ગુજરાતી નિબંધ-સંપદા/કિશોરસિંહ સોલંકી/પેંડારિયાં
કિશોરસિંહ સોલંકી
◼
ગુજરાતી નિબંધસંપદા • પેંડારિયાં - કિશોરસિંહ સોલંકી • ઑડિયો પઠન: કૌરેશ વચ્છરાજાની
◼
અતારે તો ભઈ ભણતર વધ્યું અને ગણતર વધ્યું. ચીપિયા જેવડાં છોકરાં અડધા મણનો ભાર લઈને નૅહાળે જાતાં થ્યાં. જનમતાંની હારે જ એકડો કે એ-બી-સી-ડીની શરૂઆત થઈ જ જાય. હજી છોકરાને પૂરી રમજણ તો આઈ ના વોય તોય ભણવાનું શરૂ થઈ જાય. અલ્યા, ઈમ તે કાંઈ બાલીટન બનવાનાં અતાં?
લ્યો અમેય ભણ્યા જ છીએ ને? ઊંટ જેવડા થ્યા તાણં તો અમોને નૅહાળે બેહાડેલા અને એય, માસ્તરે ચેટલું બધું કીધું પછી જ. જ્યારે માસ્તરે મારા બાપાને ભણવાના લાભ હમજાયા ત્યારે એમણે દલીલ કરી કે, ભૈ, અમે તો વગડાનાં વનેર, ખેડુ છીએ, સેતરના શેઢે શોભીએ, હમજ્યાનં તમે? ભણવાનું તો વાંણિયા-બાંભણનું કાંમ સે, અમારું નઈ. તોય, માસ્તરે શાલ છોડ્યો નતો. અમે મું હાડા દસ વરહનો નૅહાળે બેઠો’તો.
તમારે તો છોકરાંને જાતજાત ને ભાતભાતનાં લૂગડાં. તાણં અમારે એવું નતું. ઉછીઉધારે કરીનં એક ખાખી ચડ્ડી લઈ લઈ આયા’તા ઈયે તૈણ થીગડાંવાળી. તમોનં શ્યું વાત કરું. મી પ્હેલી-વ્હેલી ચંડ્ડી પ્હેરેલીનં તાણં તો મને એટલો બધો આનંદ થ્યો’તો કે ના પૂછો વાત! ભૈ, લૂગડું અતું જ ક્યાં? લૂગડું અતું તો પઈસા નતા. રોટલાના ટુકડા વેંણતાં વેંણતાં પેટે પાટા બાધીને આંય સુધી આયા છીએ. તમાર તો મારા ભૈ ઠીક છે કે, કપડે ને ચપડે ચાલે છે. પાણીની જ્યમ પઈસા વેરતાં અચકાતા નથી. પણ અમારે તો રૂપિયો તો ગાલ્લાના પૈડા જેવો અતો. તમોને એકદમ નવાઈ લાગશે પણ મું પંદર વરહનો થ્યો ત્યાં હુધી રૂપિયો જઈન જોયેલો. કાંણિયા પાઈના આતા જોયેંલા પણ વાપરેલા તો નઈ જ.
મું નૅહાળમાં બેઠો અને ભણવા માંડ્યો. ઘેર આઈને સલેટપેન લઈને લખવા બેસું તો મારું આઈ જ બણેઃ લેં, હેંડ સેતરમાં, ભણીનં કાઈ દાલદર વાળવું નથ. સેતરમાં જઈને ડોબાં છોડી, ઈયાંન પાંણી પાઈનં પછં ચારવા લૈ જાજે. ઊંચાડા કૂવાવાળા સેતરમાં ભજવાડ ના કરે એ જોજે. ચ્યાંય રમ્બા ના રે’તો પાછો. મું કે’તો કે, મારે લેશન કરવું છે તો તરત જ જવાંબપ મળતો કે, હેંડ હેંડ, હરામખોર, પછં ભણજે. મોટો ભણવાવાળો ના જોયો વોય તો. નાસ્ય એ ચોપડાં હેઠાં નઈતર હળગાઈ મેલીશ, હા.
તોય ના માંનીએ તો એકાદ લાફો ખાવો પડે. અને લેંટ લૂહતાં લૂહતાં જાવું પડે સેતરમાં ખરા બફોરે. પગમાં પ્હેરવા પણ કાંઈ નઈ. ઉનાળામાં તાંબા જેવી ધરતી તપી વોય તોય શેઈડાની રેતમાં અડવાણા પગે હાલી નીકળવાનું. ભલે પછં પગમાં ફોલ્લા પડી જાંય! અઢાર વરહ સુધી તો પગને જોડું નતું જોયું. અને અતારે તો જનમતાંની હારે જ તમે જુઓ જ છો ને? ભૈ, ચેટલા બધા હારાફેરા થૈ જ્યા છે? અમે એ વખતે નૅહાળમાં જાવાની હઠ લેતા અને અતારે નૅહાળમાં ના જાવાની હઠ લેવામાં આવે છે.
ઉનાળાની ગરમી તો બાપલા તોબા હોં! માણહ, ઢોર-ઢાંખર અને પશુ-પંખી બધાં જ હેરાંન હેરાંન થૈ જાંય. ઢોરોને ખાવાનું ઘાસ ખૂટી જાય. એટલે ખેડુ ચ્યાંક આંબો લેંબડો કરે, એવી તો ઊભી થાય સ્થિતિ. ઢોરોનાં દેખાવા માંડે હાડકાં ધીરે ધીરે. વગડામાં તો બાવા બાથોડે આવે. ચ્યાંય લાવરાં-તેતરાંનં લપાવાનું ના મળે એવો ભેંકાર ભાસતો વોય આખો વગડો. નજર નાખો ચ્યાંય લીલું તણખલુંયે ના મળે. અરે! માથું ઢાંકવા જેટલો છાંયડોય ના મળે આખા વગડામાં મારા ભૈ.
જેઠ ઊતરે અને અહાડ બે’હે. લોકોની આંસ્યો મંડાય આભલે. ચ્યાંક એકાદ વાદળું જોઈ જાંય તો હરખ ના માય ઈયાંનો. આજ આવશે — કાલ્ય આવશે એવી તો રાહ જોવાય! તોય જો વરહાદ આઠ-દસ દાડા લંબાઈ જ્યો તો આઈ જ બને બધાંનું. નવ નેજાં થૈ જાંય ઈયાંનાં તો.
પહેલા વરસાદ પછી ધરતીમાંનો પરસેવો હુકાય! એની જે સોડમ આવે એથી તો ધન્ય ધન્ય થૈ જૈએ. જાંણે આખી ને આખી ધરતી આરોગી જૈએ એવું લાગે મારું બેટું! ‘ભીની માટીની ગંધ યાદ આવે યાદ રે હાલો ભેરુ ગામડે!’
અતારે તો આટલું યાદ રાખવા સિવાય શ્યું ર્યું છે અમારી પાહણ! ચ્યાંક મુઠ્ઠી માટી જોઈએ છીએ અને અમને યાદ આવી જાય છે અમારાં સેતર! સેતરનો શેઢો — શેઢા ઉપર ઊભા ઊભા બૂમો પાડતા અમે! અમે જ એક શેઢો થઈને જીવ્યા છીએ. પણ એ કેટલું બધું દૂર થૈ જ્યું છે અમારાથી? આ બધું યાદ આવતાંની હારે આંસ્યો ભીની થૈ જાય છે અને મન તો પાંણીમાં પડેલા ઢેફાની જ્યમ સ્તો! ક્યારેક આ બધું જ શબ્દો થઈને આવી જાય છે ગળા સુધીઃ
‘મને ઊભો શેશે પરિચિત બધાં ખેતર જુએ ઘણાં વર્ષે આજે.’ … … … …
તો ક્યારેક
રૂંવે રૂંવે લેંર્યું તૃણ તૃણ લઈ ખેતર અને વળી ટૌક્યાં પંખી નસ નસ મહીં કાળ ચણતાં.
ભૈ, આ બધું તો, કઉં છું કે, શબ્દોમાં આઈને હમાઈ જ્યું સેઃ પરાળની પથારીમાં આળોટતાં આળોટતાં આખા દિવસનો વલવલાટ પોઢાડવો છે પાંપણોના છાપરામાં … … … … ચાસેચાસમાં વાવવાં છે વેલાં, કાબરો, ચકલાં, સૂડા, વૈયાં અને ખળામાં સૂપડે સૂપડે ઊપણવો છે તડકો.
આ બધાનો અભરખો જ ર્યો સે અમારી પાહણ! બીજું વોય આ બધાનો અભરખો જ ર્યો સે અમારી પાહણ! બીજું વોય પણ શ્યું? ધોબીના કૂતરાની જ્યમ નથી રહ્યા ઘરના કે નથી રહ્યા ઘાટના! અતારે તો
ડામરિયા ખેતરમાં હાલી ઊઠે મોલ પછી પંખીઓને કોની દેશો આણ? સોયોના શેઢે બેસી જીવી રહો ને પછી બળો રે વીજળીયે મસાણ.
બળવાની મોકળાશ પણ પાછળ મૂકીને આયા છીએ. ઈનો જ તો વસવસો છે અતારે. તમોને તો આ બધું પાલવે-પોહાય! કારણ કે તમારા તો લોઈમાં આ બધું સે. એટલે તમોને દુઃખ ના થાય પણ અમોને શ્યું થાતું અશે ઈની તમોને ચ્યાંથી ખબર પડે?
પહેલા વરસાદ પછી ધરતીનો મેલ ધોવાઈ જ્યો વોય. બે-તૈણ દાડામાં તો ઈનું રૂપ જ બદલાઈ જાય. ચોમેર સંતોષ…સંતોષ થૈ જ્યો વોય. પાણીનાં ભરાઈ જ્યાં વોય ખાબોચિયાં, છલકાતાં વોય તળાવ. ડ્રાંઉં ડ્રાઉં કરતાં વોય દેડકાં, વહેતાં થૈ જ્યાં વોય વાંઘાં, નાઈ-ધોઈને તિયાર થૈ જ્યાં વોય ઝાડ-ઝાખરાં, નવા પૈણેલા મોટિયાઈડાની જ્યમ તિયાર થે જ્યાં વોય ગામનો ચરો પણ.
વાદળો વચી અકળાતો-લપાતો-છુપાતો ઊગે સૂરજ અને ઉગમણી દિશા બની જાય લાલચોળ! આખા ગાંમની ભેંસોનું ભેંસોની સાંકળોછૂટે ખીલેથી-ગળેથી. હાંકારા અને હાંકોટા હારે પૂંછડું પકડીને હાથમાં લાકડીનો ગદૂકડો ઝાલી નેંકળી પડીએ અમે ભેંસો ચારવા! ખાબોચિયાંમાં છબછબિયાં કરતા, આંઘાં વટાવતા પહોંચી જઈએ ગામના ચરામાં. ચરો પણ એટલો બધો મોટો અને એક થુંબડા પર આવેલો. આખા ચરામાં મોટી મોટી બોઈડીઓનાં જાળાં, ભોંય બાવળ, લેંબડા, કણજીઓ, અણિયોર-જાતજાતનાં ઝાડાં-ઝાંખરાં પણ.
ભેંસો ચારનારને પેંડારિયું કહે બધા, ચરામાં ભેંસોને છૂટી મૂકીને અમે તો આખો દાડો રમવામાં જ રઈએ. ભાતભાત ને જાતજાતની રમતો અમે રમતા. અમારી ખાસ રમત તો મોઈદંડો. એકબીજાના માથે ઘચાં ચડાવવાની પણ એક મજા અતી!
કૂંકરી-કૂંકેર કે થડબથડિયું રમતા બધા ભેગા મળીને. ન કોઈની રોક કે ટોક! ભેંસો મસ્તીથી ચરતી જ વોય! અમારે તો ઈમની હાંમે લમણો જ નઈ વાળવાનો. તમોને શ્યું વાત કરું? આંબલી-પેંપળી રમવાની તો ઑર મજા આવતી. તમોને તો આ બધી મોકળાશ ચ્યાંથી વોય? તમે તો આખો દાડો ધુમાડા પી પીને કંટાળ્યાં વોય એટલે ચ્યાંક પાર્ક કે ગાર્ડન હોધી લ્યો. લૉન ઉપર આળોટો બે ઘડી. પણ તેથી વળવાનું શ્યું? બધું જ બનાવટી તમારી જ્યમ સ્તો! તમારાં છોકરાંને ખુલ્લો વગડો કે અનંત આકાશનો અનુભવ ચ્યાંથી વોય? બચારા હંકડાતાં હંકડાતાં જન્મ્યાં જ વોય પછી શાની ઈયાંની પાહણતી રાશિ શકાય?
અમે તો લડતા એટલે તો બાથંબાથા-મારંમારા! એક દાડો તો એક જણના માથામાં લાકડી મારેલી તે લોઈ-લુહાણ થૈ જ્યો’તો બચારો. તોય, નઈ દવા કે દારૂ! મટી જ્યું’તું ચાર દાડામાં તો. પણ તમારે તો જો ટાંકણીય અડી જૈ વોય તો જાંણે આભલું તૂટી પડ્યું વોય એટલો બધો તો હોબાળો કરી મેલો. ધનુર થૈ જાવાની બીક લાગવા માંડે. ભૈ હોળ હાકતાં હાકતાં ચેટલીય વાર કાંસ્યોની અણીઓ પેસી જઈ છે પગમાં તોય કદીય અમોને કશુંય થ્યું નથી. તમારી પોમલાઈની તો હદ કે’વાય. હોં કે અરે! અડવાણા પગોમાં તો આંગળ આંગળ જેટલી બાવળની શૂળો પેસી જૈ છે તોય કદીય ઊંહકારો નથી કર્યો. ઊંચી પાંની કરીને હાલી નેંકળવાનું આગળ. માંયથી કાઢવાની મથામણ કરવાની તોય જો ના નેંકળે તો બાંધવાનું હળદર, મેઠું, ગોળ અને બાજરીના લોટનું ટૂસકું! રેંકતો રેંકતો બહાર નીકળી જાય બે-ચાર દાડામાં તો. એનું ગજું છે કે, અંદર રહે? એટલે કાંઈ થોડા માંચામાં બેહી રે’વાય? અમે ભલા ને અમારું કાંમ ભલું.
ઢોર ચારતાં ચારતાં તો આખો વગડો ગજવીએ. તોફાની પણ એટલા જ. ચરા વચોવચ થૈને ગાડાવાટ નેંકળે. એક વખત બધા ભેગા મળીને વાટ વચોવચ ઊંડા ઊંડા ખાડા ખોદ્યા. પછી ઈના ઉપર આકડાનાં પાંદડાં ઢાંચ્યાં અને ઉપર વાળી દીધી માટી. એવામાં જ ત્યાં એક જીપ આવતી અમે જોઈ અને દૂર દૂર આયેલાં આંઘાંની કોતરોમાં અમે હંતાઈ જ્યાં. તમે નઈ માંનો પણ જીપનું એક પૈડું તો માંય જ પેસી જ્યું. અને તે ઊંધી પડતાં પડતાં રઈ જઈ. આટલું જોતાંની હારે તો અમે ચોરીછૂપીથી નાઠેલા તે આવજો ગાંમ ઢૂંકડું! અરે! અમારા તો જીવ તાળવે ચોંટી જ્યા અતા. અમારું શ્યું થાહે એની બીક અતી પણ બચી જેલા.
અમોને ઘણી ખરાબ ટેવો પણ પડેલી. કોઈ વટેમાર્ગુ જાતું વોય તો એક જણો જેતે બીડી માગે. પેલો ના પાડે. તોડે દૂર ગયા પચી બીજો જાય. પેલો ના પાડે. પછી તો આઈ બને ઈનું. આઠ-દસ બાવળિયાના ડેકા જેવા લડધા ટોળે વળીને જાંય પેલાની પાસે ગાળો પણ અમોને જબરજસ્ત આવડે! અતારે ભૂલી જ્યા છીએ એવું ન માંનતા, હોં કે, પેલો બચારો કરગરી-વરગરીને અમારાથી છૂટે. લુખ્ખી દાદાગીરી અમારી તો. વગડાના તો અમે રાજા!
અરે! અમારા ગાંમમાં એક માસ્તર નોકરી કરવા આવે હાંમેના ગાંમથી. એક દાડો ઈણે અમારા ગાંમની છોડીને મશકરી કરી. બસ, આઈ બન્યું ઈનું. હાંજના નૅહાળમાંથી છૂટતાંવેંત જ અમે તો લાકડીઓ, ધારિયાં અને ચાકાં લઈને પ્હોંચી જ્યા આંઘાવાળાના થુંબડે. દીકરો આવે તો પાડી જ દેવો એવું જ નક્કી. ભૈ ઊંચા ઊંચા થુંબડા વચીથી વાટ જાય ભઈ, જેવા થુંબડાના થડમાં આયા કે એક પછી એક અમે કોતરોમાંથી નેંકળીને ઘેરાઈ વળ્યા ઈને તો. તે દાડે જો અમારા ગાંમનો રબારી આઈ જ્યો ના વોત તો એ માસ્તરને પૂરો જ કરી દેતા. પણ બચી જેલો.
ઢોર ચારવા જવા માટે અમે છોકરા જ નઈ, છોડીઓ પણ અમારી હારે જ વોય. એ પણ બધી ભેગી થઈને શ્યું કરે ખબર સે? આવતી કાલ્ય ઈયાંને જે કરવાનું છે એ શીખવાનો પ્રયત્ન કરે. બધી ભેગી થઈને ઓશલા કૂટે, પરજિયા ગાય; છાજિયાં લે, છેડો વાળીને રુએ, લાંબા લહકારથી ચેવી રીતે રડાય એ શીખે. ચેવી રીતે છાતી કુટાય, ચેટલાં નેચાં થઈને છાજિયાં લેવાય, હાથ ચેટલા ઊંચા કરીને છાતી ઉપર લવાય. કૂદતાં કૂદતાં! ચેવી રીતે કુટાય! આ બધું જ શીખવાનું!
તો વળી, ગોકળઆઠમ કે ગોર્યો વોય તો ચિયાં ચિયાં ગાણાં ગવાય. ચેવી રીતે નચાય! નાચતાં કેડ્યનો વળાંક ચ્યમ અલાય! ફૂંદડી ફરતી વખત ઘેરવાળો ઘાઘરો ચેટલું ચક્કર મારે તે જોવાય અને આખો દાડો નેંકળી જાય તે હમજણ જ ના પડે!
મારે તો હવે મૈણ્ય કે પૈણ્ય જેવું ર્યું જ નથી પછી આગળ શ્યું વાત કરવી? તમારે તો ઓશ્લા શ્યું કે પરાજિયા શ્યું? ગીતો શ્યું કે ગાંણાં શ્યું? અતારે તો તમારા બદલે સિનેમાવાળા ગાંય છે એ પૂરતું છે. તમારે તમારી છોડીઓને ચ્યાં નચાવવી છે કે ચ્યાં ઉત્સવો ઊજવવા છે? ચ્યાં પોલકાં કે ઘાઘરા પે’રવાનાં છે તે હંતાપ વોય બધો? છોકરાંની જ્યમ ચૂંથણાં પે’રવાં છે, ચેવી લાગે છે એ બધી? ભૈ, બધુંય ઈના મોભામાં શોભે. આ તો હળ જેવી લાગે છે હળ જેવી! કૂલા ઘુમાવતી ઘુમાવતી હેંડી જાંય. જા’ણે દાડો ઈયાંના ઉપર ના ઊગતો વોય! ઈમ સ્તો. ઈયાંને તો ઈમ જ કે, આ જગતમાં અમે જ છીએ. ગાલ્લા નેંચે કૂતરી હેંડે અને ગાલ્લાનો ભાર એ જ ખેંચતી વોય એટલો બધો તો મિજાજ ઈયાંના મગજમાં! ચ્યાં જઈને અટકવાનું આ બધું?
દાડો આથમણો વળે એટલે અમે ગાંમ તરફ પોબારા કરીએ! ભેંસોને હાંકતાં હાંકતાં લઈ જઈએ તળાવમાં પાંણી પાવા! થોડું વ્હેલું વોય તો ખમીસ-ચંડી કાંઠે મૂકીને કૂદી પડીએ તળાવમાં આબૂલો કે ધાબૂલો રમવા!
તળાવના આ કાંઠેથી તે પેલા કાંઠે આડ્યની જેમ નેંકળી જઈએ તો હમજણ જ ના પડે તમોને. ડૂબકી મારીને તો પ્હોંચી જઈએ તળાવના તળિયે. મુઠ્ઠી ભરી લાવીએ ગારાની. અરે! પાંચ માથોડું ઊંડું પાણી વોય તોય પેલી જળબિલાડીની જ્યમ અંદર ભૂસકો મારતાં ના ડરીએ, હમજ્યા ને? તમારે તો છોકરાંને તરતાં શિખવાડવા માટે પણ સ્નાનાગાર શોધવાનાં, શીખવનારો શોધવાનો. તમારે પાહણ બેસીને કાળજી લેવાની, કાંઈ ના થઈ જાય એની. અને એ બધા માટે પૈસા ભરવાના! શ્યું અધોગતિ આઈ છે તમારી?
તળાવમાંથી જો ભેંસો નેંકળતી ના વોય તોય લઈ લાકડી ને કૂદી પડીએ માંય! ધફાધફ કરીને બહાર કાઢીએ ભેંસોને. ડૂબવાની તો બ્હીક જ નઈ.
ભૈ, જ્યારે ઢોર ચારતા હોઈએ અને બારે મેઘ ખાંગા થૈને તૂટી પડે તાણં જે મજા આવે એ તો કે’વાય ઈમ જ નથી. છાતી છાતી સમાણાં પાંણી વહેવા માંડે ચોમેર અને એ એકાદ આંબલીના થડમાં ઉંદેડાની જ્યમ ભરાઈ રઈએ. અરે! બઉ વરહાદ આવે તો ગાંમમાંથી અમોને કોઈ હાંમે લેવા આવે. આંઘામાં ચ્યાંક તણાઈ જઈએ ઈની ઈયાંને બીક વોય. બે-બે જાડા ભેનાં લૂગડે રખડીએ! બીજાં વોય તો બદલીએ ને? તોય કદી શરદી કે હળેખમ થયાનું યાદ આવતું નથી. અને તમારે તો જો આભલામાંથી બે છાંટા પડ્યા તો તરત જ છોકરાને બોલાઈ લ્યો ઘરમાં. ગરમ લૂગડાંમાં લપેટી લ્યો. શરદી ના થાય એટલા માટે. ભૈ આખો શિયાળો ઉઘાડા ડિલે રખડ્યા કરીએ તોય કશુંય થ્યું નથી અમોને. પણ શિયાળો બેહતાંમાં તો તમે શ્યું શ્યું કરવા માંડો છો? હાથે કરીને તમે તમારી ઓલાદને બગાડી ર્યાં છો, નથી લાગતું એવું?
ચરામાં ઢોર ચારતાં ચારતાં અમે લગન લગન પણ રમીએ. એક બાજુ છોડીઓનું ટોળું તો બીજી બાજુ અમારું. મને વરરાજા બનાવે. પછી વાજતેગાજતે પૈણવા જાવાનું. હાંમેથી એક છોડીને કન્યા બનાવે. પણ છોડીઓ ગાતી ગાતી ચાર ફેરા ફેરવે. મજા આવી જાતી ત્યારે તો — પૈણવાની!
અરે! ઈનાથી પણ આગળ વધીને તમોને કઉં તો અમારામાંથી એક જણો મરી જાય. અમે બધાં ભેગાં મળીને રોઈએ. છોડીઓ ઓશલા કૂટે. ઈની જે બૈરી બની વોય ઈની બંગડીઓ ફોડીએ. મરનારની હાચુકલી ઠાઠડી કાઢીએ. ખભે ઉપાડીને માંહોણોમાં લઈ જઈએ એટલે ઈની પાછળ ઈની વઉં માથું કૂટે! મોટે મોટેથી રુએ પણ! બીજી છોડીઓ આશ્વાસન આપે, હમજાવે.
તમોને શ્યું વાત કરું મારા ભૈ, અતારે એ ચેટલું બધું ચેડી રૈ જ્યું સે? ચ્યાં છે એવા ચરા? ચ્યાં છે એવો વરહાદ? ચ્યાં છે એવા થુંબડા અને કોતરો? ચ્યાં છે એવાં પેંડારિયાં? ચ્યાં છે એટલાં બધાં ઢોર? ચ્યાં છે એવાં તળાવ અને ઝાડ-ઝાંખરાં? ચ્યાં છે એવાં માનવી કે વટેમાર્ગુ?
મારા ગાંમનાં ટેણિયાંને હવે જાવું નથી પડતું સેતરમાં કે ચરામાં ઢોર ચારવા માટે. ચરો પણ ચરો જ ર્યો નથી હવે તો. પછી કુણ જાવાનું અતું? તળાવમાં કદીય ભરાતું નથી પાંણી કે જેથી આબૂલો-ધાબૂલો રમી શકે છોકરાં. હવે તો બધું હંકડાવા અને હુકાવા માંડ્યું છે માંણહોના મનની જ્યમ. એટલે તો કઉં છું કે, જ્યમ ભણતર વધ્યું ઈમ માંણહોમાંથી માંણહાઈ ઘટવા માંડી! ગણતરીઓ થાવા માંડી જીવવા માટે પણ. એટલે તો અમારી મોકળાશને તમારી ગણતરીઓ ગળી જૈ છે એનું ભારોભાર દુઃખ છે અમોને ભૈ!