ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/રોહિત પંડ્યા
સંધ્યા ભટ્ટ
સર્જકપરિચય :
જન્મતારીખ : ૨૬-૫-૧૯૪૧, હાલ અમેરિકામાં વસતા આ લેખકનું વતન પંચમહાલ જિલ્લામાં હાલોલ-કાલોલ છે. તેમણે અમદાવાદની સ્વામીનારાયણ કૉલેજમાં સાતેક વર્ષ અધ્યાપન કર્યું અને પછી અમેરિકા ગયા. ત્યાં તેમણે વધુ અભ્યાસ કરીને વ્યવસાય અર્થે કંપનીમાં કામકાજ કર્યું પણ સમાંતરે ભરપૂર થિએટર પ્રવૃત્તિ કરી. પોતાના ઘરની પાછળના ભાગમાં જ બેકયાર્ડ થિએટર શરૂ કરીને મધુ રાય, આદિલ મન્સૂરી, પ્રીતિ સેનગુપ્તા, પન્ના નાયકની સાથે અને લિટરરી એકેડેમી ઑફ નોર્થ અમેરિકા સાથે ઘણા નાટ્યપ્રયોગો કર્યા. ‘સિક્સટી યાર્ડ થિએટર’ના નામથી પણ પત્ની રક્ષા પંડ્યા સાથે નાટકના પ્રયોગોની શરૂઆત તેમણે કરી જ્યાં ચંદુ શાહ, શોભિત દેસાઈ, મનોજ ખંડેરિયા અને ચિનુ મોદી પણ નાટકો કરતા. વિદેશમાં ભવાઈને પહેલી વખત અને પછી દર વર્ષે રજૂ કરવાનો યશ પણ આ દમ્પતીને જાય છે. રોહિત પંડ્યાના બે વાર્તાસંગ્રહો અને એક એકાંકીસંગ્રહ પ્રકાશિત થયા છે.
વાર્તાકાર રોહિત પંડ્યાનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘વીસની આસપાસ’ ઑગસ્ટ, ૧૯૬૯માં પ્રકાશિત થયો જેમાં તેમની તે પછી આવનારી લઘુનવલનો ઉલ્લેખ પણ છે. તેમના નામે બીજો વાર્તાસંગ્રહ ‘આમ અમસ્તા બેસવું’ પણ બોલે છે, જેમાં મોટા ભાગની વાર્તાઓ પ્રથમ સંગ્રહમાંથી જ સંપાદિત થઈ છે. આ શીર્ષકની વાર્તા પ્રસ્તુત પ્રથમ સંગ્રહમાં વાંચવા મળે છે. રોહિત પંડ્યા એ સમયગાળામાં વાર્તા લખે છે જ્યારે સુરેશ જોષીના વાર્તા અંગેના વિચારોનો પ્રભાવ સાહિત્યજગતમાં પ્રવર્તતો હતો. ટૂંકી વાર્તાને આધુનિકતાનો પાસ લાગ્યો હતો એ સમયમાં રોહિત પંડ્યાને ચિનુ મોદી, શ્રીકાન્ત શાહ, મહેશ દવે અને ચન્દ્રકાન્ત શેઠનું પ્રોત્સાહન મળ્યું છે. વિનોદ ભટ્ટના સહયોગથી તેમનો વાર્તાસંગ્રહ પણ પ્રકાશિત થાય છે. ‘વીસની આસપાસ’ની ચોવીસ વાર્તાઓ દ્વારા રોહિત પંડ્યાની વાર્તાકલાનો પરિચય મેળવીએ. પ્રથમ વાર્તા ‘રેઇનકોટ’ માનવમનની લાક્ષણિકતાની વાર્તા છે. બસમાં પ્રવેશનાર નાયકને નધણિયાતો રેઇનકોટ મળે છે. ગમી જાય એવો સરસ રેઇનકોટ પોતાનો કરી લેવા તે ચાહે છે પણ એવામાં આગળની બાજુએ એક વાર પૂછતાં તેનો માલિક મળે છે. અન્યનો રેઇનકોટ લઈ લેવા કરતું મન ભાર અનુભવતું હતું તે હવે હળવું બની ગયું છે. આ વાર્તા બહુ સહજ રીતે સૂચવે છે કે, માનવમન અસત્ય કે ચોરીના નાનકડા કામથી પણ ઉદ્વેગ પામે છે. આવું કોઈ વ્યવધાન દૂર થતાં તે કુદરતી રીતે હળવું થઈ જાય છે. આંતરચેતનાપ્રવાહની ટેક્નિક આ વાર્તા માટે ઉપકારક છે. ‘બહુરૂપી’માં એક એવી વ્યક્તિની વાત છે જે રુટિન જીવનથી કંટાળે છે. એકનું એક જીવન તેને ગમતું નથી. પત્ની બાબતે પણ તેની આ જ લાગણી છે. પણ તેના જીવનમાં અભિપ્સા નામની સ્ત્રી આવે છે અને વાત બદલાય છે. અભિપ્સાનો સાથ ભરપૂર માણ્યા પછી નાયક તેને પણ થોડા દિવસ માટે ક્યાંક ચાલી જવા કહે છે પણ ‘અભિપ્સા વગરનું ઘર એને હાડપિંજર જેટલું બિહામણું લાગવા માંડ્યું.’ (પૃ. ૧૫) અંતે નાયક પોતાની હાર સ્વીકારે છે અને તે અભિપ્સાને કહે છે, ‘હું તને ઓછામાં ઓછો પંદરેક વર્ષ તો આ રીતે પ્રેમ કરી શકીશ.’ (પૃ. ૧૬) આધુનિક જીવનશૈલીથી પ્રભાવિત પાત્રનું ચિત્રણ અહીં છે. ‘એનું એ જ’ પરંપરાગત રીતે લખાયેલી વાર્તા છે. ગિરજાશંકર દીકરા પ્રણવને સારી રીતે ભણાવવા માટે પોતે કરકસર કરે છે અને કૉલેજમાં જતા દીકરાને બધી સવલત આપે છે. દીકરો વધુ સગવડ મળતાં વૈભવી જીવન જીવવા લાગે છે, મિત્રો સાથે મોજમઝા કરે છે. એટલું જ નહિ, પ્રેમલગ્ન કરીને દીકરો પિતાને માટે બોજ બની જાય છે. વાર્તાની શરૂઆતમાં મોટો દીકરો પ્રણવ મેટ્રિકમાં આવ્યો છે અને વાર્તાને અંતે નાનો દીકરો ચૈતન્ય મેટ્રિકમાં આવ્યો છે. પિતાજી હજી ત્યાંનાં ત્યાં જ છે! ‘ચવાઈ ગયેલું કથાવસ્તુ’ એ વ્યંગવાર્તા છે. ગામમાંથી શહેરમાં આવેલ નાયક રસ્તા પર પડેલા બીમાર અને રિબાઈ રહેલ માણસને જુએ છે. એક સ્ત્રી એની બાજુમાં સુકાઈ ગયેલી ભાખરીના ટુકડા મૂકી જાય છે. બીમારના મુખમાંથી ફીણ નીકળે છે. જે સ્ત્રીએ તેને ભાખરીના ટુકડા આપ્યા હતા તે સ્ત્રી ટુકડા વીણીને લઈ જાય છે. તેને ખ્યાલ આવે છે કે આ ભાખરી તો તેણે ઉંદરને મારવા માટે બનાવી હતી! રસ્તે સબડતો માણસ મરી જાય તો પણ કોણ એની તપાસ કરીને મરવાના કારણ શોધે? આ ચવાયેલી વાત કોઈ છાપું ય છાપે નહીં પણ વાર્તાના અંતે ભિખારીની આસપાસ ભેગા થયેલ ટોળામાંથી એક જણ સરકી જાય છે અને વાર્તા લખવા માંડે છે! ભૂખમરાથી પીડિત વ્યક્તિ કલા માટે વિષયવસ્તુ બને છે! ‘મૂંઝવણ’માં પતિ બહારગામ જવાનો છે અને નાયિકા પોતે કેવી રીતે એકલી રહેશે એ વાતે સતત મૂંઝવણમાં છે અને ઇચ્છે છે કે પતિ પોતાને સાથે આવવા કહે તો કેવું સારું! આંતરચેતનાપ્રવાહની ટેક્નિકથી વાર્તાકાર નાયિકાની અંતરતમ લાગણીઓનું ચિત્રણ કરે છે. અંતે બૂટ પહેરતી વખતે હીંચકાનો સળિયો પકડીને ઊભી રહેલી નાયિકાને નાયક સાથે આવવા કહે છે ને બંને જણ આ ગાડી જવા દઈને પછીની ગાડી પકડવા બહારગામની તૈયારીમાં ગૂંથાઈ જાય છે! સહજ-સરળ વાર્તા વાચનક્ષમ બની છે. જીવનની ભિન્ન ભિન્ન પરિસ્થિતિમાંથી વાર્તાને અનુકૂળ પાત્રો અને પરિવેશ દ્વારા વાર્તા રચવાની વાર્તાકારને ફાવટ છે. ‘ગેટ-અપ’ વાર્તામાં ન્યૂઝએડિટરની પહેલું પેઇજ છાપવાની મથામણ અને એ રીતે પ્રમોશન માટેની ગોઠવણની વાત છે, તો ‘ર નો એક દિવસ’ ર દ્વારા પશ્યંતીની સ્મૃતિનો દિવસ છે; જેને પત્ની તરીકે ઇચ્છતો હતો તેને ન મેળવી શક્યાની ટીસ આખા દિવસની સ્મૃતિમાં છે. ક્યારેક વિલક્ષણ પાત્રો દ્વારા પણ વાર્તા રચાઈ છે. જેમ કે ‘પરા’માં પરા નામની નાયિકાને ઑફિસના સૌની વાત કરવાની ટેવ છે. કથકને લાગે છે કે તે કોઈની ને કોઈની વાત ઉપજાવીને કરે છે. પરાકાષ્ઠા ત્યારે આવે છે જ્યારે તે કથકને કહે છે કે આપણાં બે વિશે સૌ વાત કરે છે! આ પછી કથક તેની સામે લગ્નનો પ્રસ્તાવ મુકવાનું માંડી વાળે છે! રોહિત પંડ્યાની વાર્તાઓ પરંપરા અને આધુનિકતાના બે લોલક વચ્ચે ઝૂલતી હોય એવું લાગે. ક્યારેક તેઓ ‘નણંદ-ભોજાઈ’ કે ‘કંજૂસ’ જેવી વાર્તામાં પરંપરાગત પાત્ર અને વિષયવસ્તુ લઈ વાર્તા લખે છે. તો ક્યારેક તેમની વાર્તામાં આધુનિક સંવેદન પમાય છે! કહેવું જોઈએ કે તેમની આધુનિકતા વાયવી (airy) નથી. તેમાં વાસ્તવિક પાત્રોની સંભવિત પરિસ્થિતિ ખપમાં લેવાઈ છે. જેમ કે, ‘લાયસન્સ’માં ધીરેનને ઑફિસમાં તેની સાથે કામ કરતી ખ્રિસ્તી મેરી ખૂબ ગમે છે પણ મેરી તેને તો જ પરણે જો ધીરેન તેનો ધર્મ સ્વીકારે. લગ્ન વગર બંને જીવનનો આનંદ લે છે ત્યાં જ લોપાનું માગું આવે છે ને તે પણ બિન્ધાસ્ત યુવતી છે. તે અન્યની સાથે સંબંધ ચાલુ રહે તે માટે ધીરેનને પરણવા માગે છે. લગ્નબાહ્ય સંબંધ માટે જ લગ્ન કરવાની વાત અને તેની વાર્તારીતિએ થતી અભિવ્યક્તિ રોચક છે. ‘આમ અમસ્તા બેસવું’ પણ એબ્સર્ડ કહી શકાય એવા વિષયવસ્તુને લઈને લખાયેલી વાર્તા છે. ફક્ત બેસી રહેનાર એક ટોળકીની આ વાર્તામાં સારા ઘરના ભણેલા છોકરાઓ સરકારની, કોઈ છોકરીની એમ કોઈક ને કોઈક વાત કરતા બેસી રહે. આ વાર્તામાં ખાસ કશું બનતું નથી. આપણા પ્રતિષ્ઠિત વિવેચક સુમન શાહ ‘કથાપદ’માં આ વાર્તાસંગ્રહ પર એક આખો લેખ લખે છે જેમાં લખે છે, ‘જીવનની એકવિધતા, ધ્યેયહીનતા, પેઢી દર પેઢી ઊતરી આવતું એકધારાપણું, ખાલીપણું, વગેરે પ્રકારની આધુનિક થીમ ‘ર નો એક દિવસ’, ‘વીસની આસપાસ’, ‘આમ અમસ્તા બેસવું’ – એ રચનાઓમાં મૌલિક રીતે ઊતરી છે. એમાં ‘આમ અમસ્તા બેસવું’ ઉત્તમ અને તારી પાસેથી મને મળેલી એક માત્ર સાચી કૃતિ છે. અર્થવિહીનતા અને રિક્તતા એમાંથી ફોરે છે; અને ખાસ તો એમાંથી પ્રતીત થતો અનાયાસ આકર્ષક છે.’ (પૃ. ૪૫–૪૬) અન્ય વાર્તાઓ વિશે સુમન શાહે આકરી ટિપ્પણી કરી છે. વાર્તાકાર તરીકે રોહિત પંડ્યાનું નામ જાણીતું નથી પરંતુ ગુજરાતી ટૂંકી વાર્તાના તબક્કાઓની વાત કરતાં હોઈએ ત્યારે તેમની વાર્તાઓની નોંધ લેવી જોઈએ. આપણી ભાષાના નાટ્યલેખકો સાથે અમેરિકામાં સક્રિય રીતે નાટક અને ભવાઈના પ્રયોગો કરવામાં તેમના કથારસનો મહદ્ ફાળો છે. (‘વીસની આસપાસ’ (ટૂંકીવાર્તાઓનો સંગ્રહ) લે. રોહિત પંડ્યા, પ્ર. ભીખાભાઈ ઠક્કર, રૂપાલી પ્રકાશન, ૮૦, ગિરધરનગર, અમદાવાદ-૪. પ્ર. આ. ઑગસ્ટ, ૧૯૬૯, મૂલ્ય રૂ. ૫.)
સંધ્યા ભટ્ટ
કવિ, વિવેચક, ચરિત્રકાર, અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક
આટ્ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ,
બારડોલી
મો. ૯૮૨૫૩ ૩૭૭૧૪
Email : Sandhyanbhatt@gmail.com