ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/બહાદુરભાઈ વાંક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
બહાદુરભાઈ વાંક :
રુગ્ણતાભર્યા જીવનને કળાથી
આલેખવા મથતો વાર્તાકાર

રાજેન્દ્રસિંહ ગોહિલ

Bahadurbhai Vank.jpg

બહાદુરભાઈ વાંક એક નોખા-અનોખા વાર્તાકાર છે. એમણે બહુધા કથાસર્જન – ‘વાર્તા’નું સર્જન કર્યું છે. વાર્તાસર્જન એ તેમનો પહેલો પ્રેમ છે. એમના ત્રણ વાર્તાસંગ્રહો ‘પીછો’, ‘વિનાયકવિષાદયોગ’ અને ‘રાફડો’માં છાસઠ જેટલી વાર્તાઓ સંગૃહીત થઈ છે. તેઓ ‘રાફડો’માં પોતાના વાર્તાલેખન માટે લખે છે તેમ – ‘વાર્તાલેખન એ મારે મન જીવનને સમજવાની-પામવાની એક આંતરયાત્રા જ છે. બધાંને મારામાં જીવતાં જોવાની અને બધામાં મને જીવતો જોવાની જાણે એક લાંબી પ્રક્રિયા જ...!’ (પૃ. ૫) એક વાર્તાકાર તરીકે એમણે એમની વાર્તાઓમાં શું તાગવા ઇચ્છ્યું છે? એ જાણવા એક જરા જુદા પ્રકારનું અવલોકન નોંધીએ. તેમની ‘વાર્તાઓ’ કે ‘વાર્તાસંગ્રહો’ની સમીક્ષા કરતા વાર્તા-વિવેચકોના લેખોનાં શીર્ષકો જુઓ – ૧. વિજયશાસ્ત્રી : કલાત્મક આવિર્ભાવ માટેની મથામણ (વિનાયકવિષાદયોગ) ૨. રાધેશ્યામ શર્મા : પ્રતીક-વિચારોનો રાફડો (રાફડો) ૩. ડૉ. રમણ પાઠક : સાવ સામાન્ય વાતની અસામાન્ય વ્યંજના વાત (૧. અધૂરી વાત ૨. સાવ નજીવી વાત ‘વાર્તાઓ’ સંદર્ભે લેખ) ૪. ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટ : એક મનોવિશ્લેષણમૂલક પ્રતીકાત્મક વાર્તા (‘ડાકલી’ વાર્તા) ૫. ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટ : દામ્પત્યજીવનના વિસંવાદની સૂક્ષ્મ ફાંસ વિદ્વાનોના ઉપલબ્ધ એવા સમીક્ષાલેખોનાં ઉપરોક્ત શીર્ષકો જોતાં તેમાં પ્રતીક, વિચારો, વિસંવાદ, સૂક્ષ્મતા, મનોવિશ્લેષણમૂલક, અસામાન્ય વ્યંજના, કલાત્મક વગેરે શબ્દોથી જ સ્પષ્ટ થાય છે કે આ વાર્તાકારે કંઈક ગંભીર એવી ‘વાર્તા-પ્રવૃત્તિ’ કરી છે. જીવનની સાવ ‘સામાન્ય’ લેખી શકાય તેવી બાબતોને ઉપાદાનરૂપે લઈ ‘અસામાન્ય’ એવું કંઈક – એ પણ ટૂંકી વાર્તાના સ્વરૂપમાં સિદ્ધ કરવા મથામણ કરી છે. આ ઉપરાંત આ સમીક્ષાલેખો જુઓ : ૬. ધીરેન્દ્ર મહેતા : સાહસ વગરનો ખેલ (‘પીછો’, ‘બચવું’, ‘ક્યાંય ગમતું નથી’ – ત્રણ વાર્તાઓ વિશેનો લેખ) ૭. ભાનુપ્રસાદ પંડ્યા : અપરાધભાવની બે આસ્વાદ્ય વાર્તાઓ (‘પીછો’ અને ‘મરવું’ વાર્તાઓ વિશેનો લેખ) ૮. ડૉ. વિજય શાસ્ત્રી : ચાર વાર્તાઓ વિશે (‘મળવું’, ‘ધુમાડો’, ‘ધાબુ’, ‘અસંગત’ – ચાર વાર્તાઓ વિશે લેખ) ઉપર ત્રણ લેખોના સંદર્ભમાં નોંધી છે તે વાર્તાઓ વિશે વાર્તાવિદોના સ્વતંત્ર આસ્વાદલેખો સાંપડ્યા છે એ જ દર્શાવે છે કે આ વાર્તાઓમાં વાર્તાતત્ત્વનું બળ છે. હવે તેમના વાર્તાસંગ્રહોની તપાસ કરીએ.

‘પીછો’ : મનોચૈતસિક ભૂમિમાં વાર્તાની રોપણી [‘પીછો’ (વાર્તાસંગ્રહ) : બહાદુરભાઈ વાંક, પ્રથમ આવૃત્તિઃ ૧૯૮૮, પૃષ્ઠ સંખ્યા : ૧૯૫, કિંમત : ૨૫-૫૦, પ્રકાશક : પ્રવીણચંદ્ર એમ. પટેલ, પ્રવીણ પ્રકાશન, લાભ ચેમ્બર્સ, ઢેબરભાઈ રોડ, મ્યુ. કોર્પો. સામે, રાજકોટ]

Pichho by Bahadurbhai Vank - Book Cover.jpg

‘પીછો’ વાર્તાસંગ્રહમાં પચ્ચીસ વાર્તાઓ સંગ્રહ પામી છે. પ્રથમ ક્રમે મુકાયેલી ‘ક્યાંય ગમતું નથી’ વાર્તામાં વાર્તાનાયક પોતે ‘આનંદ’ છે અને તેને સુશીલ-આજ્ઞાંકિત પત્ની-સંતાન – લોઢ વગરની નોકરી – બાપદાદાનું ઘર-સંપન્નતા – એમ બધું હોવા છતાં આનંદને કશું ગમતું નથી. વર્તમાન જીવનના સુખ અને સુંદરતાને માણવાનો તેનો મૂડ હોતો નથી. આ વાર્તા માણસના જીવનની અણગમતી ક્ષણોમાં ડોકિયું કરાવે છે. આનંદની એક દિવસની દિનચર્યામાં ભરાયેલા કંટાળાને વિવિધ જીવન-વર્તનોમાં ઝીલ્યો છે. ઘણી વખતે માણસનું ચિત્ત ઠેકાણે ન રહે. કામમાં મન લાગે નહિ. કામ કરવું ગમે નહિ. ‘મૂડ’ ન હોય. કામ તો ઠીક પણ જીવનના સામાન્ય વ્યવહારોમાં સુખ ન અનુભવે. બેસવું-ઊઠવું-સૂવું-ફરવું-ખાવું વગેરે પણ ન ગમે. આવી મનઃસ્થિતિજન્ય કંટાળાને વાર્તાકાર આ વાર્તામાં બખૂબી પ્રગટ કરે છે. ‘ઊંદરડો’ આવી મનઃસ્થિતિનું પ્રતીક બની રહે છે. મિત્રની હાજરી અને પત્નીની ગેરહાજરી બેયમાં સંબંધગત શૂન્યતા અનુભવતો આનંદ કશીક રોમાંચક અસાધારણતા માટે વલખે છે. રોજિંદા જીવનચક્રની જડતા અને કંટાળાથી છૂટવા મથે છે. ઊંદરડાને ટાંપી રહેતી ને છેવટે તરાપ મારી ઝડપી લેવાની આખી ઘટનામાં આનંદને ‘મજા’નો અનુભવ થાય છે એમાં ગર્ભિત સંકેત છે. ‘બચવું’ વાર્તામાં નાયકને કોઈ રોગ લાગુ પડ્યો છે. ડૉક્ટરને મળી ઍક્સ-રે સહિત તપાસ કરાવી દવાનું પ્રિસ્ક્રિપ્શન લઈ મેડિકલ સ્ટોર તરફ જવાનું-ચાલવાનું શરૂ કરે છે ત્યાંથી વાર્તા શરૂ થાય છે. ચાલતાં ચાલતાં આર્થિક વિટંબણા, જીવનની ત્રસ્તતાઓનું મંથન કરતો અને માણસો-વાહનોની ભીડભાડ વચ્ચે હડદોલા-ઠોંસા ખાતો માંડ માંડ આગળ વધે છે. ખટારાના પાછલા પૈડા નીચે કચડાઈને મરી ગયેલા વ્યક્તિને જોઈને પોતે ‘હાશ બચી.. (ગયો)’ એમ લાગે છે. પોતાની યંત્રણામાં ગ્રસ્ત નાયકને બીજાનું મૃત્યુ પણ સ્પર્શતું નથી. બલ્કે પોતે બચી ગયાનો ભાવ જન્મે છે. ખરેખર તો વાર્તામાં નાયક ક્ષણેક્ષણે જીવનમાં પ્રસરેલી મૃતઃપ્રાયતાને અનુભવી રહે છે એમાં ભારોભાર વ્યંજના છે. ‘મળવું’માં વાર્તાનાયકને તેના ઘરની સામે જ રહેતા વ્યક્તિને મળવાનું મન છે. તેને ઓળખવો છે. તેનું નામ, તેના સ્વભાવને જાણવાની ઇંતેજારી છે. વળી સામે પક્ષે પેલા અજાણ્યા વ્યક્તિને પણ આવી ઇંતેજારી થતી હશે ખરી? એ બે સામસામેના અંતિમોની વચ્ચે વાર્તા ગૂંથાતી જાય છે. મળી શકાય તેવી ઘણી તકો આવી છતાં અને નાયકની તીવ્ર ઇચ્છા છતાં પણ સામેની વ્યક્તિની ઉદાસીનતાને કારણે બન્નેને મળવાનું થતું નથી એમાં સંકેત છે ‘નિર્માનવીકરણ’નો. વાર્તાકારે સશક્ત રીતે વિડંબના તાકી છે એમ કહેવું પડે. એક વાર્તાનું શીર્ષક છે ‘રમવું’. બાળકોની વયસહજ રમતોમાં પડેલા ઊંડા સંકેતો વાર્તાને વ્યંજનાપૂર્ણ બનાવે છે. કિશોરાવસ્થામાં પ્રવેશવાની વયે સાવ ઢ જેવો ટીકુ મોટીબહેનને બાથરૂમમાં નહાતાં જોઈ જાય છે તે પછી થતી ચેષ્ટાઓ અને મૂંઝવણોનું રસપ્રદ આલેખન થયું છે. દડો, ફુગ્ગામાં પાણી ભરીને શરીર ઉપર ઘસવું, ટીણીની ચોપડી માગવી વગેરેમાં સંકેતાર્થ વિશિષ્ટ રીતે ચીંધાયો છે. ‘વિસ્તરવું’ વાર્તામાં મોહનને ખેતર, વાડી, સીમ, વગડો, વૃક્ષો, પાંદડાં, લીલોતરી તરફ અદમ્ય ખેંચાણ છે. બીજી બાજુ પિતાજી બળજબરી અને જોહુકમીથી તેને સારું ભણતર મેળવવા શહેરમાં મોકલવા માગે છે. મોહન શહેર જાય છે તે પછી પિતાજી પેલા ખેતરને બિનખેતી કરી પ્લોટ પાડી વેચીને શહેરમાં સાતમે માળે ફ્લેટ ખરીદે છે. ખેતર વગર જીવી નહિ શકે એવા ખ્યાલથી ફ્લેટની અગાશીમાંથી કૂદકો મારી દે છે. પુત્રની સ્વભાવની પ્રકૃતિ અને ખુશી ન સમજી શકનાર પિતાની મહત્ત્વાકાંક્ષા પુત્રને અકાળે મોત તરફ ધકેલી દે છે એમાં કરુણતા છે. ‘અબોલા’ વાર્તામાં અપૂર્વ અને અચલા દંપતીમાં કોઈ નાની વાતે તિરાડ પડતાં બોલવાનું બંધ થયું છે. રોજિંદી દિનચર્યા અને ગતિવિધિ ચાલતી રહે છે એમાં બેયનું મૂંગાપણું પણ વિસ્તરતું રહે છે. વાર્તામાં લંબાણ અને શિથિલતા ધારી ચોટ નિપજાવતી નથી. ‘એક શાપિત શહેરનો દસ્તાવેજી અહેવાલ’માં ‘અમરપુરી’ શહેરના વહેલી સવારથી રાત અને મકાનથી માણસ સુધીનાં વિવિધ શબ્દચિત્રો વર્ણવાયાં છે. ગદ્યશૈલી એવી છે કે આ વાર્તા મને નિબંધ લાગી છે. અમરાપુરી એટલે વૈકુંઠ જ્યાં મૃત્યુ પામેલા માણસો ગતિ પામે છે. અહીં શહેરમાં રહેતા-જીવતા માણસના મૃતઃપ્રાય જીવનને વર્ણવાયું છે. ‘સળવળાટ’ વાર્તાનો નાયક જીવન બૉસના જોહુકમીભર્યા વર્તનના ત્રાસથી તેનું ખૂન કરી નાખવાના વિચાર કર્યા કરે છે. પત્ની તેને નમાલો ગણે છે. આર્થિક વિટંબણા અને હાડમારીથી ત્રસ્ત છે. આત્મહત્યા કરવા કૂવે જાય છે પણ તેમાં કબૂતરની લાશ જોઈ ફરીથી જીવવાનો સળવળાટ થઈ આવે છે. ‘સહાનુભૂતિ’ વાર્તા ડૉ. શર્મા અને દર્દી હસમુખ વચ્ચેના સંવાદોમાં વિસ્તરે છે. દર્દી તરીકે હસમુખ પોતાની ટીબીની બીમારીની ચિંતા વ્યક્ત કરે છે તે બધી બાબતો ડૉ. શર્માના સ્વાસ્થ્યને પણ બયાન કરે છે. વાર્તાકારની આ વાર્તા રચવાની શૈલી નોંખી ભાત પાડે છે. નાયક પોતાની વ્યથા કહે છે તે સામેના પાત્રને પણ લાગુ પડે છે. શરૂઆતમાં ડૉક્ટર દર્દીની પીળાશ પડતી આંખોમાં દર્દ જુએ છે, વાર્તાના અંતમાં દર્દી ડૉક્ટરની આંખોમાં કાળાશ અને થાક જુએ છે. ગજબની ટેક્‌નિક વાર્તાકારે અપનાવી છે. ડૉ. શર્મા દર્દી હસમુખ માટે જે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે તે જાણે પોતે પોતાને સહાનુભૂતિ અને ટી.બી.થી ન ડરવાની હિંમત આપી રહ્યા છે. આ એક સક્ષમ અને કલાત્મક વાર્તાનું દૃષ્ટાંત બની રહે છે. ‘અમૃત’ વાર્તામાં કારકુનમાંથી અધિકારી બની નિવૃત્ત થયેલા અમૃતલાલને ઢળતી ઉંમરે ઘરમાં ત્રણ ત્રણ દીકરા-વહુઓ-પૌત્ર-પૌત્રીઓ વચ્ચે પથ્થરની જેમ અવગણના સહેવી પડે છે તેનું રસપ્રદ ચિત્રણ થયું છે. વાર્તાન્તે છાપામાં અવસાનનોંધો વાંચવામાં મગ્ન થાય છે જાણે સંકેત છે પોતાના અવસાનની કામનાનો! પિતાની માંદગીને કારણે પિયર સતાપર જવા વહુને બસમાં બેસાડવા તેની સાસુ આવી છે. બસમાં બેઠેલા વાર્તાનાયકને પેલી સાસુ આ બાળક સોતી-વહુને સતાપર ઉતારી દેવાની ભલામણ કરે છે. ઊબડખાબડ અને અતિશય રોંદાવાળા રસ્તે ચાલતી બસમાં નાયક આ સુંદર બાઈ અને કજિયો કરતા બાળકની કાળજી લેવામાં વારંવાર સ્ત્રીદાક્ષિણ્ય દાખવે છે. એથી અનાયાસ ‘આપણાપણું’ અનુભવે છે. વાર્તા પુરુષસહજ માનસ પ્રગટાવે છે. ‘બીજું કોઈક’ વાર્તામાં વૈધવ્ય જીવનમાં પણ એક સાદગીભરી સુંદરતા, ચારિત્ર્યની સુવાસ અને ગુણોની સહજતાથી બધાના આકર્ષણ અને આદર્શરૂપ એવું ‘ભગવતીબહેન’નું વ્યક્તિત્વ રજૂ થયું છે. પોતે પોતાને બહુ સહજ અને સરળ સ્વભાવના માને છે છતાં બીજાની નજરે – સમાજની નજરે તો એ કંઈક ‘વિશિષ્ટ’ વ્યક્તિ બની રહે છે. જાણે બધાના જીવનને ‘બીજું કોઈક’ નિહાળી રહ્યું જ હોય છે! આ વાર્તા સ્ત્રીમાનસને રજૂ કરે છે. ‘સેલ્સમૅન’ વાર્તામાં ભણવા-ગણવામાં હોશિયાર, મહાન વ્યક્તિ બનવામાં સપનાં જોતો, વાચનનો શોખ ધરાવતો પ્રકાશ એક ખાનગી ઑફિસમાં ટાઇપિસ્ટ-ક્લાર્ક બનીને રહી જાય છે. સરકારી નોકરી મેળવવાની ધગશ, ઉચ્ચ વિચારો, તીવ્ર યાદશક્તિ, બળવાન શરીર વગેરે વાતો સહાધ્યાયી રમેશ ઓઝા તેને યાદ અપાવે છે તેમ તે પીડા અનુભવે છે. સ્વપ્નોસભર યુવાવસ્થા અને હાડમારી ભરેલી જિંદગી વચ્ચેની કશ્મકશ અહીં ઝિલાઈ છે. ‘ઝેર’માં જ્યારે નોકરી ચાલુ હોય ત્યારે નોકરીની પળોજણો-ઑફિસ-ફાઇલો-બૉસના બૂમબરાડા-મિટિંગો-ક્લીપિંગ-લખો-મઠારો-ફરી લખો એ બધાથી મુક્તિપ્રસાદ સતત ત્રાસ અનુભવતા રહ્યા છે. નિવૃત્ત થયા પછી આરામમય અને આનંદમય જીવનનું સપનું છે. પણ જ્યારે ત્રીસ વર્ષની નોકરી પછી ખરેખર નિવૃત્ત થાય છે ત્યારે વ્યવહારિક, કૌટુંબિક, સામાજિક જવાબદારીઓ માથે આવી પડે છે ત્યારે તે પણ ભારરૂપ લાગે છે. પેલું સપનું ‘ઝેર’ જેવું લાગે છે. ‘અસંગત’ વાર્તામાં વિરૂપને એક માણસ સો રૂપિયાની ઉઘરાણી કરતો ધમકી આપી ગળચી પકડી લે છે. વિરૂપને મનમાં તેનાથી ડર લાગે છે પણ પોતે તે બદમાશને ઓળખતો નથી અને કંઈ જાણતો એ વાતને વળગી રહે છે. પોતે ડરપોક નથી અને અહમ્‌ને પોરસાવા પત્ની, મિત્ર, ભાઈ, સહકર્મી સૌને ગેરમાર્ગે દોરે છે. પણ વાર્તાન્તે સ્ફોટ થાય છે કે તે બધું જાણતો હતો. નાયક અહીં પોતાના ‘કલ્પિત ભય’ને જાણતો હતો. કોઈ પણ માણસને અકારણ લાગ્યા કરતા ભયથી પીડિત માનસનું અહીં વ્યંજનાપૂર્ણ આલેખન થયું છે. જે ‘ભય’ને જાણતા નથી તે ‘ભય’ માણસના સમગ્ર વર્તન-વ્યવહારનો કબજો લઈ લે છે એ મનોવૈજ્ઞાનિક તથ્ય લેખકે આ વાર્તામાં સફળતાથી તાગી બતાવ્યું છે. ‘ધાબું’ એક વિશિષ્ટ રચનારીતિ ધરાવતી વાર્તા છે. ‘ધાબું’ એટલે અગાશી નહિ, પણ ધબ્બો, ડાઘ. વાર્તાનાયક ‘હું’ દીવાલ પર પડેલા ‘ધાબા’ને એટલે કે ડાઘને જુએ છે ને તે પછી એમના ચિત્તમાં એના વિશેનાં સંચલનો-પ્રલાપો ઘુમરાયા કરે છે. વિજય શાસ્ત્રી આ વાર્તાને Initiation Story કહી ઓળખાવી છે. ધાબાનું ઓબ્સેશન કથાનાયકને ઇતર જગતથી છૂટા પાડી દે છે. વાર્તાન્તે નાયક સ્વયં પોતાને ધાબામાં પરિવર્તિત થઈ જતો અનુભવે છે. વાર્તાનો સઘળો પ્રપંચ વાર્તાકારની વિશિષ્ટ શક્તિમત્તાનો અનુભવ કરાવે છે. વાર્તાસંગ્રહનું શીર્ષક બનેલી ‘પીછો’ વાર્તા માણસના મનમાં રહેલી ફીઅર કોમ્પ્લેક્ષ – ‘ભયની ગ્રંથિ’ને આલેખતી મનોવિશ્લેષણમૂલક વાર્તા છે. કોઈક નાનો સરખો અપરાધ કે ભૂલ પણ માનવમનનો કબજો લઈ લે છે. આવી ભૂલ સાવ તુચ્છ હોય પણ મન ઉપર એવો કબજો જમાવે કે આત્મવંચના, આશંકા, એકલતા, છલ, કપટ, ગ્લાનિ, નિઃસહાયતા, દીનતા વગેરે મનોદશામાં પીડાયા કરે છે. પેલી ભૂલને કારણે માણસને એવું કોઈ લાગે તેનો કોઈ સતત પીછો કરી રહ્યું છે. જાદુનો ખેલ જોવા ગયેલા દીપકને સતત આશંકા અને વહેમ ઘેરાયા કરે છે. પાત્રનું વૈચિત્ર્ય અને વિવિધ સંદર્ભોમાં વાર્તાકાર એક સબળ વાર્તાને વિકસાવી શક્યા છે. ‘મરવું’ બહાદુરભાઈની એક મનોચૈતસિક વલણો આલેખતી નોંધપાત્ર વાર્તા છે. નલિન તેના નાનાભાઈ દિનેશના સ્કૂટર પાછળ બેસીને જતો હતો ત્યારે જ અકસ્માત થાય છે અને ટ્રકનાં પૈડાં નીચે કચડાઈને દિનેશનું મૃત્યુ થાય છે. પોતાને લીધે જ આ અકસ્માત થયો અને પોતે શા માટે બચી ગયો? એનો અપરાધભાવ નલિનને ભારે પીડા આપે છે. વાર્તાકારે ખરખરો કરવા આવનારનાં સાંસારિક આશ્વાસનો અને બીજી તરફ નલિનના મનમાં ચાલતું ઘમસાણ બેયને આલેખવામાં કલાસૂઝ દાખવી છે. મુમૂર્ષા, ગ્લાનિ, મરણ, દૈન્યતા, આત્મભર્ત્સનાના ભાવોને સૂક્ષ્મ સ્તરે ઉપસાવી શક્યા છે. અંતે ‘નલિનભાઈ, મને દુઃખ થાય છે કે હું તમારા કારજમાં હાજર રહી શકતો નથી.’માં નલિનના મનોમન થઈ ચૂકેલા મૃત્યુને સંકેતી આપે છે. ‘હિજરાવું’ વાર્તામાં ટૂંકા પગાર અને નવ સંતાનો-દોહિત્ર સહિતના પરિવારના પાલનપોષણની જવાબદારીમાં પીસાતો જગજીવન મનોમન હિજરાયા કરે છે. પરિણીત બીમાર દીકરી સુભદ્રા બાપના ઘરે આવવું પણ તેને ખુશી આપી શકતું નથી. ‘બધું જ ભૂલી જાવ’ વાર્તામાં એક સરકારી કચેરીમાં નવી ભરતી થયેલા ક્લાર્કને સારું કાર્ય કરવાની ધગશ, સત્ય, પ્રામાણિકતા, નિષ્ઠા, સંસ્કાર બધું ભૂલી જવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. ઉપરી સાહેબ કહે તેટલું જ કામ ગુલામની જેમ કરવાનું પછી ભલે તે ખોટું, ખરાબ, ભૂલભરેલું હોય. પોતાની સમજ કે બુદ્ધિનો કશો જ ઉપયોગ કર્યા વગર રગશિયા ગાડાની જેમ જ ઢસરડા કરતા જવાનું. અહીં સરકારી કચેરીની કાર્યશૈલી બાબતે વ્યંગ્યપૂર્ણ આલેખન છે. ‘ધુમાડો’ વાર્તા ટેક્‌નિકની દૃષ્ટિએ વિશિષ્ટ છે. ટ્રેનમાં બેસી અમદાવાદ જતા બે મુસાફરો વચ્ચે સંવાદ થાય છે. પણ સંવાદોને ધ્યાનથી વાંચીએ તો ખ્યાલ આવે છે કે બેય મુસાફરોના જીવનમાં વિસંવાદ છે. એકને વાંચ્યા વગર ન ચાલે બીજાને વાંચવાની ના પાડી છે. એકને ડાયાબિટીસ છે બીજાને લો બી.પી. છે. એકને છોકરા-વહુનો સુખી વસ્તાર છે બીજાને માત્ર ત્રણ દીકરીઓ છે. એકને કંઈ ચિંતા જ નથી બીજાને ઘણી ચિંતાઓ રહે છે. એકને પત્ની ગુજરી ગઈ છે બીજાની પત્ની હજી વ્યવહાર સંભાળી લે છે. એકને બે-ત્રણ બેગો લઈ મુસાફરી કરવાની ટેવ છે બીજો માંડ એકાદ થેલો ભેગો રાખે. એકને માણસો ખૂબ ગમે બીજો ગરદી જોઈ નર્વસ થઈ જાય. એકને એકલા રહેવું ગમે બીજાને ન ગમે. એકને સરકારમાં ખૂબ વગ છે બીજાને સરકારનાં કામો સામે વિરોધ છે. એમ વિરોધાભાસોમાં વાર્તા ગૂંથાતી જાય છે. અંતે એન્જિનના ધુમાડામાં બધું ઊડી જાય એમાં નિરર્થકતાનો સંકેત છે. ‘સ્વગત’ વાર્તામાં ઘરની પાણી-પોતાં-બકાલુ-દૂધ-છોકરાં-મકાનમાલિક વગેરેની પળોજણો અને બીમાર ધણીની કચકચ વિશે સ્વગત સંવાદરૂપે થયેલો પ્રલાપ છે. ‘હીંચકવું’ સામાન્ય વાર્તા છે. ‘આરામ ખુરશી’માં મહેશ સામે નોકરીમાં ખાતાકીય તપાસ થવાની છે અને બીજી બાજુ ઘરે પત્ની મીનાને હૃદયની બીમારી છે. તેને ડૉક્ટરે ચિંતા કરવાની ના પાડી છે. પત્નીને જાણ ન થાય તે રીતે પત્નીની ચિંતા કરતાં કરતાં પેલી વાત છુપાવવામાં પોતે ચિંતા કરતો જાય છે. છેવટે આરામખુરશી પર ઢળી પડે છે. વાર્તામાં ઘણા સંકેતો પ્રયોજ્યા છે.

‘વિનાયકવિષાદયોગ’ : આંતરમનની રુગ્ણતામાં ડોકિયું કરાવતી વાર્તાઓ [‘વિનાયકવિષાદયોગ’ (વાર્તાસંગ્રહ) : બહાદુરભાઈ વાંક, પ્ર. આવૃત્તિ : ઑક્ટોબર ૧૯૯૦, પૃષ્ઠ સંખ્યા : ૯૬, મૂલ્ય : ૧૬/-, પ્રકાશક : મુકુન્દ પી. શાહ, કુસુમ પ્રકાશન, અમદાવાદ-૩૮૦૦૦૭, આવરણચિત્ર : હરીશ પટેલ]

Vinayak Vishad-yog by Bahadurbhai Vank - Book Cover.jpg

બહાદુરભાઈ વાંકે ગુજરાત સરકારના વાહનવ્યવહાર વિભાગમાં – જેને એસ.ટી. કહેવામાં આવે છે તેમાં ત્રીસ ત્રીસ વર્ષ નોકરી કરી છે. નિયતિએ ભલે તેમને બસમાં ડીઝલ ભરવાનો પંપ પકડાવી દીધો હતો પરંતુ સાથે સાથે તેમને આંતરચેતનાની સમૃદ્ધ શક્તિઓ પણ સંપડાવી હતી. નિયતિએ તેમને શારીરિક કે બાહ્ય પરિસ્થિતિઓનું એકેય વાનું સરખું આપ્યું ન હતું. આંખોની અત્યંત ગંભીર બીમારી, જેને કારણે લગભગ એંસી ટકા જેટલી દૃષ્ટિ અને પાછલાં વર્ષોમાં સદંતર દૃષ્ટિ ગુમાવી દેવા છતાં પણ આ માણસે તેની સામે ઝઝૂમીને ચિત્રકાર અને વાર્તાકાર તરીકે નોંધનીય પ્રદાન કર્યું છે, જે એક વિરલ ઘટના છે. એસ.ટી. ખાતામાં સહૃદયી સંવેદનતંત્ર અને સાહિત્યની સૂઝ-સમજ ધરાવતો એકેય માણસ મળવો મુશ્કેલ હોય એવા ગાળાગાળી કરતા રફ-જડ ભાષકસમાજ સાથે ત્રીસ વરસ સુધી રોજેરોજ પનારો પાડવો અને પોતાના આંતરિક કલાજગતને સામે વહેણમાં ઝઝૂમીને જીવંત રાખવું એ લોઢાના ચણા ચાવવા જેવું છે. પણ બહાદુરભાઈએ એ કરી બતાવ્યું છે. ‘પીછો’ વાર્તાસંગ્રહ આપ્યા પછી આ ‘વિનાયકવિષાદયોગ’ એ તેમનો બીજો વાર્તાસંગ્રહ છે. જેમાં દસ વાર્તાઓ સમાવેશ પામી છે. સંગ્રહનું નામાભિધાન પામેલી પ્રથમ વાર્તા છે ‘વિનાયકવિષાદયોગ’. બહાદુરભાઈની વાર્તા રચનારીતિનું પ્રતિનિધાન કરતી આ વાર્તા સત્તાવીસ પાનાંની દીર્ઘ વાર્તા છે. આરંભ કેટલાક સંવાદોથી થયો છે જેમાં કમ્પાઉન્ડર વિગતો પૂછે છે તેમાંથી વાર્તાનાયકનું ચિત્ર-ચરિત્ર ઉપસતું જાય છે. કૉલેજનો પ્રોફેસર એવો ચાળીસ વર્ષનો વિનાયક શાહ પોતે કોઈ ગંભીર બીમારીનો ભોગ બન્યો હોવાનું માને છે. પોતાના શરીરને જણાતી સામાન્ય બાબતો પણ કોઈ રોગનાં જ લક્ષણો છે એમ માનીને પોતાની પત્ની હંસાને સતત સતાવ્યા કરે છે. જુદી જુદી બીમારીઓ, રોગો, એનાં લક્ષણો, એની દવાઓ, દવાનાં બિલ, કેસ-ફાઇલ વગેરે વિશે ઝીણવટભરી માહિતી અપ-ટુ-ડેટ રાખે છે, જાણે એ રુગ્ણતાગ્રસ્ત છે. સાઇકોલૉજીના પ્રોફેસર મિત્ર ઘણું સમજાવે છે. હંસા ઘણી કાળજી લે છે પણ માનસિક રોગમાં વિનાયક વધારે ને વધારે લપેટાતો જાય છે. મુંબઈથી આવેલો ડૉક્ટર ભારે ડિપ્રેશનનું નિદાન કરે છે. હંસાને ખાનગીમાં બોલાવી રોગ વિશે સૂચનાઓ આપે છે તો તે પછીથી વિનાયક હંસાને શંકાની નજરે જુએ છે. વાર્તાના અંત ભાગમાં વિનાયક આત્મહત્યા કરવા પ્રયત્ન કરે છે. બંધ ઓરડામાં ઢીંગલીને પંખા સાથે લટકાવી પોતે પગથી માથા સુધી ચાદર ઓઢી સૂઈ જાય છે. પ્રક્ષેપણની આ પ્રયુક્તિ વાર્તાકારની કલાકીય સૂઝ દર્શાવે છે. સંવાદોને વળોટ ચડાવી અને તરસના ‘દુઃસ્વપ્ન’ થકી વિનાયકની રોગિષ્ટ માનસિક સ્થિતિને પ્રગટ કરવામાં લેખક સફળ થયા છે. હંસાની દયનીય સ્થિતિ કરુણા નીપજાવે છે. આ એક બળુકી વાર્તા છે. ‘લેફ્ટ...રાઇટ...લેફ્ટ...’ વાર્તામાં નાયક પ્રેમસિંઘ પોલીસખાતાની નોકરીમાંથી ડીએસપીના હોદ્દા પરથી નિવૃત્ત થયેલ કડક રૂઆબ ધરાવતો અધિકારી છે. નોકરી દરમિયાન શિસ્ત, કડકાઈ, કડક અમલદારીપણું ભોગવેલું તે જ પોતાના ઘરમાં પણ ઇચ્છે છે. પત્ની અને પુત્રને ગુલામ માની વર્તન કરે છે. એક બૂમ કે આદેશથી કામ થઈ જવું જોઈએ. માગેલી વસ્તુ હાજર થઈ જવી જોઈએ. પત્નીને બેવકૂફ સમજે છે. ‘ઊતર્યો અમલદાર કોડીનો’ એ ન્યાયે નિવૃત્ત પ્રેમસિંઘની માનસિકતાને વાર્તાકાર ચીંધી શક્યા છે. પત્ની શાંતાને પ્રેમસિંઘની વર્તનવિકૃતિ અને જોહુકમીની ચરમસીમાએ થપ્પડ ખાવી પડે છે તેમાં કરુણતા છે. ‘એક ન કહેવાયેલી વાત’ એ વાર્તાકારની નિરૂપણકલાને ઉપસાવતી સક્ષમ વાર્તા છે. વાર્તાનો નાયક એક ઉપરી અમલદાર સાહેબને મળીને પોતાની વાતની રજૂઆત કરવા માગે છે. પટાવાળા દ્વારા નામ-સરનામાની ચિઠ્ઠી મોકલાવી છે. લાઇનમાં બેઠેલા ઘણાબધાનો વારો આવી જાય છે પણ નાયકનો વારો આવે ત્યારે જ કંઈક ને કંઈક વિઘ્ન આવી જાય છે. વાર્તાનાયકના મનમાં ઉદ્વેગજન્ય અકળામણ અને છતાં રજૂઆત કરવા માટેની ધીરજ; એમાં આવતો ક્રમિક આરોહઅવરોહ અને છેવટે નાયકની ‘વાત’ રજૂ થઈ ન શકે એવી અંતિમ સ્થિતિ આઘાતાત્મક પરિમાણો જન્માવે છે. ક્ષણેક્ષણે પલટા લેતા ભાવાવેગો આસ્વાદ્ય બન્યા છે. ‘નોનસ્ટોપ’ વાર્તામાં પુત્ર મનસુખના અકસ્માતના સમાચાર મળતાં જ પિતા ધીરુભાઈ પત્ની પુષ્પાને જાણ કર્યા વગર નોનસ્ટોપ જતી બસમાં બેસીને નીકળી પડે છે. બસ દોડે છે તેમ ધીરુભાઈના મનમાં પણ મંગળ-અમંગળ વિચારો અને શંકાકુશંકા પણ નોનસ્ટોપ ચાલ્યા કરે છે. દોડતી બસ અને મનોસંચલનોનું ‘પેરેલલ’ ગત્યાત્મક નિરૂપણ ધ્યાનપાત્ર છે. વિચારતંદ્રામાં ડૂબી ગયેલા ધીરુભાઈ આંખો ખોલે છે ત્યારે બસના વ્હીલમાં પંક્ચર પડી ગયું છે. વાર્તા તો ત્યાં પૂરી થઈ જાય છે, પણ અહીં વાર્તાકારે સંકેત મૂકી દીધો છે કે કદાચ ધીરુભાઈનું હૃદય અટકી પડ્યું છે કે શું? એ ભાવકે નક્કી કરવું પડશે. પત્ની એકનો એક પુત્ર મૂકીને મૃત્યુ પામે તો અથવા માવિહોણા સંતાનની સ્થિતિની ઘણી વાર્તાઓ ગુજરાતીમાં લખાઈ છે પણ એમાં લેખક કરુણ ભાવાત્મક ભૂમિકાથી બહાર નીકળતો નથી. બહાદુરભાઈ અહીં ‘મંથન’ વાર્તામાં ક્રૂર યથાર્થનું નિરૂપણ કરે છે. મા વિનાનો પુત્ર ‘મંગેશ’ પોતાની ‘મા’(બા) પાસે કકળાટભરી રઢ લે છે. એનો બાપ અનિલ કંટાળીને બીજા લગ્ન માટે મનમાં મંથન કરે છે. એના માતાપિતા એના વિચારનું સમર્થન કરી બીજી છોકરી શારદા શોધે છે. વારંવાર રડતા મંગેશની રઢ અને કજિયો, પ્રથમ પત્નીની ખટકતી અભણતા અને બીજી પત્ની ઘરે આવે તો ઉત્પન્ન થનારી સ્થિતિનું યથાર્થ આલેખન આ વાર્તાને નોંખી પાડે છે. પ્રથમ પત્ની રાજેશ્વરીનું ગંભીર બીમારીથી મૃત્યુ કે મંગેશ પ્રત્યેનો અનિલનો પિતૃપ્રેમ લાગણીવેડામાં સરી પડતો નથી. બીજી પત્ની શારદા થોડી ભણેલી છે તે સહજતાથી બધું ગોઠવાઈ જશે એનું મંથન વાર્તામાં તટસ્થતાથી થયું છે. લાગણીના પૂરમાં વહ્યા વગર સ્થિતિના ક્રૂર વાસ્તવના આલેખનમાં વાર્તાકાર ગજબનો સંયમ દાખવે છે. ‘અજાણી વ્યક્તિ’ વાર્તામાં ભાઈબહેનનું રમતિયાળ અને ઝઘડાળું શૈશવ આલેખાયું છે. ટીકુ અને હીના બેયના એકબીજાના પરિચિતપણામાં સાથે રમવું-ખાવું-લડવું-ચીડવવું-બોલવું-ઇટ્ટાકિટ્ટા કરવું-અબોલા કરવા બધું ય સહજ છે. ખરેખર તો શૈશવ માણે છે. પણ જ્યારે હિનાના લગ્નસંબંધ માટે મહેમાન આવવાના છે એ વાત જાણતાં અચાનક જાણે અપરિચિતતાની ખાઈ બની જાય છે. બહેનની નિકટતામાંથી પરાયાપણામાં ફેરવાતો સંદર્ભ વિશિષ્ટ છે, છતાં ચુસ્ત વાર્તા રચી શકવાની શક્યતાનો લાભ લેવાયો નથી. ‘બળાત્કાર’ વાર્તામાં સવારે પથારીમાંથી ઊઠતો વિરૂપ અચાનક વિચિત્ર વર્તન કરવા માંડે છે. શૂન્યમનસ્ક બની બેસી રહે છે ઑફિસ જતો નથી. પત્ની માયા વારંવાર ઢંઢોળે છે પ્રશ્નો કરે છે. ત્યારે પોતે કયાં છે? કોણ છે? કેમ અહીં છે? એવા સવાલો કરે છે. પત્નીને પણ ઓળખતો નથી. ટપાલી પૂછે છે કે તમે જ વિરૂપ શાહ ને? પોતાનું નામ વિરૂપ નથી. આ મકાન પોતાનું નથી. પોતાના દીકરાને, સગાંસંબંધીઓને, સ્ટાફના મિત્રોને પણ ઓળખતો નથી. બધાને લાગે છે કે તે માનસિક સ્મૃતિ ગુમાવી બેઠો છે. ફેમિલી ડૉક્ટરને પણ ઓળખતો નથી. પત્ની પતિને પુનઃ સામાન્ય સ્થિતિમાં લાવવા – સંવાદ સાધવા મથે છે એના અંતિમ ઉપાય તરીકે પોતે વિરૂપને ‘બળાત્કારે’ આલિંગે છે. સવારે માયા વિરૂપને રાતનું દૃશ્ય યાદ કરાવે છે ત્યારે ‘રાક્ષસણી’ કહી બેસે છે. આ વાર્તા ‘વિનાયકવિષાદયોગ’ સાથે માનસિક રુગ્ણતાના સંદર્ભમાં અનુસંધાન ધરાવે છે. ‘અપહરણ’ વાર્તામાં પટાવાળાની નોકરી કરતો મગન ક્લાર્ક, હેડક્લાર્ક, સાહેબ, ઉપરી સાહેબ વગેરે ઑફિસના સ્ટાફની તોછડાઈ અને જોહુકમીથી ત્રસ્ત છે. સ્ટાફના અસંવેદનશીલ વ્યવહારથી તે દુઃખી-પીડિત છે. પત્ની પણ વાત સાંભળતી નથી અને પોતાને મજા નથી છતાં ઢસડાવું પડે છે. દવાખાને જવા નીકળે છે પણ સંત્રસ્ત મનઃસ્થિતિમાં ટેવવશ ઑફિસ પહોંચી જાય છે. જાણે ઑફિસની એ સ્થિતિ મગનને ઑફિસ નથી જવું છતાં જાણે ઑફિસની એ ‘સ્થિતિ’ મગનનું અપહરણ કરી જાય છે. વાર્તામાં વ્યંગ્યપૂર્ણતા નોંધપાત્ર છે. ‘વાતો’ વાર્તામાં ‘તમને એક ખાનગી વાત કરવી છે...’ ત્યાંથી શરૂ કરીને વાર્તાને અંતે ‘જુઓ, કાનમાં મેં તમને જે ખાનગી વાત કરી છે, તે કોઈને ભૂલેચૂકેય કહેતા નહીં હોં..!’ વાક્ય સાથે પૂરી થાય છે. બીજા-ત્રીજા પુરુષ એકવચન-બહુવચનનાં કથનકેન્દ્ર વડે ઉક્તિઓ રજૂ થઈ છે જેમાં રોજબરોજની બાબતો-ઘટનાઓ દ્વારા જીવનના તુચ્છપણા કે સામાન્યપણાને રજૂ કરે છે તેમાં કથનકેન્દ્રનો પ્રયોગ છે. ‘ગોખવું’ વાર્તામાં દસમા ધોરણમાં ભણતા કિશોર જિજ્ઞેશને પરીક્ષાની તૈયારી માટે વાચન કરવું છે પણ ખુલ્લી બારીમાંથી થોડે દૂર ડંકીએથી પાણી ભરતી રેણુ અને વર્ગમાં સાથે ભણતી હોશિયાર છોકરી રૂપાની લીધેલી નોટબુકના સંદર્ભમાં તેનું માનસ આલેખાય છે. મોટાભાઈની વાગ્દત્તા અનુપમાના પત્રનું કવર આવ્યું જે ખોલીને જોવા-વાંચવાનું કુતૂહલ છે. આ ઉંમરે વયસહજ વિજાતીય આકર્ષણને કારણે બાહ્ય ઘટનાઓમાં અભાનતા સાથે થતી મૂંઝવણનું આલેખન થયું છે.

‘રાફડો’ : જીવનની વિડંબનાઓ નિરુપવાનો કલાત્મક પુરુષાર્થ [‘રાફડો’ (વાર્તાસંગ્રહ) : બહાદુરભાઈ વાંક, પ્રથમ આવૃત્તિ : માર્ચ ૧૯૯૫, પૃષ્ઠ સંખ્યા : ૩૨૪ કિંમત : રૂ. ૮૫-૦૦, પ્રકાશક : ભગતભાઈ ભુરાલાલ શેઠ, આર. આર. શેઠની કંપની મુંબઈ-૪૦૦૦૦૨, અમદાવાદ- ૩૮૦૦૦૧]

Rafado by Bahadurbhai Vank - Book Cover.jpg

‘રાફડો’ વાર્તાસંગ્રહમાં કુલ ૩૧ વાર્તાઓ છે. આ સંગ્રહમાં પ્રથમ ક્રમે મુકાયેલી ‘ડાકલી’ વાર્તા બહાદુરભાઈ વાંકની વાર્તારચનાની ‘ટેક્‌નિક’ની પણ દ્યોતક છે. તેમણે પોતાની વાર્તાઓમાં કશુંક ને કશુંક ‘તત્ત્વ’ પ્રતીકાત્મક સ્તરે ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે. જેના પરિણામે તેમની વાર્તાઓ એક નિશ્ચિત કળાત્મક ઢાંચો નિર્મવા તરફ ગતિ કરે છે. તેમાં કેટલીક વાર્તાઓ સફળ થઈ છે અને કેટલીક સામાન્ય સ્તરની બની રહે છે. ‘ડાકલી’ વાર્તામાં ઘટનાના સ્તરે ક્યાંય ડાકલીનો ઉલ્લેખ આવતો નથી. પરંતુ વાર્તાનાયક ભાવેશને હૃદયરોગના નિષ્ણાત ડૉ. કોઠારીએ સાવધાન કરતાં કહ્યું કે, ‘તમારા હૃદયમાં જરા વાલની તકલીફ...’ એટલે સંભાળીને રહેવું. પરંતુ વાર્તાનાયક સંભાળીને રહેવાને બદલે વ્યાધિ-ભયથી માનસિક સ્તરે પીડાતો જાય છે. વાર્તાના આરંભે જ વહેલી સવારે જોયેલા દુઃસ્વપ્નમાં ભાવેશ પોતાના જિગરજાન મિત્ર કમલેશનું સર્પદંશથી મૃત્યુ થયેલું જુએ છે અને એમ વાર્તામાં ‘ડાકલી’ અર્થાત્‌ ‘મોતની ડાકલી’નો અણસાર ઘેરાય છે. કમલેશની નનામીને કાંધ આપી સ્મશાને જઈ રહ્યો છે એવું દુઃસ્વપ્નમાં જોઈને ભાવેશ અસ્વસ્થ થઈ જાય છે. વાર્તાકાર ‘ડાકલી’ અને ‘કાળરૂપી મૃત્યુ’નો પ્રતીકાત્મક સ્તરે વિનિયોગ કરવા ધારે છે. ભાવેશને પોતાના આવી રહેલા મૃત્યુનો અણસાર ડાકલીરૂપે જુદા જુદા સંદર્ભે ભાસિત થયા કરે છે. જુઓ, ‘ઓરડાની નિઃસ્તબ્ધતાને કોતરતો ઘડિયાળનો ટિક્‌... ટિક્‌... અવાજ તેને અત્યારે ખરેખર કાળોતરા નાગની ડાકલી જેવો જ ભાસી રહ્યો.’ ‘તેના કાનમાં કોઈક ધીમેથી ડાકલી વગાડી રહ્યું હોય તેમ તેને લાગ્યું.’ વાર્તાકારે આ વાર્તામાં દુઃસ્વપ્ન, મિત્રની બાનું મૃત્યુ, પોતાની બાની આંખોનો સંદર્ભ, ડૉ. કોઠારી, મનોવિજ્ઞાનનું પુસ્તક, પરાવિદ્યાના જાણકાર મહેતાસાહેબ વગેરેના સંદર્ભો ગૂંથીને મોતની ‘ડાકલી’નો અવાજ વધુ ઘેરો બનાવ્યો છે. અવનવાં પ્રતીકો પાસેથી ઘણું કામ કઢાવી શક્યા છે એટલે વાર્તામાં સૂક્ષ્મ વ્યંજનાત્મકતા ઉપજાવી શક્યા છે. ઉપમાઓ અને અલંકારોનું ભાષાસ્તરે પ્રયોજન તાજગીપ્રદ અને વાર્તાનુરૂપ બની રહે છે. વાર્તાન્તે ‘સ્થિર થઈ ગયેલો સીલિંગ ફેન’ થકી ભાવેશના મૃત્યુના અણસારો ચીંધવામાં અને માનસિક સંચલનોમાં સંકુલતા આણી શક્યા છે. આ વાર્તા વાર્તાકારના વાર્તાસર્જનના કલાત્મક પુરુષાર્થને વ્યક્ત કરી રહે છે. ‘હત્યા’ વાર્તામાં ઉપરી સાહેબના રોજેરોજના ત્રાસથી મનોમન પીડાતો તેમનો ગાડી ડ્રાઇવર ગોવિંદ ચના સતત સાહેબની હત્યા કરી નાખવાના વિચારો કરતો રહે છે. છેવટે સાહેબની હત્યા કરવાની યોજના પણ ઘડી કાઢે છે. વાર્તામાં ગાડી ચલાવવાની વિગતો અને ગોવિંદના મગજમાં ચાલતા હત્યાના વિચારો એકબીજા પર વળ ચડાવતા રહે છે. જે દિવસે ચાકુ લઈને નોકરી પર પહોંચે છે તે દિવસે ગોવિંદને ઑફિસમાં પેસતાં જ સાહેબની બદલીના સમાચાર મળે છે. ત્યારે તેના માથા પરથી બધો ભાર હળવો થઈ જાય છે. મનમાં વિચારે છે ‘ઘો ગઈ...’. તદ્દન સીધો, સાદો, નિર્વ્યસની સ્વામિનારાયણનો અનુયાયી એવો ગોવિંદ સાહેબના ત્રાસથી વિવિધ વ્યસનો અને દારૂ પણ પીવા મંડી પડે છે. સૂક્ષ્મ વિગતોથી આ બધા નિરૂપણમાં લેખક જાણે કે એક સરળ વ્યક્તિનું ગુનેગારમાં રૂપાંતર કરે છે! વિદાય સમારંભમાં બધા પટાવાળા-ડ્રાઇવર-સ્ટાફ વતી પેલા સાહેબનો આત્મીય બની ગયેલો ગોવિંદ સાહેબને ફૂલહાર પહેરાવે છે ત્યારે ગોવિંદને પોતાની હત્યા થઈ ગઈ હોય એવું લાગે છે. વાર્તાનો અંત આવો છે – ‘સાહેબના ગળામાં સાપનો ઘા કરતો હોય તેમ તેણે જલદી જલદી ફૂલહારનો ઘા કર્યો, ને તાળીઓનો ગડગડાટ...’ (પૃ. ૭૮) ‘ચાંદરણું’ વાર્તામાં ભાસ્કર અને કેતકી ચિત્રની કૉલેજના સ્ટુડન્ટ છે અને સામસામેના મકાનમાં રહે છે. કેતકીને લાગ્યા કરે છે કે ભાસ્કર લટ્ટુડો- દિલફેંક યુવાન છે અને પોતાને પ્રેમજાળમાં ફસાવવા પ્રયત્નશીલ છે. વારંવાર બાલ્કનીમાં, કૉલેજમાં કે ઘરે મોટાભાઈને મળવા આવવાના બહાને નિકટતા કેળવવા પ્રયાસ કરે છે. કૉલેજમાં કેતકીનું પોર્ટ્રેઈટ બનાવવાના નિમિત્તે સહાધ્યાયી પૂર્વાની સહાયથી કેતકીનું પોર્ટ્રેઈટ બનાવે છે જેમાં ભાસ્કરના કહેવા મુજબ પૂર્ણતા તેના કપાળે લાલ ચાંદલાથી નિખરી આવે છે. વાર્તામાં કેતકી ભાસ્કરની નિકટતાને નકારતાં નકારતાં એના જ વિચારોમાં ખોવાતી જાય છે. વાર્તામાં સંકેત આવે છે, ‘ટુવાલનો કાચો લાલ રંગ તેની હથેળીમાં બરાબર ચોંટી ગયો હતો. જાણે બંને હથેળીમાં મેંદી ન ચોપડી હોય.’ (પૃ. ૮૫) લેખકે અહીં વાર્તા પૂરી કરી લેવી જોઈતી હતી. લાલ રંગનું અનુસંધાન પેલા કેતકીના પોર્ટ્રેઈટના લાલ ચાંદલા સાથે થાય છે. વાર્તાના શીર્ષક ‘ચાંદરણું’ના સમર્થન માટે વાર્તાને થોડી વધારે ખેંચી છે પણ શીર્ષક વાર્તાથી નોખું પડી ગયેલું લાગે છે. ‘ઓય...મા...’ વાર્તાનો નાયક શેઠના રોજના ટોકાટોકીના ત્રાસથી શેઠનું ખૂન કરી નાખવા માટે મનમાં વારંવાર વિચાર કર્યા કરે છે. ટૂંકા પગારને કારણે પત્ની પણ તેને નમાલો કહે છે. શોષિત-પીડિત વાર્તાનાયક છેવટે લખેલી ચિઠ્ઠી કૂવાને પાળે મૂકીને આત્મહત્યા કરી લે છે. વાર્તામાં નાયકના મનોભાવ વર્ણવવા જીવડું, ચીબરી, નાગના સંદર્ભો દ્યોતક છે. જુઓ, – ‘તેના શરીરેથી પરસેવો નીતરી રહ્યો હતો. એ પરસેવામાંથી નીકળતી દુર્ગંધના કોચલામાં તેની ચેતના આજે જાણે સાવ જીવડું બની ગઈ હતી.’ (પૃ. ૮૭) – ‘ઝાડ ઉપરથી આવતો ચીબરીનો કર્કશ ધ્વનિ તેના અસ્તિત્વના પોલાણને ચૂંથવા લાગ્યો.’ (પૃ. ૮૭) – ‘ઝેરી નાગના ફૂંફાડા જેવા કાતિલ પવનથી તેનું સમગ્ર અસ્તિત્વ જાણે થીજી ગયું હોય તેમ તેને લાગ્યું.’ (પૃ. ૮૯) ‘સાવ નજીવી વાત’ વાર્તામાં શાકભાજી લેવા ગયેલા પ્રમોદરાયને બજારમાં એક છોકરો અથડાઈ જાય છે અને સૉરી કહેવા છતાં એ છોકરો ધૂંઆપૂંઆ થાય છે એ કારણે પ્રમોદરાય નવી પેઢીની છીછરી અને તોછડી માનસિકતા માટે ખીજ સાથેના વિચારે ચડી જાય છે. ઑફિસના સહકર્મચારીઓ, પોતાની પત્ની-પુત્ર દરેક સાથેના વ્યવહાર-વાતચીતમાં પેલી નજીવી વાતનો બળાપો સતત વ્યક્ત થયા કરે છે. ફૂંફાડો, સાપ વગેરેના સંદર્ભ લેખક છૂટથી વાપરે છે જુઓ, ‘કરંડિયામાં પુરાયેલા સાપની જેમ તેમની ચેતના દિવસે દિવસે વધુ ને વધુ સંકોચાયે જતી હતી.’ (પૃ. ૯૮) – ‘આવા લોકો સામે ફૂંફાડો ન રાખીએ તો તો આપણને જીવવા જ ન દ્યે...’ (પૃ. ૯૩–૯૪) ‘લવારો’ વાર્તામાં નિવૃત્ત શિક્ષિકા ચંપાબહેનનો ઘરની ટાઇડ-વૉઇડનો લવારો છે. દીકરા, વહુઓ, પૌત્રોને ઘર સરખું અવેરવા માટેની સલાહો-સૂચનો-શિખામણોથી ભરપૂર આ વાર્તા છે. પોતાની ઇચ્છાઓ મુજબનું ઘર અને પરિવારને કાબૂમાં રાખવાનો અભરખો તારસ્વરે પ્રગટે છે. બહાદુરભાઈની મોટાભાગની વાર્તાનો નાયક દવાખાનાની મુલાકાત તો લે જ છે. ‘હુ...તુ...તુ... તુ...તુ...’ વાર્તાનો નાયક પણ લે છે. અહીં નિમ્ન-મધ્યમ વર્ગીય કારકુનની જિંદગીની પળોજણોનું આલેખન છે. સંસારજીવનની ઘર-ઑફિસની સમસ્યાઓથી ઘેરાયેલો રહે છે. ‘ફૂંક’ વાર્તામાં મુંબઈ કમાવા ચાલ્યા ગયેલા પુત્ર રમણલાલનો એક પણ પૈસો તેના પિતા જીવતેજીવ વાપરવા ઇચ્છતા ન હતા. પિતાનું મૃત્યુ થતાં બિલ્ડર રમણલાલ અંતિમયાત્રામાં આવે છે પણ તેનો અક્કડ, અસંવેદનશીલ અને રૂપિયાના અભિમાનવાળો સ્વભાવ ભાઈ ધીરુને ખટકે છે. પિતાની નનામીને ન અડકતો અને સ્મશાને ચાલીને ન જતો રમણલાલ પિતાની યાદમાં ‘ઇલેક્ટ્રિક સ્મશાન’ બનાવવા પચાસ હજારનું દાન આપે છે જેથી કોઈને પણ અગ્નિદાહ ફટાફટ આપી શકાય. જડ અને લાગણીહીન રમણલાલ પિતાની ચિતાની જ્વાળામાંથી જ સિગારેટ પેટાવી જોરથી ફૂંક મારે છે. લેખક લખે છે, ‘સાપના ફૂંફાડા જેવી તેમની આ ફૂંકે ધીરુને તીવ્ર ડંખ દીધો હોય તેમ તે કાળોમસ...’ (પૃ. ૧૧૬) ‘અંતસ્થ’ વાર્તામાં અનસૂયાબહેન પતિના મૃત્યુ પછી તેમનાં સ્મરણોમાં જ મગ્ન રહી મૌન સેવે છે. પુત્ર નિખિલ અને પુત્રવધૂ હેમા એ કારણે ચિંતિત રહે છે. માત્ર વર્ણન કરતી આ વાર્તામાં કંઈ ખાસ બનતું નથી. ‘જનકલ્યાણ’ના વાચકોને રુચે એવી વાર્તા છે. ‘કટકેકટકા’ વાર્તા કુછંદે ચડી ગયેલા દીકરા ઇન્દુના વર્તનથી ત્રાસી ગયેલા પિતા કનકરાયનાં મનોસંચલનો આલેખે છે. કટકેકટકા કરી નાખેલી કઢંગી બેઠેલી સ્ત્રીની તસવીરમાં લાળભરી નજર નાખતા પિતાને પોતાના કુકર્મોનું સ્મરણ પુત્રનાં કુકર્મોમાં થાય છે. વાર્તા બોલકી બની રહે છે. ‘ભડકો’ વાર્તામાં મધ્યમવર્ગીય સંયુક્ત કુટુંબમાં પરિવારજનો વચ્ચે વધી રહેલી ખાઈનું નિરૂપણ હૃદયસ્પર્શી છે. વૃદ્ધ થતાં જતાં માતા-પિતા પ્રત્યે તેમનાં સંતાનોની અવગણના વાચકને સહાનુભૂતિ પ્રેરવા મજબૂર કરે છે. જૂની પેઢીની જરૂરિયાતો અને નવી પેઢીની વડીલો માટેની ઉદાસીનતાનું ચિત્રણ આ વાર્તામાં સંઘર્ષજન્ય પરિવેશ પૂરો પાડે છે. વાર્તામાં છેલ્લે ઢળેલા કેરોસીનમાં દીવાસળીનો ઘા કરતાં થયેલા ભડકાને વધુ પ્રજ્વલિત કરવા ધીરજરાય પંખો ફૂલ સ્પીડમાં કરી દે છે, જાણે આ ઘર-પરિવારને સળગાવી દેવા ન માગતા હોય!! એ સંકેત બળુકો છે. ‘ચૂલો’ વાર્તામાં પટાવાળાની નોકરી કરતો અતિગરીબ એવો ‘જીવન’ અને એની ઘરવાળી ઝમકુનો ચાર દીકરી પર હમણાં જન્મેલા દીકરા સાથેનો સંસાર એક નાનકડી ઓરડીમાં વસેલો છે. ઘરનું ઘર વસાવવાનાં સપનાં આ દંપતી સેવે છે. પુત્રજન્મથી સૌભાગ્ય ખૂલી ગયાનું માને છે. હોમલોન માટે અરજી કરી દીધી છે. ખુશીઓ આવવાની એવા માહોલમાં શીરો બનાવતી દીકરી મકાનનો પ્લાન દર્શાવતો નકશો ભૂલથી ચૂલામાં નાખી દેતાં ભડભડ સળગી જાય છે. વાર્તામાં ગરીબવર્ગની લાચારી પ્રગટે છે. ‘ફાટક’ વાર્તામાં દંપતી વિશ્વાસ અને શ્રદ્ધા વચ્ચે કંઈક ખટરાગને કારણે ખાઈ પડી ગઈ છે. તું પત્ની બની શકી પણ હું પતિ ન બની શક્યો એવું વિધાન વાર્તામાં એક ગર્ભિત સંકેત કરે છે. વિશ્વાસને શ્રદ્ધા કયા કારણથી નથી ગમતી તે સ્પષ્ટ કહેવાયું નથી. શ્રદ્ધા લગ્ન બચાવવા બધા પ્રયત્નો કરે છે. સાસુ-સસરાને બોલાવીને સમાધાન શોધવા પ્રયાસ કરે છે પણ વાત વધારે બગડી જાય છે. ‘હવે મારે તું જોઈતી નથી...’ એ સાંભળીને બીજે જ દિવસે શ્રદ્ધા ઘર છોડીને પિયર ચાલી નીકળે છે. વિશ્વાસને ભૂલ સમજાતાં શ્રદ્ધાને પાછી લાવવા સ્કૂટર લઈ દોડે છે પણ રસ્તામાં ‘ફાટક’ બંધ છે જે બંનેના ખતમ થઈ ગયેલા સંબંધને પ્રતીકાત્મક ભૂમિકાએ દર્શાવી રહે છે. ‘ડોળો’ વાર્તામાં જુવાનજોધ ફોરેસ્ટ ગાર્ડ રૂપસિંહની લાશ અને તેના ડોળાના સંમોહનને કારણે સ્મશાને જવા આવેલા ડાઘુઓને ભયાનકતાનો અનુભવ થાય છે. કપોળકલ્પિત જેવું નિરૂપણ વાચકને જકડી રાખે છે. ‘ઘર’ વાર્તામાં ઘર બનાવવા શંકર ઝુઝારુ બનીને પ્રયત્ન કરે છે. ટપાલીની નોકરી અને ટૂંકો પગાર બેયમાં ઢસડાતો શંકર પત્નીની અપેક્ષાઓ પૂરી કરી શકતો નથી એટલે પત્ની લાભુ ઘર છોડી જતા રહેવાનો નિર્ણય કરે છે. બહાદુરભાઈની વાર્તાઓના નાયકો ત્રીજા-ચોથા વર્ગની નોકરી કરનારા છે. માંડ માંડ ઘર ચલાવી શકે છે. બીડી પીતા રહે છે. વારંવાર ખાંસે છે. ઉધરસ ખાયા કરે છે. બી.પી. કે હૃદયની બીમારીઓ આ નાયકોને વળગેલી છે. વાતે વાતે ‘સાલ્લો’ કે ‘સાલી’ બોલીને ઉદ્‌બોધન કરે છે. પત્નીના ગાલ ઉપર થપ્પડ લગભગ દરેક વાર્તાનાયક મારે છે. જીવનને પરાણે ઢસરડે છે જાણે.!! ‘રિમોટ કંટ્રોલ’ પ્રમાણમાં અતિનબળી વાર્તા છે. ‘પોસ્ટમૉર્ટમ’ વાર્તામાં પતિ-પત્ની શ્યામ અને ધવલ પોતાના એક બાળક માટે ઝૂરે છે. ધવલને લાગે છે કે પોતાનામાં જ કંઈક ખોટ છે પણ હકીકતની શ્યામને ખબર છે. પોસ્ટમૉર્ટમ માટે શ્યામની લાશ હૉસ્પિટલમાં છે ત્યાંથી વાર્તા શરૂ થાય છે. ધવલ એ રૂમને તાકી રહી છે અને તેના મનમાં આખી વાર્તા બનતી જાય છે. છેવટે ધવલ પણ શ્યામ પાછળ ચાલી નીકળે છે. ચીલાચાલુ વિષયની આ વાર્તામાં લેખકે માવજત સારી કરી છે. ‘ભમરડો’ વાર્તામાં તોફાની બાળક ‘બંટી’ અને માતાપિતા રમાબહેન-સુમનરાય બેયના સંવાદો અને ક્રિયાઓમાં આલેખાઈ છે. માબાપ બાળકોને ભણાવવા ઇચ્છે છે પણ બાળકવૃત્તિ ભમરડાની રમતમાં રચીપચી રહે છે. વાર્તાનો અંત બંટીના મોતનો સંકેત કરે છે. માબાપની અપેક્ષાઓ અને સંતાનની નાસમજને કારણે બન્ને પક્ષે ભોગવવું પડે છે. ‘ક્ષણભંગુર’ વાર્તામાં ભગવતીબહેન પતિ કનૈયાલાલના મૃત્યુ પછી તદ્દન સાદગીવાળું જીવન જીવે છે. તેમની સાદગીથી સમાજ અને લોકો પ્રભાવિત થઈ તેમને સન્માનનીય વ્યક્તિત્વ ગણે છે. પણ નગરમાં પધારેલા સ્વામીજીના દર્શન કર્યા પછી ભગવતીબહેનના ચિત્તમાં મોહ-આસક્તિ પાછી જાગી ઊઠે છે તેનું સૂક્ષ્મ નિરૂપણ લેખકે કર્યું છે. ‘કડાકો’ વાર્તામાં હસમુખા સ્વભાવવાળા ગ્રંથપાલ હસમુખરાયના એકાકી જીવનને નિરૂપે છે. વાર્તાકથક હું કૉલેજમાં અધ્યાપક છે. બન્ને સાથે નોકરી કરે છે. એકલા રહેતા હસમુખરાયનું જીવન અને વ્યક્તિત્વ બેય રહસ્યમય છે. વાર્તાકથક એ રહસ્ય જાણવાની તાલાવેલીમાં હસમુખરાયના આંતર-વ્યક્તિત્વમાં કડાકો બોલાવી દે છે. ‘ચોકીદાર’ વાર્તા કોઈ ક્રાઇમ સિરિયલના એપિસોડ જેવી લખાઈ છે. જેલમાંથી છૂટેલા અબ્દુલને હસનચાચા આશરો આપે છે પણ ભૂતકાળના ખૂની અને ગુંડાગર્દીના ધંધાને છોડી દેવા વચન લે છે. અબ્દુલ નેકી સાથે મહેનતનું કામ કરી રોજીરોટી મેળવવા માગે છે પણ વિરોધી ગૅંગ સુલેમાન પંજાના માણસો સતત પીછો કરી મારી નાખવા માંગે છે. છેવટે સુલેમાન પંજાને જ કોઈક ઢાળી દે છે અને તેના ગુના સબબ ઇન્સ્પેક્ટર શેરખાન નિર્દોષ અબ્દુલને ગોળી મારી દે છે. ‘રામ...રામ...કેમ છો?’ વાર્તાનાયક સવારે મૉર્નિંગ વૉકમાં જતી વખતે એક વ્યક્તિને ‘રામ...રામ...કેમ છો?’ કહી બેસે છે. ને પછી એ માણસ નામે રસિકલાલ ધીરેધીરે એવો ચોંટી પડે છે કે સીધા-સાદા-પ્રામાણિક વાર્તાનાયકને લાંચિયો સાબિત કરી બેસે છે. બેત્રણ ટિકિટનો ગફલો કરવાને કારણે ડિસમિસ થયેલા પોતાના નાના ભાઈને નોકરીમાં પાછો લેવડાવવા જે રીતે દાવપેચ ચલાવી વાર્તાનાયકને ફસાવે છે તેનું નિરૂપણ વ્યંગ્યપૂર્ણ અને રસપ્રદ બની આવ્યું છે. વાર્તામાં પાત્રની સ્થિતિ-પરિસ્થિતિને બીજી સ્થિતિમાં નાખી દેવાની અર્થાત્‌ રૂપાંતરણની કલા બહાદુરભાઈને સહજ છે. રૂપાંતરણની આ પ્રતિભા આ વાર્તાકારને અસામાન્ય વાર્તાકાર બનાવે છે. ‘સંતાકૂકડી’ વાર્તામાં ગુડ્ડીનું બાળપણ દાદાની આંખે જોવાતું-આલેખાતું જાય છે. ગુડ્ડીનું કરુણગર્ભ ચિત્ર ભાવકને માટે હૃદયસ્પર્શી બની રહે છે. ‘ડાર્કરૂમ’ વાર્તામાં શિક્ષિકા પલ્લવી અને નૃત્ય શીખતી વાસંતી બેય ફોટોગ્રાફર પ્રકાશની ફોટોકલા ઉપર મોહિત થઈ જાય છે. પ્રકાશ બેયને પોતાની વાસનાનો ભોગ બનાવવા ઇચ્છે છે, પણ નિષ્ફળ જાય છે. ફોટોગ્રાફીમાં ચહેરા-દેહ બદલી નાખવાની પ્રક્રિયાનું વર્ણન ઝીણવટભર્યું છે. એની વિગતોની લેખકની જાણકારી હેરત પમાડે તેવી છે. જોકે આ વર્ણન શુષ્કતાનો અનુભવ કરાવે છે. ‘સાંકડ’ વાર્તામાં ગંગાડોશીને પુત્ર-પૌત્રો, રમાવહુ ચાલાકીપૂર્વક કેવી રીતે ઠોકરે ચડાવે છે તેનું વર્ણન ભાવકનાં ગંગામા પ્રતિ કરુણા જન્માવે છે. પુત્ર અશોક ઇચ્છતો નથી તેમ છતાં માના ખાટલાને જુદા જુદા રૂમમાં ફેરવવો પડે છે. વૃદ્ધ-બીમાર વ્યક્તિની પરિવારમાં અવગણના-અવહેલનાને વર્ણવતી આ વાર્તામાં વર્તમાન સમયની કરુણતા પ્રતિબિંબિત થાય છે. ‘વ્યૂત્ક્રમ’ વાર્તામાં તદ્દન નિર્દોષ સત્યવાદી એવા સત્યેન્દ્રને પોલીસ એ ગુના માટે પકડી જાય છે કે, ‘તેણે કોઈ ગુનો કેમ નથી કર્યો?’ પોલીસ- કાયદો-શાસનતંત્ર આમઆદમીને સત્યવાદી રહેવા દેતું જ નથી. સરળ- સીધા વ્યક્તિને પણ ગુનેગાર બનાવીને જ જંપે છે એટલું ભ્રષ્ટ અને સડી ગયેલું તંત્ર છે એની પર જબરદસ્ત વ્યંગ્ય આ વાર્તા કરે છે. સાવિત્રી પણ સત્યેન્દ્રને આ ભ્રષ્ટ તંત્રથી બચાવી શકતી નથી. બહાદુરભાઈની સક્ષમ વાર્તાઓમાંની આ એક છે. ‘રામ નામ સત હૈ...’ વાર્તામાં સનાતન ટી.બી.નો દર્દી છે. તેના સર્જન ડૉક્ટર મિત્ર અવિનાશના અકસ્માતથી થયેલા મૃત્યુ નિમિત્તે સંસ્મરણોની સાથે સાથે જીવનની નશ્વરતા અને દેહની ક્ષણભંગુરતા વિશે વિચાર સંક્રમણ આલેખાતું જાય છે. વાર્તાના અંત ભાગમાં પત્ની માયાના નકાર છતાં તેની સાથે દેહસંબંધ બાંધવાની પાશવીયતા વાર્તાને જરા જુદા અંત તરફ લઈ જાય છે. એટલું જરૂર કહી શકાશે કે વાર્તાકાર ‘વાર્તા’ રચવાની મથામણમાં ઢીલાશ દાખવતા નથી. બિનજરૂરી વિગત કે વર્ણનમાં જતા નથી. પ્રત્યેક વાર્તામાં ચુસ્તતાનો કસબ નીખરી આવે છે. એટલે નબળી વાર્તાઓ આંગળીને વેઢે ગણી શકાય એટલી જ મળી આવે છે. બહાદુરભાઈની વાર્તાઓ વાંચતાં એમની વાર્તાઓમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના નાયકો છે. એક : રોગિષ્ટ નાયકો – શારીરિક-માનસિક રોગના શિકાર થયેલા બે : કાર્યાલય-ઑફિસમાં શેઠ કે સાહેબથી ત્રાસ પામેલા શોષિત નાયકો : કારકુન, ક્લાર્ક, પટાવાળા, ટપાલી, ફોરેસ્ટ ગાર્ડ, ડ્રાઇવર જેવા ત્રીજા-ચોથા વર્ગની નોકરી કરનારા ત્રણ : આર્થિક વિટંબણા અવલંબિત સમસ્યાઓથી પરેશાન અત્યંત નિમ્ન-મધ્યમ વર્ગીય નાયકો આ વાર્તાકારની વાર્તાઓનો પરિવેશ પણ ત્રણેક જેટલાં સીમિત વર્તુળોમાં જ નિરૂપાય છે. જેમ કે – પ્રથમ : દવાખાનું, ડૉક્ટર, દવાઓ, રોગ, રોગનાં વર્ણનો દ્વિતીય : નોકરી, ઑફિસ, કચેરી અને તેના સહકર્મચારીઓ સાથેનો વ્યવહાર અને વર્તણૂક તૃતીય : ગૃહસ્થ જીવન, પત્ની-પરિવારજનો સાથેના સંબંધોમાં કડવાશ- દૂરતા-તિરાડો-વિખવાદ-વિચ્છેદનું સૂક્ષ્મ નિરૂપણ અહીં ઘણીબધી વાર્તાઓના ‘નાયકો’ કોઈ ને કોઈ બીમારીમાં સપડાયેલા છે. તેઓ શારીરિક દુઃખ અનુભવે છે તેથી વધારે તે બીમારીના સંદર્ભમાં માનસિક પીડા વધુ અનુભવે છે. વાર્તાનાયક સતત એવા વહેમમાં રહ્યા કરે છે કે તેને જે બીમારી લાગુ પડી છે તેને કારણે તેનું મૃત્યુ થઈ જશે. આવી રુગ્ણ-અસ્પતાલીય વેશ-પરિવેશ ધરાવતી વાર્તાઓમાં વિવિધ પરિસ્થિતિઓમાં પણ ‘નાયક’ના વિચારો અને વર્તણૂક જાણે એક જ દિશામાં ગતિ-‘ચાલના’ પામે છે. દુઃસ્વપ્ન, પ્ર-લાપ, મૃત્યુ, વ્યાધિનો ડર વગેરેથી માનસિક યંત્રણા વેઠતા વાર્તાનાયકો જાણે જીવનમાં ત્રાસીને નિરાશાથી ઘેરાઈને-નકારાત્મક વિચારીથી પ્રેરાઈને ‘આત્મહત્યા’ કરવાના નિર્ણય સુધી પહોંચી જાય છે. આવા ‘રુગ્ણ’ નાયકોના આંતરિક મનોવિશ્વમાં બહાદુરભાઈ છેક ઊંડે લઈ જઈ ડોકિયું કરાવે છે.

ડૉ. રાજેન્દ્રસિંહ ગોહિલ
કવિ, નિબંધકાર, વિવેચક
આસિસ્ટન્ટ પ્રોફેસર
શ્રી સ. મ. જાડેજા કૉલેજ, કુતિયાણા
મો. ૮૨૦૦૫ ૨૪૨૯૪
Email : rjgohel૭૬@gmail.com