ગુજરાતી નિબંધ-સંપદા/અમૃતલાલ વેગડ/ભેડાઘાટ: માર્બલ-રૉક્સ અને ધુઆંધાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ભેડાઘાટ: માર્બલ-રૉક્સ અને ધુઆંધાર

અમૃતલાલ વેગડ

આ વેળાની યાત્રાનો મોટો લાભ એ છે કે અમે કિલ્લોલ કરતાં, નર્મદા સંગ રમતાં-ભમતાં ચાલી રહ્યાં છીએ. ૫૦ કિ.મી. ચાલવા માટે અમે પાંચ દિવસ રાખ્યા છે. એથી જ આજનો આખો દિવસ ભેડાઘાટ ખાતે રાખ્યો છે. ભેડાઘાટ બે ચીજો માટે પ્રસિદ્ધ છે — માર્બલ-રૉક્સ માટે અને ધુઆંધાર માટે. નૌકાવિહાર કરતાં કરતાં માર્બલ-રૉક્સ જોવા એ જિંદગીનો લહાવો છે.

બરગી બંધના લીધે નદીમાં ખૂબ પાણી રહે છે, પ્રવાહ પણ તીવ્ર રહે છે, એથી નર્મદામાં નૌકાવિહાર કરતા પર્યટકોને નાવિકો માર્બલ-રૉક્સના મધ્યમાં સ્થિત બંદરકૂદની સુધી હવે નથી લઈ જતા, દૂરથી જ બતાવી દે છે. બહારના લોકોને તો ક્યાંથી જાણ હોય કે બંદરકૂદની પગે-પગે પણ જઈ શકાય છે. અમે ત્યાં પગપાળા જઈ રહ્યા છીએ. એક સ્થાનિક છોકરાને સાથે લીધો અને સંગેમરમરના ખડકો પરથી જતી પગદંડી પર થઈને ચાલી નીકળ્યા. પહેલાં એક ખીણમાં ઊતર્યા. પછી ઉપર ચડ્યા. ચટ્ટાનો પર ચાલતાં ભૂલભૂલૈયા આવી પહોંચ્યા. અહીં નદી જાણે વિમાસણમાં પડી ગઈ છે કે ક્યાં જવું. છેવટે બંદરકૂદની પહોંચી ગયા.

ધુઆંધારથી જ સંગેમરમરના ખડકો નર્મદાનો માર્ગ રૂંધીને ઊભા છે, પરંતુ નર્મદા તો સિંહબાળ. આવા અવરોધ માને? એણે તો ખડકોને બેફાડ કરીને પોતાનો માર્ગ કંડારી લીધો. (આને દરવાજો તોડીને ભીતર ઘૂસવું પણ કહી શકાય. આ ખડકો પૂછી શકે છે કે પહેલાં એ તો કહે, અયિ નર્મદે, કે કોઈ ભલા માણસના ઘેર આવવાનો આ કયો તરીકો છે?) લગભગ ૧ કિ.મી. સુધી સંગેમરમરના અડીખમ ખડકોને ચીરતી અને ઊંડી ખીણ બનાવતી એ જોતજોતામાં પહાડોમાં અદૃશ્ય થઈ જાય છે. પછી જાણે આ અલૌકિક ખડકોમાંથી નીકળીને પંચવટીઘાટમાં બહાર આવે છે. આ જ છે વિશ્વ-પ્રસિદ્ધ માર્બલ-રૉક્સ. (નવા જમાનાનો લેખક કહેશે, નર્મદાએ અહીં માર્બલનો ગાઉન પહેર્યો છે!) સ્વચ્છ-સલિલા નર્મદા અહીં એક ઠેકાણે એટલી સાંકડી થઈ ગઈ છે કે લાગે કે વાંદરો ટપી જશે. આથી આને બંદરકૂદની કહે છે. દૂધ જેવા સફેદ ખડકો એવા તો ઊભા છે કે જાણે કરવતથી વહેરીને બનાવ્યા હોય. (નદી કહે છે, ‘ના, આ ખડકોને મેં કરવતથી વહેર્યા નથી, પણ ટાંકણાથી કંડાર્યા છે. ખડકોનું જે સૌંદર્ય જમીનમાં ધરબાયેલું પડ્યું હતું, એને બહાર આણ્યું છે.’) અહીં નદી અને ચટ્ટાનોનું સૌંદર્ય એકબીજા જોડે સ્પર્ધા કરી રહ્યું છે. અહીં તો ‘સૌંદર્યની ભીતર સૌંદર્ય’ છે!

ભવ્ય એકાંત. સાંકડો જળમાર્ગ. પહેરો ભરતા સંગેમરમરના ખડકો. પોતાનાં જળ અત્યંત રાજસી ઢંગથી વહાવીને લઈ જતી નર્મદાની પાતળી નમણી કાયા. જાણે નર્મદાના અંત:પુરમાં આવી ગયાં હોઈએ. અહીંનું વિલક્ષણ સૌંદર્ય એટલું મુગ્ધકારી છે કે જવાનું મન નથી થાતું. થાય છે કે નાનું પંખી બનીને અહીં લપાઈ જાઉં ને અહીં જ રહી જાઉં. દંડી સ્વામી બન્ને આંખો બંધ કરી આત્મસ્થ થઈને બેઠા છે. સ્કૉટ અને મૉરેગ પોતપોતાના કૅમેરા કાઢીને અહીંની છબીઓ પાડી રહ્યાં છે. બહેનો નર્મદાષ્ટક ગાઈ રહી છે. મંજુલ-મધુર નારીકંઠના બધા ઉતાર-ચઢાવ સાથે એમના સ્વરો ચોમેર રેલાઈ રહ્યા છે.

જો હું કવિ હોત તો પ્રાચીન કાળના કોક ચીની કવિની જેમ આ પંક્તિઓ લખત —

અક્કડ ઊભેલી દુગ્ધ-ધવલ ચટ્ટાનો. એ ચટ્ટાનોને પોતાના હળ વડે ફોડતી નર્મદા. ચટ્ટાનોના ગાલ પર પાણીના ચુંબનનાં નિશાન. સ્વચ્છ, શીતલ, જળધારામાં પોતાનો આત્મા ધોતો પૂનમનો મોટો ગોળ ચાંદો. આવી સ્નિગ્ધ રાતેય મારા જૂના મિત્ર, શું તું નહીં આવે?

મહિલાઓનું ગાન પૂરું થયા પછી પથ-પ્રદર્શક છોકરાએ કહ્યું, ‘પાસે એક અદ્ભુત ગુફા છે. ચાલો, ત્યાં જઈએ.’

ચાલતાં ચાલતાં ભાગીરથી કહેવા લાગી, ‘જે રીતે નર્મદાએ આ ચટ્ટાનોને પોતાનાં જળથી ધોઈને ઉજ્જ્વળ કરી છે, એવી જ રીતે આપણે આપણા આત્માને ધ્યાનના સુગંધિત જળથી ધોઈને સ્વચ્છ કરવો જોઈએ.’ ભાગીરથી આજકાલ ધરમ-કરમમાં લાગી છે અને આવી જ સુંદર-સલોની, સાફ-સુથરી વાતો કરતી રહે છે. પિંકી કહે છે કે મોટાં બાને વચ્ચે વચ્ચે દાર્શનિકતાના હુમલા આવતા રહે છે.

ગુફાવાળી ચટ્ટાનને જોતા જ રહી ગયા. એક વિશાળ ચટ્ટાનમાં પાણીએ ત્રણ બખોલો કંડારી છે. બે તો બિલકુલ ગોળ છે. મૂળે બહેન નાના કદનાં છે. એ એક બખોલમાં પદ્માસન લગાવીને બેસી ગયાં તો પ્રતિમા જેવાં દેખાવા લાગ્યાં. નાનાભાઈ કહે, ‘લાગે છે જાણે પાસેના ચોસઠ જોગણી મંદિરમાંથી એક જોગણી આવીને બેસી ગયાં છે.’

પછી પંચવટીઘાટ આવી ગયાં. અહીં સૌએ સ્નાન કર્યું. સહેલ માટે અહીંથી જ નાવ મળે છે. પાસે એક ટેકરી છે. નર્મદા જેવી નદી હોય, પાસે ઊંચી ટેકરી હોય અને એ ટેકરી ઉપર મંદિર ન બન્યું હોય એવું તો બને જ નહીં. આના ઉપર એક હજાર વર્ષ જૂનું ચોસઠ જોગણીનું મંદિર છે. મંદિરને ફરતી ગોળાકાર પરસાળમાં ૮૦ જેટલી જોગણીઓની કળાત્મક પરંતુ ખંડિત મૂર્તિઓ છે. આ મૂર્તિઓના લાલિત્યભર્યા શિલ્પથી મુગ્ધ થયા વિના કોઈથી પણ ન રહેવાય. ઉપર જવા માટે સરસ સોપાન-પથ છે. અમારા દળના કેટલાક સદસ્યો આ કળાતીર્થ જોઈ આવ્યા.

સાંજે ધુઆંધારનો ધોધ જોવા ગયા. (જાણે જીવનનો ઉત્સવ જોવા ગયા!)

નર્મદાના પ્રચંડ પ્રવાહને પોતાના સુદૃઢ બાહુઓમાં ઝીલી લેવા સંગેમરમરના ખડકો તૈયાર ઊભા છે. જળધારાઓનું પડવું, અફળાવું અને પછડાટ ખાવું — પાણી જાણે મલ્લયુદ્ધ કરી રહ્યું છે! વળી ગડગડાટ અને ધમાકા! ખીણમાં ભૂસકો મારતું પાણી જાણે મૃત્યુના મોંમાં ઓરાતું ન હોય! પરંતુ બીજી જ પળે એ ઊભરે, ઊછળે ને દેમાર કરતું સિંહછટાએ આગળ વધે. આ જોઈને થાય કે મૃત્યુ એટલે નવ-જન્મનું પ્રવેશદ્વાર! મૃત્યુ એટલે જીવન-એ લગાવેલી છલાંગ! સીધી છલાંગ!

(આજથી ૧૭ વર્ષ પહેલાં જ્યારે સામે કાંઠેથી ચાલ્યો હતો ત્યારે પણ મેં ધુઆંધારનું વર્ણન કર્યું હતું. આ વર્ણન મારી ઢળતી વયે કરી રહ્યો છું. શું એના લીધે જીવન-મૃત્યુના વિચારો આવતા હશે?)

યાત્રાના પહેલે દિવસેથી જ એક કૂતરો અમારી જોડે જોડે ચુપચાપ ચાલતો આવ્યો હતો. મહિલાઓ વધ્યું-ઘટ્યું જે આપતી એ ખાઈ લેતો. બીજા દિવસથી તો એ અમને અમારા દળનો સદસ્ય લાગવા મંડ્યો હતો. દાસગુપ્તાએ તો એનો ફોટો પણ લીધો હતો, પરંતુ ત્રીજે દિવસે ભેડાઘાટમાં એ અમને છોડીને ચાલ્યો ગયો.

રાત્રે વળી પાછા વહુ-દીકરા આવી ગયાં. રાંધવાનું કાર્ય વહુઓએ ઉપાડી લીધું છે. ગોત્ર-માતા સમી કાન્તા મંડળીના દરેક સદસ્યનું ધ્યાન રાખે છે. એથી સરયૂકાન્તજી એને ‘મેરી અન્નપૂર્ણાભાભી’ કહે છે. એ તો જાણે ઠીક, પણ મને કહે, ‘કાન્તાબહન આપકી બેટી જૈસી લગતી હૈં.’

છેલ્લાં ત્રીસ વર્ષોથી આ વાક્ય સાંભળી રહ્યો છું. એથી મને આનું જરાય દુઃખ ન થયું, પરંતુ કોઈ આદિકવિએ જ્યારે આ વાક્ય સૌપ્રથમ ઉચ્ચારેલું ત્યારે ક્રૌંચવધનો આઘાત અનુભવેલો. હવે ટેવાઈ ગયો છું. તેમ છતાં એમની આ ટિપ્પણીને મેં સદનની કાર્યવાહીમાંથી નિરસ્ત કરી દીધી.

સૌને જમાડીને વહુદીકરા ચાલ્યાં ગયાં.

દંડી સ્વામી ચાહે છે કે ગરમીથી બચવા માટે અમે પરોઢ થતાં જ ચાલી નીકળીએ. તેઓ સૌને ઢંઢોળીને જગાડી રહ્યા છે, પરંતુ આટલા બધા છીએ એથી નીકળવામાં મોડું થઈ જ જાય છે. ત્યારે તેઓ અકળાઈને એકલા જ ચાલી નીકળે છે. સરયૂકાન્તજી હસતાં હસતાં કહે, ‘સ્વામીજી જલદી જલદી ઊઠે. જલદી જલદી તૈયાર થાય, જલદી જલદી ચાલી નીકળે અને પછી ત્યાં જઈને એકલા એકલા બોર થાય! આ કોઈ વાત થઈ!’

સરયૂકાન્તજી મસ્તમૌલા છે. દંડી સ્વામી અનુશાસનપ્રિય વ્યક્તિ છે. અનુશાસન એમના જીવનની આધારશિલા છે, પરંતુ સૌથી વધુ કડક તેઓ પોતા પ્રત્યે છે. ઓછામાં ઓછો સામાન છે એમની પાસે. ઓછામાં ઓછો આહાર છે એમનો. છતાં ચાલવામાં સૌથી આગળ રહે છે. પાછલી રાતની નીરવ શાંતિમાં, જ્યારે સૌ સૂતાં હોય છે, ત્યારે તેઓ નાહીધોઈને ધ્યાનમાં બેસી ગયા હોય છે.

આગળની પગદંડી ધુઆંધાર થઈને જાય છે. લોકોને નીકળવામાં મોડું થશે જ, એથી મોંસૂઝણું થતાં હું એકલો ધુઆંધાર જવા નીકળી પડ્યો. થોડી વારમાં જ એનો ગાજતો ધુમાડો દેખાવા લાગ્યો. એની ધમક પણ સંભળાવા લાગી. જોતજોતામાં હું ધુઆંધારની સામે આવી ઊભો. ખીણમાં ત્રાટકતી નદીનો ગુસ્સો જોવા જેવો હતો — અસલી ગુસ્સો. ઘમસાણને લીધે જળમાં ચેતના આવી ગઈ હતી. જળ કોઈક વિજેતાની જેમ ખુશ થઈને ધસમસતું છાકમછોળ ઉડાડતું તેજીથી આગળ જઈ રહ્યું હતું. પ્રપાતમાંથી નીકળતાં તુષાર-બિંદુઓ ઉપર સૂર્યનાં મૃદુ કિરણો ખેલીકૂદી રહ્યાં હતાં.

અહીં હું કેટલીય વાર આવી ચૂક્યો છું. કમસે કમ ત્રણ વાર તો પિતા જોડે આવ્યો છું. લગભગ ૫૦ વર્ષ પહેલાંની વાત. ત્યારે બસ કે ટેમ્પો નહોતાં. ભેડાઘાટ સ્ટેશન સુધી અમે ટ્રેનથી આવતાં, પછી અહીં સુધી પગપાળા અને અહીંથી જબલપુર ઘેર પાછી પદયાત્રા! બાપદીકરો ૨૫ કિ.મી. સાથે ચાલતા. આખા દિવસનો કાર્યક્રમ રહેતો. મને લાગે છે કે મારા પિતા જ મને નર્મદા-સૌંદર્યથી દીક્ષિત કરી ગયા છે. અને જો મારી નસોમાં યાયાવરનું લોહી છે તો એ મને ચોક્કસ મારા પિતા પાસેથી જ મળ્યું છે.

ધુઆંધારને મેં કેટલાય સ્વાંગમાં જોયો છે. જ્યારે નદી બન્ને કાંઠે છલકાઈ ઊઠે ત્યારે દૂરથી જળમગ્ન જોયો છે. ચોમાસાના ભારે ભરકમ ધુઆંધારને જોયો છે તો ઉનાળાના દુર્બલ ધુઆંધારને પણ જોયો છે અને એક વાર જ્યારે હું અહીં ત્રણ દિવસ ને ત્રણ રાત રહ્યો હતો, ત્યારે ચાંદની રાતે ધુઆંધારમાં ઇન્દ્રધનુષ પણ જોયું હતું — શ્વેત, શુભ્ર ઇન્દ્રધનુષ! હિંમત કરીને રાત્રે આવ્યો હોત તો જોવા મળ્યું હોત.

ધુઆંધારમાં હવે પહેલાં જેવી વધ-ઘટ નથી થતી. બરગી બંધના લીધે ફાગણમાં પણ એ એવો જ માતેલો રહે છે જેવો અષાઢમાં.

ચટ્ટાનોના ઘસાવાને લીધે બધા પ્રપાત પાછળ ખસતા હોય છે. નાયગ્રા ૧૦ કિ.મી. પાછળ ખસી ચૂક્યો છે. બની શકે છે કે નર્મદાના બાલ્યકાળમાં એટલે કે કરોડો વર્ષો પૂર્વે ધુઆંધાર ત્યાં રહ્યો હોય જ્યાં આજે બંદરકૂદની છે.

ધોધને જોઈને વિચારો પણ ધોધમાર આવે છે. એક વિચાર એ આવ્યો કે ચોમાસામાં આખા શહેર ઉપર સર્વત્ર વરસાદ વરસે, એના બદલે આકાશમાં પાણી એકત્ર થઈને કોઈક મેદાન ઉપર ધોધ બનીને પડે તો જોવાની કેવી મજા આવે! ધોધમાર પાણી નહીં, પણ પાણીનો ધોધ જ! તો આ કળિયુગમાં ગંગાવતરણનું દૃશ્ય પ્રત્યક્ષ થાય! પરંતુ એ ઝીલશે કોણ?

પ્રપાત ભલા આપણને આટલા આકર્ષે છે શા માટે?

પ્રવાહ નદીનું પ્રયોજન છે. નદી જો વહે નહીં તો એ નદી ન રહે. એના અસ્તિત્વ માટે એણે વહેવું જ જોઈએ. પરંતુ પ્રપાત નદીનું ઐશ્વર્ય છે, એનું અતિરિક્ત પ્રદાન છે. પ્રકાશ અને ગરમી સૂર્યનું પ્રયોજન છે, પણ ઇન્દ્રધનુના સાત રંગો એનું અતિરિક્ત પ્રદાન છે. વર્ષા વાદળોનું પ્રયોજન છે, ગાજવીજ અતિરિક્ત પ્રદાન છે. આ વધારાનું પ્રદાન જ વસ્તુને સૌંદર્ય બક્ષે છે. જ્યાં પ્રયોજન પૂરું થાય, ત્યાં સૌંદર્ય શરૂ થાય. સૌંદર્યનો દરજ્જો પ્રયોજન અથવા ઉપયોગિતાના દરજ્જા બરાબર તો ન હોઈ શકે, પરંતુ એ એનાથી બહુ નીચે પણ નથી હોતો. જ્યારે કોઈક વસ્તુમાં આ બન્ને આવી મળે છે ત્યારે એ વસ્તુ એક સંપૂર્ણતા પામે છે. ધુઆંધાર અને બંદરકૂદની આનાં ઉત્કૃષ્ટ ઉદાહરણો છે. ધુઆંધારમાં નર્મદાનું ઐશ્વર્ય છે તો બંદરકૂદનીમાં એનો વૈરાગ્ય અને છતાં નર્મદાનું ઐશ્વર્ય અને એનો વૈરાગ્ય, એનો નિનાદ અને એનું મૌન, એનો ઉલ્લાસ અને એનું ગાંભીર્ય જાણે કે એક જ છે.

ધુઆંધારમાં નર્મદા મહાભારતના વીરની જેમ અત્યધિક ઉત્તેજિત થઈ ઊઠી છે. બંદરકૂદનીની નર્મદા રામાયણના વીરની જેમ મર્યાદાથી નિયંત્રિત છે. ધુઆંધારનો પ્રચંડ આવેશ અને અધીર ઉન્માદ બંદરકૂદની સુધી પહોંચતાં સંયમ અને શુચિતામાં બદલાઈ જાય છે. નર્મદા મહાભારતના વીરની જેમ ઉત્તેજિત પણ થઈ શકે છે તો રામાયણના વીરની જેમ મર્યાદાથી બંધાયેલી પણ રહી શકે છે. એ કરાલ અને કોમળ, રૌદ્ર અને સૌમ્ય બન્ને થઈ શકે છે. નર્મદા માટે કંઈ પણ અસંભવિત નથી. નર્મદા તો બસ નર્મદા જ છે.