ગુજરાતી નારીસંપદા : કવિતા/શાને ઊગ્યો?
શાને ઊગ્યો?
જયમનગૌરી પાઠકજી
⯐
કિરણોમાં કોડ કેમ પાઠવ્યા,
મારે વસવાં આ ધરતીને અંક રે
ચંદ્રમા! શાને ઊગ્યો રે?
આશા ઉગાડી કેમ ઊગતાં
અલ્યા જાણે ન માનવીના રંગ રે
ચંદ્રમા! શાને ઊગ્યો રે?
વદને સુધારસ તારે ભર્યા,
મન મારે ભર્યા વિખવાદ રે
ચંદ્રમા! શાને ઊગ્યો રે?
શીળી ઊર્મિઓ ઉછાળે મહેરામણ
વડવાનલો મારે અંતરે
ચંદ્રમા! શાને ઊગ્યો રે?
વધે ઘટે ને વળી પાછો વધે
મારે વૃદ્ધિ પછી હા! મોત રે
ચંદ્રમા! શાને ઊગ્યો રે?
જયોતિ તું જયોત અનંતની,
મારે માયામાં છાયા અંધાર રે
ચંદ્રમા! શાને ઊગ્યો રે?
***