ગુજરાતી નારીસંપદા : કવિતા/મત્સ્યગંધા...
Jump to navigation
Jump to search
મત્સ્યગંધા...
કલ્પના દવે
⯐
અગાધ દરિયામાં તરતી મત્સ્યગંધાએ-
સૂર્યના તપ્ત કિરણોને, ચંદ્રની શીતળતાને-
દરિયાના ઘુઘવાટને ક્યારનાય-
પચાવી લીધા છે.
પ્રેમની નાનીશી નૌકામાં ઝૂલતી આ
મત્સ્યગંધાને-
દરિયાની ખારાશ, મધદરિયાનું મોજું પણ,
ક્યાંથી હંફાવે? એના હૈયે મોટી હામ
આજ નહીં તો કાલ મારે જાવું પેલે પાર.
સાગરના મોજાંને હંફાવતી એ,
મસ્ત હતી દૂરની સફરમાં...
ત્યાં તો એક કાળું-વિકરાળ પંખી
ન્હોર મારતાં ઊડી ગયું દૂર દૂર,
તે જ ક્ષણે નાનીશી નાવ વેરવિખેર,
અથડાઈ એક મોટા હિમખડક સાથે-
મત્સ્યગંધાની તેજસ્વી આંખોમાં
છવાયો કાળો અંધકાર-ઘેરો અંધકાર!
વાત્સલ્યને-તેજને ઝંખતી મત્સ્યગંધા,
અતૃપ્ત-નિભ્રાન્ત-દિશાશૂન્ય એ
તરતી રહી, એના ભીતરે ઘૂઘવે દરિયો!
***