ગુજરાતી નિબંધ-સંપદા/જયંત પાઠક/ભયભરચક ત્રણ કોતર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ભયભરચક ત્રણ કોતર

જયંત પાઠક

અમારા ગોઠ ગામના બ્રાહ્મણોનો બધો વટવહેવાર કાલોલ સાથે. કાલોલ મોટું ગામ, કસ્બો, ન્યાતનું ગામ એટલે સગાંવહાલાં પણ એમાં રહે; વેપારનું ધામ ને એમાં અંગ્રેજી નિશાળ પણ ખરી — ધી યૂબૅન્ક એ. વી. સ્કૂલ. ગોઠ ને કાલોલ વચ્ચેનું અંતર આમ તો દસ ગાઉનું ગણાય, પણ આ ગાઉ એટલે ‘આંધળા ગાઉ’. એની માપણી-મોજણીની કોઈ નોંધ મળે નહીં; બે ગાઉ ઓછાય હોય ને વત્તાય હોય. ઝટપટ ચાલતા માણસને આ અંતર કાપતાં ત્રણેક કલાક લાગે, જ્યારે ગાડું કે ઘોડું તો ખાસ્સા છ-સાત કલાક લે. ચીલાના દડમાં બળદ ધીમા ચાલે ને ‘ઘોડું’ એટલે તો માણસથી ધીમી ચાલનું પ્રાણી; અટકે તો એડી મારો કે ચાબુક ફટકારો, લગામ ખેંચો કે બુચકારા બોલાવો, ચાલે એ બીજા. ગોઠમાં ચાર ચોપડીઓ ભણીને હું કાલોલની અંગ્રેજી નિશાળે બેઠો. નિશાળમાં રજાઓ પડે ત્યારે વચનમાં ગામ જવા માટે ક્યારેક આવું ઘોડું લેવા આવે કે પછી ગાડું. કોઈ વાહનજોહન ના મળે તો વળી દસ ગાઉનો એ પલ્લો પગેય કાપી નાખીએ.

કાલોલ ને ગોઠ વચ્ચેના એ રસ્તે ત્રણ કોતર આવે — અલવા કોતેડી, નરખોડ ને અંધારી. ત્રણેય જગાઓ ભો-ભણકારવાળી. જ્યારે જ્યારે જવાનું થાય ત્યારે મનમાં સતત ફફડાટ થાય. કાલોલની ભાગોળે ગોમા નદી ઓળંગીએ એટલે એક ઊંડી ને સાંકડી નેળ આવે; જાણે ભોંયરામાં પ્રવાસ કરતા હોઈએ એવું લાગે. નેળ એવી તો સાંકડી કે બે ગાડાં સામસામાં આવી જાય તો ભોગ મળે. સામસામે બોલાચાલી થાય, ગાડાં છોડા નાખવાં પડે, ટાળો શોધવો પડે, મહામુસીબતે આગળ જવાય. એટલે તો નેળમાં ગાડું પ્રવેશે કે ગાડામાંથી એક જણ હેઠો ઊતરે ને ‘એ ગાડું આવે છે એ…’ એમ બૂમો પાડતો આગળ આગળ ચાલે. નેળમાંથી ગાડું તરવડા ગામ આગળ સમથળ ચીલે પડે ત્યારે ‘હાશ’ થાય; જાણે વૈતરણી તરી ગયા! પણ આ ‘હાશ’ બહુ લાંબી ના ચાલે. પેલો ફફડાટ પાછો જોર પકડે. આગળ આવતી અલવા કોતેડીનો ભય મનમાં તરત જાગે. ગાડામાં બેઠેલા ગાડાવાળાને વિનવે: ‘જોજો ભાઈ, ધીરેથી કોતેડીનો ઢાળ ઉતારજો; બહુ ખખડાટ ના થાય.’ બળદને ગળે ઘૂઘરા બાંધ્યા હોય કે ગાડાને પૈડે ઝાંઝરિયાં બાંધ્યાં હોય તો વળી ઓર ચિંતા. સારે-માઠે પ્રસંગે સાથે સ્ત્રીઓ હોય તો વધારે ડર. એમનાં ઘરેણાંગાંઠાં ને વસ્ત્રો સાચવવાનાં. ઘરના મરદો ગાડાની આગળ આગળ ડાંગ કે આડું લઈને ચાલે. આમેય ગાડાવાળાએ ગાડામાં કુહાડી કે ધારિયું તો રાખ્યું જ હોય. અલવા કોતેડી આવે એટલે હાંકેડુ ગાડાની ગતિને અંકુશમાં રાખવા બળદોની રાશ ખેંચી રાખે. બળદ કોતેડીમાં ઊતરી પાણીમાં મોં નાખવા જાય કે હાંકનાર જણ રાશ ખેંચે, બળદને પાણી પીવા ન દે. એને તો બને તેટલી ઝડપે આ કોતેડી પાર કરી જવી હોય. બધાના જીવ અધ્ધર થઈ જાય; આંખો ચકળવકળ ચારે દિશામાં ફરે. હમણાં જાણે હાથમાં ધારિયાં કે તીરકામઠાં લઈને લૂંટારા નીકળશે ને બધું ખંખેરી લેશે. જગા ભારે બિહામણી. જે બાજુથી પાણી આવે તે બાજુના બે ઊંચા કાંઠા ઉપર જટાજૂટ ઝાડીજાળાં, ધોળે દહાડે અંધારું ઘોર; પાણી કાળાં કાળાં. એટલાંમાં માણસનું મોં જોવા ન મળે; શિયાળવાં પાણી પીવા ઊતરે. કાંઠાના ઝાડ ઉપર એક કલકલિયો બેઠો છે. તીરની માફક એ એકાએક ઉપરવાસના ઊંડા પાણીમાં પડે છે ને માછલીને ચાંચમાં લઈને પાછો ઊંચી ડાળે આવી બેસી જાય છે. દૃશ્ય, આમ તો આહ્લાદક કહેવાય, પણ મન અદ્ભુતને બદલે ભયાનકનો અનુભવ કરે. જગા જ એવી કે સૌન્દર્ય પણ ભય જગાડે! ઉતાવળે ગાડું નેળમાં પડે ત્યારે જ શ્વાસ હેઠો બેસે.

અલવા કોતેડી મૂકીએ એટલે મલાવ ગામ આવે. ઝાંપે ગુજરાતી નિશાળ ને નિશાળની સામે ચા-ભૂંસાની એક દુકાન-હૉટલ. ગામનું તળાવ જાણીતું. એટએટલામાં એવું મોટું બીજું તળાવ નથી. એનાં પાણીથી ડાંગર પાકે. આસપાસના પ્રદેશમાં એના ચોખા પ્રખ્યાત. વિશાળ તળાવનું પાણી ઊંચી પાળને તળિયેથી ઝમ્યા કરે એટલે ગામની બન્ને ભાગોળે પાણી વહેતું રહે છે. પાળ ઉપર પથ્થરની નાનીમોટી અનેક ખંડિત મૂર્તિઓ પડેલી જોવા મળે; ક્યાંક વળી પાળિયા ખોડાયેલા હોય. ગામની ભાગોળે એક પુરાણી વાવ છે; વાવમાં પાણી છે ને અંદર ઊતરવાનાં પગથિયાં પણ છે; પણ એનું પાણી પીવાથી વાળાનો રોગ થાય છે, એટલે કોઈ પીતું નથી. ગાડાવાળા માટે અહીં વળી એક નવો ભય માથું કાઢીને ઊભો હોય. ગામમાં એક માતેલો સાંઢ છે, અલમસ્ત, મારકણો, પહાડના પ્હાણા જેવો કાળો, ગાડું દેખતાં જ એ ભાંભરે છે ને માથું નીચું કરીને બળદ ભણી ધસે છે — જાણે વૃષભાસુર. ગાડાવાળાએ આવે ટાણે અગમચેતી વાપરી ગાડું છોડી નાખવું પડે, બળદને સાચવી લેવા પડે. આ સાંઢ જ્યારે ઝાંપે ન હોય ત્યારે મનમાં ભારે રાહત થાય. ગામ વીંધીને બીજી ભાગોળે પહોંચીએ. અહીં જમરૂખની વાડીઓ છે. ગાડું ઊભું રાખી વાડીવાળાને બૂમ પાડીએ. જમરૂખ જોખીને ગાડામાં આપી જાય. ખાતાં ખાતાં લહેરથી પ્રવાસ કરીએ.

મલાવ છોડીએ કે નરખોડ આવે. આ કોતરના કાંઠાની જમીન પડતર; એમાં ઘાસ ઊગે, આ ઘાસ સરકારી; એની ઊપજ સરકારને જાય. તેથીસ્તો આ સ્થળ સવિનય કાનૂનભંગની, સત્યાગ્રહની લડત વખતે ઇતિહાસને પાને ચડ્યું ને! ખેડૂતોએ અહીં સત્યાગ્રહ કરેલો, ત્રીસની સાલમાં. એમની માગણી જમીન ખેતી માટે આપવાની. સત્યાગ્રહીઓ ઘાસ ઉખાડે ને પોલીસ લાઠીમાર કરે, ધરપકડો કરે. આ સત્યાગ્રહ તે વખતે તો નિષ્ફળ ગયેલો. હજી પણ આ કોતરની આસપાસની ઊબડખાબડ જમીન પડતર જ છે. ગાડું ધીરે રહીને નરખોડના પાણીમાં ઊતરે છે. પાણી જુઓ તો નર્યું નીતર્યું. કાચ જેવું ને મીઠું મધ. મનમાં દહેશત હોય પણ તરસ ખૂબ લાગી હોય એટલે વહેણની બાજુમાં રેતીમાં વેરી ગાળીએ ને પોશે પોશે કે પછી લોટીલોટો સાથે હોય તે ભરીને પાણી પીએ. ક્યારેક વળી ભૂખ લાગી હોય તો કાલોલથી કે મલાવથી બંધાવેલું ચવાણાનું પડીકું ખોલીએ ને બે ફાકા મારી લઈએ. આ બધો વખત નજર તો કોતરની ઉપરવાસમાં, ઝૂકેલાં ઝાડની છાયામાં કાળાંભમ્મર દેખાતાં પાણી ભણી હોય. એક વાર એક જળકૂકડીને પાણીમાં તરતી જોયેલી તે બરાબર યાદ છે. આવું દૃશ્ય પણ ભયના સ્થાયી ભાવવાળા મનને તો ભયપ્રેરક જ. મનના જાળામાં ભરાઈ રહેલો ભય વારે વારે ડોકિયાં કરે ને શરીરમાં કંપ પ્રેરે. આ સ્થળની એક કહાણી આજેય બરાબર યાદ છે. એક વાર મારા ભાઈ રમણભાઈએ અહીં એક ટપાલીને લૂંટાતો જોયેલો. રમણભાઈ કાલોલથી ઘોડી ઉપર બેસીને ગામ જતા હતા; સાથે એક માણસ ચાલે. નરખોડ ઊતરીને તેઓ સહીસલામત આગળ વધતા હતા ત્યાં તો પાછળ બૂમો પાડતો, લોહીલુહાણ હાલતમાં દોડતો એક માણસ આવે. ગભરાટમાં ને કંઈક રોષમાં એ બોલ્યો: ‘અલ્યો, જરા ઊભા તો રેવું’તું; મેં આટઆટલી બૂમો પાડી, પણ તમે તો ઊંધું ખાલીને હેંડવા જ માંડ્યું; ભલા’દમી ઊભા રહેવું જોઈએ ને!’ મલાવથી ટપાલી ટપાલની થેલી લઈને આવે. ત્યારે બસ નહીં એટલે આવા હલકારા ગામડે ટપાલ પહોંચાડતા. એમને ખભે ટપાલથેલો હોય ને હાથમાં લાકડી; લાકડીને છેડે ક્યારેક ખણખણ થતો ઘૂઘરો પણ બાંધ્યો હોય. મલાવમાં કોઈ જાણભેદુએ ટપાલથેલામાં ‘માલ’ જોઈ લીધો હશે, એટલે નરખોડમાં એણે ટપાલી ઉપર હુમલો કર્યો, ધારિયું વીંઝ્યું ને થેલો આંચકી ઝાડીમાં એ અદૃશ્ય થઈ ગયો. આ બનાવ પછી જ્યારે જ્યારે નરખોડ આવે ત્યારે શરીરનાં રૂવાં ઊભાં થઈ જાય, ઘડીભર ધારિયાવાળો ને લોહીલુહાણ ટપાલી દેખાય!

નરખોડના કાંઠાનો ચઢાવ ચઢીએ એટલે ગામ જવાનો માર્ગ બે ફાંટામાં વહેંચાઈ જાય. એક રસ્તો એરોલ ગામમાં થઈને ને બીજો પરોળી થઈને ગોઠ જાય. પરોળીવાળો રસ્તો લગાર ટૂંકો, પણ જરા ઉભડક, બહુ વટાયેલો નહીં. એ રસ્તે જતાં વળી એક કોતર આવે — અંધારી. નાનપણમાં આવા નામમાત્રથી મનમાં ચિત્રો રચાતાં ને ચિત્રવિચિત્ર ભાવો જાગતા. ‘લટિયાં તલાવડી’નું સ્મરણ થતાં જ વાળ છુટ્ટા મૂકીને ધૂણતી કોઈ બાઈનું ચિત્ર ખડું થઈ જાય. ‘અંધારી’ સાંભળતાં જ આંખ સામે અડાબીડ અંધકાર દેખાય ને અંધકારમાં એરુ-ઝાંઝર કે વાઘવરુ ફરતાં જણાય. અંધારીમાં બધું કાળું જ કાળું: પાણી કાળું, પથ્થર કાળા, કાંઠાની જમીન કાળી ને ઝાડવાં પણ ઘટાથી કાળાં. અહીંનાં છીછરાં પાણીને પાર કરી જવાનું અઘરું નથી, પણ ભયનાં ઊંડાં પાણીમાંથી નીકળવાનું દોહ્યલું છે. એકલદોકલ મુસાફર પાસે નાનપણમાં ઘણી ભયંકર વાતો સાંભળી છે. એક જણ કહે છે: ‘બળદિયા દાઝે નહીં એમ કહીને તે દઝાડે એમ સાંજે ગાડું જોડ્યું. ગાડામાં ભાર વધારે એટલે ધીમું ચાલે. અંધારી કોતેડી આગળ રાત પડી ગઈ. અંધારું તો એવું કે જાત પણ ભળાય નહીં. ગાડું કોતેડીમાં ઊતર્યું ને બળદોએ પાણીમાં મોઢું માંડ્યું કે કાંઠાની ઝાડીમાં ખખડાટ થયો. બળદ ભડક્યા. આંખો ઝીણી કરીને જોયું તો જાળામાં માનો (વાઘ) ટાંપીને બેઠેલો. આંખો તો દીવાની પેઠમ તગતગ થાય. ગાડું છોડી મેલીએ તોય દુઃખ ને હાંકી મેલીએ તોય દુઃખ. હમણાં મામો જાણે ઊભો થતોકને બળદ ઉપર પડશે, બોચીમાંથી ઝાલશે ને એને લોહીલુહાણ કરી નાખશે. અમારામાંથી એક જણે ઊતરીને બળદને ગળાના દોરડાથી ખેંચીને આગળ લીધા ને કોતર પાર કરી ગયા. પેલો તો ઊભો થયો; આળસ ખાઈને ટટાર થયો. એમને થયું કે માર્યા; આજે કાં તો આપણાં સોયે વરસ પૂરાં થઈ જાય! બળદ જાણે વાઘની ગંધ આવતી હોય એમ ભડકમાં આઘાપાછા થાય, અટકી જાય, કાન ઊભા કરીને ઊભા રહી જાય. ગાડાથી થોડું છેટું રાખીને એ જાનવર ખાસ્સા બે ગાઉ સુધી ગાડાની હાર્યે હાર્યે ચાલ્યું ને પછી એક કોતેડામાં ઊતરી ગયું.’ કોઈ વળી અંધારી રાતે વરુએ ગાડું આંતર્યાની કહાણી કહે તો કોઈ વળી ભૂતપ્રેતની, ચળિતરની. મન આખામાં અંધારી નદી વહેતી થઈ જાય!

એ અલવાની કોતેડી, એ નરખોડ ને અંધારી આજે તો શોધ્યાં જડે એવાં નથી રહ્યાં. ભરઉનાળે જ્યાં પાણી ખૂટતાં નહોતાં ત્યાં હવે કાંકરાય દેખાતા નથી. એ ધૂળિયો ગાડાચીલો ગયો ને એ નદીનાળાં પણ. કાલોલથી ગોઠ સુધી હવે સડક થઈ છે; સડકની બે બાજુ ખેતર; વચ્ચે વચ્ચે ગરનાળાં આવે. અતીતની દુનિયાને શોધતી આંખો ઝીણી થાય ને પેલાં કોતર જોવા મથે. રેત-કાંકરાથી આછી આછી અંકાતી પટરેખાઓ જોઈએ ને આ અલવા કોતેડી, આ નરખોડ, આ જ અંધારી એમ અનુમાન કરીએ, મનને મનાવીએ. જાણીએ છીએ કે હવે એ કાંઠા નથી, એ જળ નથી ને એ ભય પણ નથી; છે તો એ બધું મનમાં જ છે. પાછે પગલે કાળમાં ચાલી શકાતું હોય તો એ કોતરો એવાં ને એવાં જડે ખરાં, પણ સમયનો રસ્તો એકમાર્ગી છે; જે રસ્તેથી આવ્યા તે રસ્તે પાછા જવાતું નથી. હવે તો આપણે છીએ ત્યાં સુધી એ બધું સ્મરણપ્રદેશમાં છે ને મરણ સ્મરણના વિલયની રાહ જોઈને જ બેઠું હોય છે, છતાં માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાણું. વળી સ્મરણથી મરણને થોડી વાર પણ હંફાવ્યાનો આનંદ જેવોતેવો નથી.