ગુજરાતી નારીસંપદા : કવિતા/રણ

રણ

વિપાશા મહેતા

રણમાં
એ નદી લાવી.
લોકો કહે
ના,
નથી આવી.
લોકો કહે, નદી કેવી રીતે આવે, રણમાં?
નદી ઉપર
એણે
બંધ બાંધ્યો.
લોકો કહે
ના,
બંધ કેવી રીતે આવે, રણમાં?

બંધ તૂટ્યો ને પૂર આવ્યું
લોકો કહે,
પૂર તે કંઈ આવે, રણમાં?
પૂર ના આવે, રણમાં.

બધા ડૂબી ગયા, પૂરમાં.
ઘણા બધાં અવાજ આવ્યા
આવું તે કંઈ થાય અમારા રણમાં?
આવું કાંઈ ન થાય અમારા રણમાં.

***