ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/રસિકલાલ પરીખ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
રસિકલાલ છોટાલાલ પરીખકૃત વાર્તાસંગ્રહ ‘જીવનનાં વહેણો’

કિશોર પટેલ

Rasiklal Parikh.png

વાર્તાકારનો પરિચય

રસિકલાલ છોટાલાલ પરીખ (જ. ૨૦ ઑગસ્ટ ૧૮૯૭, સાદરા ખાતે અને અ. ૧ નવેમ્બર ૧૯૮૨, અમદાવાદ ખાતે) વાર્તાકાર, કવિ, નાટ્યલેખક, સંપાદક, વિવેચક અને સંશોધક હતા. એમણે ‘સંજય’ અને ‘મૂસિકાર’ ઉપનામથી પણ લેખનકાર્ય કર્યું છે. એમનું પ્રાથમિક શિક્ષણ સાદરામાં, માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં અને ઉચ્ચ શિક્ષણ પૂણેમાં થયું. બી.એ. થયા પછી તેઓ ગુજરાત કેળવણી મંડળમાં આજીવન સ્વયંસેવક તરીકે જોડાયા. વર્ષ ૧૯૩૭માં તેઓ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં સહાયક નીમાયા, ૧૯૩૯માં ઉચ્ચ શિક્ષણ અને સંશોધન વિભાગના અધ્યક્ષ નીમાયા અને ૧૯૪૧માં નિયામક બન્યા. પ્રસ્તુત વાર્તાસંગ્રહ ઉપરાંત એમણે કાવ્યસંગ્રહ ‘સ્મૃતિ’ અને બે દીર્ઘનાટકો ‘શર્વિલક’ અને ‘મેનાગુજરી’ પણ આપ્યાં છે. રા. વિ. પાઠક જોડે એમણે સામયિક ‘પ્રસ્થાન’ માસિકનું તંત્રીપદ સંભાળેલું. ‘વૈદિક પાઠાવલી’ (૧૯૨૭), ‘કાવ્યાનુશાસન’ (૧૯૩૮), ‘તત્ત્વોપપ્લવસિંહ” (અન્ય સાથે, ૧૯૪૦), ‘કાવ્યપ્રકાશ ખંડન’ (૧૯૫૩), ‘નૃત્યકોશ ભાગ ૧ અને ૨’ (અન્ય સાથે, ૧૯૫૭), ‘કાવ્યાદર્શ’ (૧૯૫૯) જેવાં સંપાદનો પણ એમણે કર્યાં છે. ઈ. સ. ૧૯૬૦માં સાહિત્ય અકાદમી દિલ્હી તરફથી એમને નાટક ‘શર્વિલક’ માટે રાષ્ટ્રીય પારિતોષિક પ્રાપ્ત થયું હતું. (માહિતીસૌજન્ય : ગુજરાતી વિશ્વકોશ)

* * *

Jivan-nan VaheNo - Book Cover.png

ઈ. સ. ૧૯૪૧માં પ્રગટ થયેલા આ સંગ્રહની વાર્તાઓ ઈ. સ. ૧૯૨૬થી ઈ. સ. ૧૯૪૦ની વચ્ચે લખાયેલી છે. આ વાર્તાકારનો સમયગાળો ગુજરાતી ટૂંકી વાર્તાના બીજા તબક્કાનો એટલે કે ધૂમકેતુથી પન્નાલાલ પટેલ સુધીનો છે. કુલ આઠ વાર્તાઓના આ સંગ્રહનો કોઈ એક ચોક્કસ સૂર નથી. એકમેકથી જુદા પડતા વિવિધ વિષયો પર આ વાર્તાઓ રચાઈ છે. બે વાર્તાઓમાં રાજારજવાડાંની પાર્શ્વભૂમિ છે, એક વાર્તા જાણીતી લોકકથા છે જેની પાર્શ્વભૂમિ મોગલ શાસન સમયની છે, એક વાર્તા સ્ત્રી-સમસ્યાની છે, એક વાર્તામાં ગામડું છોડીને શહેર ભણી દોટ મૂકતાં લોકોની છે, એક વાર્તા ભિન્ન જીવનશૈલી અને ભિન્ન માનસિકતાની છે, એક વાર્તા જીવનમાં સ્થિરતાની શોધ કરતા શ્રીમંત યુવકની છે. દેશમાં સ્વાતંત્ર્યની ચળવળ શરૂ થઈ ચૂકી હતી ને ગાંધીજી સક્રિય હતા એવો સંદર્ભ કેવળ એક વાર્તામાં છે અને એ પણ અછડતો. ‘બે મિત્રો’માં બે મિત્રોની વાત છે. બંને સમાજસુધારકો છે, એક સિદ્ધાંતવાદી છે જ્યારે બીજો તકવાદી છે. ચંદુલાલ પર ગાંધીજીની ઘેરી અસર છે. હરિજન બાળકને એ સામે ચાલીને શાળામાં દાખલ કરાવે છે. વકીલાતમાં સારું કમાયેલા શ્યામલાલ ગાંધીજીના ટીકાકાર છે. એ ચંદુલાલને તંત્રી બનાવી અખબાર કાઢવા ઇચ્છે છે પણ ચંદુલાલ ઇનકાર કરી દે છે કારણ કે એ જાણે છે કે શ્યામલાલને સ્વતંત્ર વિચારક નહીં પણ એમનો ટેકેદાર જોઈએ છે. ‘શોભનકુમાર’માંનો શ્રીમંત અને વિધુર યુવાન શોભનકુમાર નોકરી-વ્યવસાય નિમિત્તે વિદેશમાં ખાસો સમય રહ્યો છે. એના પરિચયમાં આવેલી સર્વે સુંદર સ્ત્રીઓ ટૂંક સમયમાં એને મૂર્ખ લાગવા માંડે છે. યુવાનીમાં એની જેમ જ જીવનસાથી ગુમાવી બેઠેલી પોતાની બહેન માટે એને નવાઈ લાગે છે કે કેવી રીતે એણે એકલતા સ્વીકારી લીધી હશે. ‘કડવો વંદો’માં પ્રિયવંદાને એના નોકરોના સમાજની રીતરસમ જાણી નવાઈ લાગે છે. એક વાર પરણીને છૂટી થયેલી જમના ફરી પરણવાની છે એ જાણીને એને ખૂબ આશ્ચર્ય થાય છે. એવી છૂટ એમના શ્રીમંત સમાજમાં તો મળતી નથી! એ સમયે વિધવાનો પુનર્વિવાહ કેટલી ક્રાંતિકારી બાબત હશે એનો ખ્યાલ આજના વાચકને આવી શકે છે. ‘રસ્તામાં’માં ખેતીમાં અનિશ્ચિતતાને પગલે ગામડાના યુવાનોની શહેર તરફની દોટ વિશે વાત થઈ છે. મિલોમાં નિયમિત આવકના પ્રલોભનથી ગામડાં ઉજ્જડ થતાં જાય છે. આ કથામાં એક ઉપકથા છે રેવલી નામની સ્ત્રીની. ગાડાવાળા રઘનાથના દીકરા છગનની ઘરવાળી રેવલી એક શહેરી યુવાન જોડે ભાગી ગઈ છે. આ અંગે પિતા-પુત્ર બંનેનું વલણ વિરોધાભાસી છે. છગન કહે છે કે, છગનલાલ નામનો છેલબટાઉ યુવાન રેવલીને ભગાડી ગયો છે. જ્યારે એના પિતા રઘનાથ કહે છે કે, રેવલી જ છગનલાલને ભગાડી ગઈ છે. ‘કમળા’માં શ્રીમંત કુટુંબમાં પુત્રવધૂના થતાં શોષણની વાત છે. ઘરનું કામકાજ કરવાથી સ્ત્રીઓનું સ્વાસ્થ્ય સારું રહે છે એવા બહાના હેઠળ કુટુંબપ્રમુખ જે વ્યવસાયે વકીલ છે અને સારી આવક ધરાવે છે તે ઘરના નોકરોને રજા આપી દે છે. એમની પત્ની તો કાયમ માંદી રહેતી હોય અને દીકરીને તો ઘરકામ કરવાની રુચિ ના હોય એટલે ઘરકામનો સંપૂર્ણ બોજો પરણીને આવેલી નવીસવી પુત્રવધૂ કમળા પર આવી પડે છે. હસમુખા સ્વભાવની કમળા ધીમે ધીમે હસવાનું ભૂલી જાય છે. વહુ જાણે કામવાળી બાઈ હોય એમ એની પાસે ઢસરડો કરાવતા સાધનસંપન્ન લોકોની અમાનવીય વિચારસરણી પર વાર્તાકારે પ્રકાશ પાડ્યો છે. બે વાર્તાઓ ઐતિહાસિક છે, ‘રાજમાતા’માં વેરથી વેર શમતું નથી, અવેરથી જ વેર શમે છે એવો સંદેશ અપાયો છે. કૉલેજના અભ્યાસકાળ દરમિયાન વાર્તાકારે જૈનદર્શનનો પણ અભ્યાસ કર્યો હતો. ‘રાજસૂત્ર’માં ગુર્જરેશ્વર કુમારપાલને વારસ નથી. એમને સંસારમાં રસ રહ્યો નથી. એમના પછી રાજગાદીએ કોણ બિરાજશે એ રાજ્યના મોવડીમંડળ માટે એક કોયડો થઈ ગયો છે. ભત્રીજો અજયપાલ શિથિલ ચારિત્ર્યનો હોવાથી કુમારપાલ એને યુવરાજપદે નીમતા નથી. ‘મેનાં ગુજર્રી’માં જાણીતી લોકકથા વાર્તા સ્વરૂપે નહીં પણ નાટ્યરૂપે પ્રસ્તુત થઈ છે. કાબુલથી દિલ્હી જવા નીકળેલા બાદશાહે રસ્તે આરામ ફરમાવવા ગુજ્જરોના ગામની સીમમાં છાવણી નાખી છે. ગામની સ્ત્રીઓ બાદશાહની છાવણી જોવા જાય છે. ફરવા નીકળેલો શાહજાદો મેનાંને ઘોડે નાખી છાવણીમાં લઈ જાય છે. બધી સ્ત્રીઓ કકળાટ કરી મૂકે છે. મેનાંના દિયર હીરીયાની આગેવાનીમાં ગુજ્જરો છાવણી પર હુમલો કરીને મેનાંને સહીસલામત છોડાવી લાવે છે. પણ ઘેર સાસુ અને નણંદ મેનાંને ‘બાદશાહની બીબી’ કહીને મહેણું મારે છે એટલે મેનાં જીવ કાઢી નાખે છે. આ રચના અહીં વાર્તા સ્વરૂપે નહીં પણ પાંચ દૃશ્યોમાં નાટ્યસ્વરૂપે રજૂ થઈ છે. રીતસર સંવાદો લખાયા છે અને નાટકમાં લખાય છે એમ જરૂર પડે ત્યાં કૌંસમાં સૂચનાઓ અપાઈ છે! સંગ્રહની આ રચનાને વાર્તા ગણી શકાય કે કેમ નહીં એ ચર્ચાસ્પદ બાબત છે.

કિશોર પટેલ,
વાર્તાકાર, વાર્તાસમીક્ષક
મુંબઈ
મો. ૯૮૬૯૭ ૧૭૦૧૦