ્યાં હતાં એની અસર કે બીજું એ સંદિગ્ધતા પછીનો અંત જુઓ : મીરાણી બારણાને પકડીને ઊભા રહ્યા. પછી એમની નજર પગ નીચેની ઓકડીઓ, ચૂલો અને ઘર વચ્ચે પડેલા ખાટલા ઉપર થઈ પાછળ વાડામાં ગઈ. ત્યાં ઝાડ નીચે હજુ કેસૂડાનાં ફૂલ હતાં, ટગર..ટગર.. આવા આઘાતક અંત પાસે વિરમે છે. શાસ્ત્રોનું જ્ઞાન મનસુખલાલના દીનકી જેવી યુવતીને લીધે આવતું ઝડપી પરિવર્તન એના ભાગી જવાની સાથે જતું રહ્યું. આરંભે મનુ પછી મના ને મનહર એમ ઝડપથી પહોંચતી દીનકી એક દિવસ ઊડી ગઈ એ હળવી રગમાં જે રીતે કથન થાય છે એથી આ વાર્તા ધ્યાન ખેંચે છે. પારેવડા, લાચારી જેવી સારી વાર્તાઓ આ સંગ્રહમાં છે. આ સંગ્રહની એકાધિક વાર્તાઓમાં માનવમનની સંકુલતાઓ આલેખાય છે, તો સ્ત્રી પુરુષ સંબંધના જુદાં જુદાં રૂપ ચાકરી, શાસ્ત્રોનું જ્ઞાન, લાચારી, પારેવડા, મીરાણીમાં જોઈ શકાય છે. તો કેટલીક વાર્તા ચાખડી ચડીને, સુગંધિત પવન, ઉઘાડ સામાન્ય વાર્તાઓ છે જે ભાવકના ચિત્ત પર છાપ છોડતી નથી. આ પછી પ્રવીણસિંહ બીજા જ વર્ષે બીજો સંગ્રહ ‘નવું ઘર’ વર્ષ ૧૯૯૯માં પ્રગટ કરે છે. જેમાં ૨૩ વાર્તાઓ છે એમની સર્જકતા જેમાં ધ્યાનપાત્ર બને છે એવી વાર્તા છે – લેણિયાત, પોટલું, ચોર, વિશાખાનો ભૂતકાળ, વિઝિટ, નવું ઘર વગેરે. લેણિયાત ગ્રામપરિવેશમાં આકાર લેતી વાર્તા છે. શિવરામભાઈ ભગા પાસે પંદર વર્ષ પછી પાછો આવે છે ત્યારે ગામ પંચાત કરવા આવે છે. ભાભી એમને કાલે બધાં આવજો કહી પાછા મોકલે છે. ભગો પૂછે છે ભાઈને હવે શું કામ આવ્યાં? શિવરામ : મરવા! ને થયું એમ જ. શિવરામનું અવસાન થયું તો આખું ગામ વિદાય આપે છે! વિધિ વક્રતા ન સમજાતાં ભગો પૂછે આ બધું શું થાય છે? માસ્તરનો જવાબ : આગલા જન્મનો લેણિયાત હશે, બીજું શું? સરસ વાર્તા. જ્યુબિલી બાગમાં, પિતા પુત્રના સંબંધના અંતરને જુદી રીતે મૂકી આપે છે. પિતાએ બીજા લગ્ન કર્યાં છે એનો વસવસો છે એ અપરાધભાવથી પીડાય છે પણ પત્ની વિષે વાત કરી શકતો નથી. વિશાખાનો ભૂતકાળ : વિશાખાના ભૂતકાળને ગોપવીને રાખતા વાર્તાકારે કેટલાક સંકેત મૂકી આપ્યા છે. આજે વિશાખા એકલી છે પણ એની સાથે ભૂતકાળમાં કોઈ હશે જ એમ માનતો એના ગયા પછી એ ભૂતકાળમાં એકાદ લકીર ઉમેરાય હશે એમ યાદ કરે છે. એ અનુભવ બીજી વાર ન કરવા આસપાસ એક અભેદ આવરણ છે એ રસપ્રદ છે. પોતાની એકલતામાં દરેકે ભટકવાનું હોય છે એ લાધેલું સત્ય સરસ રીતે સંવેદનસભર ભાષા શૈલીમાં મૂકાયું છે. વાર્તા કથકની સાથે વિશાખા તડફડની ભાષા જ બોલે છે, રહસ્યને ગોપવી રાખવામાં વાર્તા સફળ થાય છે. વિઝિટ : અનામી ડોશીની વર્તમાન દયનીય અવસ્થા માટે બનેલી ઘટનાનું સંગોપન કરી વિઝિટ જેવા નામે થતી હાંસી કરુણને ઘેરો બનાવે છે તો એનું નહીં જેવું અસ્તિત્વ કથક નિર્મમ બનીને કહે છે. ચંપકલાલના સંતાનનું અવસાન થતાં ઘરને સાચવવા ડોશીને બોલાવવામાં આવે છે. એની સાથે જે વ્યવહાર થાય છે એ કેટલીક લાઘવમાં થતી વાતથી સૂચવાય છે. ડોશીને કોઈ ફરિયાદ નથી દુનિયાની દૃષ્ટિએ દેખાતું વાસ્તવ જુદું છે. એ અતિવાસ્તવની રીતે પ્રભાવક રીતે અભિવ્યકત થાય છે, પીડા છે પણ અંદર. વાર્તા અંતે બીજા કોઈ ઘરેથી તેડું આવે છે ને કહેવાય છે. ડોશીની બીજી વિઝિટ આવી! સંવેદનહીન સમાજ અને સ્વાર્થી લોકો વચ્ચે ડોશીનો એકાકી અવાજ સાવ જુદો છે. એનું સંવેદનશીલ આલેખન આ વાર્તાની વિશેષતા છે. ચોર વાર્તા સ્વાતિના મનોસંચલનોની સારી વાર્તા છે અંતે મનનો ચોર કોણ છે એ સ્ફોટ થઈ જાય છે. નવું ઘરમાં સુવર્ણાના સંવેદનવિશ્વને ખોલે છે એની આરંભની સંવેદનહીન અવસ્થાનાં કારણોનો જવાબ મળે છે. સ્ત્રી નામનો ભાવને તાગ લેતી આ વાર્તા નોંધપાત્ર છે. છેલ્લી વાત, ન્યાય, વાર્તા લખને વગેરે વાર્તાઓ સામાન્ય છે. પછી બે વર્ષના અંતરાલે ત્રીજો સંગ્રહ – નાટક પાત્રનો પ્રવેશ ૨૦૦૧માં પ્રકાશિત થાય છે આ સંગ્રહમાં ૨૩ વાર્તાઓ છે . ‘બદામી રંગનો કોટ અને છત્રી’ કીર્તિ અને આગન્તુકના અનામી સંબંધનો છેડો બાળપણમાં પડેલો છે એના સંકેતો મૂકતાં વાર્તા ગતિ કરે છે. પીડાને દાઝવા સાથે સહસંબંધકથી જોડીને પીપળે ખાવાનું મૂકીને જાણે પિતાને તર્પણ કરતી નાયિકાના ચિત્તનું આલેખન કરતી આ વાર્તા કથનશૈલી અને સંકલનથી ખૂબ જ નોંધપાત્ર બની જાય છે. તો બદામી રંગનો કોટ અને છત્રી પ્રતીક બને છે. ‘માફી’ : પિતા પુત્રીના સંબંધની સંવેદનભરી વાર્તા છે. શિસ્તનો અતિ આગ્રહ રાખતા પિતાનો કડક સ્વભાવનો વિરોધ પુત્રી આશા કરે છે, દીકરીનાં લગ્ન નકકી થતાં પિતા બદલાય છે પણ આશાના મનમાં પિતાની એ જ છબી છે અંતે, વિદાય વખતે ‘જૂની ઘસાયેલી ચંપલમાં તૂટેલા નખવાળા બે પગ એને મળી ગયા. ખાસી વાર ત્યાં હાથ મૂકી રાખી ઊભા થતાં એનાથી બોલાઈ ગયું પિતાજી હું આપની માફી માગું છું.’ આવો અંત ભાવકને સ્પર્શી જાય છે. ‘રંગોની રમત’ વાર્તા પ્રથમ પુરુષ એકવચનના કથનકેન્દ્રથી કહેવાય છે કૃતિકા નામ સાંભળી એની છબી કલ્પીને રંગ ભરતો રહે છે, કૃતિકા મળતી નથી. એક માહિતી મળે છે એ તો આદિવાસીઓની સેવા કરવા ગઈ છે. બે-એક વર્ષ પછી અચાનક એક યુવતી મળે છે અને પૂછી બેસે છે તમે કૃતિકા શાહ? યુવતી કહે છે, ‘ના, હું રાધિકા શાસ્ત્રી.’ વાર્તાના અંતે આવે છે કે લગ્ન પહેલાં કે પછી રાધિકાએ મને ક્યારેય પૂછ્યું નથી કૃતિકા શાહ કોણ. પૂછશે તો કહીશ- તું. રાધિકાના વ્યક્તિત્વ આલેખતી આ વાર્તા રંગોની રમત છે પણ ભીતરી રંગોની રમત. નાટક પાત્રનો પ્રવેશ મૃત્યુનો સીધો પ્રવેશ ન કરાવીને સંકેતો વડે આવે છે એથી એ જુદી પડે છે. રેડિયો પણ નોંધપાત્ર વાર્તા છે. જો કે હજુ સમય છે એ વાર્તા સામાન્ય બની રહે છે. ત્યારબાદ બીજા વર્ષે ચોથો સંગ્રહ ‘વનદેવતા’ ૨૦૦૨માં આવે છે આ સંગ્રહમાં ૨૧ વાર્તાઓ છે. ‘માણેકગઢની લડાઈ’, અંગ્રેજ સામે લડાઈ, ભૂતકાળને સાચવી લેવા કાકાબાપુની મથામણ છે ભત્રીજા રણુભાને એનો ઇતિહાસ લખાવવો છે પણ એ ઇચ્છા એમના અવસાન સાથે અધૂરી રહે છે. ‘માણેકગઢની લડાઈ પૂરી થઈ!’ પણ વાત પૂરી થતી નથી. એમ લડાઈ પણ પૂરી થતી નથી. સામંતશાહી વાતાવરણ અહીં સરસ રીતે આવે છે તો વિગત કાળ અહીં ચીતર્યા છે દાક્તરનું વર્ણન કે અંધ જમાલ મીરની ગાયકીનાં વર્ણન હૂબહૂ થયાં છે. ‘ઉત્તરાર્ધ’, માધવ અને પ્રાચી એકમેકને ચાહે છે. પણ માબાપની ધમકીથી માધવ પાછો હટે છે, પ્રાચી એથી તૂટી જાય છે. આ પૂર્વાર્ધ પછીના ઉત્તરાર્ધથી પ્રાચીની મા રાજુલબેન અને માધવ મળી જાય છે ત્યાંથી વાર્તા શરૂ થાય છે. માધવનાં લગ્ન બીજે થયાં છે. માધવ પ્રાચીની વાત કરે છે – ફોન પર એની સાથે વાત થયેલી – મા જાણી જાય છે પ્રાચીની તબિયત સુધારાનું કારણ ને, એને ભય જન્મે છે એની દીકરી કોઈની ઉપપત્ની બની રહેશે. આમ વાર્તા હવે દીકરીની નહીં પણ માની બની રહે છે. વાર્તા માવજત અહીં મહત્ત્વની બને છે. ‘અંતિમ અધ્યાય’, રાજકીય કટાક્ષને આલેખે છે. જગુભાઈને વિધાનસભાની ટિકિટના સમાચાર મળ્યા ત્યારે એ તો ગામના બસસ્ટેન્ડ ઉપર બસની રાહ જોતા હતા. આરંભે કટોકટી અહીં છે તો પાટનગરની કટોકટી પછી જગુભાઈના પુનર્જન્મને ભલામણ, ભરતી, ભ્રષ્ટાચાર હાસ્ય કટાક્ષથી આલેખાય છે, એ રસપ્રદ છે. યશુનુ આગમન એમાં એક પરિમાણ ઉમેરે છે. રાજકારણને એના ભ્રષ્ટ વ્યવહારને આલેખતી આ વાર્તાને પ્રવીણસિંહે પછી ‘જગુભાઈનો પુનર્જન્મ’ લઘુનવલ તરીકે વિકસાવી છે. ‘મુક્તિ’ વાર્તામાં નાયિકાના ભૂતકાળના પ્રેમસંબંધ અને વર્તમાનના દામ્પત્યજીવનને સાથે મૂકીને નાયિકાની સંકુલ ભાવદશાને પ્રગટાવતી વાર્તાકારની વિષય માવજત ધ્યાનપાત્ર બને છે. એક બાજુ પ્રેમી વારંવાર ફોનથી પ્રસન્ન દામ્પત્યજીવનમાં આવ્યા કરે છે એનાથી અકળાય છે ને તો પણ એ ફોનની રાહ જોયા કરે છે! આ સંબંધને એ જાળવવા માંગે છે અંતે ખાતરી થાય છે વાસ્તુ વખતે આવેલો ફોન છેલ્લો છે ત્યારે મુક્ત થતી નાયિકાની સ્થિતિ કેવી છે? આંખમાં આંસુ છે. આ ઉપરાંત ‘વનદેવતા’ માતા પુત્રીના વિશિષ્ટ સંબંધને આલેખતી સરસ વાર્તા છે. દીકરીના કથનથી વાત બાની કહેવાય છે. સાથેસાથે ટીચરની વાત સમાન્તરે કહેવાય છે કિશોરવયના માનસને આલેખતી આ વાર્તા ટીચરના બીજા પુરુષ સાથેના સંબંધને જોતી આ કિશોરીને એની ઓળખ ‘વનદેવતા’ તરીકે છે. વર્ષો પછી એ પરણવા પત્નીને માતાને બધાને મળવા આવે છે ને એ વખતે એને થાય છે – એને એના વનદેવતા મળ્યા નથી. બે સ્ત્રીઓની એક જેવી પરિસ્થિતિ પણ સન્નિધિકરણથી સર્જાતી અલગ જ અંત પાસે વાર્તા વિરમે છે. દીકરી બાકી જરાક વધારે નજીક જાય છે! આ ઉપરાંત ચાક્ષુષ ઉપનિષદમાં વાસુદેવની લગ્ન ન કરી શકવાની પીડા હળવી રીતે કહેવાય છે પણ કરુણનો આછો સ્પર્શ ભાવકને ભીંજવે છે એ રીતે આ નોંધપાત્ર વાર્તા છે. ત્યાર પછીનો પાંચમો સંગ્રહ ‘ત્રિમૂર્તિ’ ૨૦૦૪માં પ્રસિદ્ધ થયો. એમાં ૧૮ વાર્તાઓ છે. શીર્ષક વાર્તા ત્રિમૂર્તિ – વાર્તા દીકરીના કથનકેન્દ્રથી માતા પ્રોફેસર પિતા અને એની શોધછાત્રા અનુરાધાના સંબંધોનું સંવેદનશીલ આલેખન છે. ઇતિહાસના વિદ્વાન પ્રોફેસર પાસે પીએચ.ડી. કરે છે. એ દરમિયાન વધતો સંબંધ પત્નીથી અછતો નથી, બલ્કે એ સ્વીકારી લીધું છે જો સાહેબ અને શિષ્યા રિસામણાં થાય તો પુત્રી પાસે સુલેહ કરાવે છે. વાર્તામાં વળાંક ત્યારે આવે છે કે જ્યારે અનુરાધા મિ. શેષાદ્રિ સાથે લગ્ન કરે છે. જે પ્રોફેસર માટે અસહ્ય બને છે અને ઇતિહાસલેખનનો ગ્રંથ અધૂરો રહી જાય છે, જાણે જીવન પૂરું થઈ જાય છે. કથનશૈલી અને અવકાશથી આ વાર્તા નોંધપાત્ર બની છે. ‘ઇતર વાચન’ પ્રો. કશ્યપ અને લાયબ્રેરીયન અસ્મિતા જોષીપુરાના અધૂરા રહી જતા પ્રેમસંબંધની વાર્તા છે. પુસ્તક આપ-લેથી શરૂ થતી વાત મિસ જોષીપુરાના શુષ્ક જીવનમાં થોડો સમય જાણે વસંત લાવે છે એ કશ્યપ માટે લાગણી બતાવે છે, નાસ્તો લાવે છે ઘેર પણ બોલાવે છે. કશ્યપને જાણ થાય છે કે એના પિતાને સ્મૃતિભંશ થયો છે, માતા કહે છે તમે એમને મંદિરે લઈ જવા કયારે આવશો? કશ્યપને લેખ પૂરો થતાં ચોપડીઓ પરત કરતાં હવે કોઈ નવા વિષયમાં રસ નથી? કોઈ અવાવરુ ખંડ ઉઘાડી, ભમરીઓને ઘર તોડી, નવાં કબાટોને નથી ભેટવું? અહીં તો એવાં જાદુઈ પુસ્તકો છે, એવા પણ છે જેની સામે ઘૂંટણે પડી હાથ જોડી બે માણસો સાથે રડી શકે. અંતે જાણ થાય છે કે-કલ્પિત પુસ્તકોની ઉઘરાણી માટે કોઈ કશ્યપને ઘેર કે કૉલેજ ઉપર આવી ચડ્યું નહીં. ઇતર વાચન એ શીર્ષક વ્યંજનાના સ્તરે ખૂલે છે. સંવેદનાસભર વાર્તા. આ ઉપરાંત કોઈના નસીબમાં શીઘ્રતા છે તથા બર્થ સર્ટિફિકેટ એ સારી વાર્તાઓ છે. છઠ્ઠો સંગ્રહ ‘એક એવું ઘર મળે’ ૨૦૦૫માં આવ્યો. એમાં ૧૭ વાર્તાઓ છે. આમ પ્રથમ સંગ્રહથી સાતત્યપૂર્ણ લખતાં અને પુસ્તક સંગ્રહની સંખ્યા ૧૨૬ને આંબી ગઈ જે પ્રવીણસિંહ ચાવડાની સર્જકતાને દર્શાવે છે. ‘ભૂંસાવું’ પિતાના મિત્રની સોમી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં જવાના કાર્ડ નિમિત્તે નાયક પિતાની અને ભાઈઓની ભૂલાઈ જતી સ્મૃતિરેખાને ટુકડેટુકડામાં પામે છે, એને થાય છે કે દત્તકાકા પાસે જ હવે સ્મૃતિ હશે પિતાજીની. એ આશયથી ત્યાં પહોંચે છે તો એકલું લાગે છે. કાકાના પુત્ર પુત્રીને મળી, કાકાને મળે છે પણ કાકાએ એને ન ઓળખ્યો. ને અંતે તો ‘એકલા વૃદ્ધ હસતાં હસતાં બે બાજુ શૂન્યમાં હાથ લંબાવ્યે જતા હતા. નાયકને ભ્રમ થાય છે એક આકૃતિ હસતી, હાથ હલાવતી એ આકૃતિ પાછળ સરવા લાગી. પિતાની હયાતીનું, ભૂંસાવાની પીડાનું સંયત આલેખન થયું છે. નાયકની સ્મૃતિમાં પિતાની ખંડમાં વિભાજિત છબી પ્રગટે ને એ જ પાછી ભૂંસાય એમ ભૂલાય પણ એનો અપરાધભાવ પણ અહીં આછો આછો આલેખાય છે. ‘ઠાકોર સાહેબ અને યવની’, એક વિશિષ્ટ સંબંધની વાર્તા છે. આદિવાસી યુવતીને યવની નામ આપતા ઠાકોર સાહેબ વખત જતાં યવનીના જતીન સાથે એના સંબંધને ગોઠવાઈ જાય એવી સૂચના કૌશલ્યાને આપે છે. ત્યારે પિતા પુત્રીના સંબંધનું એક પરિમાણ વાચકો આગળ ખૂલે છે. ‘જાદુઈ પર્વત’, ‘એક એવું ઘર મળે’ એ પણ નોંધપાત્ર વાર્તાઓ છે. ત્યારબાદ છ વર્ષના વિરામ બાદ સાતમો સંગ્રહ ‘ભજન નિર્ગુણી’ નામે ૨૦૧૧માં આવે છે આ સંગ્રહ ૨૧ વાર્તાનો છે. ‘અડધી રજા’ ભૂતકાળમાં પ્રેમ કરતાં પ્રેમી વર્ષો પછી મળે. પુરુષ વિધુર, વૃદ્ધ થયો છે. સ્ત્રી પ્રોફેસર છે પતિ સી.એ. છે. દીકરી જર્મની ભણે છે. સવારે કૉલેજે જવાને બદલે નગરમાંથી પસાર થઈને હાઈ વે સુધી જાય છે નગર બદલાયું છે. જૂની જગ્યા યાદ કરે છે. અને યાદ કરે છે એ છેલ્લી મુલાકાત એમાં સાથે રહેવાનાં વચન આપેલ એ બધું જ ફરી જીવે છે. પણ એ પુરુષને ઘરે બોલાવી શકતી નથી. આ પીડા અવ્યક્ત છે! સ્ત્રી પાસે સમય છે કૉલેજે જઈ અડધી રજા મૂકવાનો એવો અણધાર્યો અંત પીડાને બેવડાવે છે. ‘ઉનાળાનું પંખી’ સૂર્યબાળાની કરુણ કથની કહે છે. એક કોડભરી કન્યા તેજ વગરની પ્રૌઢા બની જાય એનું નિરૂપણ ઘેરા રંગમાં થયું છે. આમ તો ફોઈની દીકરી પરંપરા મુજબ થતાં લગ્ન અને પછી મેટ્રિકની પરીક્ષા નિમિત્તે વિધવા બેન સાથે થતો અચાનક મેળાપ નાયક માટે આઘાતક છે. એનું આંસુ કથાના ગાલને ભીંજવે છે એ એના ચોકવાળા હાથને પંપાળે છે. ‘શિખર પરિષદ’ વાર્તામાં હેમુ મહેશ્વરી અને કાર્તિકના સંબંધનો ત્રિકોણ છે. હેમુ અને મહેશ્વરીનાં લગ્ન થઈ ગયાં છે. રહ્યો એકલો કાર્તિક. આજે એ ત્રણ મળે છે શિખર પરિષદ યોજાય છે. મહેશ્વરીને સમજવા મથતો કાર્તિક, હેમુની કાર્તિક પ્રત્યેની લાગણી અપૂર્ણ પ્રેમના આવાં કેટલાંક ચિત્રો અહીં આલેખાયેલાં છે. જેવી નોંધપાત્ર વાર્તાઓ છે. પછીના વર્ષે આઠમો સંગ્રહ ‘નમ્રતાના સાહેબ’ ૨૦૧૨માં પ્રસિદ્ધ થયો. એમાં ૨૧ વાર્તાઓ છે. ‘સ્મરણયાત્રા’માં એકવારનો શિષ્ય આનંદ રેલ્વેની નોકરીના થાકને દૂર કરવા, પ્રો. જાનીસાહેબને મળવા આવે છે. ગુરુ પથારીએ સ્મૃતિભ્રંશ અવસ્થામાં છે. એથી સ્મરણ યાત્રા તો થાય છે પણ પીડાદાયક સ્મરણ યાત્રા. જેની પરાકાષ્ઠાએ ગુરુપત્ની ભાનુબેનના પ્રેમલગ્નની વાત અને એથી જન્મેલો અસંતોષ એ અચાનક વ્યક્ત થઈ જાય છે ને આનંદ આશ્ચર્ય અનુભવે છે. અંત સૂચક છે પુત્રી અચાનક આવતાં ‘માતા પુત્રી વેદનાના કિલ્લામાં બાપ અને આનંદની આંખો ગુરુજી પર પડી. સંવાદ થયો, મનોમન ગુરુજીના ચહેરા પર આછું હાસ્ય ને આનંદનો મોક્ષ થયો.’ શીર્ષકનો એક અર્થ ભાનુબહેનની પણ સ્મરણયાત્રા! ‘નમ્રતાના સાહેબ’ પ્રોફેસર શાસ્ત્રી અને વિદ્યાર્થિની નમ્રતાના પ્રેમ સંબંધની દીર્ઘ વાર્તા છે. બન્ને વચ્ચે ઉંમરનો તફાવત પછી આ સંબંધ સર્વસ્વ છે. ‘અભયદાન’ વાર્તા શુભા સાથે થયેલા બે પ્રસંગને આલેખીને પોલીસવાળા મદદે આવે છે, પણ પરિચિત એવી પ્રૌઢા મિસિસ ગૌતમ એનો વિપરીત અર્થ કાઢીને એની સાથે છેડછાડ કરે છે! એનો પ્રતિકાર કરે છે ત્યારે શિખામણ આપે છે, ‘જે થયું તે થયું... કોઈ શું સમજે, કેવો અર્થ કરે!’ શુભા કહે છે, ‘તમે અર્થ કર્યો ને?’ નવા જ વિષયની સુંદર માવજત. વરવા વાસ્તવમાં આવી મદદ મળવી એ જ અભયદાન એવો અર્થ પ્રગટ કરતું શીર્ષક પણ સરસ. ફરી ત્રણ વરસના અંતરાલે નવમો સંગ્રહ ‘પવનકુમારી’ નામનો ૨૫ વાર્તાઓનો સંગ્રહ ૨૦૧૫માં આવે છે. ‘ઉડવાની રીતો’ તોળાતા મૃત્યુને વિષય બનાવતી આ વાર્તા સર્જકતાના સ્પર્શે પ્રભાવક બની છે. પિતરાઈ ભાઈ વિક્રમ કેન્સરગ્રસ્ત એના ઇલાજ નિમિત્તે મુંબઈ પ્રવાસ અને ડૉક્ટરે આપેલી અંકે કરી ફ્લેશબેકમાં વિક્રમની વિગતો કહેવાય છે. દરિયે જતાં કથક અને વિક્રમની વાતોમાંથી કેન્સરગ્રસ્ત દર્દીની અવદશા વચ્ચે એક માણસ – હડફડ કરતી ભેખડ અમારી પાસેથી પસાર થઈ અને એનો સપાટો લાગ્યો – એને જોઈને વિક્રમ પૂછે છે : મારી નાખી, તોડી નાખુ-માણસોમાં આટલો ઉત્સાહ ક્યાંથી આવતો હશે? એ જાણે છે કે આ શરીર કેવું નાશવંત છે. એને દરિયો જોઈને એમાં કૂદકા મારે છે. આવી રહેલા મૃત્યુની સામે કથકને આ અગાઉ ઊડવાની રીતોના બનાવો યાદ આવે છે પંખીની માફક, પતંગની માફક, છેવટે ફ્લેટના ધાબે... અંત કરુણ છે ત્રણેક મહિના પછી એક બપોરે, એના વૃદ્ધ મામાની હાજરીમાં ડચકાં ખાતાં, પગ ઘસતાં ખૂબ હીણપતભરી રીતે ગયો. કથકની પ્રતિક્રિયા છે : કેવો દરિયો અને શાનું આકાશ! સરસ વાર્તા. ‘પવન કુમારી’ યુવાનીમાં પ્રવેશતો કથાનાયક મોટાભાઈ અનુભાઈને ત્યાં બોર્ડની પરીક્ષા નિમિત્તે રહે ને ભાઈ જેને ચાહતા હતા એ પવનકુમારીના સંપર્કમાં મૂકાય અને એના પ્રત્યે માન અનુભવે છે આગળ અભ્યાસ પછી એની અચાનક મુલાકાત પવનકુમારી સાથે થાય એ ટૂંકી મુલાકાત પછી એના મિત્રના મિત્રે પવનકુમારી વિશે ખૂબ ખરાબ વાત કરી એના આઘાતથી એ મનોમન વિચારવા લાગે છે મારા માટે પવનકુમારીની જે છબી છે એ જ સાચી અને સાચી કાલ મારા માટે વ્યક્ત કરેલી લાગણી એ જ સાચી ખૂબ જ નોંધપાત્ર છે.’ ‘મકાન વેચવાનું છે’માં અમેરિકાથી મકાન વેચવા ત્રણ વીક માટે ઇન્ડિયા આવતા માણેકલાલની કથા વ્યંગાત્મક રીતે કહેવાય છે. ઇન્ડિયાથી અમેરિકા જતા ભારતીયો અને ગુજરાતીઓની માનસિકતાને માણેકલાલના પાત્ર વડે હૂબહૂ વ્યક્ત કરી છે. માણેકલાલ અને વેવાઈ દિલીપભાઈના તદ્દન જુદા વ્યક્તિત્વને લીધે થતો સંઘર્ષ, મકાનની ઘરવખરી કાઢતાં માણેકલાલની કચકચ અમેરિકા બેઠાબેઠા સતત રસ દાખવતી પુત્રી લીના અને પુત્રવધૂ નિમિષા અમેરિકાથી પ્રભાવિત માણેકલાલની અમેરિકન વર્તણૂકને પહેરવેશ હાસ્યકટાક્ષથી રજૂ કરી છે. મકાનની ઊંચી કિંમતને લીધે મકાન નથી વેચાતું માણેકલાલ પણ યોગાસેન્ટર ખોલવાના મનસૂબા સેવે છે, માણેકલાલ જ ચાલી નીકળે છે દેહ છોડીને. કોઈ આવતું નથી ખરેખર તો પોતાનું કહી શકાય એવું કોઈ હતું નહીં – જે વાતો કરી હતી એ ઉપજાવી કાઢેલી હતી. એક માત્ર લાલો જ ખરેખર દુઃખી હતો. એની આંખો ભીની થઈ હતી. એવા અંત પાસે વાર્તા પૂરી થાય છે. ભાષાશૈલીનું એક ઉદાહરણ જુઓ સવારે સાડા ત્રણે સ્વદેશાગમન, સાડા પાંચે ગૃહપ્રવેશ અને સાડા સાત વાગ્યે તો ગૃહત્યાગની તૈયારી. મકાન વેચવાનું મિશન લઈને આવ્યા છે એટલે શરૂઆત ભંગારથી કરી દીધી. એકલતા અને પોકળતાની અને ઊભી કરેલી કાલ્પનિક દુનિયા અંતે ખુલ્લી પડી જાય છે! જનારી : એક અનાથ કિશોર અને એક વિધવા યુવાન સ્ત્રીના ભાગ્યપલટાની કથા છે. સુમિત્રા ગામની વિધવાને ગામમાંથી જવું પડ્યું ને ગામલોકોએ એનો તિરસ્કાર કરતાં જનારી નામ પાડી દીધું. એનો સ્નેહઝંખતો બાબુ વસવસો કરતો રહ્યો, આવજો કહેવાય ન રહ્યા! એ જ સ્ત્રી ગામ માટે – જ નારી હતી. અચાનક એ બાવીસ વર્ષ પછી ગામમાં આવે છે અલપઝલપ કિશોરમાંથી મોટાસાહેબ બનેલા કાર્તિકને ગાડીમાં જતો જોયો અને એના ઘરે પત્ની વંદના અને પુત્ર દેવદત્ત પર વ્હાલ વરસાવી આશીર્વાદ આપી નીકળી જાય છે. રાત્રે ઘેર પાછા ફરતાં કાર્તિકને એ જાણ થતાં એને પસ્તાવો થાય છે પત્ની આશ્વાસન આપે છે કે એ આવશે ત્યારે કાર્તિક કહે છે’ તને ખબર નથી તું એ સમાજ, એની ભાષા, એના શબ્દોની તાકાત નથી જાણતી. એ થોડી શાવનારી છે? એ તો જનારી છે. ‘એક બાજુ નિર્વ્યાજ સ્નેહ અને બીજી બાજુ તિરસ્કાર! એવા બે અંતિમો આબાદ આલેખાયા છે. યાયાવર તખતગઢના આ મૂળ રહીશના પુત્રના અવસાન નિમિત્તે ખરખરો કરવા જતા વિનુભાઈ અને રણજિત જાય છે આખા તખતગઢના આ સ્મૃતિમાં સાચવી બેઠેલા વિનુભાઈનું પાત્ર વિલક્ષણ છે તો વાર્તા અંતે રણજિત અને વિનુભાઈને મળે છે જયરામભાઈનો નાનોભાઈ આત્મારામ એ રણજિતના મોટાભાઈ ત્રિલોકના મિત્ર છે એ રણજિતને દશેરાએ યોજાયેલી ઘોડાદોડનો ફોટો આપે છે એ ત્રિલોક જે એને સપનામાં આવતો હતો! જેને બાવો બની ગયો એમ માનતા હતા એ આટલા વર્ષો પછી યાયાવર બનીને આ રીતે મળ્યા! એવી અતીતરાગી વાર્તા જુદી છે. ૨૦૧૭માં ‘હઠીસિંગની સ્ત્રી’ નામે દસમો સંગ્રહ આવે છે, આમાં ૧૮ વાર્તાઓ છે. ‘હવામાં લટકતી સ્ત્રી’ પિયર ઘરને ભાઈએ વેચી માર્યું એની સાથે જોડાયેલી યાદો વડીલોની છબીઓ હયાત માણસોના ફોટોગ્રાફ આ ઉપરાંત એક ભાવવિશ્વ જાણે ગયું એનું સમાધાન વેચાયેલા મકાનની મુલાકાત પણ છેવટે એ પણ ગયું ને આ સ્ત્રી હવામાં તરી રહી. નાજુક સંવેદનવિશ્વને સંવેદનસભર રીતે આલેખાયું છે. ભાઈની વ્યવહારિકતા અને બેનની લાગણીશીલતાનો વિરોધથી ઊભો થતો તણાવ સરસ રીતે આલેખાયો છે. ભાષાની તાજગી પાસે અટકવું પડે; ‘સામેના ઘરના છાપરા પર બેઠેલાં કબૂતર એની આંખોના પાણીથી પલળી ગયાં.’ વાર્તામાં અવકાશ અને સંકલન ધ્યાનપાત્ર છે તેથી એક બાજુ સ્વાર્થ અને બીજી બાજુ આ દુનિયા ગુમાવવાની પીડા સંયત રીતે આલેખાય છે. શીર્ષક એ દશાને પ્રગટ કરે છે. ‘દૂત’ વાર્તામાં નાયિકાના ચિત્તની અકળ લીલા આલેખી છે ભૂતકાળને ઢાંકીને વર્તમાન જીવન વ્યતિત કરતી શિક્ષિકા આરંભે આગંતુકથી અકળાય છે પણ પછી ક્રમશઃ એને થાય છે કે આવનાર નિર્દોષ છે અંતે સંબંધે બંધાતી હોય એવી ભાવસૃષ્ટિ આસ્વાદ્ય છે. વાર્તાકારે સંવાદનો કાર્યસાધક વિનિયોગ કરીને ભૂતકાળ વર્તમાનને એક કરી દીધા છે. કથનકળા અને વસ્તુ સંકલન ખૂબ જ નોંધપાત્ર છે અંતે નવા સંબંધ તરફ જતી ગતિ એને જ આભારી છે આવી માવજતથી વાર્તા નોંધપાત્ર બને છે. આ ઉપરાંત ‘પરિશિષ્ટ’ અને ‘હઠીસિંગની સ્ત્રી’ પણ નોંધપાત્ર વાર્તા છે. બીજા વર્ષે અગિયારમો સંગ્રહ ‘જૂની સિતારનો સોદો’ શીર્ષકથી ૨૦૧૮માં પ્રગટ થાય છે, જેમાં ૧૮ વાર્તાઓ છે. ‘જૂની સિતારનો સોદો’ સર્વજ્ઞ કથનકેન્દ્રથી કહેવાયેલી એક વિલક્ષણ વાર્તા. શૈલાને પપ્પા સાથે રવિવારે ફરવાની મજા આવે છે. રવિવારે નિવૃત્ત બૅન્ક ઑફિસર રાવસાહેબને મળવા જાય છે તેઓ સિતાર વગાડે છે એને બંધ કરવાનું કહે છે, પણ શૈલા એને રોકે છે. રાવસાહેબને થાય છે આ તો સાક્ષાત્‌ સંગીતનાં દેવી. શૈલાના પપ્પા કાર્તિકભાઈને નવાઈ લાગે છે નિવૃત્તિમાં પ્રવૃત્તિ એમાંય સિતાર? એ ક્યાંથી લાવ્યા એ પડપૂછથી વાર્તા આગળ ચાલે છે. સિતાર નવી નથી પણ જૂની લીધી એ સોદાની વાત રાવસાહેબના કથનથી આપણી સમક્ષ આવે છે ‘ત્રણ હજાર’ અને ખરીદનાર કહે છે ‘તમે કહી તે કિંમત બરોબર છે.’ ‘તો પછી?’ ‘થોડા વધારે આપો તો સારું. મારે.. જરૂર છે.’ પાંચ હજાર આપ્યા. હવે શૈલાને સવાલ થયો એ સ્ત્રીએ સિતાર કેમ વેચી હશે? એનો કોઈ પૂરો જવાબ તો ન મળ્યો લઈ જાઓ... લઈ જાઓ... થોડા રૂપિયા વધારે આપો.. તો સારું... એ જવાબ સંગીત ગણી શકાય નહીં એવી વાસ્તવ સામે ભાવક શૈલા માફક વિમાસતો ઊભો રહી જાય એ વાર્તાકારની વાર્તાકલાને કારણે. ‘ગેસ્ટ બેડરૂમ’ વાર્તા વિધિ અને અભય નામનાં દંપતીની છે. એ હિમાલયની તળેટીમાં નોકરી અર્થે આવે છે અને ઘરમાં બધી સગવડ સાથે ગેસ્ટ બેડરૂમ બનાવે છે અને એ રિઝર્વ્ડ રાખે છે એ કોના માટે એ રહસ્ય ગોપિત છે! કેટલાક સંકેત જરૂર મૂકવામાં આવ્યા છે. વિધિ ચૌદ-પંદરની હતી એ વખતે પ્રથમવાર મજાકમાં એના લગ્નની વાત કાઢવામાં આવી એ વખતે આંખોમાં પાણી આવી ગયાં હતાં આ સંવેદન સાચવીને કહેવાય છે. વિધિ ગેસ્ટબેડરૂમ બનાવે છે એને પુસ્તકોથી સજાવે છે અને દેવતાની રાહ જુએ છે મનોમન. વાર્તા આગળ વધે છે બહેનબનેવી, સાસુસસરા આવે છે એનું આતિથ્ય કરે છે અંતે અભયના મિત્રોનો ટેલિગ્રામ આવે છે એને ક્યાં ઉતારો આપવો એ વિચારવું પડે એમ હતું કેમ કે ગેસ્ટબેડરૂમ તો જુદો જ રાખવાનો હતો જેથી – વિધિ એ રૂમમાં ગઈ ત્યારે ગીત ગાતી ગઈ પણ ત્યાં જતાં જ એ બંધ થઈ ગયું. ધૂળનો પટ બધે લાગી ગયો હતો. અત્યાર સુધી રૂમ ભર્યોભર્યો હતો તે ખાલી ક્યારે થઈ ગયો? સંતાડી રાખ્યું હતું તે ખોવાઈ ગયું અને પોતાને ખબરે ન પડી. વિધિના સંબંધોને સમાપ્ત થયાની ઝીણી વેદના સંયમિત રીતે આલેખાય છે સુંદર વાર્તા. એક નહીં લખનાર વાર્તા વિશે નોંધ એની કથનરીતિને લીધે વિલક્ષણ વાર્તા બની રહે છે. દીપ્તિને નાયક માટે સહાનુભૂતિ હતી એને એક સંવાદ આપી એના પર વાર્તા લખવાનું સોંપ્યું હતું અને પછી વિમુખ થઈ ગઈ હતી. પછી કથાનાયકે એને જોઈ હતી પતિબાળકો સાથે.. કથાનાયકના એની સાથેના ભૂતકાળના બનાવો યાદ આવે છે. એ વાતોડિયણ હતી એમાં દાદાનું સ્થાન આગવું હતું એની અઢળક વાતો દીપ્તિ કરે છે એમાં એક છે પેટ કરતાં મોટી ભૂખ હૃદયની અને એક રીતે જોઈએ તો – આમાં ઊભી થાય છે – પરભુભૈ અને નબદાની વાર્તા. દાદા પ્રભુમાં અને પડોશમાં રહેતા મોટાભાઈના વિધવા ભાભી નર્મદા. દિયરભોજાઈ સંવાદ કરે : પરભુભૈ હો, નબદા રસોઈ થઈ જઈ? હૉરે! ‘આજે ચેવાં તેવા પકવાન બનાયા એ કહો, હેડ અઢી આટાની અને ખડભાશિયં આ! પૌત્રી દાદાના આજીવન ખંડમાં નથી જતી એ કામ વાર્તા લેખકને સોંપે છે. દાદા નાની ઉંમરે વિધુર થયા હતા. ગામડે એકલા રહેતા હતા. લેખક એની વાર્તા માંડે છે. દાદા એકલા હતા પણ એકાકી નહોતા. એને નર્મદાનો સથવારો હતો. એની વાત કહેવાય છે. વાર્તાલેખકને થાય છે મનુષ્યની જરૂરિયાત કેટલી પોઢી જાઓ સુખ રાત કરો. એક સંદેશો આવે મનુષ્યની પ્રેમઝંખના અને આટલીક પ્રાપ્તિ એ જ સુખ. સંબંધોની સંકુલતાનું એક સ્વરૂપ આ પણ. અહીં બોલીનો વિનિયોગ ધ્યાનપાત્ર છે. ઉત્તર ગુજરાતનું ગામ, એની ખડકીનો પરિવેશ ઊભો થાય છે. વાર્તા વિશેષતાઓ  : પ્રવીણસિંહ ચાવડાની વાર્તાઓ જીવન વિષયક છે એ જીવાતા જીવનને જુએ છે એના વાર્તાલોકમાં સંવેદનાઓનાં વિધવિધ રૂપો છે એમાં માનવ ચિત્તની સંકુલતા છે સંબંધોની ગલીઓમાં વાક વળાંક એની ભંગુરતાને કળારૂપ આપે છે. પ્રવીણસિંહ ચાવડાની વાર્તાઓનાં મુખ્ય થીમ છે પ્રેમ અને મૃત્યુ. આ બંને થીમની અનેક વાર્તાઓ આપણને મળે છે. પ્રેમ જીવનસંજીવની છે એને પામવા મનુષ્યની મથામણોએ મળતાં થતું સુખ અને ન મળતાં થતો સંતાપ કેટલીયવાર આવે છે. અડધી રજા, ઇતર વાચન જેવી વાર્તાઓ તો, મૃત્યુ મનુષ્યની માત્રની નિયતિએ પણ વિઝિટ, ઉડવાની રીતો, માણેકગઢની લડાઈ, લેણિયાત જેવી વાર્તાઓ ઉદાહરણરૂપે મૂકી શકાય. પ્રવીણસિંહની વાર્તાઓ વિષયવસ્તુની રીતે કહેવું હોય તો મોટાભાગની વાર્તાઓના કેન્દ્રમાં છે માનવીય સંબંધો. પણ એના કોણ અને પરિમાણોનું વૈવિધ્ય નોંધપાત્ર કહેવાય એટલું બધું જ રહસ્ય સાથે વાર્તામાં એ આલેખતા જઈને વાર્તાને સહજ રીતે સંવેદતા સંવેદતા ભાવક એમાં વહી જાય એવી પ્રવાહી ભાષાભિવ્યકિત એમની વાર્તાઓનો વિશેષ બની રહે છે. માનવીય સંબંધોની ભંગુરતા એમને જાણ છે પણ મનુષ્યની નિયતિ છે એના વગર ન રહી શકે. નિયતિની આવી ક્રૂર વાસ્તવિકતા કે કહો કરુણમિશ્રિત સ્થિતિ-પરિસ્થિતિમાં મુકાતાં સ્ત્રી-પુરુષો એમના સંબંધોની સંકુલતાની વાર્તા અહીં મોટી સંખ્યામાં મળે છે. ‘ચાકરી’, ‘લાચારી’, ‘ઉઘાડ’, ‘શાસ્ત્રોનું જ્ઞાન’, ‘મુક્તિ’, ‘ગેસ્ટ બેડરૂમ’, ‘હું દૂર નથી’, ‘અડધી રજા’, ‘દૂત’, ‘કોઈના નસીબમાં શીઘ્રતા છે’, ‘એક નહીં લખાનાર વાર્તા વિશે નોંધ’ જેવી વાર્તાઓ એનાં દૃષ્ટાંતરૂપે મૂકી શકાય. પ્રવીણસિંહની વાર્તાઓમાંથી પસાર થતાં જણાય છે કે, આ વાર્તાકાર ભાવ સંવેદનશીલ, વસ્તુ અને જીવનદર્શનને આગવી ભાષામાં મૂકી લીલયા સર્જન કરે છે. એમની વાર્તાઓ જીવાતા જીવનમાંથી આવે છે. આસપાસ જીવાતા જીવનમાં બનતી સામાન્ય ઘટનાઓને વાર્તાકાર જુએ છે, અનુભવે છે, તો, ક્યારેક કોઈ પાસે સાંભળ્યું હોય એવી કોઈ વ્યક્તિ, ઘટના એ સામગ્રીને સ્વીકારી એમાંથી વાર્તાની શક્યતા દેખાય એવા કથાબીજને ઓળખી એને સહજ વાર્તા દેહ આપે છે. આરંભે આવેલી ઘટના અંતે જતાં એવી રીતે અર્થસ્ફોટ પામે છે કે બધી ઘટનાઓને એક કેન્દ્ર મળી જાય છે. દા.ત. ‘માણેકગઢની લડાઈ’ વાર્તા. તો, ક્યારેક અંત આગળ પૂરી થવાને બદલે ભાવકના ચિત્તમાં આગળ ચાલે છે. દા.ત. ‘જૂની સિતારનો સોદો’ વાર્તા. પ્રવીણસિંહની વાર્તાઓનું વિશ્વ નોખું છે. એ કોઈ એક જ રીતિમાં મર્યાદિત નથી. અહીં ગ્રામચેતના છે તો નગરચેતના પણ છે, એનાં નાનાવિધ રૂપો છે. સ્ત્રી-પુરુષ સંબંધોના – અને લગ્નેતર સંબંધના – તો કેટકેટલાં વાર્તારૂપો! તો અતીત રાગને વ્યક્ત કરતી સંવેદનસભર વાર્તાઓ એમની પાસેથી મળી છે. માનવીય સંબંધોને એમણે જોયા છે જાણ્યા છે એની ઉજળી કાળી બાજુને માનવીય સંબંધના કેટકેટલાં કોણ – લોહીના સંબંધ, પિતા-પુત્રના સંબંધ (જ્યુબિલી બાગમાં), પિતા-પુત્રીના સંબંધ (‘માફી’), ભાઈ-ભાઈના સંબંધ (લેણિયાતમાં), લાગણીના સંબંધ, (જનારી, મીરાણી) ક્યારેક તો નામ ન આપી શકાય એવા સંબંધો – (ઇતર વાચન, દૂત)ને વાર્તારૂપ આપ્યું છે. એકાકી અવાજ વાર્તાનો પ્રાણ ગણાયો છે, એમની વાર્તાઓમાં ‘વિઝિટ’ની વૃદ્ધા કે ‘બદામી રંગનો કોટ....’નો આધેડ એકાકી અવાજનાં આવાં વિલક્ષણ પાત્રો છે. પ્રવીણસિંહની વાર્તાઓ વિષે એક નિરીક્ષણ એવું છે કે આ વાર્તાઓમાં વાસ્તવિકતાઓનો મેદ જોવા મળતો નથી. કથનશૈલી આગવી છે, એમની વાર્તાઓમાં કહેવાય છે એના કરતાં જે નથી કહેવાયું એ રસપ્રદ હોય છે, ઘણું બધું ભાવક પર છોડતા આ વાર્તાકાર વાર્તાઓમાં સર્જનાત્મક અવકાશ રચે છે. એથી ભાવક એ અવકાશ પાસે અટકે, એને ભરવા પ્રવૃત્ત થાય છે. આમ એ પણ વાર્તાકાર સાથે જાણે સર્જનપ્રક્રિયામાં સંડોવાય છે. એના ઘણા બધાં ઉદાહરણ આપી શકાય ‘જનારી’ વાર્તાની(જનારી નામથી ઓળખાતી સ્ત્રી, ‘જૂની સિતારનો સોદો’ના સંગીતપ્રેમી સજ્જન) તરત યાદ આવે. વિષયવસ્તુ, પાત્રનિરૂપણ કેટલીક રેખાઓથી રચાતાં પાત્રો, વાર્તાના વસ્તુને અનુસાર સર્જાતો પરિવેશ, પાત્ર અનુસાર બોલાતી ભાષા વગેરેથી પ્રવીણસિંહની ભાષાશૈલી આગવી બને છે. એ પ્રવાહી ભાષા, બહુધા ટૂંકાં ટૂંકાં વાક્યોથી બનેલી હોય છે, એથી રચાયેલ દૃશ્યો, બોલાતા સંવાદો એમાંથી વાર્તાકારને લાધેલું સત્ય કહો જીવનદર્શન સહજ પ્રગટે છે. તો વાર્તાઓમાં પ્રયોગને સ્થાને પ્રયુક્તિઓની કાર્યસાધકતા વધારે દેખાય છે. આ બધી બાબતોથી વાર્તાકાર સામ્પ્રત વાર્તાકારોમાં અલગ પડે છે. પ્રવીણસિંહની વાર્તાઓની એક વિશેષતા એ છે કે એ કરુણને પણ હળવાશથી મૂકે છે. ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પાત્ર હસતાં રહે છે! જેમ કે, ‘વિશાખાનો ભૂતકાળ’માં વિશાખા. સમગ્ર રીતે કહીએ તો, એક, વાર્તા એ વાર્તા સર્જવાનું કૌશલ નાનાવિધ રીતે વાર્તાકારને સહજ છે. બે, કથન અને વર્ણનની અભિવ્યક્તિ કહો કે ભાષાશૈલી આગવી છે. ત્રણ, વાર્તાઓમાં અશેષ કથન કરતાં સર્જનાત્મક અવકાશને રચે છે તેથી ભાવકે સહભાગી બનીને વાર્તાઓના અવકાશને પૂરવો પડે એવી અપેક્ષા એમની વાર્તાઓમાં રહેલી છે. ચાર, વાર્તાઓમાં દૃશ્યાત્મકતા છે તેથી એક પ્રત્યક્ષીકરણનો ગુણ આ બધી વાર્તાઓ ધરાવે છે. આમ, પ્રવીણસિંહ ચાવડા અનુઆધુનિક સમયના એક વરિષ્ઠ વાર્તાકાર છે.

પ્રા. ડૉ. અજય રાવલ
એસોસિયેટ પ્રોફેસર
કૉમર્સ કૉલેજ ફોર ગર્લ્સ, સોલા, અમદાવાદ
વિવેચક, સંપાદક
મો. ૯૮૨૫૫ ૦૬૯૪૨
Email : ajayraval22@gmail.com