ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ભગવતીકુમાર શર્મા
દામ્પત્યજીવનના સંઘર્ષ-સંવાદની વાર્તાઓ
ભરત સોલંકી
‘દીપ સે દીપ જલે’ ભગવતીકુમાર શર્માનો પ્રથમ વાર્તાસંગ્રહ છે. આ સંગ્રહનું પ્રકાશન ઈ. સ. ૧૯૫૮માં અને બીજી આવૃત્તિરૂપે ૨૦૦૧માં આદર્શ પ્રકાશનમાંથી થયેલ છે. આ સંગ્રહ પણ મુંબઈ સરકાર દ્વારા પુરસ્કૃત થયેલ છે. આ વાર્તાસંગ્રહમાં સર્જક માનવજીવનની મંગલતા, માનવજીવનના સંઘર્ષો, યાતનાઓ, માનવનું સ્વાર્થીપણું વગેરે વિષયો તરીકે નિરૂપિત થયા છે. આ સંગ્રહમાં કુલ સોળ વાર્તાઓ ગ્રંથસ્થ થયેલી છે. આ સંગ્રહની ‘અખંડ સૌભાગ્ય’ વાર્તામાં ભારતીય વિધવાની નારીવ્યથા પ્રગટ થઈ છે. આ વાર્તામાં જુનવાણી વિચારો ધરાવતા નવનીતલાલ એક વિધવા સાથે લગ્ન કરે છે. લગ્ન થતાં તેમનાં સંતાનો સુરેશ અને શોભના તેમને આશીર્વાદ આપે છે. આ વાત એમને કહે છે દુઃખ પહોંચાડે છે. વિધવા સ્ત્રી જે હવે સૌભાગ્યવતી બની છે તે આ રીતે વારંવાર અપમાનના ઘૂંટડા ગળે છે. આ લગ્ન વખતે જ વિવિધ કર્મ-ક્રિયાઓ દરમિયાન બે પક્ષો અંદરોઅંદર લડી પડે છે. ગોરમહારાજ ગૂંચવાય છે. લગ્નમંડપ યુદ્ધભૂમિમાં ફેરવાય છે. સવિતાબહેનની આ સંવેદના-વ્યથા સર્જક આ રીતે મૂકે છે; ‘પણ સૌથી વધુ આઘાત અનુભવ્યો સવિતાબહેને. એમનાં રોમરોમ પર જાણે અંગારા વરસી પડ્યા. એમના અસ્તિત્વનો અણુએ અણુ તીવ્રતાથી ભેદાઈ ગયો. તેઓ એકસામટા અનેક ભાવ અનુભવી રહ્યાં. અપાર વેદના, પ્રચંડ ક્રોધ, વેરની પ્રબળ લાગણી થયેલા અપમાનનો અકથ્ય આઘાત, ઓશિયાળાપણું, લઘુતાગ્રંથિ – આ બધા ભાવો એમના બહિર્રતરને આવરી રહ્યા.’ (પૃ. ૨૭) આમ આ વાર્તામાં નાયિકાના જીવનની કરુણતા પ્રગટ થઈ છે. ‘ગુપ્તગંગા’ વાર્તામાં વાર્તાનાયિકાનો વૃદ્ધ પતિ મૃત્યુ પામે છે જે એને ગમતો નહોતો. પતિના મૃત્યુ પછી વાર્તાનાયિકાની વિચારશક્તિ બદલાય છે. તેને એક તરફ અણગમતા પતિના મૃત્યુથી છુટકારા સાથે આનંદની લાગણી થાય છે. તો વળી આખરે એ એની પત્ની હતી. અનેક વર્ષો તેની સાથે ગાળ્યાં હતાં તેની યાદોથી તે દુઃખી થાય છે. પતિના અવસાન પછી તો તેના જૂના પ્રેમી અશોક સાથે નિકટતા કેળવે છે. અશોક તેને સંતતિનિયમનનાં સાધનોની ઉપયોગિતા સમજાવે છે. નાયિકા આની પાછળના અશોકના મનોભાવોને સમજી જતાં તે અશોકને ગાલ પર તમાચો મારી કાઢી મૂકે છે. આમ, પ્રથમવાર નાયિકા પોતાનું અસ્તિત્વ તથા ગૌરવ સાચવી લે છે. સામાન્ય રીતે ભારતીય નારી પુરુષપ્રધાન સમાજમાં પરંપરિત રિવાજો, વ્યવસ્થા સામે માથું ઊંચકતી નથી પરંતુ અહીં એ રીતે અશોક સાથે છેડો ફાડી પોતાની પવિત્રતા સાચવી લે છે.
‘અમૃતના ઘૂંટડા’ વાર્તામાં કહેવાતા નિમ્ન સમાજના લખ્ખી અને કલ્લુ હાર્મોનિયમ વગાડી, ગાયન ગાઈ લોકોનું મનોરંજન કરી ગુજરાન ચલાવે છે. પરંતુ જે રીતે આપણા સમાજમાં ગરીબોનું શોષણ થતું આવ્યું છે. તે રીતે અહીં પણ લખ્ખીનાં રૂપથી અંધ બનેલો અચરજ કલ્લુને પોતાને ત્યાં નોકરી પર રાખે છે. આ દરમિયાન અચરજની વિવિધ ચેષ્ટાઓ તથા વર્તન પરથી લખ્ખી તેની બદદાનતને પારખી જાય છે તે કલ્લુને તે નોકરી છોડી દેવા સમજાવે છે. પરંતુ પૈસાનો લોભી કલ્લુ લખ્ખીની વાત માનતો નથી. છેલ્લા ઉપાય તરીકે ‘જે પોષતું તે મારતું’ તે મુજબ તેનું ગળું જ તેને પોષતું હતું. તેનું ગુજરાન ચલાવવા મદદરૂપ હતું તે ગળાને જ બગાડી નાખવા તે અચરજની કુદૃષ્ટિથી બચવા હનુમાનજીના મંદિરે જઈ સિંદૂરનું પાત્ર મોઢે માંડી પોતાનું ગળું કાયમ માટે બગાડી નાંખે છે. આમ, સ્ત્રીશોષણ અને સ્ત્રીચારિત્ર્યને બચાવતી નાયિકાની આ વાર્તા આદર્શ અને વાસ્તવ વચ્ચેના સંઘર્ષની વાર્તા બની રહે છે. ‘અંજળપાણી’ આ સંગ્રહની નોંધપાત્ર વાર્તા છે. અહીં વાર્તાનાયિકા પરસન ગોરાણીને અનેક બાધા-આખડી પછી સંતાનની પ્રાપ્તિ થાય છે. તેનું નામ જયશંકર રાખવામાં આવે છે. લોકો તેને જટો જટો કહે છે. નાયિકાના પતિના અવસાન પછી જયશંકર ઉપર આર્થિક જવાબદારી આવી પડે છે. જટો ભિક્ષા માગવાનું શરૂ કરે છે. ભિક્ષા માંગતો જટો રળિયાતનાં ઘર પાસે આવે છે. રળિયાત ભિખારી પાછો ન જાય એટલે બાજુના ઘેરથી ભિક્ષા લાવી જટાને આપે છે પરંતુ આ દરમિયાન તે જુએ છે કે રળિયાતના બાળકો ભૂખે ટળવળતાં હોય છે. આ સ્થિતિ જટો જોઈ શકતો નથી. તે અંદરથી ખળભળી જાય છે. હચમચી જાય છે ને પોતાના ખભેથી ભિક્ષાની ઝોળી ઉતારી રળિયાતને બહેનનું સંબોધન કરી આપી દે છે. આમ, આ વાર્તામાં પોતે ભિક્ષુક હોવા છતાં તે સ્વાર્થી ન બનતાં તેનામાં માનવતા પ્રગટતા તે જે રીતે રળિયાતનાં બાળકોને બધું આપે છે, ત્યાં તેની માનવતા પ્રગટે છે. અહીં ખાવાનું જેના નસીબમાં હોય તેને જ મળે એ અર્થમાં વાર્તાનું શીર્ષક ‘અંજળપાણી’ યથાર્થ પુરવાર થાય છે. ‘સ્વમાન’ વાર્તા પણ જાતીયશોષણની વાર્તા છે. ભારતીય સમાજમાં વિધવા સ્ત્રીનું થતું શોષણ આ વાર્તાનો મુખ્ય વિષય છે. આ વાર્તામાં નારણ બાબુની યુવાન દીકરી વિધવા થાય છે. વિધવા થયેલ સુચિત્રાની યુવાની કે સૌંદર્ય પ્રત્યે આકર્ષિત થયેલા યુવાન તેના તરફ ખરાબ દૃષ્ટિએ જોવાનું શરૂ કરે છે. તેના યૌવન પરત્વે લાલયિત બને છે. કેટલાક યુવાનોના મનસૂબા પૂરા થતા નથી. પરંતુ ગામના જમીનદારનો પુત્ર રખાલ કોઈપણ ભોગે સુચિત્રાને પોતાની કામવાસનાનો શિકાર બનાવવા માંગે છે. જમીનદારો દ્વારા થતું શોષણ ભારતીય સમાજમાં નવું નથી, અગાઉ પણ સાહિત્યની અનેક કૃતિઓમાં આ વસ્તુ વિષય બનીને આવેલ છે. આ વાર્તામાં ગુજરાતી વિધવા સ્ત્રીનું સર્જક આ રીતે કરે છે. ‘સેંથી વગરનો સાદો, ઊંચો કેશકલાપ, કોરું કપાળ, અડવા હાથ અને સફેદ વસ્ત્રોમાં સુચિત્રા એવી તો પવિત્ર લાગતી હતી કે રખાલનું મન પણ ક્યારેક નિર્વિકાર બની જતુ્ં.’ (પૃ. ૪૮) વાર્તાના અંતમાં સુચિત્રા અને નારાયણ બાબુનું વ્યક્તિત્વ, સ્વમાન, પવિત્રતા, સાદગી વગેરે જોઈને રખાલનું મન પણ પરિવર્તિત થઈ જાય છે. આ વાર્તાસંગ્રહની શીર્ષકયુક્ત વાર્તા ‘દીપ સે દીપ જલે’ વાર્તામાં દામ્પત્ય જીવનમાં થતા સંઘર્ષ અને પુનઃ સ્થપાતા સંવાદની વાર્તા છે. વાર્તાનાયક નાયિકાની સ્થૂળતાથી અકળાય છે. વારંવાર નાની નાની વાતમાં કંકાશ થાય છે. બંને વચ્ચે થતા સંવાદ જુઓ; ‘હું તો તમને ઝેર જેવી લાગું છું! હું તો તમારે મન એક ઉપાધિ છું? તમે તો એમ જ ઇચ્છો છો કે હું ક્યારે મરી જાઉં! પણ યાદ રાખજો, હું તો કાળનો કાગડો થઈને આવી છું. હું એમ મરવાની નથી.’ સવિતા બોલી ગઈ. ‘ને હું છૂટવાનો નથી તારાથી!’ (પૃ. ૨૦૦) નાયક-નાયિકા વચ્ચે થતા વારંવારના સંઘર્ષને નાયક તેના પિતાને જવાબદાર માને છે. સવિતા નાયકની નાપસંદ હતી છતાં પિતાએ મજબૂર કરી સવિતા સાથે લગ્ન કરાવ્યાં ને પોતાના અરમાન પર પાણી ફરી વળ્યાં ને આખી જિંદગી બરબાદ થઈ ગઈ. નાયક રોહિણીને ચાહતો હતો પરંતુ લગ્ન બંનેના અન્ય સાથે થાય છે. વાર્તાના અંતમાં રોહિણી તરફથી આઘાત અને અપમાન મળતાં વળી નાયક સવિતા પ્રત્યે આકર્ષાય છે ને વાર્તાનો સુખદ અંત આપે છે. ‘પ્રેમપારસ’ વાર્તા પણ અન્ય વાર્તાઓની જેમ દામ્પત્યજીવનને પ્રગટ કરતી વાર્તા છે. વાર્તાનો આરંભ નાયકને ટપાલ મળતાં થાય છે. તેમાં નાયિકાની માસીની દીકરી શોભનાના લગ્નના સમાચાર હતા પણ આની સાથે જ વાર્તાનાયિકા વડોદરા રહેતી નાયિકાની સખી રમાના સ્મરણમાં ખોવાઈ જાય છે. બંને વચ્ચે પ્રેમ અને આકર્ષણ હતું પરંતુ નાયકનાં લગ્ન થઈ જતા તે વ્યવસાય અર્થે મુંબઈ આવે છે ને વડોદરા તથા રમા બંને છૂટી જાય છે. હવે શોભાનાં લગ્નમાં નાયિકા અને રમા મળે છે, રમાનું જીવન સાવ બદલાઈ ગયેલું લાગ્યું. થોડી થોડી થતી વાતો અને પછી તેના લગ્નજીવનની ઘટનાઓ જાણી નાયિકા સ્તબ્ધ થઈ જાય છે. રમાનો પતિ, નવી નોકરી, રમાને પતિ યશવંત પોતાની મા સાથે સેવા મૂકી ચાલ્યો જાય છે. નાના ગામમાં નોકરી કરતા યશવંતને ઝેરી સાપ કરડતાં તે મૃત્યુ પામે છે. રમા વિધવા થાય છે ને કાશીમા લગભગ પાગલ થઈ જાય છે. યશવંતના મૃત્યુ પછી તરત એનાં લગ્ન બીજાં પુરુષ વિનોદચંદ્ર સાથે થાય છે. જે ખૂબ જ પ્રેમાળ અને સમજશકિત ધરાવતો પુરુષ છે. તે રીતે આ વાર્તાનો પણ સુખદ અંત આવે છે. ‘પશુતાનો પડોશી’ જુદા જ વિષયને લઈને આવતી વાર્તા છે. વાર્તાનાયક શેરસિંહ ગુનેગારો સાથે રહેતા ગુનાભર્યુ વર્તન કરતા કરતા ટેવવશ તે ઘરમાં પોતાના પરિવાર, પત્ની સાથે પણ ગુનેગારો જેવો જ વ્યવહાર કરવા લાગે છે. મનોવૈજ્ઞાનિક અભિગમ ધરાવતી આ વાર્તામાં માણસને ‘સંગ એવો રંગ’ લાગી જાય છે પછી તે ગુનેગારો હોય કે પોતાનો પરિવાર. બંને વચ્ચે ભેદ પણ ભૂલી જાય છે. આમ તો નાયક શેરસિંહ જેલર છે. વાર્તાનો આરંભ જ તેની આવી ભાષાથી થાય છે; ‘સુવ્વર કા બચ્ચા’ બેવકૂફ, કમ્બખ્ત, ધાંધલ ક્યો મચાતા હૈ? વોર્ડર! યહ બદમાશ કો અંધાર કોટડી મેં ડાલ દો.’ (પૃ. ૧૦૩) આવો શેરસિંહ નાનપણમાં જ માતા-પિતાની છાયા ગુમાવી બેઠો હતો પછી તો જેલર બનતા ગુનેગારો, બદમાશો, કેદીઓ, મવાલીઓ, તોફાનીઓ, દાદાઓ વગેરે સાથે સતત કામગીરી કરવાની થતા તેનો ગુસ્સો ચોવીસે કલાક આસમાને રહેતો. પત્ની પ્રીતમ કૌર અનેક સપનાં લઈ લગ્ન કરી આવી હતી, પરંતુ શેરસિંહના સ્વભાવ ને વ્યવસાયના કારણે તેના બધાં જ સપનાં ઉપર પાણી ફરી વળ્યું હતું. વાર્તાના અંતમાં શેરસિંહ જ જેલર મટી ગુનેગાર બની કોટડીમાં કેદ થઈ જાય છે. ‘અંતરપટ’ આ સંગ્રહની ખાસ્સી લાંબી વાર્તા છે. પ્રણયત્રિકોણ પ્રધાન આ વાર્તામાં નાયક અને નીલા મુગ્ધાવસ્થામાં પ્રેમમાં પડે છે. ખુલ્લેઆમ પોતાના પ્રેમનો એકરાર કરી શકતાં નથી. અહીં નાયક સુનિલ, નાયિકા નીલા અને તેનાં લગ્ન થાય છે તે શેખર આ વચ્ચે પ્રણયત્રિકોણ છે. વાર્તામાં નીલાની સગાઈ, લગ્ન અને લગ્ન પછીની નીલાની સ્થિતિ અને નાયકની ત્યાગભાવના વગેરે આ વાર્તાના વિષયને ગતિ આપે છે. નીલા સુનિલ આગળ પોતાની જાતને અપરાધી માનતી હતી. સુનિલ સાવ પવિત્ર અને નિર્દોષ હતો. સુનિલને સારું ઠેકાણું મળે એટલે જ નીલા શેખર સાથે પરણે છે પછી બંનેનો પ્રેમ કસોટીએ ચડે છે. અંતમાં આથી જ સુનિલ કહે છે, ‘નીલા! યૌવનની મુગ્ધતામાંથી સર્જાયેલો પેલો નિષ્ઠુર અંતરપટ આજે ચિરાઈ ગયો છે અને આપણે એકબીજાને અતિ સ્પષ્ટ, સ્વચ્છ અને વિશુદ્ધ સ્વરૂપમાં જોઈ શકીએ છીએ પણ નીલા! એ અંતરપટને હું નિષ્ઠુર કહેવામાં ભૂલ જ કરું છું કારણ કે તે ન હોત તો આપણા પ્રેમનું કુંદન કસોટીની આગમાંથી પસાર થઈને શુદ્ધ કઈ રીતે થઈ શક્યું હોત?’ (પૃ. ૧૯૭) ‘ટેલિપ્રિન્ટર’ પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયેલી વાર્તા છે. વાર્તાનાયક ખન્ના દૈનિકમાં ધનિકોનાં ખોટાં કામો સતત છાપે છે, વાચા આપે છે. ક્યારેક કોક વસ્તુ છુપાવવા લાંચ આપવાનો પ્રયત્ન કરે છે પણ લાંચ લેતો નથી. તેની પત્ની દુઃખથી પીડાય છે. સંતાનોને પૂરતા પ્રમાણમાં સુખ-સગવડો આપી શકતો નથી, છતાં પણ પોતાના આદર્શો, સત્યનિષ્ઠા વગેરેને વળગી રહે છે. આ વાર્તાસંગ્રહના સંદર્ભમાં સર્જકે જે કળાત્મક ભાષાકર્મ પ્રયોજ્યું છે તે પણ નોંધપાત્ર છે. કહેવતો, રૂઢિપ્રયોગો, કાવ્યપંક્તિઓ, અલંકારો, વર્ણનો, સંવાદો વગેરે અહીં આસ્વાદ્ય છે. કેટલાક દૃષ્ટાંતો જોઈએ તો; ‘અત્યાર સુધી જે કંઠ ઉપર એ મુગ્ધ હતી, જે કંઠ એને ઈશ્વરની અણમૂલ બક્ષિસ સરખો લાગતો હતો, જે કંઠમાં એને કામણનું કેસર ધોળાતું લાગતું હતું એ જ કંઠ એને માટે ધતુરાનાં ઝેરી ફૂલ સરખો લાગ્યો. કમળ સરખો મધુર કંઠ એના અંતરમાં લાખ લાખ કાંટાઓ ભોંકી ગયો. ગળચટ્ટું, ગળું એને અફીણના પાત્ર જેવું લાગ્યું.’ (પૃ. ૨૦) ‘સ્ત્રીઓની કાતર જેવી જીભ સવિતાબહેનના કાળજા પર કાપ મૂકી રહી હતી. એમનું અંતર ભડભડ સળગી રહ્યું હતું.’ (પૃ. ૩૨) ‘સંધ્યાનો દીપ બુઝાયો ને રાતની રોશની ઝગી ઊઠી’ (પૃ. ૫૭) ‘અને લગ્નની સંધ્યા આવી પહોંચી. ચારે તરફ રેશમનું રાજ્ય ચાલતું હતું! રંગ હતો, રોશની હતી અને સુગંધ હતી. સૂર હતા અને કોલાહલ હતો! ઊર્મિ હતી, આનંદ હતો, ભાવના હતી અને લાગણી લહેરાતી હતી. (પૃ. ૭૭) ‘આનંદની આંખો આગળ ભયંકર દૃશ્યો દેખાવાં લાગ્યાં. તે તંદ્રામાં ડૂબતો ગયો. એ હાલતમાં એણે એક રમ્ય, એકાકી ટાપુ જોયો એ ટાપુ પર મજાની લીલોતરી છવાઈ હતી. ટૂંકું ઘાસ ઊગ્યું હતું. આજુબાજુ અફાટ છતાં મૌનપૂર્ણ જલપ્રવાહ વહી રહ્યો હતો. શાંત, સ્વસ્થ, જલાકાશ ઝૂમી રહ્યું હતું. મીઠો, મૃદુ પવન વાઈ રહ્યો હતો. અગાધ, નીરવ શાંતિ હતી.’ (પૃ. ૯૯) ‘સૂર્યનો એ ધખધખતો પ્રકાશ નદી અને સાગરના પાણી પર ત્રાટકે છે અને બધો યે જલપ્રવાહ જાણે ચાંદીનો હોય એવું લાગે છે! એ જ પ્રકાશ વેરાન રણ પર પથરાય છે અને પેલી સફેદ રેતીમાં આગ લાગે છે.’ (પૃ. ૧૨૧) ‘બાગમાં આગિયાઓ પ્રકાશના બિન્દુઓ રચતા જાય છે તો ઝૂંપડીમાં કાંક કોડિયું બિહામણાં ઓળા સર્જાતું બળ્યે જાય છે. ક્યાં સુધી એ બળી શકશે એનો કોઈ અંદાજ નથી. ક્યારેક એમાં તેલ ખૂંટી જાય છે ત્યારે માનવી એનાં આંસુઓ એ કોડિયામાં પૂરે છે ને પછી આશા સેવે છે કે હમણાં એ દીપ જલી ઊઠશે ને પુનઃ પુનઃ પ્રકાશ પથરાશે પણ એ મૂર્ખને ખબર નથી હોતી કે આંસુઓથી અજવાળું મળતું નથી.’ (પૃ. ૧૨૨) ‘બારીમાંથી એમણે નજર કરી તો હવે સડક સૂની થઈ ગઈ હતી. વાહનો વિરમ્યાં હતાં.’ (પૃ. ૧૪૦) આમ, સર્જકની વર્ણનશૈલી આસ્વાદ્ય છે. આ સંગ્રહની અહીં ચર્ચા કરેલી વાર્તાઓ ઉપરાંત ‘મજબૂત’, ‘છલના’, ‘કાળચક્ર’, ‘સાયલન્સ ઝોન’, ‘પ્રકાશની પ્રદક્ષિણા’, ‘જળ સયાણી’ વગેરે પણ ભિન્ન-ભિન્ન વિષયવસ્તુ લઈને સર્જાયેલી વાર્તાઓ છે. આ વાર્તાઓના સંદર્ભમાં ડૉ. બી. એસ. પટેલ નોંધે છે; ‘દીપ સે દીપ જલે’માં સંગૃહીત નવલિકાઓ માનવતાવાદી દૃષ્ટિકોણ ધરાવે છે. શરૂઆતમાં સર્જક વાર્તા-વિષયની દૃષ્ટિએ પરંપરાગત વિષયોને જ અનુસરે છે. ‘અમૃતના ઘૂંટડા’ ‘છલના’ અને ‘કાળચક્ર’ માનવતાવાદી દૃષ્ટિકોણ ધરાવતી વાર્તાઓ છે. પ્રારંભના આ સંગ્રહમાં સર્જક પ્રયોગશીલ બની શક્યા નથી. વાચકની જિજ્ઞાસાને સંતોષવા તરફનો આશય સ્પષ્ટપણે એમાં વર્તાય છે.’૧
સંદર્ભ : ૧. ડૉ. બી. એસ. પટેલ, આધુનિકતાના સંદર્ભે, ભગવતીકુમાર શર્માનું કથાસાહિત્ય
ડૉ. ભરત સોલંકી
કવિ, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક
એસોસિયેટ પ્રોફેસર અને અધ્યક્ષ
ગુજરાતી વિભાગ,
શ્રી અને શ્રીમતી પી. કે. કોટવાળા આટ્ર્સ કૉલેજ,
પાટણ
મો. ૯૯૭૯૨ ૨૮૬૬૭
Email : drbnsonalki67@gmail.com
ભગવતીકુમાર શર્મા ‘હૃદયદાન’ વાર્તાસંગ્રહમાં પ્રગટતો સર્જકવિશેષ
ભરત સોલંકી
ભગવતીકુમાર શર્માનો જન્મ તા.૩૧-૦૫-૧૯૩૪માં સુરતમાં થયો હતો. તેઓ ગુજરાતી સાહિત્યમાં નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, કવિ અને અનુવાદક તરીકે જાણીતા છે. તેમના પિતાનું નામ હરગોવિંદ હતું. તેઓ શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ અને મૂળ વતન અમદાવાદ હતું. પિતાની અટક અવસ્થી. પિતા સામવેદના પ્રખર જ્ઞાતા હતા. ભગવતીકુમાર શર્મા ૧૯૫૦માં એસ.એસ.સી. થયા. ૧૯૬૮માં ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ.ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૯૯માં વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ તેમને ડી.લિટ.ની પદવી એનાયત કરી હતી. ભગવતીકુમાર શર્માએ ૧૯૫૫થી ‘ગુજરાત મિત્ર’ દૈનિકના તંત્રી વિભાગમાં કાર્ય શરૂ કર્યું. ‘કવિ નર્મદ યુગાવર્તક ટ્રસ્ટ’ના તેઓ ટ્રસ્ટી તથા નર્મદ સાહિત્યસભા, સુરતના ઉપપ્રમુખ રહી ચૂક્યા હતા. ૨૦૦૯માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે તેમની બિનહરીફ વરણી થઈ હતી. તેમને મળેલા પુરસ્કારોમાં ૧૯૭૭માં કુમાર ચંદ્રક, ૧૯૮૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૯૮માં ‘અકથ્ય’ વાર્તાસંગ્રહ માટે નંદશંકર મહેતા ચંદ્રક, ૨૦૦૩માં સ્વામી સચ્ચિદાનંદ સન્માન, ૧૯૮૮માં ‘અસૂર્યલોક’ નવલકથા માટે સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર તથા ક્રિટિક્સ ઍવૉર્ડ, દર્શક ઍવૉર્ડ, પાંચજન્ય નચિકેતા ઍવૉર્ડ તથા ૨૦૦૯માં નરસિંહ મહેતા સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલ છે. ભગવતીકુમાર શર્માનું તા. ૫-૯-૨૦૧૮ના રોજ સુરતમાં અવસાન થયું હતું. અહીં ભગવતીકુમારના વાર્તાસંગ્રહ ‘હૃદયદાન’ની વાર્તાઓનો આસ્વાદમૂલક પરિચય કરાવવાનો ઉપક્રમ છે. ‘હૃદયદાન’ ભગવતીકુમાર શર્માનો બીજો વાર્તાસંગ્રહ છે. આ સંગ્રહની પ્રથમ આવૃત્તિ ઈ. સ. ૧૯૬૧માં પ્રગટ થઈ હતી. બીજી આવૃત્તિ ૨૦૦૧માં થયેલ છે. બીજી આવૃત્તિ ભગવતીકુમાર શર્માએ સાક્ષર વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને અર્પણ કરેલ છે. આ સંગ્રહ આદર્શ પ્રકાશનમાંથી પ્રકાશિત થયેલ છે જેનું મૂલ્ય પંચાણું રૂપિયા છે. ‘હૃદયદાન’માં કુલ વીસ જેટલી વાર્તાઓ ગ્રંથસ્થ થવા પામી છે. જેમાંની કેટલીક નોંધપાત્ર વાર્તાઓ વિશે અહીં ચર્ચા કરી આ સંગ્રહના કળાકીય પક્ષને ઉજાગર કરવાનો પ્રયત્ન છે. વળી આ વાર્તાસંગ્રહના કલાપક્ષને ધ્યાનમાં રાખી ૨૦૦૧માં ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત થયો છે, તે જ આ સંગ્રહની અને સર્જકની વાર્તાકાર તરીકેની સિદ્ધિઓ ઉજાગર કરવા પર્યાપ્ત છે. આ સંગ્રહની અને સમગ્ર વાર્તાસંગ્રહને જે શીર્ષક આપવામાં આવ્યું છે તે ‘હૃદયદાન’ પ્રમાણમાં લાંબી ટૂંકીવાર્તા કહી શકાય તે પ્રકારની છે. આ વાર્તા મુખ્યત્વે નારીજીવનને, નારીજીવનની ઉદારતાને વ્યક્ત કરતી વાર્તા છે. આ વાર્તામાં વાર્તાનાયક મેકઆર્થરને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પથારીના બિછાને ધીરે ધીરે વાર્તાકારનો ભૂતકાળ પ્રગટ થાય છે. એણે તેની પ્રથમ પત્ની સાથે છૂટાછેડા લીધેલા છે. વાર્તાના અંતમાં તે હૃદયરોગનો ભોગ બનેલો છે અને હૉસ્પિટલમાં દાખલ થાય છે. આવા કપરા સંજોગોમાં તેની છૂટાછેડા લીધેલી પત્ની જુલી સિમ્સન હૉસ્પિટલમાં આવી પોતાના હૃદયનું દાન આપી પોતાના પતિને બચાવી લે છે. આમ આ વાર્તા આમ તો સામાન્ય વિષયવસ્તુ ધરાવતી હોવા છતાં અહીં નોંધપાત્ર બાબત એ છે કે અહીં ભારતીય પરંપરાગત નારીનું ચિત્ર જુલી સિમ્સનના પાત્રથી પ્રગટ થાય છે. આ સંગ્રહની અન્ય નોંધપાત્ર વાર્તા જોઈએ તો એ ‘ગતિનાં ગુંજન’ છે. આ ટૂંકી વાર્તામાં રામદીન જેલમાંથી મુક્ત થઈ ઘેર આવે છે ત્યારે તેને જુદી જુદી વ્યક્તિઓ મળે છે તે મુખ્ય વિષય છે. નાયક જે સમયે જેલમાં છે તે સમય બે વર્ષનો છે. આ સમયનું વર્ણન કરતાં સર્જક લખે છે; ‘બે વર્ષ માટે જાણે જીવન સ્થગિત થઈ જવાનું હતું! માત્ર જેલના લોખંડી સળિયા, ભેજવાળી દીવાલો, દુર્ગંધ મારતી ખરબચડી ફરસ, નાના ગોખલામાંથી દેખાતો આકાશનો ટુકડો, જાનવરો પણ ન ખાય એવું ખાવાનું અને સૌથી વિશેષ તો મનોવ્યથા.’ (પૃ. ૪૪) વાર્તાનો પ્રસ્તાર લાંબો છે. વર્ણનોની ભરમાર છે. વાર્તાના અંતમાં વાર્તાનાયક ફાનસના અજવાળે નવા જીવનનો આરંભ કરી પૂર્વવત્ જીવન શરૂ કરે ત્યાં વાર્તા પૂર્ણ થાય છે. ‘અન્ન અને ઇન્સાન’ વાર્તામાં પાણી અને ખોરાકના મુખ્ય પ્રશ્નને વણી લેવામાં આવ્યો છે. સુમરન, રામલખન અને પૂરન આ વાર્તાનાં મુખ્ય પાત્રો છે. સુમરનની પાણીની તરસ પરાકાષ્ઠાએ પહોંચે છે. કૂવામાં દોરડું નાખી ડોલ ભરવા પ્રયત્ન કરે છે, પણ કૂવામાં પાણીનું ટીપુંય નહોતું. ત્યાં રામલખન પહોંચે છે. સુમરન રામલખનને ગઈકાલની ઘટના કહે છે. પોતે પાણી વગર કેવો ટળવળતો હતો અને પતિ મટી થોડીવાર માટે જાણે દીકરો જ બની ગયો હતો! આ વાત સુમરન રામલખનને કરે છે. તરસની તીવ્રતા વધતા તે સુમરને પોતાની ભૂખ અને પ્યાસ મિટાવવા ગઈકાલે પંડની પત્નીના સ્તન ચૂસવાની વ્યર્થ કોશિશ કરી હતી.’ (પૃ. ૨૫) આ સમગ્ર વાર્તામાંથી પસાર થતાં તેના કેટલાંય વર્ણનો, પ્રસંગોમાંથી પન્નાલાલ પટેલની ‘માનવીની ભવાઈ’નું સ્મરણ થાય તે પ્રકારનાં છે. ‘અજાણી આંતરવ્યથા’ વાર્તામાં બે દંપતીનાં ચરિત્રો પાસપાસે મૂક્યાં છે. અહીં પંકજ અને નીલા તથા રાકેશ અને સ્વાતિનાં ચરિત્રો છે. બંને દંપતીની જીવનશૈલી અને સમસ્યાઓ જુદાં જુદાં છે. પંકજ અને નીલાને સંતાન છે. પરિણામે એ દુઃખી છે, જ્યારે રાકેશ અને સ્વાતિને સંતાન નથી એનું દુઃખ છે. ટૂંકમાં બંનેની સમસ્યાનું કેન્દ્ર સંતાન જ છે. વળી બંને દંપતી કલાપ્રેમી છે. એક દંપતી સંતાન હોવાથી જવાબદારીના કારણે કળા-નાટ્યકળામાં જઈ શકતાં નથી. જ્યારે બીજું દંપતી સંતાન ન હોવાના કારણે કલામાં જોડાય છે. ટૂંકમાં એક કલાવિમુખ બને છે, બીજું દંપતી કલાભિમુખ બને છે. ‘સનાતન સ્ત્રી-પુરુષ’ વાર્તામાં વાર્તાકારે વાર્તામાં વાર્તા મૂકી વાર્તાનાયક નાયિકાની મનોવ્યથા વ્યક્ત કરી છે. વાર્તાના આરંભમાં પૌલોમી અને પરેશ બેઠાં છે. તે ભગવતીકુમાર શર્માની ‘નીરજ’ સામયિકમાં છપાયેલી વાર્તા પાલોમી વાંચે છે. યોગાનુયોગ વાર્તાનું શીર્ષક પણ ‘પુરુષ’ છે. વાર્તામાં આવતી વાર્તાના વિષયવસ્તુમાં રમેશ રમાની રાહ જોતો ખંડમાં એક છેડેથી બીજે છેડે આંટા મારે છે. તે વખતે રમાનો પ્રવેશ થાય છે. રમા ઉદાસ અને નિરાશ દેખાતાં રમેશ તેને મનાવવાનો પ્રયત્ન કરે છે, પણ રમા સગર્ભા છે તે જાણી રમેશ ગુસ્સે ભરાય છે અને ખંડ છોડી ચાલ્યો જાય છે. વાર્તા અધવચ્ચે જ પૌલોમી છોડે છે. તે પરેશને આવી જૂની પરંપરાગત શૈલીની વાર્તા નથી ગમી તેવું જણાવે છે. ત્યારબાદ પરેશ અને પૌલોમી પ્રથમવાર કેવી રીતે મળ્યાં તેનો ભૂતકાળ દર્શાવી દે છે. આમ વાર્તામાં વાર્તા મૂકી સર્જક પૌલોમીના આંતરમનને પ્રગટ કરી દે છે. દામ્પત્યજીવનની વાત વ્યક્ત કરતી આ સંગ્રહની ‘બાહ્યાંતર’ વાર્તા છે. વાર્તાની નાયિકા તૃપ્તિસેન એક ઉત્તમ અભિનેત્રી છે. એની અભિનયકલા પર લોકો આફરિન હતા. ‘શ્રી’ થિયેટરમાં તૃપ્તિસેનની ભૂમિકાવાળા ચલચિત્ર ‘માઁ કી મમતા’ નો પ્રીમિયર શો હતો. અહીં તૃપ્તિસેન સાથે સુદીપ ગાંગુલી શો જોવા બેસે છે. ચલચિત્રમાં પોતાની ભૂમિકા જોઈને નાયિકાને આશ્ચર્ય થાય છે એ જ વખતે સુદીપનો હાથ તેને સ્પર્શે છે પણ તે ધ્યાનમાં લેતી નથી. ચલચિત્રમાં જે બન્યું છે તેવું જ નાયિકાના જીવનમાં બન્યું છે. એને પોતાનો પ્રેમી મનમોહન યાદ આવે છે પણ અત્યારે તે સુદીપના પુત્રની માતા બનવાની છે. આમ, ચલચિત્ર અને પોતાના વ્યક્તિજીવનનું સંનિધિકરણ રચાતા તે તીવ્રતાથી તેને માણે છે.’ અહીં જરા જુદા અર્થમાં સુરેશ જોષીની ‘નળદમયંતી’ વાર્તાનું સ્મરણ થાય આ સંગ્રહની નોંધપાત્ર વાર્તા ‘પોપડો’ છે. જેમાં સર્જકે પ્રતીકનો સફળ વિનિયોગ કર્યો છે. વાર્તાનો આરંભ થાય છે ત્યારે જીવીડોશી હાથમાં માળા લઈને બેઠાં છે. તેમની આસપાસ રૂપાનો બાબો કાનો રમે છે. કાનો રમતા રમતા ભીંતનો પોપડો મુખમાં મૂકે છે. આ જોતાં જ સાસુ તેને લડે છે. રૂપા કાનાનો બચાવ કરે છે. વાર્તામાં આગળ જતાં જીવીડોશીનું કાનનું લવિંગિયું ખોવાતાં ઘરમાં ગોતાગોત થાય છે. આ માટે રૂપાને ગુનેગાર માનવામાં આવે છે. રૂપા દુઃખની મારી રડી પડે છે. બરાબર તે જ વખતે કાનો આવી પોપડો ઊંચકે છે. જીવીડોશી કાનાના હાથમાંથી પોપડો લઈને ફેંકી દે છે. સાથે સાથે કાનાને ધમકાવે છે. બરાબર તે જ વખતે કશોક રણકો સંભળાય છે, પોપડો તો તૂટીને ચૂરેચૂરા થઈ જાય છે અને તેની નીચેથી જીવીડોશીનું લવિંગિયું મળી આવે છે. આમ આમાં અંત થોડો નાટ્યાત્મક લાગે છે. ‘ગુલમહોર’ વાર્તા પત્રકારના વ્યવસાય સાથે સંકળાયેલ છે. વાર્તાનો નાયક ‘સમાજ’ સામયિકના સહતંત્રી તરીકે જોડાય છે. તંત્રી અન્તુભાઈ છે. નાયક માટે આ ક્ષેત્ર નવું છે. વાર્તામાં આગળ વધતાં રેલવેના અકસ્માતમાં ત્રણ માણસો મૃત્યુ પામે છે, તે ઘટના વાર્તાનાયકને હચમચાવી મૂકે છે. અન્તુભાઈને આની કંઈ જ અસર થતી નથી. આ સમાચાર તરીકે લેવા નાયક વિચારે ત્યાં અન્તુભાઈ ત્રણ માણસોનાં મૃત્યુને મહત્ત્વ આપતાં નથી. ત્યારબાદ બિહારમાં એકસોવીસ માણસોના ભૂખમરાથી મૃત્યુ થાય છે. તેનો આનંદ અન્તુભાઈ ઉઠાવે છે. તેનું કારણ તેમને છાપાનો મસાલો મળી ગયો છે તે છે. આ ઘટનાથી વ્યથિત સર્જક ભગવતીકુમાર શર્મા પોતે આ વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેથી આ વિષયવસ્તુને કળાત્મક રીતે વાચા આપી શક્યા છે. વાર્તાના અંતમાં ગુલમહોરનું ઝાડ પડી જતાં દુઃખી થાય છે. ત્યાં વળી ઉત્તરપ્રદેશની રેલના કારણે કરોડોના નુકસાનના કારણે આનંદિત થઈ ઊઠે છે. આમ, અહીં તંત્રીની સંવેદનહીનતા આ વાર્તાનો મુખ્ય વિષય બન્યો છે. આ ઉપરાંત અન્ય કેટલીક વાર્તાઓમાં વિષયવસ્તુની ટૂંકમાં વાત કરીએ તો ‘સમદુખિયા’ વાર્તામાં મીરાના જીવનની કરુણતા પ્રગટ થઈ છે. ‘અંતકડી’ વાર્તામાં લગ્ન અને લગ્નેતર સંબંધની વાત વર્ણવી કાલિન્દીના જીવનની કરુણતા વર્ણવી છે. ‘પ્રિયની પ્રિય’ વાર્તા પત્રશૈલીમાં રચાયેલી વાર્તા છે. ‘વિદાયવેળા’ વાર્તામાં બે વિદાયના પ્રસંગોને હળવી શૈલીમાં મૂકી આપ્યા છે. ‘નથી લખવી મારે વાર્તા’ વાર્તામાં વાર્તાકારની વાર્તાના વિષયવસ્તુની શોધ-માવજત અને એનો સંઘર્ષ પ્રગટ થયો છે. આ સંગ્રહમાં સર્જકની ભાષા અને ભાષા-કર્મના ભાગરૂપે કેટલાંક નોંધપાત્ર વર્ણનો જોઈએ તો; ‘કારણ કે હું સ્ત્રી-આદમ અને ઈવના કાળથી ચાલી આવતી સ્ત્રી જેવી સ્ત્રી.’ (પૃ. ૧૨૪) ‘મન મારું જાણે મૂર્છા જેવું ખાઈ ગયું. અહમ્ની આળપંપાળે સુઝાડી દીધેલું મારા મનમાં બંધાયેલું પેલું ગુમાનનું ગૂમડું આ ઘેલા માનવીઓના એક જ નિસ્તરે ચિરાઈ ગયું ને લોહી. પરુ....’ (પૃ. ૧૪૫) ‘વૈશાખી પૂર્ણિમાનું પુષ્પ એની શત્ શત્ પાંખડીઓ વિસ્તારીને ખીલ્યું હતું. નવપરિણીત યુવતીના મનોહર મુખ જેવો ચંદ્ર આકાશમાં ચમકી રહ્યો હતો.’ (પૃ. ૫૪) ‘પ્રગટ્યું હતું તો પ્રભાત, પણ મને અને સુરભિને તે કાજળ કાળી રાત જેવું જ અણગમતું લાગ્યું.’ (પૃ. ૫૪) આમ ‘હૃદયદાન’ વાર્તાસંગ્રહની વીસ વાર્તાઓ પૈકીની મોટાભાગની વાર્તાઓ માનવજીવનની ભિન્ન ભિન્ન સમસ્યાઓને તાગતી વાર્તાઓ છે. આ વાર્તાસંગ્રહના સંદર્ભમાં ડૉ. બી. એસ. પટેલ નોંધે છે; ‘આ સંગ્રહની મોટાભાગની નવલિકાનો વિષય પરંપરિત જ રહ્યો છે. ‘હૃદયદાન’માં જુલીની માનવતા, ‘અન્ન અને ઇન્સાન’માં ભૂખ અને તરસને કારણે વલવલતાં માનવીઓ, ‘અજાણી આંતરવ્યથા’માં બે દંપતીની પરસ્પર વિરોધી સ્થિતિ, ‘પોપડો’ની પ્રતીકયોજના, ‘જન્મ-લગ્ન-મૃત્યુ’માં માનવીની ત્રણ અવસ્થાઓનું નિરૂપણ, ‘પ્રિયની પ્રિય’નો અંત, ‘અહમ્ની અદાવત’માં અહમ્નું નિરૂપણ, ‘વિયોગવેળા’માં વિયોગની સ્થિતિ અને ‘નથી લખવી મારે વાર્તા’માં વાર્તાનાયકની મથામણ સર્જક નિરૂપે છે.’
સંદર્ભ : ૧. ડૉ. બી. એસ. પટેલ, આધુનિકતાના સંદર્ભે ભગવતીકુમાર શર્માનું કથાસાહિત્ય.
ડૉ. ભરત સોલંકી
કવિ, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક
એસોસિયેટ પ્રોફેસર અને અધ્યક્ષ
ગુજરાતી વિભાગ,
શ્રી અને શ્રીમતી પી. કે. કોટવાળા આટ્ર્સ કૉલેજ,
પાટણ
મો. ૯૯૭૯૨ ૨૮૬૬૭
Email : drbnsonalki67@gmail.com
ભગવતીકુમાર શર્મા ‘છિન્નભિન્ન’ આધુનિકતાના આવિષ્કારની વાર્તાઓ
ભરત સોલંકી
ગુજરાતી સાહિત્યમાં સુરેશ જોષીના હાથે આધુનિક યુગનાં મંડાણ થાય છે. સુરેશ જોષી ટૂંકી વાર્તા, નવલકથા, કવિતા વગેરે ક્ષેત્રમાં જે રીતે કલમ ચલાવે છે તેના થકી આધુનિક સાહિત્યનું આગમન થાય છે. ભગવતીકુમાર શર્માનો ‘છિન્નભિન્ન’ શીર્ષકયુક્ત વાર્તાસંગ્રહ આધુનિકતાનું સંવેદન લઈને આવે છે. આદર્શ પ્રકાશન અમદાવાદથી પ્રથમ આવૃત્તિ રૂપે ઈ. સ. ૧૯૬૭માં તેનું પ્રકાશન થાય છે જે પછીથી ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત પણ થાય છે. આ સંગ્રહનું શીર્ષક જ આગળના વાર્તાસંગ્રહો કરતાં જુદું છે. ‘છિન્નભિન્ન’માં જ આધુનિકતાનાં દર્શન થાય છે. જેમ ઉમાશંકર જોશીની કવિતા ‘છિન્નભિન્ન’માં થાય છે તેમ. ‘છિન્નભિન્ન’માં કુલ પંદર વાર્તાઓ ગ્રંથસ્થ થવા પામી છે. આ સંગ્રહથી પ્રથમ વાર્તા ‘ગુડ નાઇટ પપ્પા, ગુડ નાઇટ મમ્મી’ છે. આ વાર્તામાં મનોવૈજ્ઞાનિક અભિગમ પ્રગટ થયો છે. દંપતીના જીવન-વ્યવહારની સંતાનો પર જે અસર પડે છે તેનું અહીં નિરૂપણ થયેલું છે. રંજિતા નામની છોકરી નાનપણથી જ માતા-પિતા સાથે સૂવા ટેવાયેલી છે. તેના પપ્પા નોકરીથી ઘેર આવે, જમે અને સૂતાં પહેલાં વાર્તા સંભળાવે તો જ રંજિતા ઊંઘી શકે છે. જોતજોતામાં રંજિતા અગિયાર વર્ષની થાય છે પણ તેની જોડે સૂવાની ટેવ જતી નથી. આના કારણે પતિ-પત્નીના જીવનમાં ઘર્ષણ ઊભું થાય છે. એમાં વાર્તામાં વળાંક આવે છે. રંજિતાની મમ્મી બી.એડ. કરવા બહાર જાય છે. રંજિતા એક વર્ષ માટે મામાને ત્યાં રહેવા જાય છે. રંજિતા પછી પરત ફરે છે. હવે તેની જોડે સૂવાની ટેવ જતી રહે છે. તેના શારીરિક, માનસિક વ્યક્તિત્વમાં પરિવર્તન આવે છે. આથી તે ‘ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ પપ્પા’ કહી દાદીમાના ઓરડા તરફ ચાલી જાય છે. ‘જલકમલવત્’ વાર્તા મુંબઈ જેવા મહાનગરના મનુષ્યની વિટંબણા વ્યક્ત કરે છે. મુંબઈના માળા-ચાલી વગેરેની નર્કયાતના ગુજરાતી કવિતામાં સુરેશ જોષી, નિરંજન ભગત, રાધેશ્યામ શર્મા, સિતાંશુ યશશ્ચંદ્ર કે નીતિન મહેતા વગેરેએ વ્યક્ત કરેલ છે. આ વાર્તાના બીજા ફકરામાં નાયકના મુખે મુકાયેલું એક વર્ણન જોઈએ તો, ‘અમારા ‘લલ્લુ નરસી માળા’ના સાર્વજનિક નળ પર તમે નથી નહાયા કોઈ દિવસ ખરું? જિંદગીભર માનવીને આમ તો ઘણા પુરુષાર્થ કરવા પડે છે. અમારા માળામાં નળ પર નહાવું, એ મારે મન તો એક જબરો પુરુષાર્થ જ છે.’ (પૃ. ૯૦) મુંબઈની ચાલીમાં જીવતાં મનુષ્યના સંઘર્ષો, ઑફિસો, રૂટિન જિંદગી, ઘોંઘાટ, ભાગાભાગ અને એના કારણે માનવમનમાં ઊભો થતો તણાવ અહીં પ્રગટ થયો છે. ‘માઇનસ ૪-૫૦’ ટૂંકીવાર્તા સ્ત્રીને તેને પતિ પ્રત્યે શંકા જન્મે છે તે વાત કેન્દ્રમાં છે. વાર્તાનો નાયક ચિત્રકાર છે. તે દીપાલી નામની સ્ત્રી-મિત્રને ચિત્રો દોરવામાં મદદ કરે છે, પણ તેમ કરતાં તેની પત્ની શર્મિલાના મનમાં પતિ અને દીપાલીના સંબંધો અંગે શંકા જન્મે છે. શર્મિલાની આંખમાં તકલીફ જન્મે છે. વાર્તાનાયક તેની આંખ બતાવવા હૉસ્પિટલ લઈ જાય છે પણ આંખમાં કોઈ રોગનાં લક્ષણો જણાતાં નથી અને આંખમાં જે શંકારૂપી રોગ ઘર કરી ગયો છે તેની કોઈ દવા નથી. આમ, બે પાત્રના જીવનમાં ત્રીજા પાત્રના પ્રવેશથી દામ્પત્યજીવનમાં જે સંઘર્ષ ઊભો થાય તે આ વાર્તાનું મુખ્ય કેન્દ્રબિંદુ છે. આ વાર્તાના સંદર્ભમાં ડૉ. પ્રમોદકુમાર પટેલ નોંધે છે : ‘ત્રણે પાત્રોના લાગણી સંબંધને આલેખવા લેખકે ચિત્રકારની વિભાવનાનું ‘તારના થાંભલા’ઓનું એબસ્ટ્રેક પેઇન્ટિંગ એ ક્ષમતાવાળું પ્રતીક બનતા રહી ગયું છે. કદાચ આખીએ વિભાવના જે કંઈક બુદ્ધિની કરામત જેવી વિશેષ લાગે છે એટલે આ કથા એટલી ચિત્તસ્પર્શી બની શકી નથી.’૧ ‘દીવાલ પરની સ્ત્રી’ પુરુષની સ્ત્રી પ્રત્યેની જાતીય ઝંખનાને પ્રગટ કરતી વાર્તા છે. વાર્તાનાયક કેતકરની પત્ની મૃત્યુ પામે છે. આના કારણે નાયકની સ્ત્રી પ્રત્યેની કામવાસના વધુ પ્રબળ બને છે. વાર્તામાં આગળ જતાં તે વિમલા કુલકર્ણી સામે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. આ પ્રસ્તાવ મૂકે તે પહેલાં એના બાથરૂમની દીવાલ પર એક નારીની આકૃતિ ઊપસી આવેલી એને દેખાય છે. આ પ્રતીકાત્મક રીતે રજૂ થયું છે. માનવીની અદમ્ય ઝંખના એને ગમે તે રીતે દૃશ્યમાન થાય છે. નાયકની જાતીય ઇચ્છાની પરાકાષ્ઠા અને તેની સ્ત્રી ભોગવવાની મનોચ્છાને વાર્તાના અંતમાં વાર્તાકાર આ રીતે મૂકે છે. ‘મિસ્ટર કેતકરની તંદ્રા તૂટી ગઈ. બારણું ખખડતું હતું. ઝટપટ શરીર લૂછીને ટુવાલ વીંટતા તેઓ બહાર ડોકાયા. જુવાન વાસંતી છાપું લેવા આવી હતી. એને વિદાય કરીને તેઓ ટુવાલભેર જ ખાટલા પર સૂઈ ગયા. એમની અંધ આંખો આગળ ચહેરાઓનું મિશ્રણ લપેડાતું હતું. સુશીલાબાઈ, મિસ વિમલા કુલકર્ણી, વાસંતી અને બાથરૂમમાંની સ્ત્રી આકૃતિ.’ (પૃ. ૧૩૬) આ વાર્તા સંદર્ભે ડૉ. બી. એસ. પટેલ નોંધે છે; ‘માનવીના અજ્ઞાત મનને પામવાનો-પ્રગટ કરવાનો પ્રયાસ આ વાર્તામાં થયો છે. સાથે સાથે માનવમનમાં પડેલી વિકૃતિઓ તરફ પણ ઇશારો છે. આધુનિક નવલિકાકાર જૂના વિષયોને ફગાવી નવીન વિષય લઈને આવે છે. અહીં ભીતરના માનવીને ખુલ્લો કરવાનો પ્રયાસ જોઈ શકાય છે.’૨ ઉપર દર્શાવેલી ને ચર્ચા કરેલ વાર્તાઓમાં મુખ્યત્વે દામ્પત્યજીવનની સમસ્યાઓ સર્જકે વાર્તામાં વણી લીધી છે. નગરજીવનની યાતનાઓને એકલવાયા મનુષ્યની વ્યથા વ્યક્ત કરતી વાર્તા ‘શ્રીરંગના પ્રાંગણ’ છે. આ વાર્તાના વિષયવસ્તુમાં વાર્તાનાયક રહેમાન વજનકાંટા પર બેસી વજન કરવાનો વ્યવસાય કરે છે. પરંતુ રોજબરોજ થતી નવી નવી યંત્રોની શોધના કારણે નવી મશીનરી અને વજન માપવાનાં નવાં યંત્રો આવતાં રહેમાન બેકાર બને છે. તેનો વજનકાંટો બદલાયેલી પરિસ્થિતિમાં નિરર્થક બને છે. રહેમાનની રોજીરોટી ટળી જાય છે. વાર્તાના અંતમાં હવે પોતાનું ભવિષ્ય શું? કેવી રીતે પોતાનો જીવનનિર્વાહ કરશે? તેના સમાધાન માટે પોતાનું ભવિષ્ય જાણવા ઑટોમેટિક મશીનમાં સિક્કો નાખે છે. તે પોતાની ભવિષ્યવાણી સાંભળી હતાશ અને નિરાશ થઈ જાય છે. આ સંગ્રહની શીર્ષકયુક્ત વાર્તા ‘છિન્નભિન્ન’ આધુનિક સમયમાં ભર્યા-ભાદર્યા ઘરમાં બધાની વચ્ચેય એકલા પડી ગયેલા વાર્તાનાયકની મનોવ્યથા વ્યક્ત કરે છે. પ્રથમપુરુષ એકવચનમાં કહેવાતી વાર્તા નાયકના વિષમ વર્તમાનથી શરૂ થાય છે. શરદી-ઉધરસથી શારીરિક પીડા અનુભવતા ઉંમરના પડાવે પહોંચેલા નાયકની કોઈ દરકાર કરતા નથી. સહુ કોઈ પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત અને મસ્ત છે. વચ્ચે વચ્ચે તેમનો મીનાક્ષી સાથેનો ભૂતકાળ પણ પ્રગટ થાય છે. આ આખી વાર્તામાં સતત આધુનિકતાનું વર્ણન, અને કુરૂપતાનાં દર્શન થાય છે. એક વર્ણન જોઈએ તો; ‘સુકાઈને પીળા પડી ગયેલા ઘાસ પર પતંગિયું બેસે છે ને તરત ઊડી જાય છે, ઠરી ગયેલા કોડિયા પર જીવડું આવીને ટકરાય છે ને અદૃશ્ય થઈ જાય છે, કૂતરાની પૂંછડીમાં બગાઈ ડંખ મારે છે ને કૂતરું પૂંછડીને કરડવાની વ્યર્થ કોશિશ કરે છે. શુચિતાને પગે થયેલું ગૂમડું પાકી ગયું છે; પરુથી ફદફદી ગયું છે ને છતાં તે ફૂટતું નથી, ચોમાસાને કારણે ધાબાં પડી ગયેલી દીવાલની તરાડમાં લાલ કીડીઓ એક મંકોડાનું શબ લઈ જવાની મહેનત કરતી પેસનીકળ કરે છે.’ (પૃ. ૧૮૪) વાર્તાના અંતમાં સર્જક વાર્તાનાયક જીવનનો બોજ અસહ્ય લાગતાં, ગૂંગળામણ અનુભવતા પોતાનું મૃત્યુ નજીક આવતું અનુભવે છે. ‘જિંદગીનો છેલ્લો દિવસ’ વાર્તામાં વાર્તાનાયિકા તોરલ છે તે નોકરી કરે છે. ટ્રેન મારફતે ઑફિસથી ઘર અને ઘરથી ઑફિસ આવ-જા કરે છે. તે સત્યેનના પરિચયમાં આવે છે. સત્યેન સાથેના સંબંધો તેના મનોમંથનનો વિષય બને છે. સત્યેન અને નાયિકાનો પ્રેમ છલનામય હતો જે વાર્તાના અંતમાં પુરવાર થાય છે. આ વાર્તામાં આધુનિકતાને તાકતું વર્ણન જોઈએ તો; ‘દોડતી ટ્રેનની બારીમાંથી એકમેકમાં અટવાઈને લુપ્ત થતાં બહારનાં દૃશ્યોની જેમ આ ઓથારની આકૃતિઓ મને ભીંસમાં લઈને ગૂંગળાવવા લાગી. ક્યારે ખાર આવ્યું અને ક્યારે હું યંત્રની જેમ સ્ટેશનની બહાર નીકળી ફ્લેટ તરફ ચાલવા લાગી તેનો એ મને ખ્યાલ ન રહ્યો.’ (પૃ. ૩૩) યાંત્રિકતાના કારણે માનવજીવન કેટલું અર્થહીન બન્યું છે. માણસ કેટલો દંભી, પોકળ અને ખોખલો બની ગયો છે તેનું ચિત્રણ ‘શાહીબાગની ઓવરબ્રિજની છાયા’માં પ્રગટ થયું છે. આ વાર્તામાં મુખ્યત્વે રિક્ષા ચલાવતા નાયકની વ્યથા, હતાશા, નિરાશા પ્રગટ થઈ છે. ગામડાનો માણસ જેવો છે તેવો દેખાવા પ્રયત્ન કરે છે. જ્યારે શહેરનો માણસ એના કરતાં જુદો સારો દેખાવા પ્રયત્ન કરે છે. તે વાત ગર્ભિતરૂપે અહીં પ્રગટ થઈ છે. ‘વાંસ અને દોરી’ પ્રતીકાત્મક વાર્તા છે. આ વાર્તામાં વાંસ અને દોરીની મનોવ્યથા વાર્તા પાત્રોના પ્રતીક બનીને આવ્યા છે. આ વાર્તામાં વર્તમાન મનુષ્યની હતાશા, વેદના અને નિરાશા પ્રગટ કરે છે. આ સંગ્રહની વાર્તામાં કેટલાંક નોંધપાત્ર વર્ણનો તેમ જ અલંકારો વાર્તાઓને આસ્વાદ્ય બનાવે છે. કેટલાંક દૃષ્ટાંતો જોઈએ તો : ‘આમે ય અમારાં બંનેના મન ખૂબ આળાં હતાં. એક જરાક જેટલો ઘસરકો લાગતાં યે અમે કમકમી ઊઠીએ. તડકામાં પડી પડી બિલાડી નિરાંતે ઊંઘતી હોય ને એની મુલાયમ વાળવાળી ચામડીને આપણે સહેજ સ્પર્શ કરીએ કે તરત એ ડિલ આખું થથરાવી મૂકે તેમ અમારી સંવેદનશીલતા વિક્ષેપની હળવી ટપલી વાગતાં યે હાલકડોલક થઈ જતી.’ (પૃ. ૧૬) ‘એકધારી ખાંસી ખાધા કરતા ક્ષયના દર્દીની જેમ કટકટ કરતા ઘડિયાળની ગતિ મને ઘણી ધીમી લાગી. શૂન્યસરખી ઑફિસમાં સમય વિતાવતાં મને ભય લાગવા માંડ્યો.’ (પૃ. ૩૫) ‘સાગરની જેમ પ્રેમના કેટલા બધા મિજાજ છે!’ (પૃ. ૬૪) ‘મારા કાનમાં જાણે તમરા વાગે છે. મારી નજર સમક્ષ ચાર બાળકો થવાથી કરમાઈ ગયેલી પત્નીની કાયા ઊપસી આવે છે. અસ્તવ્યસ્ત વસ્ત્રોમાંથી અર્ધાં ઉઘાડાં થતાં એના અંગો યે હવે મને રોમાંચ અર્પી શકતાં નથી. એનો ખ્યાલ આવે છે ને હું પેલા માણસ તરફ જોઉં છું. એનું ખંધુ હાસ્ય વધારે ખંધુ બને છે. ઘોડાના દાંત જેવા એના મોટા દાંત જાણે મને કચડી નાખવા મથે છે.’ (પૃ. ૯૮) ‘અમારી રૂમમાં અંધકાર અજગરની જેમ ભરડો લઈ વળે છે. હું મેલી, કઠણ પથારીમાં પડ્યો પડ્યો એ અંધકારનાં છિદ્રો પર આંગળી ફેરવ્યા કરું છું.’ (પૃ. ૧૦૦) ‘લીલા વાંસનું વન હતું, આંખોને આહ્લાદ આપતું. વાંસ ઊંચે વધ્યે જતા હતા, જાણે આકાશ સાથે વાતો કરતા હતા. રોજ સવારે સૂરજનાં કોમળ કિરણો તેઓ ઝીલતાં. બપોરે તાપ આકરો થતો અને વાંસ ગરમ થતા. સાંજ ઢળતી, રાતનાં અંધારાં ધરતી પર ઊતરતાં ને વાંસના મનમાં મૌન ફેલાઈ જતું. ચાંદની રાતે વાંસના પડછાયા ક્યાંય સુધી વિસ્તરતા. અમાસની રજનીએ તારલાઓની ટીપકી-ભાતને સ્પર્શવા વાંસ જાણે હાથ લંબાવતા!’ (પૃ. ૧૫૯) આમ, સમગ્રપણે જોતાં ‘છિન્નભિન્ન’ વાર્તાસંગ્રહ ભગવતીકુમારનો આધુનિક સંવેદનને નિરૂપતો નોંધપાત્ર વાર્તાસંગ્રહ બની રહે છે. આધુનિકતાની માનવજીવન પર જે અસર થઈ પછી તે દામ્પત્યજીવન હોય, નગરજીવન હોય કે વ્યક્તિનું અંગત વ્યક્તિત્વ હોય, આધુનિકતા તેને આભડ્યા વગર રહી નથી. આ સંગ્રહની લગભગ બધી જ વાર્તાઓમાં વિષયવસ્તુ, ચરિત્રચિત્રણ, ચરિત્રસમસ્યાઓ, વર્ણનો વગેરે આધુનિક મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. આ દૃષ્ટિએ ભગવતીકુમાર શર્માનો આ વાર્તાસંગ્રહ તેમના અન્ય વાર્તાસંગ્રહો કરતાં જુદો પડે છે. સર્જકની એક જુદી જ ઓળખ આ સંગ્રહ દ્વારા પ્રસ્થાપિત થાય છે.
સંદર્ભ :
૧. પ્રમોદકુમાર પટેલ, ‘ગ્રંથ’, મે-૧૯૬૭, પૃ. ૪૧.
૨. ડૉ. બી. એસ. પટેલ, ‘આધુનિકતાના સંદર્ભે ભગવતીકુમાર શર્માનું કથાસાહિત્ય’, પૃ. ૧૩૭.
ડૉ. ભરત સોલંકી
કવિ, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક
એસોસિયેટ પ્રોફેસર અને અધ્યક્ષ
ગુજરાતી વિભાગ,
શ્રી અને શ્રીમતી પી. કે. કોટવાળા આટ્ર્સ કૉલેજ,
પાટણ
મો. ૯૯૭૯૨ ૨૮૬૬૭
Email : drbnsonalki67@gmail.com
‘વ્યર્થ કક્કો છળ બારાખડી’ : મૃત્યુનાં વિવિધ પરિમાણો પ્રગટાવતી વાર્તાઓ
ભરત સોલંકી
‘વ્યર્થ કક્કો, છળ બારાખડી’ વાર્તાસંગ્રહ આદર્શ પ્રકાશન, અમદાવાદથી પ્રથમ આવૃત્તિ રૂપે ૧૯૭૯માં પ્રકાશિત થયેલ છે. આ વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં શ્રી રવીન્દ્ર પારેખ નોંધે છે; ‘એક જ કેન્દ્ર પરથી જુદી જુદી ત્રિજ્યાના વિસ્તારતાં જતાં ભાવવર્તુળોને અવતારવાનું જ કદાચ અભિપ્રેત છે એમને અથવા તો જરા જુદી રીતે તપાસીએ તો એમની ઘણીખરી વાર્તાઓ Kaleidoscopic પદ્ધતિએ જરા જરામાં જુદી જુદી Pattern ઉપસાવતી હોવાનું પણ લાગે અને એટલે જ Monotonyનું સૌંદર્ય પ્રગટાવવાની એમની અભીપ્સા રહી હોવાનું પણ કહી શકાય છે.’૧ આ સંગ્રહમાં કુલ સત્તર વાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે જેમાંથી આધુનકિતાનો ઉન્મેષ પ્રગટ થાય છે. આ સંગ્રહની કેટલીક વાર્તાઓનો સરલા જગમોહને હિન્દીમાં અનુવાદ પણ કરેલો છે. સર્જકના અન્ય સંગ્રહની જેમ આ સંગ્રહ પણ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયેલો છે. આ વાર્તાસંગ્રહમાં મોટાભાગની વાર્તાઓનો વિષય મૃત્યુનો છે. કહો કે અહીં મૃત્યુના ભિન્ન ભિન્ન પરિવેશ પ્રગટ થયા છે. આ સંગ્રહમાં કુલ સત્તર વાર્તાઓ ગ્રંથસ્થ થયેલ છે. આ સંગ્રહની ‘પ્રતીતિ’ શીર્ષકયુક્ત વાર્તામાં વાર્તાનાયકની પત્નીના અવસાનનો સંદર્ભ છે. પત્નીના મૃત્યુ પછી હિન્દુ રીતરિવાજ મુજબ તમામ કર્મકાંડો સર્જક પૂર્ણ કરતા દર્શાવે છે. જેમાંથી સર્જકનું મૃત્યુ પછીના ધાર્મિક ક્રિયાકર્મનું સૂક્ષ્મ દર્શન પ્રગટ થાય છે પરંતુ આ ક્રિયાકર્મ પૂર્ણ થયા પછી વાર્તાનાયકને પત્ની નિરૂની ગેરહાજરી ઘેરી વળે છે. સર્જકે નાયક સામે નિરૂની મૃત્યુની અંતિમ ક્ષણોને આ રીતે મૂકી છે; ‘અનિવાર્ય હતું તે બન્યું. વિકલ્પ ન હતો. નિરૂએ શ્વાસ મૂકી દીધો. એનો શામળ્યો વાન કશાક તેજથી ઝગમગી ઊઠ્યો. એના કપાળમાંનો ચાંદલો આથમતા સૂરજની જેમ તગતગી રહ્યો.’ (પૃ. ૩૧) નાયકને જિંદગીમાં પડેલી આ મોટી ખોટ છે પણ આવનારા માટે પાત્ર આ વ્યવહાર બની જાય છે. નાયકને આશ્વાસન આપવા આવેલાના મન પર મૃત્યુની કોઈ અસર કે આઘાત નથી અને ખાલી ખાલી ઔપચારિકતા પૂર્ણ કરી સહુ પોતપોતાના ઘેર ચાલ્યા જાય છે. સંગ્રહની અન્ય વાર્તા ‘પ્રેમઅંશ’ છે. અહીં પણ મૃત્યુનો જ પરિવેશ છે. આ વાર્તામાં વાર્તાનાયક કેતનની માતાનું અવસાન થાય છે તે ઘટના મુખ્ય છે. નાયક કેતન અને તેની પત્ની એકબીજાને ખૂબ પ્રેમ કરે છે પરંતુ સંજોગોવશાત્ છૂટાં પડે છે. આભા પ્રખ્યાત ગાયિકા છે. પ્રોગ્રામો કરે છે. નાણાં અને નામ કમાય છે. નાયક સુખદેવ પણ આભાથી સંતુષ્ટ છે. તેને તેના શોખ માટે પૂરતી મોકળાશ પણ આપી છે. તેમાં નાયકની માતાનું અવસાન વાર્તામાં વળાંક આપે છે. વાર્તાનાયકની માતા પણ સારું ગાતાં. ક્યારેક આભાએ તેમનાં ગીતોની કેસેટ બનાવેલી તે નાયકને સંભળાવે છે. આમ, આ વાર્તામાં વાર્તાનાયકનો તેની માતા સાથે વિતાવેલો ભૂતકાળ અને માતા વિનાનો નીરસ વર્તમાન પરસ્પર સંનિધિકરણ પામ્યા છે. ‘કમાડ ઉઘડ્યાં નહિ’ શીર્ષકયુક્ત વાર્તામાં વાર્તાનાયક હર્ષદભાઈના પત્નીના અવસાનનો સંદર્ભ છે. અહીં તેમના પત્નીના અવસાન પછી તેમનો પુત્ર પ્રણય મામાને ત્યાં રહેવા જાય છે. આગળ જતાં પ્રણયના નેહા નામની યુવતી સાથે લગ્ન થાય છે. લગ્ન ધામધૂમથી પૂર્ણ થાય છે. સગાંસંબંધીઓ લગ્નમાં હાજરી આપે છે તે પછી સૌ વિખેરાઈ જાય છે. ફરી એકલા પડતા હર્ષદરાય પત્નીની યાદ આવતાં ઘરના બારણામાં ઢળી પડે છે. આ વાર્તામાં પણ બે સમય, બે ઘટના, બે પ્રસંગ વારંવાર પાસપાસે સર્જકે મૂક્યાં છે. એક પોતાના વિદુલા સાથે થતાં લગ્ન તે વખતનો તેમનો પહેરવેશ, જાન, લગ્ન અને વિદુલાનું નવવધૂના રૂપમાં પ્રવેશવું એ ચોરી એ લગ્ન વગેરે તો બીજી બાજુ હાલ થતા પ્રણયના નેહા સાથેના લગ્નપ્રણયનું વરરાજાના રૂપમાં તૈયાર થવું, તેના લગ્ન વગેરે પાસપાસે મુકાયા છે. વર્તમાનમાં હવે પ્રણવના લગ્ન પછી વળી તેમને વિદુલાની યાદ આવે છે. વિદુલાના મૃત્યુના સંદર્ભને સર્જક આ રીતે વ્યક્ત કરે છે; ‘માત્ર વિદુલા ન રહી, કોક નામ વિનાના અંતરિયાળ સ્ટેશને, એમને એકલા છોડીને, ટ્રેનના ખડખડાટની લયબદ્ધતાને કારણે પોતાની ફિક્કી આંખો સહેજ મટકું મારી ગઈ હશે ત્યારે તે ચૂપચાપ કોઈને કશું કહ્યા વિના, ડબ્બા બહારની અંધકારભરી રિક્તતામાં ઓગળી ગઈ.’ (પૃ. ૧૬૧) આ રીતે આ વાર્તામાં હર્ષદરાયના પત્નીનો મૃત્યુનો પ્રસંગ અને વર્તમાનમાં દીકરાના લગ્નનો પ્રસંગ સમાંતર નિરૂપિત થયો છે. ‘મરણોત્તર’ વાર્તા પણ મૃત્યુના જ પ્રસંગને વિષય બનાવે છે. આ વાર્તામાં વાર્તાનાયકના મિત્ર અજિતના થતા મૃત્યુ પછી તે હળવાશનો અનુભવ કરે છે. આની પાછળનું કારણ એ હતું કે વાર્તાનાયકનો મિત્ર અજિત નાયકની પત્ની સાથે અનૈતિક સંબંધો ધરાવતો હતો. આથી જ અજિતના અગ્નિસંસ્કાર કરી ઘેર પરત ફરતા પત્નીના પહેરવેશ અને રુદનથી તેને એ વાતની પાકી ખાતરી પણ થઈ જાય છે. સર્જક નોંધે છે; ‘બારણું ઉઘાડી તે ઘરમાં પ્રવેશ્યો. તેની પત્ની પલંગ ઉપર બેઠી હતી. સફેદ લૂગડું, છૂટા કોરા વાળ, સૂઝી ગયેલી આંખો, કપાળમાં ચાંદલોય નહોતો. એ પત્ની હતી કે મંજરી?’ (પૃ. ૧૪૬) અજિતની પત્ની મંજરી હતી. હકીકતમાં મંજરી વિધવા થઈ હતી પણ નાયકપત્ની પણ વિધવા જેવું રૂપ ધારણ કરી બેઠી હતી. આ વાર્તાસંગ્રહની શીર્ષકયુકત વાર્તા ‘વ્યર્થ કક્કો, છળ બારખડી’માં બાળમાનસ તેમજ પુરાકલ્પનનો વિનિયોગ ધ્યાનાકર્ષક છે. વાર્તામાં કમળાશંકરના પાંચ પુત્રો છે જેમાં કમળ, સરળ, સજળ અને નળ વગેરે છે. આમાં નળના જીવનનું બાળપણ, ભોળપણ અને નિર્દોષતા પ્રગટ થઈ છે. આ વાર્તામાં પ્રેમાનંદરચિત આખ્યાન ‘નળદમયન્તી’નો નળ અને કમળાશંકરનો નળ પાસ-પાસે મુકાયા છે. નાનપણમાં બાળકોને કમળાશંકર નળાખ્યાનનો પાઠ સંભળાવતા હતા. શાળામાં પંડ્યાજી કૌરવપાંડવની વાર્તા કહેતા. આમ તો નળ ગૌરવયુક્ત પાત્ર હતું. પાંચ પાંડવોમાં પાંચેય શક્તિશાળી હતા પરંતુ વાર્તાના નળની ઓળખ ડફોળ તરીકે જ ઊભી થઈ છે જે તેને ખૂંચતું હતું. નળ મોટો થતાં તેના જીવનમાં ત્રણ ત્રણ સ્ત્રીઓ આવે છે, તો ય નળનું જીવન છેલ્લે તો એકાંતમાં જ પસાર થાય છે. આથી વાર્તાના અંતે નળને બધું અર્થશૂન્ય લાગે છે. સર્જક લખે છે; ‘નળને થયું : કોઈ કોઈનું નથી; હું મારો પણ નથી. આખો કક્કો વ્યર્થ છે અને બારાખડી એક ભીષણ આગ.’ (પૃ. ૭૦) આ વાર્તાના ભાષાકર્મ વિશે શ્રી રવીન્દ્ર પારેખ નોંધે છે; ‘વ્યર્થ કક્કો, છળ બારાખડી’માં સર્જકનું ભાષાકર્મ કેવળ પ્રયોગ રૂપે જ નહીં, પરંતુ વાર્તા માટે અનિવાર્ય એવી સામગ્રીરૂપે આવે છે. નળનું ભોળપણ, અન્ય બાળકો દ્વારા નળને દેવાતો છેહ-કારી શબ્દ-પ્રાચુર્ય દ્વારા નળના જીવનમાં પ્રગટતું ‘ળ’નું સ્થાન હોઈ શકે?૨ (વ્યર્થ કક્કો છળ બારાખડી, પૃ. ૧૦) ‘બરફની પૂતળી’ વાર્તામાં પણ અન્ય વાર્તાઓની જેમ મૃત્યુનું સંવેદન જ વાર્તાના કેન્દ્રમાં છે. વાર્તાનાયક ભાનુભાઈના પુત્ર પ્રશાંત મૃત્યુ પામે છે. આ દુઃખદ પ્રસંગમાં સહભાગી થવા તેમના મિત્ર શ્યામુ અને વિશાખા આવે છે. જતાં જતાં વિશાખા ભાનુભાઈના ખભે હાથ મૂકીને આશ્વાસન આપે છે. આ ચેષ્ટાથી શંકાગ્રસ્ત પત્ની મૃત્યુના મલાજાને જાળવવાના બદલે ભાનુભાઈને ધમકાવે છે અને બોલે છે; ‘પેલી વિશાખાને ગળે હાથ ભેરવી શી વાતો કરતા હતા? ને એની સાડીના છેડે આંખો લૂછતા... સુરેખાનો અવાજ તરડાતો જતો હતો. જાવ એની સોડમાં હું રહીશ આ ઘરમાં એકલી. સાવ અટૂલી.. અને સુરેખાએ ઠૂઠવો મૂક્યો.’ (પૃ. ૧૫૫) ‘ધડ’ વાર્તામાં આધુનિક સમયમાં માનવ જે રીતે સંવેદનહીન બન્યો છે તે તથા જીવનની એકવિધતા અને તેમાંથી પ્રગટતી અર્થશૂન્યતા કપોળકલ્પનની ટેક્નિક દ્વારા પ્રગટ થઈ છે. આધુનિક સમયમાં માણસ પોતાનો ચહેરો, પોતાની ઓળખ ભૂલી ગયો છે તે વાર્તાનાયકના વર્તન ઉપરથી પ્રગટે છે. વાર્તાનાયક અરીસા સામે ઊભો રહે છે ને પોતાને ચહેરા વગરનો જુએ છે તે દૃશ્યથી આ વાત પ્રગટ કરી છે. ‘સ્વથી નિકટ દૂર’ વાર્તામાં વ્યવસાય કરતાં કેતનભાઈ પુત્રીની બીમારીના કારણે તેમાં સમય આપે છે, વ્યસ્ત રહે છે તેના કારણે વ્યવસાયમાં ધ્યાન આપી શકતા નથી. પરંતુ બીજી તરફ એવી તક મળી કે પોતે પોતાની નજીક, પરિવારથી નજીક આવી જાય છે. ધંધાની હરીફાઈ, ભાગાભાગ, દોડાદોડમાં પોતે ‘સ્વ’ને જ ભૂલી ગયા હતા. ઘરમાં આમ આવેલી પુત્રીની બીમારીના કારણે પોતે પરિવાર સાથે સમય ગાળી શકે છે તેનો સંતોષ અનુભવે છે. વાર્તાના અંત તરફ જતાં પુત્રી સ્વસ્થ થાય છે. ત્યાં પછી વાર્તાનાયક વ્યવસાયમાં જોડાશે ને ફરી એ જ જિંદગી શરૂ થશે તેની ચિંતા પણ થાય છે. આમ, આ વાર્તામાં બીમારી ચિંતાના કારણે કરતાં પરિવારની એકતા, પ્રેમ, હૂંફનું કારણ બને છે. અન્ય કેટલીક વાર્તાઓમાં ‘કેસેટ’ સતીષ અને કમલા પતિ-પત્ની છે. લનજીવનમાં સતીષ વધુ પડતો નીરસ છે. પરિણામે કમલા માથુર નામના યુવકના સંપર્કમાં આવે છે. અહીં સ્ત્રીની પતિ પ્રત્યેની અપેક્ષા, એની અપૂર્ણતા અને તેના કારણે સર્જાતા આડા સંબંધો આ વાર્તાનો મુખ્ય ધ્વનિ છે તો પણ ‘ફડફડાટ’ વાર્તામાં રેખા અને એના પિતાનાં માનસિક સંચલનો નિરૂપવામાં આવ્યાં છે. ‘સુવ્વરની ઓલાદ’ વાર્તામાં કુન્તાના સ્વાભિમાનની વાત મુખ્ય વિષય છે. જેમાં નાયિકા એક તરફ પોતાના પતિના મૃત્યુની ઝંખના કરે છે તો બીજી તરફ તેનો તેના પ્રત્યેનો સ્નેહ સતત પાસપાસે મૂકી વિરોધાયા કરે છે. આ ઉપરાંત ‘અંધકાર વધી રહ્યો છે’, ‘મા’, ‘બકોર પટેલનો બહેરાપો’, ‘બુકાનીધારીઓ અને ખચ્ચરો’ વગેરે પણ આ સંગ્રહની ભિન્ન ભિન્ન વિષયવૈવિધ્ય પ્રગટાવતી વાર્તાઓ છે. આ સંગ્રહના ભાષાકર્મ વિશે વિચારીએ તો અહીં વર્ણનો, અલંકારો, કહેવતો, રૂઢિપ્રયોગો, પ્રભક, કલ્પનો, હિન્દી ગીતો વગેરે વિનિયોગ થકી આ વાર્તાઓ કલાત્મકતા સિદ્ધ કરે છે. કેટલાંક ઉદાહરણો જોઈએ તો; ‘આપણા સંબંધો કરોળિયાના જાળા જેવા છે. પહેલા આપણે તેને ગૂંથીએ છીએ અને પછી એમાંથી છૂટી શકાતું નથી અથવા સંબંધો એક કિનારા વિનાના દરિયા જેવા છે, જેમાં ઝંપલાવવાના આકર્ષણને આપણે ખાળી શકતાં નથી અને ઝંપલાવતી વખતે આપણે એ સાવ ભૂલી જઈએ છીએ કે આપણને તરત તો મુદ્દલ આવડતું નથી.’ (પૃ. ૫૬) ‘તેના મનમાં એક ઝબકારો થયો, ધનુષ્યની તૂટી ગયેલી પણછની જેમ એ કોકડું વળી ગયા. કશુંક કીમતી લૂંટાઈ ગયાના-લૂંટાવી દીધાના ધુમ્મસ જેવું વિષાદ એને ઘેરી વળ્યો.’ (પૃ. ૭૮) ‘તબિયત મારી ડૂબતા સૂરજ સરખી કે કાચના તિરાડવાળો ફ્લાવરવાઝ જેવી, પણ નિરૂ કડે ધડે. એક આ એનો હાથ ધ્રુજ્યા કરે એટલું જ. મનોબળ તો એનું વજ્જર જેવું.’ (પૃ. ૨૮) ‘આયો જોબનનો વરણાગ રસિયા! છલકાયો ફાગણ ફાગ, રસિયા!’ (પૃ. ૫૯) ‘શો ખોટો છે! એ તો ગુલાબનો ગોટો છે! મારા કાળજે ફાંકડો ફોટો છે!’ (પૃ. ૬૧) આમ, આ સંગ્રહનું ભાષાકર્મ વિશિષ્ટ છે. આ સંગ્રહના ભાષાકર્મ વિશે સર્વાંગી નોંધ લેતા ડૉ. રમેશ શુક્લ નોંધે છે; ‘ભગવતીકુમાર શર્માનું સર્જક તરીકેનું સબબ પાસું ભાષા છે. હસ્તકમલવત્ ફાવટ છતાં તેઓ રીતિવાદી નથી. ‘મા’, ‘કેસેટ’, ‘પ્રેમઅંશ’, ‘પ્રતીતિ’ જેવી ઘટનાપ્રધાન વાર્તાઓમાં તેમની ભાષા ઊર્મિપુષ્ટ અને માર્દવશીલ છે. ‘બકોર પટેલનો બહેરાપો’ અને ‘બુકાનીધારીઓ અને ખચ્ચર’માં તેઓ સૂરતી જેટલી જ સહજ લહેકાથી ચરોતરી પણ યોજી શક્યા છે.’૩
સંદર્ભસૂચિ :
૧. રવીન્દ્ર પારેખ, વ્યર્થ કક્કો છળ બારાખડી, પૃ. ૦૬
૨. એજન (પ્રસ્તાવના), પૃ. ૦૯
૩. ડૉ. રમેશ શુક્લ, સંભૂતિ, પૃ. ૯૨
ડૉ. ભરત સોલંકી
કવિ, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક
એસોસિયેટ પ્રોફેસર અને અધ્યક્ષ
ગુજરાતી વિભાગ,
શ્રી અને શ્રીમતી પી. કે. કોટવાળા આટ્ર્સ કૉલેજ,
પાટણ
મો. ૯૯૭૯૨ ૨૮૬૬૭
Email : drbnsonalki67@gmail.com
ભગવતીકુમાર શર્મા ‘અકથ્ય’ : પ્રયોગશીલ વાર્તાઓ
ભરત સોલંકી
ભગવતીકુમાર શર્માનો ‘અકથ્ય’ વાર્તાસંગ્રહમાં પ્રયોગશીલ વાર્તાઓ પ્રકાશિત થાય છે. આર. આર. શેઠ અમદાવાદથી પ્રકાશિત આ વાર્તાસંગ્રહ પ્રથમ આવૃત્તિરૂપે ૧૯૯૪માં પ્રકાશિત થયેલ છે. સુપ્રસિદ્ધ કેળવણીકાર આચાર્ય યશવંત શુક્લને આ સંગ્રહ અર્પણ કરેલ છે. આ સંગ્રહમાં ચોવીસ જેટલી વાર્તાઓ છે. આ વાર્તાઓ આ સંગ્રહમાં ગ્રંથસ્થ થાય તે પૂર્વે કેટલીક વાર્તાઓ હિન્દીમાં અનુવાદિત થયેલ છે. ‘અકથ્ય’ વાર્તાસંગ્રહની વાર્તાઓમાં મુખ્યત્વે મૃત્યુ, નારીચેતના, કુટુંબજીવન વગેરે વિષય બનીને આવેલ છે. સંગ્રહની પ્રથમ વાર્તા ‘કૂતરા’ પ્રતીકાત્મક વાર્તા છે. વાર્તામાં મૃત્યુનો સંદર્ભ ને મૃત્યુની ઘટના મુખ્ય વિષય છે. વૃદ્ધ ભૂખણડોહાનું અવસાન થયેલ છે. આની જાણ થતાં ગામના લોકો જે રીતે આવે છે, ટોળે વળે છે ને મૃત્યુની પણ મજાક ઉડાવે છે તે હાસ્યાસ્પદ છે. વાર્તાનો આરંભ કરતા સર્જક લખે છે; ‘જોતજોતામાં વાસમાં નાનકડું ટોળું જામી ગયું. પાંચ-સાત માણસો અને એટલાં જ કૂતરાઓનું કાળાં, અર્ધઉઘાડાં, પરસેવે ચમકતાં શરીરો અને પટપટતી પૂંછડીઓ, લથડતી જીભો, થરથરતા કાન બોલાશ અને ઘૂરકા-ઘૂરકી, વૈશાખની લૂ ઝરતી બપોરનો સૂનકારે કચ્ચર કચ્ચર થઈ ગયો.’ (પૃ. ૧) ભૂખણ ડોહાના મૃત્યુ પ્રસંગે રણછોડ, રૂડકી, જેઠિયો, મંગળિયો, દેવલી વગેરે જે રીતે આવે છે ને ભાતભાતના સંવાદો, શંકાઓ વગેરે સંદર્ભે જે ચર્ચાઓ થાય છે તેના ઉપર સર્જકે કટાક્ષ કરેલ છે. સાથે સાથે કૂતરાઓનું પણ આવવું ને કૂતરાઓનું માણસોમાં ભેળસેળપણું પણ અહીં આસ્વાદ્ય બનેલ છે. મૃત્યુના જ સંદર્ભને લઈને પ્રગટ બીજી વાર્તા ‘નરક’ છે. આ વાર્તામાં રૂખીબહેનના અવસાન પછી સંપતરાયના જીવનમાં વ્યાપી ગયેલા એકાકીપણાને મુખ્ય વિષય બનાવ્યો છે. આ વાર્તામાં રૂખીબહેન હતાં ત્યારનું સંપતરાયનું જીવન અને વર્તમાનમાં એકલા પડેલા સંપતરાયનું જીવન સંનિધિકૃત થયાં છે. સંપતરાયને આમ તો માતા-પિતા, પત્ની, બાળકો બધું જ હતું પણ રૂખીબહેન સાથે અનોખો સંબંધ હતો. બંને ભાઈ-બહેનના સંબંધથી જોડાયેલાં હતાં. વાર્તાના આરંભે રૂખીબહેનનાં મૃત્યુ પામેલા દેહનું વર્ણન સર્જક જુગુપ્સાપ્રેરક કરે છે આ રીતે; ‘પીળો પચપચતો, દેડકાના શબ જેવો રંગ, આંખો આગળ સળવળી ઊઠ્યો. એમાં ખદબદતાં જીવડાં, એના ભેગો રતુમડો લોચો, એમાંથી બહાર રહી ગયેલો ટચૂકડો હાથ.’ (પૃ. ૯) પરણેલાં રૂખીબહેન સાસરે સુખી નહોતાં ન તો સાસરે સુખ કે ન તો પિયરમાં સુખ. પિયર પાછાં ફરેલાં રૂખીબહેનના દુઃખી જીવનને વર્ણવતા સર્જક લખે છે;
‘મેણાંટોણાં, હડધૂત, લાંબે હાથે થતાં આંગળી-ચિંધામણાં, કામના ઢસરડા, અડાબીડ, ઓશિયાળાપણું, સાસરિયાઓનો જાકારો, પિયરમાં જેમતેમ સમાસ, બારણાંઓની આડશોનો આશરો, રંગ ફક્ત કાળો અને ધોળો, અરીસાઓથી દેશવટો અને તોયે કશુંક અણધાર્યું, પણ જોઈતું બનવાની કાયમની ફાળ...’ (પૃ. ૧૪) પછી તો તેમનું વૈધવ્ય ને જેમ તેમ જીવાતું જીવન અને કારમું મરણ આ વાર્તાને વધુ કરુણ બનાવે છે. ‘જૂનું ઘર’ પણ મૃત્યુના સંદર્ભને પ્રગટ કરતી વાર્તા છે. આ વાર્તામાં વાર્તાનાયક વિનાયક જૂનું ઘર ખાલી કરી નવા ઘરમાં રહેવા જાય છે પરંતુ જૂના ઘરમાં પાંચેક વર્ષ પહેલાં પત્ની વિદ્યાનું મૃત્યુ થયેલું હતું. ઘર ખાલી કરતાં તેમને પત્નીનું સ્મરણ થતાં દુઃખી થાય છે. આ વાર્તામાંથી પસાર થતા બાલમુકુંદ દવેનું ‘જૂનું ઘર ખાલી કરતાં’ સૉનેટનું સ્મરણ થાય જેમાં નાયકના પુત્રના મૃત્યુનું સ્મરણ છે. આ વાર્તામાં પણ વાર્તાનાયક વિનાયકનાં પત્ની સાથે જૂના ઘરમાં ગાળેલ સમય અને નવા ઘરમાં વર્તમાન પરસ્પર વિરોધાય છે. એક તરફ જૂનું ઘર ને બીજી તરફ નવો લક્ઝુરિયસ ફલેટ હતો. સામાન ફેરવાતો હતો. સંતાનો રાકેશ અને સુધા સામાન ઉતારવામાં વ્યસ્ત હતાં. બધાને નવા ઘરમાં જવાનો આનંદ હતો. માત્ર વ્યથિત હતા વિનાયકભાઈ. જૂના ઘરને ખાલી કરવાના કાર્યને સર્જક આ રીતે વર્ણવે છે; ‘પછી દીવાલો પરથી ફોટાઓ ઉતારવાની કામગીરી શરૂ થઈ. કેટલીક છબીઓની થાળી કબાટ ઉપર પણ હતી. કેટલીક બીજે ક્યાંક. ફ્રેમવાળી ફ્રેમ વગરની, દેવ-દેવીઓની, કુટુંબીજનોની, રાકેશ-સુધા અને બે’ક નોકરોએ જરા વારમાં તો બધા ફોટા ઉતારી લીધા. દીવાલો જોતજોતામાં બાંડી થઈ ગઈ. આમ જ્યાં જ્યાં ફોટા હતા ત્યાં ત્યાં દીવાલો પર ઘેરા રહી ગયેલા રંગના ધાબાં વર્તાતાં હતાં. વિનાયકભાઈ સૂની નજરે ખાલીખમ્મ દીવાલો તરફ જોઈ રહ્યા.’ (પૃ. ૧૯) છેવટે જૂના ઘરને તાળું મારી પરિવાર સાથે વિનાયકભાઈ ભારે હૈયે અને ભારે પગે ઘર છોડે છે. પુત્ર રાકેશ તાળું મારે છે જે કામ આજપૂર્વે વર્ષો સુધી તેમનાં પત્ની વિદ્યા કરતાં હતાં. ચોથી વાર્તાના અંતે વિનાયકભાઈને લાગે છે ‘તાળું બરાબર વસાયું નહિ જ હોય.’ ‘દાતરડું’ વાર્તા નારીચેતના તથા મૃત્યુને વિષય બનાવતી નોંધપાત્ર વાર્તા છે. તેથી સામાજિક વિકૃતિ કેવા કેવા સ્વરૂપે પ્રગટ થાય છે તેનું અહીં નિરૂપણ થયેલ છે. હીરા નામની વાર્તાનાયિકા ત્રણ ત્રણ પુરુષો સાથે સંબંધો ધરાવે છે. તેમાં રાયસંગ, દલપત અને પરતાપ છે. આ ત્રણ પુરુષો તેના જીવનમાં વારાફરતી પ્રવેશ કરે છે. વાર્તાના અંતમાં હીરા દાતરડાથી રાયસંગને મારી નાંખે છે. અહીં પણ મૃત્યુની ઘટના છે પણ જે રીતે હીરા રાયસંગને મારે છે તે રીતે અહીં મૃત્યુ કઠતું નથી. નાયિકાનું સ્વબચાવ માટે સામેના પાત્રને મારવું સ્વાભાવિક લાગે છે. હીરા ત્રણ ત્રણ પુરુષો સાથે સંબંધો ધરાવતી હોવા છતાં જેને સાચો પ્રેમ કહેવાય તેની અનુભૂતિ એકેય પુરુષ તરફથી તેને થતી નથી. આમ, આ વાર્તામાં પુરુષને પત્ની કરતા તેના શરીરને વધુ ગમે છે અને તે વાતને સંતોષવા જ સ્ત્રીના સંપર્કમાં આવે છે તે વાત અહીં મુખ્યત્વે નિરૂપણ પામી છે. આ સંગ્રહની ‘સૂનકાર’ વાર્તામાં ઘર અને નોકરી વચ્ચે પીસાતી સ્ત્રીની વાત મુખ્ય વિષય છે. વાર્તાનાયિકા સીમા તેના પતિ, સાસુ તેમ જ પોતાની દીકરી માટે નોકરીની ધમાલમાં સમય કાઢી શકતી નથી. નાયિકા સીમા આના કારણે મનોમન દુઃખ અનુભવે છે. જો કે પતિ સમજદાર છે સહકાર આપે છે તે વૃદ્ધ સાસુ તથા દીકરાનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. આમ તો તેમનું ઘર સાવ ગરીબ નથી પૈસે-ટકે સામાન્ય કહી શકાય તેવું છે. પણ જરા સારું જીવન જીવવા સારી સગવડો ભોગવવા સીમા નોકરી કરે છે. આ સગવડો સુખ સીમાની નોકરીને પગારથી જ સંભવે છે. સીમા આમને આમ પરિવાર, પતિ અને પોતાના અંગત જીવનને પણ ન્યાય આપી શકતી નથી. માત્ર શનિવારની રાત તેમના માટે સંયોગની રાત બને છે. રોજબરોજના જીવનમાંથી કંટાળી વાર્તામાં આગળ જતા બંને શનિ-રવિ એક રિસોર્ટમાં જવાનું ગોઠવે છે. દીકરી અને સાસુને નણંદ રાખવાનાં છે. બધું બરાબર ગોઠવાઈ ગયું છે ત્યાં સીમાને શંકા જન્મે છે. અગાઉ પણ કેટલીય વાર આ રીતે પ્રોગ્રામ બનાવ્યો હતો ને કોઈ ને કોઈ કારણથી નિષ્ફળ ગયો હતો. આજે એક તરફ તેણે ઑફિસનાં કામ ને ઘરનાં કામ પૂરાં કર્યાં છે. રિસોર્ટનો આનંદ તેનો થનગનાટ વધારે છે ને બીજી તરફ કંઈક અઘટિત ઘટના થવાનો ભય કે ફફડાટ તેના થનગનાટને ઠંડો પાડી દે છે, પણ છેવટે એ દિવસ આવી જ ગયો ને રિક્ષા પણ આવી ને બંને નીકળી પણ જાય છે. જતા જતા રસ્તામાં તે ભૂતકાળને વાગોળે છે. પોતે કેવા કેવા શોખ ધરાવતી હતી. સંગીત, વાચન વગેરે કળાઓ તેની પ્રિય હતી પરંતુ હવે? કયા શોખ, કયો સમય? બધું જ હોવા છતાં કંઈક ખોવાયું છે તેનો અનુભવ નાયિકા કરે છે. ‘ઘર’ વાર્તા ‘જૂનું ઘર’ વાર્તાની જેમ વાર્તાનાયિકા એક ઘર છોડી બીજા નવા ફ્લેટમાં રહેવા જાય છે. નવા ફ્લેટમાં રહેવા ગયા પછી નાયિકા સમક્ષ જૂના ઘરનો ભૂતકાળ ઊઘડતો જાય છે. તેમાં મીઠાશ પણ છે ને કડવાશ પણ છે. એ ગાળેલા ભૂતકાળમાં તેના દર્શન સાથે થયેલા લગ્ન પછી સુખી લગ્નજીવન અને આગળ જતાં બંનેની સ્વતંત્રતાના સંદર્ભે થતાં મતભેદ અને એમાંથી બંનેનું છૂટા પડવું વગેરેનો ચિતાર મળે છે. દર્શન પોતાના પર માલિકીભાવ રાખતો હતો જે વર્તમાનમાં ઉછરેલી, સ્વતંત્ર મિજાજ ધરાવતી નાયિકા સહન કરી શકતી નથી અને બંને છૂટા પડે છે, પછી ક્યારેક દર્શન તેને મળતો પણ હવે બંને વચ્ચે પ્રેમ જેવું બચ્યું નથી. નાયિકા તો પણ દર્શનને ભૂલી શકતી નથી. નવા ફ્લેટમાં રહેવા જતાં જ ધાર્મિક ક્રિયા કરતી નાયિકાનું વર્ણન સર્જકે જે રીતે કર્યું છે તેમાંથી વાર્તાનો ધ્વનિ પ્રગટ થાય છે, આ રીતે; ‘નંદિતાએ પાણિયારામાં કુંભ મૂક્યો. છૂટાં ફૂલ વિખેર્યાં. આંખો મીંચી તે ક્યાંય સુધી નિઃસ્તબ્ધ ઊભી રહી. બંધ આંખો સમક્ષ અનેક આકારો ઉપસતા ભૂંસાતા હતા. એમાં મુખ્ય આકાર દર્શનનો હતો અને તેના ઘરમાંનો બેડરૂમ. નંદિતાને લાગ્યું તેની આંખોનો બંધ ક્યાંક તૂટી જશે. તેણે તરલને પાસે ખેંચી લીધો. નવું ઘર કોરી આંખે જ વસાવવાનું હોય.’ (પૃ. ૩૦-૩૧) નાયિકા દર્શન અને ઘર બંને મૂકીને આવી છે. પિતાનું ઘર તો પારકું જ છે અને વાર્તાના અંતમાં તરલ પૂછે છે : ‘મમ્મી, આ ઘરમાં પપ્પા આવશે?’ આપણી સાથે રહેશે?’માં વાર્તા કરુણ અંતમાં પરિણમે છે. આમ ભગ્ન કૌટુંબિક જીવનની આ વાર્તા બની રહે છે. ‘વિયોગ’ આ સંગ્રહની નોંધપાત્ર વાર્તા છે. આ વાર્તામાં નાયિકા વેણુનો પિતાપ્રેમ મુખ્યત્વે પ્રગટ થયો છે. આ વાર્તામાં ગુજરાતી લગ્નગીતો અને કન્યાવિદાયનો પ્રસંગ મુખ્ય આસ્વાદનું કેન્દ્ર બને છે. વેણુના લગ્ન થાય છે વિદાય લઈ સાસરે જાય છે ને સર્જક લગ્નગીત મૂકે છે; ‘દાદાને આંગણ આંબલો આંબલો ઘોર ગંભીર જો... અમે રે લીલુડા વનની ચરકલડી ઊડી જાશું પરદેશ જો...’ (પૃ. ૪૦) વાર્તાના અંતમાં દરેક પિતાની પુત્રીવિયોગની પીડા-વ્યથા કે દુઃખ સર્જક આ રીતે મૂકે છે; ‘વિશ્વ દીકરી વેણુ, સોનાબહેન, કેટલી ઝંખના રહે તેમાં જ ગરવાઈ છે. તમારા ઘરની ટીપોઈ પર એક ફોટોફ્રેમ છે. તમે યાદ કરશો એટલે હું એ ફ્રેમમાંથી નીકળી તમારી પાસે આવીશ. જાઓ સુખી રહો...’ (પૃ. ૪૦) ‘વરમાળા’ વાર્તામાં સ્ત્રી-પુરુષનાં લગ્નજીવન વિષયવસ્તુ છે. વાર્તાની મુખ્ય નાયિકાના કોરી ખાનારા એકાંતને અહીં વર્ણવ્યું છે. દીકરો અશેષ પરણીને જુદો થાય છે. હવે દુર્વા પણ પરણીને સાસરે ચાલી જવાની છે ત્યારે હવે પોતાનું કોણ? તે પ્રશ્ન અને દબાવી રાખેલી વૃત્તિઓ આ વાર્તાને આસ્વાદ્ય બનાવે છે. ‘વયસન્ધિ’ મનોવૈજ્ઞાનિક ઢબે લખાયેલી વાર્તા છે. અયન ઉનાળુ વૅકેશન ગાળવા મોટી બહેનના ઘેર જાય છે. અયનને ત્યાં પિન્કી નામની કન્યા સાથે પરિચય થાય છે. અયનને મોટી બહેનના ઘેર રહેતાં રહેતાં સમજાય છે કે બહેનનું લગ્નજીવન સંઘર્ષમય છે. સતત બહેન-બનેવી વચ્ચે કંકાશ ચાલ્યા કરે છે. વાર્તામાં કરુણતા તો ત્યાં આવે છે કે બનેવી પોતાની ગેરહાજરીમાં ઘરમાં કોણ કોણ આવે છે તેનું ધ્યાન રાખવાનું અયનને કહે છે. આમ, નગરજીવનમાં દામ્પત્યજીવનું ખોખલાપણું, લગ્નમાં પરસ્પર વિશ્વાસનો અભાવ વગેરે અહીં રજૂ થયું છે. ‘મસોતુ’ વાર્તામાં વળી પાછો મૃત્યુનો સંદર્ભ આવે છે. અમરતલાલ ઘરની કંકાશમાં હૃદયરોગનો ભોગ બને છે. ઘરમાં પત્ની, માતા, પિતા વચ્ચેના ઝઘડા તેમના રોગનું કારણ બને છે અને દવાખાનામાં પલંગ પર સૂતા સૂતા અમરતલાલ આવનારા મૃત્યુનો આભાસ કરે છે. અન્ય કેટલીક વાર્તાઓ વિશે ટૂંકમાં જોઈએ તો ‘સુપર કોમ્પ્યૂટર’ વાર્તા નવીન શૈલી પ્રગટાવતી વાર્તા છે. અહીં તત્કાલીન રાજકારણ અને તેના કાવાદાવા મુખ્ય વિષય છે. ‘પરસ્પર’ વાર્તામાં પિતા-પુત્રીના પરસ્પર વિરોધી વિચારો પ્રગટ થયા છે. ‘પોતપોતાના ડૂચા’ વાર્તામાં મૃત્યુનો પ્રસંગ કેન્દ્રમાં છે. તો વળી ‘મલોત’ વાર્તામાં પણ મૃત્યુનો જ સંદર્ભ કેન્દ્રસ્થાને છે. ‘કેસરિયાળો સાફો’ વાર્તામાં પિન્કુની બાળસહજ મનોવૃત્તિ પ્રગટ થઈ છે. આમ, આટલી વાર્તાઓના વિષયવસ્તુની સમજ મેળવ્યા પછી આ સંગ્રહનું જમાપાસું છે આ વાર્તાઓનું ભાષાકર્મ. અહીં વર્ણનો, સંવાદો, અલંકારો વગેરે દ્વારા સર્જક વાર્તાને આસ્વાદ્ય બનાવે છે. કેટલાંક વર્ણનો તપાસીએ તો; ‘સવારે રોજ કરતાં વહેલા જાગી પડાયું ત્યારે અંધારા ઘોર અને સૂમસામ ઘરમાં બે જ વાનાં નક્કરપણે ભોંકાતાં હતાં. ગંધ અને તાણ બંનેના કોઈ ખુલાસા હાથવગા ન હતા. બાપુ કાથીના ખાટલામાં થાકેલા સરપની જેમ ગૂંચળું વળીને પડ્યા હોવા જોઈએ.’ (પૃ. ૧૫) ‘વખત તો જાણે પંખીની જેમ ઊડી ગયો! વીસ વર્ષ આંખનાં પલકારામાં સરકી ગયાં.’ (પૃ. ૬૬) ‘સામે ફેલાઈને પડેલો રાજમાર્ગ વાહનો, બત્તીઓ અને માણસોને કારણે ઊછળતા દરિયા જેવો લાગતો હતો.’ (પૃ. ૧૨૩) ભગવતીકુમાર શર્માની નોંધપાત્ર વાર્તાઓને ધ્યાનમાં રાખી શરીફા વીજળીવાળા નોંધે છે; ‘સતત છેક-ભૂંસથી પોતાની વાર્તાને મઠારતા રહેલા ભગવતીકુમાર શર્મા એમની પંદર-વીસ વાર્તાને કારણે એક ચોક્કસ સમયગાળાના મહત્ત્વના વાર્તાકાર ગણાવાના. એક સર્જક કઈ રીતે સતત લખતા રહી પોતાને વિકસાવી શકે એ દર્શાવવા માટે પણ ટૂંકી વાર્તાના ઇતિહાસકારે ભગવતીકુમાર શર્માની વાર્તાઓની નોંધ લેવી જ પડવાની.’૧
સંદર્ભ :
૧. શરીફા વીજળીવાળા, ભગવતીકુમાર શર્માનો વાર્તાવૈભવ
ડૉ. ભરત સોલંકી
કવિ, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક
એસોસિયેટ પ્રોફેસર અને અધ્યક્ષ
ગુજરાતી વિભાગ,
શ્રી અને શ્રીમતી પી. કે. કોટવાળા આટ્ર્સ કૉલેજ,
પાટણ
મો. ૯૯૭૯૨ ૨૮૬૬૭
Email : drbnsonalki67@gmail.com
ભગવતીકુમાર શર્મા ‘અડાબીડ’ વિશિષ્ટ પ્રવિધિયુક્ત વાર્તાઓ’
ભરત સોલંકી
‘અડાબીડ’ એ ભગવતીકુમાર શર્માનો નવમો વાર્તાસંગ્રહ છે. આ સંગ્રહ પ્રથમ આવૃત્તિ રૂપે ડિસેમ્બર ૧૯૮૫માં આર. આર. શેઠ, અમદાવાદથી પ્રકાશિત થયેલ છે. આ સંગ્રહસર્જક ભગવતીકુમાર શર્માએ શ્રી રઘુવીર ચૌધરીને અર્પણ કરેલ છે. આ સંગ્રહ પ્રગટ થાય તે પૂર્વે સુરેશ જોષી દ્વારા આધુનિકતાનું આ આંદોલન અને ગુજરાતી સાહિત્ય નૂતન પરિવેશ સાથે સર્જાવું શરૂ થાય છે. આવા સંજોગોમાં સર્જક ભગવતીકુમાર શર્મા આ સંગ્રહની વાર્તાઓ સંદર્ભે પોતાના વિચારો પ્રસ્તાવનામાં આ રીતે મૂકે છે. ‘વાર્તાકાર તરીકેનું મારું અસ્તિત્વ, આ બધાં પ્રવાહ-વહેણ-વમળ-બુંદબુંદ-છીપલા-તરંગ-મૌક્તિકોથી ઘડાતું-બંધાતું-નભતું-ટકતું-ઊછરતું-તૂટતું -શ્વસતું રહ્યું છે. એવી મારી વિનમ્ર લાગણી છે. વાર્તામાં વાર્તા તરીકેનો જ મને રસ છે. વાર્તા કોઈપણ સ્વરૂપે, આકારે, પરિવેશ આપે તેનું હું સ્વાગત કરું છું. વાર્તા એ મારે મન કોઈ વાદને દૃઢાવવા માટેનું સાધન નથી. ઉત્તમ વાર્તામાંથી કોઈ વિભાભવના આવિષ્કૃત થાય તે મને સ્વીકાર્ય છે પણ કોઈ પૂર્વનિશ્ચિત વિભાવનાની સ્થાપનાર્થે વાર્તા લખવાનું મારું વલણ નથી. વાર્તામાં આકારનો હું વિરોધી નથી પણ આકાર તેના અંતસ્તત્વને અનુષંગે આવવો જોઈએ એમ હું માનું છું.’ (પૃ. ૮) વાર્તાકારની ઉપર મુજબની પ્રાસ્તાવિક કેફિયતને ધ્યાનમાં રાખી તેમના આ વાર્તાસંગ્રહને મૂલવવાનો પ્રયત્ન કરીએ તો ‘અડાબીડ’ વાર્તાસંગ્રહમાં કુલ સત્તર વાર્તાઓ ગ્રંથસ્થ થયેલ છે. જેમાંથી નોંધપાત્ર વાર્તાઓને અહીં મૂલવવાનો પ્રયાસ છે. આ સંગ્રહની ‘અનનુભૂત’ વાર્તાનું વિષયવસ્તુ જોઈએ તો આ વાર્તાનો નાયક ભાનુભાઈ છે. એક સીધા-સાદા માણસની વાત છે. વાર્તાનાયકને જિંદગીમાં કોઈ મોટી ઊથલ-પાથલ ન કરી થઈ તેનો અફસોસ છે. આજકાલ લોકો કેવાં કેવાં કાળાં કામો કરે છે, બેવફાઈ કરે છે, તે પોતે કરી જ ન શક્યા. પિતાજીએ કહ્યું ત્યાં પરણી ગયા, નોકરીમાં કોઈ ગોટાળા કે ભ્રષ્ટાચાર ન કર્યો, દામ્પત્ય જીવનમાં કોઈ સંઘર્ષ ન થયો. કોઈ બદનામી થાય તેવું કાર્ય ન થયું ને એમ ને એમ પચાસ વર્ષ પૂર્ણ થઈ ગયાં. આમ, આટલી જિંદગીમાં કોઈ મોટો ધરતીકંપ, કોઈ મોટી આઘાતજનક ઘટના, કોઈ મોટું ઇનામ વગેરેમાંથી કંઈ જ ન થયાનો અફસોસ આ વાર્તાનું મુખ્ય વર્ણ્યવસ્તુ છે. સંગ્રહની પ્રથમ વાર્તા ‘કૃષ્ણતુલસી રામતુલસી’માં અંધ એવા ગુરુદયાલ જીવનમાં બદલાતી પરિસ્થિતિમાં જે ભાવ-શબલત અનુભવે છે તે વિષય બન્યો છે. વાર્તાના આરંભમાં એક પ્રસંગે ગુરુદયાલ ગૂંથવાની સાથે એમના વિચારો પણ ગૂંથાય છે. આમ, અહીં બંનેનું સંનિધિકરણ રચાય છે. અહીં એક સ્થૂલ ક્રિયા અને સૂક્ષ્મ વિચારો સાથે સાથે મૂકી વાર્તાનાયકની સ્થિતિ વર્ણવી છે. ક્યારેક બાળકો એમને સવાલો પૂછે છે પણ મોટા એમને નગણ્ય ગણી મહત્ત્વ આપતાં નથી ને છેવટે તે અણગમો પ્રગટ કરી ખુરશી પર ફસડાઈ પડે છે ત્યાં વાર્તા પૂર્ણ થાય છે. ‘તરબોળ’ વાર્તા પણ આ સંગ્રહની નોંધપાત્ર વાર્તા છે. અહીં ‘અનનુભૂત’ વાર્તાની જેમ વાર્તાનાયક ભૂપતભાઈ જીવનની એકવિધતાથી કંટાળી ગયા છે. આરંભે ભૂપતભાઈનું સુડતાલીસ વર્ષનું એકધારું, કુંઠિત જીવન વર્ણવ્યું છે. ત્યાર પછી આવા નિરસ જીવનમાંથી છૂટવાના પ્રયત્નો ને છૂટ્યા પછી નાયકનું અપૂર્વ સ્થિતિમાં તરબોળ થવાની વાત પ્રગટ થઈ છે. પોતાના પિતા હતા ત્યારે તેમની અકડમાંથી સ્વતંત્ર થવા નાયક મથે છે. પિતાના અવસાન પછી નાયક સ્વતંત્ર રીતે વર્તે છે પણ છેવટે પિતાના અવસાન પછી નાયક નિર્વસ્ત્ર થઈ ગયાની લાગણી અનુભવે છે. વાર્તાનાયક આરંભમાં જે ઇચ્છાઓ હતી તે પૂર્ણ કરી શક્યા નહોતા તે ભાવ આ વર્ણનમાંથી પ્રગટ થાય છે. ‘આંખે અંધારી પહેરીને ફર્યા કરતા બળદનું દૃશ્ય એમને યાદ આવ્યું. આટલાં વર્ષો એમને એવી અંધારી પહેરી રાખી હતી.’ (પૃ. ૩૬) ‘અણગમતું’ વાર્તાના વિષયવસ્તુ તરીકે સર્જકે સ્ત્રી-પુરુષના મનની સંકુલતાઓ પ્રગટ કરી છે. આ વાર્તામાં મુખ્ય વાર્તાનાયક ગિધુભાઈ છે. તેમનાં પત્ની કપિલાની જીભ કડવી છે. થોડી શરીરની પણ કદરૂપી અને બેડોળ પણ ખરી ને એમાંય પાછા નંદુના જન્મ પછી તો નાયકે નાયિકા સાથેના સંબંધ પર લગભગ પૂર્ણવિરામ જ મૂકેલું. નંદુ જોતજોતામાં મોટી થવા લાગે છે. તેના લગી માટે પત્ની રોજ રોજ ગિધુભાઈ સાથે કંકાશ કરે છે. જુઓ; ‘આ કારતકમાં છોડીને બાવીસમુ બેસશે ને તમે તો કુંભકરણની જેમ..! પછી મારો વાંક ન કાઢતા કે મેં ચેતવ્યા નઈં! હું તો તમને કડવી ઝેર જેવી લાગુ છું. મારું મોઢું ય તમને દીઠું ક્યાં ગમે છે? આ નન્દુડીના જનમ પછી કોઈ દા’ડો ઠરીને બે ઘડી મારી પાસે બેઠા છો!’ (પૃ. ૬૧) પત્નીના કાયમનાં આવાં વાક્બાણ ગિધુભાઈને તેનાથી વધુ ને વધુ દૂર લઈ જાય છે. પત્નીના જાતીય સંતોષનો અભાવ અને પતિપ્રેમનો અભાવ આમાંથી સ્પષ્ટ પ્રગટ થતો જોઈ શકાય છે. ‘શંકા’ નમાલા પતિની વાર્તા છે. પત્નીની કમાણી પર તાગડધિન્ના કરતા ઓચ્છવલાલ પત્નીની બધી ફરિયાદો કરવા દીકરા પાસે સુરતથી અમદાવાદ જવા નીકળે છે. રસ્તામાં પેડુમાં પેશાબનો ભાર વર્તાય છે. અકળામણ અનુભવે છે. તે મનને બીજે પરોવવા પત્ની વિમળાના વિચારો કરે છે. પત્નીના અનેક પુરુષો સાથેનાં લફરાં દીકરાને કહી તેને નિર્વસ્ત્ર કરીશ, પણ પાછો વિચાર આવે છે, દીકરાને ક્યાં દુઃખી કરવો? બીજી બાજુ પોતે કંઈ જ આર્થિક ઉપાર્જન નથી કરતા તેથી દીકરો કદાચ તેમને ન બોલવાનું બોલશે તો! ઓચ્છવલાલ પોતે પત્નીથી દશ વર્ષ મોટા છે. પોતે જ ક્યારેક પત્નીની દલાલી કરે છે. એવામાં બસમાં પડતા પંક્ચરથી જેમ તેમના પેડુનો ભાર હલકો થાય છે, પણ આ મનના ભારનું શું? ત્યાં વાર્તા પૂર્ણ થાય છે. ‘ટૅન્શન’ વાર્તામાં વાર્તાનાયકની ઝંખનાને સર્જકે સ્વપ્નમાં ફેરવી નાખી છે. વાર્તાનાયક સારાભાઈ સફળતાનાં શિખરો એક પછી એક સર કરતાં જાય છે પણ પછી ધીરે ધીરે તેમને આ બધું વળગણ જેવું લાગે છે. આ બધામાંથી તેઓ સ્વતંત્ર થવા માગે છે. એક મુક્તિનો અનુભવ કરવાનું વિચારે છે પણ વાસ્તવમાં આ બધું શક્ય ન બનતાં તે સ્વપ્નમાં પૂરું કરે છે. સ્વપ્નમાં તે લગભગ નિર્વસ્ત્ર બની જાય છે. આ વર્ણન જોઈએ તો; ‘ગમે તેમ પણ બનતું એવું કે સારાભાઈ શરીર પરનાં વસ્ત્રો ધીમે ધીમે એક પછી એક પહેલાં તેમને ખબર ન પડે અને પછી તેમને પારાવાર છળાવી મૂકે તેમ ઊતારવા લાગતાં. સૌ પ્રથમ ગળામાંથી ટાઈ મરેલા ઉંદરની જેમ સરકી પડતી. પછી ખિસ્સાનો રૂમાલ દમયંતીના સ્પર્શે સજીવન થયેલા મત્સ્યની માફક ઊડી જતો. એ પછી કોટ સર્પની કાંચળીની જેમ સરકી જતો. જાંઘિયો ચીંથરે-ચીંથરા થઈ જતા ને પોતે સેંકડો ભદ્ર સ્ત્રી-પુરુષોની તેમના તરફ જ નોંધાઈ રહેલી દૃષ્ટિની સન્મુખ માઇક્રોફોનની નજીક કેવળ બર્થ ડે સૂટ પહેરીને ઊભા રહેવાની સ્થિતિમાં મુકાઈ જતા.’ (પૃ. ૧૩૫) આમ, મનોવિજ્ઞાનમાં દર્શાવ્યું છે તેમ જે માણસ વાસ્તવમાં જે ઇચ્છા પૂરી કરી શકતો નથી તે ઇચ્છા સ્વપ્નમાં પૂર્ણ થાય છે તે અભિગમ અહીં પ્રગટ થયો છે. ‘હૃદયભંગ’ પણ આ સંગ્રહની નોંધપાત્ર વાર્તા છે. પિતા-પુત્રીના સંબંધોને વર્ણવતી આ વાર્તામાં નાયક અસિતભાઈ પોતાની યુવાન દીકરી શ્વેતા સાથે મિત્રની જેમ રહે છે, વર્તે છે. પોતાની અંગત વાતો પણ કહે છે. પોતે પત્ની સાથેના એકધારા જીવાતાં જીવનથી ઉબકાઈ ગયા છે તે પાંચેક વર્ષથી એક અન્ય પરિણીત મંદા નામની યુવતીના સંપર્કમાં આવ્યા છે. બંને મળે છે, વાતોમાં ને વાતોમાં સમય ગાળે છે. મંદાનો પતિ મોટેભાગે બીમાર જ રહે છે. તે સંયુક્ત પરિવારમાં રહે છે. મંદા અને અસિત અવાર-નવાર મળતાં, ફિલ્મો જોતાં. પણ મંદાને પકડાઈ જવાની બીક કાયમ રહેતી. એવામાં અચાનક જ મંદા તેમને મળવાનું સદંતર બંધ કરી નાંખે છે. અસિતભાઈ મંદા વગર અકળાય છે, ને એક દિવસ મંદાનો ફોન આવે છે કે ‘ઘરમાં બધાને જાણ થઈ ગઈ છે. વંટોળ. નોકરી છોડાવી દીધી છે. હું... હું.... મને ભૂલી જજો.’ પોતાનું પ્રિય પાત્ર હાથમાંથી જાય છે. દીકરી તેના પ્રેમી સાથે હરે-ફરે છે, તેની ઈર્ષ્યા પણ આવે છે. પોતે પોતાના બધા જ સંબંધો દીકરીને કહી દેવા જણાવે છે. ત્યાં દીકરીના જ સંબંધનો અંત આવે છે. દીકરીએ એ અંત સહર્ષ સ્વીકારી લીધો છે, જે વાત અસિતભાઈને પણ સ્વસ્થ કરવામાં મદદરૂપ થાય છે. આ જ સંગ્રહની બીજી વાર્તા ‘અનાગત’માં પણ પિતા-પુત્રીના મિત્રતા જેવા સંબંધની વાત છે. અહીં પણ ‘હૃદયભંગ’ વાર્તાની જેમ પિતાના જીવનમાં બીજી સ્ત્રીનો પ્રવેશ થયેલો છે. દીકરીની માતાને પણ તે વાતની ખબર છે. માતા-પિતાના સંબંધમાં આના કારણે પડેલી તિરાડના કારણે તાજી પ્રેમમાં પડેલી દીકરી પોતાના પ્રેમી સાથે સુયોગ્ય વ્યવહાર કરી શકતી નથી. પ્રેમીને મળતી વખતે તેને તેના પિતા દેખાયા કરે છે. તેના મનમાં અજ્ઞાત ભ્રમ છે કે જે આજે મારી મા સાથે પિતાએ કર્યું તે આવતી કાલે મારા પ્રેમી દ્વારા મારી સાથે પણ થઈ શકે. આ માનસિક ડર તેને સતત સતાવ્યા કરે છે. એમાં વળી પિતા ઘર છોડી કાયમ માટે જતા રહે છે પછી આ ભય વધુ દૃઢ બને છે. આમ, આ વાર્તામાં માતાપિતાના દામ્પત્યજીવન અને દીકરીના પ્રણયી જીવનનું સંનિધિકરણ રચી આપે છે. આ સંગ્રહની ‘છાન્દસ-અછાન્દસ’ વાર્તામાં છાન્દસભાઈ અછાન્દસભાઈને ત્યાં જાય છે અને ધીમે ધીમે તે વટલાઈ જાય છે. છાન્દસભાઈ પણ અછાન્દસભાઈ જેવા જ થઈ જાય છે. આ વાર્તામાં ગુજરાતી ભાષાના જાણીતા કવિઓ, તેમની કાવ્યપંક્તિઓ વગેરેનો વિનિયોગ કરી હળવા કટાક્ષમાં આ વાર્તા પ્રગટ થઈ છે. સંગ્રહની ‘લોહમનુષ્ય’ વાર્તામાં આધુનિક માણસનું જીવન અને ચિત્રણ રજૂ થયું છે. આજે માણસ માણસ નથી રહ્યો પણ લોહમનુષ્ય બન્યો છે તે આ વાર્તાના વિષયવસ્તુમાંથી પ્રગટ થાય છે. ‘સુખ નામના પ્રદેશનું ક્ષેત્રફળ’ શીર્ષકયુક્ત ટૂંકી વાર્તામાં કોઈ પાત્ર નહીં પણ પરિસ્થિતિ જે રીતે ખલનાયકની ભૂમિકા ભજવે છે તે વાત પ્રગટ થઈ છે. આ વાર્તામાં આવતાં પાત્રોમાં સુજાતા, અરવિંદ, બિહારી અને ચિરાગ છે પણ તેઓ ક્યાંય કોઈપણ જાતનો સંવાદ કરતાં નથી પણ તેમની એકોક્તિઓ દ્વારા આ વાર્તા વિકાસ પામે છે. ‘દ્વિમુખ’ વાર્તામાં દામ્પત્યજીવનની નિષ્ફળતા પ્રગટ થઈ છે. આજે માણસ બનાવટી બન્યો છે જેવો છે તેવો ભાગ્યે જ દેખાય છે તેનું વાસ્તવિક વ્યક્તિત્વ ભાગ્યે જ પ્રગટ થાય છે. દામ્પત્યજીવનમાં પતિ-પત્નીના ચહેરા સતત મહોરામાં રાચતા હોય છે. અહીં વાર્તાનાયક એટલે ‘ક’ અને વાર્તાનાયિકા એટલે ‘ગ’ની વાત રજૂ થઈ છે. આ વાર્તામાં નગરજીવનમાં સર્જાતા વિજાતીય આકર્ષણ અને આડા સંબંધોનો ચિતાર રજૂ થયો છે. ‘ક’ અને ‘ગ’ બંને ઇતર સંબંધો ધરાવે છે અને છતાં દામ્પત્યજીવન ગુજારે છે. આ રીતે અહીં પણ કટાક્ષયુક્ત શૈલીમાં આ વાર્તા દામ્પત્યજીવનનાં ખોખલાપણાને પ્રગટ કરે છે. ‘રતિ-વિરતિ’ વાર્તામાં કોઈ વ્યક્તિ પ્રત્યે થતું તીવ્ર આકર્ષણ અને પછી તેના ઉપર જ થતી ઘૃણા મુખ્ય વિષયવસ્તુ બનેલ છે. ‘ડાઘ’ વાર્તામાં બે બહેનોની વાત છે. નીલુ અને વિશાખા બંને બહેનો છે. વિશાખા પોતાને જોવા આવેલા દીપ સમક્ષ પોતાના શરીરના ડાઘની કબૂલાત કરી પોતાના નિખાલસ વ્યક્તિત્વનો પરિચય આપે છે. દીપ તેને નાપસંદ કરી તેની નાની બહેન નીલુને પસંદ કરે છે, પણ નીલુ પોતાની મર્યાદા દીપ સમક્ષ પ્રગટ કરતી નથી. આમ, આ સંગ્રહની ઉપર્યુક્ત નોંધપાત્ર વાર્તાઓ વિશિષ્ટ અને વિભિન્ન પ્રકારના વિષયવસ્તુ ધરાવતી વાર્તાઓ છે. આ સંગ્રહના ભાષાકર્મની દૃષ્ટિએ કેટલાંક નોંધપાત્ર વર્ણનો જોઈએ તો; ‘આના કરતાં તો કૂતરાં-બિલાડી હોવું સારું, કશી વાતે શરમ નહિ અથવા બાળક હોવું અથવા દોડતી બસમાં ન હોવું.’ (પૃ. ૧૦૩) ‘પૂરપાટ દોડતી બસના એક પૈડામાં પંકચર પડવાનો અવાજ ભોંકાઈને હવામાં તૂટી ગયો. બસ અટકી પડી. પહેલાં તો ઓચ્છવલાલને કશું ન સમજાયું પણ પછી ખ્યાલ આવતાં જ જેલમાંથી જનમટીપના કેદીની જેમ બસનાં બારણાં ભણી.’ (પૃ. ૧૦૮) ‘એકાએક તેને લાગ્યું કે પિતાનું ઑઇલ પેઇન્ટસ દીવાલ બની ગયું હતું. છબીમાંથી તડકાનાં પૂર વછૂટતાં હતાં કે શું? વૃદ્ધ પિતાની નબળી આંખો કેમ ઝગારા મારતી હતી?’ (પૃ. ૯૦) ‘ઓહ! સમસમતા અનુભવની પ્રાપ્તિની સાથે જ નામ પૂરતા અનુભવની શક્યતા પણ ખતમ! અનનુભૂત, અનનુભૂત અને વળી અનનુભૂત? ત્રણેયની સરહદો આટ-આટલી જોડાજોડ છતાં અળગી અને અળગી છતાં ભળી-ઓગળી જતી અને ભળી-ઓગળી જતી છતાં...’ (પૃ. ૧૮) આ સંગ્રહનું શીર્ષક ‘અડાબીડ’ છે પરંતુ આ સંગ્રહમાં ‘અડાબીડ’ શીર્ષકયુક્ત એક પણ વાર્તા નથી. અહીં વિષયવસ્તુ, ચરિત્ર, ભાષા, રસ, વર્ણનો વગેરેની દૃષ્ટિએ આ સંગ્રહ વિશિષ્ટ છે. આ સંગ્રહ વિશે ડૉ. બી. એસ. પટેલ નોંધે છે; ‘અડાબીડ’માં વિષયનાવીન્ય અને ટેક્નિકની અવનવી રીતો ધરાવતી વાર્તાઓની સંખ્યા વધારે છે. ‘કૃષ્ણતુલસી રામતુલસી’માં ગુરુદયાલનાં સંચાલનો, અનનુભૂત, તરબોળ અને ‘ટૅન્શન’માં નવીન ટેક્નિકનો વિનિયોગ ‘દ્વિમુખ’માં કપોળકલ્પનાનો વિનિયોગ અને ‘શંકા’માં સમાંતર આલેખન વગેરે જોતાં આ વાર્તાસંગ્રહ સર્જકનો વિશિષ્ટ સંગ્રહ બની રહે છે.’૧
સંદર્ભ : ૧. ડૉ. બી. એસ. પટેલ, આધુનિકતાના સંદર્ભે, ભગવતીકુમાર શર્માનું કથાસાહિત્ય, પૃ. ૧૬૦.
ડૉ. ભરત સોલંકી
કવિ, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક
એસોસિયેટ પ્રોફેસર અને અધ્યક્ષ
ગુજરાતી વિભાગ,
શ્રી અને શ્રીમતી પી. કે. કોટવાળા આટ્ર્સ કૉલેજ,
પાટણ
મો. ૯૯૭૯૨ ૨૮૬૬૭
Email : drbnsonalki67@gmail.com