ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/રામનારાયણ વિ. પાઠક ‘દ્વિરેફ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
રામનારાયણ વિ. પાઠક ‘દ્વિરેફ’

મોહન પરમાર

Ramnarayan V Pathak.jpg

રામનારાયણ પાઠકનો જન્મ તારીખ ૮-૪-૧૮૮૭ના રોજ ધોળકા તાલુકાના ગાણોલ ગામે એમના મોસાળમાં થયો હતો. એમનું વતન ધોળકા તાલુકાનું ભોળાદ ગામ હતું. પિતા વિશ્વનાથ સદારામ પાઠક, માતા આદિતબાઈ હતાં, વિશ્વનાથનાં પાંચ સંતાનોમાં રામનારાયણ સૌથી મોટા હતા. એમણે પ્રાથમિક શાળાથી માંડીને કૉલેજ સુધીનું શિક્ષણ જુદા જુદા સ્થળે લીધું હતું. ૧૯૦૮માં બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કર્યા પછી ૧૯૧૧માં એલ.એલ.બી. થઈ અમદાવાદમાં વકીલાત આરંભી. પણ નાદુરસ્ત તબિયતને કારણે સાદરાને એમણે વ્યવસાયક્ષેત્ર બનાવ્યું. ગાંધીજીના અસહકાર આંદોલનથી આકર્ષાઈ ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાઈ રાષ્ટ્રીય કેળવણીના વિચારક-પ્રચારક થયા. તે દરમ્યાન એમની પ્રથમ પત્ની મણિગૌરીનું અવસાન થયું. ૨૭ વર્ષનું એકાંકીજીવન વીતાવ્યા પછી એમની શિષ્યા હીરાબેન સાથે ૫૯ વર્ષની ઉંમરે બીજાં લગ્ન કર્યાં. એમણે જુદી જુદી કૉલેજોમાં અધ્યાપન-સંશોધનનું કાર્ય પણ કરેલું. ૨૧-૮-૫૫ના રોજ એમનું મુંબઈમાં અવસાન થયું ત્યારે તેઓ મુંબઈમાં રેડિયો સ્ટેશનના ગુજરાતી વિભાગના સલાહકાર તરીકે ફરજો બજાવતા હતા. રામનારાયણ વિ. પાઠક વિવેચક, કવિ, નાટ્યકાર, નિબંધકાર અને વાર્તાકાર તરીકે પ્રસિદ્ધ છે. પણ એ સૌમાં વાર્તાકાર તરીકે એમની પ્રસિદ્ધિ જાણીતી છે. જેમ કવિતામાં ‘શેષ’ના ઉપનામથી કાવ્યસર્જન કર્યું છે તેવી રીતે ‘દ્વિરેફ’ ઉપનામથી એમણે વાર્તાસર્જન કર્યું છે. પ્રારંભમાં એમને વાર્તાસર્જન પ્રત્યે ખાસ ઉત્સાહ નહોતો. પ્રથમ વાર્તા ‘એક પ્રશ્ન’ એક વિદ્યાર્થીના હસ્તલિખિત સામયિક માટે લખેલી. ત્યાર પછી ‘યુગધર્મ’ અને ‘પ્રસ્થાન’ નિમિત્તે વાર્તાઓ લખવાનું બન્યું. સવંત ૧૯૮૪ સુધીમાં લખાયેલી ૧૩ વાર્તાઓ ‘દ્વિરેફની વાતો’ ભાગ-૧માં સમાવેશ કરવામાં આવી. ધૂમકેતુના તણખા મંડળ-૧ પછી બે વર્ષે ૧૯૨૮માં આ પ્રથમ વાર્તાસંગ્રહ પ્રગટ થયો. ‘દ્વિરેફ’નું વાર્તાસર્જન ઘણું મંદ ગતિએ ચાલ્યું છે. શ્રી મેઘાણીએ બીજા ભાગનું અવલોકન કરતી વખતે કરેલી ટકોર; ‘પોતે કરેલું લોકોપકારક કથાસાહિત્ય લખી શકે છે તે વાતનું ભાન કદાચિત્‌ જ્યારે એમને આવશે, ત્યારે પોતાની આજની મંદગતિને એ પોતાના સંબંધમાં અક્ષમ્ય ગણશે.’ (પરિભ્રમણ-૩) શ્રી મેઘાણીએ કરેલી આ ટકોર વખતે રા. વિ. પાઠક પ્રથમ ભાગની ૧૩ અને બીજા ભાગની ૧૦ વાર્તાઓ મળીને કુલ ૨૩ વાર્તાઓ લખી ચૂક્યા હતા. એમણે ‘મારી વાર્તાનું ઘડતર’ લેખમાં રજૂ કરેલા વાર્તાઘડતરના મુદ્દાઓમાં વાર્તાની ઉદ્‌ભવરીતિમાં લાગણી કે રહસ્યના બળ પર એ ભાર મૂકે છે. સંબંધતત્ત્વને તેઓ વાર્તાનું સૂક્ષ્મબીજ ગણે છે. આ સૂક્ષ્મબીજનું રહસ્ય હોય તો જ વાર્તાનિયતિનો વ્યવહાર શરૂ થઈ શકે છે. એમની વાર્તાઓમાં વ્યાપક જીવનદૃષ્ટિનું નિરૂપણ સંકુલ બની આવે છે. ત્રણેય ભાગની ૪૦ વાર્તાઓમાંથી પસાર થતાં જયંતી દલાલે એમની વાર્તાશૈલીની કુશળતા વખાણી છે, “ ‘દ્વિરેફ’ ક્યારેય કશા આડંબરમાં લપસી ન પડાય તેની નિશદિન કાળજી રાખે છે. પણ સાથેસાથે જ નમણી ઋજુતા ભારોભાર ભળી છે. આ સહુ દીપી ઊઠવાનું કારણ તો એ છે કે શ્રી પાઠકને વાત કહેવાની અનોખી ફાવટ છે.” (‘રેખા’, જુલાઈ, ૧૯૪૨)

Dwirefni Vato - Book Cover.png

૧૯૨૮માં પ્રગટ થયેલા ‘દ્વિરેફ’ની વાતો ભાગ-૧’ની ૧૩ વાર્તાઓમાં તેઓ વાર્તાકાર હોવાની પ્રતીતિ થાય છે ‘સાહિત્યવિમર્શ’ (૧૯૩૯) વિવેચન-ગ્રંથમાં એમણે પોતાની વાર્તાઓની વાત કરતાં નોંધ્યું છે કે, ‘વાર્તાની સંભવિતતા એક રીતે દુનિયાથી સ્વતંત્ર છે. દુનિયામાં ખરેખરું બને તે વાર્તામાં સંભવિત ન પણ લાગે અને બીજી તરફથી દુનિયામાં ન જ બને એવા બનાવો વાર્તામાં સંભવિત લાગે..’ આ સંભવિત લાગવાની વાર્તાકળા જે તે સર્જકનું કૌશલ્ય ગણાય છે. રા. વિ. પાઠકનાં વિધાનોનું તાત્પર્ય એ સૂચવે છે કે વાર્તામાં ઉપયોગમાં લીધેલી સામગ્રી પ્રતીતિકર લાગવી જોઈએ. કૃતિની અર્થનિષ્પત્તિ ત્યારે યથાર્થ લાગે કે જ્યારે સંભવિતતાનું સત્ય એમાં આમેજ થયેલું હોય. પ્રથમ ભાગની વાર્તાઓમાં લેખકે જે સંભવિતતાઓનું નિર્વહણ કર્યું છે તેનાં સફળ પરિણામ આપણે ‘સરકારી નોકરીની સફળતાનો ભેદ’, ‘જક્ષણી’, ‘મુકુન્દરાય’, ‘ખેમી’, ‘જમનાનું પૂર’ વગેરે વાર્તાઓમાં જોઈ શકીએ છીએ. ‘એક પ્રશ્ન’ વાર્તા કોઈ મનોવૈજ્ઞાનિક હિસ્સાના આધારે રચાઈ છે. પણ રચનારીતિનો પ્રયોગ ધ્યાનાકર્ષક છે. સ્ટવ સળગાવી રહેલો નોકર સળગતા સ્ટવમાં સ્પિરીટ નાખવા જતો હતો ત્યારે એના હાથમાંથી બાટલી કોણે લઈ લીધી તે વિવાદ આ વાર્તામાં અંત સુધી ચાલે છે. આમ તો વાર્તા કિસ્સો લાગે. પણ બધાં પાત્રો પોતેે બાટલી લઈ લીધી હતી તેવો દાવો કરે ત્યારે રમૂજની સાથે વાર્તાનો પિંડ બંધાય છે. વાર્તાન્તે આ વાતના નિવેડારૂપે મોટાભાભીના, બધાંએ સાથે મળીને ચા પીવી તેવા તારણમાં રમૂજની સાથે મર્મ પણ છુપાયેલો છે, આ મર્મ પડેલી ગૂંચને ઉકેલવાનો. ‘જક્ષણી’ વાર્તા વિવિધ કથનકેન્દ્રને કારણે વિશિષ્ટ બની આવી છે. નાયક-નાયિકાના કથન દ્વારા વાર્તાનો રચનાઘાટ ઘડાયો છે. જેને કારણે બંનેના ભીતરમાં રહેલાં રહસ્યો પણ વાચક પામે છે. પહેલા અને ત્રીજા ખંડમાં નાયિકા કથક છે. બીજા ખંડમાં નાયક કથક છે. ત્રણેય ખંડોમાં પ્રસન્ન દામ્પત્યનો અણસાર મળતો રહે છે. વીશીના મહારાજ આગળ નાયકે કરેલું જક્ષણીનું વર્ણન મહારાજને ભ્રમિત કરે છે. વાળ છૂટા કરીને ઊભેલી નાયક-પત્નીનો દેખાવ નાયકે મહારાજ આગળ કરેલા વર્ણન સાથે બંધબેસતો જણાતાં દર્શનાભિલાષી મહારાજ સામે નાયક-પત્ની રોષે ભરાય છે. મહારાજ તો બાધાની રઢ લઈને બેઠો છે. તે વખતે ‘ચંડી પ્રસન્ન થાઓ...’ કહીને નાયકનો પ્રવેશ રમૂજ પેદા કરે છે. પ્રસન્ન દામ્પત્યની આ હળવી ક્ષણો જ વાર્તાની તાકાત છે. ‘મુકુન્દરાય’ જાણીતી વાર્તા છે. પિતા અને બહેન તરફનો અનાદર મુકુન્દના અહમ્‌ને કારણે છે. મિત્રો સાથે ગામમાં આવ્યો છે. પણ હવે ઘરની રીતભાત એને પસંદ નથી. બીજે દિવસે એ પરત જતો રહે છે ત્યારે પિતા રઘુનાથની હૈયાવરાળ લેખકે વિમળશાની કથા સાથે જોડી છે. મુકુન્દરાય મિત્રો સાથે લોકલમાં આવી રહ્યો છે તેવો તાર વાંચીને બાપદીકરી એનું સ્વાગત કરવા માટે ધમાલમાં પડ્યાં છે. પણ આવતાંની સાથે જ ‘હજી સુધી રસોઈ કેમ તૈયાર થઈ નથી? મેં આટલા માટે તો તાર કર્યો હતો.’ જેવું તુચ્છકારભર્યું વર્તન, એકાવાળાને ભાડું આપવામાં બેપરવાઈ, રસોઈમાં શીરો અને ભજિયાં બનાવ્યાં છે તે સામે નારાજગી, પિતા રઘુનાથની વાતો ક્ષુલ્લક લાગવી – વગેરે કારણે અંતે મુકુન્દરાયને લાગે છે કે ડોસાએ મારી બધી પ્રતિષ્ઠા પર પાણી ફેરવ્યું છે. હવે આ ચોક્સી અને પંડિત પોતાને ગરીબ માનશે. પછી વાતચીત દરમિયાન ખેતર વેચવાવાળી વાતથી રઘુનાથ નારાજ થાય છે. પણ દીકરી ગંગાને ભાઈ પર વિશ્વાસ છે. પણ રઘુનાથને તો ‘હવે એ આપણો નથી રહ્યો... એ ગયો જ સમજો...’ સ્ટેશને ભાઈબંધોને મૂકવા ગયેલો મુકુન્દ મિત્રો સાથે ગાડીમાં ચાલ્યો ગયો. રઘુનાથની ધારણા સાચી પડે છે. કૉલેજમાં પોતાની ઠાલી ઠાલી પ્રતિષ્ઠા ઊભી કરનાર મુકુન્દરાય હવે ગયો તે ગયો... પાછા ન આવવાનો રઘુનાથને કોઈ અણસાર વરતાતો નથી. જમાનાની બદલાયેલી ફિતરતમાં રસાયેલો મુકુન્દ પિતાની હાલતથી અવળો ફંટાય છે ત્યારે વિમળશાએ દાખવેલી સ્વયંસ્ફુરિત વેદનાગ્રસ્ત સૂઝ રઘુનાથમાં પરાવર્તિત થઈને વાર્તાને સંવેદનનો આધાર પૂરો પાડે છે. ‘સરકારી નોકરીની સફળતાનો ભેદ’ વાર્તા વિશિષ્ટરૂપે આકાર પામી છે. પત્નીનો સતિભાવ ક્યારેક કષ્ટદાયક લાગે છે. એમાંથી બચવાના ઉપાયો શોધતો નાયક સરકારી નોકરીની સફળતા સાથે એને જોડે છે. કાલ્પનિક શ્રોતાને અપાતા જવાબોમાંથી વિશિષ્ટ મુદ્રા ઊપસી આવે છે. ‘સાચી વાત અથવા હિન્દુ સમાજના અંધારા ખૂણામાં દૃષ્ટિપાત’ વાર્તા કેશવલાલના મુખે કહેવાઈ છે. દારૂખાતાના ઇન્સ્પેક્ટર પેસ્તનજી, પોલીસ ઇન્સ્પેક્ટર મિ. સેંધા, ડૉ. ભીંડે અને કેશવલાલ એક ડબ્બામાં ભેગા થઈ જાય છે. કેશવલાલ વાર્તા કહે છે. વાત તો કેશરીસિંહના ખૂનની છે. જૂનીના માથે આળ આવે છે. પણ કાચી કેદના કેદીએ નવીને પોતાની પત્ની તરીકે જણાવી ત્યારે વાર્તાનો ભેદ ખૂલે છે. નવીને ભગાડીને કેશરીસિંહ જુદા જુદા ઠેકાણે એને વેચે છે. આ ત્રાસમાંથી છૂટવા નવીએ કેશરીસિંહનું ખૂન કરેલું. બધા વાત ખોટી માને છે. પણ એ જ ડબ્બામાં ઘૂમટો તાણીને બેઠેલી સ્ત્રી આ વાર્તાને સાચી કહે છે. ભેદભરમવાળી વાર્તામાં રહસ્યસ્ફૂટ કરવાની રીતિ વાર્તાને માફક આવે તેવી છે. ‘રજનું ગજ’ વાર્તા બિનઅનુભવી જુવાનો અને આધેડવયના ઘરડા માણસો વચ્ચેના કશ્મકશની વાર્તા છે. બંને પેઢીના સંઘર્ષમાંથી જન્મેલી ઘટના હાસ્યરસથી ભરપૂર છે. જુવાન દૃષ્ટિવાળા ગામ છોડીને જતા રહે છે તે વખતે આધેડવયના માણસો સ્થિરતા ધારણ કરે છે. સ્થાનિક અઠવાડિક કાઢવાનો નિશ્ચય આકસ્મિક નથી. તે પરમરસનું પરિણામ છે. ‘માનવજીવને સુલભ એ જ મહાન રસ છે...’ આ વિધાનમાં હાસ્યમિશ્રિત માર્મિક સંભવિતતા પ્રગટ થઈ છે. ‘જમનાનું પૂર’માં કાવ્યાત્મક શૈલી દ્વારા કથાનો મહિમા થયો છે. જમનાના પૂરમાં દીવો તરતો મૂકતી સ્ત્રીના મનમાં જાગતો ભાવોદ્રેક કંઈક વિશિષ્ટરૂપે પ્રત્યક્ષ થાય છે. દીવો કેટલે દૂર ગયો તે જોવા જતાં પગ લસરે અને જમનાનું પૂર એને ખેંચી જાય તે પ્રકારની કથાસંયોજનમાં સ્ત્રીના મનોભાવ ‘મારો દીવો સૌથી આગળ જઈને સર્વને વિસ્મિત કરશે’માં ધાર્મિકતા કરતાંય સૌને દેખાડી દેવાની વૃત્તિ બળવત્તર થતી ભળાય છે. દીવો કેટલે ગયો તેની તકેદારી રાખે છે. પણ એ જમાનાના પૂરમાં ખેંચાઈ ગઈ એ તે કોઈએ જાણ્યું નહીં, એ વિધિની અકળગતિને તોષે છે. પણ ‘ખેમી’ પ્રથમ ભાગની ઉત્તમ વાર્તા નીવડી આવી છે. એના સર્જકે ખેમી અને દુનિયાના પ્રેમજીવનનું સુંદર આલેખન કર્યું છે, ઉચ્ચ કક્ષાનો પ્રેમ તો માત્ર સવર્ણ કોમમાં જ થાય તેવી ભ્રમણા ભાંગતી આ વાર્તા છે. બંને વચ્ચેના પ્રેમનાં દૃશ્યોમાં લેખકે દાખવેલી કલાત્મક સૂઝ આ વાર્તાને ગુજરાતી સાહિત્યની મહત્ત્વની વાર્તા સાબિત કરે છે. જાજરૂના પગથિયા પર બેઠેલું દંપતી કેવા પ્રેમાલાપમાં મગ્ન છે તે વાર્તામાં સૂચક બની રહે છે. ધનિયાને બીડી સળગાવવામાં મદદ કરતી ખેમી બીડી સળગ્યા પછી આઘી બેસવા જાય છે તે વખતે બંને વચ્ચેનો નાનકડો સંવાદ આખી કૃતિનું હાર્દ બની રહે છે. ‘લે, મારા સમ, આઘી જા તો...’ ‘ગાંડા ન કાઢ્ય ગાંડા...’ કહેતી ખેમી મૂળ જગ્યાએ બેસી ગઈ. ‘તારા સમ ખેમી, તું બહુ વહાલી લાગે છે.’ ધનિયાના આ વહાલપથી ખેમી અજાણી નથી. ધનિયાનું અવસાન થતાં વસવાયા કોમમાં પુનર્લગ્ન કરવાની છૂટ હોવા છતાં ‘આટલે વરસે મારે જીવતર પર થીગડું નથી દેવું’ જેવો એનો નિર્ણય આર્યનારીના પક્ષનો છે. દૃશ્યો અને સંવાદોમાં દાખવેલી કલાસૂઝ પોકળ લાગતી નથી. લેખકને દલિત કોમમાં દેખાયેલો પ્રેમ માનવસહજ વૃત્તિઓનું પરિણામ છે તે રસિકલાલ છો. પરીખને નથી દેખાયું, પણ મને તો દેખાયું છે. ‘નવો જન્મ’ વાર્તા ઝમકુકાકીના જીવનની ચઢાવ-ઉતારની કથા છે. વાર્તાને પ્રારંભે ઝમકુકાકીનું શોકાતુર જીવન વાર્તાને અંતે ઉલ્લાસમય બની રહે તે બે કડીઓ વચ્ચે ઝમકુકાકીની વિપરીત ક્ષણોનું આલેખન સબળ કલમે થયું છે. એકનો એક દીકરો મરી ગયા પછી શૂન્યવત્‌ બની ગયેલાં ઝમકુકાકીને મળેલી સહાનુભૂતિ એમને નવપલ્લવિત કરી મૂકે છે. આ જાતના કથાનિર્વહણમાં લેખકની પાત્રોના સંબંધોમાં રહેલી સંવેદના જ અગ્રેસર થતી ભળાય છે. ઝમકુકાકીને નવું જીવન જીવવા તરફ વાળનાર કમળાનું પાત્ર સર્જીને લેખકે વાર્તાને કથળતી બચાવી છે. ૧૯૩૫માં પ્રગટ થયેલા વાર્તાસંગ્રહ ‘દ્વિરેફ’ની વાતો ભાગ- ૨’માં દસ વાર્તાઓ છે. એમાંથી ચાર વાર્તાઓ ‘મહેફિલ ફેસાને ગુયાન’ શીર્ષક હેઠળ વાર્તાઓમાં લેખકે દાખવેલી કલાસૂઝ નાવીન્યપૂર્ણ છે. આ ગુચ્છની પહેલી સભાનો પ્રારંભ જ વાચકને રસતરબોળ કરે તેવો છે. ધનુભાઈ, એમની પત્ની ધીરુબહેન અને બહેન પ્રમીલા આ સભામંડળના સક્રિય સભ્યો છે. એમાં કથાનાયકની પણ સામેલગીરી છે. આ સભાઓમાં ધનુભાઈના ઘરનો નોકર પણ ભાગ લે છે. આ પાંચ સાહિત્યરસિકોની મંડળીમાં વાર્તા વંચાય, યોગ્ય ચર્ચાઓ થાય, ક્યારેક ટીકા, કટાક્ષ કે પ્રશંસા પણ થતી રહે. આજથી ૯૫ વર્ષ પહેલાં જ્યારે ગુજરાતી વાર્તા માંડ ડગ ભરી રહી હતી ત્યારે આ જાતની પ્રયુક્તિ દ્વારા સિદ્ધ કરવા માટેની વાર્તાકારની મથામણ બિરદાવવા લાયક છે. પોતાની વાર્તાઓ વિશે એમણે કેટલાંક તાત્ત્વિક વિધાનો પણ કર્યાં છે. આ વિધાનોમાંથી આપણે એક અર્થ એ તારવી શકીએ કે એમની વાર્તાઓ પ્રયોજનલક્ષી ખરી પણ પ્રચ્છન્ન, ખુલ્લંખુલ્લા નહીં. વાર્તાન્તે પ્રયોજનના સ્પષ્ટીકરણને બદલે વાચકને વાર્તાઓમાંથી કશુંક લાધે તે પ્રકારની સંરચના એમની વાર્તાઓનો વિશેષ છે. દરેક ભાગની પ્રસ્તાવનામાં એમણે ખુદ કરેલી વૈખરી માત્ર પરિચયાત્મક છે. એમાં એમનું પ્રયોજન સુજ્ઞ વાચક પામી શકે. ઝવેરચંદ મેઘાણીએ ભાગ-૨ સંદર્ભે નોંધ્યું છે, “શ્રી પાઠકની વાર્તાઓ કેવળ રસલક્ષીયે નથી. પ્રયોજન એના વિચારોમાં ઘૂમતું હોય છે, મૂળ વસ્તુ એના લાગણીપ્રદેશમાં કેવળ એની માનવતાને ખાતર ઝડપાયા પછી જ શ્રી પાઠક એની અંદર પોતાના પ્રયોજનનો ગર્ભ મૂકે છે. સમતુલા, સમભાવ, વૃત્તિની છેક પાછળ જઈને માનસપ્રદેશને સ્પર્શ કરવાની એમની બુદ્ધિ અને માનવપ્રકૃતિનાં વિઘાતક પ્રેરકબળોને બહાર લાવવાની ઉદાર માનવતા શ્રી પાઠકની કથાઓના રસને ચિરંજીવી તેમજ ગંભીર બનાવે છે.” (પરિભ્રમણ-૩, પૃ. ૧૩૪) ઝવેરચંદ મેઘાણીએ રા. વિ. પાઠકની વાર્તાઓમાં ચીંધેલી પ્રયોજનની રસકીય મૂડી દ્વિરેફની સ્વકીય મૂડી છે. આવી સ્વકીય મૂડી ભાગ-૨ની ‘મહેફિલ ફેસાને ગુયાન સભા’ની ગુચ્છની ચાર વાર્તાઓમાં સચવાય છે. આ મંડળની સ્થાપના પહેલાં લેખક આપણને ધનવંતરાય ઉર્ફે ધનુભાઈના જીવનની વિગતો આપે છે. ધનવંતરાય ખાવાના પ્રયોગો પર ચડ્યા છે, ત્યાંથી વાર્તાનો પ્રારંભ થાય છે. ધનુભાઈએ લખેલી વાર્તાની ટીકા થાય છે. તેથી એ ચિડાયા છે. કથાવાચક અને ધનુભાઈ વર્તાક્લબ ભરવાનું નક્કી કરે છે. વાર્તાક્લબમાં ધનુભાઈ, એમની પત્ની ધીરુબહેન, બહેન પ્રમીલા અને નોકર ધમલો સભ્ય છે. કથાવાચક પણ એમાં સામેલ છે. આ વાર્તાક્લબનું નામ ‘મહેફિલે ફેસાને ગુયાન’ ઉર્ફે વાર્તાવિનોદ મંડળ રાખવામાં આવે છે. પહેલી વાર્તા ધમલો કહે છે. વાર્તાનું શીર્ષક છે ‘બે મિત્રોની વારતા’. આ વાર્તા શીતલસિંહ અને ચંદનસિંહ નામના બે રાજપૂત મિત્રોની ભાઈબંધીની વાર્તા છે. શીતલસિંહ અજાણપણે ચંદનસિંહની પત્ની પર ફિદા છે. ચંદનસિંહ મિત્રધર્મ બજાવે છે. પોતે જેના પર ફિદા છે તે મિત્ર ચંદનસિંહની પત્ની છે તેવું જાણ્યા પછી ભોંઠપ અનુભવે છે. ચંદનસિંહની કટારથી પોતે આત્મહત્યા કરે છે. એ જ કટારથી ક્રમશઃ ચંદનસિંહની પત્ની અને ચંદનસિંહ પણ આત્મહત્યા કરે છે. આ વાર્તા પર વિનોદમંડળમાં ખાસ્સી ચર્ચા થાય છે. વાર્તાના દરેક પાસાની ઉપયોગિતા અને વાર્તામાં વિઘ્નરૂપે નડતી વિગતોની ચર્ચા થાય છે. ‘મહેફિલે ફેસાને ગુયાનસભા’ની બીજી વાર્તા ‘કોદર’ વિનોદમંડળમાં કહેવાયેલી બધી વાર્તાઓ કરતાં જુદી પડે છે. ‘કોદર’ વાર્તાને એના આરંભ અને અંત સાથે ન જોડીએ તોય એક સ્વતંત્ર વાર્તા તરીકે નીવડી આવેલી કૃતિ છે. શાંતિલાલને કોદર પ્રત્યે સદ્‌ભાવ છે. પણ માલતી કોદર સાથે કઠોર રીતે વર્તે છે. એને કોદરનું વર્તન સાહજિક લાગવા માંડે છે ત્યારે ઘણું જ મોડું થઈ ગયું હોય છે. ઘેરથી નીકળી ગયેલો ‘કોદર’ ઠંડીમાં ઠૂંઠવાઈ ગયો છે. એને બચાવવા માલતીના સઘળા પ્રયાસ નિષ્ફળ નીવડે છે. કોદરના મૃત્યુ પછી એને થતી પ્રતીતિ; ‘નહિ, નહિ, નહિ તમે એને લડ્યા તે મારાથી કંટાળીને. હું જ એને ખરી મારનારી છું...’માં પસ્તાવો છે, અફસોસ છે. આ પસ્તાવો કોદરના સ્મરણ માટે એને જન્મેલા બાળકનું નામ ક ઉપરથી પાડવા તરફ લઈ જાય છે. કોદરની ઘર પ્રત્યેની વફાદારી, એના પ્રત્યે માલતીનું કઠોર વલણ અને છેલ્લે થતો પસ્તાવો વાર્તામાં સહજપણે ગૂંથાયાં છે. ભાગ-૨ની બીજી વાર્તા ‘છેલ્લો દાંડક્ય ભોજ’ કાળજીપૂર્વકની માવજતને કારણે ગમે તેવી વાર્તા છે. સંતાન ન ઇચ્છતા રાજા વિરાધસેનની અસંતુલિત સ્થિતિને લેખક પ્રત્યક્ષ કરે છે. મગધના આજીવન ધુન્ધુમાર દ્વારા રાણીઓને સંતાન ન થાય તેવા ઉપાયો મળે છે. વિરાધસેનને બીક છે કે પોતાનું સંતાન પોતાને મારીને ગાદી પર બેસશે. વિરાધસેનની દસ પેઢીઓમાંથી સાત રાજાઓ પિતાને મારીને ગાદી પર બેઠેલા હતા. વિરાધસેનને સંતતિ જોઈતી જ નથી. ધુન્ધુમાર બે ઉપાય સૂચવે છે. બંને ઉપાયમાં નિષ્ફળતા મળે છે. ઔષધ લીધા પછી રાણીઓનું કુરૂપ થવું કે ઔષધ લેવા માટે રાણીઓનો ઇન્કાર – આ પછી ત્રીજા ઉપાય તરીકે એક અંજન આંજવાથી સ્ત્રીનો દેહ જોઈ શકાય. વસ્ત્રો દૃષ્ટિને વ્યવધાનરૂપ થાય નહિ, પણ એ દૃષ્ટિના સ્મરણ માત્રથી ઇષ્ટ ઉપભોગ થઈ શકે... પણ આ ઉપાયનું પરિણામ વિપરીત આવે છે. બીજી સ્ત્રીઓ તો શું, રાણીઓ પણ રાજા પાસે બેસતાં અચકાય છે. આ જ કારણસર કાલ્પી જાતિની સ્ત્રી આવા ઉપભોગથી મૃત્યુ પામે છે. પુત્રના હાથે પોતાની હત્યા થશે તેવા ડરથી ત્રસ્ત રાજા સંતતિનિયમનના અજમાવેલા ઉપાયો જ એના મૃત્યુનું કારણ બને છે. સૃષ્ટિ વિરુદ્ધ જવાથી કેવું વિપરીત પરિણામ આવે છે તે આ વાર્તાનો ગૂઢાર્થ છે. ૧૯૪૨માં પ્રગટ થયેલા વાર્તાસંગ્રહ ‘દ્વિરેફ’ની વાર્તા ભાગ-૩’ની ૧૭ વાર્તાઓમાં વાર્તાકારની કલમ કાંઈક વિશિષ્ટ મુદ્રા ધારણ કરે છે. ભાગ - ૧ અને ૨ની વાર્તાઓમાં ‘મુકુન્દરાય’, ‘જક્ષણી’, ‘ખેમી’, ‘કોદર’ કે ‘છેલ્લો દાંડક્ય ભોજ’ જેવી વાર્તાઓમાં એમણે દાખવેલા કૌવતને જરા વધારે વેગ ભાગ-૩ની વાર્તાઓમાં મળે છે. ‘સૌભાગ્યવતી!!’ વાર્તા વધારે ચુસ્ત લાગવાનું કારણ દૂધવાળી જીવીના જીવનકવનને પાડોશીની પત્ની મલ્લિકાના જીવનકવન સાથે સરખાવતી કથાનાયિકાને મલ્લિકાના જીવનની સાચી કડીઓ મળે છે. મલ્લિકાનો પતિ એક્સાઇઝ ઇન્સ્પેક્ટર છે. ડૉક્ટરપત્ની નાયિકા જુએ છે કે મલ્લિકાનો પતિ એને પુષ્કળ પ્રેમ કરે છે. દેખાવે સુંદર અને પતિના પ્રેમથી સૌભાગ્યવતી દેખાતી મલ્લિકા પતિથી કેટલી ત્રસ્ત છે તે જીવીના પીડિતજીવન દ્વારા લેખકે દર્શાવ્યું છે. જીવી તો પતિની પ્રબળ કામેચ્છાથી ત્રાસીને શહેરમાં આવતી રહે છે. પણ ભદ્રસમાજની મલ્લિકા એમ કરી શકતી નથી, પતિની કામેચ્છાને અનિચ્છાએ સંતોષતી મલ્લિકા બહારથી ભલે સૌભાગ્યવતી લાગે પણ એની ઉદાસીનતા પારખી ગયેલી નાયિકા એની વ્યથા જાણીને જ જંપે છે. નાયિકાને મલ્લિકા દ્વારા જ એના સંસારની અરુચિભરી વિગતો સાંપડે છે. મલ્લિકાના મૃત્યુ પછી નાયિકાના મોઢે ખરખરો કરવા આવેલાના શબ્દો! ‘કેવી નમણી! કેવી ભાગ્યશાળી! એને જોઈને સૌભાગ્યવતી સ્ત્રીનો ખ્યાલ આપણને આવે! ને સૌભાગ્યવતી જ મરી ગઈ...’ ત્યારે નાયિકાના મનમાં થયું, ‘સૌભાગ્યવતી!!’ સમાજની અસંગત સ્થિતિને સૂચવે છે. ‘ઇન્દુ’ દાંપત્યજીવનના સ્ખલનની વાર્તા છે. જે યાતનાને કારણે ઊભી થયેલી કરુણસ્થિતિ મર્મભેદક છે. ‘પોતાનો દાખલો’માં અનિષ્ટ સામે પ્રેમનો વિજય થાય છે. ‘બે ભાઈઓ’માં ઈર્ષા મહત્ત્વનું તત્ત્વ છે. જે ઘટના ઘટી તેના માટે કોઈ જવાબદાર નહોતું, છતાં અસરગ્રસ્ત પાત્રને દુઃખ ભોગવવાનું આવે છે તે કરુણામય સ્થિતિ પ્રત્યક્ષ કરવાનું આ વાર્તાનું પ્રયોજન છે. ‘કેશવરામ’માં નાયક પોતાની શક્તિઓનો ઉપયોગ દ્વેષના આવેશમાં કરે છે ત્યારે એ પોતાનું સર્વસ્વ ગુમાવે છે. ‘કંકુડી અને કાનિયો’ અને ‘રેંકડીમાં’ જેવી વાર્તાઓમાં ઘટનાના નિર્વહણમાં પરિવેશ પણ કઈ રીતે મહત્ત્વનો ભાગ ભજવે છે તે ઊભરી આવ્યું છે. ‘મહેફિલે ફેસાને ગુયાનસભા’ની છઠ્ઠી વાર્તા ‘પરકાયાપ્રવેશ’ના નાયકને સપનું આવે છે. એને કૂતરાનો અવતાર મળ્યો છે. લેખકે કૂતરાંની ગતિવિધિ સર્જવામાં ભારે કૌવત દેખાડ્યું છે. બ્રહ્માજી પાસે કૂતરાનો અવતાર માગ્યો તો ખરો પણ કૂતરામાંથી માનવ બને ત્યારે અત્યારે પત્ની છે એ જ મળે. સપનામાંથી જાગ્યા પછી જુએ છે તો પત્ની એની સેવામાં હાજર છે. પત્ની અને નાયક વચ્ચેના સંવાદ અને વાર્તાની ટીકા-ટિપ્પણીમાંથી ઊપજેલું સત્ય, માનવજીવનની જેમ જ કૂતરાનું જીવન પણ બધી સાંસારિક મર્યાદાઓ ત્રુટિઓથી ભરેલું છે. ‘જગજીવનનું ધ્યેય’માં સ્ત્રીની હાજરીમાં એકાંતમાં રહેવાનો ડર ખુદ જગજીવનની અસલામત સ્થિતિને સૂચવે છે. જગજીવનના ઘેર રહેવા આવેલી સરસ્વતીથી હરપળે એ પોતાની જાતને દૂર રાખવા મથે છે, પણ ભીતરમાં સરસ્વતી માટે જાગેલું આકર્ષણ સરસ્વતી સાથેની વાતચીતમાંથી પ્રગટ થાય છે. રતિલાલ નામના માણસથી સરસ્વતીને ગર્ભ રહે છે, છોકરો જન્મે છે. મહાત્માજીએ જગજીવનને સરસ્વતી સાથે પરણવાની વાત મૂકી ત્યારે જગજીવન પોતાના ધ્યેયને વળગી રહે છે. સરસ્વતીનો છોકરો મરી ગયા પછી જગજીવન એની સાથે લગ્ન કરવા સહમત થાય છે. મહાત્માજી આ વાતને ગંભીરતાથી લે છે. જગજીવનની અત્યારની સંમતિમાં એમને પ્રેમ દેખાતો નથી. સરસ્વતી મહાત્માજીનો મર્મ પામીને એમની સાથે જ રહેવાનો નિર્ણય કરે છે. જગજીવનનું ગાંધીવ્રત-બ્રહ્મચર્યવ્રત છેવટે પોકળ બની રહે છે. ‘ઉત્તર માર્ગનો લોપ’ સાધક-સાધિકા હરકાન્ત અને ચંદ્રલેખાની સાધના એમના બંનેના જીવનની કસોટી સમાન છે. બંને સાત વર્ષના એકાંતવાસ દરમિયાન સાવ નિકટ હોવા છતાં અણિશુદ્ધ રહે છે. છેવટે બંને વચ્ચે જાગતી કામવાસના સાધનામાં વિઘ્નરૂપ બને છે. દરિયામાં થયેલા તોફાન વખતે સ્નેહભાવે બંધાયેલાં બંનેને ભાન થાય છે કે અર્થહીન સાધના કરતાં સ્નેહબંધન કંઈક વિશેષ છે. સાધનાભંગ થયો હોવાને કારણે સાધનામાં પુનઃ જોતરાવા કરતાં મૃત્યુને વરે છે. લેખકે વાર્તાની માંડણીમાં દાખવેલ કૌવત જરાય શિથિલ નથી. આ બે વાર્તાઓ જેવી જ, એનાથીય વિશિષ્ટ મુદ્રા ધારણ કરતી ‘બુદ્ધિવિજય’ વાર્તા એના રચનાગત ગાંભીર્યને કારણે જુદી તરી આવી છે. ધાર્મિક વૃત્તિઓ જ્યારે ધર્મના પ્રચાર તરફ ગતિ કરે છે ત્યારે કેવાં વિપરીત પરિણામ આવે છે તેનો આ વાર્તા સુંદર નમૂનો છે. તપોવિજયની જ્યોતિષવિદ્યા પર આધાર રાખીને બુદ્ધિવિજયની વિમલશીલ પાસે માંગણી કરે છે. બાહ્યોપચારથી દેહનો વર્ણ બદલાવી શકાય છે. સુવર્ણપ્રયોગ જાણી લીધા પછી બુદ્ધિવિજય દક્ષિણના શિવમાર્ગી રાજાને જૈનધર્મ તરફ આકર્ષિત કરવા આ પ્રયોગ કરે છે. ગુરુ તપોવિજયજીએ મૃત્યુની છેલ્લી ક્ષણો વખતે એને ચેતવેલો કે ‘પેલો આટવિકપ્રયોગ કદી ન કરતો’. ગુરુની ચેતવણી છતાં દક્ષિણના શિવમાર્ગી રાજાના કાળા પુત્રનો વાન સુવર્ણ જેવો કરવા આ પ્રયોગ કરે છે. પણ એનું દુષ્પપરિણામ આવતાં ગેરસમજને કારણે એનું મૃત્યુ થાય છે. આખી વાર્તામાં લેખકે રસાળ શૈલીમાં ઘટનાનું કુશળતાપૂર્વક નિર્વહણ કર્યું છે. વાર્તાનો અંત સહેતુક છે : ‘અનેક મહત્ત્વાકાંક્ષાઓ, વિજયની યોજનાઓ, તર્કો, લોહી સાથે તેના દેહમાંથી નીકળી, ધૂળમાં ભળી ગયા અને તેનું કશું ચિહ્ન રહ્યું નહીં!’ બુદ્ધિવિજયની મહત્ત્ત્વાકાંક્ષાઓ જેવી કે બધા જ રાજાઓના દરબારમાં પોતાનું ગુરુપદ સ્થાપન કરવું અને જિનશાસનનો પ્રચાર-પ્રસાર છેવટે નિરર્થક બની રહે છે. બુદ્ધિવિજયની આ હાર ગુરુનાં વચનોનો અનાદર કરવા તરફથી છે. જૈન શાસનના ધારક બનવા માટે આચરેલાં અપકૃત્યો એના પતનનું કારણ બને છે. ‘દ્વિરેફની વાતો’ના ત્રણેય ભાગમાંથી પસાર થતાં લાગ્યું છે કે રા. વિ. પાઠક ધૂમકેતુથી વિષયવસ્તુ અને નાવીન્યસભર અભિગમને કારણે જુદા પડે છે. ખાસ તો એમનાં પાત્રોની નોખી રીતરસમ અવિસ્મરણીય છે. માનવજીવનની વિવિધ ચેષ્ટાઓ વિશિષ્ટરૂપે ઊઘડી આવે છે. પ્રાચીનસૃષ્ટિ કે ગ્રામ-નગરજીવનમાં હૂબહૂ ચિત્રણોમાં રહેલી દૃશ્યાત્મકતા ધ્યાનાર્હ બની રહે છે. પ્રત્યેક કૃતિમાં રહેલા વ્યંગ-કટાક્ષ ક્યારેક હાસ્યસ્તરે વિસ્તરીને જીવનનાં સંભવિત સત્યોને પ્રગટાવે છે, ભલે બધી વાર્તા નીવડી આવી ન હોય પણ સો વર્ષ પૂર્વે એક વાર્તાકાર રચાતી-બંધાતી આવતી વાર્તાને કેડીને સરસ રીતે કંડારી આપવામાં જે સામર્થ્ય દાખવે છે તેની મૂલ્યવત્તાને નજરઅંદાજ કરી શકાશે નહીં.

મોહન પરમાર
નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક, સંશોધક, સંપાદક
મો. ૯૬૬૨૯ ૮૬૫૮૫