ગુજરાતી નિબંધ-સંપદા/કાકાસાહેબ કાલેલકર/પગલાંની લિપિ
કાકાસાહેબ કાલેલકર
ઈશ્વરે માણસને દૃષ્ટિ આગળ રાખી છે, પાછળ નથી રાખી, તેથી માણસ આગળ જોઈ શકે છે પણ પોતાનાં કર્મોનાં પરિણામ પાછળ કેવાં થાય છે એ તરફ એનું ધ્યાન નથી રહેતું. માણસે કરેલી મોટરમાં પણ આગળ અજવાળું અને પાછળ ગંધાતો ધુમાડો હોય છે. આમ હોવા છતાં માણસ પાછળ એનાં પગલાં પાડી રાખવાની વ્યવસ્થા કુદરતે કરેલી છે જ. અંગ્રેજીમાં કહેવત છે કે ખૂનની વાત છાની રહી શકતી નથી, પણ તે નિયમ તો દુનિયાની દરેક વસ્તુને લાગુ પડે છે. કુદરતના પેટમાં કશું માતું જ નથી. એ કહી દે છે. આઠદસ હજાર વર્ષ પછી પણ કહ્યા વગર એનાથી રહેવાતું નથી. સમુદ્રના ઉદરમાં કેવા શંખલા હોય છે એ બહારની દુનિયાને બતાવ્યા વગર મોજાંઓથી રહેવાતું જ નથી. હજારો વરસ પહેલાંનાં પ્રાણી, તુચ્છ ગણાતાં પ્રાણી, કેવાં હતાં એનો ઇતિહાસ પૃથ્વીના પેટમાં પથરાનાં કે કોલસાનાં પડ વચ્ચે સાચવેલો જડે છે. જેટલી ઘટનાઓ કુદરતમાં થાય છે તે બધી કુદરત ક્યાંક ને ક્યાંક નોંધી રાખે છે અને ઉપર લખે છે, દા.ત., પોતે. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, તારા, પશુપક્ષી, ઝાડપાન, પહાડો અને નદીઓ, શહેરો અને ગામડાંઓ, નદીના પટ ને સમુદ્રનાં તળિયાં દરેક જણ પોતાનો ઇતિહાસ બોલે છે. અને માણસ? માણસ દંભી છે, ઠગ છે, કળાબાજ છે, ડોળ કરવાની એની શક્તિ અસાધારણ છે. છતાં એ પણ પોતાનો ઇતિહાસ ઉઘાડો પાડ્યા વિના રહેતો નથી. માથા પરના વાળ, કપાળ પરની કરચલીઓ, ગાલ પરના ખીલ અને આંખ પરની કાળાશ, સુકાઈ ગયેલા હોઠ અને ચંચળ કે જડ આંખ, ખસી ગયેલા દાંત તળેનાં અવાળુ ને ફાટી ગયેલો અવાજ દરેક વસ્તુ જીવનનો ઇતિહાસ જાહેર કરે છે. જે સમજી શકે તે સમજી શકે છે. માણસની ભાષા અને એનું લખાણ, અક્ષરનો આકાર અને લીટીઓનો ચડાવ કે ઢોળાવ, દરેકમાંથી એનો સ્વભાવ સ્પષ્ટ થાય છે. માણસ જ્યારે ગાફેલ હોય છે ત્યારે એનો રૂઢ સ્વભાવ જાગ્રત હોય છે. માણસ ઇરાદાપૂર્વક બોલે છે ત્યારે એનો અનુભવ અને એના સંસ્કારો બોલે છે. પણ જ્યારે એનાથી બોલાઈ જાય છે, ત્યારે એની જિંદગીની મૂડી ઉઘાડી પડે છે. માણસ આગળ ચાલે છે, એનાં પગલાં પાછળ પડે છે. સમુદ્રકિનારે મોજાંઓ પોતાનો ઇતિહાસ રેતીમાં લખી રાખે છે. થોડીક ટેવ પછી પવન કેમ વાતો હતો અથવા આજે કઈ તિથિની ભરતી હતી એ રેતીનાં મોજાં પરથી માણસ જો વરતી શકે તો તેમાં નવાઈ નથી.
રેતીના પટ પર લોકોનાં પગલાં પડેલાં તપાસવાનો મને છંદ લાગ્યો છે. કેટલાક વરણાગી લોકો, પોતાના પોશાકની અને પોતાના રુઆબની આસપાસના લોકો પર કેવી છાપ પડે છે એ તીરછી આંખે ચુપચાપ જોઈ લે છે. છાપ બરાબર પડવા માટે બિચારા કેટલી કૃત્રિમતા કેળવે છે. પણ એ બાપડાને ખબર નથી હોતી કે એમનો સાચો સ્વભાવ કેવો છે, એ સંસ્કારી છે કે અસંસ્કારી છે એની છાપ એમના પગ રેતી પર પાડી બતાવે છે. ઈમાનદાર મજૂરોના પગ જુદી રીતે પડે છે અને આળસુ ઉજળિયાત લોકોના પગ જુદા પડે છે એ એમના અંગૂઠા પરથી તપાસી લેજો. જેને ખૂબ ચાલવાની ટેવ છે, એની એડીઓ જુદી દેખાય છે અને જેઓ ચાલવાનો ડોળ કરે છે તેમની એડીઓ જુદી હોય છે. ફૅશનેબલ સ્ત્રીપુરુષો અને છોકરા-છોકરીઓ ચાલ્યાં ગયાં હોય તો એમનાં પગલાં પણ એમના બધા ચાળાની ચાડી ખાય છે. પોતાનું નારીપણું સમાજ પર વધારે ઠસાવવા માટે ઝીણી પાતળી એડીવાળા બૂટ તેઓ પહેરે છે તેથી તો ઘણું સહેલું થાય છે. ડોસાઓની લાકડી એક રીતે બોલે છે, જ્યારે રમતિયાળ છોકરાઓની લાકડીની છાપ જુદી હોય છે.
આજે દૂર સુધી ફરીને પાછાં આવતાં `હાયપરબોલા'(hyperbola)ના આકારની નિશાનીઓ દૂર સુધી મેં જોઈ. શાની હશે એની કેમે કરીને કલ્પના ન થાય. ઘડીકમાં લંબવર્તુળ થાય. ઘડીકમાં કંઈક અણીદાર થાય, પણ એનો વાંક અત્યંત સ્વાભાવિક અને એ છાપ સરખે આંતરે પડતી હતી. આ છાપ શાથી પડી હશે? મેં મારી લાકડી વતી એવી છાપો પાડવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ પેલી છાપ જેમ સમભદ્ર હતી તેવી મારી ન આવે. ક્યાંક ને ક્યાંક અજ્જુવરડુ કે વેલાંટી જેવો ઝુકાવ આવે. હું ફરી વિચાર કરવા લાગ્યો અને તપાસવા લાગ્યો. જોયું તો દરેક વક્ર છાપ વચ્ચે બૂટની નિશાની પડેલી. એકબે ઠેકાણે એ લીટી ઉપર જ બૂટની છાપ પડીને તેટલી લીટી ભૂંસાઈ ગયેલી. લીટીનો વક્ર કોણ જ્યાં વિશાળ હોય, ત્યાં લીટી જાડી થતી અને જ્યાં લઘુ હોય ત્યાં પાતળી થતી. બૂટની છાપ તપાસતાં ખાતરી થઈ કે એ પગ નાના બાળકનો છે અને ઘણે ભાગે એ છોકરીનો હોવો જોઈએ. એની એડી અણિયાળી ન હતી પણ ચાલવાની ઢબ જ બતાવતી હતી કે લેડીનો શૂથી ચાલવાનું અનુકરણ કરવાનો એમાં પ્રયત્ન છે. આનો અને પેલી લીટીનો સંબંધ હોવો જ જોઈએ. એટલામાં ધ્યાનમાં આવ્યું કે બૂટ પરથી બાળકીની ઉંમરની જેટલી કલ્પના કરીએ એના પ્રમાણમાં કદમ દૂર દૂર પડ્યાં છે. આટલો મસાલો ભેગો થયો અને તરત જ એમાંથી અનુમાન સળગી ઊઠયું કે છોકરી સ્કિપિંગ રોપ લઈને રમતી હોવી જોઈએ. દોરીના બે છેડા હાથમાં પકડી માથા પરથી પગ સુધી દોરીનું ચક્કર ચલાવતી ચલાવતી એ ચાલતી હોવી જોઈએ.
પરમ દિવસે એક ઠેકાણે એક મોટું હાડકું પડેલું હતું અને એની આસપાસ કૂતરાંનાં પગલાં પડ્યાં હતાં. નિહાળીને જોતાં ખાતરી થઈ કે કૂતરાં બે હોવાં જોઈએ. એકના નખ ટૂંકા હતા, બીજાના જરા લાંબા હતા. જેના નખ ટૂંકા હતા એના પગ તળેના તળિયાના ડાઘા ચપટા હતા એટલે એ કૂતરું નાનું હોવું જોઈએ. હાડકા માટે બંને દોડતાં આવ્યાં હશે, જરાક લડ્યાં હશે અને સમુદ્રનાં માછલાંઓએ હાડકા પર કરડવા જેવું કશું રાખ્યું નથી એનો અનુભવ થયા પછી નકામા લડ્યાનો પશ્ચાત્તાપ કરી મિત્ર થઈને પાછાં ગયાં હશે.
ગઈ કાલે સવારે એક ગાય અને વાછરડીનાં પગલાં રેતીમાં પડ્યાં હતાં. વાછરડી ગાયની પાછળ પાછળ ચાલતી હશે એ અનુમાન તો સહેજે થાય છે, પણ પગલાં બતાવતાં હતાં કે ગાય સીધી ચાલતી હતી જ્યારે વાછરડી ઘડીકમાં જમણી બાજુ ચાલે અને ઘડીકમાં ડાબી બાજુ ચાલે. આમ કેમ હશે? કલ્પના બાંધી કે ચાલતાં ચાલતાં ધાવી શકાય તો ધાવી લેવું એવો મનસૂબો વાછરડીએ કર્યો હોવો જોઈએ.
માણસનાં પગલાંમાં એક મોટો ભેદ દેખાય છે. કેટલાકનો શરીરનો આખો ભાગ પગની અંદરની બાજુ પડે છે, કેટલાકનો બહારની બાજુ. એનું કારણ હજી શોધી શક્યો નથી. જોકે શક જાય છે કે કદાવર લોકોનો ભાર અંદર પડતો હશે અને ઠીંગણા લોકોનો ભાર બહારની બાજુ. અત્યારે તો એ ખાલી કલ્પના છે. રેતીના પટને લીધે ઘણા લોકોને તપાસવાની તક મળી છે. કંઈ પણ નિયમો બાંધી શકાશે ખરા. કેટલાક લોકો અમુક દૂર સુધી ફરવા જઈ પાછા ફરે છે. એ વખતે પાછા ફરવાનો નિશ્ચય તરત કર્યો છે કે થોડોક વખત અનિશ્ચિત દશામાં રહી પછી નિશ્ચય કર્યો છે એ પણ પગલાં બતાવી દે છે. એકલા એકલા ફરનારા લોકો ઘણે ભાગે જેવા ગયા તેવા જ પાછા ફરે છે. આ નિયમ સાર્વત્રિક નથી. પણ જેઓ ફરતી વખતે મનમાં વિચાર કરતા જાય છે, અંતર્મુખ હોય છે તેમને માટે આ નિયમ હોવો જોઈએ. મોટું ટોળું હોય તો સીધું નથી ચાલતું. શંખલાની હારમાં જેઓ ચાલે છે તેઓ ઠેકાણે ઠેકાણે થોભેલાં દેખાય છે. મારાં પોતાનાં જ પગલાં પાછાં વળતાં તપાસી કેટલાંય અનુમાનો બાંધી શક્યો છું. અને કોઈક વાર મારી પેઠે પગલાંનું નિરીક્ષણ કરનાર કોઈ પાગલ મારી પાછળ આવે અને કંઈક અનુમાન બાંધે તો એને ભુલાવામાં નાખવા માટે નિયમવિરુદ્ધ પણ થોડોક ચાલ્યો છું. પગીઓએ અને ચોરોએ આવી રીતે પોતાનું શાસ્ત્ર નક્કી કરેલું હોવું જોઈએ. વચમાં મનમાં વિચાર આવ્યો કે જોડા કે ચંપલ ઊંધા પહેરીને એટલે કે આંગળી તરફ એડી કરીને ચાલવાનો પ્રયત્ન જો થઈ શકે તો પગેરું કાઢનારની દિશાભૂલ કરી શકાય કે નહીં? પ્રયોગ કર્યા વગર એ કહી ન શકાય. પગના પડતા ખૂણા ઉપરથી એ યુક્તિ પણ વરતી શકાય એમ લાગે છે.
કુદરત આખી પોતાના હસ્તાક્ષર જ્યાંત્યાં નોંધી રાખે છે. માણસનાં પગલાં એની પાછળ રહી જાય છે. દરેક માણસનો સ્વભાવ એના વંશજોમાં અને એના સમાજમાં કાયમનો નોંધાયેલો હોય છે. માણસ છાનું કે જાહેર જે કંઈ કરે છે તેની અસર આખા સમાજ પર થાય છે. આખું વિશ્વ સંકળાયેલું છે.
ત્યારે આકાશના તારાઓ એ કોનાં પગલાં હશે? એ કોનો ઇતિહાસ હશે? કવિઓ કહેશે કે એ પરમાત્માનાં છે, પણ તેમ ન માની શકાય, કેમ કે:
दिवि सूर्य-सहस्रस्य भवेत् युगपद् उत्थिता। यदि भा: सदृशी सा स्याद् भासस् तस्य महात्मन:॥ ૩–૫–’૨૮