ગુજરાતી નારીસંપદા : કવિતા/ઇસ્કોતરો

ઈસ્કોતરો

કામિની મહેતા

ઘર બદલવાનું હતું.
ઇસ્કોતરાનું કપાટ ઉઘાડ્યું.
કેટલીય ઝંખનાઓ દબાયેલી હતી.
હતી માના પાલવની મહેક
એક ડૂસકું, દીકરીના વિદાય સમયે
સ્મિત પાછળ છુપાયેલું.
ગુલાબનાં ફૂલની થોડીક
સુકાયેલી, સુવાસિત પંખુડી,
એક કોરા કટ્ટ,
કાળા ભમ્મરશા વાળની લટ,
અધૂરા ગીતની કડી,
જે ક્યારેય હોઠ સુધી આવી ન શકી.
એક બકેટ લિસ્ટ પણ હતી,
રાજસ્થાનનું રણ, બરફીલો હિમાલય... ને એવું કેટલુંય...
ભૂરાં આકાશનો એક ટુકડો
છેક નીચે દબાયેલો હતો.
એને જ ‘સ્પેસ’ કહેતા હશે...?
આર્થિક અવલંબનની
ઝીણી વેદના પણ હતી,
સન્માનનીય હકની એક
એષણા પણ લપાયેલી હતી.
કપાટ પાછું વાસી દીધું.
ના, આ કશું નથી લઈ જવું...
નવાં ઘરે હવે વાસનામુક્ત થઈ જવું છે...

***