ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/હેમાંગિની રાનડે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
વાર્તાકાર હેમાંગિની રાનડે

આશકા પંડ્યા

Hemangi Ranade.jpg

સર્જક પરિચય:

૧૫ જુલાઈ, ૧૯૩૨ના રોજ ગુજરાતના ભાવનગર પાસેના તળાજામાં સંસ્કારી મુસ્લિમ ખોજા કુટુંબમાં હેમાંગિની રાનડેનો જન્મ થયો હતો. હિન્દી અને ગુજરાતી ભાષાના નવલકથાકાર અને વાર્તાકાર હેમાંગિની રાનડેનું મૂળ નામ હમીદા ઈબ્રાહિમ. તેમનો ઉછેર અને પ્રારંભિક ભણતર મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં અંગ્રેજી માધ્યમની શાળામાં થયું. ત્યારબાદનું શિક્ષણ મુંબઈમાં થયું. લેખિકા પોતે ગુજરાતી ભાષાના ભણતર વિશે વાત કરતાં લખે છે, ‘જ્યારે મુંબઈ આવ્યા, મારી માએ મને ગુજરાતી શીખવવા માટે મુંબઈની પારસી-ગુજરાતી નિશાળમાં છેક બાળપોથીના વર્ગમાં દાખલ કરાવી. ત્યાં સાતમા ધોરણ સુધી ગુજરાતીમાં ત્યારબાદ ઈંગ્લિશમાં શિક્ષણ લીધું.’ ઉજ્જૈનની વિક્રમ યુનિવર્સિટીમાંથી તેમણે સ્નાતક સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. બી.એ. પૂર્ણ કર્યા બાદ એમ.એ.નું ભણતર શરૂ કર્યું પરંતુ માતાની ગંભીર માંદગીના કારણે પરીક્ષા ન આપી શક્યાં. માના અવસાન બાદ ઑલ ઈન્ડિયા રેડિયો (AIR) ઈન્દોર સ્ટેશનના નાટ્ય વિભાગમાં (હિન્દી વિભાગ) કામ કરવાનું શરૂ કર્યું. પિતાના અવસાન બાદ મુંબઈ આવ્યા અને ઑલ ઈન્ડિયા રેડિયો (AIR) મુંબઈ સ્ટેશનમાં પ્રોગ્રામ રાઈટર, પ્રોગ્રામ ડાયરેક્ટર અને ઉદઘોષક તરીકેની કામગીરી નિભાવી. એટલું જ નહીં, લાંબા સમય સુધી મુંબઈ ઑલ ઈન્ડિયા રેડિયો (AIR) પરના લોકપ્રિય કાર્યક્રમ ‘નારી જગત’ના પ્રોડ્યુસર-ડાયરેક્ટર તરીકેની કામગીરી પણ સફળતાપૂર્વક અદા કરી. તેમણે પોતાનાં સ-રસ વોઈસ-ઓવરથી કેટલાંય હિન્દી રેડિયો નાટકો અને સીરીયલને જીવંત કરી દીધાં. તેમણે પોતાનાં પ્રભાવક અવાજમાં મુંબઈની જાણીતી સામાજિક સેવાભાવી સંસ્થા ‘નેશનલ એસોસિયેશન ફોર બ્લાઇન્ડ’ માટે અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષામાં ઘણાં પુસ્તકોનું એક પણ રૂપિયો લીધાં વિના રેકોર્ડિંગ કરી આપ્યું. ઈ.સ.૧૯૬૭માં તેમનાં લગ્ન પ્રખ્યાત સંગીતજ્ઞ ડૉ. અશોક રાનડે સાથે થયાં અને ત્યારબાદ હમીદા ઈબ્રાહિમમાંથી હેમાંગિની રાનડે બન્યાં. તેઓ હંમેશા ડૉ. અશોક રાનડેના સંગીતના પ્રોજેકટસમાં સક્રિયપણે જોડાતાં રહ્યાં છે. એટલું જ નહીં, ડૉ. અશોક રાનડેના થીમ આધારિત પ્રોગ્રામ ‘સાવન’ના ઓડિયો રેકોર્ડિંગ માટે તેમણે વોઈસ ઓવર પણ આપ્યો છે. ડૉ.રાનડેની કેટલીક રચનાઓ માટે ગીત પણ લખવાનું કામ કર્યું છે. ડૉ. રાનડેના પુસ્તકનો હિન્દી ભાષામાં ‘હિન્દુસ્તાની સંગીત’ નામથી અનુવાદ કર્યો છે, તેનું પ્રકાશન નેશનલ બુક ટ્રસ્ટે કર્યું છે. ડૉ. રાનડેના અવસાન બાદ તેમના અપ્રકાશિત લેખનને પ્રકાશિત કરવામાં અને‘ડૉ. અશોક ડી.રાનડે આર્કાઈવ્સ ફોર પરફોર્મિંગ આર્ટ્સ એન્ડ કલ્ચર’ની સ્થાપના કરવામાં પણ તેમણે અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આકાશવાણી માટે તેમણે હિન્દી અને ગુજરાતીમાં અનેક નાટકો, વાર્તાઓ અને લેખો લખ્યાં, પરંતુ તેમનાં સર્જનાત્મક લેખનનો ખરો આરંભ આકાશવાણીમાંથી નિવૃત્ત થયા પછી થયો. ‘અનુભવ’ (ઈ.1996, રાજકમલ પ્રકાશન), ‘સીમાંત’ (ઈ.1999, રાજકમલ પ્રકાશન), ‘એક સ્ત્રી કી આત્મહત્યા’ (ઈ.2005, મેઘા બુક્સ), ‘અતીત કી અનુગુંજ (ઈ.2008, મેઘા બુક્સ) અને ‘ઔર એક સાલ’ (ઈ.2016, મેઘા બુક્સ) – આ પાંચ તેમની હિન્દી ભાષામાં પ્રકાશિત નવલકથાઓ છે. ‘પારિજાતક’ એ (ઈ.2010, ગુજરાતી સાહિત્ય પરિષદ) તેમનો ગુજરાતીમાં પ્રકાશિત એકમાત્ર વાર્તાસંગ્રહ છે. મહદઅંશે તેમની રચનાઓના કેન્દ્રમાં સ્ત્રી હોવા છતાં પારિવારિક કલેશ, સંબંધો અને આધુનિક ભારતમાં બદલાઈ રહેલી વિચારસરણી જેવી બાબતો તેમનાં રચનાત્મક લેખનમાં ધ્યાન ખેંચે છે. દૃશ્યાત્મકતા અને પાત્રોનું માનસશાસ્ત્રીય રીતિએ થતું નિરૂપણ – તેમાંય બાળકોનાં માનસનું અત્યંત ચીવટપૂર્વકનું નિરૂપણ તેમની વાર્તાઓનો વિશેષ ગણી શકાય. નેશનલ બુક ટ્રસ્ટની બાળકો અને કિશોરોની પત્રિકા માટે તેમણે સરસ વાર્તાઓ લખી છે. તેમની વાર્તાઓ ‘સમકાલીન’, ‘ભારતીય સાહિત્ય’, ‘ધર્મયુગ’, ‘નવભારત ટાઈમ્સ’, ‘આજકલ’, ‘કથાદેશ’, ‘સાપ્તાહિક હિંદુસ્તાન’, ‘સારિકા’, ‘જનસત્તા સબરંગ’ વગેરે હિન્દી સામયિકો-અખબારોમાં પ્રકાશિત થઈ. તેમની ગુજરાતી વાર્તાઓ ‘કથાગુર્જરી’, ‘નવનીત સમર્પણ’ અને ‘ગદ્યપર્વ’ જેવા પ્રખ્યાત સામયિકોમાં પ્રગટ થઈ છે. ઈ.200૫ની શ્રેષ્ઠ ગુજરાતી નવલિકાઓમાં તેમની ‘શરૂઆત’ વાર્તા પસંદ થઈ હતી. ઈ.૨૦૦૬માં ‘ઉનાળો’ વાર્તાને પ્રતિષ્ઠિત ‘કથા’ પુરસ્કાર પ્રાપ્ત થયો. તેમની ગુજરાતી વાર્તાઓના હિન્દી, અંગ્રેજી અને મરાઠી ભાષામાં અનુવાદો પણ થયા છે. જેમ કે,‘બેસ્ટ ફ્રેન્ડ’ વાર્તાનો અંગ્રેજીમાં‘સોરી બેસ્ટ ફ્રેન્ડ’ નામથી અંગ્રેજીમાં અનુવાદ થયો, જે પેંગવિન પ્રકાશન દ્વારા પ્રકાશિત ‘પફિન’માં સ્થાન પામ્યો. તે જ વાર્તાનો હિન્દી અનુવાદ હિન્દી સંપાદન‘તુલિકા’માં પ્રગટ થયો છે. ‘ત્રિશંકુ’ વાર્તાનો મરાઠી ભાષામાં થયેલો અનુવાદ ‘કટ્ટયવર્ય’ સંગ્રહમાં સ્થાન પામ્યો છે. ગુજરાતી ભાષામાં રચનાત્મક લેખનના આરંભ વિશે વાત કરતાં હેમાંગિની રાનડે નોંધે છે કે, ‘અમારા કવિ મિત્ર મેઘનાદભાઈ ભટ્ટના પ્રોત્સાહનથી ગુજરાતીમાં લખવાનું સાહસ કર્યું...ઘણાં વર્ષોથી જે ભાષામાં લેખન ન કર્યું હોય તેની લઢણ સાંપડવી અઘરી ખરી પણ માતૃભાષા લોહીમાં જ ક્યાંક સંતાયેલી હશે, તે ધીમે ધીમે રંગ પકડતી ગઈ. અહીં મારે કબૂલ કરવું જ જોઈએ કે આ પ્રયાસમાં હું એકલી નહોતી, જે લોકોએ મદદનો હાથ લંબાવ્યો તેમનું ઋણ માન્ય કરવું ઘટે...સાહિત્ય સહવાસના અમારા પાડોશી ભાઈ પ્રકાશ મહેતા મારી રચનાઓનાં પહેલા વાચક. ‘નવનીત સમર્પણ’ના સંપાદક શ્રી દીપક દોશી અને ‘ગદ્યપર્વ’ના બહેન ગીતા નાયક. જેમણે સાવ અજાણ્યા લેખકને ફક્ત પ્રોત્સાહન જ ન આપ્યું, જરૂરી સૂચનો અને સલાહ સાથે, લખવા માટે પ્રેરણા પણ આપી. ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદમા જ્યારે મેં આ વાર્તાઓની હસ્તપ્રત મોકલી, ત્યારે ભાઈશ્રી રમેશ દવે, જેમણે લખાણ બાબત પ્રોત્સાહન આપી મારું સાહસ વધારી મને ઉપકૃત કરી છે.’ તેમનું અવસાન ૨૩ જાન્યુઆરી, ૨૦૨૫ને ગુરુવારના રોજ પૂના ખાતે થયું.

કૃતિપરિચય:

Parijat.jpg

‘પારિજાતક’ (ઈ.૨૦૧૦) વાર્તાસંગ્રહમાં કુલ સોળ વાર્તાઓ (કુલ પૃષ્ઠ સંખ્યા ૧૯૯) છે. શ્રી બી.કે મજૂમદાર ટ્રસ્ટ પ્રકાશન શ્રેણી અંતર્ગત ત્રેવીસમા મણકારૂપે આ સંગ્રહ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત થયો છે. આ વાર્તાઓની વિશેષતાઓ વિશે નોંધતાં શ્રી પારૂલ કંદર્પ દેસાઈ લખે છે કે, ‘આ વાર્તાઓમાં નારીચેતનાના વિવિધ રૂપો આલેખાયાં છે સાથે બાળમન તેમ જ આધેડવયના મનુષ્યોના સંવેદનો નિરૂપતી વાર્તાઓ પણ મળે છે. વિષયવસ્તુની યોગ્ય માવજત, સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ અને ભાષાની તાજગીને કારણે તેમની વાર્તાઓમાં રસ પડે છે.’ સંગ્રહની સોળ વાર્તાઓને વિષયવસ્તુની દૃષ્ટિએ બાળક, સ્ત્રી અને વૃદ્ધનું સંવેદન એમ ત્રણ ભાગમાં વહેંચી શકાય. ‘બેસ્ટ ફ્રેન્ડ’, ‘જુદાઈની જાણ’, ‘મારે વાંચવું છે’, ‘ટક્કોમૂંડો’ – આ ચાર વાર્તામાં બાળકોના નાના-નાના ડર, એકલતા, ભીતિ, હૂંફની ઝંખના, મોટેરાંના કપટની બાળકોના ચિત્ત પર થતી અસર જેવી બાબતોનું માનસશાસ્ત્રીય રીતે આલેખન થયું છે. ‘પાશ’, ‘પારિજાતક’, ‘બિચારી’, ‘શરીર’, ‘મુલાકાત’ અને ‘અણસાર’ – આ વાર્તાઓમાં સ્ત્રીની સંવેદના રજૂ થઈ છે. ‘શરૂઆત’ વાર્તામાં મહાનગરમાં વહુ-દીકરા સાથે રહેતા વૃદ્ધની એકલતાનું અને તેમાંથી તેની નવી શરૂઆતનું માનસશાસ્ત્રીય રીતે આલેખન થયું છે. ‘ત્રિશંકુ’ વાર્તામાં વિભાજનની વેદનાની વાત થઈ છે. ‘બેસ્ટ ફ્રેન્ડ’, ‘જુદાઈની જાણ’ અને ‘મારે વાંચવું છે’ – આ ત્રણેય વાર્તાઓમાં વાર્તાકાર બાળક અને માતા-પિતાના સંબંધની સંકુલતાને વર્ણવે છે. ત્રણેય વાર્તાઓમાં અગત્યનું પાત્ર માતાનું છે. ત્રણેયમાં માતા નોકરી કરે છે. ‘જુદાઈની જાણ’ વાર્તામાં નોકરીના કારણે માતા બાળક સાથે રહી શકતી નથી એ વાતે અપરાધબોધ અનુભવે છે. ‘મારે વાંચવું છે’ વાર્તામાં પતિ સાથેના ઝઘડાને કારણે મમ્મીનું ધ્યાન બાળક પર રહેતું નથી. ત્રણેય માતાઓમાં સૌથી વધુ સ્વસ્થ ‘બેસ્ટ ફ્રેન્ડ’ વાર્તાની સોનુની મા છે. ‘બેસ્ટ ફ્રેન્ડ’ વાર્તાનું વસ્તુ સાવ સરળ છે. છ વર્ષનો સોનુ પિતાના અવસાન બાદ દિલ્હીથી નવો નવો મુંબઈમાં મમ્મી સાથે રહેવા આવ્યો છે. મમ્મી નોકરીએ જાય ત્યારે તેને ઘરમાં બહુ એકલું એકલું લાગે છે. સાંજે મમ્મી ઓફિસેથી થાકી-પાકી ઘરે આવે ત્યારે પોતાના મનની બધી વાતો કરવા ઉત્સુક સોનુ મમ્મીનો થાકેલો ચહેરો જોઈને મૂંગો થઈ જતો. એક દિવસ કામવાળી બાઈ તેની નાની દીકરી રહીમનને સાથે લઈને આવે છે. રહીમનમાં સોનુંને પોતાની મિત્ર દેખાય છે. તેને રહીમન સાથે રમતો જોઈને મમ્મી કામવાળી બાઈને દરરોજ રહીમનને લઈને આવવાનું જણાવે છે. મમ્મી પગારની સાથે એક પરબીડિયું રહીમનને આપવા માટે સોનુને આપે છે ત્યારે સોનુને આઘાત લાગે છે કે રહીમન તેની બેસ્ટ ફ્રેન્ડ નથી. એ તો પૈસા લઈને તેની સાથે રમે છે. આ વાતે સોનુ મમ્મીની હાજરીમાં રહીમને બનાવેલું રેતીનું ઘર તોડી પાડે છે ત્યારે મમ્મીને સોનુના મનની વાત સમજાય છે. તે સોનુને રહીમનની ઝૂંપડીએ લઈ જાય છે અને સોનુને તેની ભૂલનો અહેસાસ કરાવે છે. પોતાની ભૂલ સમજાતાં સોનુ રહીમનની માફી માંગે છે અને બંનેની મિત્રતા પૂર્વવત થઈ જાય છે ત્યાં વાર્તા પૂર્ણ થાય છે. સાવ સરળ લાગતી આ વાર્તા માનસશાસ્ત્રીય અભિગમથી અને બાળઉછેરમાં માતાની ભૂમિકાની દૃષ્ટિએ તપાસવા જેવી છે. સોનુની વય છ વર્ષની છે. માનસશાસ્ત્રીઓના મતાનુસાર છથી અગિયાર વર્ષ દરમિયાન વ્યક્તિમાં ‘સ્વ’ વિશેનો ખ્યાલ, મારા-તારા વિશેનો ભેદ વિકસતો હોય છે. બાળક નાની વયે સ્વજનનું અવસાન જુએ તેની તેના ચિત્ત પર ઊંડી અસર થતી હોય છે. સોનુના પિતાનું અવસાન થયું છે. તે માનો સંઘર્ષ જુએ છે. પરિણામે તેનો ‘સ્વ’નો ખ્યાલ જુદી રીતે વિકસ્યો છે. વાર્તામાં સર્વજ્ઞનું કથનકેન્દ્ર છે. સમય વેકેશનનો છે. કથકને સોનુના સંવેદનો આલેખવામાં રસ છે. વાર્તાના આરંભે વાંચતાં આ વાત સમજાઈ જાય. ‘સોનુ દિલ્હીથી નવો નવો આવ્યો હતો. તેની શાળા હજુ શરૂ નહોતી થઈ. મમ્મીને રોજ ઑફિસે જવું પડતું એટલે સોનુ ઘરમાં એકલો પડી જતો. મમ્મીને આ બહુ ગમતું નહીં, પણ ઈલાજ નહોતો. નોકરી માટે જ એ લોકો મુંબઈ આવ્યાં હતાં. પપ્પાના મૃત્યુ પછી, ઘણી મુશ્કેલીઓ વેઠ્યા બાદ મમ્મીને આ નોકરી મળી હતી. સોનુ મમ્મીને સમજાવતો, ‘હું હવે કાંઈ નાનો કીકલો થોડો છું? હું છ વરસનો છું. તું શું કામ ચિંતા કરે છે, મમ્મી? હું આરામથી ઘરમાં રહીશ.’ પણ મનમાં ને મનમાં સોનુને બહુ બીક લાગતી.’(પૃ.૧૭) કથકે વાર્તાના અર્ધા ભાગ સુધી સોનુની એકલતા અને મૂંઝારો વર્ણવ્યા છે. શિખામણો આપીને નોકરીએ મમ્મી જતી રહે પછી ઘરમાં એકલા રહેતા સોનુની દિનચર્યા વર્ણવતાં કથક કહે છે, ‘સોનુને ઘરમાં બહુ એકલું લાગતું. ટી.વી. ના કાર્યક્રમો જોઈ લીધાં, ચોપડીઓ વાંચી લીધી, ગેલેરીમાં ઊભાં ઊભાં નીચે જોયું, ખાઈ લીધું, સૂઈ ગયા, ઊઠ્યા. હવે? હવે શું? એકલાથી થાય એવાં બધાં કાર્યો કરી લીધાં, પણ એકલાં એકલાં કંઈ રમાય ખરું? (પૃ.૧૭,૧૮) ટૂંકા ટૂંકા વાક્યો અને ક્રિયાઓ વડે સોનુની એકલતા દર્શાવે છે. રહીમન સાથેની પહેલી મુલાકાત વખતે સોનુ તેને કઈ નજરે જુએ છે તે નોંધવા જેવું છે. ‘સોનુએ છોકરીને જોઈ. પાતળી, કાળી અને જરીક ગંદી પણ.’ (પૃ.૧૮) અહીં કથકની નહીં, પણ સોનુની આંખે રહીમનનું વર્ણન થયું છે. નાનું આ વિધાન સોનુના ‘સ્વ’ વિશેના ખ્યાલને સમજવામાં મદદરૂપ થાય છે. પહેલી મુલાકાત દરમિયાન રહીમન લગભગ ચૂપ રહે છે અને સોનુ સતત બોલ્યા કરે છે. સોનુનો બબડાટ તેના મિત્ર મળ્યાના ઉલ્લાસને સૂચવે છે. રહીમનની ચુપ્પી કેટલી અર્થસભર છે! તે તેની ગરીબી, અપમાન થવાની ભીતિ, અજાણ્યાપણાનો ભાવ- આ બધું સૂચવે છે. સોનુ રહીમનની ગરીબી જુએ છે, પણ તેનું બાળસહજ નિર્દોષ ચિત્ત તેમાં મિત્ર શોધે છે. વાર્તા આગળ વધે ત્યારે ખ્યાલ આવે છે કે સોનુનો ઉછેર સ્વસ્થ માના હાથે થયો છે. સોનુની ખુશી સમજી ગયેલી મમ્મી કામવાળી બાઈને રોજ રહીમનને લઈને આવવા કહે છે. ‘સ્વ’ વિશેની સભાનતા વિકસતી હોય ત્યારે બાળકના મનમાં અનેક નાની-મોટી મૂંઝવણો, ગડમથલો ચાલતી હોય છે. સોનુ પણ તેમાંથી બાકાત નથી. તેથી જ્યારે મહિનાના અંતે રહીમનને પરબીડિયું આપવાની વાત કરતાં મમ્મી તેને કહે છે, ‘રોજ તારી જોડે રમવા નથી આવતી રહીમન?’ મમ્મીના હળવાશથી બોલાયેલા આ વિધાનનો સોનુ જુદો અર્થ કરી બેસે છે અને તેને આઘાત લાગે છે. સોનુ વિચારે છે કે, ‘એટલે? શું રહીમન એની સાથે રમવા એટલા માટે આવે છે કે મમ્મી એને પૈસા આપે છે? તો...તો શું હું રહીમનનો બેસ્ટ ફ્રેન્ડ નથી? (પૃ.૨૦) તેને લાગે છે કે રહીમન માટે તે અગત્યનો નથી. મારાપણાનો સોનુનો વિચાર તૂટે છે. તેની પ્રતિક્રિયારૂપે તે રહીમન સાથે તોછડું વર્તન કરી બેસે છે. મમ્મી દરિયાકાંઠે રેતીમાંથી રહીમને બનાવેલા ઘરના વખાણ કરે છે ત્યારે સોનુ અકળાઈને રહીમનનું ઘર તોડી નાંખે છે. સોનુના વર્તનથી પીડા અનુભવતી મમ્મી ધીરજથી સોનુને પૂછે છે કે, ‘તેં આવું જંગલી જેવું વર્તન કેમ કર્યું?’ જવાબમાં સોનુ કહે છે, ‘હું એને મારી બેસ્ટ ફ્રેન્ડ સમજતો હતો, પણ એ તો પોતાની મતલબે અહીં આવતી હતી. મારે માટે નહોતી આવતી. પૈસા માટે આવતી હતી. (પૃ.૨૧) સોનુને રહીમનની ગરીબી સામે વાંધો નથી, પણ તે પૈસા લઈને તેની સાથે રમે છે એ વાત સામે વાંધો છે. મમ્મી સોનુના મનની વાત પામી જતાં તેને રહીમનના ઘરે લઈ જાય છે. એ વસ્તીનું વર્ણન સોનુની નજરે થયું છે. વાર્તાના કેન્દ્રમાં સોનુ છે, પણ સર્જક આછા લસરકામાં મમ્મીનું સમજદાર, વેદનશીલ વ્યક્તિત્વ ઉપસાવી આપે છે. રહીમનના ભણતર માટે દેખાડો કર્યા વિના પૈસા આપે છે. સોનુની સાથે રહીમનને પણ દરિયાકાંઠે ફરવા લઈ જાય છે અને રહીમને બનાવેલા રેતીના ઘરની પ્રશંસા પણ કરે છે. સોનુને ખરાબ વર્તન માટે પ્રેમથી ઠપકો આપીને તેને રહીમનની માફી માંગવા રહીમનના ઘરે લઈ જાય છે. વાર્તાના અંતે મમ્મી અને રહીમનની મા વચ્ચેનો નાનકડો સંવાદ ખૂબ અગત્યનો છે. ‘રહીમન! આ સોનુ તારી માફી માંગવા આવ્યો છે. ના,ના, એની શી જરૂર છે? બાઈ વચમાં બોલી. છોકરાઓ તો લડતાં-ઝઘડતાં રહે! પ્રેમની લડાઈ કોને ન ગમે રહીમનની મા? ગુસ્સાની, નફરતની લડાઈ ન હોવી જોઈએ. કાલથી સોનુ નિશાળે જશે. રહીમન પણ કાલથી સ્કૂલે જશે ને?’ (પૃ.૨૨) અહીં મમ્મીના સંવાદો સૂચક છે. પુત્રની ભૂલનો માના મુખે સ્વીકાર છે. રહીમનની મા સાચી વાત જણાવે છે કે પૈસા તો રહીમનના યુનિફોર્મ માટેના હતા. સોનુની મમ્મી પોતાનાં વાણી-વર્તન વડે સોનુને સામાજિક દાયિત્વનો અર્થ સમજાવે છે. આખી વાર્તામાં ક્યાંય સોનુની મમ્મી રડતી-કકળતી જોવા મળતી નથી. માનું સ્વસ્થ અને મજબૂત વ્યક્તિત્વ બાળકના સ્વસ્થ ઉછેરમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે એ વાત બધા માનસશાસ્ત્રીઓએ સ્વીકારી છે. મમ્મી સોનુના ચિત્તમાં પ્રવેશેલા ખોટા ખ્યાલને કુશળતાપૂર્વક વર્તનથી દૂર કરે છે તે અગત્યનું છે. ‘જુદાઈની જાણ’નો આરંભ બપોરે નાનકડો પરેશ સ્કૂલેથી ઘરે આવે છે અને દાદા મૃત્યુ પામ્યા છે, તેની તેને જાણ થાય છે એ ઘટનાથી થાય છે. પરેશના મમ્મી-પપ્પા નોકરી કરે છે અને પરેશ આખો દિવસ દાદાજી સાથે રહે છે. દાદાના અચાનક મૃત્યુથી પરેશની ચેતના પર ઊંડો આઘાત થાય છે. આ ઘા મમ્મી ઘરે રહે છે ત્યાં સુધી પીડતો નથી. આર્થિક મુશ્કેલીના કારણે મમ્મીએ નોકરી કરવી જ પડે તેમ છે. તેથી તે પરેશને ઘરના નાના-નાના કામ શીખવે છે. એક મહિના પછી મમ્મી નોકરીએ જાય છે. પરેશની અનહદ ઈચ્છા હોવા છતાં તે મમ્મીને કહી શકતો નથી કે તું નોકરીએ ના જા. બપોરે પરેશ સ્કૂલેથી ઘરે આવે છે. જાતે ઘરનું તાળું ખોલે છે અને દાદાથી જુદા પડ્યાનો પેલો આઘાત તાજો થઈ જાય છે. પરિણામે પરેશ જમી શકતો નથી. મમ્મી જયારે પાછી ફરે છે ત્યારે તેની સાથે ઝઘડી બેસે છે. પોતાની ના મરજી છતાં તે આવું કરી બેસે છે ત્યાં વાર્તા પૂરી થાય છે. વાર્તામાં સર્વજ્ઞનું કથનકેન્દ્ર છે. સમયની દૃષ્ટિએ જોઈએ તો વાર્તામાં બે દિવસનું આલેખન થયું છે. દાદાજીનું મૃત્યુ થાય છે તે દિવસથી વાર્તા શરુ થાય છે એ પ્રથમ દિવસ. તેમના મૃત્યુ પછી મમ્મી પહેલી વાર પરેશને એકલો મૂકીને નોકરીએ જાય છે તે બીજો દિવસ. મમ્મી એક મહિનો ઘરે રહે છે તેનું વિગતે વર્ણન નથી. જે યોગ્ય છે. વિષય મુજબ જોઈએ તો વાર્તામાં બે જ દિવસ અગત્યના છે. વાર્તાકથક પરેશ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. બધાં પ્રસંગોએ પરેશ શું જુએ છે, વિચારે છે, અનુભવે છે તે રીતે કથકે નિરૂપણ કર્યું છે. અર્થાત્ કથક સર્વજ્ઞ હોવા છતાં તે ઘટનાને પરેશના દ્રષ્ટિકોણથી નિરૂપે છે. વાર્તાના આરંભથી આ વાતનો ખ્યાલ આવી જાય. ‘સ્કૂલની બસ આવી પહોંચી. ઊતરીને પરેશે સૌથી પહેલાં બગીચાના લીમડા નીચે જોયું...પણ આજે દાદાજી ત્યાં નહોતા...ક્યાં ગયા દાદાજી?’ આ વાર્તાને માનસશાસ્ત્રીય અભિગમથી તપાસીએ ત્યારે ખ્યાલ આવે કે નાના બાળકનું સંવેદન શી રીતે ઘવાતું હોય છે. પરેશને દાદાથી વિખૂટા પડ્યાનો આઘાત લાગે છે. પરંતુ એ આઘાતમાંથી હજુ તો તે બહાર આવે તે પહેલાં જ મમ્મી નોકરી જવાનું શરુ કરી દે છે. આ બીજો આઘાત છે. તેનું બાળમાનસ આ આઘાત સહન કરી શકતું નથી. તેની પ્રતિક્રિયા રૂપે તે મમ્મી સાથે ઝઘડી બેસે છે. મમ્મી ઓફિસે ન જાય એવી પરેશની ઈચ્છા છે. આ ઈચ્છાનું તેણે દમન કરવું પડે છે. પરેશના ચિત્તમાં શું ચાલી રહ્યું છે તેનાથી મમ્મી સદંતર અજાણ છે. એક રાત્રે તે મમ્મી-પપ્પાની વાત સાંભળે છે. મમ્મીનું ધીમું રૂદન અને હીબકા સાંભળીને પરેશ નક્કી કરી દે છે કે એ મમ્મી જેમ કહેશે એમ બધું જ કામ કરી દેશે. પરંતુ તેની દાદાજીથી વિખૂટા પડ્યાની વેદના અને હવે મમ્મીથી પણ છૂટા પડવું પડશે એ આઘાત તેની ભીતિ વધારી દે છે. તે સાવ ઉલ્ટું જ વર્તન કરે છે. તેની રીસ કે આક્રોશ ખરેખર તો એકલતા અને વિખૂટા પડવાના ભારમાંથી જન્મે છે. વાર્તાકારે પરેશની નાની-નાની ચેષ્ટાઓ, તેના વિચારો અને સંવેદનાનું અત્યંત ઝીણવટપૂર્વક નિરૂપણ કર્યું છે. પરિણામે વાચક પરેશના ડરને અનુભવી શકે છે. પરેશના આ માનસિક સંચલનોને જે ક્રમમાં નિરૂપ્યાં છે તે પણ અગત્યનું છે. દાદાજીના મૃત્યુના દિવસે પરેશને મમ્મી પાસે બેસીને જમાડે છે. રોજ તો દાદાજી પરેશની સામે બેસીને તેને મજાની વાર્તાઓ કહેતા અને પરેશ હાથમોઢું ધોઈ, કપડા બદલી તેમની સામે બેસીને જમતો, મમ્મીની સાથે બેઠેલા પરેશને આ વાતો યાદ આવે છે. પરંતુ તેનો અર્થ એ નહોતો કે પરેશને મમ્મીની ખોટ નહોતી સાલતી. પાસે સૂતેલી મમ્મીને જોઇને પરેશ શું અનુભવે છે તે જુઓ. ‘નહીં તો રોજ બપોરે મમ્મી પાસે સૂવા ક્યાં મળે છે? મમ્મી ઘેર હોતી જ નથી. રવિવાર સિવાય મમ્મી રોજ ઓફિસે જાય છે અને રવિવારે, જ્યારે પપ્પા ઘરે હોય ત્યારે મમ્મી-પપ્પા અંદરના ઓરડામાં સૂવે છે અને પરેશ તથા દાદાજી બહાર દીવાનખાનામાં.’ (પૃ-૫૩) પરેશના બાળચિત્તમાં સતત ઘૂંટાતો ભાવ છે એકલા પડી જવાનો ભય. દાદાની હાજરી તેને આ એકલતાથી દૂર રાખતી હતી. પરંતુ દાદાના મૃત્યુના લીધે પહેલી વાર આ એકલતાનો સામનો તેણે કરવો પડે છે. મમ્મી ઓફિસે જશે તો પોતે સાવ એકલો પડી જશે એ કાલ્પનિક ભય પરેશને પીડે છે. દાદાના મૃત્યુના આઠ દિવસ પછી મમ્મી ઓફિસે જવાની વાત કરે છે ત્યારે કથક પરેશના મનના વિચારો કંઇક આ શબ્દોમાં નિરૂપે છે, ‘નથી રહેવું મારે એકલું. તેને થયું કે તે ધમપછાડા કરે, રડે, ચીસો પાડે અને મમ્મીને કહે કે તું મને એકલો મૂકીને ન જતી.’ (પૃ-૫૫) આ વિધાન સૂચક છે. સામાન્ય રીતે બાળક પોતે જ્યારે અસહાય, લાચાર હોવાનું અનુભવે ત્યારે રડી, ચીસો પાડીને એ લાગણીમાંથી છૂટતું હોય છે. વળી, અહીં પરેશ છોકરો છે. તેથી સ્વાભાવિક રીતે જ તેને મમ્મી સાથે રહેવું વધારે ગમે. જો પરેશના સ્થાને વાર્તાકારે દીકરી દર્શાવી હોત તો તેને પિતા પ્રત્યે વિશેષ લગાવ હોત. પરેશ કદાચ મમ્મી સામે પોતાની વાત મૂકી દેત પરંતુ તેમાં એક રાત્રે મમ્મી-પપ્પાની જે વાતચીત સાંભળે છે તેમાં તેને મમ્મીની અસહાય પરિસ્થિતિનો ખ્યાલ આવે છે. મમ્મી પણ પરેશને એકલો મૂકવા માંગતી નથી. તે પરેશને ચાહે છે. પરંતુ ઘરના લોનના હપ્તા ભરવાના હોવાથી નોકરી છોડી શકે તેમ નથી. એ સાંભળીને પરેશ પોતાની લાગણીઓ દબાવવા મથે છે. તેથી તેનું વર્તન મમ્મી સાથે વધારે જ કડવાશભર્યું થતું જાય છે. સ્કૂલેથી પાછો ફરેલો પરેશ ઘરની ચાવીઓનો ભાર અનુભવે છે. જો ચાવી ખોવાઈ જશે તો? ચાવી તાળાંમાં નહીં જાય તો પોતે શું કરશે? ક્યાં જશે? એવાં વિચારોથી તેને પરસેવો વળી જાય છે. પરેશ જેમ તેમ કરતાં તાળું ઉઘાડીને ઘરમાં પગ મૂકે છે અને જોરજોરથી રડવા માંડે છે. પરેશને દાદાજી યાદ આવવા માંડે છે. એકલા ઘરમાં પ્રવેશેલા પરેશના ચિત્તનો ઘા તાજો થઇ જાય છે. માનસશાસ્ત્રીય રીતિએ આ આખો ક્રમ ખૂબ અગત્યનો છે. આરંભે દાદાનું મૃત્યુ અને તેનો ઊંડો આઘાત. મમ્મીનો સંગાથ મળતાં તે આઘાતનું અચેતનમાં ખસી જવું. પરંતુ મમ્મીની ઑફિસ જવાની વાતથી એ આઘાત બેવડાવો અને જ્યારે વાસ્તવમાં એકલતાનો સામનો થાય ત્યારે મૃત્યુનો આઘાત જોશભેર બહાર આવવો. પરિણામે દાદાજીની સરખામણીએ મમ્મી ગંદી લાગે, ખરાબ લાગે. પરેશ મમ્મીથી મોઢું ફેરવી બોલી બેસે, ‘મારે એવી ખરાબ, ગંદી મમ્મી નથી જોઈતી.’ પરેશનું આ વાક્ય સાંભળીને મમ્મી ડઘાઈ જાય. તો બીજી તરફ પરેશ પણ પોતે મમ્મીની વેદના અને પ્રેમ જાણતો હોવાથી અપરાધભાવ અનુભવે. તે હજુ કદાચ વાત બદલે તે પહેલાં મમ્મી પરેશને ત્યાં જ મૂકીને પોતાના કપડાં બદલવા લાગે. એ સાથે જ અપરાધબોધનું સ્થાન આક્રોશ લઇ લે. મમ્મી પોતાને સમજતી નથી અને મમ્મીને કેમ કરીને સમજાવવું તેમાં અટવાયેલો પરેશ જમવાની થાળી ફેંકી દે. આ જોઈ મમ્મી પરેશને તમાચો ચોડી દે. વાર્તાનો અંત વેધક છે. કથક જાણે બાળચિત્તની એકએક ક્રિયા-પ્રતિક્રિયાને દર્શાવવા માંગતો હોય તેમ આખોય ઘટનાક્રમ ઝીણવટપૂર્વક નિરૂપે છે. પરેશ મનોમન બનનારી પરિસ્થિતિની કલ્પના કરી લે છે કે માર્યા પછી મમ્મી તેને વ્હાલ કરશે, પોતે પણ રડશે અને પરેશને જમાડશે. એ રીતે આ તકરાર પૂરી થઈ જશે, પરંતુ સાથે જ પરેશ એ પણ જાણે છે કે આ તકરાર ખરેખર તો એકલા રહેવાની છે. દાદાજીથી જુદા પડવાની નહીં, મમ્મીથી પણ જુદા પડવાની છે. વાર્તાનો અંત જુઓ. ‘પરેશ જાણે છે કે આજની આ તકરાર તો પૂરી થઈ ગઈ, પણ ખરી રીતે તો આ તકરાર આજે શરૂ થઈ છે, કારણ કે, કાલે મમ્મી ફરી પાછી ઑફિસે જશે, મારે ફરી એકલા રહેવું પડશે...કાલે પણ...પરમ દિવસે પણ...હંમેશ માટે મારે આમ એકલા રહેવું પડશે...’ (પૃ-૫૮) સ્વજનોનું મૃત્યુ અને તેના કારણે જન્મતી ભીતિ બાળકના ચિત્ત પર કેવી ઊંડી છાપ છોડી જાય છે તેનો ખ્યાલ આ વાર્તા દ્વારા મળી રહે છે. અહીં વાર્તાની કલાત્મકતા ત્યાં અનુભવાય છે કે સંવેદનશીલ બાળક માની વેદના પણ અનુભવે છે. તેથી તેનું બાળમન પોતાની એકલતા અને માની વેદના માટે પોતે જવાબદાર છે એમ માનવા લાગે. આ અપરાધબોધ અનુભવતા બાળકની ગૂંગળામણ વાર્તાકારે હૃદયસ્પર્શી રીતે આલેખી છે. વાર્તાનું અંતિમ વિધાન આ ભીંસના લીધે પરેશના ચિત્તમાં કાયમ માટે કેવા ઉઝરડા પડી જવાના છે તે તરફ સંકેત કરે છે. ‘મારે વાંચવું છે’ વાર્તા ‘જુદાઈની જાણ’ કરતાં બે રીતે એક ડગલું આગળ જાય છે: વિષય અને નિરૂપણ રીતિ. બંને વાર્તાના કેન્દ્રમાં બાળક છે. ‘જુદાઈની જાણ’માં પરેશની એકલતાની વાત છે. હેમંત નાની વયે મા-બાપના દંભને જુએ છે. બીજું કે , ‘મારે વાંચવું છે’માં હેમંતની સ્મૃતિઓ અને તેના મા-બાપના વાણી-વર્તનમાં આવતા પરિવર્તનોનો વાર્તાકારે જકસ્ટાપોઝ કર્યો છે. સાથે જ ગૂંથી છે હેમંતના બાળમિત્ર અસીમની મોટી બહેનની લગ્ન પછીની વ્યથાકથા. પરિણામે વાર્તા વિશેષ સંકુલ બની છે. બંને વાર્તામાં સર્વજ્ઞનું કથનકેન્દ્ર છે. બંનેમાં કથક બાળકના દૃષ્ટિકોણથી વાત કહે છે. પરેશ અને હેમંતના પાત્રોમાં પણ ભિન્નતા છે. હેમંત પરેશ કરતાં વયમાં થોડો મોટો છે. પરેશને હૂંફ જોઈએ છે. માનો પ્રેમ જોઈએ છે. સાથે તે એ પણ જાણે છે કે મા પોતાને ચાહે છે પણ આર્થિક ભીંસને લીધે નોકરી કરવા તેણે જવું પડે છે. હેમંતના મા-બાપ બંને સારું કમાય છે. તે બાળપણથી જ મા-બાપ સાથે ઊછર્યો છે. પરેશ પાસે દાદા હતા. તેમાં મા-બાપના વણસતા સંબંધોનો હેમંત સાક્ષી બને છે. એકલાં હોય ત્યારે સતત લડતાં મમ્મી-પપ્પા, બીજાની હાજરીમાં ‘સુખી પ્રેમાળ યુગલ’ હોવાનો ડોળ સહજતાથી કરી લે છે. આ ડોળ, દંભ હેમંતની ચેતના પર ઉઝરડા પાડી દે છે. વક્રતા એ છે કે હેમંતના મમ્મી કે પપ્પા કોઈનું એ વાતપર ધ્યાન જ નથી કે હેમંત શું અનુભવી રહ્યો છે. વાર્તાનો અંત અત્યંત વેધક છે. અગિયાર વર્ષનો હેમંત મા-બાપ પરનો વિશ્વાસ કાયમ માટે ગુમાવી દે છે. તે મનોમન ગાંઠ વાળી દે છે, ‘આ મોટા લોકો ફક્ત પોતાનો વિચાર કરે છે. હેમંત પણ હવે તેમનો વિચાર નહીં કરે...તેને હવે આ લોકો પર જરાય વિશ્વાસ નથી રહ્યો.’ તેથી જ હેમંત પપ્પાએ આપેલ કમ્પ્યુટરના ખોખાને ઠેસ મારી, ‘મારે વાંચવું છે’ એમ કહી પોતાના ઓરડામાં જતો રહે છે. માનસશાસ્ત્રમાં સ્વ-ખ્યાલના વિકાસના વિવિધ તબક્કા માનવામાં આવે છે. એ મુજબ ૧ થી ૨ વર્ષ દરમિયાન બાળક શારીરિક રીતે પોતે અલગ છે (માતાથી અલગ) તેવી સભાનતા કેળવે છે. ૬ થી ૧૦ વર્ષનું બાળક આસપાસના લોકોને પણ પારખતું જાય છે. તેના આધારે તેના વ્યક્તિત્વમાં ‘સ્વ’નો ખ્યાલ વધારે પુખ્ત થાય છે. મા-બાપના વાણી-વર્તનને પણ આ ઉંમરે બાળક સમજવા લાગે છે. સાથે જ મા-બાપના વર્તનની બાળકના વિકસી રહેલા ‘સ્વ’ ગૌરવના ખ્યાલ પર વિધાયક અને નિષેધાત્મક અસરો થતી હોય છે. જેની અસર એડલર કહે છે તેમ તેની ‘જીવન-રીતિ’ પર થાય છે. આ ભૂમિકાને આધારે હેમંતનું પાત્ર સમજીએ. હેમંત અગિયાર વર્ષનો છે. પ્રેમલગ્ન કરનાર મા-બાપનું એક માત્ર સંતાન છે. તેથી, સ્વાભાવિક રીતે મા-બાપ બંનેના પ્રેમનું કેન્દ્ર છે. તે સારું-નરસું, સાચું-ખોટુંનો ભેદ પારખી શકે છે, પરંતુ એ પાછળના જવાબદાર પરિબળો સમજી શકે, વિચારી શકે તેટલો સક્ષમ નથી. વાર્તાકાર હેમાંગિની રાનડેની સૂક્ષ્મ કલાસૂઝ પર આ જોઈને વિશેષ માન થાય. સર્વજ્ઞ કથક બધું હેમંતની નજરે જુએ છે, વિચારે છે. તેથી, વાર્તામાં એટલી જ હકીકતો આલેખાઈ છે જેટલી એક અગિયાર વર્ષનો બાળક સમજી શકે. બાળકના સંવેદનનું નિરૂપણ કરતી વાર્તાઓ લખતી વેળાએ સર્જકે આ માનસશાસ્ત્રીય તથ્યોને ધ્યાનમાં રાખવા પડે. હેમંતની વય અને તેની વિચારશક્તિને અનુરૂપ વાર્તાની સંકલના ગૂંથાઈ છે. સમયની સંકલના હેમંતના સંસ્મરણો મુજબ થઈ છે. વાર્તાના આરંભે ઘરમાં હેમંત ઉદાસ ભાવે બેઠેલો જોવા મળે છે. અંધારામાં સોફા પર જ સૂઈ ગયેલો હેમંત મમ્મીના અવાજથી જાગે છે. વાર્તાનો આરંભ જુઓ. ‘કેટલા દિવસો થયા, હેમંત ખૂબ જ ઉદાસ રહે છે. કંઈ નથી ગમતું. નથી ટી.વી. પર મનગમતો પ્રોગ્રામ જોવાની ઈચ્છા અને નથી મમ્મીએ લાવી આપેલી નવી કોમિક્સ વાંચવાનું મન...હમણાંનું હેમંતને કંઈ નથી જોઈતું, કંઈ નથી ભાવતું. ન ખાવાનું, ન પીવાનું, ન વાંચવાનું! કંઈ કરતાં કંઈ જ નહીં.’ (પૃ-૧૩૫) મમ્મી-પપ્પા શા માટે ઝઘડી રહ્યા છે તે હેમંત જાણતો નથી. પહેલાં હેમંતને પોતાના જન્મ દિવસની સાંજે થયેલો મમ્મી-પપ્પાનો ઝઘડો યાદ આવે છે. એ લડાઈ પછી અચાનક બધાં મહેમાનોની સામે મમ્મી-પપ્પા હાથ પકડીને પ્રેમથી વાતો કરવા લાગે છે. હેમંત ખુશ થઈ જાય છે કે તેના મમ્મી-પપ્પા વચ્ચે ફરી મિત્રતા થઈ ગઈ. પરંતુ ત્યાં જ મહેમાનોના ગયા પછી બંને ફરી લડવા માંડે છે. ત્યારે પહેલી વાર હેમંતને મમ્મી-પપ્પાનું નાટક સમજાય છે. હેમંતની તેની જૂની શાળાના મિત્ર અસીમ સાથે ફોન પર વાત થાય છે. ત્યારે ખુશખુશાલ હેમંત મમ્મી સામે અસીમની વાતો કરવા લાગે છે. પરંતુ તે જુએ છે કે મમ્મીનું તેની વાતોમાં ધ્યાન નથી. એ સાથે હેમંતે મમ્મી-પપ્પાને પહેલી વાર પોતાની સામે ઝઘડતા જોયા હતા એ પ્રસંગ તેને યાદ આવી જાય છે. એ પ્રસંગે મમ્મી કોઈક વાત કહી રહી હતી અને પપ્પા ધ્યાનથી સાંભળતા નહોતા. એ વાતે મમ્મી પપ્પા સાથે ઝઘડી હતી. સ્વ-નો ખ્યાલ હેમંતની વય મુજબ આ રીતે વિકસતો હોય. બાળક મા-બાપ સાથે મનોમન સરખામણી કરે. તેથી જ હેમંત અહીં મનોમન તેની વાત ન સાંભળતી મમ્મીને કહે છે, ‘જ્યારે કોઈ તમારી વાત નથી સાંભળતું, ત્યારે ફક્ત તમને જ ખોટું નથી લાગતું મમ્મી, મનેય લાગે છે, કોઈને પણ લાગી શકે છે. યાદ છે ને મમ્મી? મમ્મીને યાદ હોય કે ન હોય. હેમંતને સારી રીતે યાદ છે. તે પહેલો પ્રસંગ હતો, જ્યારે તેની સામે મમ્મી-પપ્પાની તકરાર થઈ હતી.’ (પૃ-૧૪૦) ત્યાર બાદ હેમંતની સ્મૃતિ રૂપે પ્રથમ તકરારનો પ્રસંગ આલેખાય. ધીમે-ધીમે હેમંત મનમાં વિચારે કે શી રીતે મમ્મી-પપ્પા વચ્ચેનો કંકાસ દૂર થાય. હેમંતના દિવાસ્વપ્નો માનસશાસ્ત્રીય રીતે સમજવા જેવા છે. તેને તાવ આવે, તેનો એક્સિડન્ટ થઈ જાય અને એ વાતે મમ્મી-પપ્પા વચ્ચે સમાધાન થઈ જાય. જીવલેણ અકસ્માત અને બીમારીની કલ્પનાઓ હેમંતના સ્વ-ના ખ્યાલમાં વધી રહેલા નિષેધાત્મક વલણને દર્શાવે છે. પરિણામે હેમંતનું ભણવાનું બગડતું જાય છે. શિક્ષકના પત્રનો પ્રસંગ બાળમનને પડેલા ઉઝરડા દર્શાવે છે. જેમ મમ્મીની વાત પપ્પાએ નહોતી સાંભળી, હેમંતની વાત મમ્મીએ નહોતી સાંભળી તેમ મમ્મીની વાત હેમંત નથી સાંભળતો. ટીચરની ફરિયાદો વાંચીને મમ્મી હેમંતને ધમકાવે છે અને પછી રડવા લાગે છે. પરંતુ આ વખતે મમ્મીના રડવાની હેમંત પર કશી અસર થતી નથી. અહીં હેમંતની સંવેદનાઓ પર થઈ રહેલી અસર વાર્તાકાર દર્શાવે છે. વાર્તામાં બે પ્રસંગો ખૂબ અગત્યના છે. એક, હેમંત અને અસીમની વાતચીત અને બીજો, દારૂના નશામાં ધૂત પપ્પાનું મમ્મી સાથેનું વર્તન. અસીમ સાથેની વાતચીત પછી હેમંતના મનમાં વિચારો શરૂ થાય છે. હેમંત રાત્રે પૂરું સૂઈ શકતો નથી. તેને આવતું સ્વપ્ન પણ તેના ચિત્તની દશા સૂચવનારું છે. સ્વપ્નમાં હેમંત નિશાળની પરીક્ષામાં બેઠો છે. તેને પ્રશ્નપત્રનો એક પણ પ્રશ્ન સમજાતો નથી, સમય પૂરો થઈ જાય છે અને તેનું પેપર શિક્ષક લઈ લે છે. તેનું પેપર કોરું છે. આ પ્રશ્નપત્ર તે મમ્મી-પપ્પા વિશેના હેમંતના મનમાં ઊઠેલાં પ્રશ્નો. તેનાથી વધુ આઘાતજનક બનાવ મમ્મી-પપ્પાના ઝઘડાનો છે. મમ્મી-પપ્પાની દોસ્તીની ચિંતા કરતો હેમંત એક રાત્રે બંને વચ્ચેનો ઝઘડો જુએ છે. ‘જે જોયું, તે કેટલું લજ્જાજનક, કેટલું ગંદુ હતું...પપ્પના પગ લથડિયાં ખાય છે, એક હાથ મમ્મીના ગાઉન પર છે અને મમ્મી ફાટેલા ગાઉનને પકડી રાખવાનો પ્રયત્ન કરે છે, મમ્મીની છાતી ફાટેલા ગાઉનમાંથી...હેમંતના માથામાં સ્ફોટ થયો, તેણે રાડ નાખી...મમ્મી-પપ્પાનું ધ્યાન તેની તરફ ગયું, હવે હેમંત ચીસો પાડીને રડવા લાગ્યો.’ (પૃ.-૧૪૭) આ એક જ રાતમાં હેમંતનું બાળપણ છીનવાઈ જાય છે. તે મનોમન એવા નિર્ણય પર પહોંચી જાય છે કે તેનો મમ્મી-પપ્પા સાથે કોઈ જ સંબંધ નથી. અચાનક જ હેમંત પુસ્તકો વાંચવા લાગે છે. તે અસીમ સાથે પણ વાત કરવાનું ટાળે છે. સ્વ-ના ખ્યાલ મુજબ જોઈએ તો, હેમંત પૂરેપૂરો નિષેધાત્મક વલણ ધરાવતો થઈ જાય છે. તેને કોઈ પણ સંબંધમાં શ્રધ્ધા રહી નથી. મમ્મી-પપ્પા, મિત્રો, શાળા એ બધાંથી તે કપાઈ ગયો છે. હવે તેને જીવન કરતાં વધારે પુસ્તકોમાં રસ પડવા લાગે છે. આ રસ ખરેખર તો શાહમૃગ વૃત્તિ છે. વાસ્તવ જગતમાંથી ભાગી છૂટવાની હેમંતની મથામણનું પરિણામ છે. હેમંતને લાગે છે કે કાલ્પનિક પાત્રો તેને ત્રાસ નહીં આપી શકે કારણ કે, તે જીવતાં નથી. વાર્તાના અંતે મમ્મી-પપ્પ વચ્ચે થતું સમાધાન પણ હેમંતને ખુશ કરી શકતું નથી. આમ, વાર્તાની સંકલના હેમંતના મનોજગત સાથે તંતોતંત જોડાયેલી છે. એડલરની વિચારણામાં ‘જીવન-રીતિ’ અને ‘લક્ષ્ય’ આ બંને ખૂબ મહત્ત્વની સંજ્ઞાઓ છે. તેમના મતે, વ્યક્તિની કોઈ પણ પ્રકારની માનસિક ગતિવિધિને નિયંત્રિત કરનાર તત્ત્વ લક્ષ્ય છે. જીવન-રીતિનો નકશો ક્રમશઃ વ્યક્તિને લક્ષ્ય તરફ દોરી જાય છે. કુટુંબની સામાજિક-આર્થિક પરિસ્થિતિ, માતા-પિતાનો જીવન તરફનો નકારાત્મક અભિગમ, સ્ત્રી-પુરૂષ ભેદ, નબળું સ્વાસ્થ્ય ઈત્યાદિ બાબતો વ્યક્તિને ખોટી જીવન-રીતિ તરફ દોરે છે. અહીં આરંભે હેમંત માતા-પિતાનો પુષ્કળ પ્રેમ જુએ છે. ત્યારબાદ તેમની વચ્ચેની તકરાર, તકરારને સ્વજનોથી છુપાવવાના પ્રયાસો, માતાનું રૂદન અને પિતાનું મા સાથેનું ખરાબ વર્તન હેમંત જુએ છે. પરિણામે તેનું ચિત્ત નકારાત્મક થતું જાય છે. આરંભે માં-બાપ વચ્ચે સમાધાન-દોસ્તી ઝંખતો હેમંત અંતે એકલો ઓરડામાં પુરાઈ જાય છે. ક્રમશઃ તેનો બધી વાતોમાંથી રસ ઘટતો જાય છે. તે વિશ્વાસઘાતની લાગણી અનુભવે છે. આગળ નોંધ્યું તેમ આ બધી જ ઘટનાઓ તેનો સ્વ-ગૌરવનો ખ્યાલ હજું પુખ્ત થતો હોય તે સમયે બને છે. તેથી તેની ઊંડી અસર તેના ચિત્ત પર રહી જાય છે. કથકની હેમંતની મનોદશા સૂચવતી ટિપ્પણીઓ વાર્તાના વિષયને અનુરૂપ છે. વળી, આ ટિપ્પણીઓ પણ હેમંતની માનસિક વય મુજબની છે. ‘મમ્મીનું રૂદન હેમંત સાંખી નથી શકતો. એ રૂદન એને આકરું લાગે છે.’(પૃ.-૧૩૬) ‘હેમંત ડઘાઇ ગયો.’(પૃ.-૧૩૮) ‘હેમંતના હાથમાંનો કોળિયો અધ્ધર રહી ગયો.’(પૃ’-૧૪૧) ‘હેમંતનું ખીલેલું મુખ કરમાઈ ગયું’(પૃ.-૧૪૨) ‘મમ્મીના રડવાની હેમંત પર કોઈ અસર ના થઈ. તે ના હાલ્યો ના બોલ્યો.’(પૃ.-૧૪૩) ‘હેમંતનું કાળજું એક પગથીયું ચૂકી ગયું. તેનો જીવ મોળાવા લાગ્યો. તેણે અસહાય અહીં-તહીં જોયું.’ (પૃ-૧૪૫) ‘તેને ખૂબ ગભરામણ થવા લાગી. તેને પેટમાં શૂળ ઊપડી. હેમંતના માથામાં સ્ફોટ થયો. તેણે રાડ નાંખી.’ (પૃ-૧૪૭) આ ટિપ્પણીઓ હેમંતના મનમાં ઘૂંટાઈ રહેલા નકારાત્મક ભાવોને રજૂ કરે છે. કથકે એક ચોકસાઈ એ પણ રાખી છે કે મા-બાપના ઝઘડાનું કોઈ કારણ દર્શાવ્યું નથી. વળી, તેમના ઝઘડા વખતના સંવાદો પણ હેમંત સાંભળી જતો હોય એ રીતે આલેખ્યાં છે. એ સંવાદો પણ નોંધવા જેવાં છે. ઘરમાં અંધારું જોઈને મમ્મી ચિંતાતુર અવાજે હેમંતના નામની બૂમ મારે છે ત્યારે પપ્પાનો સંવાદ ‘આવા અશુભ ઘરમાં કોણ આવે? ચાલ્યો ગયો હશે ક્યાંક?’ જવાબમાં મમ્મી કહે છે, ‘એમ! હવે આ ઘર અશુભ થઈ ગયું?’ હેમંતના જન્મદિવસે થતો ઝઘડો જુઓ. પપ્પા: તારી જોડે તો બોલવામાંય સૂગ ચઢે છે. મમ્મી: અહીં કોણ મરી રહ્યું છે તમારી સાથે બોલવા! (પૃ-૧૪૮) ઑફિસે પતિ લેવા નથી આવતો એ વાતે મમ્મી ઝઘડે છે ત્યારે મમ્મીનો સંવાદ, ‘ભૂલતાં નહીં, કાર લેવા મારાયે પૈસા લાગ્યા છે, હા!’ (પૃ-૧૩૯) એ જ રીતે દારૂના નશામાં ધૂત પપ્પા મમ્મી સાથે શારીરિક સંબંધ બાંધવા જાય છે તે વેળાના સંવાદો સંબંધમાં રહેલી તિરાડની પરાકાષ્ઠા સમા છે. ‘શું સમજી લીધી છે મને વેશ્યા? પત્ની છે તું મારી, સમજી?’ (પૃ-૧૪૭) આ તકરારો હેમંતના બાળમને જોઈ છે. તેથી જ વાર્તાના અંતે મમ્મી શણગાર સજીને પપ્પા સાથે બેસે છે અને પપ્પા પણ હેમંતને પાસે બોલાવે છે, ત્યારે હેમંત માટે તે ક્ષણ અસહ્ય બની જાય છે. વાર્તામાં પરિવેશ પણ અગત્યનો છે. ચિપ્સ, અવનવાં રમકડાં, કમ્પ્યુટર-આ બધું જ હેમંત પાસે છે. જોડે છે મા-બાપનો દંભ અને જુઠ્ઠાણું. વાર્તાના આરંભે સાંજના સમયે ઘરમાં અંધારું કરીને બેઠો છે. એ અંધકાર તેના ચિત્તમાં વ્યાપેલા જીવન પ્રત્યેના નકારાત્મક અભિગમને સૂચવે છે. અંતે મા-બાપને મુકીને તે ઓરડામાં ભરાઈ જાય છે. હેમંત જાતે જ પોતાને સમાજથી કાપી નાંખે છે તેનું સૂચન તેની આ ક્રિયામાંથી મળે છે. આમ, માનસશાસ્ત્રીય દૃષ્ટિએ બાળમાનસનું થયેલું સચોટ નિરૂપણ, યોગ્ય કથકની પસંદગી અને પરિવેશના વિનિયોગને કારણે ‘જુદાઈની જાણ’ અને ‘મારે વાંચવું’ છે-આ બંને વાર્તાઓ આધુનિક શહેરી જીવનની દોડધામમાં અટવાયેલા મા-બાપથી સંવેદનની રીતે વિખૂટાં પડી રહેલાં બાળકોની વ્યથાને વાચા આપે છે. વાર્તાસંગ્રહનું શીર્ષક જે વાર્તા પરથી આપ્યું છે તે ‘પારિજાતક’ વાર્તા પણ આ ત્રણ વાર્તા સાથે જોડાય છે. અહીં નાની વયે માને થયેલા અન્યાયની સાક્ષી દીકરી મોટી વયે પણ એ બનાવમાંથી મુક્ત થઈ શકતી નથી. ‘હું’નું કથનકેન્દ્ર ધરાવતી આ વાર્તા મા-દીકરી અને નાનીના સંકુલ સંબંધને નિરૂપે છે. વાર્તાની નાયિકા ભગવતી યુવાનીમાં બાળપણની સ્મૃતિઓથી પીડાય છે એ રીતે આખી વાત કહેવાઈ છે. તેથી અહીં કથક યુવાન ભગવતી છે જે નાનકડી ભગવતી અને તેની મા વિશે વાત કરે છે. વાર્તાનો આરંભ પારિજાતના ફૂલની સુવાસથી થાય છે. ભગવતીને કોઈપણ પ્રકારની સુવાસ ન હોય, વૃક્ષ ન હોય, ફૂલ ન હોય તેવા સ્થળે જતાં રહેવાનું મન છે. પારિજાતની સુગંધથી ખુશ થઈ જતાં ભગવતીના પતિએ આ વૃક્ષ ખાસ મંગાવીને રોપાવ્યાં છે. પતિ, મહેમાનો, મિત્રો બધાંને પ્રિય આ સુગંધ ભગવતીને શાથી પસંદ નથી એવી જિજ્ઞાસા જન્માવતો આરંભ અને તેમાંય કથક ભગવતીના મુખે પોતાના મનની વાત પતિને સમજાવી શકાતી નથી એ મૂંઝવણથી વાર્તાનો ઉપાડ થાય છે તે સૂચક છે. ‘મને...મને નથી ગમતી આ ગંધ. આ સુવાસ. આ વૃક્ષો અહીં ન હોય, તો મારું મન એટલું ન મૂંઝાય! પણ, તેમણે, મારા પતિએ, ખાસ મંગાવીને આ વૃક્ષો અહીં રોપાવ્યાં છે. તેમને આ સુવાસ અત્યંત પ્રિય છે...હવે મારે તેમને કેવીરીતે સમજાવવા આ વૃક્ષો, આ સુગંધ, એની નીચે બેસવાનો ક્રમ. મારા જીવનની સૌથી સૂની, સૌથી એકાકી ઘડીઓ સાથે સંકળાયેલો છે.’ (પૃ.૯૮) અતીતના પ્રસંગોની સ્મૃતિઓ આપણાં મનમાં તેના રૂપ, રંગ, ગંધ, સ્વાદ સહિત પંચેન્દ્રિયોની અનુભૂતિ સાથે જળવાતી હોય છે અને તેની આપણાં દૃષ્ટિકોણ પર ઊંડી અસર થતી હોવાનું માનસશાસ્ત્રીઓ સ્વીકારે છે. ભગવતી દોઢ વર્ષની હોય છે ત્યારે મમ્મી સાથે મામાને ત્યાં આવી ગઈ હતી. આઠેક વર્ષની થાય છે ત્યારે નાનીનાં અવસાન પછી તે મા સાથે બીજા ઘરે રહેવા જતી રહે છે. ભગવતી પંદર વર્ષની થાય છે ત્યારે તેની મમ્મી સાથે શું બન્યું હતું તે તેની મમ્મીના મુખે જાણે છે. સત્ય જાણ્યા પૂર્વે પણ એક ઓથાર હેઠળ, ભાર હેઠળ નાની ભગવતી જીવતી. એકતરફ નાનીનું હેત અને બીજીતરફ માની અકથ્ય પીડા- આ બે વચ્ચે ભીંસાતી ભગવતી તેમાંથી છૂટવા મનોમન મમ્મી-પપ્પાની પરીકથાઓમાં ખોવાઈ જતી. નાની ભગવતી મમ્મીના આક્રોશ કે રૂદનથી છૂટવા નાનીના ખોળામાં સંતાઈ જતી કે પારિજાતકના વૃક્ષો નીચે બેસી જતી. નાનીના મૃત્યુ પછી તો મા-દીકરી એકલાં રહેતાં થયા અને અચાનક જાણે ભગવતીની વય વધી ગઈ. ઑફિસેથી થાકીને મા પાછી આવતી ત્યારે ભગવતી બધાં કામ કરી લેતી. મા-દીકરીની જાણે ભૂમિકા બદલાઈ ગઈ હતી. અમ્માના ગોરા કપાળ પર સિંદૂરનો ચાંલ્લો જોઈ ભગવતી પિતાના વિચારોમાં ખોવાઈ જતી. મમ્મી ઓફિસર બની અને ક્વાર્ટરની સામે નવું મકાન બનતું ગયું. ભગવતી પંદર વર્ષની થઈ ત્યારે પેલું રહસ્ય અજાણતાં જ તેની સામે ખુલે છે. પાડોશમાં નવું રહેવા આવેલું કુટુંબ એકદમ મળવા માટે આવી પહોંચે છે. ભગવતીને તેના મમ્મી-પપ્પા વિશે સવાલ પૂછે છે. કશું જ ન જાણતી ભગવતી એકી શ્વાસે જૂઠું બોલી જાય છે. પાડોશી સ્ત્રીની આંખો ભગવતીના વેરાન ઘરમાં પળવારમાં ફરી વળે અને અવાજમાં મશ્કરીનો સૂર પણ ભળી જાય. માત્ર પ્રથમ મુલાકાતમાંય પંદર વર્ષની કુમળી છોકરી સાથે આ સૂરે થતી વાતચીત સામાજિક સંરચનાની ખામી દર્શાવે છે. પાડોશીના ગયા પછી પંદર-પંદર વર્ષ સુધી હૈયામાં ધરબી રાખેલી વાત મા ભગવતીને કહે છે. પરદેશમાં રહેતા દીકરાના પિતાએ ભગવતીની રૂપાળી માને જોતાંવેંત પોતાના દીકરા માટે પસંદ કરી લીધી. બાપુજી ન હોવાથી માની વાત ભાઈએ ન સાંભળી અને તેને પરણાવી દીધી. લગ્નની પ્રથમ રાત્રે પતિએ ‘બળ વાપરીને વેચાતી લીધેલી વેશ્યાની જેમ માને વાપરી.’ પતિ પરદેશમાં પરણેલો હતો. તેને બે બાળકો હતાં. તે નફ્ફટની જેમ મા સામે બે પ્રસ્તાવ મૂકે છે: એક, તેની સાથે પરદેશ જઈ તેના પત્ની-બાળકોની સેવા કરે. બીજો, મૂંગા મોઢે સાસરીમાં રહે અને પોતે જ્યારે રજામાં વતન આવે ત્યારે તેની શૈયાની શોભા વધારે. કારણ કે, ‘એંઠી, ભ્રષ્ટ સ્ત્રી’ને હવે કોણ સ્વીકારશે? લગ્ન પછી માત્ર આઠ દિવસ મા પુરુષ સાથે રહી. ભગવતીના જન્મ પછી મા કાયમ માટે સાસરી છોડી, પિયર આવી, ભણતર પૂરું કરી નોકરી શરૂ કરે છે. ત્યારથી પતિ પરદેશ છે એવી ખોટી વાતનો આશરો લઈ જીવે જતી હોય છે. માનાં મુખે સાચી વાત જાણી ભગવતીની સ્વપ્નની દુનિયા તૂટી જાય છે. હવે તેને પારિજાતકની સુવાસ મડદાની વાસ લાગવા માંડે છે. માના અસત્ય પાછળ પુરુષપ્રધાન સમાજવ્યવસ્થા જવાબદાર છે. રૂપાળી દેખાતી માએ સ્વબચાવ માટે ચાંદલો કરવો પડે છે. ભગવતી બાવીસ વર્ષની થાય છે ત્યારે મા મૃત્યુ પામે છે. પંદર વર્ષે ભાંગેલો ભ્રમ તેને કોઈ પુરુષ સાથે જોડાવા દેતો નથી. તે લગ્ન કરે છે પણ તેની ભીતર પ્રેમનું ફળ ખીલતું નથી. વાર્તાના અંતે ભગવતી વિચારે છે, ‘અહીં મને એક માણસ મળ્યો, જેણે ઉદાસીનતાના આ પાશમાંથી મને છોડાવવાની ઈચ્છા પ્રગટ કરી. મેં એનો આશરો મંજૂર કરી લીધો... પણ... પારિજાતકનાં ફૂલોની આ ભીની-ભીની સુગંધે હજુ મને બાંધી રાખી છે. સ્મૃતિમાં વસેલી આ મૃદુ ગંધ શું ક્યારેય મારો કેડો નહીં મૂકે?’ (પૃ.૧૦૭) વાર્તાના આરંભે પણ સુગંધ છે અને અંતે પણ સુગંધ છે. સુગંધની સાથે સત્ય છુપાવવાના ભારથી ભરેલો ભૂતકાળ છે. વાર્તાકલાની રીતે પણ આ વાર્તા નોંધપાત્ર છે. કથક છે પૂર્ણ યુવતી અને પત્ની એવી ભગવતી. પારિજાતકની અણગમતી વાસથી ભગવતીના ચિત્તમાં વીતેલાં બાવીસ વર્ષો જીવંત થઈ જાય છે. તેથી ભાવક પુખ્ત ભગવતીની આંખે બાળક અને કિશોરી ભગવતીને, તેના મા અને નાની સાથેના સંબંધોને, સમાજની સંરચનાથી સર્જાતી ભીંસને, એ ભીંસમાં ગૂંગળાતી મા-દીકરીને જુએ છે. નાની ભગવતીના માનસપટ પર રૂપાળી માની છબી ઝીલાઈ છે. વાર્તામાં ત્રણેકવાર માના રૂપનું ભગવતી વર્ણન કરે છે. એ વાત ભગવતી પરના માના પ્રભાવને સૂચવે છે. ભગવતીને મા કોઈ ‘શાપિત અપ્સરા જેવી’ લાગે છે. પુરાકથામાં પારિજાતકની સુંદરતા, સુવાસનો ભોગ ઈન્દ્રનો શાપ લે છે તેમ માની સુંદરતાનો, સંવેદનાનો ભોગ હવસખોર પુરુષ લે છે. માની સાથે દીકરીના બાળપણનો અને તેના સંવેદન વિશ્વનો હંમેશ માટે લેવાતો ભોગ – એ અર્થમાં પારિજાતક એ આ વાર્તામાં મા-દીકરીનું પ્રતીક બને છે. દીકરી સુંદર નથી એ વાતે મા હાશકારો અનુભવે ત્યાં માનો વિષાદ ભાવક અનુભવી શકે. માની ચુપ્પી તેની આંખના રંગ વડે મૂર્ત કરી છે. એક જ વાર સાચું બોલીને મા ચુપ થઈ જાય અને મૃત્યુ સુધી આ ભાર વેંઢારતી માનું ચિત્ર ભાવકની આંખ ભીની કરે છે. સ્મૃતિઓ અને સુગંધથી ફ્લેશબેકમાં જતી આ વાર્તા કથકની યોગ્ય પસંદગી, દીકરીની આંખે માની ભારેખમ ચૂપકીદીનું સચોટ નિરૂપણ અને માના ભાર સાથે આજીવન જીવતી દીકરી ભગવતીના આલેખનને લીધે પ્રભાવક બની છે. ‘ટક્કોમૂંડો’ વાર્તાનું કથાવસ્તુ આ મુજબ છે. સરસ્વતી રવિવારનું છાપું વાંચતી બેઠી છે. પૌત્રી કિન્નરી રડતી-રડતી સરસ્વતીના ખોળામાં ભરાઈ જાય અને વાળમાં જૂ પડી હોવાથી મા વાળ કપાવવાની વાત કરી રહી છે એ વાતની ફરિયાદ કરે છે. બાળપણમાં સરસને તેના ધનવાન શહેરી માસીબા પ્રેમથી ‘માણસ’ બનાવવા માટે પોતાની સાથે શહેરમાં લઈ જાય છે. માસીબાના કહ્યા મુજબ ‘છોકરી તેમની પાસે રહી માણસ બનશે, તો માસીબા તેના લગ્નમાં જરૂર યથાશક્તિ મદદ કરશે.’ કોડીલી સરસ માસી સાથે શહેરમાં જાય છે. ત્યાં માસી, માસીની દીકરીઓ તેની નિર્દોષતાને, સરળતાને કચડી નાંખે છે અને તેને માથામાં જૂ પડ્યાની વાતે વાળ મુંડાવી દઈને એક જંતુ બનાવી દે છે. ‘આંખના પલકારામાં એક નાનકડી છોકરી, કાળો કીડો બની ગઈ છે.’ પૈસાદાર માસીની સંવેદનહીનતાને તેની નાનકડી છોકરી પર થતી અસરને વાર્તાકારે સચોટ રીતે આલેખી છે. વાર્તામાં સર્વજ્ઞનું કથનકેન્દ્ર છે અને આઠ ખંડ છે. પ્રથમ અને અંતિમ ખંડમાં વર્તમાન સમયનું નિરૂપણ છે. જેમાં વૃદ્ધ સરસ્વતી ભર્યાભાદર્યા કુટુંબમાં રહે છે તેનું વર્ણન છે. વચ્ચેના છ ખંડ સરસ્વતીની સ્મૃતિરૂપે આવે છે. બીજા ખંડમાં માસીબા પોતાની બે દીકરીઓ સાથે ગામડે આવી છે. નાની સરસ્વતીની મોટી બહેન હંસાની સુવાવડ થઈ છે. આ ખંડમાં માસીના સંવાદો તેના વ્યક્તિત્વને ઉપસાવે છે. ત્રીજા ખંડમાં માસીની દીકરીઓ નાની સરસને ઢીંગલીની જેમ સજાવે અને રમાડે તથા પોતાની સાથે શહેરમાં લઈ જવાની વાત કરે. ચોથા ખંડમાં માસીના ઘરમાં મૂંઝાતી, શાળામાં ગૂંચવાતી સરસ જોવા મળે છે. હવે, માસીની દીકરીઓ અને માસી પાસે સરસ જોડે વાત કરવાનો સમય પણ નથી. પાંચમો ખંડ નાટકમાં આવતા વળાંક જેવો છે. ધોબી કપડાં પર જૂ જુએ અને નોકરાણી રાધાની સલાહ પર સરસનું મુંડન કરવાનો નિર્ણય લેવાય. છઠ્ઠા ખંડમાં સરસની મુંડન ક્રિયાનું વર્ણન છે. સાતમા ખંડનો આરંભ જમવાના ટેબલ પર થતી સરસની મશ્કરીથી થાય છે. બીજા દિવસે ભાઈના કપડાં પહેરાવીને શાળામાં મોકલવામાં આવે છે. છોકરીઓ અને શિક્ષિકા પણ સરસની મન:સ્થિતિ સમજ્યા વિના મજાક ઉડાવે છે. ખંડનો અંત સુખદ છે. આચાર્યાની ઑફિસમાં સરસને બોલાવાય છે. ત્યાં તેનાં બાપુજી બેઠા છે. તે સરસને હૈયા સરસી ચાંપી દે છે અને સરસ અહીં રડી પડે છે. એ રડતી સરસ યાદ આવતા વૃદ્ધ સરસ્વતી રડી પડે છે જેનું આઠમાં ખંડમાં વર્ણન છે. ‘બિચારી’એ સંગ્રહની કથાવસ્તુની દૃષ્ટિએ પણ કંઈક અંશે હળવાશભરી રચના છે. ઉષા અને શુભદા બંને પાકી બહેનપણીઓ છે. બંનેનું વ્યક્તિત્વ એકમેકથી સાવ ભિન્ન છે. ઉષા શુભદા કરતાં બેએક વર્ષ નાની છે. તે નાની વયે વિધવા થઈ એ વાતે ઉષાને ઊંડો આઘાત લાગ્યો છે. આખી કથા ઉષાના મુખે કહેવાય છે. સમયની દૃષ્ટિએ જોઈએ તો વાર્તામાં એક દિવસનો જ સમય છે. પાર્ટીના દિવસે સવારે શુભદા સાથે ઉષાની ફોન પર વાત થાય છે. સાંજે પાટણકરની પાર્ટીમાં બંને બહેનપનીઓ એકમેકને મળે છે. વાર્તામાં અગત્યનું તત્ત્વ છે ઉષાનું કથનકેન્દ્ર અને પાર્ટીનો પરિવેશ. સાવ સરળ એવી આ વાર્તા માનસશાસ્ત્રીય દૃષ્ટિએ તપાસીએ તો તેનું ભિન્ન પરિમાણ જોવા મળે. સાથે જ પાર્ટીના પરિવેશ વડે વાર્તાકારે બાહ્ય ચમકદમકમાં દબાઈ જતી સાચી લાગાણીઓની વાત વણી લીધી છે. ઉષા કથક પણ છે અને વાર્તાનું મહત્ત્વનું પાત્ર પણ છે. વાર્તાની સંકલના નોંધપાત્ર છે. શેરલૉક હોમ્સની કથાઓમાં વોટ્સન કથક તરીકે આવે અને વાચકને જુદી દિશામાં દોરે. જ્યારે વાર્તાના અંતે રહસ્ય ઊઘડે ત્યારે ખબર પડે કે વોટ્સન કંઈક બીજું જ સમજતો હતો. જ્યારે હોમ્સ કંઈક બીજું જ કરી રહ્યો હતો. રહસ્યકથાઓમાં આ પ્રયુક્તિથી સર્જક વાચકની જિજ્ઞાસા સંકોરી રાખે અને છેવટ સુધી રહસ્યને જાળવી રાખે. ‘બિચારી’માં ઉષા વોટ્સનની જેમ વાત કહી રહી છે, પરંતુ અહીં ભેદ એટલો જ છે કે ઉષા પોતે પણ શુભદાને ઓળખી શકતી નથી. વાર્તાનો આરંભ જુઓ. ‘પાર્ટીના દિવસે જ એનો ફોન આવ્યો. એના અવાજમાં સદા સંભળાતો રણકો ન હતો. મારું હૃદય દ્રવી ઊઠયું. અરેરે! બિચારી! કેટલી નાની ઉંમરે વિધવા થઈ ગઈ!’ (પૃ.૨૩) ઉષા મનોમન કલ્પના પણ કરી લે છે કે તે સાંજે શુભદાને આશ્વાસન આપશે અને થોડા દિવસ પોતાની સાથે રહેવા માટે લઈ આવશે. ઉષા લગ્ન પછી પણ એવી સંકોચશીલ અને ભીડથી દૂર ભાગનારી છે. યજમાન પાટણકરનો ખાસ આગ્રહ હતો કે વિનોદ પત્ની ઉષાને લઈને જ પાર્ટીમાં આવે. પાટણકરની પત્ની સુમંગલા વિનોદની સાથે સ્કૂલમાં ભણતી હતી. પાર્ટીની ભવ્યતા જોઈને ઉષાને બીક લાગવા માંડે છે. તેમાંય વળી સુમંગલા તેને વિનોદની સાથે જે રીતે આવકારે છે એ વાતે તો ઉષા વધારે સંકોચાઇ જાય છે. વાર્તાકારે આરંભે ઉષા અને શુભદાની ટેલિફોનિક વાતચીતના અંશ મૂક્યા છે. શુભદા પર અચાનક આવી પડેલી વિપદાથી ઉષા ચિંતિત ને દુ:ખી છે. અહીં ઉષાની નજરે શુભદાને ભાવક જુએ છે. પાર્ટીમાં ઉષા જે શુભદાને જુએ છે તે ટેલિફોનિક વાતચીત કરતાં સાવ જુદી જ છે. ત્યારે સાચી શુભદા કઈ એવો પ્રશ્ન થાય. ફોન પર શુભદાની સામે પોતાના પતિનો ઉલ્લેખ થઈ જાય છે એ વાતે પણ ઉષાને દુ:ખ થાય છે. આ વાતચીતથી દુ:ખી, આંસુ સારતી અને જીવનમાંથી રસ ઊડી ગયો હોય એવી એક યુવતીનું ચિત્ર ઊપસે છે. ઉષાની જેમ ભાવકને પણ એક સમયની હસમુખી, મોજથી જીવનારી શુભદા માટે લાગણી જન્મે. ઉષાના વિચારો દરમિયાન કૉલેજ કાળની પોતાની મરજી મુજબ જીવનારી શુભદાનું ચિત્ર ઊપસે છે. આ ભૂતકાળની સ્મૃતિઓ વડે વાર્તાકારે એક સાથે બે બાબત સિદ્ધ કરી છે. એક, પાર્ટીમાં ઉષાની થનારી અવસ્થાનો સંકેત આપી દીધો છે. બીજું, ઉષાની શુભદા માટેની લાગણીઓ દ્વારા ઉષાનું સંવેદનશીલ વ્યક્તિત્વ આલેખ્યું છે. એક તરફ શુભદા ઉષાને પોતાની ‘બેસ્ટ ફ્રેન્ડ’ તરીકે ઓળખાવે અને બીજી બાજુ તેની સાથે તે એકલા બેસવાનું ટાળે. વાર્તાનો અંત વધારે વેધક છે. ઉષાના પતિ વિનોદની સાથે કૉલેજમાં અભ્યાસ કરનારી સુમંગલાએ ભારપૂર્વક વિનોદને કહ્યું હતું કે ઉષાને લઈને જ આવે. અહીં તે વિનોદ સાથે ઉષાને મળી હોવા છતાં શુભદાની બાજુમાં ઊભેલી ઉષાને ઓળખાતી પણ નથી. શુભદાની સામે તે પ્રશ્નાર્થ નજરે જુએ છે ત્યારે શુભદા તેને ઉષાની ઓળખાણ આપે છે. ઉષા શુભદા વિશે ક્ષણવાર પૂરતું પણ ખરાબ ન વિચારે એ યોગ્ય જ છે, પરંતુ સુજ્ઞ ભાવકને વાર્તાનો આવો અંત વાંચતા ખ્યાલ આવી જાય કે શુભદાને મન ઉષા શું છે? ભાવકના ચિત્તમાં શુભદાના દુ:ખે દુ:ખી થઈ, સાદી સાડી પહેરીને આવતી ઉષાનું ચિત્ર અને તેની વિરોધે ફોનની વાતચીત કરતાં સાવ જુદી જ રીતે રૂબરૂમાં વર્તતી શુભદાનું ચિત્ર ઊપસી આવે. વાર્તાનું શીર્ષક ‘બિચારી’ વક્રોક્તિસૂચક બની રહે છે. ‘અણસાર’માં સર્વજ્ઞનું કથનકેન્દ્ર છે. વર્તમાનમાં વિનીતાનો મામાનો દીકરો મનમોહન ને તેની પત્ની ભારતીનું વિદેશમાં આગમન, ભારતી ગર્ભવતી થતાં મામીનું ત્યાં આવવું, મામી સાથે વિનીતાની મુલાકાત અને ભારતીના બાળકનો જન્મ – આટલી ઘટનાઓ બને છે. એની સામંતરે વિનીતાના મનમાં ચાલતી સ્મૃતિઓ રૂપે વિનીતાનું પહેલીવાર મા સાથે પપ્પાની પાસે વિદેશમાં આવવું, મમ્મીના પપ્પા સાથે ઝઘડા, નાની સાથેની વિનીતાની છેલ્લી મુલાકાત, મામા-મામીનું હેત, પપ્પાની નામરજી છતાં બીજા બાળકને પડાવી નાંખતી મા, વિનીતા પહેલીવાર રજસ્વલા થતાં માએ કરેલો ઝધડો, સ્ટીવ સાથેની મુલાકાત અને તેના પ્રત્યેનું દૈહિક આકર્ષણ વગેરે પ્રસંગો ગૂંથી લીધાં છે. વર્તમાન અને ભૂતકાળની આ ગૂંથણી પણ સરસ રીતે થઈ છે. વર્તમાનમા કોઈક પ્રસંગ બને અને વિનીને ભૂતકાળનો કોઈક પ્રસંગ યાદ આવી જાય. જેમ કે, વિનીતા આંગળી પરની વીંટી ફેરવતી હોય અને તેણે નાનીમા માટે આ વીંટી ખરીદી હતી એ પ્રસંગ યાદ આવે. ભાભી-ભારતી સાથે ફોન પર વાત કરતી વિનીતાને પોતાની એકલતા યાદ આવે. વાર્તાકારે અહીં બાયફોકલની રચનારીતિનો વિનિયોગ કર્યો છે. વાર્તામાં વિનીતાના વર્તમાન સાથે તેનાં ભૂતકાળની સન્નિધિ રચાતી જાય અને તે દ્વારા ભાવકને વિનીતાની એકલતા અને તેના દાંપત્યજીવનમાં જન્મેલા વિસંવાદના કારણો સમજાતા જાય. ભૂતકાળને યાદ કરતી વિનીતા પણ વાર્તાના અંતે બાળકના જન્મ સાથે આ વિષાદમાંથી મુક્ત થાય છે. વિનીતાની સ્મૃતિઓની આ યાત્રા દુ:ખદ હોવા છતાં તેને માટે તો વરદાનરૂપ બની રહે છે. વાર્તાના આરંભે મનમોહન અને ભારતીને મળવા જવા માટે અરીસા સામે ઊભેલી વિનીતા ચાંલ્લો કરી રહી છે અને ત્યાં તેને અરીસામા કિશોર વિનીતા દેખાય છે. વિનીતાના દિવાસ્વપ્નોથી થતો દૃશ્યાત્મક આરંભ સૂચક છે. અરીસાની પ્રયુક્તિ અને દિવાસ્વપ્ન વડે વાર્તાકાર વિનીતામાં બે વિનીતા રહેલી છે એ સૂચવી દે છે. એક વિનીતા જે વર્તમાનમા હસતો ચહેરો રાખીને તૈયાર થઈ રહી છે અને બીજી વિનીતા જે તેની અંદર ભૂતકાળનો બોજ વેંઢારતી જીવી રહી છે. વાર્તામાં સ્વજનોથી દૂર, એકલાં રહેતાં સ્ટીવ અને વિની વચ્ચેનું અંતર મનમોહન-ભારતી અને મામીના આગમનથી ઘટે છે. અહીં પરોક્ષ રીતે વાર્તાકાર જાણે કે જૂની સંયુક્ત કુટુંબ પરંપરાની ઊજળી બાજુ દર્શાવે છે. સ્ત્રી-પુરુષ વચ્ચેની તિરાડ નાની, મામી જેવાં વડીલોની ફૂંફ, નવજાત શિશુના જન્મથી પુરાતી બતાવી છે. જે માનસશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર એમ બંને રીતે યોગ્ય છે. વાર્તાકલાની રીતે તો નવો જન્મ માત્ર બાળકનો નહીં પરંતુ સ્ટીવ-વિનીના સંબંધનો પણ થાય છે. સ્વજનોની હૂંફ, વાત્સલ્ય લગ્નના અમુક વર્ષો પછી ઊભા થતાં અંતરને દૂર કરે છે એવું વાસ્તવ જગતનું સત્ય અહીં કલાત્મક રીતે રજૂ થયું છે. ‘મુલાકાત’માં નાયિકના મુખે આખી વાત કહેવાય છે. નાયિકા પ્રૌઢ વયની છે. તે કૉલેજમાં અધ્યાપિકા છે. લેખનકાર્ય પણ કરે છે. સ્વ-નિરીક્ષણ અને નિર્મમ કહી શકાય તે હદે પોતાની લાગણીઓ-વિચારોનું પરીક્ષણ કરનારી આ નાયિકા ભાવકને યાદ રહી જાય તેવી છે. તીક્ષ્ણ બુદ્ધિ અને સમજદારીવાળી આવી હટકે નાયિકાને (પરંપરાગત નાયિકાથી સાવ જુદી) હૈદરાબાદ ફિલ્મસિટીમાં બુદ્ધિથી પામી, સમજી ન શકાય તેવો અનુભવ થાય છે. નાયિકાની કૉલેજમાં નરેન્દ્ર નામના યુવાન સાથે મૈત્રી હતી. બંને સાથે કૉલેજ, લાયબ્રેરીમાં જતાં. એકવાર પાછા ફરતી વખતે નાયિકા સાયકલ પરથી પડી જાય છે. નરેન્દ્ર તેને મદદ કરે છે. એ ક્ષણે બંને એકમેક પ્રત્યેની તીવ્ર લાગણીને અનુભવે છે. બંને તે પળને નકારે છે. વર્ષો પછી ફિલ્મસિટીમાં નાયિકાની અચાનક નરેન્દ્ર સાથે મુલાકાત થાય છે. નરેન્દ્ર પોતાના સંતાનો, પત્ની વિશે માહિતી આપે છે. નાયિકના લખાણો તે વાંચે છે એમ પણ કહે છે. આ વાતોમાં જાણે વર્ષોનો અંતરાલ ઓગળી જાય છે. નાયિકા અને તેનો પતિ મુંબઈ પાછા ફરે છે. પાછા ફર્યાના બે દિવસ બાદ નાયિકાની તેની બહેનપણી માલતી સાથે ફોન પર વાતચીત થાય છે. વાતવાતમાં માલતી પોતાની દીકરીની સગાઈ નરેન્દ્રના દીકરા સાથે કરી હોવાનું જણાવે છે અને પછી નાયિકાને પૂછે છે, ‘તારા પિયરના ગામના છે. શ્રી નરેન્દ્ર શાહનો દીકરો. ઓળખે છે?’ ઉત્સાહમાં નાયિકા કહે છે કે તે ઓળખે છે. ત્યાં જ માલતી તેને કહે કહે છે કે નરેન્દ્ર તો મૃત્યુ પામ્યો છે. આ સાંભળતાવેંત નાયિકાના શરીરમાં ધ્રુજારી આવી જાય છે ત્યાં વાર્તા પૂરી થાય છે. આ વાર્તા પ્રમાણમાં શિથિલ છે. જરા હટકે હોય તેવી નાયિકા, ઉચિત કથનકેન્દ્ર, ભાવકની ધારણાથી જુદી દિશામાં આગળ વધતાં પ્રસંગો, પરિવેશનો સુરેખ રીતે થયેલો વિનિયોગ અને સ્ત્રી માનસની સંકુલતાનું નિરૂપણ જેવી બાબતો વાર્તાનું જમાપાસું છે. ભાવક તરીકે આવા સંકુલ વિષયને નિરૂપતી આ વાર્તા તેના અંત તરફ ઉતાવળે ગતિ કરતી જણાય. કોઈ સંદર્ભ વિના આવતો માલતી સાથેનો વાર્તાલાપ ખૂંચે છે. આ મર્યાદા સાથે પણ નોંધવું રહ્યું કે નાયિકાની નરેન્દ્ર સાથેની મુલાકાતની ભ્રમણા હકીકતમાં તો તેની‘સ્વ’ સાથેની મુલાકાત બની રહે છે. ‘પાશ’ આ સંગ્રહની જ નહીં પણ ગુજરાતી ટૂંકી વાર્તામાં પણ વિશિષ્ટ સ્થાન પામે તે પ્રકારની વાર્તા છે. પ્રમાણમાં દીર્ઘ હોય તેવી નવલિકાઓનું એક સુંદર સંપાદન ડૉ. શિરીષ પંચાલે ‘સપ્તપર્ણ’ નામથી કર્યું છે. તેમાં તેમણે આરંભે દીર્ઘ નવલિકાઓનું વાચન શી રીતે કરવું તે અંગે પાયાની ચર્ચા કરી છે. ‘પાશ’માં પણ નારીનું સંવેદન કેન્દ્રમાં છે. વસુંધરાકાકી આ વાર્તાનું પ્રમુખ પાત્ર છે. ત્રીસેક પૃષ્ઠમાં વિસ્તરતી વાર્તાનું ફલક વ્યાપક છે. સંયુક્ત કુટુંબ વ્યવસ્થાનું નિરૂપણ કરતી આ વાર્તા વાંચતી વેળાએ ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’નો બીજો ભાગ ‘ગુણસુંદરીનું કુટુંબજાળ’ યાદ આવે. ‘પાશ’ વાર્તા બે ભાગમાં વહેંચાયેલી છે. બાર વર્ષની વયે વસુંધરા પરણીને દેસાઈ કુટુંબમાં આવે છે ત્યાંથી માંડીને ભત્રીજા અનિલની વહુ બાળકને જન્મ આપે છે ત્યાં સુધીનો સમય વણી લેવાયો છે. કથનકેન્દ્ર સર્વજ્ઞનું હોવાછતાં વાર્તા વસુંધરાના દૃષ્ટિકોણથી કહેવાઈ છે. પ્રથમ ભાગમાં ભત્રીજો અનિલ જૂનું વારસાગત મકાન તોડીને તે જ જમીન પર ફ્લેટ બનાવવા જઈ રહ્યો છે. વસુંધરા જૂના ઘરમાં થાંભલીના ટેકે બેઠી બેઠી પોતાના જીવનનાં લેખાજોખાં કરી રહી છે. વસુંધરાના માનસપટ પર પ્રેમાળ અને ગર્વિષ્ઠ સાસુ, નપુંસક પતિ માધવરાવ, બીમાર જેઠાણી, લંપટ અને ઉડાઉ જેઠ, સ્વતંત્ર મિજાજવાળી અને પતિને વશમાં રાખતી દેરાણી, પત્નીની ‘હા’માં ‘હા’ ભણતો દિયર, શાખની ખોટી વાતોમાં રાચતા ખર્ચાળ સસરા, કુટિલતાથી ઘરનો બધો વહીવટ હાથમાં લઈ લેતી વિધવા નણંદ ગંગા, નવજાત ભત્રીજો અનિલ- આ બધાં કુટુંબીજનો એક પછી એક જીવંત થઈ ઊઠે છે. ભર્યાભાદર્યાં ઘરની જાહોજલાલી અને ક્રમશ: કૌટુંબિક વિખવાદો તથા આર્થિક પાયમાલીના કારણે આખો પરિવાર તૂટતો જાય છે. છેલ્લે બચે છે આ ઘરના સ્તંભ સરીખી અડગ અને એકલી વસુંધરા. બીજા ભાગમાં વસુંધરા અનિલની સાથે તેના નવા ઘરમાં રહેવા આવે છે અને ત્યાંથી તૂટતાં ઘરને જુએ છે. જૂના ઘરનો થાંભલો ઊખડતો નથી એ વાતે વસુંધરા ખુશ છે. એ ભૂતકાળના પાશમાંથી થોડું જ છૂટી શકાય! વસુંધરા આ પાશમાંથી છૂટે છે. અનિલની ગર્ભવતી પત્ની પુત્રને જન્મ આપે છે. સાસુનું જેવું વસુંધરા સાથે જોડાણ હતું તેવું જોડાણ વસુંધરાનું અનિલની પત્ની સાથે સધાય છે. એક તરફ થાંભલો તૂટે છે, બીજી તરફ એ જ કુટુંબનો વારસ જન્મે છે અને તેને ખોળામાં લેતાંવેંત વસુંધરા ભૂતકાળના પાશમાંથી મુક્ત થઈને ભવિષ્ય તરફ જુએ છે. વાર્તાકારની સમયસૂઝ અને બાયફોકલની રચનારીતિના લીધે વિશાળ સમયપટ પર ફેલાયેલી અને અનેક પાત્રોને વણી લેતી આ વાર્તા ચુસ્ત બની છે. વાર્તાકારે વર્તમાનના માત્ર સાત દિવસની ઘટનાઓનું આલેખન કર્યું છે એ રીતે સમયનું સંકોચન છે. વસુંધરાની સ્મૃતિઓરૂપે તે બાર વર્ષની વયે વહુ બનીને આવે છે ત્યારથી માંડીને આજદિન સુધીના સમયને આવરી લીધો છે. સાત દિવસનો ભૌતિક સમય અને સ્મૃતિઓરૂપે ચૈતસિક સમય – આ ગૂંથણી વાર્તાને ઉપકારક બની છે. સાત દિવસની સમયસંકલના વડે એક જીવંત પરિવાર અને તેના પતનની વાત કહેવાઈ છે. આખી વાર્તામાં પરિવેશની સૂક્ષ્મ વિગતસભર ગૂંથણીના લીધે વાર્તા અર્થસભર બની છે. વસુંધરાના પતિ માધવરાવની નપુંસકતા હીંચકાના કીચૂડાટ અને બીડીના ધુમાડાથી સૂચવાઈ છે. પૂજાની ઓરડીનો અંધકાર ગંગા નણંદના જેઠ સાથેના અનૈતિક સંબંધને સૂચવે છે, સાથે જ આ અંધકાર વસુંધરાના અચેતનને પણ દર્શાવે છે. ઘરની જાહોજલાલી અને બધાનો એકમેક માટેનો પ્રેમ સૂરજનો પ્રકાશ, અગરબત્તીની સુગંધ, મંજીરાનો ધ્વનિ અને સસરાના અવાજથી મૂર્ત થાય છે. દૂધ પી જતી મીનીનો એકાધિકવાર આવતો ઉલ્લેખ જુદાંજુદાં સંકેતો રચે છે. મીની વસુંધરાની એકલતાની સાથી છે. મીનીને મારી બેસતાં માધવરાવનો વંધ્ય આક્રોશ એ ચેષ્ટા વડે સૂચવાય છે. મીનીની દૂધ પી જવાની ચેષ્ટા ગંગાની બધુ હડપ કરી જવાની વૃત્તિનો સંકેત બની રહે છે. સાસુની નાકની મોતીની નથ એ સાસુ, વસુંધરા અને અનિલની વહુને જોડતી કડી બને છે. પહેલીવાર વસુએ સાસુના ગુલાબી હોઠ પર ચમકતી પંચારતી સમી નથ જોઈ હતી તે પળથી વસુ સ્નેહના તાંતણે સાસુ સાથે બંધાઈ ગઈ હતી. આ જ નથ વસુંધરા અનિલની વહુને પહેરાવતી વેળાએ વિચારે ચે કે, ‘આજે નથનો સાચો ધણી મળી ગયો છે.’ થાંભલો વસુંધરાની સ્મૃતિઓને, તેના કુટુંબીજનો અને ઘર સાથેના પ્રગાઢ બંધનને સૂચવે છે. વાર્તાના અંતે ઊખડી જતો થાંભલો વસુંધરાનાં ભૂતકાળના પાશમાંથી થતાં છૂટકારાનો સંકેત બની રહે છે. આ વાર્તામાં જન્મ અને મૃત્યુનું ચક્ર પણ ગૂંથાયેલું છે. જેઠાણી, જેઠ, સસરા, સાસુ અને અંતે પતિ માધવરાવ – આ બધાંના મૃત્યુ વસુની સ્મૃતિઓરૂપે આવે છે. બાળક અનિલનો જન્મ અને અનિલને ત્યાં પુત્રનો જન્મ એમ બે જન્મની ઘટના વડે કાળનું ચક્ર પૂર્ણ કરવામાં આવ્યું છે. વસુંધરાએ નવજાત અનિયને સ્નેહથી ખોળામાં લીધો હતો. અનિલની પત્ની ગર્ભવતી થઈ તે નવ મહિનાની વસુંધરા સાક્ષી બને છે. તેથી અનિલના બાળકનો જન્મ વસુંધરાનો પણ નવો જન્મ બની રહે છે. વાર્તામાં સંયુક્ત કુટુંબમાં જોવા માલતિ ખટપટો અને કાવાદાવા પણ આલેખાયા હોઈ વાર્તા વાસ્તવિક બની છે. દેરાણીના પત્ર વડે એ ખટપટોનો તંતુ વર્તમાન સુધી- અનિલ સુધી લંબાય છે. અનિલ વસુંધરાની લાગણીને સમજે છે અને તે ખરા અર્થમાં વસુંધરાનો વારસ બની રહે છે. ચુસ્ત સમયસંકલના, ઝીણું નકશીકામ, બાયફોકલની પ્રયુક્તિ, ઘરના પરિવેશનું સંકેતસભર નિરૂપણ વડે આ વાર્તા ગુજરાતી ટૂંકી વાર્તામાં પણ વિશિષ્ટ સ્થાનની અધિકારી બની રહે છે. ‘શરીર’ વાર્તામાં માલતીની દશા ભગવતીની મા જેવી છે. ચાર ખંડમાં વિસ્તરેલી આ વાર્તામાં સર્વજ્ઞ અને ‘હું’ એમ બેવડું કથનકેન્દ્ર પ્રયોજાયું છે. સરકારી ઑફિસ, માલતીની સાસરીની ચાલી, રેલ્વે સ્ટેશન, રેસ્ટોરાં તથા હૉસ્પિટલનો પરિવેશ શહેરી વાતાવરણને સુરેખ રીતે ઉપસાવે છે. નર્સ અને ઉષા માલતીને હૉસ્પિટલમાં સંવેદનહીન લાગે તેવી રીતે હરતાંફરતાં જુએ છે અને તેના આધારે ઉષા માલતીના વ્યક્તિત્વ વિશે ખોટું અનુમાન લગાવી બેસે છે. અહીં પ્રત્યક્ષ વર્ણન અને સંવાદથી વાત કહેવાઈ છે. ઉષા અને નર્સ માલતીના જીવનના જે પાસાથી અજાણ છે તે પાસું સર્વજ્ઞ કથક પોતે વર્ણવે છે. એ રીતે માલતીનો ભૂતકાળ અને વર્તમાન એકમેક સાથે ગૂંથાતાં જાય અને ભાવકને માલતીના વર્તન પાછળની વેદના સમજાય. તેથી ભાવક ઉષા કરતાં જુદી નજરે માલતીને જુએ. વાર્તાકારે ઉષાને માલતીના જીવનનું સત્ય નહીં ખબર પાડવા દઈ અદ્બુત સંયમ જાળવ્યો છે. વાર્તાના અંતે ઉષા માલતીને તિરસ્કારભરી નજરે જુએ અને ભાવક માલતી પ્રત્યે કરુણા અનુભવે. માલતી એ વ્યક્તિ નહીં પરંતુ જાણે કે એક શરીર માત્ર છે. સમાજમાં ઘણીવાર કોઈ એક પ્રસંગ કે ઘટના પરથી કોઈ વ્યક્તિ વિશે- ખાસ કરીને સ્ત્રી વિશે પૂર્વગ્રહયુક્ત અભિપ્રાય આપી દેવાય છે. વાર્તાકાર આ વાર્તામાં આપણી આ સામુહિક મનોવૃત્તિને તાગતાં હોઈ કથકનો સીધો વાર્તામાં થતો પ્રવેશ ખૂંચતો નથી. ‘ઉનાળો’માં બેકાર યુવકની વ્યથાકથા તેના જ મુખે કહેવાય છે. ચાલીમાં બીમાર બાપ અને મા-બહેનની સાથે રહેતો નાયક પાડોશમાં રહેતા વિકલાંગ બાળકને, નવા રહેવા આવેલાં દંપતીને, રસ્તા પરથી પસાર થતી ભીડને શૂન્ય નજરે તાકયા કરે છે. કથાનાયકની ચેતનાથી આખી વસ્તુસ્થિતિનું નિરૂપણ થયું હોવાથી વાર્તા આસ્વાદ્ય બની છે. નાયકની સૂની, નિર્જીવ આંખ આસપાસ જે કાંઈ બનાવ બને તે જોયા કરે તે રીતે વર્ણન થયું છે. વાર્તાના આરંભના આ વિધાનો જુઓ. ‘ઉનાળાની હજુ શરૂઆત હતી, પણ એ બંધ ઓરડીમાં બપોરે જીવ ગૂંગળાઈ જતો. ગેલેરીમાંથી હું નીચે સૂની ગલી જોયા કરતો. ઓરડામાં હું પાછો જતો. હું બાઘાની જેમ અનિયમિત ચાલતી એ ધમણ જોયા કરતો. હવે હું બહાર ઊભો રહી રસ્તા પરની ઊડતી ધૂળ જોયા કરતો.’ (પૃ.30) આરંભે જ ખ્યાલ આવી જાય કે નાયકની સંવેદના જવાબદારીઓના બોજ હેઠળ કચડાઈ ગઈ છે, કુંઠિત થઈ ગઈ છે. તેમાંથી છૂટવા મથતો નાયક પાડોશી કાકી સાથે શારીરિક સંબંધ બાંધે છે. કાકી અને તેનો આ વિકલાંગ સંબંધ તેને થોડી ક્ષણો પૂરતો કટુ, બળબળતી વાસ્તવિકતામાંથી મુક્તિની અનુભૂતિ કરાવે છે. ‘હવે મારો રોજિંદો કાર્યક્રમ બદલાઈ ચૂક્યો. બહાર જવાને બદલે કાકીની ઓરડીમાં જતો... ન તે કંઈ બોલતી, ન હું કંઈ કહેતો, અને બંને ઠંડકમાં ડૂબતાં-ઉભરાતાં. જ્યાં સુધી હું અંદર રહેતો, રાહત રહેતી.’ (પૃ.૩૫) ‘નિ:સંગ’, ‘ગર્વ’ અને ‘હત્યા’ – આ ત્રણ સંગ્રહની નબળી રચનાઓ છે. ‘ગર્વ’માં શંકરલાલ પોતે નામર્દ નથી એ વાતે ગર્વ અનુભવે પરંતુ પોતે નોકરાણીનું શારીરિક શોષણ કર્યું હતું અને તેના નવજાત શિશુના અપમૃત્યુ માટે પોતે જવાબદાર છે એ વાત ભૂલી જાય. વિષયવસ્તુની રીતે હટકે તેવી આ વાર્તા યોગ્ય માવજતના અભાવે નબળી બની છે. શંકરલાલની મૂછ પર તાવ દેવાની ચેષ્ટા તેની હીનવૃત્તિને વેધક રીતે ઉપસાવે છે. જો કે, રેખાનું તેમણે કરેલું શારીરિક શોષણ પત્ની યશોદાને ન ખબર પડે તે સમજાય પણ બધાની પંચાત રાખતી કામવાળી સોનાને પણ ખબર ન પડે એ નવાઈ પમાડે. નવજાત બાળકનું શબ જોઈને અચાનક શંકરલાલને રેખા પર બળાત્કાર ગુજાર્યો હતો તે ક્ષણ યાદ આવે એ ઉપરથી ચોંટાડેલું જણાય છે. ‘નિ:સંગ’ વાર્તામાં ઑફિસમાંથી નિવૃત્ત થયેલી માધવી ટ્રેનમાં એક સ્ત્રીની પ્રસૂતિવેળાએ મદદરૂપ થાય છે. નવજાત શિશુના જન્મથી માધવીની ભીતરની એકલતા ઓગળે છે. કથકનો માધવી પ્રત્યેનો પક્ષપાત વાર્તાને હાનિ પહોંચાડે છે. વર્ષો સુધી એકલતા વેંઢારનારી અને વૃત્તિઓને દબાવીને જીવનારી માધવી આમ અચાનક એક જ ક્ષણમાં બદલાઈ જાય તે અપ્રતીતિકર બની રહે છે. ‘શરૂઆત’ વાર્તામાં વર્ષો સુધી ગામડે રહેનાર પોસ્ટ માસ્તર દવેજી પત્નીના અવસાન બાદ પુત્ર સાથે મુંબઈ રહેવા આવે ત્યારે તેઓ લિફ્ટથી પણ ભય અનુભવે. મુંબઈની ભીડભાડ જોઈ ગૂંગળાય. દીકરા-વહુ સાથે વાત કરતાં ખચકાય અને એક દિવસ એવો બનાવ બને કે તેમનો આ ખચકાટ દૂર થઈ જાય. ત્યાં પિતા-પુત્રના સંબંધની નવી શરૂઆત સાથે વાર્તા પૂરી થાય. અહીં ટેકનિકથી વિશેષ જે ધીરજપૂર્વક દવેજીની એકલતા, ગૂંગળામણ અને પત્નીની સ્મૃતિઓની ગૂંથણી થઈ છે તે નોંધપાત્ર છે. ‘ત્રિશંકુ’માં દાદી અને રાહતના પાત્ર દ્વારા સર્વજ્ઞના કથનકેન્દ્રથી દેશના વિભાજનની કારમી ક્ષણોનું નિરૂપણ થયું છે. શિથિલ સંકલના ધરાવતી આ વાર્તાના કેન્દ્રમાં આઝાદી પૂર્વેનું ભારત, આઝાદી પછીનું ભારત અને પાકિસ્તાન આલેખાયું છે. જન્મે મુસલમાન એવી રાહત દાદીની લાડકી છે. રાધા-કૃષ્ણ, રામ-સીતા, સાવિત્રીની કથાઓ સાંભળીને મોટી થઈ છે. બધાંની ઉપરવટ જઈને દાદીએ તેને મેટ્રિક સુધી ભણાવી. સિલાઈ, રસોઈ, લેજીમના દાવ, ઝંડા વંદન બધું શીખેલી રાહતને યોગ્ય વર મળતો નથી. છેવટે બેકાર યુવાન સાથે તેને દાદીની નામરજી છતાં પરણાવી દેવાય છે. નોકરી, વેપાર-ધંધો કશું ન કરી શકતો રાહતનો પતિ રાહતને ચાર સંતાનોની મા બનાવી દે છે અને પાકિસ્તાન લઈ જાય છે. વિભાજન વખતે પણ મક્કમ રહીને દેશ ન છોડનાર દાદી રાહતને રોકી શકતી નથી. પાકિસ્તાન જઈને તે એક દિવસ રાહતના સંતાનોને તરછોડીને ભાગી જાય છે. બાળકોના ઉછેર માટે કામની શોધમાં નીકળતી રાહતને મદરસામાં છોકરીઓને ભરતકામ અને કવાયત શીખવવાની નોકરી મળે છે. બાળપણમાં ગુરુજી પાસે શીખી હતી તે તાલીમને યાદ કરતી રાહત ઝંડાને સલામી આપતી વેળાએ આઘાત અનુભવે છે. કારણ કે અહીં તિરંગો નથી. ‘કોઈએ તેને અધ્ધર અવકાશમાં ટાંગી દીધી હોય તેમ’ અનુભવતી રાહતની વેદના સાથે વાર્તા પૂરી થાય છે. મૂળ કપાઈ ગયાની વેદના અને બાળકોના ઉછેર માટેનો સંઘર્ષ - એ બંને ભાવો રાહતના પાત્ર વડે આલેખયા છે. વાર્તાનો બંધ શિથિલ હોવાછતાં વિભાજનના વિષયને લઈને ગુજરાતીમાં પ્રમાણમાં ઓછી વાર્તાઓ લખાઈ હોઈ આ વાર્તા નોંધપાત્ર બની રહે છે. શહેરી દોડધામ અને યાંત્રિક જીવનની સંબંધો પર થતી અસરોનું માનસશાસ્ત્રીય રીતિએ આ સંગ્રહમાં આલેખન થયું છે. આ ભીડની વચ્ચે ભગવતીની મા, ‘ઉનાળો’નો નાયક, ‘શરૂઆત’ના નિવૃત્ત દવેજી, ‘શરીર’ની માલતીની સૂક્ષ્મ સંવેદનાઓ વાર્તાકારે કલાત્મક રીતે ભાવકને સંભળાવી છે. વાર્તાની તો એક વ્યાખ્યા પણ એવી જ છે કે એકલતાનો અવાજ એટલે વાર્તા. આ અવાજ આ સંગ્રહમાં બળકટ રીતે સંભળાય છે, અનુભવાય છે. હેમાંગિની રાનડેની વાર્તાઓમાં પરિવેશ ખૂબ અગત્યનું તત્ત્વ બની રહે છે. ‘શરીર’માં સરકારી ઑફિસ, ચાલી, હૉસ્પિટલ, રેસ્ટોરાં, રેલ્વે સ્ટેશન વડે માલતીની ભીંસ પૂરેપૂરી મૂર્ત થઈ છે. ‘ઉનાળો’માં બેકાર નાયકની ગૂંગળામણ બળબળતા ઉનાળા અને ચાલીના પરિવેશથી સચોટ રીતે ઊપસી છે. ‘પારિજાતક’માં વૃક્ષની સુગંધ અને તેની વિરોધે ખાલી ઘરમાં ભગવતીની માના નિ:સાસા વડે વાર્તા વ્યંજનાક્ષમ બની છે. ‘પાશ’માં જૂના ઘરનો પરિવેશ મહત્ત્વની પ્રયુક્તિ બને છે. પંચેન્દ્રિયોથી પામી શકાય તેવી રીતે થયેલું પરિવેશનું બારીક નિરૂપણ, પાત્રોની વય, વ્યવસાય, પરિસ્થિતિ આદિને આધારે થતું તેમનું માનસશાસ્ત્રીય આલેખન, સ્મૃતિઓ વડે પાત્રોની ઘડાતી, મરડાતી, તૂટતી સંવેદનાઓની તેમના જીવન પર થતી અસરો, કથનકેન્દ્રની યોગ્ય પસંદગી અને વાર્તાના વિષયને અનુરૂપ ગદ્યને કારણે હેમાંગિની રાનડેની વાર્તાઓ ગુજરાતી નવલિકાક્ષેત્રે અવિસ્મરણીય બની રહે છે.

ડૉ. આશકા પંડ્યા
વિવેચક, સંશોધક
મો. ૭૪૦૫૮ ૮૨૦૯૭