ગુજરાતી નિબંધ-સંપદા/ભાગ્યેશ જહા/ઉનાળાનું બારણું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઉનાળાનું બારણું

ભાગ્યેશ જહા

સવાર પડી છે. આંગણામાં બે ચકલીઓ સવારના અજવાળાને સાંધી રહી હોય તેવી અદાથી વાતો કરી રહી છે. સામેના નાના તગરના ઝાડ પર એક કાબર પણ કશુંક બોલી રહી છે, ક્યારેક લાગે કે કશુંક ખોલી રહી છે : ત્રણ જીવ અને બે ભાષાઓ. મારામાં જાગેલી પણ નહીં ઉચ્ચારાયેલી આપણી ભાષાનું સાક્ષીપણું, નંદવાયેલું. મને જેમની ભાષા કાલી કાલી લાગે છે તે પક્ષીઓની ઉપેક્ષાની અભિવ્યક્તિ મને એપ્રિલનાં ઊઘડતાં પાનાંઓનો પરિચય કરાવે છે. વાતાવરણમાં એક નવા પુસ્તકની ગંધ પ્રસરી રહી છે.

કાબર ઝાડ પરથી ઊડીને પાળી પર આવે છે. સ્માર્ટફોનમાં ટ્‌વિટર જાગી ઊઠે છે, ટ્‌વિટરની કાબર અને પાળી પરની કાબર એકબીજા સામે જુએ છે, ઉપનિષદના ઋષિની અદાથી ઊભેલો લીમડો અચાનક જ મને પેલાં બે પક્ષીઓની કથા સંભળાવે છે, અહીં બન્ને પક્ષીઓ કર્તાની ભૂમિકામાં છે, મારા મનમાં એક કાબર સાક્ષીભાવ જગવીને જુએ છે, સાંભળે છે, પક્ષીઓની ભાષા અને મારી ભાષાની ઊકળતી `ચા’માં થોડો કોમળ તડકો ઉમેરાય છે. હું એક મિશ્રિત ભાષાનો મનુષ્ય બની જાઉં છું. ચૂપચાપ આવીને પડેલાં છાપાંઓ પર ટ્‌વિટરની કાબરની નજર છે, પાળી પરની કાબર એની પીળી કિનારવાળી આંખોથી નજરને ફેંકે છે, એની નજરની જાળમાં કશું જ પકડાતું નથી. કાબરની આંખ વેરાઈ જાય છે, અજવાળાના ઢગલામાં. સવાર હજી જન્મી નથી. છાપાની આંખે બાંધેલા તારીખના પાટા ગાંધારી વાંચી શકે તેટલા બોલકા છે અથવા ગાંધારી પણ હજી પાટા બાંધી દિવસ માટે તૈયાર નથી થઈ. કાબર-ચકલીઓ અને બેહોશ છાપાં આંગણું અજવાળીને બેઠાં છે. હું કોઈ અજાણ્યા ગ્રહની પરીકથાનું પાત્ર હોઉં તે રીતે ઊભો છું. અજવાળું હજી અવાચક અને અયાચક બનીને ખૂલી રહ્યું છે.

મનુષ્યે જ્યારથી એના પર્યાવરણ સાથે વાત કરવાની છોડી દીધી ત્યારથી એકલાપણું સાલવા માંડ્યું છે. સ્પૅનિશ કવિની પંક્તિઓ મારામાં જાગી ઊઠી છે, એ કહે છે,

You are all in yourself, and yet how much of you is not you, how lonely and for ever far from yourself!

મારા માટે આ એપ્રિલની સવાર નાણાકીય વર્ષની સવાર નહીં, આત્મીય હર્ષની સવાર છે. અહીં મારી ઓળખને અને મારી કાલસમજને ત્રણ પંખીઓએ સાંગોપાંગ પડકારી છે. મારી ભાષાએ પહેલી જ વાર એક પંખી પાસે બ્રશ માંગ્યું છે, મને કાલિદાસ અને અર્જુનના શબ્દોની ભણક સંભળાય છે, કાલી કાલી ભાષાઓનો એક રેલો પણ વહેતો સંભળાય છે. અહીં ઉપસ્થિતિ અને અનુપસ્થિતિના તત્ત્વવિચારનું એક નાનકડું તળાવ લહેરાય છે.

(What we call in philosophy `metaphysics of presence and metaphysics of absence.’) આમાં જે નવો રંગ છે તે ટેક્નૉલોજીનો છે, સ્માર્ટફોનના ચહેરા પર રાતના આવેલા સંદેશાઓનાં નિશાન છે, ઉદરમાં મેં સંઘરેલી માહિતીનો ખળભળાટ અને એના પોતાના કૃત્રિમ આકાશમાં એવા જ એક વિશાળ માહિતીના નક્ષત્રમંડળનો હણહણાટ. પેલા ભાષાવિદો અને સંવાદવિજ્ઞાનના સાધકોને મારે જે કહેવું છે તે આ Meganaratives છે, આ એક મહાકથાચક્ર છે જ્યાં મારી ભાષા દ્રૌપદી અને ગાંધારીના પરિવેશમાં મારી ચેતનાને પડકારી અને પોકારી રહી છે. અહીં જ તો ખૂલે છે કવિતાની ગુફા… અહીં એપ્રિલ એટલે પરીક્ષા પછીનું રિલેક્સેશન નહીં, આ તો રિલેક્સેશન સિવાયનો અને પસંદગી વિનાના પ્રદેશનો ઉઘાડ… Its not a territory of choices but choiceless territory… જ્યાં કાબરની ભાષાનો પ્રવાહ ચકલીના ગીતમાં ભળતો તમે જોઈ શકો, ગંગા-યમુનાના પ્રવાહની જેમ જ. સ્માર્ટફોનના કાનમાં ટીપાં નાખતી ભાષા તમારી આંખને ઉલેચતી હોય તેના અવાજને ચાવવા મથતા લીમડાનો આ પ્રદેશ છે. આ સવારનું ઓવારણું છે, આ ઉનાળાનું બારણું છે.