ગુજરાતી નિબંધ-સંપદા/દક્ષા પટેલ/ડબો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ડબો

દક્ષા પટેલ




ગુજરાતી નિબંધસંપદા • ડબો - દક્ષા પટેલ • ઑડિયો પઠન: મનાલી જોષી


રસોડાનું માળિયું સાફ કરતાં છેક છેલ્લે ખૂણામાંથી કાટ ખવાયેલો ડબો હાથ લાગ્યો. ઉપર મુકાયેલા વજનથી ઢાંકણ દબાઈ ગયેલું. વાસેલી કડી સખત રીતે બંધ થઈ ગયેલી. તેને ખોલવાનો પ્રયત્ન કરતાં, મારા ચિત્તમાં એક ડબો તાદૃશ થયો ને પાંચ દાયકા પહેલાંનું દૃશ્ય તાજું થઈ ગયું.

‘કુકી, આવજે હોં… ડબો ખોલવો હે’. રજાના દિવસે મારા સિવાય સૌ કોઈ બહાર ગયાં હોય ત્યારે માસીની આ બૂમ મારા માટે અપેક્ષિત હોય. ડબો તેમની એકમાત્ર અમૂલ્ય જણસ, તેમનો જીવ. માસીનું નામ દુર્ગા. નામને બિલકુલ ન્યાય આપતો તેમનો સ્વભાવ. ઘરના કોઈ બતાવે નહીં, સિવાય અમારી બાળટોળી.

માસી ખરાં પણ અમારા દાદાનાં, એટલે અમારી વચ્ચેનો ઉંમરનો તફાવત ત્રણ પેઢી કરતાં વધારે તો ખરો જ! તે રહે રાજસ્થાનના દૂરદૂરના કોઈ સાવ નાનકડા ગામમાં. અમદાવાદ અમારે ત્યાં આવે ત્યારે છ-આઠ મહિના તો રોકાય. પંડે એકલાં, બાળવિધવા, કદકાઠી સાવ ઝીણાં, રંગે ઘઉંવર્ણાં, સફાચટ બોડું માથું, અડવા હાથ-પગ ને ડોકમાં કાળો જાડો બેવડો દોરો, ડબાની ચાવી બાંધેલો, ગાંધીજી જેવાં ગોળ ફ્રેમનાં ચશ્માં, જેની દાંડી કાન પાછળ સ્પ્રિંગની જેમ સાવ ચોંટેલી રહે. શરીર પ્રમાણમાં મજબૂત. પોતાનો ડબો પોતાના માથે મૂકીને ચાલે ને ઘર ત્રીજે માળ એટલે પગથિયાં પણ ચઢે. ડબો કોઈને ઊંચકવાય આપે નહીં. ઘરમાં પણ ચોક્કસ જગાએ ઝટ કોઈની નજરે ના પડે તેમ ડામચિયા નીચે ગોઠવીને મૂકે.

ડબો એટલે સીંગતેલનો સોળ કિલોનો પતરાનો ડબો. ખાલી થાય પછી ઉપરથી પતરું કોતરી કાઢી, પદ્ધતિસરનું ઢાંકણ લગાડી, તાળું મારવા નકૂચો ને કડી ચોંટાડેલાં હોય. હોય સીંગતેલનો, પણ ચોખ્ખોચણાક ધોયેલો, મોં દેખાય તેવો ચમકતો. મુસાફરીમાં પેટીની ગરજ સારે તો ઘરમાં હોય ત્યારે તિજોરીની ખોટ પૂરી કરે ડબો. માસી મજબૂત તાળું તો મારે જ અને સફેદ જાડી વણેલી દોરીથી ખેંચીને બાંધે, જેને ખોલવાનું કામ કૂટપ્રશ્ન ઉકેલવા જેટલું અઘરું. ડબો માસીનું હરતુંફરતું ઘર, અથવા કહોને મોબાઇલ સેફ ડિપોઝિટ વોલ્ટ. ડબાના આગળના ભાગમાં હિન્દીભાષામાં અણઘડ રીતે લાલરંગથી લખાયેલું માસીનું નામ અને સરનામું.

અમે બાળકોએ બહારગામ જવા માટે પતરાની પેટી અને સૂટકેસ જોયેલી. આથી ડબાની ઘણી નવાઈ લાગતી. અમારા આશ્ચર્યના શમન માટે માસી આઘાંપાછાં થાય કે ડબો ડામચિયા નીચેથી ખેંચી ઘર વચોવચ મૂકી દેતાં, ગમે તે રીતે — સાણસી, ખીલી, પથરો, હથોડી વગેરેથી તાળું ખોલવાનું શરૂ થાય તે પહેલાં જ માસીનું પ્રગટીકરણ થઈ જ જાય. ઊંચા અવાજે રાજસ્થાની બોલીમાં ફટાફટ બોલવા લાગે ને લાગ મળે તો કાન આમળે કે જોરથી ચૂંટલો ખણી લે. કાળું ચકામું થઈ જાય તો કદીક લોહી ફૂટે. વડીલો વચ્ચે પડે, અમને ધમકાવે, કદીક એક લાફો વળગાડી દે…. માંડ માંડ મહાભારત શરૂ થતામાં જ સમેટાઈ જાય. પણ દુર્ગામાં પ્રવેશેલી મહાકાળીને શાંત પાડવાની રામાયણ તો ઊભી જ હોય. ડબો માથે મૂકી, સડસડાટ પગથિયાં ઊતરી ગામ જવાની હઠ પકડે. મારી બા માંડ સમજાવી ઉપર લાવે અને અમે ડબાને નહીં અડવાનું પણ લઈએ.

ડબો ઉઘાડવા મારી પર પસંદગી ઊતરે, કારણ એવું કે તેમની રોજિંદી પ્રવૃત્તિમાં — નાહવાથી લઈને ઊંઘવા સુધી — હું સેવકની જેમ હાજર રહું. માથું બોડું છતાં રોજ તેલ ઘસી આપવાનું, સાડલાની ગડી કરવામાં મદદ કરવાની. સાડલો પહેરી લે, એક વેંત ઊંચો, પછી પાછળથી ખેંચી આપવાનો, પોલકાનાં બટન વાસવાનાં, ટુવાલ સૂકવી દેવાનો, સુકાય એટલે તેમનાં કપડાં સાથે વાળીને, ગોઠવીને ડબા પર મૂકી દેવાનાં. માંગે એટલી વાર પાણી પાવાનું, બોખા એટલે રોટલી-ભાખરી મસળી આપવાની… એમ તેમનું મન પ્રસન્ન થાય, લાગણીના તંગ થયેલા તંતુ સહેજ ઢીલા પડે અને ડબો ખોલવા મારા નામની બૂમ પડે.

ડબાનું મને પણ ઘણું કુતૂહલ. બૂમ પડે કે બધું પડતું મૂકી દોડું. ઘરમાં કોઈ ન હોવા છતાં માસી ફરી ફરી ખાતરી કરી, બારણું વાસી દે ને પછી ડબો રૂમમાં વચ્ચોવચ મૂકે. મારી આતુરતા વધી જાય. તે માથે ઓઢેલો સાડલો ધીરે રહીને કાઢી, ગળામાંથી ચાવીવાળો બેવડો જાડો કાળો દોરો કાઢી, પોતાના ખોળામાં મૂકી, પાછો સાડલો માથે ઓઢી લે, સરખો કરે, આજુબાજુ ચાંપતી નજરે જોઈ લે, નિશ્ચિંત થાય પછી જ મને ચાવી આપે. તેમનું માટલી જેવું ગોળ, બોડું, તગતગતું, ઉઘાડું માથું જોઈ બીક લાગતી. ગળામાં લટકાવેલી ચાવી કાઢવાની પ્રક્રિયા એટલી તો લાંબી હોય કે મારું બાળમન સહન ના કરી શકે. ચાવી હાથમાં આવતાં જ ફટાફટ તાળું ખોલી ડબો ખોલવા લલચાઈ જાય. એકાદ વાર પ્રયત્ન કરેલો તો માસી વીફરેલાં ને ચાવી પહેરી લઈ, ડબો જેમનો તેમ યથાસ્થાને મૂકી, ડબા પાસે ઓશીકું મૂકી લાંબા થઈ ગયેલાં. ડબો મારા માટે સ્વપ્નવત્ બની ગયો.

ડબો ઉઘડાવવાનું કામ માસીનું દાયકાઓથી બંધ દિલ ખોલવા જેટલું કપરું હતું. કેટકેટલી મનવર કરું. તેમનો વિશ્વાસ જીતું. તેમના જીવનને ટાઢક થાય તો જ કદીક ડબો ઊઘડે, જાણે તેમનું હૈયું ઊઘડે.

માસી ચાવી મને આપે પણ તરત જ પાછી લઈ પોતે જ તાળું ખોલે. ખુલ્લું તાળું અને ચાવી ઠેકાણે મૂકે, આટલું પણ વિધિવત્ પૂરતો સમય લઈને કરે. પળે પળે મારી ધીરજને આકરી કસોટીએ ચઢાવે.

પછી ઉપરથી ઢાંકણને દબાવી કડી ખોલવાના નિષ્ફળ પ્રયત્ન કરે. છેવટે પોતે ડબા પર બેસી કડી ખોલી ઊભાં થાય કે તરત કડી પડીને વસાઈ જાય. તેમના જીવતરને દેવાઈ ગયેલા જડબેસલાક ઢાંકણની જેમ! પછી મને ડબા પર બેસાડી, કડી ઊંચી પકડી રાખે; પછી હું નીચે ઊતરું ને ઢાંકણ ખૂલે.

ડબો ઊઘડતો કે માસીનો આખો જન્મારો ઊઘડતો. મારા અપાર વિસ્મય વચ્ચે એક પછી એક કપડાં બહાર કાઢે. સાવ ઘસાઈ ગયેલાં સાડલા-પોલકાં, થીંગડાંવાળાં, ડિઝાઇનવાળાં ચણિયા-ચાદર, તારતાર થઈ ગયેલી ગરમ શાલ, કાણાંવાળો ગરમ કબજો, માથે બાંધવાના ચીંથરા જેવા સાડલાના ટુકડા, કંતાઈ ગયેલો ડિલ લૂછવાનો ટુકડો, એકાદ-બે ઓશીકાની ખોળ. બધું વારાફરતી બહાર કાઢી, ગડી ખોલી, પહોળું કરી, મને બતાવતાં જાય. દરેકમાં ગરીબાઈમાં વીતેલા જીવતરની ઝાંખી હતી. મને ઉતાવળ રહેતી, આખો ડબો ખાલી કરવાની. હવે કોઈકે આપેલા એકાદ-બે નવા સાડલા, નવાં પોલકાં નીકળે. તે પણ પહોળાં કરીને બતાવે ત્યારે આંખોમાં અજબની ચમક દેખાતી. તેમના તંગ, રુક્ષ ચહેરાની રેખાઓ સહેજ કૂણી પડતી. કપડાં સાથેનો પોતીકાપણાનો ભાવ ચહેરા પર ઊભરી આવતો. ચહેરો લગીર વાર ખીલતો, તરત વિલાઈ જતો. તેમનાં કયાં લાગણીભર્યાં સંભારણાં જોડાયેલાં હશે!

નવું ફુગ્ગીબાંયવાળું સફેદ ભરતભરેલું પોલકું મારા શરીર પર મૂકી મને જોઈ રહેતાં. તો કદીક નવો સાડલો મારા માથે ઓઢાડી, મારા ગાલે હાથ ફેરવતાં. તેમનું બોખું મોઢું ખુલ્લું થઈ, સહેજ હસવા જેવું થતું.

મારું મન ડબામાં દેખાતી ભૂરા, વાદળી, સફેદ ગાભાથી બંધાયેલી નાનીમોટી પોટલીઓ ખોલવા લલચાતું. માસી ધીરેથી ભૂરા ગાભામાં લપટેલું ભારેખમ, કંઈક કાઢી, સાચવીને જમીન પર મૂકતાં. આવાં ચાર ભારેખમ પોટલાં બહાર મૂકતાં હાંફી જતાં. શ્વાસ હેઠો બેસે પછી ધીરેથી ગાંઠો ખોલી, કપડું હટાવતાં. ગ્રે રંગનો, ગુલાબી રંગનો, બદામી રંગનો એમ પથ્થરના ચાર મોટા ઊંડા વાટકા કાઢી મને સમજાવતાં, ‘કૂકી, પહાણિયા છે. દાળ-રોટલો ચોળીને ખાવા માટે, હોં.’ બદામી રંગનું સહેજ પાતળું, ઓછા વજનનું ને ઊંડું પહાણિયું મને ગમી જતું. બેચારવાર હાથ ફેરવતી, માસીને સમજાઈ જતું, મને વાપરવા-રાખવા આપેલું.

એક સાવ નાની કાળા ગાભાથી બાંધેલી પોટલી કાઢી, ગાંઠ છોડી, મારી સામે ધરીને કહેતાં, ‘જો, આ… વાઘણનું દૂધ હે.’ ધોળાધબ્બ ગાંગડા, દૂધનાં ઠરી ગયેલાં મોટાં મોટાં ટીપાં મારી હથેળીમાં મૂકતાં અને હું વાઘણને અડતી હોઉં તેમ ગભરાતી. ‘કૂકી, માંદગીમાં કામ લાગે હે. આદિવાહી પાહેથી દામ આલીને લીધેલું.’ સાચવીને તેની પોટલી બાંધી, બીજી પોટલી કાઢતાં. સાવ ઘસાયેલું કપડું ફાટી ના જોય તેની કાળજી રાખી ગાંઠ ખોલતાં. મારી સામે ધરીને કહેતાં, ‘વાઘના નખ હે. નાના કૂકાના ગળામાં ઘાલવાના.’ નખ હાથમાં લઈ આમતેમ ફેરવીને જોતાં પૂછી બેસતી, ‘માસી, તમારાં છોકરાં ક્યાં છે? તેમને કેમ ના પહેરાવ્યા?’ માસી ઘડીક વાર ગુમસૂમ થઈ જતાં. તેમની ઘરડી આંખો દૂર દૂર કંઈ જોતી, સ્થિર થઈ જાય તે પહેલાં મને કહેતાં, ‘કૂકાને પહેરાવીશું.’

ડબામાં હજી મોટી ગોળાકાર પોટલી દેખાતી. સાચવીને પોટલી બહાર કાઢી, જમીન પર મૂકી, ગાંઠ ખોલી અનાવરણ કરતાં કે અંદર પૂનમના ચાંદા જેવા, મોટા, ગોળ ગોળ, શ્યામ પડતા કેસરિયા રોટલા જેવું કંઈક દેખાતું. એકની પર એક એમ દસબારની થપ્પી કરેલા. ‘આ કેટલા રોટલા છે?’

‘કૂકી, આ આમપાપડ હે’, કહી સાચવીને એક હાથમાં લઈ નાનો ટુકડો કાપી મને ખાવા આપતાં. ખાતાંની સાથે જ કહેતી, ‘માસી, આ તો કેરીના રસ જેવા લાગે છે.’

‘હો… કૂકી, આ કેરીના પાપડ હે.’ બે પાપડ રાખી બાકીના રસોડામાં મૂકવા આપતાં.

એકલપંડે, ખેતરની નજીવી ઊપજ પર ને ગામલોકોની મહેરબાની પર જીવતર કાઢીને, આયુષ્યના આરે ઊભેલાં માસી ઘર માટે કંઈ લાવી શકે તેવી સ્થિતિમાં જ નહોતાં. પોતે કેરી કે કેરીનો રસ ખાધા વગર, રસ તડકામાં સૂકવી કેરીપાપડ બનાવી બેચાર મહિના જતનથી સાચવી રાખી અમારા માટે લેતાં આવતાં. આમપાપડ ખાતાં અમને થતો આનંદ કદાચ માસી માટે જીવનના સાફલ્યટાણાથી જરાય ઓછું નહીં હોય!

છેક તળિયેથી નાની પણ ભારેખમ જાડા કપડાંથી બાંધેલી પોટલી કાઢતાં. દોરીની ગાંઠ ખૂલતાં, પોટલી ઉઘાડી થઈ જતી. અંદર મોટા મોટા સિક્કા દેખાતા. માસી હાથમાં લઈ મોટા સિક્કા પર રાણીની છાપ બતાવી કહેતાં, ‘રાણીછાપ સિક્કા હે, અસલ રૂપાના હે, ગીન, પૂરાં પંદ્રા હૈ.’ રાણીછાપ સિક્કા બતાવતાં માસીના ચહેરા પરના રુઆબનો રાણીની સાથે જબરો મેળ ખાતો! એક એક સિક્કો જાણે એક એક સલ્તનત… આવા પંદર સિક્કાનાં તે મહારાણી.

સાવ છેલ્લી બચેલી મુઠ્ઠીમાં સમાય તેવી, સાવ ઝીણી પોટલી બહાર કાઢી ખોલીને કહેતાં, ‘કાને પહેરવાની વાળીઓ હે. અસલ સોનાની હે. મારી બાની હે.’ તેમના ચહેરા પર આનંદ ફરકી જતો.

બાળવિધવા માસીએ અંતરના ડબામાં સાંસારિક સુખો, ઇચ્છાઓ, અપેક્ષા એવું કેટકેટલું મનગમતું બધું ઠાંસીને ધરબી દઈ, ડબો વાળી, તાળું મારી, ચાવી અગાધ મહાસાગરમાં નાખી દઈ જિંદગી પસાર કરેલી. આખા આયખાની કમાણી જેવો ડબો, અવાવરુ કૂવા જેવો ઊંડો, છેક તળિયે ઝાંઝવાનાં જળ, બાકી નર્યો કાળો અવકાશ, સ્મશાનવત્ શાંતિ, અસહ્ય એકલતા, કારમી વેદના ને મૂંગો મૂંઝારો જ હાથ લાગેલો.

અંતરનો ડબો ખોલવાની જિગર સૌ કોઈ પાસે નથી હોતી. મહાત્મા ગાંધી જેવા જ કોઈક વિરલા ‘સત્યના પ્રયોગો’ લખી જાણે.