ગુજરાતી નિબંધ-સંપદા/નર્મદ/ટીકા કરવાની રીત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ટીકા કરવાની રીત

નર્મદ

સઘળા માણસો પોતાના જ વિચારમાં આવે તેમ ચાલ્યાં હોત તો આ સંસાર ક્યારનો તુટી ગયો હોત. બે વનાં છે – ઘટતું ને અઘટતું; તેમાં ઘટતું જ કરવું અને કરાવવું, એ માણસનો હક અને ગર્વ છે. જો કોઈ હદની બહાર જાય તો તેને આગળથી ચેતવવાનો અને ન માને તો તેને તોડી પાડવાનો બીજાઓને હક છે ખરો.

સર્વગુણસંપન્ન એવું કોઈ નથી; ને એકલાથી સઘળાં કામ બની શકતાં નથી. ત્યારે શું એકની ખામી જે તે પોતે જાણતો નથી, તે બીજા જાણીતાએ ન બતાવવી? સર્વ માણસોએ પરસ્પર એકબીજાનાં કામ ઉપર નિઘા રાખીને તે વિષે પોતાના વિચાર આપવા. રે માણસાઈ છે તાંહાં આપ્યા વગર અને લીધા વગર ચાલતું જ નથી. કોઈએ કંઈ કામ કીધું તો તેમાંના ગુણવિષે તેની તારીફ કરવી, કે જેથી તેવા જ સારા ગુણોજોડે પ્રસંગ પાડવાને તેને ઉત્તેજન મળે; નઠારા ગુણવિષે બોલવું એટલા સારુ કે, ફરીથી તેવા દુર્ગુણસાથે તે કામ ન પાડે; અને એમ ગુણ દોષ ઉઘાડા થવાથી લોકને સાર ને અસાર કેટલો છે તે સેહેજ માલમ પડી આવે.

પુસ્તકોવિષે પણ એમ જ જાણવું – કેટલાક, ગ્રંથકરનારા છે, અને કેટલાક, ગ્રંથઉપર ટીકા કરનારા છે. જો ટીકા કરનાર ન હોત તો ગ્રંથ સમજાત નહીં, ગુણ દોષ માલુમ પડત નહીં, ગ્રંથકાર છકી જાત; તે પછી સારા ગ્રંથ લખત નહીં, અને લોકમાં અનાચાર થાત. પોતાનાથી પૂર્વે થયલા ગ્રંથકારોના દોષ ગુણ જાણ્યાનો ફાયદો કોઈ ગ્રંથકાર લેતો નથી એમ તો કદી માનવામાં આવનાર જ નહીં. ટીકા કરવાની મુખ્ય મતલબ કે એ સારું નરસું બતાવવું અને તેમાં વિશેષે નરસું બતાવવું, કે જે જલદીથી દૂર કરવું જરૂરનું છે. જાંહાં વિદ્યા છે તાંહાં વાદ છે જ અને તેમાં ટીકા થયા વગર રેહેતી જ નથી, જેથી લોકને અમૂલ્ય લાભ થાય છે.

ગુજરાતી ભાષામાં અસલથી તે આજલગીમાં જેટલાં પુસ્તકો થયાં છે, તેની ટીકા થઈ નથી — અર્થાત્ ગુજરાતીમાં ટીકા કરવાની ચાલ નથી. અલબત ફલાણું સારું છે અને ફલાણું નઠારું છે એમ સ્વાભાવિક તો કેહેવાય છે ખરું, માટે પુસ્તકોની ટીકા કરવાની ચાલ નિકળવી જરૂરની છે. આટલાં આટલાં પુસ્તકો છે પણ કોઈ ગ્રંથકારે તેમાનાં કોઈની ટીકા કીધી હોય એમ હમને દેખાતું નથી. જે ભાષામાં ટીકા કરવાની અથવા વિસ્તારથી પરીક્ષા કરવાની ટેવ નથી, તે ભાષામાં જોઇયે તેવા ને જોઇયે તેટલા વિદ્વાનો હશે એમ કદી કેહેવાવાનું નહીં. ગ્રંથની સમજને માટે ટીકા જરૂરની છે એમાં કંઈ શક નહીં. કોઈ કોઈ ગ્રંથ ઉપર સોસો ટીકા થયેલી છે. આપણા લોક સમજે છેકે, કોઈએ એક બાબતનો ગ્રંથ કીધો તો તે બાબત ઉપર સેંકડો ગ્રંથ લખાયલા હોય છે અને એક્કેક ઉપર પચ્ચીસ પચ્ચીસ ટીકા થઈ હોય છે. સંસ્કૃતમાં અને અંગ્રેજીમાં ટીકાવિદ્યા એટલી તો સારા ધોરણ ઉપર ખેડાયેલી છે કે, જેથી વિદ્યાની શુદ્ધિ અને વૃદ્ધિ સારીપેઠે જોવામાં આવે છે.

કોઈએ ગ્રંથ કીધો તો તેણે તેના ઉપર ટીકા થવાથી મારી આબરુ જશે, મારો ગ્રંથ નહીં ખપે, એવી વાતોના વિચારથી બીહીવું નહીં. તેણે તો એમ જ ધારવું કે, મારા ગ્રંથના ઘણા દુશ્મન થાઓ કે જેથી મારી ખોડ જણાય. કેમ કે દોસ્તોના વખાણથી દોષ માલમ પડી શકતા નથી. જે ગ્રંથો ઉપર ટીકા થાય છે, તે ગ્રંથો જો સારા હોય છે તો તે વધારે ખપે છે. અલબત થોડી સમજના અને થોડી વિદ્યાના પુરુષો ચોપડી કહાડીને મોટું માન મેળવી જાય તેનો અટકાવ થવો જોઇયે. જે ડાહ્યો ગ્રંથકાર છે અને જેને સુધરવાની ઇચ્છા છે, તે તો પોતાના ગ્રંથોપર સારી અથવા નરસી ટીકા થઈ જોવાથી ટીકા કરનાર ઉપર દ્વેષ રાખતો નથી, પણ ઉલટો તેનો આભાર માને છે. આપણામાં કોઈને કહ્યું હોય કે, હું તારા ઉપર ટીકા કરીશ એટલે તે બચારાનાં સાતે વાહાણ ડુબી જાય છે. અલબત, દોષ જાણવાથકી થોડીવાર તો તેને દલગીરી થશે, પણ પછી ચાનક રાખી બીજીવાર તે વધારે ચોકસાઈથી બહાર પડશે. જે ટીકા કરાવવાથી બીહે છે, તે અધુરો છે અને ધૂર્ત્ત થઈને અથવા ખુશામત કરીને અથવા વગવસીલાથી માન અને પૈસા મેળવાને આતુર છે એમ સમજવું.

પણ હવે ટીકા કોણે કરવી? કેટલાએક ટીકા કરે છે તે એવી મતલબથી કે આપણે લખતાં નથી આવડતું, તારે ટીકા કરીને લખનારને નિંદિયે અને તેની જગતમાં બેઆબરુ કરિયે. આવા ટીકા કરનારાઓને ધિક્કાર છે. જેનામાં સ્વાભાવિક બુદ્ધિ, પ્રાપ્ત કરેલી વિદ્યા, અને સારું-નરસું સમજવાનું રસજ્ઞાન છે, તે ટીકા કરવાને યોગ્ય છે. જેને જે વાતની ખબર નથી, તેણે તે વાતઉપર ટીકા કરવી નહીં. જે વાતઉપર ટીકા કરવી હોય તે વાતનું ટીકા કરનારે થોડુંઘણું પણ અનુભવજ્ઞાન મેળવવું જોઇયે. જેણે સારી ટીકા કરવી છે તેણે તો પૂરું જ્ઞાન મેળવવું જોઇયે. ઇનસાફ કરવો અઘરો છે. જો બરાબર ઇનસાફ ન થયો તો બચારો ગ્રંથકાર વગર કારણે માર્‌યો જાય અથવા સરપાવ લઈ જાય, માટે ટીકા કરનારે બરાબર ન્યાય કરવો જોઇયે, ને એ શક્તિ મેળવવાને સારુ તેણે જાતે ન્યાય કરવાની બાબત ઉપર ચોખ્ખું જ્ઞાન મેળવવું જોઇયે. કોઈએ દ્વેષભાવથી ટીકા કરવી નહીં.

આ સઘળાનો સાર એટલો કે, પુસ્તકો ઊપર ટીકા કરવાની રીત જલદીથી અમલમાં આણવી જોઇયે. ટીકા કરાવનારે પોતાના ગ્રંથઉપર ટીકા થયેથી (કદાપિ સક્ત હોય તોપણ) બીહીવું નહીં, અને દલગીરી રાખવી નહીં; પણ મેલા ડાઘને ટીકારૂપી આરસીમાં જોઇને કાઢી નાખવા, અને સારા સણગાર સજવા. ટીકાકારે અદેખાઇથી નહીં પણ યથાન્યાય વર્તવું, પણ સામાને માઠું લાગશે એમ સમજીને ડરીને નહીં, પણ જેમ બને તેમ સારી પેઠે યથાવિધિ વિસ્તારે ટીકા કરવી.