ગુજરાતી નિબંધ-સંપદા/પ્રીતિ સેનગુપ્તા/ઘડીક સંગની વાત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઘડીક સંગની વાત

પ્રીતિ સેનગુપ્તા

નાનપણનાં વર્ષો દરમિયાન અમદાવાદથી નીકળીને જો કોઈ એક જગ્યાએ સૌથી વધારે વાર ગયાં હોઈએ તો તે માઉન્ટ આબુ છે. સમય ઓછો હોય, દૂર જવાય એવું ના હોય, અમદાવાદમાં બહુ ગરમી હોય તો તરત, ‘ચલો, આબુ જઈ આવીએ!’ વળી, ઘરનો પુરુષ-વર્ગ સાથે ના આવી શકે તોયે મમ્મી એકલાં પણ નાની દીકરીઓને ‘ઘરની બહાર’ લઈ જઈ શકે.

પછી તો મોટાં થયાં, એટલે જાણે આબુ જઈ જઈને કંટાળ્યાં! થોડાં વર્ષ ના પણ ગયાં. છતાં, પ્રવાસી તરીકેનો અભિગમ કેળવાતો ગયો તેમ ફરીથી, અને ફરી ફરી, એની એ જગ્યાએ જવું બહુ જ ગમવા માંડ્યું, ને બહુ જ સરસ અર્થપૂર્ણતા એમાંથી મળવા માંડી.

જ્યાં અનેક વાર, દરેક વર્ષે એક વાર તો અચૂક — એવાં ગયાં હોઈએ તેવી બીજી જગ્યા તે મુંબઈ. ગુજરાત મેલમાં રાતે ચઢી જવાનું — તે જ ને? એક વાર મોટા ભાઈએ બંને નાની બહેનોને વિમાનમાં મુંબઈ મોકલવાની હોંશ કરી. જિંદગીનું એ પહેલું ઉડ્ડયન! શરમાતાં શરમાતાં બેઠેલાં. પછી પાઇલોટ ખાસ બહાર આવીને અમને ચાલકકક્ષમાં લઈ ગયા. ત્યાંના મોટા, ચોખ્ખા કાચમાંથી તો ધરતીનો કેટલો બધો વિસ્તાર દેખાય! ને જમીન કેવી ઝડપથી સરકી જતી લાગે! ચળકતો દરિયો જોઈને તો જરા ગભરાઈ પણ ગયેલાં!

મુંબઈ શહેરની અંદર અને આસપાસનાં સ્થળોએ ફરવાનું તો ઘણું મળતું, પણ મુંબઈ જરાયે ગમતું નહીં. ત્યાંનું પાણી પણ ભાવતું નહીં, ને લગભગ દર વખતે ત્યાં પહોંચતામાં તાવ પણ આવી જતો. મોટર કે ટૅક્સીમાં નીકળતાં ત્યારે બધું બહુ દૂર લાગતું; અને લોકલ ટ્રેનમાં જતાં ત્યારે થોડી દોડાદોડ લાગતી અને વળી, માંકડ પણ કરડી જતા.

બહુ મોટું શહેર, ભઈ. ગમતું નથી. આપણું અમદાવાદ સારું એના કરતાં તો!

સંજોગવશાત્, કાળક્રમે દુનિયાનું સૌથી મોટું શહેર ઘર બન્યું. જગ્યાઓને જોવા તથા ગમતાં કરવા અંગેની આવડત મળી, સમજણ વિકસી. મુંબઈમાં એકલાં, પોતાની રીતે ફરતાં થયાં, ને એના વિવિધ સ્વરૂપને, એમની રીતે સ્વીકારતાં થયાં, બાળક તરીકે ડબલ-ડેકર બસોની રાહ જોતાં રહેતાં, કે જેથી ઉપરના પરિપ્રેક્ષ્યથી નાગર-દર્શન કરાય. મોટાં થયાં પછી જવા-આવવાનો સમય જાણે ઓછો પડવા માંડ્યો, ને તેથી ફાસ્ટ ટ્રેનો લેવા તરફ પાછાં વળ્યાં.

પરાંના સ્ટેશન પર જ્યાં સ્ત્રીઓને, યુવતીઓને ઊભેલી જોઉં ત્યાં હું પણ ઊભી રહી જાઉં, જેથી ‘સ્ત્રીઓનો ડબો’ સામે આવે. બેસવાની જગ્યા એમાં મળી જ જાય. ક્યારેક તરત જગ્યા ના દેખાય, તો બહેનો જરા-તરા ખસીને, સંકડાશ ખમીને પણ, એક વધારે જણને વચ્ચે બેસાડી દે. અજાણી ‘બહેન’ સાથે પણ સ્મિતની આપ-લે થઈ ગઈ હોય. એમાં એક જાતની હૂંફ લાગે, એક જાતનું ‘આપણા-પણું’ લાગે.

બાજુમાં બેઠેલી બહેન સાથે ઘણી વાર વાત પણ શરૂ થઈ જાય. બસ, એમ જ. ‘અલકમલકની’ કહીએ તેવી. સાધારણ વાતો જ હોય. ઊંડાં સુખ-દુઃખની ના હોય કાંઈ. ને એ જ સારું. એક ‘સાધારણ’, ને સહજ સંધાનની જ જરૂર હોય જાણે. એટલું જ પર્યાપ્ત હોય.

નહીં તો હું નિરીક્ષણ કરતી રહું. કોઈને કઠે તે રીતે નહીં – બલકે કોઈને ખ્યાલ પણ ના આવે તે રીતે. અમુક સ્ત્રીઓ રોજ મળી જતી હોય. એમની વચ્ચે વાતોનો દોર અતૂટ લાગે. અમુક જણ થેલીમાંથી નાસ્તો કાઢીને આપ-લે કરી લે. કોઈ વળી, નારંગી ફોલી લે, સફરજન કાપી લે. કશુંક ખરીદાયું હોય તે જોવા-બતાવવાનું પણ આ સમુદાયમાં થતું રહે. ચાલતી ગાડીમાં આમ નિરાંત ને આનંદનો ભાવ જોવાની મને બહુ મઝા આવે.

ક્યારેક બે-ચાર માછણો બેઠી હોય. મને એ બધી બહુ રૂપાળી લાગે. શ્યામ ત્વચા, લાંબા ચહેરા, પાતળાં, કસાયેલાં શરીર ને ઝીણી ચોકડીવાળી નવ-વારી સાલ્લાના કછોટા વાળેલા હોય. એમના ખાલી ટોપલામાંથી ને કદાચ એમના દેહમાંથી પણ — માછલીની ગંધ આવતી હોય. એ ગંધને શ્વાસમાં લેવી અઘરી ખરી. પણ એ માછણોએ ગાંઠમાં બાંધેલા વાળમાં સૂરજના રંગના, સુંદર, સુગંધિત સોન-ચંપા ખોસ્યા હોય. એ આકર્ષક ફૂલોમાં, ને એમની આછી ફેલાતી સુગંધમાં મન-હૃદય પરોવાયેલાં રહે. પરસ્પર સ્મિતની તક મળે એની હું રાહ જોઉં. એક વાર એમ નજર મળી ત્યારે એક માછણે મને એનો સોન-ચંપો આપેલો. ચળકતો દરિયો આખો પાસે આવી ગયેલો જાણે!

દોઢેક વર્ષ પહેલાં પ્લૅટફૉર્મ પર આશરે ઊભેલી, ને ટ્રેન આવતા જ એમ જ એક ડબામાં ચઢી ગઈ. એ ‘પુરુષોનો’ નીકળ્યો. ભીડનો સમય ન હતો. ને બેસવાની જગ્યા મળી ગઈ. બાજુમાં કોઈ બેઠું નહીં, કારણ કે ઘણી ખાલી બેઠકો હતી. હું ભૂલમાં ચઢી ગઈ હોઈશ, ને બહારગામની હોઈશ, એ બધા સમજી જ ગયા લાગ્યા. કોઈએ ડહાપણ, ચાંપલાશ કે છેડતી કરી નહીં. કોઈએ સામું પણ જોયું નહીં. મારી સામે તો નહીં જ, પણ એકબીજાની સામે પણ નહીં. ‘સ્ત્રીઓના ડબા’માં થાય છે તેવું કોઈ આદાન-પ્રદાન — વાતોનું કે વસ્તુનું — અહીં થયું નહીં, બધા પુરુષો ચૂપચાપ કે ઝોકાં ખાતાં બેસી રહ્યા.

મોટે ભાગે તો મુંબઈની બસોમાં કે ટ્રેનોમાં સફર કરવા જેટલો સમય ના હોય, ને ટૅક્સીમાં જ બેસી જઈએ. વળી, ભીડ અને ધક્કામુક્કીથી પણ બચવું હોય. છતાં તાજેતરમાં ફરીથી આવી સફરનો મોકો મળ્યો. સમય હતો અને જાહેર રજા હોવાથી ભીડ ઓછી હશે એમ ધારણા હતી. ખારથી ચોપાટી જવું હતું. ઘોડબંદર રોડ પરતી બસ લેવાની, ઑપેરા હાઉસ પહેલાં ઊતરી જવાનું, ને પછી થોડું જ ચાલવાનું રહે.

કાકાના બંગલાની આસપાસની ગલીઓ ને બગીચાઓ નાનપણથી પરિચિત. મોટાં મોટાં ઝાડને કારણે હંમેશાં ત્યાં ઠંડક રહે. પહેલાં જેવી શાંતિ હવે ત્યાં રહી નથી. વાહનોની અવરજવર વધી છે, છતાં વહેલી બપોરે ઓછી. મેં જોયું કે લગભગ દરેક બંગલાના ઝાંપાની બહાર એક એક ગાડી પડી હતી. અંદર આયોજિત દુકાન કે શિશુ-વિહાર કે ખાસ વર્ગોમાં મેડમ ગયાં હોય, ને ડ્રાઇવર બેઠો-બેઠો હિન્દી ગીતો સાંભળતો હોય. એ દરેક ક્યાં તો ઊંઘરેટો હતો, ક્યાં તો કંટાળેલો. મુંબઈના મધ્ય-વર્ગીય સમાજની જીવન-રીતિની નોંધ લેતાં મને જરા હસવું આવી ગયું.

બસ આવી તો જલદી, પણ બેસવાની એક પણ ખાલી જગ્યા ન હતી. આગલા ભાગ તરફ જતાં જતાં બીજી-ત્રીજી સીટ પાસે પકડીને હું ઊભી રહી. સ્ત્રીઓ ચઢતી રહી, પકડીને ઊભી રહેતી ગઈ. હું ઊભી હતી તેની પાસેની સીટ પર એક પુરુષ અને બારી તરફ એક બાબો બેઠેલા. એને ખોળામાં લેવાની તો વાત નહીં. મારું ધ્યાન બરાબર એ સીટની બારીની ઉપર લગાવેલી નોટિસ પર ગયેલું. મરાઠીમાં હતી, પણ સમજાયેલી. લખેલું કે આ સીટ સ્ત્રીઓ માટે ખાલી કરવી. અલબત્ત, એ ખાલી નહોતી કરાઈ. કન્ડક્ટરે પણ નહોતી કરાવી. અડધો કલાક આમ ગયો. હું વિચારતી હતી કે સ્ત્રી-હકથી સભાન એવી આધુનિક સ્ત્રીની જેમ મારે એ બાબતે કશું કહેવું-કરવું જોઈએ? કે પછી દયા ખાઈને એને બેસી રહેવા દઉં?

હું મારા વિચારો સાથે રમત રમતી હતી, ને મનોમન હસતી હતી. પછી આગળ વાંચ્યું કે એ સીટ ખાલી નહીં કરનાર પુરુષને દોઢ સોથી ત્રણ સો રૂપિયા સુધીનો દંડ થશે. એ વાંચ્યા પછી તરત આધુનિક સ્ત્રી-પણાએ આગેવાની લીધી. એ બાબાને મેં હિન્દીમાં કહ્યું, ‘બેટા, આવ. મારા ખોળામાં બેસી જા.’ બાબો તરત ઊઠ્યો. જોકે એને ખોળામાં તો એ પુરુષે જ લીધો, ને બબડ્યો કે સ્ત્રીઓએ પાછળ બેસવાનું હોય છે. મેં કહ્યું, ‘આ ઊભી સાત-આઠ સ્ત્રીઓ અહીં જ.’

એણે ફરિયાદ ચાલુ રાખી, ‘તો પુરુષો શું કરે? ક્યાં જઈને બેસીએ અમે?’ મેં કહ્યું, ‘ભાઈ, તમે તો બેઠા જ છો, મેં તો અડધો કલાક ઊભા રહ્યા પછી તમને ખસવાનું કહ્યું.’ ને ઊઠી જવાનું તો સૂચવ્યું પણ ન હતું. એ બાબો વળી એનો ન હતો. એને તો બીજી સીટમાં બેઠેલી માએ પોતાનું સ્ટૉપ આવતાં બોલાવી લીધો. એ પુરુષ ઊતર્યા પછી એક યુવક બાજુમાં બેઠો. એની સાથે વાંચવા વિશેની વાત શરૂ થઈ ગઈ — એ હિન્દી વાંચી નહોતો શકતો, એ પરથી.

ક્યાંકથી એક અત્યંત દુબળા-પાતળા ને વયોવૃદ્ધ પુરુષ ચઢ્યા. પકડીને ઊભા રહેવું પણ એમને માટે અઘરું હતું. હું ઊઠીને એમને બેસવા બોલાવી લઉં એ પહેલાં, એ વૃદ્ધની પાસેવાળી સીટ પરથી એક સજ્જન ઊઠ્યા, ને એમને બેસાડ્યા. મને એ ખૂબ ગમ્યું. મેં વિચાર્યું કે એ ભાઈ નક્કી પરદેશમાં રહેતા હોવા જાઈએ. આવો વિવેક, આવી તત્ક્ષણ કરુણા પશ્ચિમમાં વધારે જોવા મળે, ને એ ‘ખ્રિસ્તી વર્તનસરણી’ લાગે છે.

મારી બાજુમાં એક યુવતી બેઠી, જે હસી, ને હિન્દીમાં પૂછવા લાગી, ‘ક્યાં ઊતરવાનાં?’ પછી કહે, ‘ઓહ, તમારે તો હજી લાંબે જવાનું છે.’ આટલો એક સંપર્ક પણ ગમે. સમયને એથી તાજગી મળતી રહે છે. ‘તમારે બે સ્ટૉપ બાકી,’ કહી એ ઊતરી ગઈ.

મને એમ હતું કે એ ભાઈને પૂછીશ કે ‘તમે પરદેશમાં ક્યાં રહો છો?’ પણ ઊતરવા માટે ઊભી થઈ એટલામાં ઘણું વધારે સરસ કહેવાનું સૂઝી આવેલું. એ આગલાં પગથિયાં પાસે ઊભેલા. એમની સામે જોઈને મેં કહ્યું, ‘આપને જો કિયા વહ બહુત અચ્છા થા.’ એ સાથે જ પરસ્પર સ્મિત ઝિલાયાં.

કદાચ એમને લાગ્યું હોય કે, હું પરદેશમાં રહેતી હોઈશ — કારણ કે આવી સહૃદયી પ્રતિક્રિયા પશ્ચિમી વધારે લાગે. ખરેખર તો એ પૂર્વીય વધારે હોવી જોઈએ, કારણ કે આપણી પ્રાચીન પ્રણાલીઓ તો આવાં વલણનું જ માહાત્મ્ય કરતી દેખાય છે.

વ્યક્તિ તરીકે, મારે માટે આ આખી વાત સોનચંપા જેવી તાજગીની છે, સ્મિત જેવી હૂંફની છે, અજાણ્યાં સાથે ઘડીક સંગની છે તથા અન્ય સ્થાનો સર્વ સ્થાનોમાં ઘરનાંની જેમ રહેવાની છે.