ગુજરાતી નિબંધ-સંપદા/મનસુખ સલ્લા/સો ટચના શિક્ષકઃ બૂચદાદા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સો ટચના શિક્ષકઃ બૂચદાદા

મનસુખ સલ્લા

કોઈ વ્યક્તિ કારકિર્દીનો પ્રારંભ શિક્ષક તરીકે કરે અને ૬૫ વર્ષ પછી, ઢળતી સંધ્યાએ, પોતાની જાતને શિક્ષક તરીકે અખંડ રાખી શકે એ ભરપૂર સાર્થકતા ગણાય. આ દીર્ઘ સમયપટ જો શિક્ષકત્વની સાધના અને સુગંધથી ભરપૂર હોય તો એ તપ શુષ્ક મટી મધુર બની જાય છે. તેમાં ઉંમર વધે છે, પણ યૌવન અખંડ રહે છે. તેમાં ચહેરા પર કરચલીઓ તો પડે છે પણ હૈયું તાજા પુષ્પ જેવું પ્રફુલ્લ હોય છે. તેમાં અભાવ કે એકલવાયાપણાની જગ્યાએ સખ્યની સભરતા મહોરી ઊઠે છે. એમાંયે જો આવી વ્યક્તિ હાસ્યરસની ઉપાસક હોય તો જીવનની નાજુક ખુશ્બોનો પમરાટ તેમની આખી હયાતીમાં અનુભવાય છે. શિક્ષકનું આવું જીવંત દૃષ્ટાંત એટલે નટવરલાલ પ્ર. બૂચ, બૂચભાઈ, બૂચદાદા.

તેઓ આવા નખશિખ શિક્ષક છે. નેવું વર્ષના બૂચદાદા માટે ‘શિક્ષક’ સિવાયનું કોઈ પણ અભિધાન અડવું લાગે. તેઓ થોડો વખત આચાર્ય થયા. ઉપનિયામક થયા, પરંતુ અંદરના શિક્ષકને તેમણે જરાય અળપાવા ન દીધો. શિક્ષક હોવાથી વધારે કે ઓછું કશુંય તેમને આકર્ષી શક્યું નથી. હોદ્દા, માનસન્માન, ઝાકઝમાળને આધારે નહિ, અંદરના રંગને આધારે માણસનું માપ નીકળતું હોય તો તેઓ સાર્થક જીવન જીવ્યા છે એમ વિશ્વાસપૂર્વક કહી શકાય.

એમનાં ઉછેર અને ઘડતર જોવાથી આ ઇમારતની બુલંદી કયા પાયા ઉપર નિર્ભર છે તેનો પરિચય મળી શકે.

ગોંડલ રાજ્યના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ શ્રી પ્રભુલાલ બૂચને ત્યાં તા. ૨૧-૧૦-૧૯૦૬ના રોજ એમનો જન્મ. બે બહેનોથી પોતે મોટા. એમના ઉછેરમાં પ્રમુખ ફાળો એમના વત્સલ, ઉદાર અને વિનોદી પિતાનો છે. નટવરલાલે ૧૧ વર્ષની વયે માતા હીરાલક્ષ્મી ગુમાવ્યાં. પિતાએ બેવડી ફરજો બજાવી ઉછેર્યા. પોલીસ-ઑફિસરની કરડી મૂર્તિને બદલે પ્રભુલાલમાં સમજદાર વત્સલ પિતાનું રૂપ દેખાય છે.

પિતાજી પોલીસ વડા હોવાથી રાજ્ય તરફથી બે માણસો ઘરકામ માટે મળતા. નટવરલાલ હાઈસ્કૂલમાં આવ્યા એટલે પિતાજીએ એમને બોલાવીને કહ્યું, ‘હવેથી તમારી પથારી તમારે ઉપાડવાની છે.’ ઘરમાં માણસો હતા. પણ પુત્રમાં સંસ્કાર પડે માટે આમ ગોઠવેલું ને નટવરલાલે કાયમ પોતાની પથારી ઉપાડેલી.

નટવરલાલ ૧૮ વર્ષના થયા ત્યારે પિતાએ સામેથી કહેલું, ‘નટુભાઈ, તમે હવે જુવાન થયા. હવે તમારા નિર્ણયો તમારે કરવાના. તમારે પાન-પટ્ટી-તમાકુ ખાવી હોય તો ખાઈ શકો છો.’ પણ બૂચદાદાએ કદી તમાકુ ખાધી નથી.

પોલીસ-ખાતાની મથરાવટી મેલી. પિતાનો હોદ્દો ઊંચો. મોટી મોટી રકમની ઑફર આવેલી. ત્રણ પેઢીને ચાલે તેટલું ભેગું કરી શક્યા હોત, પણ પ્રભુલાલે નજર નહોતી બગાડી. આ સઘળાએ નટવરલાલનાં વલણો અને ભાવનાઓનું ઘડતર કર્યું હતું. તેમાં પુટ ચડાવ્યો બીજી બે વ્યક્તિઓએ — વાંચન દ્વારા સ્વામી રામતીર્થે અને વાતાવરણ રૂપે મહાત્મા ગાંધીજીએ.

તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રગતિશીલ ગોંડલ રાજ્યમાં મેળવ્યું. તે કાળે વિખ્યાત એવી પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં એમ.એ. સુધીનો અભ્યાસ સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે કર્યો. (૧૯૨૩થી ૧૯૨૯). એ જમાનામાં સદ્ભાગ્યે તેઓ અનુત્તીર્ણ થયા. શિક્ષક થવા સર્જાયેલા તે જળવાયું.

પિતાએ અનેક પ્રકારનું સ્વાતંત્ર્ય બક્ષેલું. તેમ કાર્યક્ષેત્ર અંગે મોકળાશ આપેલીઃ ‘તમને ગમતી લાઇન પસંદ કરી શકો છો.’ અભ્યાસકાળ દરમિયાન જ નટવરલાલના મનમાં એક સંકલ્પ જાગેલો કે સરકારી કે દરબારી નોકરી ન કરવી. રાષ્ટ્રીય સંસ્થામાં જોડાવું. ચંદુલાલ પટેલ અને પિતાએ ભાવનગરની નાનાભાઈ ભટ્ટની દક્ષિણામૂર્તિની ભલામણ કરી. ત્યાં શિક્ષક તરીકે જોડાયા (૧૯૩૦).

દક્ષિણામૂર્તિમાં ૧૯૩૦થી ૧૯૩૯. ઘરશાળામાં ૧૯૩૯થી ૧૯૪૮ સુધી શિક્ષક તરીકે, આંબલાની ગ્રામ દક્ષિણામૂર્તિમાં ૧૯૪૮થી ૧૯૬૦ સુધી અધ્યાપક-આચાર્ય-ઉપનિયામક તરીકે, લોકભારતીમાં ૧૯૬૦થી ૬૩ સુધી ઉપનિયામક તરીકે અને ૧૯૬૮ સુધી અધ્યાપકની કામગીરી કરી નિવૃત્ત થયા. નિવૃત્તિ પછી નોકરીનું અનુસંધાન તોડવા માટે બે મહિના બહાર રહ્યા — જેથી નવા વહીવટકર્તાઓ પોતાની રીતે રચના કરી શકે. ડિસેમ્બર, ૧૯૬૮થી ૧૯૮૧ સુધી લોકભારતીમાં આંશિક અધ્યાપક તરીકે કામ કર્યું. પછી વિના વેતને સંચાલકોને માર્ગદર્શન અને વિદ્યાર્થીઓને હૂંફ આપી રહ્યા છે. કામનું સ્વરૂપ, વિષયો, હોદ્દા, સ્થળ ભલે બદલાતાં રહ્યાં; પરંતુ શિક્ષકત્વનો રંગ એક વાર ચડ્યો તે ચડ્યો. સ્વ. નાનાભાઈ ભટ્ટની સંસ્થાઓના આજીવન સાથી બની રહ્યા. અહીં આપેલી સાલ માત્ર મહત્ત્વના વળાંક-નિર્દેશ જ છે. આંકડા દ્વારા એના ૬૫ વર્ષના શિક્ષક-જીવનને મૂલવી ન શકાય. એમના જીવનમાં શિક્ષકત્વનાં જે મહેક અને માધુર્ય વિકસ્યાં છે એ આંકડાથી બહારની ઘટના છે.

નાનાભાઈ ભટ્ટ જેવા કેળવણીની ઊંડી સૂઝ, તીવ્ર ન્યાયબુદ્ધિ અને લોકશાહી ભાવનાવાળા આગેવાન સાથે કામ કરવાની તક મળી એ એમનું બડભાગ્ય ગણાય. દક્ષિણામૂર્તિના અને ઘરશાળાના ઘરોબાભર્યા વાતાવરણમાં નટવરલાલમાંથી તેઓ બૂચભાઈ બન્યા અને લોકભારતીના આત્મીયતાભર્યા કુટુંબભાવમાં તેઓ બૂચદાદા બન્યા. આ સહજ ઘટના હતી. આ ઘટના બંને પક્ષની પરિચાયક છે. આત્મીયતા અને સ્નેહ એ એમના સ્થાયીભાવ છે. એમની ઓળખ માટે બે જ શબ્દો વાપરવા હોય તો કહી શકાય: ‘સમભાવ અને સદ્ભાવ.’ એની ઉપાસના કરતાં કરતાં તેમનું શિક્ષકત્વ કોળી ઊઠ્યું છે.

ઘર છોડીને ભણવા આવેલા સ્નેહભૂખ્યા વિદ્યાર્થીઓ અને સંસ્થા-પરિવારના સભ્યો તેમના કાયમી સ્નેહભાજન છે. તમે તેવા અડબંગ. અકોણા. ફરી ફરી ભૂલ કરનારા વિદ્યાર્થીથી બૂચદાદા થાકે કે હારે નહિ. એમનો સ્નેહ જ વિદ્યાર્થીને પલાળે અને પલટાવે. કેટલાક કિસ્સામાં વર્ષો લાગે, પણ બીજ નિષ્ફળ ન જાય; મોડું પણ ઊગે ખરું, એમાંય સદીઓથી ઉપેક્ષિતો માટે તેમને લગાવ જ નહિ, પક્ષપાત પણ ખરો. બહેનો અને પછાત જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે તેમને વિશેષ મમતા. લોકભારતીના છાત્રાલયની કન્યાઓ તેમને માત્ર દાદા જ નહિ, સમવયસ્ક મિત્ર ગણીને તેમની સાથે વર્તતી હોય અને બૂચદાદા એની હળવાશથી મજાક કરતા હોય એ ધન્યદર્શન કોઈને પણ ઈર્ષા જન્માવે તેવું છે. માણસ વધતી ઉંમર સાથે અહં અને જાત વિશેની સભાનતા વધારતો હોય છે. પણ બૂચદાદા એનાથી પર છે. બાળક જેવી સરળતા, માતા જેવી મમતા અને સંત જેવી ક્ષમા એમનામાં એટલા પ્રમાણમાં છે કે સૌ કોઈ એમની સાથે નિર્ભય અને નિર્ભાર રીતે વર્તી શકે છે.

એમનું ઉદાર વલણ ક્યારેક સાથીઓને ન સમજાય, અકળાવે; પણ તેઓ વિદ્યાર્થીને મૂલવતી વખતે માનવીની મૂળગત સારપ વિશેની પોતાની શ્રદ્ધા અડોલ રાખીને વર્તતા હોય. ભરવાડ નબળા-માંદા ઘેટાને જ તેડીને ખભે ઉપાડી લે છે, એ ઈસુ-પ્રબોધ્યો ભાવ એમનામાં સહજ બની ગયો છે. વિદ્યાર્થીઓ સાથેના વ્યવહારમાં બીજા શિક્ષકો તંગ બની જાય ત્યાં તેઓ સ્વસ્થ રહી શકે. શિક્ષક તરીકે અને વ્યક્તિ તરીકે કટોકટીની પળે સ્થિર બુદ્ધિથી વિચારવું અને વર્તવું એ તેમની મોટી ગુણસમૃદ્ધિ છે.

તેઓ વાતડાહ્યા હસતા ફિલસૂફ છે. તેમનામાં વિદ્વત્તાનો ભાર ન લાગે. તેમની પાસેથી પ્રકાશ મળે પણ દાઝીએ નહિ. તેમના વ્યક્તિત્વનો સામાને ભાર ન લાગે એ માટે તેઓ સતત સભાન પણ લાગે. એમનું વ્યક્તિત્વ કોઈને વાગ્યું તો નહિ હોય, પરંતુ એમનો ગેરલાભ લેનારા માટેય એમના સમભાવમાં ઓટ ન આવે. સામાની મર્યાદાની પરખ ખરી. ઘસાતું બોલનાર માટે પણ પ્રેમથી વર્તવું એ એમની દીર્ઘ સાધનાનું પરિણામ હશે. ક્યારેક પ્રશ્ન થાય કે જરૂર હોય ત્યારે પણ તેઓ ટક્કર લેવાનું કેમ ટાળતા હશે? આવશ્યક કઠોરતા બતાવવાને બદલે તેઓ ખસી જવાનું કેમ પસંદ કરતા હશે? એ સ્વભાવ હશે કે નાગરી મુત્સદ્દીગીરી હશે કે સમજ હશે?

અધ્યાપક બૂચભાઈ એટલે પ્રસન્નતા અને હળવાશ. ગમે તેવી ઉત્તમ કે ઉપયોગી વાત પણ રસિક રીતે જ કહેવી જોઈએ એ એમનો આગ્રહ. એમાં વિદ્યાર્થીના વ્યક્તિત્વનો સ્વીકાર પણ ખરો. એમના વર્ગમાં વગર હાજરી પૂર્વે વિદ્યાર્થીઓ હાજર રહેતા, કારણ કે તેમની રજૂઆત વાતાવરણને પ્રસન્ન રાખતી હોય.

વિદ્યાર્થીને કોઈ નાહક દૂભવે તો એની પીડા બૂચદાદા ભોગવે. એવે પ્રસંગે પિતા-માતા-શિક્ષક એકરૂપ બને. છેવટે લખીને ધ્યાન દોરે. એક વાર તેમણે કહેલું, ‘વિદ્યાર્થીને દૂભવવો એ ભગવાનને દૂભવવા બરાબર છે.’ આ તેમની નિષ્ઠા છે.

વિદ્વત્તાનો કશો દેખાડો નહિ. અભ્યાસ એમને ગમે. હમણાં સુધી, આંખે સાથ દીધો ત્યાં સુધી, નવરાશના વખતે ફ્રેંચ ભાષા શીખવા માટે ઉત્સાહપૂર્વક ઉદ્યમ કરતા હતા.

કટોકટીના પ્રસંગો તો કોને નથી આવતા? પણ તેમની સ્વસ્થતા અદ્ભુત. તેમના પરમ મિત્ર ‘ભાઈ’ (મૂળશંકરભાઈ ભટ્ટ) છેલ્લી માંદગીમાં ઘણા આળા બની ગયેલા. લોકભારતીના ગુરુજનોના સન્માનના આયોજનની વાત ચાલે. ભાઈને કોઈકે અમુક રીતે વાત કરી. તેમણે રોષ ઠાલવતો પત્ર બૂચભાઈને લખ્યો. તેમના પુત્ર બકુલભાઈને ખબર પડી. બૂચદાદાને મળે એ પહેલાં પત્ર હાથ કરવા સણોસરા દોડી આવ્યા. પણ પત્ર મળી ગયો હતો. બીજું કોઈ હોય તો કાયમ માટે મોં ફેરવી લે. પણ બકુલભાઈને નિઃસંકોચ કરતાં બૂચદાદાએ કહેલું, ‘ભાઈ એ ભાઈ છે. તેમની માંદગી હું સમજું છું. તું કશો ભાર ન રાખતો.’ અને થોડા દિવસ પછી ભાઈના અવસાન વખતે ભાઈના કુટુંબના શ્રેષ્ઠ વડીલની જેમ તેઓ પહોંચી ગયા હતા. અગ્નિદાહ સવારે કરવાનો હતો. મૃત ભાઈની બાજુમાં જ તેમની પથારી. બંનેને મુંબઈમાં સ્નેહમિલનમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સરસ અને સરખી શાલ ભેટ આપેલી. ભાઈને એ શાલ ઓઢાડી હતી. બૂચભાઈએ પણ એવી જ ઓઢેલી. સૂતાં પહેલાં બકુલભાઈને કહે, ‘બકુલ, અમારા બંનેની શાલ સરખી છે. જોજે સવારે ઉતાવળમાં ક્યાંક મને બાંધીને ન લઈ જતા!’ આ બૂચદાદા! આખા ઘરમાં છવાયેલ બોજિલ વાતાવરણ હળવું થઈ ગયું. સેન્સ ઑફ હ્યુમર તો એમની જ. કટોકટીમાં પણ એમનું હાસ્ય અખંડ રહે. પોતાની ઉપર પણ નિખાલસપણે હસે.

એમની જમણી આંખ ઑપરેશન પછી બગડી. ડૉક્ટરોએ કહ્યું કે એથી સારી (ડાબી) આંખ પણ બગડશે. માટે જમણી આંખ કાઢી નાખીએ. એમણે સ્વાભાવિક રીતે સ્વીકારી લીધું. પછી માત્ર ડાબી આંખ રહી. કોઈ દૃઢ રાજકીય મતવાળા બાઈ એમને મળવા આવ્યા. તો કહે, ‘આઇ ઍમ એક્સ્ટ્રીમલી લેફ્ટિસ્ટ… માઇ રાઇટ સાઇડ ઇઝ રૉંગ સાઇડ.’ શ્લેષ એમની મોટી મૂડી. વાતવાતમાં એમને શ્લેષ સૂઝે-પ્રયોજે. તીખાં મરચાંવાળાં ભજિયાં ખાધા પછી બીજે દિવસે સવારે ‘પશ્ચાત્તાપ’ થતો હોય છે. તેમાં રહેલો શ્લેષ એમને જ સૂઝે!

એક વાર તાવ ઊતર્યો નહિ એટલે એમને ગ્લુકોઝનો બાટલો ચડાવ્યો. એ પથારીમાં સૂતા હતા, બાટલો ઊંચે લટકતો હતો. આ જોઈ તેમણે કહેલું, ‘કાયમ તો બાટલો નીચે ને બૂચ ઉપર હોય છે. આજે બૂચ નીચે છે ને બાટલો ઉપર છે.’

હમણાં મનુદાદાની તબિયત ખૂબ બગડી. માંડ સાજા થયા. કોઈકે એમના ખબર પુછાવ્યા. તો બૂચદાદાએ પત્રમાં લખ્યું, ‘સરકારના વહીવટ કરતાં વધુ ઝડપે એમની તબિયત સુધરતી જાય છે.’

પોતે પ્રભુપુત્ર, ઈસુ પણ પ્રભુપુત્ર. બંને અંતે ક્રૉસ પામ્યા. પોતે પણ છેલ્લી પરીક્ષામાં ક્રૉસ પામ્યા. તેમની આ પંક્તિઓ માણવા જેવી છેઃ

પ્રભુનો પુત્ર એ પામ્યો ક્રૉસ અંત્ય કસોટીએ, ગણાઈ પૂર્ણ ઉત્તીર્ણ, ગયો શાશ્વત સ્વર્ગમાં, પ્રભુનો પુત્ર હું પામ્યો ક્રૉસ અંત્ય કસોટીએ. ગણાઈને અનુત્તીર્ણ, રખાયો એ જ વર્ગમાં.

તેમની હાસ્યલેખનની વિશેષભાવે નોંધ લેવી જોઈએ. તેમનું હાસ્ય નિર્દંશ. શ્લેષમંડિત અને મનુષ્યની વિચિત્રતાઓને સમભાવપૂર્વક જોવામાંથી નીપજેલું છે. ગુજરાતી ભાષાના નરવા હાસ્યસાહિત્યમાં એમનું સ્થાન અવશ્ય રહેશે. ‘રામરોટી’, ‘બનાવટી ફૂલો’, ‘છેલવેલ્લું’, ‘હળવાં ફૂલો’, ‘કાગળનાં કેસૂડાં’ વગેરે સંગ્રહોનો ગુજરાતી વાચકોએ સંપર્ક રાખવા જેવો છે.

એમની લેખનપ્રવૃત્તિના શ્રીગણેશ થયા ફર્ગ્યુસન કૉલેજના ‘કચ્છ-કાઠિયાવાડ સ્ટુડન્ટ્સ ઍસોસિયેશન’થી. વિનોદનો વારસો પિતાનો. દક્ષિણામૂર્તિના નરવા વાતાવરણે એને પોષણ આપ્યું. એમાંથી આ લખાણો સર્જાયાં છે. હાસ્યલેખકની જેમ જ અનુવાદક તરીકેની એમની શક્તિની પૂરતી કદર કરવાનું હજુ બાકી છે તેમ કહી શકાય. તેમનું અંગ્રેજી માતૃભાષા જેવું. તેનો વિનિયોગ તેમણે ઉત્તમ ગ્રંથોને ગુજરાતીમાં ઉતારવામાં કર્યો છે. તેમનાં ૧૧ ભાષાંતરોમાંથી ‘ગાંધીજીનો જીવનસંદેશ’ (ઢેબરભાઈ). ‘ઈસુને પગલે’ (ટૉમસ એ. કેમ્પિસ), ‘સાધ્ય અને સાધન’ (આલ્ડસ્ હક્સલી), ‘ડેવિડ કૉપરફિલ્ડ’ (ડિકન્સ), ‘સમાનતા’ (આર. ટોની), ‘અનુભવ અને કેળવણી’ (જૉન ડ્યુઈ) વગેરે એમના નોંધપાત્ર અનુવાદો છે.

આંબલા — લોકભારતીના ઉપનિયામકની કામગીરી તેમણે થોડાં વર્ષો જ કરી છે; પણ માનવીય સંબંધ આધારિત કાર્યપ્રણાલીના તેમણે જે ચીલા પાડ્યા છે તે આજેય કામ આપે છે. બૂચદાદાની પદ્ધતિ કહેવાની કરતાં કરવાની વધારે. એમાંથી સામેનાને સમજાવાનું સમજાઈ જાય. એ માટે ધીરજ અને ‘માણસ સમજે છે’ એવી શ્રદ્ધા જોઈએ. કાર્યક્ષમતા અને માનવીય સંબંધો વચ્ચેની પસંદગીમાં અતિ આધુનિક ટેક્નોકૅટ્સ ભલે કાર્યદક્ષતા તરફ ઝૂકે. કેવળ કાર્યક્ષમતાની ખેવના કરનારા શિક્ષણસંસ્થાના સંચાલકોએ બહારથી ઝાકઝમાળ અને અંદરથી લૂણો લાગેલી સંસ્થાઓ સર્જી છે તેનાં દૃષ્ટાંતો હાથવગાં છે. માણસ કામને પોતાનું ગણે, જાતને જવાબદાર (એકાઉન્ટેબલ) ગણીને કાર્ય કરે તો જ સંસ્થાનું સાચું તેજ પ્રગટે. મોટા ભાગના કાર્યકરો આવા હોય એ સંસ્થાનું સદ્ભાગ્ય ગણાય. જોકે આ પદ્ધતિમાં સંચાલકોને પ્રસિદ્ધિ ઓછી મળે, પણ સિદ્ધિ વધુ મળે. બૂચભાઈ માનવીય સંબંધની પદ્ધતિના માણસ. તેઓ ઉપનિયામક તરીકે પણ વહીવટકર્તા કરતાં શિક્ષક જ વધુ રહ્યા. તેમણે કહેલું, ‘જે વહીવટમાં વહી વધુ ને વટ ઓછો તે વહીવટ સારો.’ એથી સાથેના નાના-મોટા અનેક કાર્યકરો કેળવાયા, સંસ્થા સાથે નાળસંબંધથી જોડાયા — જેમણે લોકભારતીને તેજસ્વી રાખવામાં છેલ્લાં ૨૫ વર્ષથી પોતપોતાની કક્ષાએ ફાળો આપ્યો છે. બેત્રણ ઉદાહરણો પૂરતાં થશે.

હમણાં આંબલામાં થોડા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની બૂચદાદા સાથેની સ્નેહગોઠડીમાં શ્રી દર્શકે બૂચદાદામાં ગીતાના બારમા અધ્યાયનાં ભક્તનાં વલણો કઈ રીતે પ્રગટ થાય છે તે સુપેરે વર્ણવ્યું હતું. એમાં આદર અને સચ્ચાઈ બંને છે.

એ કાળે રાજુભાઈ નામના એક સંદેશવાહક હતા. ઢીલા, આળસુ, અનિયમિત. બૂચભાઈએ ધ્યાન દોર્યું, સમજાવ્યા. પણ એ રામ એના એ. બૂચભાઈએ નવો રસ્તો અપનાવ્યો. વહેલા જઈને ઑફિસની સફાઈ શરૂ કરી. રાજુભાઈ આવ્યા ત્યારે સફાઈ લગભગ પૂરી થઈ ગઈ હતી. દોડીને તેણે સાવરણી લઈ લીધી. માફી માગી. બૂચભાઈ જાણે કશું ખાસ ન બન્યું હોય એમ પોતાની ઑફિસમાં જઈને કાગળો વાંચવા માંડ્યા. રાજુભાઈને સમજાઈ ગયું કે નિયમિત શા માટે આવવું જોઈએ.

સમયપાલન તો એમનું જ. તેઓ ઑફિસે જવા નીકળે ત્યારે તમે ઘડિયાળ મેળવી શકો. ફેરફાર હોય તો તમારી ઘડિયાળમાં જ હોય. વર્ગના સમય પહેલાં પાંચ મિનિટે પહોંચે. ગૌશાળામાંથી, કુટુંબોમાં દૂધ પહોંચાડનારને ખબર હોય કે જો સવારે મોડું થશે તો બચુભાઈ એના સમયે ઉંબરમાં ઊભા હશે, કહેવાના, ‘સાઇકલમાં પંક્ચર છે?… દૂધ દોહનારા ઓછા હતા?… મને થયું કે ફરતો આવું ને દૂધ લેતો આવું.’ ન ઠપકો, ન રોષ, વહીવટ કરનારા એથી વધુ સતર્ક રહેતા.

લોકભારતી — દક્ષિણામૂર્તિ-ઘરશાળા જેવી સંસ્થાઓનું એકતાંતણે સાંકળનાર તત્ત્વ છે પરિવારભાવ. મુખ્ય માણસો એની માવજત કરે તો નીચેના માણસો સમયનો ખ્યાલ ભૂલીને, સંસ્થાને કુટુંબ માનીને સાચવે. ઉપનિયામક બૂચભાઈને ખબર પડે કે અમુક કાર્યકર્તાને ત્યાં આજે નળમાં પાણી નથી આવ્યું તો સીધા પાણી વિભાગના વડા ઝાલાવાડિયાને ત્યાં જઈ, જરૂરી વાત કરે. તપાસ-રીપેરિંગ થઈ જાય. કેટલાક સંચાલકો પોતે કરાવ્યું તેની નોંધ લેવાય તેવી કાળજી રાખે. યશ તરત ઉઘરાવી લે. બૂચભાઈ એનાથી અળગા. પોતાની ફરજ હતી તે કર્યું, દેખાડો શાનો? કેટલીક વાર સંસ્થાઓમાં દાંડ માણસોથી બીને વહીવટકર્તાઓ એની વાત તરત સાંભળે. વર્ષોના નિષ્ઠાવાન પણ સરળ-મૂંગા માણસો ઉપેક્ષિત થાય. બૂચદાદાને માટે ડાબું-જમણું નહિ. તમામ કાર્યકરો કાળજીને પાત્ર. સાધન-શુદ્ધિના ચુસ્ત આગ્રહી. અંગત કામ માટે સંસ્થાગત લેટર-પૅડ કે કવર ન જ વાપરે. ચિઠ્ઠી લખવા માટે રફ પૅડ જ વાપરે, છાપેલું લેટરપૅડ નહિ. આ વલણ તમામ વ્યવહારોમાં.

એનું દાંપત્ય વિશિષ્ટ. એમનાં પત્ની પુષ્પાબહેનની (જે માશી તરીકે ઓળખાતાં) કાળજી દૃષ્ટાંતયોગ્ય. હજુ તો વાત માશીના મનમાં હોય ત્યાં બૂચભાઈ અમલમાં મૂકે. બાવન વર્ષનું દાંપત્ય (૧૯૨૩થી ૧૯૭૫). માશી દેખાવડાં, હસમુખાં, જરાક આકરાં. બૂચભાઈની સ્વસ્થતા અડોલ. પાંખમાં પાંખ પરોવેલાં કપોત જેમ જીવ્યાં. એક વાર ડૉ. પટવારીએ ઇન્જેક્શનો લખી આપ્યાં. વૈદ્યરાજ મજીઠિયાભાઈનો હાથ હળવો. પણ થોડું તો દુઃખે જ. માશી કહે, ‘શ્રીરામ જય રામનો જાપ કરો તો મને ઓછું દુઃખશે.’ બૂચભાઈએ બહુ સહજ રીતે જાપ શરૂ કર્યો. ઇન્જેક્શનની સોય બહાર આવી ત્યાં સુધી જાપ ચાલુ રહ્યો. જાપમાં માને છે કે નહિ તે મુદ્દો નહિ. માશીની પીડા ઓછી થતી હોય તો એય તૈયારી.

એ પુષ્પામાશીનું અવસાન થયું. માશીએ મરણાંતની બધી સામગ્રી તૈયાર રાખેલી. બૂચભાઈ જાણે કે આ ઘટના ગમે ત્યારે બનશે. વર્ગ લેતા હતા, જાણ થઈ, આવ્યા. જોયું કે માશી હવે નથી. પડખે બેસી પડ્યા. શું વીત્યું હશે તે તો કેમ ખબર પડે? પાણી પીધું. ઘા ખમી લીધો. આંસુ એક વાર પાંપણની ધાર વળોટ્યાં એટલું જ.

માણસ નિઃસંતાન હોય અને આયુષ્યના ઉત્તરાર્ધમાં વિધુર થાય ત્યારે એકલતા અસહ્ય બને; પરંતુ બૂચદાદાનો સ્નેહ કુટુંબને વળોટીને અનેક વિદ્યાર્થીઓ અને સંસ્થા-પરિવારો સુધી વ્યાપેલો. સૌ એમની આસપાસ પૌત્ર-પૌત્રીની જેમ વીંટળાયેલાં રહે. નાનાં-મોટાં સૌ માટેનો મૈત્રીભાવ એમને ભર્યાભર્યા રાખે.

ગુણવંતભાઈ ઉપાધ્યાય આંબલામાં ગૃહપતિ. કૅન્સરમાં અકાળે ગયા. બૂચદાદા સાથે સ્નેહગાંઠે બંધાયેલા. તેમનાં બાળકો નાનાં. બૂચભાઈ-માશીએ પેટનાં જણ્યાં કરતાં અદકી રીતે સાચવીને મોટાં કર્યાં. તેઓએ ‘મા-મા’ બનીને બેવડી માની ભૂમિકા અદા કરી અને કુદરતનેય જાણે કે પોરહ ચડતો હોય કે બૂચદાદાની કસોટી કર્યે રાખવી. ગુણવંતભાઈના બે જુવાન પુત્રો સતુ અને સુરુ અકાળે ચાલ્યા ગયા. માણસ આવી ઘટનાથી કડવો થઈ જાય. બૂચદાદા સમત્વપૂર્વક પાર ઊતર્યા. પોતે સ્થિર થયા. સહુને સ્થિર કર્યા. માશીના અવસાન વખતે પોતાને તરત સ્વસ્થ કરી શકનાર બૂચદાદાએ સતુના મૃત્યુ પછી ડામચિયે માથું મૂકી હૈયું ખાલી કર્યું હતું એ એમની માનવીય છબી પણ ગમે છે.

સુરુની પુત્રીઓને એવી હૂંફ આપી જેવી સગા દાદા પણ શું આપવાના? એ બાળકો જન્મ્યાં ગુણવંતભાઈને ઘેર, પણ ઊછર્યાં બૂચદાદાના ખોળામાં. એમને માટે બૂચદાદા બાપ અને મા બંને છે. સામે બૂચદાદાને આંખ-માથું દુઃખે તો આ બાળકો અરધાં-પરધાં થઈ જાય. એમના વાત્સલ્યનો પ્રવાહ એવો કે જે એક વાર એમાં નહાયાં તે કાયમનાં એમનાં બની ગયાં. જોકે સતુ, સુરુ, પડોશી જુવાન કાર્યકરો વજુભાઈ અને ઘનશ્યામભાઈ અકાળે જતાં હમણાં તેમને મોઢે વેણ આવી ગયેલું. ‘મારી તક વચ્ચેથી આ જુવાન માણસો લઈ જાય છે.’ એમની વેદના સમજી શકાય છે.

લોકભારતી પરંપરાની શાળા-મહાશાળાઓમાં પરિવારભાવનું વાતાવરણ સહજ હોવાથી વૃદ્ધો આદરપૂર્વક સચવાય છે. કટોકટી વખતે તેઓ આડા ઘા ઝીલે છે, આત્યંતિકતાથી બચાવે છે. સંચાલકો માટે આ વૃદ્ધો બફરનું કામ કરે છે. ઇસ્માઇલભાઈ નાગોરી, ચુનીભાઈ શાહ, ઝવેરભાઈ પટેલ, વિજયાબહેન પંચોળીનું આ સંદર્ભે સ્મરણ થાય. ફૂલ જેવા હળવા રહી વાતાવરણને ખુશ્બૂદાર રાખતા હોય, ભાર વિના સૌને હૂંફ આપતા હોય તેવા વૃદ્ધોના ફાળા વિશે આપણે ત્યાં નોંધ લેવાતી નથી; લેવાવી જોઈએ. એમની હાજરી સુગંધ જેવી અદૃશ્ય હોય છે. એમની ખબર ન પડે, પણ એમની ગેરહાજરી તરત અનુભવાય છે. લગભગ ૩૦ વર્ષોથી બૂચદાદા આ ભૂમિકા ઉત્તમ રીતે ભજવે છે. શ્રી મનુભાઈ પંચોળીએ એક વાર કહેલું, ‘ગુજરાતમાં, દેશમાં કે બહાર હોઉં ત્યારે મને નિરાંત હોય છે કે સંસ્થામાં બૂચભાઈ છે.’ આ નોંધ પૂરતી ગૌરવપૂર્ણ છે.

હવે એમનું શરીર થાક્યું છે. અંગોની સક્રિયતા ઘટતી જાય છે. તેમણે આ અંગે કહેલું, ‘જીવવાની ઇચ્છા નથી. મરવાની ઉતાવળ નથી.’ આ સમત્વભાવ એમણે સિદ્ધ કર્યો છે. એક વાર હસતાં હસતાં તેમણે કહેલું, ‘હું મૃત્યુ પામીશ ત્યારે લોકભારતીમાં ચારે બાજુ મારા વારસદારો હશે.’ લોકભારતીમાં બૂચનાં વૃક્ષો ભરપૂર છે. કૅમ્પસની બાળાઓ અને કન્યાઓ લાંબી ડાંડલીવાળાં બૂચનાં ફૂલોને (વગર દોરાએ) ગૂંથીને વેણી બનાવી પોતાના અંબોડા શોભાવે છે. એથી તેમણે કહેલું, ‘મારી દીકરીઓ મને અંબોડે રાખીને માન આપશે.’ વૃક્ષોને સંતાન રૂપે જોવામાં એમના સ્નેહવિસ્તારનો જ પરિચય મળે છે.

સન્માનનું નામ પડે એટલે બૂચદાદા ભડકે. ઔપચારિકતામુક્ત સ્નેહમિલન એમને ગમે. પણ હમણાં તેઓ ઓચિંતાના ઝડપાઈ ગયા. દર્શક ફાઉન્ડેશને તેમને ૧૯૯૫નો શિક્ષણ ઍવૉર્ડ અર્પણ કર્યો (તા. ૧૩-૪-૯૬). તેઓએ પ્રતિભાવમાં કહેલુંઃ

‘માસ્તરે તો માનવીની મૂળભૂત સારપ પર પૂરી શ્રદ્ધા રાખીને શાંતિથી પોતાનું કામ કરવું જોઈએ. આજના શિક્ષણની મોટામાં મોટી ખામી માનવી માનવી વચ્ચેનો નરવો સંબંધ અવગણાયો છે તે છે. આપણો પ્રયત્ન પૂરી શ્રદ્ધાથી અને અપાર ધીરજથી એ માનવીય સંબંધોને પ્રસ્થાપિત અને સ્થિર કરવાનો હોવો જોઈએ. જેમાં આજનાં ભય, અવિશ્વાસ અને સ્પર્ધાવૃત્તિ ન હોય. એક શબ્દથી આ સંબંધ દર્શાવવો હોય તો બુદ્ધ ભગવાને પ્રબોધેલો ‘મૈત્રીભાવ’ શબ્દ હું પસંદ કરું.’

અહીં પ્રતીતિનો જે રણકાર છે અને અનાવિલ શ્રદ્ધા છે તે તેમની જીવનભરની ઉપાસનાનું પરિણામ છે.

સંસારની મધ્યમાં રહીને સાધુતા પ્રાપ્ત કરનાર, તાટસ્થ્ય અને સંબંધનો આવો મધુર યોગ રચી શકનાર બૂચદાદામાં ઉત્તમ શિક્ષક અને ઉમદા મનુષ્યનો અનુભવ થાય છે. આવા શિક્ષકો એ ગુજરાતની શોભા છે, આવા મનુષ્યો એ સંસ્થાઓની સમૃદ્ધિ છે.