ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/રણજિતરામ વાવાભાઈ મહેતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
રણજિતરામ વાવાભાઈ મહેતા (૧૮૮૧–૧૯૧૭)

જયેશ ભોગાયતા

Ranjitram Vavabhai Mehta.png

તેઓ માણસ ન હતા પણ એક ભાવના હતા. ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતાના એ અવતાર હતા. ઇતિહાસ અને સાહિત્ય પ્રત્યે એમને વિશેષ રુચિ હતી. એ ઉપરાન્ત લોકગીત, વિવેચન, સમાજશાસ્ત્ર ક્ષેત્રે મહત્ત્વનાં કાર્યો કર્યાં છે. એમનું વાચન વિશાળ હતું. સામાજિક અને સાહિત્યિક સભાઓ એમણે સ્થાપી હતી. The social and literary સભા, સંસાર સુધારા સમાજ, ગુર્જર સાક્ષર જયન્તી, ગુજરાત સાહિત્ય સભા, ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત કેળવણી પરિષદ. એમણે ‘સાહેબરામ’ નામની એક અધૂરી નવલકથા લખી છે. રણજિતરામની વાર્તાઓમાં વિચારોનું પ્રાધાન્ય હોવાને લીધે ક્રિયાનું પ્રમાણ ઓછું જોવા મળે છે. પોતાની મનપસંદ જીવનભાવનાનું સીધું જ આલેખન કરે છે. વાર્તામાં કોઈ પ્રશ્નની આસપાસ ચર્ચા કરવામાં આવે છે ત્યારે તેનો ભાર વાર્તાને વિકસવા દેતો નથી. સંસ્કૃતિ દ્વારા ગુજરાતની એકતા સાધવા પ્રયત્ન કરે છે. હિંદુ અને મુસલમાન બાળકો એક સંસ્કાર પામી, સહચાર સાધી રાષ્ટ્રભાવનાને પ્રથમ પદ આપે અને ‘વનમાં’ ડાય એ એમનો પ્રધાન ઉદ્દેશ હતો. ધર્મ કરતાં રાષ્ટ્ર મહત્ત્વનું છે, એ એમનો સિદ્ધાંત હતો.

‘રણજિતરામ ગદ્યસંચય’ ખંડ ૧ (પ્ર. આ. ૧૯૨૧)માં એમની વાર્તાઓ છે.

‘કાળી ઘાટ પર’ વાર્તા મરાઠી ભાષાંતર પરથી પોતે ઉપજાવેલા પ્રસંગરૂપે છે. સ્વદેશની સેવાનો સૂર વ્યક્ત કર્યો છે. માતૃભૂમિની વંદના, આરાધનાની ભાવના, સ્વદેશી વસ્તુઓનો આગ્રહ, સ્વદેશી ભાઈઓ અને સ્વદેશની ભૂમિ પ્રત્યે પ્રેમ ઉપજાવવો એ એમનું ધ્યેય છે. એમાં વંદે માતરમ્‌નું ગાન થાય છે. એમણે આનાતોલ ફ્રાન્સની વાર્તાના આધારે ‘મદારી’ વાર્તા લખી છે. જેમાં હૃદયની શુદ્ધ ભાવનાનો પુરસ્કાર કર્યો છે. આ ચોટદાર અંતની શૈલીની પ્રસંગપ્રધાન વાર્તા છે. તખો નામનો મદારી. ખૂબ મહેનત કરતો, પરસેવો ઉતારીને મરી જતો તો પણ એના દહાડા કપરા હતા. છતાં પોતાની સ્થિતિ માટે એ કોઈને દોષ દેતો નહોતો. નસીબમાં માનનારો હતો. એનામાં પાપવાસના ન હતી. એના જીવનમાં ખાખી નામના સાધુનું આગમન થયું. મદારી સંતોષી જીવ હતો. ખાખી સાધુ જીવનને શ્રેષ્ઠ ગણે છે. તખાએ સાધુના વ્યવસાયમાં ઝંપલાવવાની તૈયારી બતાવી અને તખો ખાખી થયો. ખાખીઓ એક એક પર સરસા થવા પૂજા આરાધના કરતા. કાવ્યો, ચિત્રો વડે માતાજીની આરાધના કરતા. તખાને થતું કે માતાજીની સેવા પોતે કરી શકતો નથી. તેથી અફસોસ કરતો અને ઉદાસ થતો. પણ એક સવારે એ ઊંઘમાંથી આનંદમાં ઉઠ્યો અને મંદિરમાં દોડી ગયો. મંદિરમાં એ એકલો જ હતો. માતાજી આગળ એ મદારીના હાથચાલાકીના ખેલ કરવા લાગ્યો. આ જોઈને સાધુઓને થયું કે તખો ગાંડો થઈ ગયો છે. એઓ તખાને પકડી મંદિરમાંથી બહાર કાઢવા માંડ્યા. તેવામાં થાનકમાંથી મહામાયા નીચે ઊતરી આવ્યાં ને મદારીના કપાળ પર મહેનતને કારણે વળેલાં પરસેવાનાં ટીપાને પોતાની સાડીના અંચળે લૂછી નાંખ્યાં. તખો મંદિરનો મહંત બન્યો. ‘વિશુદ્ધ હૃદયના માનવી ભાગ્યશાળી છે. કારણ કે, માજી તેઓને પોતાના ખોળામાં રાખે છે.’ ‘હીરા’ લોકકથા આધારિત પ્રણયકથા છે. વાર્તા વર્ણનપ્રધાન છે. વાર્તાકારની વર્ણનરીતિ આસ્વાદ્ય છે. વર્ણન વડે લોકજીવનનું ચિત્ર જીવંત બન્યું છે. વાર્તાનો આરંભ પ્રકૃતિદૃશ્યના વર્ણનથી થાય છે : ‘નદી ખળખળ વહી જાય છે. કિનારા પરનાં ઝાડ પવનથી હાલે છે. છતાં કુદરત કંઈ શાંત છે. ફક્ત ઝાડની ઘટામાંથી ધુમાડો નીકળતો હતો.’ આ ધુમાડો ભવિષ્યમાં બનનારી ઘટનાનો સંકેત છે. વાર્તારસની જમાવટ સુંદર છે. કુતૂહલપ્રેરક, રોમાંચક અને ભેદભરમનું વાતાવરણ વાચકને જકડી રાખે છે. આમલીની ઝાડીમાં ધૂણી ધખાવી, એકાન્તમાં ચિન્તનશીલ એક યોગી બેઠો હતો. યોગીનું વર્ણન છે. ‘ભસ્મ શરીરે ચોળેલી, ભવ્ય લલાટ, તેજસ્વી આંખો, સ્મિતભર્યા હોઠ, ભરાઉ છાતી અને કદાવર શરીર.’ પ્રજાજનો ઇચ્છાપૂર્તિ માટે યોગીને મળતા. મોંઘી પણ હીરાને યોગી મહારાજ પાસે જવા માટે આગ્રહ કરે છે. હીરા મળવા તૈયાર થાય છે. હીરાને દૂર દેખાતા ધુમાડામાં પોતાના જૂના પ્રેમીના, સાથીના દર્શન થાય છે. યોગી કોઈ રાજવંશી હોય એમ લાગતું હતું. જટાધારી મહારાજ અને હીરા વચ્ચે પ્રણય બંધાય છે. બંનેમાં મિલનની ઉત્સુકતા છે. વાર્તાકારે પાત્રચિત્તમાં ઉદ્‌ભવતા વિવિધ સંચારી ભાવોનું નિરૂપણ કર્યું છે. અમાસનો દિવસ છે. મુશળધાર વરસાદ પડે છે. આ ક્ષણે વાર્તાકારે શૃંગારભાવોનું વર્ણન કર્યું છે. ઘનઘોર આકાશ છે. નદીમાં ડૂબી જવાથી બંનેનો કરુણ અંત આવે છે. પૂરગ્રસ્ત નદીનું ગતિશીલ વર્ણન ડૂબી જનારા પ્રેમીઓની ભાવનાઓને સૂચવે છે : ‘ઘનઘોર આકાશ છે. ઝીણો મેહ પડે છે. સાંજથી નદી પૂરથી ઉછળતી ‘રોતી’ જાય છે. સર્વત્ર અંધકાર છે. નદીકિનારે જબરું વડનું ઝાડ છે. એક એકને વળગીને બન્ને નદીગર્તમાં વિદેહ થયાં. ઈહ જીવનમાં તેમના મરણોન્મુખ આશ્લેષ પર પ્રકૃતિદેવીએ પેલો શ્વેત પ્રકાશ નાંખ્યો.’

આ વાર્તામાં પ્રણયભાવની અતિશયતા વર્ણવી છે.

‘સુપર્ણા’ જીવનભાવનાપ્રધાન વાર્તા છે. સ્ત્રીપાત્ર કેન્દ્રી વાર્તા સ્ત્રીચેતનાનું નૂતન સ્વરૂપ પ્રગટ કરે છે. વાર્તાની શરૂઆત નાટ્યાત્મક રીતે થાય છે : ‘બંગલાના પગથિયા ઉપર સુપર્ણા ઊભી હતી. તેનો પતિ -પશુપતિ- લીમડાની ડાળે દોરડું બાંધીને હીંચકા ખાતો હતો. આ જોઈને સુપર્ણા નારાજ બની ગઈ.’ તે અંતરમાં બળતી હતી. વેદનામાં તલ્લીન. પણ સુપર્ણાને શી વેદના હતી? એ પોતાના પતિને ધનસંપન્ન નહીં પણ વિદ્યાસંપન્ન કરવા ઇચ્છતી હતી. સૌ પ્રથમ એ પોતાના બાહ્ય રૂપરંગ અને કૌશલ્યમાં વધારો કરે છે. હાર્મોનિયમ વગાડતાં શીખી, ભરત ગૂંથતાં શીખી. ચિત્રો આંકતાં શીખી. ફેશનેબલ કપડાં પહેરતાં શીખી, થોડુંક અંગ્રેજી શીખી પણ એના પતિને કલાની કદર ન હતી તેથી તે અંતરમાં બળતી હતી. પરંપરાગત માન્યતા પ્રમાણે પતિ જ સર્વશક્તિમાન છે. પતિ પ્રભુ છે, તે તારે તો સતી તરે. પણ સતી પતિને તારવાનું અભિમાન કરે તો એ વડવાગળી થાય. સુપર્ણાને આ જડ પરંપરાથી ત્રાસ થતો હતો. એ પોતાની પ્રગતિ અને આત્માની જાગૃતિ ઇચ્છતી હતી. એક સન્નારીનો સહવાસ મળતાં જીવનનું લક્ષ્ય મળી ગયું. એમનો પતિ સ્થૂળ ભૂમિકાએ હતો. વૈભવ વિલાસમાં રચ્યા પચ્યા રહેતા. પણ સુપર્ણાની જીવનભાવના બદલાઈ ગઈ. પતિ પ્રભુ છે. એ મત પાખંડી લાગ્યો. દેશ પ્રભુ છે! તેથી નવી સતીનો જન્મ થયો. સુપર્ણાનો બ્રહ્મ જન્મ થયો. દેશ એના જીવનનું પરમ લક્ષ્ય બની ગયો. સુપર્ણાને જીવનની સાર્થકતાનો અનુભવ થયો. એ એકલી ઊડી અને પરમાત્માના અનુગ્રહની પાત્ર બની. ‘દોલત’ વાર્તા પણ સ્ત્રીપ્રધાન વાર્તા છે. ગુજરાતના ઉત્કર્ષની ભાવનાનો સૂર વ્યક્ત થયો છે. રણજિતરામે સમકાલીન જીવનનું એક વાસ્તવિક ચિત્ર રજૂ કર્યું છે. લગ્ન માટે પૈસાદાર કુટુંબની પહેલી પસંદગી થતી. નાતમાં લગ્ન સંબંધની આંટી ઘૂંટીના ખેલ ખેલાતા હતા. લવમેરેજનો પવન ફૂંકાતો હતો. દરેક યુવકને ગોરી, નમણી, ફૂટડી, ફેશનદાર નાજુક શ્રીમંત કન્યા જોઈએ છે. ચંચળ પૂતળીઓ જોઈએ છે. ખરા સંસ્કારી જીવન માટે આતુરતા નથી. વહુ પર સાસુની કરડી નજર હોય છે તેથી સ્ત્રીની જિંદગી કેદખાના જેવી બની છે. વિદ્યા વધારવાની સામગ્રી ઘરમાં નથી મળતી. દોલતની લાગણીથી શિવલાલમાં પરિવર્તન આવ્યું. અંગ્રેજી શાઈ પ્રભાવ ઓસરે છે. શિવલાલ સ્ત્રીકેળવણીનો મોટો હિમાયતી બની જાય છે.

ફેશનેબલ અને વિલાસી સ્ત્રીનું પતન થયું.
દોલતે ગુણથી પરની શોભા વધારી દીધી.

એ સ્ત્રીમંડળની પ્રવૃત્તિ ચલાવે છે, ‘અંબામંડળ.’ મંડળ કરકસરથી ચાલુ છે. સ્ત્રીમાં સેવાની ભાવના છે. સંસારસુધારાનું અને દેશકલ્યાણનું પગલું ભરે છે. નાતમાં સુધારો થયો. દોલતના હૃદયમાંથી જન્મેલું સંગીત ભેદ-પ્રભેદને ઓગાળી નાખે છે. દોલતની સ્નેહ વિભાવના આ મુજબ છે :

‘મારા હૃદયનો અધીશ્વર મારો દેશ છે.’

વ્યક્તિમાત્રના આત્મવિકાસ અને પરના કલ્યાણ માટે સ્વાર્થત્યાગ. વાર્તાકારે આદર્શ જીવનભાવનાના માધ્યમરૂપ દોલતને પોતાની ભાવનાનું પાત્ર સર્જ્યું છે. એ દ્વારા રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો છે. ‘મંગળા’ પણ સ્ત્રીપ્રધાન વાર્તા છે. અન્ય વાર્તાની સામગ્રી સાથે સરખાપણું ધરાવે છે. ફેશન અને અંગ્રેજી આચારવિચારથી દોરવાતા અપરિપક્વ યુવાવર્ગને ઉદાર અને સંસ્કારી સ્ત્રી પાત્રો જીવનની સાચી દિશા બતાવે છે. કાલે રાત્રે મંગળા અને મગનલાલનાં લગ્ન થવાનાં છે. મગનલાલે ઘણા ધમપછાડા કર્યા પણ વેવિશાળ તૂટ્યું નહીં. મગનલાલ આ જમાનાનો ફેશનેબલ જેન્ટલમેન હતો. અંગ્રેજ અને પારસી સંસારનો ભક્ત હતો. હિંદુઓનાં ઢીંગલા ઢીંગલીનાં લગ્ન તરફ એને જબરો તિરસ્કાર હતો. સંવનન (courtship) વગર લગ્ન કરવામાં મોટું દુઃખ જણાતું. કન્યા પસંદગી માટે સ્વયંવર જેવું વાતાવરણ પેદા કરવામાં આવતું હતું. યુવકો કન્યાઓનાં રૂપ, પહેરવેશ, અલંકાર, પ્રસાધનનું બારીક નિરીક્ષણ કરતા. ‘પોતાની’ સામાની સ્થિતિમાં મૂકી તેમનાં સુખ દુઃખની કલ્પના કરવાની એને કદી ટેવ ન હતી. આવી માનસિકતા ધરાવતા મગનલાલને પરણીને મંગળા સાસરે આવી. પતિને પોતે ગમતી નથી એ જાણવા છતાં હિંદુ રમણી મંગળા મૂંઝાતી નથી. મંગળાના પિતા સંસ્કારી હતા. મંગળાને ઊંચી કેળવણી આપી હતી. મંગળાએ જોયું કે પતિના ઓરડામાં રાચરચીલું હતું પણ પુસ્તકો નહોતાં. મંગળાને જોઈને મગનલાલનો અણગમો તો બળી ગયો. આ ગાળામાં મગનલાલ માંદો પડ્યો. મંગળાએ પતિની સેવા કરી. પતિના જીવનમાં જીવનને જ્વલંત કરે એવો કોઈ આદર્શ જ નથી. એ આદર્શના અભાવે આત્મ સાક્ષાત્કારની તીવ્ર આકાંક્ષા પણ નથી. મંગળા પતિની અંદરની શૂન્યતાને પામી જાય છે. એણે પતિમાં સંસ્કારની ખિલવણીનું કાર્ય શરૂ કર્યું. મગનલાલને પત્નીના સૌંદર્યનું ભાન થયું. વાર્તાકાર તાર સ્વરે બોધવચન ઉચ્ચારીને વાર્તાસર્જનનો હેતુ સ્પષ્ટ કરે છે. આ સમયમાં વાર્તાલેખનનું પ્રયોજન ઉચ્ચ ભાવનાની પ્રતિષ્ઠાનું હતું. સંસારસુધારો, આદર્શ જીવનભાવનાનો પ્રસાર કરવાનું કેન્દ્રમાં હતું. તેથી વાતને અંતે વાર્તાકાર બોલે છે, ‘માત્ર ફેશનેબલ કપડાં પહેરવામાં કે ઘાટીલાં શરીર અને ગોરા રંગના માલિક થવામાં જ જિંદગીનો લ્હાવો નથી.’ ‘માસ્તર નંદનપ્રસાદ’ અતિશયોક્તિની ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે, રણજિતરામની ‘માસ્તર નંદનપ્રસાદ’ વાર્તા ધૂમકેતુ પૂર્વેની વાર્તાના તબક્કાની શ્રેષ્ઠ વાર્તા છે. વિષયવસ્તુ અને લેખનપદ્ધતિની ભૂમિકાએ આ વાર્તા ઉત્તમ છે. નિરંજન ભગતે પ્રસ્તુત વાર્તા વિશે જે નોંધ લખી છે તે મારી નોંધને અંતે મૂકી છે. વાર્તાકારે માસ્તર નંદનપ્રસાદની ક્ષુબ્ધ મનોદશાનું આત્મલક્ષી કથનશૈલીમાં નિરૂપણ કર્યું છે. સર્વર્જ્ઞ કથનકેન્દ્રએ આત્મલક્ષી કથનનો વેશ ધારણ કર્યો છે. રવિવારનો દિવસ છે. નિશાળમાં રજા છે. માસ્તરને આજે વાંચવાનો ઉત્સાહ નથી. ગંભીરતા અને સૌમ્યભાવને સ્થાને વ્યગ્રતા, નિસ્તેજતા, નિરુત્સાહીતા, પિશાચતામાં ગૂંચવાય છે. ગડમથલમાં ગૂંચવાય છે. ખુરશી પરથી ઊઠી ગાદી તકિયે પડ્યા પણ ત્યાંયે ચેન નહીં. આમ તેમ આળોટ્યા. ઓશીકાં માથાં તળે મૂક્યાં. ત્યાંથી લઈ પગ તળે મૂક્યાં. પગ પછાડ્યા. રોવાનું મન કર્યું પણ આંસું સુકાઈ ગયાં હતાં. નંદનપ્રસાદ રાહત માટે ઘરની બહાર નીકળે છે. ચાલ્યા જતા હતા. પગ ચાલતા હતા કે એમનું આખું શરીર ચાલતું હતું? ગતિમાં નહોતો વેગ, નહોતી સ્વસ્થતા, હતાશા, યંત્રણા હતાં. બધું જાણે પથ્થરનું હતું લાગણીની શોધ કરે છે પણ લાગણી ક્યાંથી મળે? મંદિરમાં જવાથી સ્વસ્થતા કે પ્રેરણા મળતી નથી. જુગુપ્સા થાય છે. નંદનપ્રસાદની પાયાની મૂંઝવણ જ એ છે કે હૃદયની યાતના ક્યાં જઈ સમાવું? મંદિરમાં સ્વસ્થતા મેળવવા જનારાઓની ક્રિયા એમને બાલિશ ક્રીડાઓ લાગે છે. મંદિરો દુરાચારના અખાડા છે. એ મંદિરોમાં જતો નથી. મંદિરોના દેવો પડો ખાડામાં, માસ્તરના વિચારો, પ્રતિક્રિયાઓમાં હતાશા, નિરાશા, એકલતાનો ભાવ ઘૂંટાયો છે. મંદિરોનો વિરોધ, બ્રાહ્મણોનો વિરોધ કરે છે. સાચી ઊંડી અધ્યાત્મ રહસ્યવાળી ક્રિયાઓ કરનાર કોઈ મળે તો મનનો મેલ ધોવાય. પણ તેવા માણસો ક્યાં છે? જિંદગીમાં જે ભાવ, જે ઊર્મિ, જે મહેચ્છા, જે કલ્પના એ પછી પુણ્ય કે પાપનાં ભર્યાં છે તે નિરાળાં છે અને ધાર્મિક ક્રિયાઓ નિરાળી છે. બંને વચ્ચે ન મળે સંવાદ કે એક રાગ. છતાં એવું નભાવી લેવું, એ કેવું દાસત્વ? છૂટ, સ્વતંત્રતા, વ્યક્તિવિકાસ એ બધી ભ્રમણા છે. જ્યાં જુઓ ત્યાં બંધનો છે, દીવાલો છે, બેડીઓ છે, પાંજરાં છે. નંદનપ્રસાદને માસ્તર થવાનો અફસોસ છે; ‘જન્મતી વખતે પસંદગી કેમ નથી કરવામાં દેવામાં આવતી?’ ઈશ્વર તરફ પોતાની વ્યાકુળતા વ્યક્ત કરે છે; ‘પરમેશ્વરનો જુલમ ઓછો નથી. પૂછ્યાગાછ્યા વિના ફેંકે છે જીવોને ગમે ત્યાં.’ વાર્તામાં નંદનપ્રસાદને જેની સામે ફરિયાદો છે, વાંધાઓ છે તે બધાંની સામે એ ઉન્મત્ત પ્રલાપની શૈલીમાં વિરોધ વ્યક્ત કરે છે. સાહિત્યજગતના તથ્યપરક સંદર્ભો પણ આવે છે. કવિતા વિશેનાં વિવિધ વલણોમાં સંકુચિતતા છે. ‘જરા ચીલો છોડ્યો કે સાહિત્યના પોલીસો બૂમાબૂમ કરી મૂકશે.’

વાર્તામાં સાંસ્કૃતિક સંદર્ભ પણ છે :

‘અંગ્રેજી ભણતરે હોળીનાં તોફાનો જડમૂળથી કાઢી નાખ્યાં છે. અખાડા ઉજ્જડ કર્યા છે. સ્વતંત્રતા, સ્વાવલંબન સામર્થ્ય બધું મૃગતૃષ્ણા છે.’ પોતાને માસ્તર હોવાની સ્થિતિનો પારાવાર અફસોસ છે : ‘મૅકોલે! મૅકોલે, તેં અંગ્રેજી વિદ્યા દાખલ ન કરી હોત તો અમે કેટલા સુખી હોત? તમે પણ હતે. અમે અમારે પાણિનીનાં સૂત્રો, શાંકરભાષ્ય, ખંડનખાદ્ય, ચિત્સુખી, રઘુવંશ, શિશુપાલવધ, રસગંગાધર, ઉલ્લાસ નહીં, હતાશા, કડવાશ, મૂંઝવણ, યંત્રણા, સ્તબ્ધતા, પ્રવંચના, સભ્ય દોંગાઈ રહેંસી નાંખે છે. જીવતા અમને શબ જેવાં ફેરવે છે. Enuil ખાઈ જાય છે. Lotos catersના દ્વીપમાં જઈને વસવાની ઉમેદ શેખચલ્લીઓની ઉમેદ જેવી જન્મે છે તેવી નાશ પામે છે. Vanity છે મિથ્યાભિમાન, આડંબર, Fair પૈસાદાર અને વિલાસી લોકોની દુનિયા. આ અસાર સંસાર. આપઘાતથી જીવનનો અંત લાવી દેવામાં જ સુખ છે. બંધનમુક્તિનો ખરો માર્ગ છે.’ પોતાના અસ્તિત્વની કોઈ કિંમત તો છે નહિ એટલે જો આપઘાત કરે તો તેની મૃત્યુનોંધ કેવી લખાશે? તેથી નોંધ જાતે જ તૈયાર કરીને પછી મરવું. અસ્તિત્વની અસારતાનો વાચાળ સૂર પ્રગટ કર્યો છે. પ્રલાપ અને એકોક્તિની શૈલીનો વિનિયોગ કર્યો છે. ‘ખવાસણ’ : કાનજી પટેલે ‘ડેરો’ વાર્તાસંગ્રહમાં ભટકતી વિચરતી જાતિ વિશે વાર્તાઓ રજૂ કરી છે. તે પરંપરાની પૂર્વપરંપરાની આ વાર્તા છે. નિમ્ન ગણાતા વર્ગની થતી ભયાનક માનહાનિ અને ઉપેક્ષાનો અંત લાવવો પડશે. વાર્તા ખવાસણનું આત્મવૃત્તાંત છે. ‘નાતોનાં ત્રિમાસિક નીકળે છે તેવું અમારું ચાકરનોકરોનું ચોપાનિયું નીકળતું હોત તો અમારી મૂંઝવણો તેમાં પ્રગટ કરત.’ વાર્તાકારે ખવાસણના દુઃખની કથા ખવાસણના અવાજમાં રજૂ કરી છે પણ એ ખરેખર તો વાર્તાકારનો જ અવાજ છે. ખવાસણનો પક્ષ લઈને તેના હિતેચ્છુ તરીકે માનવતાવાદી સૂર વ્યક્ત કર્યો છે. ‘રાજાના અમે વગર ખરીદાયેલા ગુલામો. અમારે ન મળે વતન. રાજાઓ અમારાં કુટુંબો છિન્નભિન્ન કરે. ખવાસણો અનેક ઘર કરે એટલે બાપનું હેત અમે જાણતા નથી. શેઠનાં છોકરાંનાં જેવાં લૂગડાં પહેરવાનાં કે તેમનાં રમકડાંથી રમવાનું કે તેઓ ખાતા હોય તે ખાવાનું.’ ખવાસણની જિંદગી, પાંજરામાં પુરાયેલા પંખીની જેમ રહેતી હતી. આરામ, વિનોદ, મઝાની આશા આવતા ભવ પર રાખી હતી. તેમની ઉપેક્ષાની ચરમ સીમાઓ રજૂ કરે છે. ‘લીલો કે સૂકો મેવો સડી જાય, મીઠાઈ ગંધાઈ જાય, ફરસાણ ફુગાઈ જાય ત્યારે અમને ખાવા અપાય. જાણે પરમેશ્વરે અમારાં અને એમનાં શરીર જુદાં ઘડ્યાં હોય! એ માંદા પડે અને અમે ન પડીએ!’ પશુ કરતાં પણ માણસની જિંદગી કેટલી કુરૂપ છે તે દર્શાવતાં ખવાસણ બોલે છે : ‘ઘોડો માંદો પડ્યો હોય ત્યારે તેની જેટલી સારવાર અને કાળજી રખાય તેવી અમારા નોકરોની કોણ રાખે છે? એક નોકર જશે તો બીજો આવશે પણ એક ઘોડો મરશે તો રૂપિયા હજારનું નુકસાન થવાનું.’ ખવાસણ સરકાર અને ઈશ્વર પાસે ન્યાય માગે છે : ‘કારખાનાંઓમાં કામ કરતા મજૂરો માટે સરકાર કાયદા ઘડે છે પણ અમારે માટે ક્યારે ઘડશે? પ્રભુ અમે નોકરો એટલે મનુષ્ય નહીં? અમને આત્મા નથી?’ ખવાસણની ન્યાય માટેની ઝંખના મનુષ્ય માત્ર પ્રત્યેનો સમભાવ વ્યક્ત કરે છે. વાર્તાકારે નૂતન સમાજરચનાની ભાવના વ્યક્ત કરી છે.

જયેશ ભોગાયતા
નિવૃત્ત પ્રોફેસર, અધ્યક્ષ
ગુજરાતી વિભાગ
એમ. એસ. યુનિવર્સિટી ઑવ બરોડા, વડોદરા
કવિ, વાર્તાકાર, વિવેચક, સંશોધક, સંપાદક
વડોદરા
મો. ૯૮૨૪૦ ૫૩૫૭૨
Email : tathapi2005@yahoo.com