ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/લીલાવતી કનૈયાલાલ મુનશી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
લીલાવતી કનૈયાલાલ મુનશી (૧૮૯૯-૧૯૭૮)

જયેશ ભોગાયતા

Lilavati Munshi 1.jpg

ઈ. સ. ૧૯૩૨માં એમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘જીવનમાંથી જડેલી’ પ્રકાશિત થયો હતો. આ વાર્તાસંગ્રહની પ્રસ્તાવના લીલાવતીએ પોતે બેલગામની સેન્ટ્રલ જેલમાં હતાં ત્યારે લખી હતી. ‘પૈસા છે?’ અને ‘સ્નેહનું બંધન’ આ વાર્તાઓ સિવાયની વાર્તાઓ મૌલિક છે. આ વાર્તાઓનો રચનાકાળ ઈ. સ. ૧૯૨૫ આસપાસનો છે. પોતાનો લેખનવ્યવસાય રાજકીય વહેળામાં ઘસડાવાને લીધે લગભગ બંધ પડી ગયો છે, એનું એમને દુઃખ છે. દૂર દેશ ગયેલાં વહાલાં બાળકો ઘણે વખતે આવીને મળે એવો આનંદ આ છપાયેલી વાર્તાઓ જોતાં લેખિકાને થાય છે. જાણે કંઈક કીંમતી વસ્તુ જીવનમાંથી જતી રહી હોય – ખોઈ નાખી હોય – એમ આજે તો લાગે છે. પણ રાષ્ટ્ર ઘડાતું હોય ત્યાં આવાં કલ્પનાચિત્રોનો શો હિસાબ? એવું સ્વીકારીને લેખિકા રાષ્ટ્રપ્રેમને એકાગ્રતા આપે છે. લેખિકાનો બીજો સંગ્રહ ‘લીલાવતી મુનશીની વાર્તાઓ, રેખાચિત્રો અને બીજા લેખો’ (પ્ર. આ. ૧૯૨૫) છે. તેમાં પણ લેખિકાની સાત વાર્તાઓ છે. શિક્ષિત સમાજની સ્ત્રીનું હૃદય દર્શાવતી કરુણ વાર્તાઓનો પ્રવાહ એમણે સાતત્યપૂર્વક ચલાવ્યો છે. ‘ઝાંઝવાનાં જળ’ અને ‘અવસાન દિલનાં અને દેહનાં’ આ બે વાર્તાઓ કલાત્મક છે. નારીવાદ સાથે કલા ગૂંથી આ લેખિકાએ કરુણરસપ્રધાન વાર્તાઓ આપી છે. લીલાવતીની વાર્તાઓમાં ખાસ કરીને હૃદયમંથનો છે. આ મંથનોનું પરિણામ કરુણ છે. સ્ત્રી હૃદયના સૂક્ષ્મ ભાવોનું આલેખન એમની વાર્તાઓનું કેન્દ્ર છે. રામચન્દ્ર શુક્લએ નવલિકાસંગ્રહ પુસ્તક બીજું (પ્ર. આ. ૧૯૩૧, બી. આ. ૨૦૧૧)માં લીલાવતીની ત્રણ વાર્તાઓ પસંદ કરી હતી. સંપાદકે લીલાવતીના જીવનનો સુંદર પરિચય આપેલો છે. લીલાવતીની વાર્તાઓમાં સ્ત્રીજીવનનું નિરૂપણ છે. પુરુષપ્રધાન સમાજમાં પુરુષની સત્તાથી દમિત સ્ત્રીની અવદશાનું કરુણ ચિત્ર છે. તો તે સત્તાને વશ ન થનારી સ્ત્રીની આત્મશક્તિનું નિરૂપણ કરતી વાર્તાઓ છે. લીલાવતીની મહત્ત્વની વાર્તાઓ વિશે અહીં નોંધ કરી છે. તેમાં પણ ખાસ સ્ત્રીજીવનકેન્દ્રી વાર્તાઓની પસંદગી કરી છે. ‘પૈસા છે?’ વાર્તા અંગ્રેજી વાર્તાને આધારે લખી છે. પ્રસંગપ્રધાનતા અને અકસ્માતોને કારણે વાર્તા પ્રભાવક બની નથી. પ્રેમમાં પૈસાનું મહત્ત્વ હોવાથી સાચો પ્રેમ પ્રાસ થતો નથી. સ્ત્રીજીવનના અધઃપતનની કરુણકથા રજૂ કરતી વાર્તા ‘જીવનમાળાની ડાયરીમાંથી કેટલાક ઉતારા’ છે. લેખિકાએ વાર્તાલેખનમાં ડાયરીલેખન અને પત્રલેખનનો સુંદર વિનિયોગ કર્યો છે. તેને કારણે વાર્તાના પાત્રનું આત્મવૃત્તાંત કે આત્મકથન વધુ અસરકારક બન્યું છે.

Jivan-manthi Jadeli.png

વનમાળાના જીવનમાં અનેક આઘાતજનક ઘટનાઓ બની છે. માનું મરણ, નવી મા, પોતાનું વિધવા થવું, જેઠનો ત્રાસ અને અંતે નાટકકંપનીમાં જોડાવું. નાટકકંપનીનું વાતાવરણ દુઃખદ છે. ફાવતું નથી. ગૂંગળામણ થાય છે. બધાં ઉપેક્ષા કરે છે, મશ્કરી કરે છે. નરક જેવું વાતાવરણ છે. વનમાળાને અભિનયમાં સફળતા મળે છે. એના સંઘર્ષનું સારું પરિણામ આવ્યું. વિજય પ્રાપ્ત થયો. તેના આનંદમાં શરાબ પીધો. જાણે કે એનું નૈતિક અધઃપતન થયું. વનમાળાને એ પોકળ અને બનાવટી જિંદગીનું ભાન છે, પણ તેમાંથી છૂટવું શક્ય નથી. વનમાળા એક કેદીનું જીવન જીવે છે. ‘જશોદાનો જીવનવિકાસ’ લીલાવતીની લાંબી ટૂંકી વાર્તા છે. એ પ્રસંગપ્રધાન વાર્તા છે. વાર્તાનો આરંભ એક સુંદર વર્ણનથી થાય છે : ‘શુક્લતીર્થ આગળ નર્મદા નદીની રેતીમાં એક અગિયારેક વર્ષની છોકરી બેડું ચળકતું કરીને માંજતી હતી. સવારના નવેક વાગતાંનો તાપ સખત થવા માંડ્યો હતો. ને ચળકતી ગાગર ને નદીનાં પાણીને ઝળકાવતો હતો. છોકરી બેડું માંજી નદી આગળ આવી પાણીમાં પગ મૂકી વાંકી વળી.’ છોકરીના દેહનું વર્ણન એની મોહકતા સૂચવે છે. હોડીમાંથી બે સ્ત્રી, ત્રણ પુરુષો ઊતર્યા. ધર્મશાળા વિશે પૂછપરછ કરી પુરુષે છોકરીને પૈસા આપવાનો પ્રયત્ન કર્યો, પણ છોકરીએ તે લીધા નહીં. છોકરીનું નામ જશોદા. માતાપિતાના મૃત્યુ પછી ભાઈભાભી સાથે રહેતી હતી. એનો ભાઈ રામલાલ શુક્લતીર્થની નાની નિશાળનો મહેતા.’ સ્વભાવે ક્રોધી. નિઃસંતાન. મહેમાનોમાં સ્ત્રી ખૂબ અભિમાની હતી. ભગવતપ્રસાદ, સુરેશ અને ચિનુ – ત્રણ મિત્રો. પૈસાપાત્ર. મુંબઈના ભગવતપ્રસાદની પત્ની મરણ પામી હતી. મુંબઈથી આવેલાં ફેશનેબલ મહેમાનો જશોદાના ભાઈ-ભાભીને હલકાં ગણતાં. જશોદાના મનમાં એક બીજ રોપાયું : એ લોકો જેવાં ફેશનેબલ બનવાનું! મહેમાનોએ ભોજન લીધા પછી દસ રૂપિયા આપવાની ચેષ્ટા કરી. જશોદાની આંખો ગુસ્સાથી ચમકી ને એ બોલી : ‘બહેન! અમે વીશી માંડી નથી.’ જશોદાએ પોતાના વિકાસ તરફ ધ્યાન આપવા માંડ્યું! કપડાં, વાળમાં પરિવર્તન કર્યું. ભાભીએ હેતથી પોતાની મૂડી વાપરીને જશોદાને નવાં કપડાં સિવડાવી દીધાં. ભાઈ નવાં કપડાં જોઈ ગુસ્સે થયો અને બંનેને ધમકાવી નાખ્યાં. શેઠનો ગુમાસ્તો વિધુર ભગવતપ્રસાદ માટે જશોદાનું માગુ લઈને આવેલો. મુંબઈ શહેરનાં લોકો સુધરેલાં અને જશોદાનાં સગાં ગામડિયાં. પરંતુ જશોદાના મનમાં મુંબઈની મોહક સૃષ્ટિનું આવરણ છવાતું ગયું. જશોદાની સાસુ અલંકારોથી ભરેલી હતી. જશોદાએ ભાભી અને સાસુ વચ્ચેનો ભેદ પારખી લીધો. ભાભીના હેતને મુંબઈની શેઠાણી સાસુ સમજી ન શકી. જશોદાનું લગ્ન થયું. જીવનમાં વળાંક આવ્યો. ઉજ્જ્વળ આશાઓથી નવવધૂનું અંતર ભરપૂર હતું. મુંબઈ એટલે અલકાપુરી. ત્યાંના માનવીઓ તે દેવો અને અપ્સરાઓ. જશોદાને ઘર છોડતાં શોક ન થયો તો પણ ભાઈ-ભાભી અને ગામ મૂકતાં આંખમાં પાણી આવ્યાં. લેખિકાએ સંવેદનશીલ ભાષા વડે જશોદાના જીવનના વળાંકને વર્ણવ્યો છે. જશોદા હવે મુંબઈ આવી. જશોદાનું નામ બદલીને રાખ્યું યશોધરાકુંવર. જશોદાને શરૂઆતમાં તો જંગલમાં ભૂલા પડેલા જેવી દશા લાગી. નવાં કપડાં, અલંકારો. પોતાની ભાભી જેવું કોઈ પ્રેમાળ ન હતું. સાસુ એને ઠંડે કલેજે બોલાવતા. પતિની નજરમાં પ્રેમ નહીં, રમૂજ રહેતી. એ ખૂબ ગૂંગળાતી. બે વર્ષ વીતી ગયાં જશોદાએ સમાયોજન સાધ્યું. સાસુ પ્રસન્ન રહેતાં, જોકે એમાં મહેરબાનીનો ભાવ વધારે રહેતો. બે વર્ષ બાદ સાસુ સસરાનું મરણ થયું. યશોધરાએ કુટુંબની પરંપરા જાળવી. રીતભાત બદલાયાં. સંગીત શીખી. અંગ્રેજી અને સંસ્કૃતનું જ્ઞાન મેળવ્યું. પતિને અનુકૂળ બનવાના પાઠ શીખતી ગઈ. મુનીમની વહુએ યશોધરાને એની પસંદગી પાછળનું રહસ્ય કહ્યું. આ જાણીને યશોધરાને આઘાત લાગ્યો. કારણ એ હતું કે, શ્રીમતી નામની સ્ત્રીનું ભગવતપ્રસાદને ઘેલું હતું. યશોધરાએ પતિને જીતવા માટે લેડી શ્રીમતી બનવાનો નિર્ણય કર્યો. વાર્તાનું શીર્ષક આ દૃષ્ટિએ ખૂબ સૂચક છે. આ ખરેખર જશોદાનો જીવનવિકાસ છે ખરો? કે અવનતિ? એનું આધુનિક યુવતીમાં રૂપાંતર થવા લાગ્યું. એ જીમખાનાની મેમ્બર બની. પતિ તો એને શ્રીમતીની ફૂટપટ્ટીએ જ વાંચતો, જોતો. યશોધરા માત્ર શ્રીમતીના દર્પદલન માટે આણેલા સુંદર સાધન સિવાય કંઈ વધારે ન હતી. એણે નકલી શ્રીમતીની ગાળ સાંખી લેવાની હતી. અપમાનના ઘૂંટડા ગળતી. યશોધરાએ વિદ્રોહની શરૂઆત કરી. પોતાની પસંદગી પ્રમાણે જીવવાનો નિર્ણય કર્યો. પોતાનું વ્યક્તિત્વ મેળવવા માટેની સભાનતા આવતી ગઈ. એણે પહેરવેશમાં પણ પરિવર્તન કરવા માંડ્યું. શ્રીમતી નામની સ્ત્રીનો આડંબર યશોધરાને અકળાવે છે. એણે શ્રીમતી આયોજિત ટી પાર્ટીમાં જવાની ના પાડી. છતાં જવું પડ્યું. શ્રીમતીના બંગલે વૈભવ છલકાતો હતો. સુંદર દીવાનખાનું હતું. મહેમાનોએ ખાસ નોંધ ના લીધી. હવે યશોધરાએ શ્રીમતીને ચા માટે નિમંત્રણ આપ્યું. યશોધરાએ સાદગી બતાવી. એ સ્વસ્થ હતી. શ્રીમતીની કૃત્રિમતા છતી થઈ ગઈ. આ ગાળામાં ભાભી વતનથી મળવા આવે છે. આ વાત જાણી પતિ ગુસ્સે થયો. આ ક્ષણે યશોધરાને પોતાની અનાથતાનું ભાન થયું. લેખિકાની પ્રસંગપ્રધાન વાર્તાકથનશૈલીને કારણે વિષયસામગ્રીની અસર મંદ પડતી જાય છે. નિરૂપણમાં તાલમેલ દેખાય છે તેથી વાર્તા યાંત્રિક બની જાય છે. ભાભીનું વર્તન તદ્દન ગ્રામ્ય હતું. ભાભી પાસે આશ્વાસન શોધવાની ભાવના મરી પરવારી. ભાભીને સ્પષ્ટ કહી દીધું કે તારે મને જશોદા કહેવાનું. યશોધરાબહેન કહેનારાં ઘણાં છે. ભાભી વતન પાછા જવાનો નિર્ણય કરે છે. જશોદા બધાં માટે ભેટ મોકલવાનું વિચારે છે. પોતાને સંતાન ન હોવાનો રંજ છે. ભાભી ગઈ. પતિએ જશોદા પર રોષ ઠાલવ્યો. પતિના ક્રૂરતાભર્યા શબ્દોથી એ અંદરથી ઘવાઈ. ભાભી સાથે જ ટ્રેનમાં બેસી ગઈ. અહીં એ શેષ જીવન માટે ભાભીમાં આધાર અને આશ્ચાસન મેળવી લે છે. આ બાજુ શ્રીમતીની પાર્ટીમાં ભગવતપ્રસાદનું ઘોર અપમાન થાય છે. એ સંતુલન ગુમાવે છે. પાગલ જેવું વર્તન કરી બેસે છે. એને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવે છે. આ ક્ષણે ભગવતપ્રસાદને જશોદાની યાદ આવે છે. એ પણ શુક્લતીર્થ જવાની ગાડી પકડે છે. જશોદાના પ્રેમથી એના પતિનું માનસપરિવર્તન થાય છે. આ રીતે લેખિકાએ સ્ત્રીશક્તિની પ્રતિષ્ઠા કરી. ‘બુદ્ધિશાળીઓનો અખાડો’ આ વાર્તામાં નિરંજના નામનું સ્ત્રીપાત્ર વાર્તાનું કેન્દ્ર છે. વાર્તાનો આરંભ પાત્રની ચરિત્રગત લાક્ષણિકતા સૂચવે છે : ‘નિરંજના સુરત શહેરની એક નવાઈ હતી.’ એ સ્ત્રી હતી, આકર્ષક હતી, યુવાન હતી, પૈસાદાર હતી, વિધવા હતી અને સ્વતંત્રતાથી જીવતી હતી. એ પુરુષોમાં વધારે ભળતી. બુદ્ધિમાન પુરુષોનું પાણી માપવાનો એને શોખ હતો. સ્ત્રીઓની પુનિત પ્રણાલિકાથી જુદી જ રીતે ચાલવાનો નિશ્ચય. નિરંજનાનું ઘર જાતજાતના બુદ્ધિજીવી મનુષ્ય પ્રાણીઓને મળવાના સંગ્રહસ્થાનરૂપ હતું. નિરંજના વૈભવમાં રાચતી હતી. નિરંજનાનો આજે જન્મદિવસ હતો. એ એકવીસ વર્ષની થઈ. નિરંજનાને વાર્તાકાર પુરુષો માટે ઉપેક્ષાભાવ હતો. બધાં ભેગાં મળતાં ત્યારે કવિતા, રાજકારણ, કૉંગ્રેસપક્ષ વગેરે વિષયોની ચર્ચા થતી. નિરંજનાને ત્યાં એકઠા થયેલા પુરુષોની ચેષ્ટાઓ એમની નિશ્ચિત ઊંચાઈ બતાવે છે. બધા ભેગા મળીને નિરંજનાની પ્રશંસા કરતા હતા. બધા અંગ્રેજીમાં બોલતા. આજે નિરંજના માટે બધા ભેટ લઈને આવ્યા હતા. કૈલાસનાથે ભેટને બદલે ફંડ માટે દસ હજાર રૂપિયા માગ્યા. નિરંજનાની આસપાસ કુંડાળું વળી ગયેલા પુરુષો ખુશામતખોર અને વામણા લાગે છે. આ સભામાં વિલાયતથી આવેલો પદ્મ સ્ત્રી વિશેના નવા વિચારો બધાને જણાવે છે. ‘New woman’ના યુગનો આરંભ, નવી સ્ત્રી, નવી ઓળખ વિશેના ખ્યાલો વર્ણવે છે. પરદેશમાં પુરુષો સ્ત્રીઓને મિત્ર તરીકે માન આપે છે, જ્યારે ભારતના પુરુષો સ્ત્રીને સુંદર પૂતળા તરીકે પૂજે છે. ત્યાં સ્ત્રીઓ પુરુષોના સંરક્ષણ પર જીવતી નથી. સ્ત્રી પ્રત્યેનું માન મહેરબાનીનું નથી કે પુરુષોની સ્વામીવૃત્તિથી એ પ્રેરાયેલું નથી. નિરંજના પદ્મને પોતાને ત્યાં આવતા દરેક પુરુષની પ્રતિભા વિશે કહે છે. નિરંજનાએ પદ્મ સાથે પુનર્લગ્ન કરવાનો નિર્ણય કર્યો. બૌદ્ધિકોએ નિર્જનાતા પુનર્લગ્નનો વિરોધ કર્યો. આ ક્ષણે બૌદ્ધિકોનું છીછરાપણું, દંભ, છલના પ્રગટ થાય છે. નિરંજનાએ આર્યસંસ્કૃતિને નામે સંકુચિતતા આચરનારા પુરુષોની કૂપમંડૂકતા પર પ્રહાર કર્યા ને વિધવા નિરંજનાએ પદ્મ સાથે લગ્ન કર્યા! લેખિકાએ સ્ત્રીની નવી ઓળખ ‘New woman’ની આપી. જે પુરુષોના શાસનથી મુક્ત છે. જે પોતાની જિંદગીના નિર્ણયો જાતે લેવાની સ્વતંત્રતા મેળવે છે. કહેવાતા બૌદ્ધિકોની માનસિકતા ખુલ્લી કરે છે. સ્ત્રીનું આત્મસન્માન પુરુષે કેવી રીતે કરવું જોઈએ એ પ્રશ્નનો ઉત્તર આ વાર્તા આપે છે. ‘ઘડપણની લાકડી’ : સ્ત્રીપાત્ર પ્રમદા આ વાર્તાનું કેન્દ્ર છે. પ્રમદાનું લગ્ન પચાસ વર્ષની ઉંમરના સજ્જન લીલાધર સાથે થયું. લીલાધર બીજવર હતો અને પ્રમદાની ઉંમર પંદર વર્ષની હતી. એક વાત ખાસ નોંધવા જેવી છે કે લીલાવતીની વાર્તાઓનાં પાત્રો મોટે ભાગે ધનિકો છે, માલિકો છે, મિલકતવાળા શ્રીમંતો છે. બીજવર લીલાધર એક કલારસિક શ્રીમંત સંસ્કારી પુરુષ હતા. લીલાવતીએ એક વાત દર્શાવી છે કે એમના સમયના મા-બાપ દીકરીને બીજવર સાથે પરણાવવા ઇચ્છતા હતા કારણ કે બીજવર લાડ લડાવે, ખોબલે ખોબલે નાણાં આપે, વર મરી જાય તો દીકરીની પાછળ સંપત્તિ મૂકતો જાય. દીકરીની સલામત જિંદગી માટે બીજવર સાથેનું લગ્ન એક મોટું સમાધાન હતું. મા-બાપની આ ગણતરી મુજબ બધું પાર ઊતરતું નથી અને દીકરી અનાથ બની જાય છે. આવી વિચારસરણી ધરાવતા મા-બાપને ચેતવવા માટે લેખિકાએ આ વાર્તા લખી છે. લીલાધરે લગ્ન પછી પ્રમદાને હાર આપ્યો એટલે એ રીઝી ગઈ. લીલાધર-પ્રમદાનું સંસારજીવન શરૂ થયું. શેઠે એને ઢીંગલીની માફક ફેરવી, નાટક સિનેમા દેખાડ્યાં. શેઠના દીકરાઓ મોટા હતા. પરણેલા હતા. પુત્રવધૂઓ વચ્ચે બળજબરીથી વૃદ્ધત્વ કેળવવું અસહ્ય હતું. તેથી પ્રમદા એમની વચ્ચે ઉપેક્ષિત થવા લાગી. એ માનસિક તાણ અનુભવે છે. પણ દુનિયાની નજરમાં એ સુખી દેખાતી. ફરવા માટે ગાડી-ઘોડો, વસ્ત્રો, અલંકાર, સુંદર ઘર; આ બધી વસ્તુઓથી પ્રમદા પોતાને સુખી માને છે, જે એક ભ્રમણા છે. આ દરમ્યાન પ્રમદા હવાફેર માટે પુના ગઈ. એની સારવાર માટે રાખેલી સ્ત્રી કર્વેના સહવાસથી પ્રમદામાં આંતરિક પરિવર્તન આવ્યું. એણે અભ્યાસ શરૂ કર્યો અને સંગીત શીખવાની શરૂઆત કરી. એણે જીવનમાં શીતળતાનો અનુભવ કર્યો. આ પરિવર્તનથી પ્રમદાના આત્માનો વિકાસ થયો! હિંદુ સમાજની સ્ત્રીઓની પરવશતાનું કારણ આર્થિક ગુલામી છે. કમાતાં આવડતું નથી. પગભર બની શકે એવા આધાર મળે નહીં. તેથી લગ્ન કર્યા સિવાય સ્ત્રીઓ માટે બીજો કોઈ વિકલ્પ નહોતો. લગ્ન સલામતી માટેનું બીજું નામ છે! પ્રમદાએ જુદા રહેવાનો નિર્ણય કર્યો. પણ એ સરળ નથી બનતું. કારણ કે એક બાજુ આત્મવિકાસની મનીષા ને બીજી બાજુ કુટુમ્બ છે. તેથી પતિ સાથે કકળાટ કંકાસ થયા કરે છે. આ ગાળામાં પતિ માંદા પડ્યા. પતિની માંદગી સ્ત્રીને પરવશ બનાવે છે. પ્રમદાની બંડ કરવાની વૃત્તિ નરમ પડવા લાગી. એ અકાળે વૃદ્ધા બની ગઈ. પતિ મરણપથારીએ છે. વિવશ પ્રમદા પોતાની માતાને કડવાં વેણ કહે છે : ‘મારું નસીબ? તમારાં જેવાં ફોડનાર ન બેઠાં હોત તો મારું નસીબ ઘણું સારું હતું. તમારે આ દલ્લાવાળો જોઈતો હતો તે સૂંઘ્યા કરો હવે એ દલ્લાને. મારો અવતાર બાળનારને કીડા પડજો. પ્રમદાની અભિશાપ ઉચ્ચારતી વાણી એની વ્યથાની પરાકાષ્ઠાને વર્ણવે છે. મા-બાપ જ દીકરીનું જીવન કુંઠિત કરી નાખે છે. લેખિકાએ કટાક્ષ કરતાં પ્રમદાની દયનીય સ્થિતિને સૂચવી છે : ‘હૃદય બાળતી સ્ત્રીનું મન શાન્ત રાખવા મંદિરના મહારાજો હતા!’ પ્રમદા મુક્તિ ઝંખતી હતી, કારાવાસથી. પતિનું મરણ થયું. પુત્રનું મરણ થયું. પતિનું વીલ વાંચવાનું હતું એ વાર્તાની ચોટની ક્ષણ છે. વીલ સાંભળવા માટે બધાં ભેગાં થયાં હતાં. વીલમાં પ્રમદાને કોઈ નિરાધાર સ્ત્રી ગણીને અનાથની જેમ આશ્રય આપેલો. માસિક દસ રૂપિયા. જુદી રહે તો વીસ. બે હજાર રોકડા અને દર પાંચ વર્ષે યાત્રાખર્ચ. આ સાંભળીને પ્રમદા બેભાન બની ગઈ! મા-બાપની દીકરીને સુખી કરવાની રીત કે રસ્તાઓ કેટલા જોખમી અને અનિશ્ચિતતાઓથી ભરેલા છે તેનું વાસ્તવિક સત્ય વાર્તાકારે રજૂ કર્યું છે. વાર્તાના શીર્ષકમાં વિડંબનાનો સૂર છે! સ્ત્રીને ઘડપણની લાકડી ગણીને મોટી ઉંમરે ફરી પરણનારા પુરુષો, એની પાસે તમામ સેવાચાકરી કરાવીને પણ એને તો ઘડપણમાં નિરાધારતા જ આપે છે! ‘લગને લગને કુંવારા લાલ’ : લેખિકાએ આ વાર્તાનો આરંભ લગનપ્રસંગથી કર્યો છે. વાર્તાકારે શેરી, સ્ત્રીઓ અને ત્રિકમનું વર્ણન કર્યું છે. ત્રિકમ કેવો હતો? એના ગાલમાં તવેથા પડ્યા હતા. એના આજે પાંચમી વારના લગ્ન હતા. ચોથી પત્ની સુવાવડમાં મરી ગયેલી. ત્રિકમના મગજમાં ભૂતકાળના ચિત્રોનું સામ્રાજ્ય પ્રવર્તતું હતું. ભૂતકાળ પર એ એકસામટી દૃષ્ટિ ફેરવે છે. લેખિકાએ પીઠઝબકારની પ્રયુક્તિથી ત્રિકમના પૂર્વજીવનનો વૃત્તાંત રજૂ કર્યો છે. આજથી વીસ બાવીસ વર્ષ પહેલાં આજના જેવો જ પ્રસંગ હતો. ત્રિકમ બાર વર્ષનો બાળક હતો. ત્રીજી ચોપડીમાં ભણતો. શરીર નબળું. એ પતિની પદવી પ્રાપ્ત કરવાનો છે એ જાણી સૌ એને માન આપતા. અર્ધો ઊંઘમાં અને અર્ધો જાગ્રતિમાં એ બાર વર્ષની વહુને પરણી લાવ્યો. પત્નીનું નામ વીજળી. વીજળી યુવાન થઈ. લોકો મશ્કરી કરે, કજોડા કંથનું જોડું! સંસારજ્ઞાનનો પ્રથમ પદાર્થપાઠ એ ભણાવવા લાગી. વીજળીનો અસંતોષ વધતો ગયો. આખો સમાજ વીજળીને દબાવતો હતો. એ નફટ થઈ ગઈ. ઘરના માણસો શેરીના યુવાનો બધા વીજળી પર શાબ્દિક આક્રમણ કરતા. પતિ પાટલો, થાળી, વાડકો, પથરો જે કાંઈ હાથમાં આવે તેનો ઉપયોગ કરતો. એક દિવસ એની માતાની તબિયત બગડતાં એને પિયરથી આવતાં રાત્રે મોડું થઈ ગયું. પતિએ સોટીથી અને સાસુએ ગાળોથી મારી. એ નિર્દોષે વાંકગુના વિના કૂવામાં પડીને આપઘાત કર્યો. લેખિકાએ સમાજની માનસિક જડતા, કૂરતા વર્ણવી છે. પાશવી કૃત્યનો ભોગ સ્ત્રી બને છે. વીજળીના મરણના પાંચ દસ દિવસ પછી ત્રિકમનું કાન્તા સાથે લગ્ન થયું. યુવાનીના આવેશમાં ત્રિકમ સ્વચ્છંદી બન્યો. એના શરીરમાં સડો પેસી ગયો. ત્રિકમ સાથે કાન્તાનું લગ્ન લાચારીથી થયું હતું. એ ગર્ભવતી બની. અંધ બાળકીને જન્મ આપીને કાન્તા મરણ પામી. ત્રિકમનું ત્રીજું લગ્ન હીરાવહુ સાથે થયું. હીરાએ ત્રિકમને સાચવી લીધો. સેવા કરી. પુત્રી અને પછી પુત્રનો જન્મ થયો. સંસાર સુખેથી ચાલતો હતો ત્યાં વીજળીનું ભૂત હીરાને અડી ગયું. ક્ષય થયો. એ પથારીવશ બની. માંદવાડને અંતે મરણ પામી. ત્રિકમનું શરીર લથડ્યું. દમ-ઉધરસનો વ્યાધિ લાગુ પડ્યો. છતાં દસ વર્ષની કન્યા કમુ સાથે ચોથું લગ્ન કર્યું. કન્યા એનાથી ડરતી રહેતી. કમુ પર પણ ત્રાસ ગુજાર્યો. એને મરેલું બાળક અવતર્યું અને પોતે પણ મરી ગઈ. જીવનમાં સતત દુઃસ્વપ્નોનો અનુભવ કરતો ત્રિકમ વ્યથિત હતો. પાંચમી વારના લગ્ન! લગ્નનું વાતાવરણ જુગુપ્સાપ્રેરક હતું. વાર્તાને અંતે લેખિકાએ વારંવાર પરણવા માટે પુરુષને મંજૂરી આપતા ક્રૂર સમાજ પર તારસ્વરે કટાક્ષ કર્યો છે. વાર્તાકાર વાચકને સંબોધન કરે છે. તેમાં વાચકને જાગ્રત કરવાનો હેતુ પણ છે. ‘વાંચનાર! એ રાત્રે ત્રિકમ પાંચમી વાર પરણ્યો એમાં તો કોઈ શંકા છે જ નહીં. સૌની સાથે આપણે પણ એને આશીર્વાદ આપીએ કે બિચારાનું હેવાતન – જોકે આ શબ્દ સ્ત્રીને માટે વપરાય છે, પણ આ જમાનામાં આપણે પુરુષને માટે વાપરવા જેટલી છૂટ લઈ શકીએ. અખંડ રહો અને ફરી ફરીને પરણવાની પીડામાંથી પ્રભુ એને બચાવો!’ લીલાવતીએ લગને લગને કુંવારા રહેનારા પુરુષની પત્નીભક્ષક વૃત્તિ પર પ્રહાર કર્યા છે. લીલાવતીએ ‘સત્તાકાંક્ષા’, ‘નિર્જનતા’, ‘ત્રણ ચિત્રો’, ‘સ્નેહનું બંધન’ અને ‘એક નિર્ભાગી સ્ત્રી’ જેવી વાર્તાઓમાં સમાજના અન્યાયનો ભોગ બનતી સ્ત્રીઓની વ્યથા વર્ણવી છે. તેમાંથી ‘એક નિર્ભાગી સ્ત્રી’ વાર્તાની નોંધ કરુંં છું. મહારાષ્ટ્રના દક્ષિણ વિસ્તારમાં આવેલા સતારા ગામમાં દેવદાસી બની નરકનું જીવન જીવતી સ્ત્રીની કરુણ જિંદગીનું ચિત્ર રજૂ કર્યું છે. મંદિરમાં દેવ સાથે કન્યાને પરણાવી દેતા મા-બાપ દીકરીને નરકમાં નાખી દે છે. એ કન્યા પછી દેવદાસી બનીને શેઠની રખાત બનીને જીવન જીવે છે. લીલાવતીની વાર્તા એવી જ એક તાની નામની દેવદાસીના દુર્ભાગી જીવનની કથા છે. દક્ષિણમાં સતારા ગામ. ખંડોબાનું મંદિર. દેવને પ્રસન્ન રાખવા દેવદાસીઓના રૂપમાં દાપું આપતા. ખંડોબાના મંદિરની બહાર સંખ્યાબંધ ખોલીઓ આવી દેવદાસીઓને માટે બાંધેલી હતી. આ દેવદાસીઓ દેવને પરણતી, મંદિરનું કામ કરતી, મંદિરની જમીનમાં ખેતી કરતી, મંદિરનાં ઢોર સાચવતી અને દહાડે ભીખ માગતી. રાત્રે કોઈ શેઠિયાની રખાત બની એની લાલસા તૃપ્ત કરતી અને બદલામાં થોડાઘણા પૈસા મેળવતી. આથી મંદિરને મફત ગુલામો મળતાં અને ગામને વિષયલાલસા ફેંદવાનો મફતનો ઉકરડો મળતો. દેવની પ્રતિષ્ઠા વધતી અને ગામ ચોખ્ખું નિર્મળ દેખાતું. આથી વધારે ફાયદો ગામલોકોને શો હોય? તાનીને પણ છ વર્ષની કુમળી ઉંમરે એના મા-બાપે દેવને અર્પણ કરી. લીલાવતીએ આ વાર્તામાં સ્ત્રીજીવનની દારૂણ દશા વર્ણવી છે. આ ધર્મભાવના કેટલી રોગગ્રસ્ત છે, તે સત્ય અહીં રજૂ થયું છે. આપણી સામાજિક અને ધાર્મિક વ્યવસ્થાઓના મૂળમાં કેટલો અન્યાય છે તેનું કડવું સત્ય લેખિકાએ નિરૂપ્યું છે. સ્ત્રીજીવનની વ્યથાઓને નિરૂપતી એમની વાર્તાઓ ગુજરાતી ટૂંકીવાર્તાવિવેચનમાં કાયમ હાંસિયામાં જ રહી છે. નારી જીવનની પ્રતિષ્ઠા ઝંખતી એમની સંવેદનશીલતામાંથી આવિર્ભાવ પામતાં સ્ત્રીપાત્રો આપણા સમાજનાં ચિત્રો બન્યાં છે.

જયેશ ભોગાયતા
નિવૃત્ત પ્રોફેસર, અધ્યક્ષ
ગુજરાતી વિભાગ
એમ. એસ. યુનિવર્સિટી ઑવ બરોડા, વડોદરા
કવિ, વાર્તાકાર, વિવેચક, સંશોધક, સંપાદક
વડોદરા
મો. ૯૮૨૪૦ ૫૩૫૭૨
Email : tathapi2005@yahoo.com