ગુજરાતી નિબંધ-સંપદા/મણિલાલ હ. પટેલ/પડસાળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પડસાળ

મણિલાલ હ. પટેલ

નવલા વેવાઈઓ આ’યા ઢોલૈયા ઢળાવો રે ઢોલૈયાનાં આંણ તૂટ્યાં પડસાળે સુવડાવો રે પડસાળોની ભોંય ભાંગી ડુંગરે ચઢાવો રે ડુંગરોના પથરા ગબડ્યા ભૂખ્યા વળાવો રે નવલા વેવાઈઓ આ’યા ઢોલૈયા ઢળાવો રે…

બેન-દીકરીનું પહેલું આણું થાય અને સાસરિયા પરોણા પધરામણી કરે તે વેળાએ લુણાવાડિયા કણબી-કન્યાઓ કે વહુઆરુ ભેગી મળીને આવાં ફટાણાં ગાય છે.

આ ગાણામાં આવતી પડસાળનું પાટીદારોના ઘર સંદર્ભે ભારે મહત્ત્વ છે. પડસાળ વગરનું કોઈ ઘર ના હોય. પડસાળ એટલે ઘરનો આગળનો ભાગ… ચોપાડમાં પ્રવેશતાં પહેલાં મુખ્ય બારણાથી નેવાં સુધીનો દશબાર ફૂટ લાંબો ને ઘરની પહોળાઈ જેટલો વિસ્તરેલો. કુંભી ટેકા, ચોખળાં-પાટડીઓ અને પેલ્લી ઓટલીઓથી શોભતો ખુલ્લો ઘર-ભાગ તે પડસાળ. ખુલ્લી લાંબી જગા, પાટડીઓની હાર, એને તથા ઢળતા પડાળને ટેકવતી પથ્થર કે લાકડાની કોતરણીવાળી કુંભીઓ, ક્યારેક જાળી મઢેલી તો ક્યારેક કૉલા વાળેલી અડધી બંધ કે મોટેભાગે ઓટલીઓથી શોભતી આ પડસાળો! ફળિયામાં હારબંધ ઘર હોય સામસામે, ચારચાર પાંચપાંચ ઘરોની બબ્બે સામસામી હારો… ને એ બધાં ઘરોની જોડાયેલી પડસાળો…! એકસામટા હજાર-પંદરસો માણસોને જમવા બેસાડી શકાય અને સભાબેઠક પણ કરી શકાય. આ પડસાળની સોઈ લોભામણી ગણાય.

આ લાંબી પડસાળોમાં ભીંતે ઊભા કરેલા હારબંધ ખાટલાઓ, એમાં દોડાદોડી કરતાં ને સંતાકૂકડી રમતાં છોકરાં. ફળિયા વચ્ચે લીલુડા લીમડાઓની હારમાળા… બે બાજુ પડસાળો! સાંજે ખાટલાઓ ઢળાઈ જાય હારબંધ. ફળિયે છૂટે ગાડાં. વૃદ્ધોની વાતો ચાલે ને અધકચરાં જગધાં તાસબાજી રમે. પડસાળે મહેમાનપરોણાના ખાટલા ઢળાય… ફૂવા-મામા જેવા આધેડ મહેમાનો સિવાય કોઈને ઘર ચોપાડમાં વાતે વાતે પહોંચી જવાનો હક્ક નહીં, એમાં વિવેક પણ ના કહેવાય. મહેમાન તો પડસાળે સમાય…

એમાંય નવા જમાઈ કે તાજા વેવાઈઓનો તો પડસાળે જ મુકામ. ખાટલે ખાટલે રુએલ ગાદલાં, ગોદડીઓના ટેકા ને પાંગથે ઓશીકાં… કસદાર તમાકુવાળા રૂપેરી હુક્કા પિવાતા હોય; રામરામ કરીને ખબર પુછાતી હોય, નવાં નવાં કેડિયાં ને ઊજળી ટોપીઓ કે આંટાદાર ફાળિયાવાળા મહેમાનો ચાના કપ પીતા હોય, દેશી તીસ નંબર બીડી બાજુએ મૂકીને વિલાયતી ધોળી કે તાજછાપ બીડીઓની તાસકો ફરતી હોય ત્યારે પડસાળનો મોભો લાગે!

નવજુ જમાઈ પણ ખાટલે બેઠા હોય ને ઓરડેથી એમને બેનદીકરીઓ લળી, વળીને જોતી હોય. અલકમલકની વાતો, ન્યાત-આબરૂ-આગેવાનો-ખર્ચાપાણી-વિવાહવાજન-તેડાંઆણાંની વાતોના તડાકા ઊડતા હોય. વહુઆરુઓ પાણીનાં બેડાં લઈને રેશમિયા સાડલાના લાંબા ઘૂમટા તાણી પાણી ભરવા જતી વળતી હોય… વડીલો કળશે-પ્યાલે પાણી કે શરબત વહેંચતા હોય… ત્યારે આખું ફળિયું પડસાળનો વૈભવ જોઈ રહે… જેની પડસાળ પોસાતી હોય એની આબરૂની ધજાપતાકાય મલક આખામાં ફરફરતી હોય…

પડસાળની પાળ જેવી માટીની પેલ્લીઓનો એક જમાનો હતો. એ પછી ઈંટ-સિમેન્ટની ઓટલીઓથી પડસાળો વધારે સોહામણી બનેલી, કોઈએ જાળીઓ મઢાવી તો કોઈએ ખુલ્લાશ આવકારી, ધાબાવાળાં ઘર થયાં તોપણ લાંબી પડસાળો તો અકબંધ છે. પાટીદારની બહોળી ન્યાતમાં ને ખેતીના ધંધામાં પડસાળનો વારે વારે ઉપયોગ હોય. પડસાળો ખાલી ના હોય કદી. દોરીઓના હીંચકા બાંધી ઝૂલતાં હોય છોકરાં પડસાળે. કોઈકે મોટા કડીવાળા હીંચકા બનાવ્યા હોય… એક જમાનામાં ઉઘરાણીવાળા વાણિયાઓ ઘોડે ચઢી આવતા ને પડસાળે પડાવ નાખતા… આજે તલાટી-મંત્રી આવે કે ગ્રામસેવક… પડસાળમાં સદાય ઢાળેલા રહેતા ખાટલે એમનાં બેસણાં… જમીનવેરો લેવાય કે નવાં બિયારણની વાતો ચાલે. ઘાંયજો રોજ સવારે વત્તાં-દાઢી કરવા આવે એની બેઠક પડસાળની પહેલી કુંભીને ટેકે… માગવા આવેલા રાવળિયાઓનો પડસાળ કૉલામાં રાનો પડાવ હોય… એમનું ભજન હોય તો પડસાળ ભરાઈ જાય.

ચોપાડે-ઓરડે નવજુવાનોને ઘરસંસાર મંડાય એટલે ડોસા-ડગરાંના ડેરા ઘરમાંથી ઊઠીને પડસાળે મંડાય. ચોમાસે હળ-લાકડાં ને ઘાસભારાઓથી ભરેલી પડસાળોમાં ગાલ્લાંય ઘાલી દેવાયાં હોય.. પાછાં ગાલ્લાંમાં ઘાસફૂસ કે લાકડાં-છાણાં ભર્યાં હોય… બધાંને વરસાદથી બચાવતું ફળિયું ચોમાસે ગોદામ જેવું, આડેધડ ખડકાયેલું! ગાડામાં કૂતરાંનો કાયમી મુકામ. ડગરી થયેલી ભેંસો કે મરવાને વાંકે જીવતા ઘરડા બળદ પણ પડસાળને ખૂણે છેલ્લા દિવસો ખૂટવતા હોય.

પરંતુ આ પડસાળનો ખરો વટ તો ઉનાળે. ખેતીબેતીમાંથી પરવારેલા પાટીદારો વૈશાખમાં લગ્નો લે ત્યારે પડસાળો સજીવન થઈ ઊઠે… ઘડપણ ઉતારીને જુવાન થઈ જાય. અમે જાતે પડસાળની ભીંતોને કળીચૂનાથી રંગીએ. નીચેના ભાગમાં લીલીપીળી માટીના પટ્ટા કરીએ ને ધોવાનાં કપડાંમાં વપરાતી ગળીથી ચિત્રકામ કરવા સાથે – ‘Wel Come’ લખીએ… ભીંતો પોતાનો ઓઘરાળો ચહેરો છોડીને જાનૈયાઓ સાથે જાનમાં જવાની હોય એવી દીપી ઊઠે, બારણાંને પાકા રંગો થાય, સોનેરી-રૂપેરી રંગથી જાળીના સળિયા રંગીએ… કુંભીઓ તથા ચોખળાંનેય રંગ કરીએ… ઓટલાઓનેય ભાતીગળ બનાવીએ… આંગણું લાલ માટીથી પુરાય… એમાં મંડપ રોપાય, ચોરી થાય. પડસાળો ઓકળિયોથી હસી ઊઠે… સાજનમાજન પડસાળે જમાવટ કરે… પડસાળ પોતે જ ગાતી હોય :

‘નાણાંવટી રે સાજન બેઠું માંડવે… જેવી ખડખડતી વ્હેલ્યો એવી મોંઘી બેનની બેનો… નાણાંવટી રે…’

પડસાળ જ વાડી ને પડસાળ જ માંડવો… તોરણ શોભતાં હોય ટોડલે… અમે દીવાસળીનાં ખોખાંને સિગારેટના થોકલા લગાવીને સરસ ચકરડીઓ કરીને પડસાળ સજાવી હોય. પવન આવતાં ફરતી ચકરડીઓને મહેમાનો જોઈ રહે… અમારો હરખ ના સમાય! આંગણું રાજી રાજી દેખાય.

અનાજ પાકે ત્યારે મકાઈ ડોડાથી પડસાળો છલકાઈ જાય. ડાંગર-મગફળીની ગૂણો ખડકાય પડસાળે. ક્યારેક કપાસના ઢગલા તો ક્યારેક પરાળ યા બાજરી-જુવારના પૂળાને વરસાદે પલળતા બચાવવા ભર્યાં હોય પડસાળે. પડસાળના કોલે ઘંટી મંડાય, ખાંડણિયે ડાંગર ખંડાય ને તુવરની દાળ છડાય તેય પડસાળને ખાંડણિયે! ખાટલે પાટલા માંડી સેવો પાડવામાં આવે, કેરીઓનાં ખાટિયાંય પડસાળે પથરાય. પાપડ-પાપડી વણાય તેય પડસાળની મોકળાશમાં. પહેલી વાર પ્રસંગે આવેલી વિવાહિતા પડસાળે બૈરાં ભેગી જવા બેઠી હોય ને એનો ભાવિ નાહોલિયો દાળ પીરસવા જતાં જતાં શરમાતો હોય, કોટમાં દોરો, હાથે ઘડિયાળ ને આંગળિયે વીંટી, ગળામાં રૂમાલ… છેલછબીલાની બધાં મજાક કરતાં હોય ને પેલી વાગદત્તા કંકુ જેવું લાલલાલ શરમાતી હોય! પડસાળને માટે આવા અવસર તે ધન્યતાના અવસર ગણાય.

પડસાળે જુવાનિયાં પત્તાં રમે, ખાટલા ઉકેલાય ને નવા આંણથી ભરાય. ઘર લીંપવાના ગારા પડસાળે ઘલાય. રાતે છોકરાં પડસાળે વાંચે… દિવાળીએ પડસાળના ભીંત-ગોખલે દીવાઓ મુકાય. સામસામે દીપમાળાઓ ઝગી ઊઠે… પડસાળે દારૂખાનાં ફૂટે – ફૂલઝરીઓ સળગે ને ઘંટીઓ રમે. દાદા રામાયણ-મહાભારત વાંચે તેય પડસાળે. વહુ સાસુના માથામાંથી જૂ-લીખ વીણે, ફોઈ ગોદડીઓ કરે, દાદા પગનો કાંટો કાઢે, તેય પડસાળે. ભાઈ રિસાઈને પડસાળના ખાટલે સૂઈ જાય. ભાભી પડસાળના કોલામાં જઈને આંસુ વહાવે – છુપાવે. પડસાળ સો વાતની સાક્ષી. ફુલેકાં પડસાળે ઊતરે… કસુંબાપાણીય પડસાળે.

કોઈના મરણવેળા ડાઘુઓ બેસે પડસાળે… કાણમોંકાણ કે બેસણાં લોકાચાર વેળાએ ખરખરો કરવા આવનારાંથી ભરાઈ જાય પડસાળો, પડસાળે અમે ભમરડા રમ્યા, લખોટીઓ હાર્યા-જીત્યા, કિટ્ટા કરી ને અબોલા તોડ્યા… ભેરુઓ સાથે લડ્યા કે હળ્યામળ્યા તે બધુંય પડસાળમાં… પડસાળે પાળ્યા-ઉછેર્યા ખોળે ઢબૂર્યા, સાંત્વના આપી… એ પડસાળથી આજે વેગળા પડી ગયાનો વસવસો છે… ધીમે ધીમે ગામઘરો પડસાળો વગરનાં થતાં જાય છે… એક આખી પડસાળ-સંસ્કૃતિ અલોપ થઈ જવા બેઠી છે… [૨૬-૬-૯૫]