ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો - ખંડ ૨/નિવેદન
એકત્ર ફાઉન્ડેશન, યુ.એસ.એ. દ્વારા વીજાણુ માધ્યમથી ગુજરાતી સાહિત્યની સર્જનાત્મક કૃતિઓ, કવિતા-વાર્તાનાં સંપાદનો, ટૂંકી વાર્તાઓનું ઓડિયો રેકૉર્ડિંગ, સામયિકો અને અન્ય વિવિધ સ્વરૂપનાં સમૃદ્ધ પ્રકાશનો વાચકો માટે સુલભ બનાવ્યાં છે. એ પરંપરામાં ‘ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસઃ વહેણો અને વળાંકોનો પ્રથમ ખંડ’ ૨૬ નવેમ્બર ૨૦૨૪માં પ્રગટ કર્યો હતો. પ્રથમ ખંડમાં કુલ એકસો ચોત્રીસ (૧૩૪) વાર્તાકારોનો ઐતિહાસિક ક્રમમાં પરિચય પ્રગટ કર્યો હતો. શ્રી કવિ દલપતરામ (૧૮૨૦)થી શ્રી રામ મોરી (૧૯૯૩) સુધીના વાર્તાકારો વિશે ઉદિત અને નવોદિત સમીક્ષક મિત્રોએ નિષ્ઠા અને સ્વાધ્યાયદૃષ્ટિથી લેખો લખ્યા હતા. હવે, બીજા ખંડનું પ્રકાશન થઈ રહ્યું છે ત્યારે સંપાદક, પ્રકાશક અને સમીક્ષકમિત્રો આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. આ બીજા ખંડમાં કુલ છપ્પન (૫૬) વાર્તાકારો વિશે પરિચયલેખો છે. શ્રી રણજિતરામ વાવાભાઈ મહેતા (૧૮૭૧)થી શ્રી અભિમન્યુ આચાર્ય (૧૯૯૪) સુધીના વાર્તાકારો વિશેના પરિચયલેખોનું પ્રકાશન થઈ રહ્યું છે. બંને ખંડના મળીને કુલ એકસો નેવું (૧૯૦) ગુજરાતી ટૂંકી વાર્તાકારોનો ઐતિહાસિક આલેખ મળે છે. જોકે, ગુજરાતી ટૂંકી વાર્તાકારોની સંખ્યા ૧૯૦ કરતાં અનેકગણી મોટી છે એ હકીકત છે. તેમાંથી પ્રત્યેક તબક્કાના જાણીતા, નીવડેલા અને ઓછા જાણીતા વાર્તાકારોનો પરિચય સમગ્રપણે જોતાં ગુજરાતી ટૂંકી વાર્તાની સમૃદ્ધિનો ઇતિહાસ છે. બીજા ખંડના સમીક્ષકમિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું. મને એક પણ સમીક્ષકમિત્રએ ક્યારેક નિરાશ નથી કર્યો. સમીક્ષકમિત્રોએ પોતાને સોંપેલ કામ નિષ્ઠાપૂર્વક અને ગંભીરતાથી પૂરું કર્યું છે. એકત્ર ફાઉન્ડેશનના સંવાહક શ્રી અતુલભાઈ રાવલનો તમામ ક્ષેત્રે કાયમ સાથ-સહકાર મળ્યો છે. અમને કામ કરવાની કાયમ સ્વતંત્રતા આપી છે. શ્રી અતુલભાઈ રાવલના સાથીમિત્ર શ્રી રાજેશભાઈ મશરૂવાળાનો પણ કાયમ સહયોગ મળ્યો છે. અમે બંને મિત્રોનો આભાર માનીએ છીએ. પુરસ્કારની રકમ સમીક્ષકમિત્રોને સમયસર મળી રહે તે માટે શ્રી અનંત રાઠોડનો સહકાર મળ્યો છે. શ્રી મહેશભાઈ ચાવડાએ બંને ખંડનું સુંદર ટાઇપિંગ, લે-આઉટ કર્યું છે. શ્રી મહેશભાઈ ચાવડાની ટીમે બીજા ખંડનું પ્રૂફરીડિંગ કર્યું છે. શ્રી મહેશભાઈ ચાવડાએ કાયમ સાથ-સહકાર આપ્યો છે. અનેકવાર ફેરફારો અને સુધારા અને ઉમેરણો કરાવ્યાં છે પરંતુ કાયમ ઉદાર ભાવે તેમાં સહયોગ આપ્યો છે. શ્રી મહેશભાઈ અને એમની આખી ટીમનો હૃદયપૂર્વક આભાર માનું છું. બંને ખંડનું પ્રકાશન સંપન્ન થઈ રહ્યું છે ત્યારે એક બે વાત સામગ્રી વિશે. શ્રી રણજિતરામ વાવાભાઈ મહેતા વિશે બે પરિચયલેખો છે. શ્રી જયેશ ભોગાયતા અને શ્રી વિપુલ પુરોહિત બંને સમીક્ષકમિત્રોના લેખો છે. એ જ રીતે ચંદ્રકાન્ત બક્ષીના ત્રણ વાર્તાસંગ્રહો વિશે પણ બે પરિચયલેખો છે. બંને પરિચયલેખોમાં વાર્તાસંગ્રહો સરખા છે. શ્રી કિશોર પટેલ અને સુશ્રી ભાવિની પંડ્યાના લેખો છે. આ બંને પુનરાવર્તિત સામગ્રી સંપાદક અને સમીક્ષકમિત્રો વચ્ચેના સંદેશાવ્યવહારોમાં થયેલી ગેરસમજ કરતાં સમયાંતરે સોંપાતા કાર્યોમાં થતાં ફેરફારોને કારણે છે. એનો લાભ એ છે કે એક વાર્તાકાર વિશે બે સમીક્ષકમિત્રોની વિભિન્ન અભ્યાસદૃષ્ટિનો પરિચય મળે છે. અમે આશા રાખીએ છીએ કે ગુજરાતી ભાષાના એકસો નેવું (૧૯૦) વાર્તાકારોના પરિચયલેખો વાંચીને વાર્તાસ્વરૂપના અભ્યાસીઓ અને વાર્તાકારો પ્રસન્નતા વ્યક્ત કરશે. ગુજરાતી ટૂંકી વાર્તાના બંને પુસ્તક સ્વરૂપે પ્રકાશન કરવા માટે સાહિત્યિક સંસ્થાના પ્રમુખ-અધ્યક્ષ અથવા ખાનગી પ્રકાશકો ઉત્સાહ બતાવશે એવી અમને આશા છે. જો આ બંને ખંડો ગ્રંથસ્વરૂપે ઉપલબ્ધ થાય તો યુનિવર્સિટી, કૉલેજ અને જાહેર ગ્રંથાલયોના અનેક વાચકોને ગુજરાતી ટૂંકી વાર્તાના સમૃદ્ધ ઇતિહાસનો પરિચય થશે.
જયેશ ભોગાયતા
૮ ડિસેમ્બર, ૨૦૨૫
વડોદરા